શબ્દો નિજ તેજે ઝળહળજો...
કવિતા એ શબ્દની કલા છે. કવિ કવિતા લખતો હોય ત્યારે તેની તમામ સંવેદનાઓ, અનુભૂતિઓ સહજ-સિદ્ધ શબ્દો સાથે તાલ મિલાવી લેતી હોય છે. શબ્દોની દુનિયામાં મસ્ત રહેતા મસ્તરંગી મિજાજના કવિશ્રી જિતેન્દ્ર કા. વ્યાસે પણ અંગત સંવેદનાઓ અને જીવનની અનુભૂતિઓની શબ્દો સાથે મૈત્રી સાધી લીધી છે. જેના સુખદ ફલસ્વરૂપે ગુજરાતી સાહિત્યમાં એક જુદી જ ભાત રચતો નોંધપાત્ર કાવ્યસંગ્રહ ‘ફૂલની ચરી’ આપણને પ્રાપ્ત થાય છે. પ્રથમ સંગ્રહ ‘ભમ્મરિયું મધ’થી સુપ્રતિષ્ઠિત થયેલ જિતેન્દ્ર વ્યાસનો ‘ફૂલની ચરી’ કાવ્યસંગ્રહ પણ ગુજરાતી ભાષાના ગણનાપાત્ર કાવ્યસંગ્રહોમાં સહેજે આગવું સ્થાન પામે તેવો રસસમૃદ્ધ છે.
‘ફૂલની ચરી’માં ગીતો, ગઝલો, મુક્તકો, છંદોબદ્ધ કાવ્યો, અછાંદસ રચનાઓ અને હાઈકુ એમ વિવિધ કાવ્યરૂપોમાં કવિએ નિજી અનુભૂતિને સુંદર રીતે કંડારી કલાત્મક ઘાટ આપ્યો છે. પ્રસ્તુત સંગ્રહનું શીર્ષક ‘ફૂલની ચરી’ હોવાં છતાં આ સૌંદર્યલુબ્ધ કવિને ફૂલો પ્રત્યે પ્રગાઢ આકર્ષણ છે. ફૂલ, ફોરમ, ભમરો, પતંગિયું, સૂડો ઇત્યાદિ કલ્પન-પ્રતીકો તેમના કાવ્યોમાં વધુ જોવા મળે છે. ફૂલો પ્રત્યેના વિશેષ અનુરાગને કારણે સમીક્ષકોની સલાહને પણ અવગણી તેઓ કહી દે છે કે –
હે તબીબ, તારી દવા ના જોઈએ,
ના પળાશે ભૃંગથી ફૂલની ચરી.
અને એટલે જ તેમણે આ સંગ્રહને ‘ફૂલની ચરી’ નામ આપવું મુનાસિબ માન્યુ હશે એમ લાગે છે.
સંગ્રહના પ્રારંભિક વિભાગમાં ગીતગુચ્છની તેવીસ રચના છે. આ ગીતોનો અભ્યાસ કરતા એમ જણાય છે કે કવિની ગીત સ્વરૂપ ઉપરની ફાવટ વિશેષ છે. તેમના ગીતોમાં વિષયવૈવિધ્ય, લયહિલ્લોળતા, કમનીયતા, નવીનતા, પ્રણયમસ્તીના ભાવસ્પંદનો, નર્મ-મર્મ કટાક્ષ અને ભાવાનુસારી ભાષાસૌંદર્ય માતબર પ્રમાણમાં જોવા મળે છે.
સંગ્રહનું પ્રથમ ગીત છે ‘એય લીલાલ્હેર છે !’. વર્ષાથી પ્રકૃતિમાં આવેલ રળિયામણાં પરિવર્તન અને પ્રણયવર્ષાથી ભીંજાયેલા નાયકના પ્રેમોર્મિસભર ઉદગારથી ગીતનો ઉપાડ થાય છે.
એય લીલાલ્હેર છે!
ભડકાની જેમ હતી ભડભડતી ભોમકા
તેય હવે લીલી નાઘેર છે!
એય લીલાલ્હેર છે!
પછીના અંતરાઓમાં પ્રકૃતિનું મનોરમ્ય ચિત્રણ કરી તેની નાયકના ચિત્ત પર કેવી માદક અસર થાય છે તે પોપટના પ્રતીક દ્વારા કવિ કેવી સુંદર રીતે ઉપસાવી આપે છે તે જુઓ –
પાંચ પાંચ ફૂલડાંનાં વાગ્યાં છે બાણ,
હજુ વાગે છે, બંધ રે ! ન થાય !
રામનામનેય કરી રામરામ, પોપટડો
દાડમને ટોચવાને જાય !
એ જ પ્રકારે ‘એક છોકરી’, ‘નાજુક વાત’, ‘ઊંડા જળમાં’ કે ‘વાતો ઊડી છે બળ્યું કેવી?’ જેવાં ગીતોમાં પતંગિયું, માછલી, સૂડા આદિ પ્રતીકો દ્વારા પ્રણયની મસ્તીનું ઉચ્છલ – ઉન્મુક્ત ભાવનિરૂપણ થયું છે.
‘વાતો ઊડી છે બળ્યું કેવી?’ ગીતમાં ઉનાળાની એક બપોરે એક અલ્લડ યુવતી આંબાડાળે હીંચકા ખાવા જાય છે. ડાળ ઝાલી હીંચે છે ત્યાં વાયરો એની ઓઢણી ઉડાડે છે. આ અલ્લડ યુવતી સૂડાની નજરે ચડે છે ને પછી નિરુપાય છે ઉચ્છલ શૃંગાર. જુઓ –
ડાળ પરે સંતાણા સૂડાએ મારામાં
ભાળી’તી કેરિયું એવી !
વાતો ઊડી છે બળ્યું કેવી?
પછીના અંતરામાં ‘સૂડા’ના પ્રતીક દ્વારા નખરાળા પ્રેમીનું ચિત્રણ કરવામાં આવ્યું છે.
સૂડો રોયો એ મને ઠોલવું ન મેલે,
ભલે અધમણની દઉં એને ગાળ.
આ ગીતમાં શૃંગાર રસને પોષતા અનેક ઉદ્દીપનો રજૂ થયાં છે. જેવા કે, સુક્કો બપોર, આંબાની ડાળ, વૈરી વાયરો, ઓઢણીનું ઉડવું, ઝાંઝરીઓનું ઝણકવું, સૂડાનું ઠોલવું ઇત્યાદિ. આ ઉદ્દીપનો દ્વારા કવિએ અંતિમ પંક્તિમાં પ્રણયચેષ્ટાનું પરિણામ સાર્થક કર્યું છે તે લાલિત્યસભર છે.
છૂટ્યા મુજ હાથ, પડી, લપસ્યો મુજ પાય,
ઊડી હું તો પતંગિયા જેવી !
વાતો ઊડી છે બળ્યું કેવી?
ઉપરોક્ત પંક્તિમાં પ્રેમમાં સરતી મુગ્ધાનો આનંદ પણ પતંગિયા જેવો અનેરો બને છે. આ જ પ્રકારની પ્રણયાનુભૂતિ પતંગિયું બની પ્રેમીને ઉપાડી જતી ‘એક છોકરી’ અને ‘આનંદ ભયો !’ ગીતમાં તીવ્ર રીતે આલેખાઈ છે. ‘આનંદ ભયો !’ ગીતમાં ‘અંગમાં અત્તર ફોરવું’, ‘હાથમાંથી હૈયામાં ઉતરતો મહેંદીનો રંગ’, છાતીમાં ગહેકતા મોર, જેવા કલ્પનો દ્વારા કવિએ પ્રણયની ઝંખના કરતા નારીહૃદયનું નિરૂપણ કર્યું છે. તો વળી, –
‘ગુલમ્હોર અડ્યો કે દાઝ્યાં, રે ! આનંદ ભયો !’
‘થયા ભમરાઓ રઘવાયા, રે ! આનંદ ભયો !’
‘કોક રેશમી ભરે ચૂંટી, રે ! આનંદ ભયો !’
‘અંગ રંગધનુ ગ્યાં ઝૂલી, રે ! આનંદ ભયો !’
જેવી પંક્તિઓ કાવ્યનાયિકાની કામેછાઓને પ્રગટ કરે છે. ‘રે ! આનંદ ભયો!’ જેવું લટકણિયું, લાજ્યાં, રઘવાયા, કૂડી, લચકા, છાતલડી, ફૂલગુલાબી જેવાં લોકબોલીના પ્રયોગ અને લોકઢાળને કારણે મુગ્ધાવસ્થાના ઉત્કટ ભાવસંવેદનોના નિરૂપણમાં કવિને સફળતા પ્રાપ્ત થઇ છે.
