‘પીળું ગુલાબ અને હું’ - મનોવૈજ્ઞાનિક અભ્યાસ
‘પીળું ગુલાબ અને હું ’ લાભશંકર ઠાકરનું દ્વિઅંકી નાટક છે. સમગ્ર નાટકમાં આમ જોવા જઇએ તો સંધ્યા અને કેતનના લગ્નની એકમાત્ર ઘટનાની વાત આવે છે. એ સિવાય સમગ્ર નાટક સંધ્યાની મનોદશાની આસપાસ વીંટળાઇને પૂરું થાય છે.
તેર વર્ષની તરૂણીએ યુવાન સ્ત્રી અથવા તો આધેડ સ્ત્રીના રૂપમાં આબેહૂબ પ્રસ્તુત થતી વખતે અનુભવેલ પીડાની વાત એક રીતે સંધ્યા નામની ઉત્તમ અદાકાર (નટી)ને અંદરથી વલોવી નાંખે છે. પોતે જે લાગણી કે પ્રેમનો અનુભવ નથી કર્યો એ લાગણી કે પ્રેમને ગોખણિયા સંવાદો સાથે અભિનિત કરવાની કુશળતા ઉપર, સંધ્યાને ઓડિયન્સ બેશૂમાર તાળીઓથી દાદ આપે છેએ વાત પીડે છે. સંધ્યાની આ પીડા સમગ્ર નાટકને દારુણ સંવેદનાના નાટકમાં ફેરવી નાંખે છે.
ગોખેલો અભિનય અને પોતીકી સંવેદના વચ્ચે થતી સેળભેળ અને એમાથી રચાતી સંધ્યાની મનોભૂમિકાને નાટકનો પીંડ કહી શકાય. નાટકનો આરંભ જ સંવેદના અને અભિનય વચ્ચે અટવાયેલી સ્ત્રીના દ્રશ્યથી થાય છે. ‘ વેશ્યા ’ નાટકની નાયિકા રોજા ટેલિફોનની ઘંટડી વાગતા એક મીનિટ માટે ફ્રીજ થઇ જાય છે. સંધ્યાને એક મીનિટ માટે ફ્રીજ કરી દેતી ઘટનાના તાર એને પરોઢિયે આવેલ દુ:સ્વપ્ન સુધી લંબાઇ છે. ઘડીભર માટે અભિનેત્રી તેના પાત્રમાંથી બહાર આવી જાય છે. સઘળું સેળભેળ થઇ જતા સંધ્યા ઉદ્દવેગ અનુભવે છે. એક મીનિટ માટે ઘટતી આ ઘટના નાયિકાના આંતરિક મનોજગતને આપણી સામે ખોલી આપે છે.
લાભશંકર ઠાકર ગુજરાતી સાહિત્યના સિદ્ધહસ્તસર્જક રહયા છે. એમણે ‘ પીળું ગુલાબ અને હું ’ માં સંધ્યાના પાત્ર પાસે અદ્દભુત કામ લીધું છે. કુમળી વયની આ પુખ્ત કલાકારે દિગ્દર્શક ઝાલાની તાલીમ મુજબ અભિનય કરીને પ્રેક્ષકોના દિલ જીતી લીધાં છે. કોરીકટ સંવેદના વચ્ચે ભર્યો ભર્યો અભિનય કરતી નાયિકાની પીડાનું કરૂણ ગાન એટલે ‘પીળું ગુલાબ અને હું.’ સંધ્યાને એનું આંતરિક ઘમાસાણ ચેન નથી લેવા દેતું.
