‘વેલકમ જિંદગી’ નાટ્યકૃતિની પાત્રસૃષ્ટિ
પ્રસ્તાવના :
નાટ્યકાર સૌમ્ય જોશી કૃત ‘વેલકમ જિંદગી’ દ્વિઅંકી નાટક છે. નાટ્યકારે અહીં આધુનિકયુગમાં મુંબઈ જેવા મેટ્રોસિટીમાં મધ્યમવર્ગીય પરિવારમાં ભીંસાતા-પીડાતા પાત્રોની હ્રદયવ્યથાને સહજ રીતે પ્રગટ કરી છે. મુંબઈ જેવા મહાનગરમાં વસતા અરુણ જેવા કંઈ કેટલાય મધ્યમવર્ગીય કુટુંબોના પુરુષોની શારીરિક અને માનસિક વેદનાને અરુણના પાત્ર નિમિત્તે પ્રગટ કરવાનો નાટ્યકારનો પ્રયાસ જણાય છે.
મુખ્ય પાત્રસૃષ્ટિ - જેમાં મુખ્ય ત્રણ પાત્રો છે. (૧) ભાનુ (૨) અરુણ અને (૩) વિવેક. ત્રણેય પાત્રો પોત-પોતાનું આગવું વ્યક્તિત્વ ધરાવે છે.
(૧) ભાનુ
ભાનુ અરુણની પત્ની છે અને વિવેકની માતા છે. તે એક મધ્યમ વર્ગીય પરિવારની ગૃહિણી છે. તેની ભાષા Typical જણાય છે. જેમાં સાવરકુંડલા વિસ્તારની તળપદ બાનીની છાંટ જણાય છે. ભાનુનું જે વ્યક્તિત્ત્વ આપણી સામે ખડું થાય છે. તેમાં ભાનુ આદર્શ ઘરરખ્ખુ ગૃહિણી તરીકે ઉપસી આવે છે. અરુણ ભાનુ સાથે જે વ્યવહાર-વર્તન કરે છે તે આમ તો સહજ છે અને બીજું એ કે તે પણ પોતાના કામની રોજે-રોજની વ્યસ્તતાથી એટલો તો થાકી ગયો હોય છે કે તેને થોડી હળવાશની જરૂર હોય છે. આથી તેનું ભાનુ સાથેનું અમુક વર્તન વર્તમાન સમયનાં કેળવાયેલા અને શિક્ષિત વર્ગને કદાચ અજૂગતું લાગે. પરંતુ ભાનુ પોતાના પતિની બધી જ માનસિકતાથી વાકેફ હોય આથી તેના માટે આ વર્તન એકદમ સહજ છે કે સહજરૂપે સ્વીકારી લીધું છે. આમ, ભાનુ એક ભારતીય નારીના રૂપે આપણી સમક્ષ પ્રસ્તુત થાય છે.
પત્ની તરીકે ભાનુ જેમ સફળ જણાય છે એવી જ રીતે એક માતા તરીકે પણ તે ગૌરવવંત જણાય છે. દીકરા વિવેક અને પતિ અરુણ વચ્ચે નાની એવી વાતને લઈ અણસમજને કારણે વર્ષોથી સામસામે બોલવા વ્યવહાર નથી ત્યારે ભાનુ જ એ બંને વચ્ચેનું માધ્યમ બને છે. ભાનુ પણ સ્વીકારે છે કે પોતે બાપ-દીકરાને જોડતો બ્રીજ છે. નાની અમથી વાતમાં ગેરસમજણને કારણે પુત્ર અને પિતા વચ્ચે થયેલા અબોલા દૂર કરવા ભાનુ ઘણા પ્રયાસો પણ કરે છે. પણ તેમાં તે સફળ થતી નથી. વિવેકના મનમાં પોતાના પિતા વિષે ખોટી ગ્રંથી બંધાઈ ગઈ હોય છે. ભાનુ પણ જાણે છે કે જો પિતા-પુત્ર આમને-સામને ખુલ્લા હ્રદયે વાતચીત કરશે તો જ તેમની વચ્ચે રહેલું આ અંતર દૂર થશે.
