ગઝલ આસ્વાદ- 'હળવે હળવે મંદિરિયામાં હરજી આવે?'
ગુજરાતી સાહિત્યમાં જ નહીં પરંતુ ભારતીય સાહિત્યમાં પણ જોઇએ તો ખ્યાલ આવે છે કે ગઝલ એ ખૂબ જ ચર્ચિત- પ્રચલીત કાવ્યપ્રકાર છે. જેનાં મૂળ તપાસવા જઈએ તો, સમયના કેટલાય થર ઉકેલાતા આવે .મુખ્યત્વે અરબી- ઈરાની ભાષાનો આ સાહિત્યપ્રકાર માત્ર ઈરાન દેશ પૂરતો સીમિત ન રહેતા ભારતીય સાહિત્યનું પણ એક અંગ બની રહ્યો છે.ભારતની વિભિન્ન ભાષાઓમાં પણ મહત્વનું સ્થાન ધરાવે છે.જેમાં ગુજરાતી ભાષામાં પણ તેના મૂળ સુધી જઈએ તો છેક મધ્યકાળ નાં કવિ દયારામનાં 'રેખ્તા' માં આપણને ગઝલના મૂળ રૂપ અંશો જોવા મળે છે. જે શુદ્ધ ગઝલ નથી પરંતુ ગઝલનાં અંશો તેમાં આપણને જોવા મળે છે. પરંતુ ગઝલનો શુદ્ધ સ્વરૂપે આવિર્ભાવ પછીથી બાલાશંકરની ગઝલોમાં જોવા મળે છે. તો આવી રીતે ઉગતી-ખીલતી, નિત્યનૂતન-વિધવિધ પુષ્પો વેરતી ગઝલ સમયનાં વિશાળ પટ પર આજે પણ એક જુદા જ સ્વરૂપે ગુજરાતી ભાષાને, તેના સાહિત્યને અજવાળે છે .
સમયના બદલાતા વહેણો સાથે ગઝલ આજે પણ ટકી છે એની પાછળનું મુખ્ય કારણ જોઈએ તો નદીના વહેણની જેમ સમયના પરિવર્તનો એણે ઝીલ્યા છે. અને બીજું કે આ પરિવર્તનોની અસરથી ગઝલના આંતરબાહ્ય સ્વરૂપમાં પણ પરિવર્તન જોવા મળ્યા છે. જેની સારી અને માઠી બંને અસરો ગઝલ ક્ષેત્રે જોવા મળે છે. એ 'પ્રેમની ભાષામાં થતી વાતચીત' એટલે જ 'ગઝલ' ન રહેતા એક સમય એવો પણ આવે છે કે ગઝલમાં વિચાર પણ ભળે છે. ગઝલમાં વિચાર નહોતો એમ નહીં, પણ પછી એ પ્રધાન પણે ગઝલમાં ડોકાવા લાગે છે.સરળતાનો મુખ્ય ગુણ ધરાવતી ગઝલ થોડીક ક્લિષ્ટ પણ બને છે કાવ્યબાની નો વિષય પણ બને છે જેમાં ગઝલના આંતરિક સ્વરૂપમાં ઘણું પરિવર્તન આ આધુનિક સમયમાં ગઝલક્ષેત્રે જોવા મળે છે.