કેતન સાથે પરણેલી સંધ્યાને એનું વાસ્તવિક જીવન પણ નાટક જ લાગવા માંડે છે. જિંદગીના અઢી દાયકા અભિનયના ઓજસ પાથર્યા પછી સંધ્યા પાસે કાંઇ બચતું નથી. હા, બચે છે તો માત્ર ટેવવશ ચાલતું નિરસ જીવન. નાટકની સંકુલતા અને સંધ્યાની વેદનાની સંકુલતા વચ્ચે પ્રેક્ષકગણ પણ નાટકના ઘટનાસૂત્રમાં સંકળાય જાય છે. પરિસ્થિતિમાંથી જન્મતી પીડા નાયિકાના સ્વપણાને છિન્નભિન્ન કરી નાંખે છે. પ્રેમની ભ્રામકતા, નાટકિયો પ્રેમ, ઉસ્તાદજીનો લટ્ટુ કહી શકાય એવો પ્રેમ અને ઝાલા સાહેબનો અવ્યક્ત પ્રેમ નાયિકાના મનોદ્વન્દ્વને નેપથ્યમાં રહીને વલોવતો હોય એવી અનુભૂતિનું ભાવજગત-મનોજગત રચવામાં લાભશંકર ઠાકર સફળ નિવડયા છે.
સંધ્યાના જ શબ્દોમાં એની મનોવ્યથાને વર્ણવવી હોય તો કહી શકાય કે, ‘‘શું થતું હશે કોઇ સોળ વર્ષની કન્યાને, જયારે એને લજ્જા થતી હશે ? આઇ કાન્ટ ઇમેજિન, આઇ કાન્ટ ઇમેજિન. શું થતું હશે એના મનમાં, એના હ્દયમાં, એના શરીરના એક-એક કોષમાં? ઓહ !આઇ કાન્ટ ઇમેજિન.’’
‘‘લજ્જાનો એ અનુભવ શું મારે માટે શકય જ નથી હવે ?કોઇપણ સામાન્ય છોકરીનું સદ્દભાગ્ય, એનાથી હું સાવ વંચિત રહી ગઇ ? અને છતાં હજારો પ્રેક્ષકોને અનેકવાર મેં જે બતાવ્યાં કર્યું - નરાતર અસત્ય - એ જ મારી મૂડી ? એ જ આમ હરઘડી ઉપસી આવશે મારી જીભ પર, મારીં આંખોમાં, મારી ડોકમાં, મારી આંગળીઓમાં?’’
‘‘ના, કેતન, આ બધું હવે લેશમાત્ર ના જોઇએ. કોઇ એવો કીમિયો બતાવ, કેતન, કે મારાથી, મારી ભાષામાંથી મારા એક એક અંગમાંથી જે કૃત્રિમ છે એને ઉખેડીને ફેંકી દઉં - કેતન ! મને આમાંથી છોડાવ.’’
એક નોર્મલ ગૃહિણી બનવાનું એક માત્ર ડ્રીમ લઇને ફરતી સંધ્યાને માટે રંગભૂમિનો અભિનય અકારો સાબિત થઇ રહયો છે એટલે એનું રોમ રોમ એમાંથી છૂટવા અધીરું બની કેતનને આર્તભાવે કરગરી રહયું છે. એક પીળું ગુલાબ સંધ્યાની આ પીડામાં ઉમેરો કરે છે. પીળું ગુલાબ આમ તો દરેકને ગમવું જોઇએ, ગમતું હોય છે, પણ સંધ્યાને આ પીળું ગુલાબ માફક નથી આવી રહયું. પીળા ગુલાબની સોડમ કેતન માણી રહયો છે અને એના કાંટા સંધ્યાના હ્દયમાં ભોંકાય રહયાં છે. સંધ્યાના અજાગૃત મનને પીળા ગુલાબનું પ્રતીક દઝાડી રહયું છે. ટુકડાઓમાં (અભિનયના) વહેંચાયેલી સંધ્યા કયારેય એકરસતાને નથી પામી શકતી. નાટકોની જિંદગી સંધ્યાની વાસ્તવિક જિંદગીને સતત તીક્ષ્ણ અણીદાર ચાંચથી ઠોલ્યા કરતી હોય એવું લાગી રહયું છે.જાણે કે સંધ્યા વિહવળ બની જાય છે. સંધ્યાની આ વિહવળતા એને માનસિક વિકલાંગતા તરફ દોરી જાય છે.