વિવેકે M.B.A. નો અભ્યાસ પૂર્ણ કર્યો હોય છે. આથી તેને બિઝનેસ માટે ચાર લાખ રૂપિયાની જરૂર પડતા તે મમ્મીને પપ્પા પાસેથી માગી આપવા કહે છે, ત્યારે પણ ભાનુ વિવેકને સમજાવે છે કે ચાર લાખ રૂપિયા એટલે નાની-સુની વાત નથી. આ વાત તો તેને ખુદે જ પિતાને કરવી પડે. અહીં પણ પુત્રના ચિત્તમાં રહેલી ભ્રમણાઓ દૂર કરવા માટેનો જ તેનો પ્રયાસ જણાય છે.
વિવેક જયારે છઠ્ઠા ધોરણમાં ભણતો હોય છે ત્યારે પપ્પા પાસે રમવા માટે બૉલ મંગાવેલો. વારંવાર મગાવવા છતાં પપ્પા બૉલ લાવી શકેલા નહિ, છેવટે મમ્મી બૉલ લાવી આપે છે. બૉલ મળ્યાની ખુશીમાં ને ખુશીમાં વિવેક ઑફીસેથી થાકીને આવેલા પપ્પા સામે બૉલ ફેંકે છે. ને પપ્પાના ચશ્મા તૂટતા પપ્પા તેને લાફો મારી બૉલ બારી બહાર ફેંકી દે છે. આથી વિવેક રડતો-રડતો સૂઈ જાય છે. આ બનાવ પછી વિવેક પપ્પા સાથે અબોલા શરૂ કરે છે. ભાનુ વિવેકને સમજાવે છે કે તું સૂઈ ગયો પછી બૉલ તારા પપ્પા જ નીચે જઈને લઈ આવ્યા હતા ને તારી પાસે મૂક્યો હતો. ઉપરાંત બૉલમાં હવા પણ તારા પપ્પા જ પુરાવતા હતા. ત્યારે વિવેકના મનમાં પપ્પા વિષે રહેલી ભ્રમણાઓ થોડી દૂર થાય છે.
નાટકના આરંભે ભાનુ કેટલીક અંગત વાતો મૂકતા કહે છે કે પતિના ટૂથબ્રશ પર પેસ્ટ પણ પોતે જ લગાવી આપવી પડે છે. અને એ પણ નળાકાર આ સિવાય તેના પતિને નાહી લીધા પછી બાથરૂમમાંથી જ ચપટી વગાડીને ટુવાલ માગવાની આદત છે. તો જ તેમને મજા આવે. ભગવાનનો દીવડો પણ ઘી પીવડાવીને તૈયાર રાખવો પડે છે. પણ તેમ છતાં ભાનુને એ વાતનો આનંદ છે કે દર ત્રીજા શનિવારે મંદિરે જવાનું હોય ત્યારે લાઈનમાં ઊભું ના રહેવું પડે એટલે અરુણ આગલા દિવસે ટીકીટ લઈ આવી ધ્યાન રાખે છે. ભાનુ પતિની વ્યસ્તતાને જાણે છે એટલે જ તે કહે છે કે ટૂથપેસ્ટ, ટુવાલ, જમવાની થાળી એ બધા લાડ લડાવવા સામે ઘરમાં હોય ત્યારે એકકલાકને પાંત્રીસ મિનીટ પ્રેમ કરે છે. આ સિવાય ટ્રેનમાં લથડતા-લબડતા ને ગાંધી એસોસિયેટમાં ખાતાવહીઓ ચકાસતા-ચકાસતા...
(૨) અરુણ
અરુણ નાયિકા ભાનુનો પતિ છે અને વિવેકનો પિતા છે. તે ગાંધી એસોસિએટમાં હેડકલાર્કની ફરજ બજાવે છે. જેની ભાષા પણ એક જૂદું વ્યક્તિત્ત્વ ખડું કરે છે. આ પાત્રની ભાષા સમયે અને સ્થળે બદલાતી જોવા મળે છે. ઑફિસમાં હોય ત્યારે તેની ભાષા જુદી, ઘરમાં પત્ની ભાનુ સાથે વાત કરતા ભાષા જૂદું રૂપ લઈ આવે છે. તો દીકરા વિવેક સાથે જુદા જ ટૉનમાં વાત થાય છે.