‘બુઢ્ઢાઓ બેઠા છે ચોતરે’ ગીત કવિ રમેશ પારેખની યાદ અપાવે છે. અહીં ગામની અલ્લડ કિશોરીને તેનો પ્રેમી ભગાડીને લઇ ગયો છે તે ઘટનાને અધપાકી કેરી અને સૂડાના પ્રતીક દ્વારા નિરૂપી છે. આ ઘટનાની બુઢ્ઢાઓ પર કેવી અસર થાય છે તે તેમની ચટપટી વાતો દ્વારા ખ્યાલ આવે છે. લગભગ દરેક ગામના ચોતરે જોવા મળતું આ દૃશ્ય માર્મિક હાસ્ય પણ નિષ્પન્ન કરે છે. જુઓ –
સૂડો તો કેરીના રસમાં તરબોળ
અને બોખાં મોઢાંઓ તો છોતરે !
બુઢ્ઢાઓ બેઠા છે ચોતરે.
થીજેલાં હૈયામાં આવે હિલોળ,
કોક બુઢ્ઢો ભૂતકાળ જ્યહીં ખોતરે !
બુઢ્ઢાઓ બેઠા છે ચોતરે.
કવિએ આ કાવ્યગ્રંથમાં જેટલું પ્રણય સૌંદર્ય પાથર્યું છે તેટલો જ વિરહ અને વિપ્રલંભ શૃંગાર પણ નિરૂપ્યો છે. ‘સૂરજ એની આંખમાં રાતે....’ ગીતમાં જુવાન વિધવાના કપરા જીવતરની વેદના બળકટ કલ્પનો દ્વારા આલેખાઈ છે.
ભાલથી મારા ચાંદલો ખર્યો
કેમ ખરી ના ગઈ હું સાથે?
આગળના અંતરાઓમાં વિરહમાંથી કવિ વિયોગ શૃંગાર તરફ ગતિ કરે છે.
‘બોલતી હશે, હાય ! નિસાસો નાખતી એ ફળફળતો હશે.’
‘ભીંસ બળૂકી બાથની દેવા જાય.....ખાલીપો મળતો હશે !’
‘રોમ-રોમે એના, ચેહ શો અગનભડકો ભારે બળતો હશે !
સૂરજ એની આંખમાં રાતે ભડકે ભડકે બળતો હશે !’
તો ‘હવે આપણે દૂર’ ગીતમાં રાધા-કૃષ્ણના પૌરાણિક સંદર્ભનો વિનિયોગ કરી નાયક-નાયિકાની જુદાઈની વેદનાનો સૂર રેલાવ્યો છે. ગીતના અંતિમ અંતરામાં આ સૂર પરાકાષ્ઠાએ પહોંચે છે. જુઓ –
થડમાં મૂકી કરવત કાળે,
કદંબ ક્યાંથી કોળે?
મોરપિચ્છ તો ઊડી ગયેલા
નિજના રંગો ખોળે !
ડંખ્યે જાય હવે તો ક્ષણ-ક્ષણ કાલીયથીયે ક્રૂર
હવે આપણે દૂર !
ઉપરાંત, ‘મીરાંના તંબૂરના તાર !’ ગીતમાં પણ કૃષ્ણ વિરહભાવનું તીવ્ર આલેખન થયું છે. ગીતનો ઉપાડ જુઓ –
મોહન હે, દ્વારકાથી તાણી જવાના તને મીરાંના તંબૂરના તાર !
સિંહાસને જ્યાં પાય મેલ્યો કે
કહાન, તમે ભૂલ્યા કદંબની ડાળ,
‘કાલે તો રાજવણ’ ગીતમાં મૃત્યુ સંવેદન વ્યક્ત થયું છે. રાજવણ, તોખાર, પંખાળા ઘોડા, કુંકુમના ચાંદલા ઇત્યાદિ પ્રયોગ તથા તેનો લયઢાળ રાવજી પટેલના હંસગીતની યાદ અપાવે છે. શ્રી કેશુભાઈ પટેલ યથાર્થ જ નોંધે છે કે, - “ ‘કાલે તો રાજવણ...’ પ્રકારાન્તરે રાવજીના ‘આભાસી મૃત્યુનું ગીત’ તરફ નિર્દેશ કરે છે.”
અહીં ગીતના મુખડામાં જ શબ્દ,ભાવ અને લયની ચમત્કૃતિ સર્જાય છે. અલબત્ત, અહીં રાધા-કૃષ્ણ કરતાં મીરાં-કૃષ્ણનો અલૌકિક પ્રણય દર્શાવવાની મથામણ વિશેષ જોવા મળે છે. તો વળી, ‘હું તો છું ઝગમગતો સૂરજ’ કવિ ન્હાનાલાલની યાદ અપાવતું ભવ્ય કલ્પનોયુક્ત આધ્યાત્મિક પ્રણયગીત છે.
‘ફૂલની ચરી’ સંગ્રહના ગીતોમાં કવિના રોમેન્ટિક મિજાજનું પ્રભાવક આલેખન થયું છે. સંયોગ શૃંગાર વર્ણવતું ‘ધોતિયાને લાગ્યો છે’ ગીત તેનાં ઉદાહરણરૂપ છે. ધોતિયા અને ચણિયા જેવા બોલકા પ્રતીકોને કારણે જ આલેખન સંયત હોવા છતાં આ ગીત ક્યાંક અશ્લિલતાનો રંગ પકડતું હોય તેમ જણાય છે.
સ્વર્ગથી પણ અધિક જેની ગરિમા છે તેવી જન્મભૂમિના પ્રેમનું એક ઉત્તમ ગીત પણ પ્રસ્તુત સંગ્રહમાં સંગ્રહાયું છે. તે છે ‘ચાણસ્મા ગામના મસાણમાં’. અહીં મસાણ શબ્દ કવિના ઉત્કટ વતનપ્રેમનું સૂચન કરે છે. જીવતેજીવત વતનને ના પામી શકનાર કવિની મૃત્યુ બાદ જન્મભૂમિને પોતાની રાખ દ્વારા પામવાની મથામણ ધ્યાનાર્હ છે. જુઓ –
ધરતી પોકારશે ત્યાં દેવાશે દેન,
હશે ધરતી કઈ? – તે નથી જાણમાં
જાણું છું તોય જશે ઊડીને રાખ મારી
ચાણસ્મા ગામના મસાણમાં.
જ્યાં પોતાના વડવાઓના જીવનદીપક પ્રગટ્યા, ઝબક્યા, ભભક્યા અને બુઝાયા; જ્યાં પ્રકૃતિના ખોળે બાળભેરુઓના સંગે શૈશવના રંગે ફૂલડાંની જેમ ખીલ્યા’તા તે ધરતી પર પાછા ન ફરવાનો વસવસો આખાય ગીતમાં પ્રાણની જેમ પથરાયેલો છે. કેટલાક માર્મિક શબ્દોમાં કવિની આ કાળજું કંપાવનારી વેદના આકારિત થઇ છે.
કેવો રે ! શાપ ! રહ્યું પાસે ને તોય પડયું
ગામ થકી ભવ ભવનું છેટું;
લીલા નખ ઊખડતાં થાય એવી વેદના,
આખુંયે આયખું હું વેઠું.
ગીતના અંતિમ અંતરામાં કવિ ‘જન્મારે આવતેય ઝંખુ આ ગામ’ કહીને નિરાશાના ભાવને આશામાં પલટે છે. જ્યાં કાવ્યતત્વ પણ ઘનિષ્ટતા ધારણ કરે છે.
આજના આ મોડર્ન યુગમાં કૃતઘ્ની સંતાનો અનેક કષ્ઠ વેઠી ઉછેર કરનાર માત-પિતાની ઉપેક્ષા કરે છે ત્યારે હૃદયવિદારક વેદના અનુભવતા માવતરની વ્યથા ‘આંબાની જેમ અમે કીધો ઉછેર’ ગીતમાં આલેખાઈ છે.
આંબાની જેમ અમે કીધો ઉછેર
અને બાવળ બનીને તમે કોળ્યા !
