રુદ્રમહાલય
જ્યારે જ્યારે કોઇ સિદ્ધપુર નિવાસી એની ઉપર મીટ માંડે છે,
ઊભેલાં એના હાડપિંજર એની બુલંદીનો દાવો માંડે છે,
રસિકતા વિનાની દૃષ્ટીઓ તો એને કોરેલો પથ્થર માને છે,
પણ રસિકજનોને એનું ખંડન જાણે અસ્તિત્વોને દઝાડે છે.
કોતરણી કરનારા તો અમર થઈ બેઠાં એમ માન્યું,
પણ;
તોડનારા હજુય માથા પર જોરથી હથોડા પછાડે છે.
અતુલ્ય હતો જ્યારે એ ઊભો હતો, આજે પણ ક્યાં એ હાર માને છે?
રુદ્ર હતો ભીતરમાં એની, તોંય ક્યાં એ હાય લગાડે છે?
હશે કેટલીય કર્પૂરમંજરીઓ મંડોવરોમાં શોભતી,
ને વળી,
હું તો જોઉં છું સ્વપ્નમાં કેટલીય સદ્યસ્નાતાઓ, શુચિસ્મિતાઓ
અને
અપ્સરાઓ કેરાં શિલ્પો,
એમાં પેલી શાલભંજિકાઓ કેટલુંય ખોટું લગાડે છે,
આવા બડભાગીની કમનસીબી પણ અચરજ જગાડે છે.
કરું છું પૂજા હજી પેલી જાળીની બહારથી જ હાથ જોડી,
શ્રદ્ધા છે :
આ ખંડેર હજુ પણ પ્રાર્થના રુદ્રને પહોંચાડે છે.
ઝલક પટેલ, ગુજરાતી વિભાગ, વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત