‘સ્પ્રિંગ’: વાર્તામાં નાયકની ચિંતાયાત્રામાં જોવા મળતો આંતરિક મનોસંઘર્ષ
અનુઆધુનિક ગુજરાતી સાહિત્યમાં વાર્તા સ્વરૂપ આજે અન્ય સાહિત્ય સ્વરૂપોની તુલનાએ લોકપ્રિય બન્યું છે એમાં વિવિધ વિષયોનું નાવીન્ય લઈને અનેક નવા સર્જકોએ ખેડાણ કર્યું છે. આ નવા સર્જકો વિશે ઉમાશંકર જોશી નોંધે છે કે : “ ‘દર દસકે’ ઘણા નવા વાર્તાકારો પોતાની વાર્તાઓ લઈને આવે છે, નવલિકા ક્ષેત્રમાં સર્જનના આ પ્રયત્નો એ સાહિત્ય પ્રત્યે આસા જન્માવે છે”. એવીજ રીતે પોતાની વાર્તાઓને ‘વાર્તા ફિક્શન’ કહીને ઓળખાવનાર સર્જક એટલે વિશાલ ભાદાણી. એમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ફિક્શનાલય’ ૨૦૧૮'માં પ્રાપ્ત થાય છે. વિશાલ ભાદાણી ગુજરાતી સાહિત્યમાં વાર્તાકાર અને અનુવાદ ક્ષેત્રે નામ ધરાવે છે, તેમની પાસેથી ધ્રુવભટ્ટની ‘તિમિરપંથી’ અને ‘અકૂપાર’ નવલકથાના અંગ્રેજીમાં અનુવાદ મળે છે.
‘ફિકશનાલય’માં કુલ ૨૦ વાર્તાઓ ગ્રંથસ્થ છે, જેમાં ‘ગુજરાત એક્સપ્રેસ’, ‘ડૂમો’, ‘વાર્તાની ચોપડી’ અને ‘મારા હાથની વાત નથી’વગેરે ભિન્ન ભિન્ન વિષયવસ્તુને વ્યક્ત કરતી વાર્તાઓ છે. અહીં તેમની હૃદયસ્પર્શી વાર્તા વિશે નોંધુ તો : “માત્ર એક ઘટનાથી આકાર પામતી વાર્તાને અહીં સર્જકે મુખ્ય ઘટનામાં નાની-નાની સંસ્મરણરૂપી કરુણદાયી ઘટનાઓ મૂકીને નાયકની ચિંતાયાત્રાને અદભુત શૈલીમાં વર્ણવી છે”. એવી સ્પ્રિંગ નામની વાર્તાને આસ્વાદવાનો મારો ઉપક્રમ છે.
વાર્તાની શરૂઆત ‘નથી રે’વાતું હવે નથી રે’વાતું..’ ભજનથી થાય છે. સાંભળનાર સૌને ઝૂમી રહ્યા હતા, એવામાં જ ગાનારો હાર્મોનિયમ પર ઢળી પડ્યો. જેમ રવજી ભજિયા તળતો તળતો અને ભીખો ભગત ટોકરી વગાડતા વગાડતા એવી જ રીતે ધરમશી પણ ઢળી પડ્યો. થોડીવારમાં અનેક ઘટનાઓ થવા લાગી જેમકે... એમ્બ્યુલન્સ-ડોક્ટર, દવાખાનુ, ગંભીરતા, સગાવાલા, માનતાઓ વગેરે... ધરમશીની ઉંમર સાહેઠ આસપાસ હશે એવામાં આ હુમલો આવ્યો. ડોક્ટરે સૂચવ્યું કે સ્પ્રિંગ બેસાડવી પડશે તેથી ધરમશીને અમદાવાદની અત્યાધુનિક સુવિધાઓ ધરાવતી એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો. સ્ટેચર પર સૂતેલો ધરમશી તેના ભાઈબંધ મનસુખ અને કાનજી વાત કરતા હોય