આઝાદ ભારતની સાચી તસવીરને રજૂ કરતું અને બે પેટા શીર્ષકો ધરાવતું યુગલગીત ‘દેશ થયો આઝાદ !’ સંગ્રહનું સૌથી મોટું ગીત છે. ઈ.સ.૧૯૪૭ થી ઈ.સ.૧૯૯૭ એટલે કે પચાસ વર્ષ પછી આઝાદીનું મૂલ્ય કેટલું આંકી શકાય? મળી તો કેવી આઝાદી મળી છે? તે પ્રશ્નની વેધકતા આપણને આ ગીતમાં જોવા મળે છે. ઈ.સ.૧૯૪૭માં કવિ આઝાદ ભારતનો ઉલ્લાસ અને ઉન્માદ આલેખે છે તો તે આનંદ પચાસ વર્ષ પછી ઈ.સ.૧૯૯૭માં કેવું જુદું જ સ્વરૂપ ધારણ કરે છે. તેનું કવિએ આર્ત સ્વરે નિરૂપણ કર્યું છે. આખાય ગીતમાં ભારતમાં પ્રસરેલ કોમવાદ, જંગલિયત, ભૂંડ શા ભ્રષ્ટાચારી નેતાઓ, સત્ય ને અહિંસા જેવા આદર્શોની હાંસી, શિક્ષણનું વ્યાપારીકરણ ઇત્યાદિ બદીઓનું વર્ણન કરી અંતે કવિ કહે છે –
કોણ શકે અટકાવી અમને? અમે હવે આઝાદ !
અમે અમારી જાતે કરતા અમને તો બરબાદ !
દેશ થયો આઝાદ !
આમ, અહીં આઝાદી માટેના બલિદાનો વ્યર્થ જતા સ્પષ્ટ દેખાઈ રહ્યાં છે. કવિ વ્યવસાયે અધ્યાપક છે. ‘એક પ્રણયકાવ્ય ભણાવતાં’ અને ‘પરીક્ષાખંડના એક ઉદાર સુપરવાઈઝરનું ગીત’ તેની પ્રતીતિ કરાવે છે. કવિની આગવી શૈલીને કારણે આ ગીતો આકર્ષક બન્યાં છે. ‘એક પ્રણયકાવ્ય ભણાવતાં’ ગીતમાં અધ્યાપક કવિ પ્રણય કાવ્યની યુવાન વિદ્યાર્થીઓ પર થતી અસરને નાણી-પ્રમાણી શકે છે.
બેન્ચ ઉપર બેઠેલાં ફૂલડાં
પતંગિયા થઇ બેઠાં !
ભાનભૂલ્યા કે ભાનઝૂલ્યા
ભમરા રસકોશે પેઠા.
પરીક્ષાઓમાં થતી ચોરીઓ અને સુપરવાઈઝરની ભૂમિકા પર પ્રહાર કરતું ‘પરીક્ષાખંડના એક ઉદાર સુપરવાઈઝરનું ગીત’ વર્તમાન પરીક્ષા પદ્ધતિ પર કટાક્ષ કરતું ગીત છે. ઉદાર સુપરવાઈઝરના મનોભાવ વર્ણવતી મર્માળી વ્યંગ્યોક્તિ દ્વારા ગીતનો આરંભ થાય છે.
મારા તો બાપનું શું જાય?
રામ તણું ખેતર આ, રામ તણી ચિડિયાં છો
આખેઆખુંય ચણી જાય !
મારા તો બાપનું શું જાય ?
ખેતરના ચાડિયાની જેમ ઊભો રહેતો સુપરવાઈઝર વિદ્યાર્થીઓ સાથે અનીતિ આચરે છે. આખરે જાણે દેવી શારદાને ફરિયાદ કરતા કવિ લખે છે.
ચીભડાં ગળે છે વાડ, પાડાઓ પાડે છે
છીંડા, હે શારદા, શું થાય?
મારા તો બાપનું શું જાય?
અહીં વ્યંગની સાથે નીતિવાદી કવિની વેદના પણ સ્પષ્ટ નજરે ચઢે છે. ‘એક પી.એસ.આઈ.નું ગીત’માં નર્મ-મર્મ કટાક્ષનું તત્ત્વ ભારોભાર જોવા મળે છે. ગીતનું મુખડું જ કટાક્ષથી ભરપૂર છે.
ઝંઝેડો જેમ એમ આપે છે બોર,
કોણ કહે છે એ ચામ અને હાડ છે?
માણસ તો બોરડીનું ઝાડ છે.
શરીર પર પહેરેલી વરદીની સાથે સાથે ચહેરા પર પણ કાયદાનો નકાબ પહેરીને ફરતા લોકરક્ષકોની કાળી અને લોકભક્ષક બાજુઓને અહીં પ્રગટ કરવામાં આવી છે. અંતિમ પંક્તિમાં નફફટાઈની પરાકાષ્ઠા બતાવવામાં આવી છે તે જુઓ –
ખિસ્સા કપાય અને ખૂનરેજી થાય,
ભલે ચારે પા રૈયત લૂંટાય;
આપણે તો રૈયતના દોસ્ત, નહિ ભેદ
ચોર-શાહુકારમાંય તો રખાય !
આમ, સમગ્રપણે જોતા ‘ફૂલની ચરી’ના ગીતો વિષય વૈવિધ્ય, લયઢાળ અને આગવા સૌંદર્યને કારણે આસ્વાદ્ય બન્યા છે. જે કવિશ્રી જિતેન્દ્ર વ્યાસને એક સફળ ગીતકવિ તરીકે સ્થાપિત કરી આપે છે.
***
ગુજરાતી સાહિત્યમાં અન્ય સ્વરૂપો કરતાં ગઝલ સ્વરૂપનું ખેડાણ સવિશેષ જોવા મળે છે. અનેક સિદ્ધહસ્ત કલમો ગુજરાતી ગઝલના સર્જનમાં પોતાનું યોગદાન આપી રહી છે. ‘ફૂલની ચરી’ સંગ્રહના શાયર જિતેન્દ્ર વ્યાસે પણ ગુણવત્તા અને ઇયત્તા સભર ગઝલો રચી નોંધપાત્ર પ્રદાન કર્યું છે.
આ સંગ્રહના ગીતોમાં પ્રણયી-રસિક કવિની પ્રણયસંવેદના સવિશેષ જોવા મળે છે. જ્યારે ગઝલોમાં જીવન, માણસ, મૃત્યુ, સામાજિક સ્થિતિ, શિક્ષણ અને ધર્મમાં પ્રસરેલ દંભ, આત્મનિરીક્ષણ ઇત્યાદિ વિશેનું ચિંતન સવિશેષ દૃષ્ટિગોચર થાય છે. આથી શ્રી કેશુભાઈ યોગ્ય જ કહે છે કે – “મુગ્ધતા કે સૌંદર્યલુબ્ધતા તરફથી ચિંતન તરફ વળતા આ કવિની પ્રબુદ્ધતા તરફની ગતિ જોવા મળે છે.” ટૂંકમાં નગર, મૃત્યુ કે જીવન વિષયક સંવેદનાઓ વ્યક્ત કરવા કવિએ ગઝલના માધ્યમનો આશરો લીધો છે.
ગઝલકાર જિતેન્દ્ર વ્યાસે ટૂંકી બહરની ‘ગેરમુરદ્દફ’ ગઝલોમાં ભાષાના લાઘવ દ્વારા ચોટદાર અભિવ્યક્તિ સાધી છે. સંગ્રહની કુલ ૪૨ ગઝલોમાંથી અડધા ઉપરની ગઝલો ‘ગેરમુરદ્દફ’ એટલે કે હમરદીફ-હમકાફિયા ગઝલો છે. ‘ગીતાનુમા ગઝલ’ અને ‘ગદ્ય ગઝલ’ની રચનાઓ પણ આ સંગ્રહમાં જોવા મળે છે.
સંગ્રહનું શીર્ષક થવા સદભાગી બનેલ ‘ફૂલની ચરી’ ગઝલમાં તથા અન્ય ગઝલોમાં કોઈ ને કોઈ સ્વરૂપે ફૂલો આવે છે. જે કવિનું ફૂલો પ્રત્યેનું પ્રગાઢ આકર્ષણ દર્શાવે છે. સંગ્રહનું શીર્ષક ભલે ‘ફૂલની ચરી’ હોય પરંતુ ફૂલો પ્રત્યે અનહદ અનુરાગ ધરાવતા આ સૌંદર્યલુબ્ધ કવિ ફૂલોની ચરી પાળી શકતા નથી. તેમની આ મર્યાદા તેઓ પોતે પણ જાણે છે. આથી કહે છે કે –
ફૂલની વાતે મૌન ધરું હું,
આવે પગની નીચે રેલો.