સવારે છ વિસે અને રાત્રે નવની ટ્રેનમાં પાછો ફરતો કથાનાયક અરુણ નોકરીની આટ-આટલી હાડમારીમાં પીસાતો પાછો પારિવારિક વિટંબણાઓમાં સપડાય છે. દીકરાને સ્ટાન્ડર્ડ બૉલ લાવી આપવા માગતો બાપ વચ્ચે દાદર સ્ટેશને ઉતરવું પડે એટલે થાકને કારણે આજ નહિ કાલ ઉતરીશ એમ કરીને દિવસો ઠેલાવ્યે જાય એ સમજી શકાય છે. મમ્મીએ બૉલ અપાવવાના કારણે સાંજે ઑફિસેથી ઘેર આવતા પપ્પા સામે દીકરો ખુશીમાં બૉલ ફેંકે ને પપ્પાના ચશ્મા તૂટી જતાં લાફો મારી બૉલ બહાર ફેંકી દે છે. આમ, બિલકુલ સામાન્ય એવી ઘટના બંનેના મનમાં દેખાય નહી એવી મોટી તિરાડ ઊભી કરી દે છે. સતત ગૂંચવાયેલો રહેતો માણસ પોતાના ઘરમાં આવું વર્તન કરી બેસે એમાં કશું અજુગતું લાગતું નથી. આવી નાનકડી ઘટનાથી પિતા-પુત્ર વચ્ચે અબોલા થાય છે.
અરુણ અને વિવેક વચ્ચે અબોલા હતા એનો અર્થ એ નહોતો કે પિતા-પુત્ર વચ્ચે લાગણીનાય સંબંધો નહોતા. અરુણ મુસાફરીમાં સેકન્ડ ક્લાસનો ટીકીટ પાસ વાપરતો. કારણકે મધ્યમવર્ગને એ જ પોષાય. પૈસા ઓછા ખર્ચવા પડે માટે તે સેકન્ડ ક્લાસ ટ્રેનમાં લથડતો-લબડતો ઘેર પહોંચતો. ભાનુ પતિની આ સ્થિતિ જોઈ ફર્સ્ટ ક્લાસનો પાસ કઢાવવા કહેતી. ત્યારે અરુણ હળવાશથી કહી દેતો કે બંનેમાં સરખી જ ભીડ હોય.
ભાનુ અરુણના ફેરવૅલ ફંક્શન માં જે તૈયારીઓ કરી હતી તેની વાત પ્રેક્ષકોને કરે છે. આવતી કાલે અરુણની નિવૃત્તિનો કાર્યક્રમ છે. અરુણ બધાને ફોન પર આમંત્રણ પાઠવી રહ્યો છે. ભાનુ કહે છે. જેને ફોન કરવો જોઈએ એ એક જ ફોન નથી કરતા. જેમ-જેમ ફંક્શનનો દિવસ નજીક આવતો જાય છે તેમ-તેમ વિવેકના ફોન વધતા જાય છે.
ફૅરવેલ ફંક્શન કૅન્સલ થયું છે. ભાનુ અરુણને સાંત્વના આપતા કહે છે કે સાડા સાત વાગ્યા ફંક્શન તો થાશે જ મોડું થાશે અરુણ કહે છે કે સાડા સાત તો વાગ્યા ફંક્શનનો ટાઈમ તો શરૂ થઈ ગયો છે. ભાનુના ખભે હાથ મૂકી તે કહે છે. ચીફ ગેસ્ટ તો અહીં હાજર જ છે, તો મેં પંદર દિવસ મહેનત કરીને સ્પીચ તૈયાર કરી એ વાંચી સંભળાવું. અરુણ ભાનુને બેસાડે છે. પ્રેક્ષકો બેઠા હોય એમ બોલવાનું ચાલું કરે છે. અરુણ કહે છે, છેલ્લા પંદર દિવસમાં ૧૦૦ પાના લખ્યાં હતા. જેમાંથી ૯૬ પાના ફાડી નાંખ્યા, પણ મને એ વાતનો આનંદ છે કે મારા જેવા માણસ પાસેથી પણ ચારેક પાના તો મળે છે. આરંભ ભાનુની વાતથી કરે છે અને જણાવે છે કે આગળનાં ૯૬ પાના ફાયટા એ પણ ભાનુ વિષે લખવામાં જ. આગળ અરુણ કહે છે. ‘૯૬ પાના ફાડ્યા એ ચાર લીટી લખવામાં ફાયટા સાહેબ... ને તોય હું લખી નો શક્યો. મારી હેસિયત નથી.’ (વેલકમ જિંદગી.પૃ.૮૧) બાકીના બધા પાનાઓમાં દીકરા વિવેક વિશેની વાત છે, તે એ વાતનો પણ ખુલાસો કરે છે કે પ્રેક્ષકોને એવું થતું હશે કે આ પ્લેટફોર્મ ઉપરથી હું અંગત વાતો કેમ કરું છું. પણ આપણી પાસે બીજું કંઈ છે જ નહિ.