સંધ્યા એક પછી એક ઘેનની ટીકડીઓનો ડોઝ પોતાની અંદર ઉતારે છે એ તો માત્ર બાહય પરિવેશનો નાટકિયો ઘટનાક્રમ છે. વાસ્તવમાં સંધ્યા અવાસ્તવિક જિંદગીના પોતે અનુભવેલા પીડિત મનોવ્યથાના કડવા ડોઝ ઉતારી રહી હોય એવું વધુ લાગી રહયું છે. લા.ઠા.ની આજ તો કમાલ છે. પ્રેક્ષકગણને તો સંધ્યા અભિનયની મહારાણી લાગે છે. પણ, સંધ્યા પોતાને અને પોતાની જાતને ચાવી ભરેલા રમકડાંથી વિશેષ કાંઇ નથી સમજતી. સંધ્યાની આ યંત્રવતતામાંથી જન્મેલી મનોવેદના નાટકનો પ્રાણ છે.
‘‘સંધ્યાને કેમ છે ?’’ ના જવાબમાં કેતન કહે છે, ‘જેમ છે તેમ છે. બસ બોલતી નથી. આપણે બોલાવીએ તો માત્ર આપણી સામે ટગરટગર જોઇ રહે છે, સૂનમૂન.’
કેતનના આ શબ્દો સંધ્યાના માનસિક સંતુલનની સાબિતી માટે પૂરતાં છે. ‘મને કહોને પરમેશ્વર કેવા હશે ?’ નું સંધ્યાનું ભાવજગત એની મનોદશાની પરાકાષ્ટા છે.
એકબાજુ અસ્તિત્વનો પ્રશ્ન અને બીજી બાજુ યાંત્રિક જીવન.તો વળી, સામા પક્ષે ગળાફાંસો ખાવા સાથે આઇસક્રીમ ખાવાની ચેષ્ટા વચ્ચે ઊભરાતી મૂંગી યાતનાઓનો સર્જકનો સંકેતાત્મક ભાવાનુભવ આપણને અંતિમ દ્રશ્યમાં લગભગ દિગ્મૂઢ અવસ્થામાં લાવીને મૂકી દે છે. અર્થાત નાટકનું સમગ્ર પોત મનોવૈજ્ઞાનિક ભૂમિકામાંથી જ રચાયું છે એમ કહી શકાય.
પીળું ગુલાબ :- મનોવૈજ્ઞાનિક પ્રતીકાત્મકતામાં શીર્ષક ભૂમિકાએ.
શીર્ષકમાંનો ‘ પીળું ગુલાબ ’ શબ્દ જ પ્રારંભે નાટકની મનોવૈજ્ઞાનિક ભૂમિકા રચી આપે છે. ખાલીપો ભરવાના બદલે પીળું ગુલાબ ખાલીપો સર્જવા નિમિત્ત બને છે. કેતન સંધ્યામાં એની બકુલશ્રીને શોધવા હવાતિયા મારે છે. ‘ માય યલો રોઝ.'માં આ હવાતિયા સતત પડઘાયા કરે છે. સંધ્યા માટે આ પીળું ગુલાબ સૌતન બનીને સતત સામે આવ્યા કરે છે. કેતનની સંધ્યામાં બકુલશ્રીને શોધવાની વાત સંધ્યાને હજમ નથી થતી. કેતન દ્વારા સંધ્યા માટે વ્યકત થતો પ્રેમ સંધ્યાને પારકો લાગે છે. સેળભેળ વાળી જિંદગીથી થાકેલી સંધ્યા આ સેળભેળને ખંખેરીને સ્વસ્થ થવાનો પ્રયત્ન કરે છે, પણ એમાં એ સફળ નથી થતી. સંધ્યાની હ્દયભૂમિને કોઇ અજાણ્યો વિરહાગ્નિ સતત બાળ્યાં કરે છે. લાગણી વગરનું, ફીલિંગ વગરનું ગોખેલું બોલીને કંટાળી ગયેલી સંધ્યા સમસ્ત નારીજગતની ભજવવી પડતી નાટકીય ભૂમિકાને વાચા આપે છે.