ગઝલોમાં ફૂલો ક્યાંક પ્રેમના પ્રતીક તરીકે તો ક્યાંક વફાના પ્રતીક તરીકે આવે છે. તો વળી ક્યાંક ભોળીભટાક લાગતી ભામિનીના કલ્પન તરીકે આવે છે. જુઓ –
વાત આ કરપીણ? ના, કમનીય છે,
ફૂલડાં ભોંકે સુગંધીની છરી.
ઘૂંટાઈ ઘૂંટાઈ થયું દર્દ ઘેરું,
મળ્યું છેવટે એનું ફૂલમાં પગેરું.
ભોળીભટાક લાગતી એ ફૂલની કળી
ભમરા, સતત તને તો ભમાવે છે, સાવધાન.
તો વળી, કોમી રમખાણો વખતે નાજુક ફૂલશાં બાળકો જીવ ગુમાવે છે ત્યારે આ શાયરનું ફૂલ શું કોમળ હૃદય દ્રવી ઊઠે છે –
સાવ નાજુક ફૂલડાંનાં ફૂલશાં સ્વપ્નો ફળે
એ પૂર્વ, એ થઇ જાય કચ્ચરઘાણ મારા દેશમાં.
ફૂલો સદા સજ્જનના પ્રતીક તરીકે વપરાતા આવ્યા છે. કવિ પણ અહીં ફૂલોના માધ્યમથી માનવતાની સુવાસ ફેલાવતા સજ્જનોની અવદશા અને દુર્જનોની બોલબાલા થતી જોઇને કહે છે –
ફૂલ થાશો તો થશે બૂરી વલે
થાવ કંટક તો સદાયે સાંભરો
ગઝલ સ્વરૂપમાં માનવજીવનના રોજિંદા ભાવો રજૂ થતાં હોઈ આ સંગ્રહની ગઝલોમાં પણ શાયરનું જીવનદર્શન જાણે-અજાણે વ્યક્ત થયું છે. વર્તમાન સમયમાં જિંદગીની ભાગદોડમાં માણસ જિંદગીને માણવાનું જ ભૂલી ગયો છે તે દર્શાવતો શેર જુઓ –
આવ્યા, શ્વાસ લીધા બે, ચાલ્યા,
જીવન આખું છે ઉભડકિયું.
આવા ઉભડકિયાં જીવનમાં માનવી જવાબદારી અને કર્તવ્યોનો ભાર લઇ જીવતો હોય છે પણ અંતે તો તે બધું વ્યર્થ જ છે. આથી જીવન શું છે? તેનો જવાબ આપતા કવિ કહે છે –
ભાર બધું ફેંકી દો ભૈયા,
જીવન શું છે? ઠાગાઠૈયા.
તો ક્યારેક એમને જિંદગી બે તહેવારો વચ્ચેના ‘પડતર દા’ડા’ જેવી લાગે છે.
દિવાળી-ઝાયણી વચ્ચે આડો,
આ જીવતર છે પડતર દા’ડો.
જિંદગી જીવવાનો દૃષ્ટિકોણ કેવો હોવો જોઈએ? તેનું સૂચન કરતા કવિ કહે છે કે –
આંખ મીંચ, દૃષ્ટિ બદલ હે માનવી !
જિંદગી ચગડોળ છે, ઘાણી નથી.
તો વળી, ક્યારેક ઉદાસીનતાની પળે બબાલ સમાન આ જિંદગીને બેફિકરાઈથી જીવવાની વાત આ શેરમાં છે.
લેવો જનમ, વિકસવું ને અન્તે મરી જવું,
ભવ-ભવમાં આ બબાલ : કશો ફેર નહિ પડે.
તો અન્ય એક શેરમાં પણ કવિનો આ મિજાજ જોવા મળે છે.
જિંદગી, ફાવે નહીં તો જા ભલે;
મેં તને તો ક્યાંય તરછોડી નથી.
જીવન અનેક સંઘર્ષોથી ભરેલું હોય છે. જીવનમાં હંમેશા પુરુષાર્થનું ફળ પ્રાપ્ત થાય જ તેવું નથી હોતું, અથાક મહેનત કર્યા પછી પણ ક્ષુલ્લક વસ્તુ પ્રાપ્ત થાય તેમ બનતું હોય છે.
કેરીઓ બેઠી, છતાંયે શું વળ્યું?
જિંદગી આંબો નથી, છે આકડો.
આમ છતાં, કવિ નિરાશ થઇ કોઈને કગરે એવા કમજોર નથી. તેમને પ્રભુમાં પૂરેપૂરી શ્રદ્ધા છે કે ઈશ્વર તેમની બધી મહેચ્છા પૂરી કરશે.
હું નથી એવો કે કગરું ને કહું,
દાંત દીધા છે તો દેજે ચાવણું.
જીવનમાં આવતી કેટલીક પરિસ્થિતિઓ પર માનવીનો વશ નથી હોતો. ઈશ્વરની મરજી આગળ માનવી લાચાર હોય છે. જે થનાર છે તે થઈને જ રહેતું હોય છે. માટે આવી પરિસ્થિતિઓ વખતે મૂંઝાયા વિના હકારાત્મક અભિગમ રાખી જીવવાનું કવિ સૂચવે છે.
જીવ મારા, કેમ તું મૂંઝાય છે?
જે થવાનું હોય છે તે થાય છે.
આ રીતે જીવનમાં આવતી વિકટ પરિસ્થિતિઓમાં જરા પણ મૂંઝાયા વિના કવિ તેનો સામનો કરવા ઈચ્છે છે, ને જો પ્રથમ પ્રયત્ને નિષ્ફળતા પ્રાપ્ત થશે તોપણ હાર તેમને મંજૂર નથી. આથી ઈશ્વરને પણ પડકાર ફેંકતા તેઓ કહે છે કે –
હૈ દેવ, હજી રમવું છે મારે, હાર મને મંજૂર નથી,
પણ જીતી જતાં પ્હેલી બાજી, તું બાજી કાં સંકેલે છે?
જીવનના અભિગમની સાથોસાથ મૃત્યુ સંવેદન પણ કવિની ગઝલોમાં ભારોભાર વ્યક્ત થયું છે. ‘મૃત્યુ આવ્યું? પાડો ફકરો’ એમ કહેનાર કવિને માટે મૃત્યુનું આગમન બે જન્મ વચ્ચે પાડેલા ફકરા સમાન છે. તો વળી, ક્યારેક કવિને મૃત્યુ વિશે વિસ્મયભર્યો પ્રશ્ન પણ થાય છે –
મોત શું છે? એ અંગદ-કૂદકો
કે છે આખરનું અડવડિયું?
જીવતેજીવત પ્રેમના બંધનમાં ન બાંધનાર સ્વાર્થી સ્વજનો જ મૃત્યુ સમયે કસોકસ કાથીથી બાંધે છે ને અગ્નિસંસ્કાર આપી ઠૂંઠવો મૂકે છે.
પ્રેમથી બાંધ્યો કદી નહિ ને બાંધ્યો કસોકસ કાથી-થી
ચિતા મહીં ભડભડ સળગાવી, એ તો ઠૂઠવો મેલે છે !
અલબત્ત, કવિની ગતિ તો મૃત્યુ બાદ પણ ઉર્ધ્વગામી જ હશે.
હું સળગતો જૈશ ને ઊંચે ચડીશ,
અગ્નિની હું ઝાળ છું, પાણી નથી.
શાયર જિતેન્દ્ર વ્યાસની ગઝલોમાં આધુનિક માણસની સ્વાર્થવૃત્તિ, હેવાનિયત, કૃતઘ્નતા ને દંભ-આડંબરોની વરવી વાસ્તવિકતા વ્યક્ત કરતા શેર પણ ઠેરઠેર જોવા મળે છે. ‘માણસ’ એટલે માત્ર માથું, ધડ ને હાથ-પગ ધરાવતો વ્યક્તિ નહીં પણ જેનામાં માણસાઈ હોય તે માણસ. પરંતુ આજકાલ આવા માણસ ક્યાં જોવા મળે છે? તેથી જ કવિને પ્રશ્ન થાય છે –
માણસ ક્યાં છે? ક્યાં છે માણસ?
નજરે કેવળ ‘શખ્સ’ ચડે છે.