પછીથી અરુણ વિવેકના બાળપણથી માંડી તે આટલો મોટો થયો ત્યાં સુધીમાં પિતા તરીકે દીકરા માટે કેવી કેવી તકલીફો ઉઠાવીને પણ તેની સલામતી માટેના પ્રયાસો કર્યા હતા. તેનો સંપૂર્ણ ચિતાર રજૂ કરે છે.
કથાનાયક અરુણ વાતનો ઘટસ્ફોટ કરતા જણાવે છે કે ‘સાહેબ, આજે આપણે વાત નથી કરી શકતા ને એ આપણી મોટામાં મોટી તકલીફ.’ (વેલકમ જિંદગી.પૃ.૮૪) જે આધુનિક સમયનાં વાલીઓ અને યુવાવર્ગના યુવક-યુવતીઓને સ્પર્શે છે.
વિવેક જયારે નાનો હતો અને પથારી પલળી જતી ત્યારે અરુણ રાત્રે બે-બે વાગ્યે ઊઠતો. વિવેકને એ વાતની ખબર જ નથી કે રોજ રાત્રે બે-બે વાર મમ્મી નહિ પરંતુ પપ્પા ઊઠતા હતા. ત્યારે અરુણ વિવેકને એ વાતનો ખુલ્લાસો પણ નહોતો કરી શક્યો કે બેટા મમ્મી નહીં હું જાગતો’તો, અરુણ પ્રેક્ષક વર્ગને આ પરથી સાર ગ્રહણ કરવા કહે છે કે : ‘વાતો બંધ થાય ને એટલે એવી બંધ થાય છે કે આપણા છોકરા જતા રહે છે ને આપણે ગમે તેટલું રિબાતા હોઈએ ને તોય સાલુ મોઢામાંથી નીકળે એવું’તું પાછો આવી જા, તારી મા નથી જીરવી શકતી.’ (વેલકમ જિંદગી.પૃ.૮૫)
અંતે અરુણ એટલું જ કહે છે કે ઑફિસમાં જેમ આપણે આજનું કામ કાલ પર નથી નાખતા. એવી રીતે આપણા સંતાનોની માંગને પણ આપણે કાલ પર ન ઠેલવવી જોઈએ. કારણકે ‘આ બાળકો પે’લા બૉલ ફેંકે છે અને પછી થ્રો-થ્રો થોટ્સ. અને ઈ જયારે થોટ્સ ફેંકેને ત્યારે આપણી ઓલી કૅચ પ્રૅક્ટિસ છૂટી ગઈ હોય છે, અને જતા રહે છે છોકરાં.’ (પૃ.૮૫) બધાને એક-એક પેન ગીફ્ટ કરે છે. અને કહે છે આ પેન તમારાં બાળકોને આપજો જેનાથી એ તમારું ચિત્ર દોરે કે તમારા પર નિબંધ લખે. અને કહે છે મેં આ લખાણની ૩૨ કોપી કરાવી છે. એક કોપી વિવેકને પણ મોકલીશ. પછી એણે જે નિર્ણય લેવો હોય ને ઈ લે.
(૩) વિવેક
વિવેક ભાનુ અને અરુણનું એકમાત્ર સંતાન છે. છતાં પણ વિવેક ઘણો સમજુ છે, પરંતુ દીર્ઘ સમયના અબોલા અને પપ્પા વિષે ઘર કરી ગયેલી ગ્રંથી તેને બાપથી અળગો રાખે છે. આજ-કાલના ફૅશનના યુગમાં ઠાઠ-માઠથી ફરતાં યુવકોથી તે ઘણો જુદો છે. તે મધ્યમવર્ગીય પરિવારની અને મમ્મી-પપ્પાની દરેક મુશ્કેલીઓને સમજે છે. મૈત્રી વિશેના તેના ઉમદા વિચારો પાત્રને ‘મુઠ્ઠી ઊંચેરું’ બનાવે છે.