ત્રીજા ધોરણમાં ભણતા કેતનને બાજુમાં રહેતી પોસ્ટમાસ્તરની દીકરી નિશાળે જતા રોજ એક ગુલાબ આપતી હતી. બકુલશ્રીએ રોપેલા પીળાં ગુલાબના છોડને આવેલું પહેલું ગુલાબ એ ધસમસતી આવીને કેતનને આપે છે.કેતને પણ બચપણમાં એકવખત બકુલશ્રીને ગુલાબ ચીતરીને આપેલું. આ ગુલાબમાં કેતને પીળો રંગ પૂરેલો. આપણી પાસે જે ગુલાબ છે એને આપણે નથી માણતા. આપણી પાસે જે પીળું ગુલાબ નથી એને પામવાની આપણી મથામણ આપણને સૌને નાટક કરવા પ્રેરે છે. આપણામાં દરેકમાં કયાંક એક સંધ્યા કે કયાંક એક કેતન છૂપાઇને બેઠો છે. પીળું ગુલાબ તો માત્ર ન પામી શકાય એવો અહેસાસ છે. અહીં લાભશંકર ઠાકરે ‘પીળું ગુલાબ’ની સાથે ‘હું’ ઉમેરીને આપણને સૌને નાટકના પાત્ર (સંધ્યા અથવા તો કેતન) બનાવી દીધાં છે. લા.ઠા.એ નાટકમાં કશું બનવા દીધા વિના ઘણું બધું બનવા દીધું છે, અને વળી એ પણ - મનોવૈજ્ઞાનિક ભૂમિકાની કક્ષામાં બનવા દીધું છે.
આંતર સંબંધોનો ખાલીપો : સંધ્યાના મનોવ્યાપારની નાજુકતા.
સાવ સંવેદનહીન અને બુઠ્ઠી બની ગયેલી સંધ્યાની લાગણીઓ એને તંગ બનાવી દે છે. દંભના અંચળા નીચે જીવતી દુનિયાથી ઉબાઇ ગયેલી સંધ્યા પાસે વલોપાત સિવાય કયાં કાંઇ બચ્યું છે ! પુરુષપ્રધાન સમાજના દંભને ‘વેશ્યા’ ની નાયિકા ભાંડે છે ત્યારે એને તુચ્છ માખી કે કીડી થઇને ટૂંકી જિંદગી જીવી જવાનું વધુ પસંદ પડે છે. નાયિકાને અંહી ટુકડે ટુકડે મરવા કરતા એક ઝાટકે કચડાઇ જવું વધુ ગમે છે. માનસિક યાતનાના ભયંકર બોજ વચ્ચે રીબાતી દોજખભરી જિંદગીથી તંગ આવી ગયેલી નાયિકાને હવે તરકટી અવાજ નથી સાંભળવા.
નાયિકાની આ પીડા ત્યારે અસહ્ય બને છે, જયારે એને પોતાના અને કેતન વચ્ચેના કોમ્યુનિકેશન ગેપનો અહેસાસ થાય છે. માનવ સંબંધની સૌથી વધુ દયામણી અવસ્થા જો કોઇ હોય તો તે એ છે; સાથે રહેતા બે સહચારી વચ્ચેનું માનસિક અંતર. બે સાથે રહેતા જણ વચ્ચેનો ખાલીપો નાયિકાને કોરી ખાય છે. ભૈરવીના રૂપમાં પિતાની વાત કરતી સંધ્યા અને ‘પતિ અને પત્ની’ વચ્ચે કોઇ રેપો નથી એવી ભૈરવી - (સેન્સેટિવ સ્ત્રી)ના રૂપમાં પોતાની જાતને ખોઇ બેસે છે. સાવ નિકટ હોવા છતા પતિને નહીં સમજી શકવાનો, એકબીજાની સામે સાવ નજીક હોવા છતા દૂરી અનુભવવાનીભૈરવીની આ સંવેદનતીવ્રતા અને પતિને પામવાની ઝંખના વચ્ચે સંધ્યા કેતનને પ્રયત્ન કરવા છતા પામી નહીં શકવાની પીડા લઇને ફરે છે.
પતિના મગજમાં શું ચાલે છે એ જાણવાની લાલસા એકરાત્રે ભૈરવીને પતિની કુહાડી મારીને કરપીણ હત્યા કરવા સુધી લઇ જાય છે. એક રીતે ભૈરવીનો આ મનોવ્યાપાર સંધ્યા સુધી અને ત્યાંથી છેક આપણા સુધી વિસ્તરે છે. સંબંધોના ખાલીપાને લઇને જીવતી સંધ્યા કેતનને પરણીને સાચુકલી ગમતીલી જિંદગી જીવવાનો ઉધામો કરી જુએ છે. પણ, એમાં એ સરાસર નિષ્ફળ જાય છે.