અહીં ‘શખ્સ’ એ વ્યંજનાયુક્ત શબ્દ છે. જે વર્તમાન માણસમાં રહેલ પરસ્પરનો અવિશ્વાસ દર્શાવે છે. ક્યારે કયો માણસ શું કરી બેસશે? કંઈ કહી શકાય તેમ નથી. માણસાઈની તો દેશમાં જાણે મોકાણ મંડાઈ છે.
માનવી બૂડે અને ફેંકાયેલા પથ્થર ઊડે,
માનવ્યની મંડાઈ છે મોકાણ મારા દેશમાં.
આજનો માનવી સ્વાર્થી ને દંભી છે તેના માટે સંબંધોનું કોઈ મૂલ્ય નથી. સ્વાર્થ પૂરો થતાં સંબંધ તોડી નાંખતા તે જરાયે અચકાતો નથી. આ સંદર્ભનો એક શેર જુઓ –
અર્થ ઉપર છે ભાર અહીં, સંબંધનો કંઇયે અર્થ નહિ,
સંબંધોની લઇ નનામી સ્કંધ ઉપર, સૌ ટહેલે છે.
તો વળી, કેટલાક ચાલાક માનવી સંબંધોના સુંવાળા રેશમી દોરથી લાગણીશીલ માનવીને ફસાવતા હોય છે ને તે જ રેશમી દોર તેના માટે ફાંસીદોર સમાન બની જતો હોય છે. આથી સંવેદનશીલ માનવીઓને ચેતવતા કવિ કહે છે કે –
એ સુંવાળપથી ગળે લાગી જશે,
રેશમી એ કિન્તુ ફાંસીદોર છે !
અહીં ‘રેશમી’ શબ્દ દ્વારા માણસના દંભ-આડંબરોનો નિર્દેશ કરાયો છે. વર્તમાન માનવ તો આદમખોર બની ગયો છે તેની અજગર જેવી ભીંસમાંથી ગ્રહો પણ બચી શકતા નથી તો અન્ય માનવીની તો શી વિસાત? આજે જ્યાં જોઈએ ત્યાં માનવ નહીં પણ રાવણ જેવા દાનવ જ જોવા મળે છે.
માનવ ઓછા, પાર વિનાના
અયદાનવ છે, અહિરાવણ છે.
ખરો માણસ કેવો હોય? તે જોવું હોય તો ભૂતકાળમાં જવું પડે. વર્તમાનમાં તો એક પણ માણસ દેખાતો નથી.
એ શક્ય છે લાગે કદાચ માનવીની ભાળ,
સૈકાપુરાણો પ્હેલાં ખસેડો આ કાટમાળ.
જિતેન્દ્ર વ્યાસની ગઝલોમાં માનવજીવનની સંવેદનશૂન્યતા દ્વારા નગર સંવેદના શબ્દસ્થ થતી અનુભવાય છે.
જન કે જીન આ કાઢે હડિયું?
શ્હેરે કાયમ પળ-ચોઘડિયું.
હિંદુ, મુસ્લિમ કે ઈસાઈ નહીં પણ માનવધર્મ જ શ્રેષ્ઠ છે. માનવધર્મ એટલે પ્રેમ અને સહિષ્ણુતા. પણ અફસોસ એ છે કે વર્તમાન માનવી પાસે આ સમજણ નથી. તે તો મંદિર કે મસ્જિદ બનાવવા બાબતે વર્ષોથી લડતો આવ્યો છે.
લ્યો, અયોધ્યા પણ અહીં ભડકે બળે,
ને ઝૂમે છે આ નરો, આ વાનરો.
તો ધર્મને નામે થતાં અમાનુષી હિંસાચારને કારણે સર્વત્ર ફેલાયેલ ફફડાટ ભર્યા માહોલને વ્યક્ત કરતો આ લાઘવયુક્ત શેર પણ અત્યંત ચોટદાર છે. જુઓ –
ધજા હોય ભગવી કે લીલી
ફરકે ના, પણ એ ફફડે છે.
માણસ રક્તઝરતી આફત બની ગયો છે. –
હાથમાં ખંજર, છૂરી, તલવાર કે કિરપાણ લૈ,
ધર્મ ઘૂમે ને મચે ઘમસાણ મારા દેશમાં.
માણસના દિલમાંથી પ્રેમ, કરુણા, દયા જેવા સદભાવો નામશેષ થઇ ગયા છે. નાની નાની બાબતોમાં તોફાન ને હુલ્લડો ફાટી નીકળવાની ઘટનાઓ હવે છાશવારે બની રહી છે ને શહેરમાં કર્ફ્યું લાગતા સ્મશાનવત્ શાંતિ પ્રસરે છે. પરંતુ કોક ક્રૂર ગોઝારો પડછાયો તેને પણ ખંડિત કરે છે.
ને સળગતા કાકડા લઇ હાથમાં સૌ દોડતા,
દીપ કૈં ફૂટ્યા, બળ્યું ભડકે, કરે જે કંઈ ચડ્યું.
તો વળી, -
ક્યાંકથી ટોળું હુડૂડૂડૂ કરી આવી ચડે,
ગન ફૂટે સુહાગણ-ભાલથી બિંદી ખરે.
આવી હેવાનિયતને લીધે થયેલ ખાનાખરાબી અને કર્ફ્યુંમાં ‘જો સ્વપ્ને નીસર્યા તો તો મર્યા !’ જેવી પરિસ્થિતિથી ક્ષુબ્ધ બનેલ કવિ પ્રશ્ન કરે છે કે –
ક્ષુબ્ધ કો પૂછે કવિ : સંવેદનાની ધારને
આ સ્થિતિ દે તીક્ષ્ણતા? કે ધારને બુઠ્ઠી કરે?
કોમી રમખાણો જોઈ સંવેદનશીલ કવિનું હૃદય દ્રવી ઊઠે છે.
હૈયું મુશળધાર રડે છે,
ડાબો જમણો હાથ લડે છે.
ખુદના બંદા હોય કે ભગવાનના ભક્ત હોય અંતે તો તે ભારતમાતાના સંતાન ડાબા-જમણા હાથ જેવા છે. આ પ્રકારની અભિવ્યક્તિ જ કવિની સાંપ્રદાયિકતાથી ઉપર ઉઠતી સમતાયુકત દૃષ્ટિનો પરિચય કરાવે છે.
કવિ જિતેન્દ્ર વ્યાસે પ્રતીક, કલ્પન અને પુરાકલ્પન જેવા સાહિત્યિક ઉપકરણોનો વિનિયોગ કરી પોતાની ભાવાભિવ્યક્તિને વિશેષ અર્થઘન બનાવી છે. તેમાંય કલ્પનોના આવિષ્કારો સાધીને ભાવાભિવ્યક્તિને ધારદાર રીતે વ્યક્ત કરવાની તેમનામાં વિશેષ આવડત છે. જેમ કે,
કોઈ અદીઠ હાથે સૂરજનું ઢીમ ઢાળી,
ઊનાં ઊનાં રુધિરથી નભને દીધું પખાળી.
અહીં સબળ કલ્પન દ્વારા સૂર્યાસ્તનું તાદૃશ ચિત્રણ આલેખાયું છે. તો વળી, કવિ ન્હાનાલાલના ‘વિરાટનો હિંડોળો’ જેવા ભવ્ય કલ્પનની યાદ અપાવતો એક શેર જુઓ –
જંગલી જીવ આપણે, ફરીએ અહીં,
એ નભે બેઠો છે બાંધી માંચડો.
‘અંધારું’ ગઝલમાં કવિએ અંધારાના વિવિધ રૂપોનું આલેખન કરી ‘અંધારું’ શબ્દનો પ્રતીકાત્મક વિનિયોગ કર્યો છે. તો વળી, ફૂલ, કંટક, ફોરમ, તિતલી એ પ્રેમ અને વફાના પ્રતીક તરીકે અવારનવાર આવે છે. ‘ના શક્યા’ ગઝલમાં પ્રેમમાં મળેલ નિષ્ફળતા ને નિરાશાના ભાવને જુદા-જુદા પ્રતીકો દ્વારા નિરૂપ્યા છે. જેમ કે,
લતાને હતાં લાડ કરવા ઘણાં,
અમે તાડ જેવા, લળી ના શક્યા.
તો ક્યારેક કવિ પુરાકલ્પન પ્રયોજીને સ્વાર્થી સ્વજનોથી સાવધાન થવાનું જણાવે છે.
ગૌરવ મળે ન ભીષ્મનું એ કાળજીની સાથ,
સ્વજનો જ બાણશય્યા બિછાવે છે, સાવધાન.