અનિલ ચાવડા એ આજના સમયના જુદો અવાજ લઈને આવતા ગઝલકાર છે. ગઝલના વિશ્વમાં એક નવી સવાર લઈને આવતા આ કવિ, ગઝલને કાવ્યતત્વનો વિષય બનાવે છે. કવિતાનાં નવા આયામોની રજૂઆત એમની ગઝલોમાં જોવા મળે છે. ગઝલ એ સાહિત્યનો એક એવો પ્રકાર છે કે જે સૌથી વધુ ખેડાય છે અને એને કારણે સૌથી વધુ ઘસારો પણ આ પ્રકારે વેઠ્યો છે.'વેઠ્યો છે' એટલા માટે કારણ કે, જેટલા પ્રમાણમાં ગઝલ લખાય છે એ બધી જ ગઝલો ગુણવત્તાની દ્રષ્ટિએ સફળ નીવડતી નથી. અને માટે જ થોડી ઉપેક્ષાનો વિષય પણ આ સ્વરૂપ બન્યું છે. ત્યારે ખાસ કરીને વર્તમાન ધારામાં ગુણવત્તાયુક્ત ગઝલો આપનારા ગઝલકારો ઓછા છે. અને અનિલ ચાવડા એ આ ઓછાની યાદીમાં આવતા એવા ગઝલકાર છે, જેની પાસેથી ગુણવત્તાની દ્રષ્ટિએ 'વધુ' (સુંદર)ગઝલો મળી છે.૧૦-૫-૧૯૮૫માં સુરેન્દ્રનગર જિલ્લાના લખતર ગામે જન્મેલા આ સર્જકનું સાહિત્યસર્જન જોઈએ તો તેમનો ગઝલસંગ્રહ 'સવાર લઈને' ૨૦૧૨માં પ્રકાશિત થાય છે.પણ એ પહેલા ૨૦૦૭ માં બીજા ચાર કવિઓ સાથે પ્રગટ થયેલો સંગ્રહ 'વીસ પંચા' પણ ગણનાપાત્ર સંગ્રહ છે.જેમાં પાંચ કવિઓની( ૨૦-૨૦) રચનાઓ પ્રકાશિત થઈ હતી. આ સિવાય એક ટૂંકી વાર્તાઓનો સંગ્રહ 'એક હતી વાર્તા ' (૨૦૧૨), એક નિબંધ સંગ્રહ 'મિનિંગ ફુલ જર્ની'(૨૦૧૩) તેમજ આંબેડકર 'જીવન અને ચિંતન'( ૨૦૧૫) નામે એક આત્મકથા પણ પ્રગટ થઇ છે. આ સિવાય તેમણે સંકલન કાર્ય પણ કર્યું છે. કટાર લેખન પણ તેઓ કરે છે.'સવાર લઈને' આવતા કવિને ૨૦૧૪નો સાહિત્ય અકાદમી દ્વારા યુવા પુરસ્કાર આપવામાં આવ્યો છે. આ સિવાય ૨૦૧૦નો શયદા એવોર્ડ, ગુજરાત સાહિત્ય અકાદમીનો ૨૦૧૩નો યુવા ગૌરવ પુરસ્કાર, ગુજરાત સમાચાર અને સમન્વય નો રાવજી પટેલ એવોર્ડ વગેરે પણ તેઓએ પ્રાપ્ત કર્યા છે.
તેમની ગઝલોમાંની એક ગઝલ છે, -
"હળવે હળવે મંદિરીયામાં હરજી આવે ? ના આવે
તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ? ના આવે"
આ ગઝલમાં ગઝલકારે એક એવો મિજાજ રજૂ કર્યો છે જે માણસને એની અંદર છુપાયેલી ખુદ્દારી સુધી ખેંચી જાય.મુખ્યત્વે પાંચ શેરમાં આખી ગઝલ વણાયેલી છે.સાંપ્રત સમયના આ સર્જકની પ્રથમ પંક્તિ જ જોઈએ તો ,-
"હળવે હળવે મંદિરીયામા હરજી આવે ?...."
મધ્યકાળના ઉદ્દગમબિંદુ એવા ભક્ત કવિ નરસિંહ મહેતાનાં પદ,-
"હળવે હળવે હળવે હરજી મારે મંદિર આવ્યા રે"
સાથે આરંભનું અનુસંધાન કેળવી લે છે.પરંતુ પદમાં રહેલી એ નરસૈંભક્તિ 'આવ્યા રે' નાં નરસિંહના હરજી પરના આસ્થા - વિશ્વાસ અને અનુભવ વિશ્વથી ભરી ભરી છે તે ભક્તિ અહીં ગઝલમાં નથી .અહીં તો ગઝલના આરંભમાં જ સંશય ઉભો થાય છે જ્યાં આસ્થા હોય ત્યાં સંશય ન હોય .મધ્યકાળની ભક્તિ પરંપરા 'આવ્યા રે' ની આસ્થા સાથે આનંદલય પામે છે ત્યારે અહીં આપણા સાંપ્રત સમયના સર્જકને 'હરજી આવે?'એવો પ્રશ્ન ઊભો થાય છે,સંશય જન્મે છે . અને આ સંશય એ સાંપ્રત સમયના વાસ્તવિક જીવનમાંથી જન્મ્યો છે. જેનો જવાબ એમની પાસે છે,- 'ના આવે' બીજી પંક્તિમાં પ્રથમ પંક્તિનું અનુરણન કરતા હોય એ રીતે કહે છે,-