સંધ્યાનું મનોદ્વન્દ્વ સંધ્યાને અંદરથી સમૂળગી ઉખાડીને ફેંકી દે છે. સ્થિર થવાના એના પ્રયત્નો વાંઝિયા પુરવાર થાય છે. રંગમંચ પર બોલાતી ભાષા અને જીવનમાં ઉપયોગમાં લેવાતી ભાષા સેળભેળ થતા એ સાચુકલા સંવેદનાસભર અહેસાસોને પામી નથી શકતી. સંધ્યા એવા કોઇ ઉપાય (કીમિયા)ની તલાશમાં છે, જે એને કૃત્રિમતાથી મુકત કરી શકે.
મહોરા પહેરીને આખરે કયાં સુધી જીવવાનું ? બીજા સાથેની છેતરપીંડીતો સમજયા, પણ પોતાની જાત સાથેની છેતરપીંડી વચ્ચે એ નોર્મલ ગૃહિણી બની જીવવાનું સ્વપ્ન જુએ છે. કેતન મળતા એને આ સ્વપ્ન હકીકત બનશે એવું લાગે છે. પણ, આખરે સંધ્યા અને કેતન વચ્ચેના સંબંધોમાં રહેલો ખાલીપો સંધ્યાને હચમચાવી મૂકે છે.
પ્રતીકો - માનસિક દ્વન્દ્વની પરાકાષ્ટા
‘સંધ્યા’ નામ પણ એકરીતે અસ્તતાને ઉજાગર કરે છે. સંધ્યાના જીવનમાં એકરીતે બધું જ આથમતું જતું લાગે છે. કેતનનો પ્રેમ સંધ્યાને બકુલશ્રી પ્રત્યેનો પ્રેમ લાગ્યા કરે છે. સંધ્યાને કેતનનો કૂંડામાં રોપાયેલો છોડ બનીને નથી રહેવું. કૂંડાનો છોડ આમ પણ કેટલું જીવે ? કેતન પણબાહય ચળકાટવાળી સંધ્યાને, એના બહિર વ્યક્તિત્વને પામવાના ખેંચાણથી પરણ્યો છે. કેતન આખરે તો પ્રેક્ષકમાંથી પતિ બન્યો છે. સંધ્યાને પતિ સાથેનો ડ્રોઇંગ રૂમ અને અગાઉ ભજવેલા નાટકનો બેડરૂમ બંને ભેદ વિનાના લાગે છે. પોતાને સમૂળગી ખોઇ બેસેલી સંધ્યા ગીત ગાતી નશામાં કશુક ભૂલવા મથે છે. આ જ તો સંધ્યાની વિટંબણા છે. કેતન સંધ્યાને સંધ્યા તરીકે સ્વીકારે એમ ઇચ્છતી સંધ્યાને છેવટે નિરાશા હાથ લાગે છે. કેતનનું સાહજિક વર્તન પણ સંધ્યાને બનાવટી લાગે છે. પોતાને કોઇ બકુલશ્રી માનીને ભોગાવે એ મંજૂર નથી. સંધ્યાનો માનસિક દ્વન્દ્વ ત્યારે પરાકાષ્ટાને પામે છે, જયારે સંધ્યાને પોતાને લાગે છે કે એ કેતનની પત્ની નથી પણ એની પત્નીની ભૂમિકા ભજવતી કોઇ અભિનેત્રી છે. પ્રેમબ્રેમ જેવું કશું હોતું જ નથી, બધા પ્રેમ નામે નાટક જ કરે છે. એવું માનવા લાગેલી સંધ્યા આથમી ન જાય તો બીજું થાય પણ શું ??