ત્યારે કાનજીની વાત સાંભળે છે “ઓલ્યા દાક્તર એવું કેતા’તા કે ઓપરેશન રૂમની બાર એક ટીવી મૂક્યું સે એમાં ધમલાના હૃદયનું બધું દેખાવાનું સે” આ સાંભળી ધરમશીનું હૃદય વધારે ભીંસાયૂ મન વંટોળે ચડ્યું કે આખો મલક કાળજાની વાતુ ટીવીમાં જોશે તેથી ભગવાન ઠાકરને પ્રાર્થના કરે છે કે સાંજનું વાળું ભેગું કરશું. ધરમશીને બેભાનવસ્થામાં થયું કે ડોક્ટરો એની છાતીમાં કાપો મુકશે, કાળજામાં કેમેરો નાખશે અને બધું સગાવહાલા ટીવીમાં જોશે તેથી તેની ચિંતા યાત્રા શરૂ થાય છે ને વાર્તા આખી ફ્લેશબેકમાં જાય છે. એના ચિત્તમાં ચિંતા-યાત્રા શરૂ થઈને અનેક ઘટનાઓ આકાર પામવા લાગી. એના જીવનની સારી-નરસી વાસ્તવિકતાઓ આ ચિંતા-યાત્રામાં ઘટનારૂપી રીતે જોવા મળે છે : ૧) ધરમશી જ્યારે મામાને ઘરે હતો ત્યારે એ સાનુ માનુ કોકના બંધ કમાડની તડમાંથી કાંક જોતો. (૨) ગામ માલપરાના ડાયરામાં ભજન ગાવા ગયેલો ત્યારે સરપંચના ઘરે રૂપાળી પિત્તળની ટ્યુબડી જોઈને જીવ બગડેલો. (૩) શેઢાના ડખામાં મોટાભાઈએ કુટુંબની હાજરીમાં એક વાળગાડેલી એ જ રાત્રે એના મોટાભાઈનો ૨૦ ગાડી કપાસ સળગેલો તેથી તેના પર આરોપ આવેલો. (૪) પોતે તેની પત્ની મધુનો ગુનેગાર હોય છે, ડોક્ટરને બતાવવાથી એમાં જ વાંધો નીકળેલો પણ આળ મધુ પર નાખેલું તેથી પોતાની જાતને કોષૅ છે. (૫) મુળજી એનો ભાઈબંધ સરપંચની ચૂંટણીમાં ઊભેલો એ વખતે એણે નાતના માણસને સપોર્ટ કરેલો. (૬) છેલ્લી ચિંતા યાત્રામાં એનો મિત્ર બૂમ પાડે છે કે ‘ધમલા બસ હવે, બોવ જીવ્યો. હવે બોવ બળ કર માં. આવતો રે’ અહીં અમને તારા ભજનો સાંભળવા છે લે દોરડું આપુ પકડી લે. જેવું દોરડું પડ્યું કે એને બીજો અવાજ આવ્યો ‘બાજરામાં... બાજરામાં...’ તેથી તે અટકી ગયો ને ફરી પાછી મામાના ઘરની ઘટના... મામાના પાડોશી ખેતરમાં કામ કરતી અજવાળી જેની સાથે બપોરે બાજરીના ખેતરમાં ભેળા જીવતર જીવવાના ઓરતા વાવતા પણ નાત આડી આવી, અને અજવાળીના લગ્ન એના ભાઈબંધ મનસુખ સાથે થયેલા. આમ ચિંતા યાત્રામાં વાર્તાકારે ધરમશીની વ્યથાની એક પછી એક નાનીનાની ઘટના અહીં આલેખી છે. ધરમશીને થાય છે કે અરે આ બધું ટીવી પર આવી ગયું. હવે અહીં ના રહેવાય દોરડું પકડી લે છે. દોરડું