"તૂટી ગયેલા શ્વાસ સાંધવા દરજી આવે ? ના આવે"
કપડું ફાટ્યું હોય તો દરજી સીવી આપે પરંતુ એક વાર શ્વાસ તૂટે પછી માણસ ફરી જીવિત થતો નથી.આખી ગઝલમાં રદીફ છે, 'ના આવે'. દરેક શે'રમાં સર્જક કોઈ નવી રીતે વાત લઈને આવે છે.પરંતુ બધા જ શે'રને એક ગઝલમાં બાંધે છે રદીફ 'ના આવે' દ્વારા વ્યક્ત થતો મિજાજ. આ મિજાજ 'ના આવે' દ્વારા પહેલી નજરે થોડો નિરાશાજનક કે નકારાત્મક લાગે છે પરંતુ સર્જક એથી આગળ વધીને એક નવી વાત મૂકે છે તે છે, બીજા પર આધાર રાખીને બેસી ન રહેતા પોતાની જાત પર વિશ્વાસ કેળવવો.પરાવલંબી નહિ પરંતુ સ્વાવલંબી બનવું . આ આખીયે ગઝલમાં આ વાત જરા જુદી રીતે કરી છે. માત્ર ભવ્ય મંદિર બનાવી નાખવાથી ઈશ્વર નથી આવતો પરંતુ તે માટે જરૂરી છે ઈશ્વર પ્રત્યેની શ્રદ્ધા ધરાવતો શ્રદ્ધાળું.જ્યારે માણસ પડી ભાંગે, નિરાશાની ગર્તામાં ધકેલાઈ જાય ત્યારે એને એકલતામાંથી બહાર લાવવામાં કોઈ બહારની વ્યક્તિ થી વધુ તેની પોતાની હિંમત અને આત્મશ્રદ્ધા જ મહત્વનો ભાગ ભજવતી હોય છે.
બીજો શેર છે ;
"ઝિર્ણ પર્ણ જેવા માણસને બોલાવો છો વાવાઝોડે
અને કહો છો આવો સરજી ; સરજી આવે ? ના આવે"
અહીં માણસને ઝિર્ણ પર્ણ સાથે સરખાવ્યો છે . મોટા મોટા વૃક્ષો પણ જે વાવાઝોડાથી નથી બચી શકતા એ વાવાઝોડામાં જે પર્ણ- પાંદડું, સાવ જીર્ણ થઈ ગયું છે એ કેવી રીતે ટકી શકે ? અહીં સર્જક વાત કરે છે એવા માણસની જેની દશા જીર્ણ થઇ ગયેલા પાન થી જરાય ઉતરતી નથી. અને એણે સામનો કરવો પડે છે વાવાઝોડા જેવી પરિસ્થિતિઓનો . વિપરીત પરિસ્થિતિઓથી જ માણસ ઘડાતો હોય છે. પરંતુ માણસ જ્યારે સાવ ઘસાઈ જાય, અંતિમ અવસ્થાએ પહોંચી જાય ત્યારે ક્યારેક એ લડવાની શક્તિ ગુમાવી બેસતો હોઈ છે. ત્યારે એ આ વાવાઝોડા સામે ટકી શકતો નથી. અને જ્યારે માણસને પોતાની જાતનું અને સામે ટકરાવા માટે ઊભેલી પરિસ્થિતિઓ રૂપી વાવાઝોડાનું ભાન થાય છે ત્યારે કોઈ પ્રલોભનોથી એ ખેંચાતો નથી. વાસ્તવિકતાનું ભાન એને પ્રલોભનોથી, ઇચ્છાઓથી મુક્ત કરે છે. અહીં સર્જકે એ ઇચ્છાઓ, પ્રલોભનોના પ્રતિક રૂપે શબ્દ વાપર્યો છે,-'સર જી'.ઘણીવાર માણસ પોતાની મહત્ત્વાકાંક્ષા પૂરી કરવામાં આખી જિંદગી ખર્ચી નાખતો હોય છે.પોતાના લક્ષ્ય સુધી સહેલાઇથી નથી પહોંચી જતો હોતો.પરંતુ એ માટે એણે પોતાના જીવનમાં ઘણાંયે ભોગ આપવા પડ્યા હોય છે. આ ભોગ બધા નથી આપી શકતા.અને એના દરેક માટે જુદા કારણો હોઈ શકે છે. માટે અહીં સર્જક થોડી અલગ રીતે મનુષ્યની લાચારી અને એની સામે ઊભેલી કડવી વાસ્તવિકતાને મૂકીને ઈચ્છાઓ,મહેચ્છાઓનો એક રીતે ઉપહાસ કરે છે.
ત્રીજો શેર છે ,
"નવું નવું મંદિર ચણ્યાની જાહેરાતો દો છાપાંમાં,
બાયોડેટા લઈ ઈશ્વરની અરજી આવે ? ના આવે."