‘મહોરા’ના એક દ્રશ્યમાં સંધ્યાને રિલેક્સ રાખવા માટે કોફી મંગાવવામાં આવી હોય છે. કોફીનો આ કપ ભારે પ્રતીકાત્મક છે. કપમાં ઠંડી થઇ ગયેલી કોફી સંધ્યાની થીજી ગયેલી ચેતના તરફ સંકેત કરે છે. લાભશંકર ઠાકરે અહીં ધીરા ભગતના ‘કાયાના કૂપા’નો ઉલ્લેખ કરી ઘણું બધું સાનમાં સમજાવી દીધું છે.
નાટકનું શીર્ષક પણ ભારે પ્રતીકાત્મક બની રહે છે. ‘પીળું ગુલાબ’ નાટકનો પ્રાણ છે. સંધ્યા અને કેતનના ભાવજગતને આસાનીથી પ્રગટ કરવામાં ‘પીળું ગુલાબ’ પ્રતીક તરીકે ખૂબ જ અસરકારક નીવડે છે.
કેતન સંધ્યાને લાઇટર આપે છે. સંધ્યા લાઇટરથી મોંમાં મૂકેલી સિગારેટ સળગાવે છે. જાણે કે સંધ્યા સિગારેટ નહીં પણ પોતાના સપના સળગાવે છે. અરે ! પોતાની જાતને, પોતાના અસ્તિત્વને સળગાવે છે. સંધ્યાના જમણા હાથનો તલ એક માટે પ્રેમનું પ્રતીક બની જાય છે તો એક માટે પીડા બની જાય છે. દરેક વ્યક્તિને પોતાના હાથ પરના તલ પ્રત્યે એક પ્રકારનો લગાવ હોય છે. સંધ્યાને પણ પોતાના હાથ પરના તલ પ્રત્યે લગાવ હોવો જોઇએ, પણ એવું બનતું નથી. તલ ઉભય પક્ષે પ્રેમ અને પીડાનું પ્રતીક બનીને રહી જાય છે.
પ્રતીકોનો વિનિયોગ કર્તા અને કૃતિ એમ બંને માટે ભારે મહત્વપૂર્ણ બનતા હોય છે. લેખક તરીકે ‘પીળું ગુલાબ અને હું’ નાટકમાં શ્રી લાભશંકર ઠાકરે નાવિન્યપૂર્ણ, અસરકારક પ્રતીકો પ્રયોજીને ઊંચા લક્ષ્યને સાધ્યું છે. ‘મહોરું’ શબ્દ પણ સમગ્ર નાટકમાં પ્રતીક બનીને એકાકાર થઇ ગયાનું આપણને લાગ્યા કરે છે. ટૂંકમાં ‘પીળું ગુલાબ અને હું’ નાટકમાં પ્રતીકો તરીકે શબ્દો, સ્થિતિ કે વસ્તુને મૂકીને સર્જકે ધાર્યું નિશાન તાક્યું છે.
સર્જકનું માનસ સંતાન : સ્ત્રી - નિર્માતા
સ્ત્રી - નિર્માતાના નિવેદન દ્વારા લાભશંકર ઠાકરે નાયિકાના સંવેદનાત્મક મનોભાવોને અલગ અને આગવા અંદાજમાં મૂકવાનો સફળ પ્રયાસ કર્યો છે. સમગ્ર નાટકમાં ઘૂંટાતી પીડા નાયિકાની પીડા છે ? સ્ત્રી - નિર્માતાની પીડા છે ? કેતનની પીડા છે ? કે પછી સર્જકની પોતાની પીડા છે ?
‘આપણે ખવડાવીએ તો ખાય, પીવડાવીએ તો પીએ, સુવડાવીએ તો સૂએ, નહીં તો આમ બેસી રહે સૂનમૂન.’ ઘૂંટાતી પીડાને બયાન કરવા માટે મૂકાયેલા આ શબ્દો વચ્ચે ‘‘મિસ્ટર ઝવેરી બેડરૂમમાં જઇને ચુંબન કરશે, કોને? તમે કોને રોજ ચુંબન કરો છો? જે છે એને ? કે જે નથી એને ? ફેસ ઇટ, જેન્ટલમેન એન્ડ જેન્ટલ લેડી, યૂ હેવ ટુ ફેસ ઇટ.’’ એવું કહીને સ્ત્રી - નિર્માતા આખરે આ સંતાકૂકડીની રમતનો દડો ફંગોળતા-ફંગોળતા પ્રેક્ષકો સુધી પહોંચી જાય છે. પુનરુક્તિઓ દ્વારા આપણને એ તો સમજાય જ જાય છે કે બધા નાટકો એક જ લેખિકા - સ્ત્રી - નિર્માતાના છે. અહીં ફૂટી નીકળેલી વેદના સંધ્યા કરતાંય સ્ત્રી - નિર્માતાની છે એમ કહેવું વધુ ઉચિત રહેશે. કારણ કે સંધ્યા તો સ્ત્રી - નિર્માતાનું કલ્પેલું પાત્ર માત્ર છે.