દીકરા વિવેકના પર્સમાં સેકન્ડક્લાસનો પાસ જોઈ અરુણ ભાનુ પાસે તેના બે ફોટા મગાવી ફર્સ્ટ ક્લાસનો પાસ કરાવે છે. સામે પક્ષે વિવેક પણ સમજતો જ હોય છે કે પપ્પા આટ-આટલી મહેનત કરતા હોય અને સેકન્ડ ક્લાસનો જ પાસ વાપરતા હોય તો પોતે તો યુવાન છે, સક્ષમ છે. પોતે ફર્સ્ટ ક્લાસનો પાસ કઈ રીતે વાપરી શકે ? આથી તે મમ્મીને કહે છે. એમને મારો પાસ ફર્સ્ટ ક્લાસનો કરાવવા કોણે કહ્યું હતું ? તો બીજી બાજુ વિવેક પણ પપ્પાનું એટલું જ ધ્યાન રાખે છે. પપ્પાની શુક્રવારની રજા માટે તે ફૂલ બૉડી-ચૅકઅપ માટે ડૉક્ટરનું ઍપૉયમૅન્ટ સર્ટી લઈ આવી મમ્મીને આપે છે. સાથોસાથ મમ્મીને કહે છે કે પચાસ વર્ષ પછી તો દર વર્ષે પુરા શરીરનું ચૅકઅપ કરાવવું જોઈએ. આમ, બાપ દીકરાની ને દીકરો બાપની ચિંતા કરે છે. ભલે એકબીજા સાથે કશું બોલતા નથી. પરંતુ હ્રદયના તાર જોડાયેલા છે. એ જોઈ ભાનુ રાજીપો અનુભવે છે.
ઊભી થયેલી તિરાડ ઘટવાના બદલે વધતી જ જાય છે. ભાનુ તિરાડને દૂર કરવા જેટલા પ્રયાસો કરે છે એટલી જ એ વધારે નિષ્ફળ જાય છે. વિવેકને બિઝનેસ કરવો હોય છે. આથી તે પપ્પા પાસે ચાર લાખ રૂપિયાની માગણી કરે છે. પપ્પાએ પૂરી જિંદગી પાય-પાય કરીને એકત્ર કરેલી મૂડી કદાચ દીકરાની નાદાનિયતને કારણે વેડફાઈ ન જાય એ બીકે અરુણ તરત પૈસા આપવાની ના પડે છે. તપાસના અંતે તે પૈસા આપવાનું વિચારે છે. પિતા-પુત્ર વચ્ચે ૧૫ વર્ષથી બોલવા સંબંધ નહોતો. પરંતુ હવે પિતા-પુત્ર એકદમ આક્રોશમાં સામસામે આવી જાય છે.
વિવેકની વાતો પરથી અરુણને થોડો-થોડો એવો ભાસ થાય છે કે વિવેક બિઝનેસમૅન બાપના દીકરા નિશાંતની સાથે રહીને સફળતાથી બિઝનેસ કરી શકશે નહીં. ભાનુ આ તંગ પરિસ્થિતિને સારી રીતે પામી ગઈ છે. આથી તે અરુણને સમજાવે છે કે વિવેક માટે પોતે જે કાંઈ મહેનત કરી, રહેવા માટે નાનકડું ઘર લઈ શક્યા, એમાં કાંઈ મોટી ધાડ નથી મારી. દરેક પિતા પુત્ર માટે આ બધું કરતો જ હોય છે. ભાનુની વાત સાથે સંમત થતાં અરુણ બિઝનેસના પેપર્સ તપાસે છે. પછી ભાનુ વિવેકને ફોન પર જણાવે છે કે તેના પિતાએ બિઝનેસ માટેના કાગળો ચેક કરી લીધા છે. તો વિવેક જણાવે છે કે તેણે નિશાંતને બિઝનેસ માટેના પાડી દીધી છે. આ સાંભળી અરુણ ટૅન્શનમાં આવી જાય છે. અરુણ જોરથી ફાઈલ ફેંકે છે.
