લઘુકથા: આવાગમન
અચાનક રમણીકભાઈનો ફોન રણકે છે.....સામેથી અવાજ આવ્યો – ‘તમારી ભાણીએ વખ ઘોળી લીધું છે..એને અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં લાવી રહ્યા છીએ.’ અને રમણીકભાઈ એક ઘેર વિષાદમાં ડૂબી જાય છે.તાત્કાલિક રમણીકભાઈ તેમની પત્ની શારદાબેનને લઈને સિવિલ હોસ્પિટલ પહોંચે છે.
એકબાજુ રમણીકભાઈના દીકરા સુકુમાર ની વહુને પ્રસૂતિની વેદના ઉપડે છે .એને શારદાબેન હોસ્પિટલમાં દાખલ કરી છે.
રમણીકભાઈની મનઃ સ્થિતિ એક સહૃદય જ જાણી શકે એવી હતી.એકબાજુ ભાણી જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી હતી તો બીજી બાજુ એક નવો સૂર્ય ઉગવાની આશા હતી.રમણીકભાઈએ સિવિલ હોસ્પિટલમાં જેમતેમ રાત વીતાવી. રમણીકભાઈનું શરીર સિવિલ હોસ્પિટલમાં હતું પણ તેમનો આત્મા તો પુત્રવધુ પાસે હતો.
સવારના આઠેક વાગ્યાનો સુમાર બન્યો છે .અચાનક ભાણીના ICU રૂમમાં ડોક્ટરોની દોડધામ ચાલુ થઈ ગઇ અને પરિણામ એ આવ્યું કે પોતાની વહાલસોયી ભાણી આ દુનિયા છોડીને કાયમ માટે જતી રહી હતી. એને ઘરે લઇ જવાની તૈયારી થાય છે.એમ્બ્યુલન્સ આવે છે.અને રમણીકભાઈ પણ પોતાની ભાણી ની ડેડબોડી લઈને સાથે એની સાસરીમાં જઇ રહ્યા છે.એમ્બ્યુલન્સમાં રમણીકભાઈ પોતાની ભાણીનો હાથ પકડીને આંખમાં અશ્રુ સાથે ભાણીએ જે કર્યું એ બદલ નિશ્ચેષ્ટ ભાણીને ઠપકો આપી રહ્યા છે .
અને ત્યાં જ ફોન રણકે છે.સામે છેડે રમણીકભાઈ નો દીકરો સુકુમાર આનંદભેર બોલી રહ્યો છે કે, "પપ્પા, તમે દાદા બની ગયા છો અને બાબો આવ્યો છે ..
એક બાજુ મરેલી ભાણી નો હાથ તેમના હાથમાં છે અને એકબાજુ કાને ફોન છે .
વિક્રમ દિનેશભાઇ પરમાર (શિક્ષણ સહાયક), નવા વાડજ, અમદાવાદ:-૩૮૦૦૧3. મો.નં. ૯૭૨૩૦૪૫૭૫૧ ઇ-મેઇલ:- sarkarv555@gmail.com