પહેલા અંકમાં ખાલીપામાં ગૂંગળાતી વીફરેલ વરુ જેવી લેખિકાનો અવાજ સ્પષ્ટ ચેતવણી આપતો માલુમ પડે છે. બીજા અંકના આરંભે જ આપણને ખ્યાલ આવી જાય છે કે સંધ્યા અને સ્ત્રી - નિર્માતા જાણે કે એકબીજામાં ઓગળી જાય છે. સંધ્યા અને સ્ત્રી-નિર્માતાની ધગધગતી પીડાને નિરૂપ્યા બાદ દિગ્દર્શક ‘મહોરા’ નાટકનું રિહર્સલ કરી વેદનાને એની ચરમસીમાએ પહોંચાડે છે. વિવિધ સાધનોના કલાત્મક વિનિયોગ દ્વારા રચાયેલું ભાવજગત સ્ત્રી-નિર્માતાના આક્રોશયુક્ત બરાડાથી નવી ઊંચાઇ પામે છે.
‘કયાં છે આંબાનું વન ?કયાં છે કોયલડી ? કયાં છે મારું મન ? ભાંગી ગયું છે. તૂટી ગયું છે મારું મન. બૂમ પાડું છું બેઠીબેઠી ટેબલના આ કાંઠે, સામે કાંઠે બેઠેલાં કોઇ સાંભળતા નથી શું ? બહેરા છે ? બધાં બેઠાં બેઠાં ચા પીએ છે. બીડી પીએ છે. પાન ચાવે છે. પાના રમે છે. પુસ્તક વાંચે છે. સંશોધન કરે છે. થિસિસ લખે છે. નાક નસીંકે છે. બગાસા ખાય છે. તબલા વગાડે છે.’ - આઘાતના ઉદ્દઘોષક સમા આ શબ્દો સંધ્યાની સઘળી પ્રતિક્રિયાઓને સ્ત્રી - નિર્માતાની પ્રતિક્રિયાઓ બનાવી દે છે. સંધ્યા તો એનું માનસ સંતાન છે.
સંધ્યાના સાથી પાત્રો, ઝાલા સાહેબ, કેતન વગેરે જયારે સંધ્યા અવાચક બનીને રહી જાય છે ત્યારે શુષ્ક વ્યવહાર કરવા લાગે છે. બધા પાત્રો - વ્યક્તિઓ સંધ્યા સાથે સાવ સામાન્ય કહી શકાય એવો રૂટીન વ્યવહાર કરવા લાગે છે. સંધ્યાને પડતી મૂકી મધુને રોલ આપી દેતા ઝાલા સંધ્યાના મનને કયારેય નથી વાંચી શકતા.
થિયેટરની બીજી ભાષા માઇમનો કૂનેહપૂર્વક ઉપયોગ કરી લા.ઠા. સ્ત્રી-નિર્માતાની પીડાસભર - કરૂણતાસભર ચીસને બહાર લાવવાનો સફળ પ્રયોગ કરે છે. લા.ઠા. આ નાટકમાં નાટકના નામે નાટક કરવાનો કોઇ જ પ્રયત્ન નથી કરતા. સમગ્ર નાટકનું મનોવૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ ઉપર આકલન કરવામાં આવે તો નાટક ખરું અને બળકટ સાબિત થાય છે.