માણસમાં આવડત હોય તો એણે ક્યાંય એનો ઢંઢેરો પીટવાની જરૂર નથી પડતી. એને યોગ્ય સ્થાન સુધી એની આવડત જ પહોંચાડતી હોય છે. એ વાત સર્જકે અહીં ખૂબ સુંદર રીતે મૂકી છે.વિકટ સમસ્યા છે યુવાધનની બેરોજગારી. આપણી પાસે મોટી સંખ્યામાં યુવાધન છે. એની પાસે મોટી મોટી ડીગ્રીઓ પણ છે. પરંતુ બેરોજગાર છે. માણસની ઓળખ એની આવડત નહીં પણ એની ડિગ્રીઓ બને છે ત્યારે સમસ્યા ઊભી થાય છે. લાચારી જન્મે છે. કામ માગવા માટે ઘણી વાર લાચારી પણ ભોગવવી પડે છે અને એનું કારણ છે પોતાની આવડતથી અજાણ હોવું અથવા તો એનો યોગ્ય ઉપયોગ ન કરવો.
ચોથો શેર છે,
"તારી તમામ હદ છોડીને આવકાર તે દઇ દીધો
છોડ હવે તું ચિંતા એની મરજી ;આવે, ના આવે."
માણસે કર્મ કરવું પરંતુ ફળની આશા ન રાખવી એવા કૃષ્ણના કર્મયોગના સિદ્ધાંતને આ સર્જકે જરા જુદી રીતે અહીં યાદ કર્યો છે. ગઝલ વિચાર પ્રધાન છે. પરંતુ અહીં ઈશ્કે હકીકીનો પણ એક મિજાજ આ આખીયે ગઝલમાં જોવા મળે છે. પોતાનું કર્મ કરવામાં સંપૂર્ણ સમર્પણ, એ પણ એક આરાધના જ છે. પછી એ કોઈ ભક્તની ઈશ્વર પ્રત્યેની આરાધના હોય, કોઈ કલાકારની કલા સાથેની એકરૂપતા હોય કે કોઈ સમાજસેવકની સમાજસેવા; એમાં સંપૂર્ણ સમર્પણ હોય તો ફળની ચિંતા અસ્થાને છે.
પાંચમો શે'ર છે ,
"આંખ મહીં એ વાદળ જેવું કામ કરે એ સાચું પણ ;
વાદળ માફક આંસુ ગરજી ગરજી આવે ?ના આવે."
વાદળ બંધાય તો સૂર્ય પણ ઘડી બે ઘડી ઢંકાઈ જતો હોય છે. આંખ ને જાણે કે સર્જકે અહીં સૂરજ સાથે સરખાવી છે. અને વાદળ એ સુરજના જાણે કે આંસુ છે. માણસનું તેજ પણ એની આંખમાં ડોકાતું હોય છે પણ જ્યારે નિરાશા ઘેરી વળે ત્યારે એ આત્મવિશ્વાસ રૂપી તેજને એ નિરાશાના અશ્રુજળ રૂપી વાદળો ઘડી બે ઘડી ઢાંકી દે છે.બધા જ દ્રશ્યો ધૂંધળા કરી મૂકે છે.પરંતુ આકાશે બંધાતા વાદળો અને આંખમાં બંધાતા વાદળ વચ્ચે સર્જકે એક ભેદ બતાવ્યો છે ! એ છે, 'ગરજવું'.આકાશનાં વાદળ તો ગરજતા હોય છે ને એ રીતે પોતાના આવવાની છડી પોકારી જતા હોય છે.પરંતુ આંખના વાદળ ક્યારેય કહીને નથી આવતા. અને આવે ત્યારે માણસના જીવનના બધા જ દ્રશ્યો ધૂંધળા કરી મૂકે છે. પરંતુ એનો માર્ગ પણ એ વહી જતાં આસું જ વધું સ્વચ્છતા પૂર્વક બતાવે છે. તો આમ આખી ગઝલમાં ખાસ કરીને રચનારીતિ ની દ્રષ્ટિએ ખૂબ જ સુંદર રીતે વાતચીતની શૈલીમાં વિચારોને વણ્યા છે જેમાં રહેલી રસાળ સરળતા અહીં ધ્યાનાર્હ બને છે.
રિદ્ધિ પાઠક, ૨૫, સોમેશ્વર નગર, ઘોઘારોડ, અકવાડા,ભાવનગર,૩૬૪૦૦૨