પકડતા બધું ભૂછાવા લાગ્યું, કેમેરાએ તેને તેના હૃદયમાંથી ધક્કા મારી મારીને બહાર કાઢ્યો અને તે ભાનમાં આવ્યો. વાર્તાના અંત તરફ જતા સામાન્ય રીતે વાર્તાકારો નવલિકાનો અંત અણધાર્યો, ચમત્કૃતિપૂર્ણ લાવવા પ્રયત્ન કરતા હોય છે. અંત ચમત્કૃતિપૂર્ણ હોય એનો વાંધો નહીં, પણ તે પ્રતિકિર હોવો જોઈએ આ સંદર્ભે સેજવી નોંધે છે કે :- “A story is like a horse-race, it is the start and the finish what count most” (ટૂંકીવાર્તા ઘોડાદોડની સરત જેવી છે,જેમાં આરંભ અને અંત જ વિશેષ નોંધપાત્ર છે). અંતે ધરમશી ભાનમાં આવ્યો ને આંખ ભૂલીને જોયું તો ડોક્ટર નર્સને સલાહ આપતા હતા કે કલાક પછી સગાવહાલા મળવા આવે તો એક સાથે બે જણા ન આવે. બધા વારાફરતી મળવા આવ્યા. છેલ્લે મનસુખ અને અજવાળી પણ આવ્યા. ધરમશી અને અજવાળીની આંખો મળી. ખેતરમાં લીલોછમ બાજરો લહેરાયો. સાંજે વાળું પાણી કરીને દોરડું ખેંચનારાઓની વિનંતીને માન આપીને ધરમશીએ લલકાર્યું ‘નથી રે’વાતું હવે નથી રે’વાતું..’.
વાર્તામાં આવતા પાત્રો અને તેની સાથે જોડાયેલા સંવાદો તરફ નજર કરીએ તો અહીં વાર્તાકારે નાયકને જાત સાથે થતો સંવાદ અને પાત્ર પાત્ર સાથે થતો સંવાદ નિરૂપ્યો છે જે એક સર્જકની આગવી વિશેષતા જોવા મળે છે. મુખ્ય પાત્ર નાયક ધરમશીને જાત સાથે થતો સંવાદ જોઈએ તો :-“આ કેમેરો હવે કેટલે ઊંડે જાહે ? લે જો ખૂણામાં સૂંટણીની વાત દબાયેલી પડી સે. મુળજી મારો ભાઈબંધ. સરપંચની સૂંટનીમાં ઊભેલો એ વખતની વાત સે. એણે મને કીધેલું. ‘ધમલા તારા આખા કુટુંબને હમજાવી દેજે કે આ સૂંટણીમાં નાત્ય નહીં માણહ જોવાનો સે’ ”(પૃ-૬૩). જ્યારે ધરમશી હોસ્પિટલમાં સ્ટેચર પર સૂતેલો હોય છે ત્યારે એના બે ભાઈબંધ જે વાતો કરતા હોય તે વખતનો સંવાદ :-
“કાનજી : મનિયા, તું જોજે. એકવાર ધમલાને ઈસ્પરીંગ ફિટ કરશેને એટલે ઈવડો ઈ દોડતો થઈ જાવાનો દોડતો.
મનસુખ : પણ માલીપા ઈસ્પરીંગ વાગે નઈ ? આ બધું ખરું લાવ્યા નઈ ?
કાનજી : લે કર વાત ! તુ હાવ ડોબો જ રયો ! આમ જો આ બધા મશીનો ભાળતો નથ્ય ! ઓલ્યા દાક્તર એવું કેતા’તા કે કે ઓપરેશનરૂમની બાર એક ટીવી મૂક્યું સે એમાં ધમલાના હૃદયનું બધું દેખાવાનું સે” (પૃ- -૬૧).