દેશમાં સ્ત્રીઓની છેડતી ને બળાત્કારના કિસ્સા વધી રહ્યા છે. ને ભદ્ર સમાજ તેનો વિરોધ કરવાને બદલે પ્હાણની જેમ જડ બની જોઈ રહ્યો છે. કવિ દ્રૌપદીનું પુરાકલ્પન પ્રયોજી દેશની આ વિકટ પરિસ્થિતિ તરફ આંગળી ચીંધે છે.
દ્રૌપદીની ચીસ ચકરાઈ જઈ તૂટી પડે,
ને સભાના સજ્જનો છે પ્હાણ મારા દેશમાં.
તો વળી, કઢંગા જીવનને સુંદર કોણ બનાવશે? તેવી મૂંઝવણ માટે કવિ કુબ્જાનું પુરાકલ્પન યોજે છે. જુઓ –
કુબ્જા જેવા કુબ્જ જીવનને
રાધાશું કરનારો ક્યાં છે?
કવિ સંવેદનશીલ શાયરની સાથોસાથ એક ચિંતનશીલ અધ્યાપક પણ છે. તેમના વર્તમાન શિક્ષણ પદ્ધતિ પર વ્યંગ કરતા શેર જોતા તરત ખ્યાલ આવે છે.
પાંચ સિતમ્બર : શિક્ષકદિન, લ્યો
સરસ્વતીએ ખાધો ફાંસો.
તો કોઈક ઠેકાણે કવિએ અખા ભગતના છપ્પાની યાદ અપાવે તેવા કટાક્ષયુક્ત શેર પણ આપ્યા છે. જેમ કે,
ભણતર ભારે ચાલે ભૈયા,
મૂક ગુરુ ને બ્હેરો ચેલો !
આ ગઝલોમાં શાયરે ‘એક કવિ વિશેની બાતમી’ અને ‘ભારતીય પ્રજાજનનો બારમાસો’ નામની બે પ્રયોગશીલ ગદ્ય ગઝલો પણ આપી છે. જેમાં ગઝલના છંદોમાં લયને વહેતા મૂકી ગદ્યમાં ગઝલો લખવાનો નૂતન પ્રયોગ કર્યો છે.
એ મળ્યો, મેં ‘કોણ છો?’ પૂછ્યું અને બોલી ઊઠ્યો
‘કોણ છું?’ – ની શોધ મેં પણ આદરી છે કારમી.
પ્રશ્નોત્તરયુક્ત આ ગદ્યગઝલમાં શંકાશીલ પી.એસ.આઈ.ના પ્રશ્નો અને સંવેદનશીલ કવિના ઉત્તરોમાં રહેલા Contrastથી ભારે રમૂજ સર્જાય છે. જ્યારે ‘ભારતીય પ્રજાજનનો બારમાસો’ ગઝલમાં કવિ બારે માસની જુદી જુદી વિશેષતાઓ રજૂ કરી તેની સાથે સંકળાયેલ વિષમતાઓ આલેખે છે. ને અંતે ભય, ભૂખ, ભીખ, ભ્રષ્ટાચાર જેવી બદીઓ દિનપ્રતિદિન ફૂલી ફાલી રહી છે. તેનો દીર્ઘ નિસાસો કવિથી નંખાઈ જાય છે.
શ્વાસ ટૂંકા ને દીર્ઘ નિસાસો
ગાઓ એનો બારહ-માસો
….તેરહ-માસો,
.....અગણિત માસો.
ગદ્યગઝલ ઉપરાંત ગીતનુમા ગઝલોના પ્રયોગો કરીને પણ આ શાયરે ગુજરાતી ગઝલક્ષેત્રે નૂતન દૃષ્ટિબિંદુ પ્રસ્તુત કર્યું છે. ગીતનુમા ગઝલ એટલે જેમાં ગીતનો લય હોય અને બંધારણ ગઝલનું હોય તેવી રચના. ‘ફૂલની ચરી’, ‘પાડો ફકરો’, ‘આજકાલ’, ‘કર પધરામણું’ – એમ મોટાભાગની ગઝલોમાં કવિએ પ્રાસાનુસારી રદીફ રાખ્યા છે. તેથી આ ગઝલો ગીતની સમીપ આવતી લાગે છે. ‘ભૂલી નથી શકતો’ ગઝલ ગીતનુમા ગઝલનું ઉત્તમ ઉદાહરણ છે. કવિ પોતે ગીતકાર ને ગઝલકાર હોવાથી એ બંને સ્વરૂપનું અદભુત સાયુજ્ય આ ગઝલમાં સાધી શક્યા છે. જુઓ –
તમે આવ્યાં અને અરમાનની મહેફિલ મચાવી’તી
મહકતું ગુલબદન લઈને મઝાની બ્હાર આવી’તી,
નજરના જામથી છલછલ ખુમારી ઓર આવી’તી,
હવે પતઝડ, પરંતુ એ ફિઝા ભૂલી નથી શકતો !
જવાની જે ભૂલી વાતો કદી ભૂલી નથી શકતો.
પ્રયોગશીલ કવિઓ સામાજિક સભાનતાથી અભિવ્યક્તિ સાધતા હોય છે. તેઓ પ્રત્યક્ષપણે કશું કહેવાને બદલે વિશિષ્ટ ભાવાભિવ્યક્તિ દ્વારા ગઝલની શેરીઅત રજૂ કરે છે. જેમ કે, પાખંડી સંતોની કરતૂતોને ઉઘાડો પાડતો આ શેર જુઓ –
‘બચના એઈ હસીનો’ આવ્યો,
‘પ.પૂ.ધ.ધુ.’-રૂપમાં રાવણ છે.
અહીં શાયરે એક ફિલ્મી ગીતનો સંદર્ભ લઇ, પ.પૂ.ધ.ધુ. વિશેષણ અને રાવણના પુરાકલ્પન દ્વારા તેમની સામાજિક નિસ્બત દર્શાવી છે તો સાથોસાથ ગઝલને એની સાંકડી સંકીર્ણતામાંથી બહાર લાવવાનો નૂતન પ્રયત્ન પણ કર્યો છે.
પ્રયોગશીલ ગઝલની સૌથી મોટી લાક્ષણિકતા એ તેની ભાષાભિવ્યક્તિ છે. કવિ જિતેન્દ્ર વ્યાસે પણ લોકજીભે રમતા અંગ્રેજી અને તળપદા શબ્દો, રુઢિપ્રયોગો ને કહેવતોને ખૂબીથી ગઝલોમાં ગૂંથ્યા છે. Quick-March, ગન, વાયરલેસ જેવા અંગ્રેજી શબ્દો કવિ પ્રયોજે છે તો ઝાયણી, આવણું, રાવણું, જાકડો, ઉલાળ, ધરાળ જેવા તળપદા શબ્દપ્રયોગો પણ ધ્યાનાર્હ બન્યા છે. ઉપરાંત ભાંગરો વાટવો, મગરમચ્છના આંસુ સારવા કે ધાણીની જેમ ફૂટવું જેવા રુઢિપ્રયોગોને ભાવાનુરૂપ અભિવ્યક્તિ માટે ખપમાં લે છે.
ને હવે અંજામ આવે તે ખરો,
ભાંગ પીધી ને વટાયો ભાંગરો.
જડબામાં એ જખને જકડે,
ને સારે આંસુ આ મકરો
ધાણી માફક ફૂટતી ગોળી ક્ષણેક્ષણની, જુઓ:
ચોક વચ્ચે આયખું આ ચાળણી થઈને પડયું.
ટૂંકમાં, કવિએ પોતાના અનુભૂતિજન્ય ચિંતનને રજૂ કરવા ભાષા પણ રોજબરોજની જ પ્રયોજી છે ને એટલે જ તેમના ભાવસંવેદનોને કલાત્મક ઘાટ સાંપડયો છે.
સમગ્રપણે જોતા ટૂંકી બહરની ગેરમુરદ્દફ સ્વરૂપની ગઝલરચના તથા હમરદીફ હમકાફિયા સ્વરૂપની ગઝલોમાં તેમની વિશેષ ફાવટ જોઈ શકાય છે. ક્યાંક દોષયુક્ત ગઝલ છે પણ જોવા મળે છે. જેમ કે, ‘અંધારું’ ગઝલમાં રદીફ-કાફિયા તૂટે છે અલબત્ત ગઝલની સુંદરતા જળવાઈ રહી છે.