અરુણથી રહેવાતું નથી અને તે વિવેકને કહે છે કે તારો બાપ અહીંયા કાગળિયા તપાસતો હતો ત્યારે તું ભાઈબંધો સાથે ઐયાશીઓ કરતો હતો. ત્યારે વિવેક પણ જવાબ આપી દે છે કે તમારા મગજમાં જે ભૂંસુ ભર્યું હોય એ જ તમને સમજાય છે. તમને શું છે ? શું હં ! નિશાંત કોણ છે ? એનો બાપ કોણ છે ? માલિકો છે મારા ! એવી નોકરગીરી મારામાં છે જ નહિ. આ પૈસાદારો હોય ને એ આપણને મુઠ્ઠીમાં રાખેને આપણે એની મુઠ્ઠીમાં ઘૂસી જઈએ. એ બધા કૉમ્પ્લૅક્ષ તમારા છે, મારા નહિ. ‘મારી Values Clear છે. એક માણસ જે Human Lifeની બાબતે Careless હોયને, એ પાંચ કરોડ કે પાંચ હાજર કરોડ ગમે તેટલાનો માલિક હોય પણ મારો દોસ્ત ના હોય શકે…’(વેલકમ જિંદગી.પૃ.૫૩)
દીકરાની આ વાત સાંભળતા અરુણ શાંત થઈને કહે છે. લાવ, હું તને ચેક પર સહી કરી આપું. વિવેક ના પાડે છે. અરુણ કહે છે તું પછી આખી જિંદગી મને બ્લેમ કરીશ. વિવેક કહે છે હું બ્લેમ નહિ કરું. મને તમારા જેવી ટેવ નથી. પછી વિવેક પપ્પાએ વારંવાર કહેલી આર્થિક ગરીબી, પિતાજીની બીમારીની વાતો વિષે કહે છે. અરુણ છેક સુધી એક જ વાત કરે છે તું ચેક લઈ લે, હું નિશાંતને ફોન કરું છું. અરુણ ફોન ઉપાડે છે અને વિવેક જોરથી ફોન ખેંચે છે. ફોન વાયરમાંથી છૂટો પડી જાય છે. રસોડામાંથી ભાનુ બહાર આવે છે. વિવેક પોતાનો અંતિમ નિર્ણય જણાવતાં કહે છે . ‘મમ્મી મારે આ ઘર છોડવું પડશે. I hate Losing Control. અત્યારે મને બહુ બધા ટૅન્શનસ છે. મને મારું ટૅન્શન છે. મારી કરિયરનું ટૅન્શન છે. આ ઘરનું ટૅન્શન છે. હું બધું એક સાથે મેનેજ નહિ કરી શકું. I am Twenty-Five મારે જલ્દી Fast કંઈક કરવું છે ને અહીંયા રહીને હું કાંઈજ નહી કરી શકું.’ (પૃ.૫૭) વિવેક ઘર છોડીને જતો રહે છે.
વિવેક ગયાને ૨૭ દિવસ થયા છે. ભાનુના વર્તન પરથી અરુણને સમજાય છે કે ભાનુ પણ ખૂબ ટૅન્શનમાં છે. આથી અરુણ ફોન ઉપાડી નંબર ડાયલ કરે છે. વિવેક ઘેર આવે છે.
અરુણ કહે છે, જો મેં તને એટલા માટે ફોન કર્યો કે... તું ઘરે પાછો આવી જા... ના, ભાનુ છે ને.... એ નથી જીરવી શકતી. એટલે અંતે થાકીને અરુણ અંતિમ હથિયાર અજમાવતા કહે છે. તું બધું બાજુ પર મૂકી દે ખાલી તારી માનો વિચાર કર. ત્યારે વિવેક એકદમ ગુસ્સાથી ‘જો પપ્પા મારામાં છે ને લાખ Problems હશે, પણ મને એક વાતની પાકી ખાતરી છે કે આ દુનિયામાં કોઈ માણસની એવી હેસિયત નથી કે મને એમ કહી શકે કે તું તારી માનો વિચાર કર.’ (વેલકમ જિંદગી.પૃ.૬૭) પછી પોતાના બાલ્યકાળના અનુભવની વાત કરે છે કે પોતે નાનો હતો ત્યારે મમ્મીથી રાત્રે ઊઠાયું નહિ ને પથારી પલળી ગઈ. ત્યારે પપ્પાએ મમ્મીને ધક્કો મારેલો. મમ્મીને બીજી વખત આવો ધક્કો ન ખાવો પડે એટલે પોતે બે-બે વાગ્યા સુધી આંખો પહોળી કરીને જાગવા પ્રયાસ કરતો. કાંઈ બે-બે વાગ્યા સુધી ફૂટબૉલની મૅચિસ નહોતો જોતો. અને વિવેક જવા કરે છે.