ભાષાસૃષ્ટિ અને તેના થકી જોવા મળતું વર્ણનમાં વાર્તાકારે શિષ્ટ ભાષાનો ઉપયોગ કર્યો છે પરંતુ તેમાં ગીત અને ગ્રામ્યભાષાનો મહિમા પણ જોવા મળે છે. વાર્તામાં આવતું ગીત જોઈએ તો :-
“નથી રે’વાતું હવે નથી રે’વાતું.. (૨)
જેને જેને કહું હું દલડાની વાતું;
મૂરખ ગણીને મને મારે સે લાતું
નથી રે’વાતું હવે નથી રે’વાતું.. (૨)”(પૃષ્ટ-૬૦).
વાર્તામાં શિષ્ટ ભાષામાં જોવા મળતું વર્ણન :-
“સાંભળનારા સૌ ઝૂમી રહ્યા હતા, તબલા વાદકના હાથ કળા કરી રહ્યા હતા, મંજીરા વાળો આકાશ તરફ જોઈને લીન થઇ ગયો હતો... બરાબર એવામાં ગાનારો હાર્મોનિયમ પર ઢળી પડ્યો”(પૃષ્ઠ-૬૦).
વાર્તામાં ગ્રામ્ય ભાષામાં જોવા મળતું વર્ણન :-
“હા લે લે, આ લાલઘૂમ અંધારામાં આ નાનો એવો સોકરો કોણ સે ? લે આ તો હું સું ! આ મારા મામાનું ઘર, હા ગાય બાંધવાનું સાપરુ, આ મેડી, આ વાડો, એક દિ હું સાનોમાનો કોકના બંધ કમાડની તડમાંથી કાંક જોતો’તો..” (પૃ-૬૧).
રસ અને સંઘર્ષ સંઘર્ષની બાબતમાં વાર્તાકારે પુરી વાર્તામાં નાયકના જીવનને સંઘર્ષમયી આલેખ્યું છે નાયકની ચિંતા-યાત્રાની દરેક ઘટનામાં કરુણતાભર્યો આંતરિક મનોસંઘર્ષ નીરુપાયો છે. ભાવક રસનિષ્પત્તિ માટે જ કૃતિ પાસે જતો હોય છે. વાર્તાની શરૂઆતમાં જ ‘નથી રે’વાતું હવે નથી રે’વાતું..’ કરુણ ભજન ગાતા નાયકને હુમલો આવતા ઢળી પડે છે. અને તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. હોસ્પિટલમાં તેની ચિંતા યાત્રામાં જાણે એક પછી એક જીવનના કાંડ ટીવી પર આવવા લાગ્યા. તેથી તેને જીવવાનો મોહ રહેતો નથી. જેથી તે દોરડું પકડીને ઉપર જવા માંગે છે જેવું દોરડું પકડવા જાય છે એવામાં સાદ આવે છે કે ‘બાજરામાં... બાજરામાં...’પરંતુ કંઇ ન દેખાતા દોરડું પકડે છે. તેની નાભિમાંથી વળગણ જેવી ઘટનાઓ, યાદો અને વ્યક્તિઓ ખરવા લાગ્યા. આમ નાયકનું જીવન કરુણદાયી અને સંઘર્ષમયી જોવા મળે છે.
વાર્તાનું શીર્ષક અને વિષયવસ્તુ અનુઆધુનિકતાના લક્ષણ ધરાવતું એકદમ નાવિન્ય છે. અંગ્રેજી શબ્દ ‘સ્પ્રિંગ’ પરથી બનેલી આ વાર્તાનું વિષયવસ્તુ, પાત્રસૃષ્ટિ,સંવાદ, વર્ણન અને ભાષાશૈલીથી એક ઉત્તમ વાર્તા બની રહે છે.
સંદર્ભગ્રંથ :-
તુરી સુરેશકુમાર માંગીલાલ, ગુજરાતી, અનુસ્નાતક, શ્રી અને શ્રીમતી પી.કે.કોટાવાલા આર્ટ્સ કૉલેજ, પાટણ મો : ૯૬૬૨૩૪૧૯૮૩ Email : suryabarot8@gmail.com