***
આ સંગ્રહમાં જે ૨૦ છંદોબદ્ધ રચનાઓ મુકાઇ છે તેમાં સૉનેટ સ્વરૂપની રચનાઓ ૧૭ જેટલી છે. એમનાં સઘળાં સૉનેટ જોતાં એ વાતની પ્રતીતિ થાય છે કે આ સ્વરૂપને એમણે નિસબતથી ખેડ્યું છે. સૉનેટ સ્વરૂપને કલાઘાટ આપવામાં તેમની કાવ્યપ્રતિભા અભિવ્યક્ત થઇ છે. સૉનેટના અંતમાં આવતા વળાંકની ચુસ્તતા એમને ઉત્તમ સૉનેટ કવિ બનાવે છે. સૉનેટોમાં તેમણે વસન્તતિલકા, અનુષ્ટુપ, શિખરિણી, સ્ત્રગ્ધરા, મંદાક્રાન્તા, પૃથ્વી, ઇન્દ્રવંશા-વંશસ્થ આદિ અનેક છંદો પ્રયોજ્યા છે. એક જ સૉનેટમાં બે છંદનો ઉપયોગ કરવાનું તેમનું વલણ પણ ઘણું પ્રભાવી રહ્યું છે.
છંદોબદ્ધ કાવ્યોમાં પ્રથમ રચના ‘પૂજ્ય દવે સાહેબને’માં ગુરુ જિતેન્દ્ર દવેને શિષ્ય જિતેન્દ્ર વ્યાસે આપેલ સ્મરણાંજલિ છે. ‘વસંત-આતંક’માં વસંતઋતુના આગમનની આતંકરૂપે કલ્પના કરી વસંતનો મહિમા વર્ણવ્યો છે. આ સૉનેટનો શૃંગાર મનભાવન છે.
આંબે મહોર મહકે, સ્મર આજ તીર
એના કરે. અવ ન કોઈ બચે મહાન
યોગીય. ભૂલી જઈને સહુ સાનભાન
પ્રાણી હવે તરસતાં પ્રિયનાં શરીર.
આ આતંકથી કોઈ બચી શકે તેમ ન હોવાથી કવિ યુગ્મકમાં સચોટ ચિત્ર આંકે છે.
આતંક ચોગમ, વસંતલ રંગ-જંગ !
વિદ્વા રતિ સમીપ વિદ્વ પડ્યો અનંગ !
તો ‘સૌ જોડલાં’ સૉનેટમાં પ્રકૃતિના સાહચર્યે દામ્પત્ય પ્રેમનું લાલિત્યસભર નિરૂપણ ‘જાસૂદ ફૂલ સમ લાલચટાક ભાનુ’, ‘રેશમ જેવી રાત’, ‘આકાશથી ઢળી શી કુન્દ તણી બિછાત’, ‘ત્રોફેલ મોર પણ ગાય કલાપ ખોલી’ ઇત્યાદિ ઉદ્દીપન વિભાવરૂપ પ્રકૃતિ ચિત્રો થકી કવિએ સંયોગ શૃંગાર નિષ્પન્ન કર્યો છે. અહીં ભાવાનુસારી ભાષાભિવ્યક્તિ નોંધનીય છે.
‘અંધારી રાત’ અંધકારનાં વર્ણનથી શરૂ થઇ રુદ્ર-રુક્ષ અને બીભત્સ ચિત્રાંકનોને કારણે એક જુદી જ ભૂમિકાએ અટકતું પ્રકૃતિકાવ્ય છે. એક ચિત્ર જોઈએ –
અંધકારે ભળી જતાં ફુલ્લ છે સૌ ફણીધરો,
કૈંક તો રાફડે સુપ્ત, કૈંક તો શોધતા દરો.
સૉનેટના અંતે આવતો અણધાર્યો વળાંક કવિની સૉનેટકાર તરીકેની સિદ્ધિ દર્શાવે છે. માનવજીવનમાં વ્યાપેલ અંધકારને દૂર કરના પેગંબરની ખોટ કવિ અનુભવે છે. –
પેગંબરો ઘણા પાક્યા તોયે માનવ્ય-ખોટ છે.
ધરાને. એમ સિંધુને કાંઠે આવેલ ઓટ છે.
‘હવે તો – ૧’ અને ‘હવે તો – ૨’ સૉનેટદ્વયીથી પછીના ચાર સૉનેટોમાં સંયોગ-શૃંગારને સ્થાને વિપ્રલંભ શૃંગાર આલેખાયો છે. ‘હવે તો’ સૉનેટદ્વયીમાં કવિ વીતેલી સ્મૃતિઓને યાદ કરી પ્રિયને સ્મરે છે. તેમાં પ્રેમિકાથી છુટા પડેલ નાયકની આર્તચીસ છે.
હવે તો તૂટે છે મુજ હૃદયના તાર સઘળા,
હવે તો બંનેના પથ અલગ, હૈયાં પણ થયાં !
તો પ્રિયપાત્રની ખુશીમાં જ ખુશી અનુભવતા નાયકનો વિશુદ્ધ પ્રેમ પણ પ્રગટ થાય છે.
સદા આંબી રહેજે તવ પિયુની સંગે ગગનને,
તને જોઈ પામી લઈશ સુખ, માણી અગનને.
‘પથ તારા ઘર તણે’ અને ‘કણસતો અહીંયા મયૂર’માં પ્રણયનું તીવ્ર સંવેદન રજૂ થયું છે. ‘પથ તારા ઘર તણે’માં ભૂતપૂર્વ પ્રેમિકાના ઘર આગળથી પસાર થતા નાયક ઘડીભર શમણે ખોવાઈ, ભૂતકાળની સુખદ ક્ષણોને પુનરાવર્તિત થતી જુએ છે. પરંતુ પ્રેમિકાના અન્ય સાથે લગ્ન થઇ ચૂક્યા છે તેનું સ્મરણ થતાં તેનું શમણું તૂટે છે ને હૈયું ભીંસાય છે. ‘કણસતો અહીંયા મયૂર’ સૉનેટમાં મયૂરના રૂપક દ્વારા પ્રેમીનો સમર્પણભાવ અને પ્રેમિકા દ્વારા અવગણના થતા નાયકની તીવ્ર વેદનાનું કરુણ આલેખન છે.જુઓ –
ચાલ્યાં ગયાં તરત આપ સુ-દૂર-દૂર,
ને કારમું કણસતો અહીંયા મયૂર !
‘જીવન હવે’ સૉનેટમાં કોઈ ‘તિતલી’ નાયકના જીવનમાં આવી, પ્રેમના રંગે રંગી પંખિણી બની ઊડી જાય છે. આ મનોદશાને કવિ વસન્ત પછીના ઉનાળા સાથે સરખાવે છે. ‘માણેકથંભ’ હૃદયના ઊંડાણથી ચાહનાર પ્રેયસીનાં ઘડિયા લગ્ન લેવાતા નાયકની વેદનાગ્રસ્ત સ્થિતિનું વર્ણન માણેકથંભના પ્રતીક દ્વારા તાદૃશ વર્ણવાયું છે.
ખોડાયો આંગણે હું સુઘડ, જડ શકે લાલ માણેકથંભ,
કોળે જે ના કદીયે જીવતર સઘળું રે ! હવે વિપ્રલંભ.
‘અલકા તોય રે ! દૂર દૂર !’ મિલનમાં અનુભવાતા વિરહનું વિશિષ્ટ સૉનેટ છે. અષાઢના આગમનનું મનોરમ વર્ણન ને શ્વાસછેટા સૂતેલ પ્રિયપાત્રનો વિરહ નાયકને અસહ્ય થઇ પડે છે. ‘મારો એ વાંક કે...’માં પોતાના વાડામાં ઊગેલ ધંતૂરાના ફૂલનું શિવચરણે સમર્પિત થવાના સ્વપ્નને સિદ્ધ ન કરાવી શકવાના વાંક બદલ કવિ અપરાધભાવ અનુભવે છે. ‘હંસને’ સૉનેટમાં આત્માના રૂપક તરીકે હંસને જોવાની આપણી પરંપરા છે.
ખંખેરી દે કમલરજ હે હંસ, સૌન્દર્યલુબ્ધ !
પાંખો તારી હિમશિખરને આંબશે, થા પ્રબુદ્ધ.