વરસાદને કારણે ફૅરવેલ ફંક્શન બંધ રહેતા વિવેક પપ્પાને અભિનંદન પાઠવવા ઘરે રૂબરૂ આવી નીચે ઊભો-ઊભો મોબાઈલમાં પપ્પાની પોતાના વિશેની આખી સ્પીચ સાંભળે છે. ભાનુ કહે છે કે કાનના જલસા હોય ને ઈ આંખોથી નો કરાય. અને તે ફોન અરુણના કાને ધરે છે. અને જણાવે છે કે ‘તમે સ્પીચમાં વિવેકનું નામ બોલ્યાને ત્યારનો એને ફોન જોડી દીધો’તો. એણે આખી સ્પીચ સાંભળી તમારી.’(વેલકમ જિંદગી.પૃ.૮૭) અરુણ અચકાતો મોબાઈલ કાન પર મૂકે છે. ૨૦ સેકન્ડ સાયલન્સ. વિવેકના રડવાનો અવાજ આવે છે. ભાનુ કહે છે કે – તો તમેય રડો જ છો ને. તો અરુણ કહે છે તું પણ રડે છે. અરુણ મોં ધોવા વૉશબૅઝીન તરફ જાય છે. ભાનુ ફોન પર વાત કરે છે. તે કહે છે હવે સંભળાતું નથી. ત્યાં વિવેક ઘરની બારીમાંથી ડોકાય છે. બારણું ખોલે છે. વિવેક ઘરમાં આવે છે. આખો પલળેલો છે. હાથમાં ફૂલો છે.
‘એક્ચ્યુલી સવારે તેં કીધુંને કે ફંક્શન કૅન્સલ થયું છે તો મને થયું કે પપ્પાને આ બુકે આપીને ગ્રીટ કરીને જતો રહીશ, પણ પછી ફોન સાંભળતો’તો ને ત્યારે પપ્પા માટે બીજી વસ્તુ લીધી અને નક્કી કર્યું કે જતો નંઈ રઉં. ક્યારેય નહીં જઉં.’ (વેલકમ જિંદગી.પૃ.૮૯) આમ, ‘વેલકમ જિંદગી’ નાટકનો સુખદ અંત આવે છે.
‘વેલકમ જિંદગી’માં સૌમ્ય જોશીએ તૂટતા પારિવારિક સંબંધ તરફ ઈશારો કર્યો છે. આજના વિજ્ઞાન અને ટૅક્નૉલૉજીના યુગમાં લાઈફ સ્ટાઈલ કંઈક એવી છે કે કોઈ માણસ પાસે સમય જ નથી. માણસ ઘડિયાળના કાંટા ફરે તેમ ચોવીસ કલાક આમથી તેમ ઉધામા કર્યા કરે છે. એક ક્ષણ ઊભા રહીને વિચારવાનો એની પાસે સમય નથી. પરિવારનો તો શું ખુદનો પણ વિચાર કરી શકતો નથી. વર્તમાન સીસ્ટમ જ કંઈક એવી તૈયાર થઈ છે કે એ સિસ્ટમમાં માણસ જાણે-અજાણે ગોઠવાઈ જાય છે. પ્રસ્તુત નાટકમાં અરુણનું પાત્ર એ સિસ્ટમનો એક ભાગ છે કે એ સિસ્ટમનો ભોગ બનેલો છે. મુંબઈ જેવા મેટ્રોસિટીમાં ચૌદ કલાકની નોકરી, મધ્યમવર્ગીય પરિવારની આર્થિક વિટંબણાઓ, સામાન્ય લોકોને પોષાય એવી સેકન્ડ કલાસની ટ્રેનના ધક્કા ખાવામાં આખી જિંદગી વીતી જાય છે.
સંદર્ભસૂચિ
પ્રા. શર્મિલા કે. પરાલિયા, કવિશ્રી બોટાદકર આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, ભાષાસાહિત્ય ગુજરાતી વિભાગ. તા.જિ. બોટાદ. પીન :૩૬૪૭૧૦ મોબાઈલ નંબર : ૯૯૭૯૧૬૪૯૦૨