અંગત રહીને બિનઅંગત બની રહેતા ચરિત્રને પ્રસ્તુત કરવાનો લેખકનો પ્રયોગ નાવિન્યપૂર્ણ છતાં સફળ રહયો છે. નાટ્યવાસ્તવ અને જીવનવાસ્તવની સેળભેળયુકત વિટંબણાથી સર્જાતું કરુણાસભર વાતાવરણ પ્રેક્ષકને અંતસુધી જકડી રાખે છે. પ્રેક્ષકગણનું મનોજગત પણ મહદઅંશે સંવેદનાત્મક સંકુલતાના વર્તુળમાં ચકરાવો લેતી અવસ્થામાં પહોંચી જાય છે.
અંક એક (૧) ના દ્રશ્ય - ૩ માં પડદો ખૂલતા કેતનું ઘર દેખાય છે. ત્યાં બધા કોકટેલ પાર્ટીમાં આવ્યાં છે. કોકટેલ શબ્દ જ મિશ્રણ (ભેળસેળ)નું પ્રતીક છે. ન ભળી શકે એવી વસ્તુઓ (સ્વભાવ કે ગુણથી) ભેળવવી એટલે કોકટેલ. સંધ્યાનું જીવન પણ આમ જોવા જઇએ તો કોકટેલ સમું બની ગયું છે. કોઇના હાથમાં ભરેલો તો કોઇના હાથમાં ખાલી ગ્લાસ છે. કેતનના જીવનમાં સંધ્યા આવવાથી એનું જીવન ભરેલા ગ્લાસ જેવું છે. સામા પક્ષે સંધ્યાનું એવું નથી. દીપક અને મધુ થાકીને ડાન્સમાંથી નીકળી જાય છે. સંધ્યાને તો વળી, નાટકરૂપી જીવન અને જીવનરૂપી નાટકમાંથી સમૂળગા નીકળી જવાની ઇચ્છા થાય છે. માનસિક પરિતાપ વચ્ચે ‘રાજ ! તમે આવો, આ મંજરી વિલાય.’ ની સંધ્યાને ભજવવી પડતી ભૂમિકા અને ઉચ્ચારવા પડતા શબ્દો સંધ્યાના હૈયાને વિરહાગ્નિથી ઘેરી લે છે.
લાગણી વગરનું અને ફીલિંગ વગરનું ભજવીને થાકી ગયેલી સંધ્યા ઘેનમાં કેતનને કહે છે, ‘તું છે મારો વર વહાલો ને હુ છું તારી વહુ.’ નશો ઉતરતા જાગૃત અવસ્થામાં સંધ્યા કેતનની વહુ હોવા છતાં પોતા એની વહુ હોવાનું નાટક કરતી હોવાનું અનુભવે છે. આનાથી વધુ પીડાની પરાકાષ્ટા બીજી કઇ હોઇ શકે !
‘આ ક્ષણે એ અહીં નથી, ડ્રોઇંગરૂમમાં નથી. એ વર્તમાનમાં પણ નથી, ભૂતકાળમાં પણ નથી. એ કયાંય નથી. આ ક્ષણે એનું શરીર માત્ર ગોખેલી મુવમેન્ટસ કર્યા કરે છે.’ -એવું કહેતી સ્ત્રી - નિર્માતા સંધ્યાની જેમ ખુદપણ કયાંય ન હોવાની અનુભૂતિનો અહેસાસ કરે છે.
ટૂંકમાં સંકુલ મનોદશાનું ભાવવિશ્વ એટલે ‘પીળું ગુલાબ અને હું.’ સંધ્યાની અને કેતનની નહીં, આપણી વાત કહેતું મનોવૈજ્ઞાનિક પૃષ્ઠભૂમિ ઉપર રચાયેલું નાટક એટલે ‘પીળું ગુલાબ અને હું.’ લાભ શંકર ઠાકરની યશસ્વી કૃતિ એટલે ‘પીળું ગુલાબ અને હું.’ સંવેદનતીવ્રતાની ધારધાર અનુભૂતિ એટલે ‘પીળું ગુલાબ અને હું.’
સંદર્ભ ગ્રંથ :
રવજી ગાબાણી, ૯, સંકલ્પ બંગ્લોઝ, નાના ચિલોડા સર્કલ પાસે, એસ.પી.રીંગ રોડ, અમદાવાદ-૩૮૨૩૩૦