‘મૃત્યુ : એક અનુભૂતિ’માં મૃત્યુક્ષણની અનુભૂતિ અને પ્રભુને ‘કીકી મહીં અમૃતને સીંચી દે’ એવી પ્રાર્થના છે. ‘હે શબ્દ’માં શબ્દના અનેક રૂપ આલેખી કવિ શબ્દનો વૈભવ રજૂ કરે છે. ‘જવાનને’ સૉનેટમાં કવિ દેશની સુરક્ષા માટે જવાનને શહાદત પથે ઝઝૂમવાની હાકલ કરે છે.
જવાન, ઊઠ, જો જરી સરહદે, સીમાડા ભૂંસે
પ્રચંડ ભરતી સમાં ઊમટતા અરિના દળો.
‘કવિને’ સૉનેટમાં કલ્પનાના સૌંદર્યલોકમાં રાચતા કવિને દીન-દલિતોની વેદનાને વાચા આપવાનો કવિ ઉપદેશ આપે છે. તો ‘સત્રારંભે નિવૃત અધ્યાપકની ઉક્તિ’ સૉનેટમાં નિવૃત થયા પછી પણ કવિનું મન કૉલેજની સ્મૃતિઓમાં જ ખોવાયેલું છે.
હું ઘેર, કિન્તુ મન ત્યાં રમશે, રમે છે,
કૉલેજનાં સ્મરણ આ જ મને ગમે છે.
સૉનેટ સિવાયની કવિની છંદોબદ્ધ રચનાઓમાં ‘ઝાપટું’ પ્રકૃતિના વર્ણનથી શરૂ થતું અને અંતે કરુણતામાં પરિણમતું કાવ્ય છે. ‘સ્વ. બાને’ કવિ સુન્દરમના ‘બાનો ફોટોગ્રાફ’ કાવ્યની અસર ઝીલતું માતૃપ્રેમનું એક ઉત્તમ કાવ્ય છે. કાવ્યમાં બાએ પારાવાર દુઃખ વેઠીને સંતાનોને મોટા કર્યા તેનું ભીંજવી નાંખે તેવું વર્ણન છે. બાએ જે દુઃખ વેઠેલાં તેને કવિ આ રીતે રજૂ કરે છે. –
લાવતાં’તાં દુકાનેથી માથે કાલાં તણી ધડી,
ફોલતાં એ સૂઝી જાતી આંગળીઓ ઘડી ઘડી.
પાંદડાં ખાખરા કેરાં લાવી, એના થકી કર્યા
પડિયા-પતરાળાં ને અમારાં ઉદરો ભર્યાં.
કાવ્યાન્તે વાર્ધક્યને આરે પહોંચેલા કવિની સ્વર્ગલોકે જઈ, નાનકડો બાળ બની, માતાને ખોળે બેસવાની અભિલાષા પ્રગટ થઇ છે. ‘નૂતન વર્ષની શુભેચ્છાઓ’ શીર્ષક અંતર્ગત મૂકાયેલી પંક્તિઓ નૂતન વર્ષને નિમિત્તે સાહિત્યરસિક મિત્રોને લખાયેલા શુભેચ્છા પત્રોની પંક્તિઓ છે.
***
આ સંગ્રહના અન્ય કાવ્યપ્રકારોમાં બે મુક્તક, છ હાઈકુ અને દસ અછાંદસ કાવ્યરચનાઓ છે. પ્રથમ મુકતકમાં જિંદગીને પીગળતા અને ફરી પ્રગટ થતાં બર્ફના શિવલિંગનું રૂપક આપ્યું છે. તો ‘તું આવજે’ મુકતકમાં કવિ જિંદગીને પ્રભુની ગઝલ સાથે સરખાવી મક્તામાં અર્થાત્ જીવનાન્તે પ્રભુમય બનવાની મહેચ્છા પ્રગટ કરે છે. સમય, જલકમલ, દ્રૌપદી આદિ વિશેના ધ્વનિપૂર્ણ હાઈકુઓમાં દૃષ્ટિગોચર થતાં કલ્પનો પણ પ્રશંસનીય છે.
અછાંદસ કાવ્યોમાં ‘અર્જુનની ઉક્તિ’, ‘શરણાગતિ’, ‘ચાલાકી’ અને ‘ગુરુદક્ષિણા’માં પૌરાણિક પાત્ર અર્જુનનાં જુદાં જુદાં રૂપો દર્શાવી કવિએ તેમાં પોતાને અભિપ્રેત એવો નવો અર્થ-મર્મ મૂકેલો છે. ‘અર્જુનની ઉક્તિ’નો અર્જુન યુદ્ધ તત્પર છે તો ‘શરણાગતિ’નો અર્જુન યુદ્ધ ટાળવા દુર્યોધન સાથે સંધિ કરવા પણ તૈયાર છે. ‘ગુરુદક્ષિણા’નો અર્જુન ઉત્તરાને ગુરુદક્ષિણા રૂપે સ્વીકારે છે. તો ‘ચાલાકી’માં કુન્તામાતાના એક જ વાક્યથી દ્રૌપદી પંચનાથા બને છે તેની વાત છે. ‘પેચ’માં કવિ સ્વાર્થી માનવજાત પર કટાક્ષ કરે છે. ‘અરાજકતા’, ‘એક ચિડાયેલા કવિની ઉક્તિ’, ‘જોઈએ છે’ અને ‘કવિ’ તે કવિ અને કવિતા વિશેના અછાંદસ કાવ્યો છે. ‘અરાજકતા’માં કાવ્યક્ષેત્રે વ્યાપ્ત અરાજકતાનું નિરૂપણ છે, તો ‘એક ચિડાયેલ કવિની ઉક્તિ’માં ચિડાયેલો કવિ અવળવાણી દ્વારા પોતાની પર થયેલ આક્ષેપોનો જવાબ આપે છે ને કવિકર્મનું ગૌરવ પ્રગટ કરે છે. ‘જોઈએ છે’માં આ પૃથ્વીને અધ્ધર લઇ જઈ સ્વર્ગ સમી બનાવી શકે તેવા યાંત્રિકો/માંત્રિકો/તાંત્રિકોની જરૂર છે. પરંતુ કવિને પ્રથમ પસંદગી એમ જણાવી કવિ, કવિનો મહિમા પ્રગટ કરે છે. ‘કવિ’ રચનામાં શ્લેષયુક્ત ‘કિરીટી’ શબ્દ પ્રયોજી કવિએ અર્જુન અને કવિ વચ્ચે એકરૂપતા દર્શાવી છે. ટૂંકમાં, દસેય અછાંદસ રચનામાં કવિએ પુરાકલ્પન અને શબ્દચાતુરી વાપરી સાંપ્રત સ્થિતિનું કલાત્મક આલેખન કર્યું છે.
સમગ્રપણે જોતાં આ સંગ્રહમાં વિષયનું વૈવિધ્ય ઘણું છે. ભાવ, લય અને કાવ્યતત્વની સઘનતાને કારણે ઘણી રચનાઓ ઉત્તમ કોટિની બની છે. ગીતોનો આકર્ષક ઉપાડ અને હૃદ્ય ધ્રુવપંક્તિઓ કવિને એક સફળ ગીતકાર બનાવે છે. માનવભાવોનું સૂક્ષ્મ નિરૂપણ કરતી ગઝલો, છંદની સફાઈ અને એની કાવ્ય સાથેની એકરૂપતા ધ્યાનાર્હ છે. અનેક રચનાઓમાં કવિની ચિત્રાત્મકતા ઊભી કરવાની શક્તિના દર્શન થાય છે. ભાવ પ્રમાણેની ભાષાસમૃદ્ધિ, ચિંતનની સહજ અભિવ્યક્તિ, સંવેદનની તીવ્રતાનો કાવ્યમાં સહજ આવિષ્કાર, પ્રાસાદિક પદાવલિ ઇત્યાદિ બાબતોમાં પણ કવિ જિતેન્દ્ર વ્યાસ સહૃદય ભાવકોની રુચિને સંતોષે છે.
અંતે, સર્જક હંમેશા તેના સર્જન થકી જ કાયમી સંભારણું મૂકી જતો હોય છે. તે અનુસાર કવિ જિતેન્દ્ર વ્યાસ પણ તેમના શબ્દો થકી ભાવકના માનસપટ પર ચિરસ્મરણીય સંભારણું મૂકી જાય છે. તેમના જ શબ્દોમાં કહીએ તો –
શબ્દ ખુશ્બૂદાર મૂકી જાઉં છું,
એ જ તો છે કાયમી સંભારણું.
સંદર્ભ :
ડૉ. રૂપેશભારતી આર. ગોસ્વામી, મદદનીશ પ્રાધ્યાપક, સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, સમી