'રાઈનો પર્વત’ માં નિરૂપિત નારી ઉત્કર્ષના ખ્યાલો
ગુજરાતી સાહિત્યમાં નાટ્યલેખન પ્રવૃત્તિના શ્રીગણેશ તો દલપતરામ, નગીનદાસ મારફતિયા, રણછોડરાય ઉદયરામ, નવલરામ વગેરે દ્વારા ખૂબ સુપેરે થયા હતા. આ પરંપરામાં શ્રી રમણભાઈ નીલકંઠ દ્વારા ઓગણીસો તેરમાં 'રાઈનો પર્વત’ નાટક પ્રકાશિત થાય છે. નવલકથા, કવિતા, નિબંધ જેવા સ્વરૂપોમાં સારુ એવું ધ્યાનાર્હ પ્રદાન કરનાર રમણભાઈ પાસેથી પ્રાપ્ત થતું 'રાઈનો પર્વત’ નાટક સીમાચિહ્ન્રરૂપ બની રહે છે. પૂર્વ અને પશ્ચિમના નાટકના સ્વરૂપ વિશેનાં ઘટકોનો સુયોગ તેમણે આ નાટકમાં સુપેરે કર્યો છે. આ નાટક આમ તો મહીપતરામ નીલકંઠે સંપાદિત કરેલા ભવાઈવેશસંગ્રહના 'લાલજી મનીઆર’ના વેશમાં આવતા એક દુહા પરથી આખી નાટકગૂંથણી કરવામાં આવી છે. છતાં તેમાં સર્જકની નાટ્યસ્વરૂપ વિશેની સભાનતા અને સર્જકતા સ્પષ્ટ રીતે વર્તાઈ આવે છે.
નાટકનું સ્વરૂપ તેના ઉદભવકાળથી જ લોકપ્રિય અને લોકભોગ્ય રહ્યું છે. લોકોના મનનું રંજન કરનાર નાટકના સ્વરૂપને એથી ઘણીબધી મર્યાદાઓનો સામનો કરવાનો પણ આવ્યો છે. ભવાઈના વેશોમાં પ્રવેશેલી અશ્લિલતાને કારણે જ ગુજરાતીમાં દલપતરામ અને રણછોડરાય ઉદયરામ જેવા નાટ્યકારોએ આ મર્યાદાઓથી નાટકને દૂર લઈ જવાનો પ્રશસ્ય પ્રયાસ કર્યો છે. આથી એ પછી આવતા નાટ્યકારોએ પણ સંસારસુધારાને મહદઅંશે ધ્યાનમાં લીધો છે. સમાજને હાનિકર્તા ખ્યાલો દૂર કરી સ્વસ્થ સમાજની રચના થાય તે માટે તેમણે યથાશક્ય પ્રયાસો કર્યા. નાટકના સ્વરૂપનો સમાજસુધારણા માટે ખાસ્સો ઉપયોગ પ્રારંભે થયો. રમણભાઈ જેવા સ્વરૂપ સંપ્રજ્ઞ નાટકકારે પૂર્વ-પશ્ચિમના નાટ્યતત્વોનો વિનિયોગ કરી ધ્યાનાર્હ નાટક તો આપ્યું પરંતુ તેમાં તેમના સુધારાવાદી ખ્યાલો તો પ્રગટ થયા જ. આ સંદર્ભે શ્રી સતીશ વ્યાસ કહે છે કે, "'રાઈનો પર્વત’ આ માર્ગમાં એક સીમાચિહ્ન્રરૂપ નાટક બને છે. એનાં મૂળ ભવાઈવેશમાં છે. મહીપતરામ નીલકંઠે સંપાદિત કરેલા ભવાઈવેશ સંગ્રહમાં એક વેશ હતો 'લાલજી મનીઆર’નો. તેમાં એક દુહો આવતો હતો:
"સાંઈ આંસે સબ કુચ હોત હૈ, મુજ બંદે સે કચું નાહીં,
રાઈ કું પરબત કરે, પરબત બાગે જ માંહી."
દુહા સાથે એક ચમત્કારક વાર્તા પણ હતી. એ વાર્તાને આધાર તરીકે લઈ પોતાના સમયની કેટલીક સમસ્યાઓને વાચા આપવા રમણભાઈ નીલકંઠે આ નાટકની રચના કરી. નીતિ અને અનીતિ, ધર્મ અને અધર્મના કેન્દ્રભૂત સંઘર્ષ ઉપરાંત પ્રણયલગ્ન અને વિધવાપુનર્લગ્નની સમસ્યાઓને અહીં વણી લેવામાં આવી છે.” (પૃ. ૮૫, ગુજરાતી નાટક) નીતિ-અનીતિના ખ્યાલને સુપેરે મૂકી આપવાની સાથેસાથે લેખકે નારીવાદી વિચારોને પણ સબળ રીતે મૂકી આપ્યા છે. સ્ત્રી સ્વાતંત્ર્ય, સ્ત્રી સમાનતા અને વિધવાપુનર્લગ્ન જેવા ખ્યાલોને નાટકના કથાનકમાં ગૂંથીને ઉપસાવી આપ્યા છે.
શ્રી રમણભાઈ નીલકંઠનો સમય અને નાટકની રચના તથા પ્રકાશનનો ગાળો- એ વખતે બાળલગ્નો અને તેને પરિણામે સર્જાતાં કજોડાંનો પ્રશ્ન બહુ મોટો હતો. આવાં બાળલગ્નોમાં જો પુરુષનું મૃત્યુ થાય તો પછી જે તે સ્ત્રીને આજીવન વૈધવ્ય પાળવું પડે. ભારતીય સમાજની આ મોટામાં મોટી મર્યાદા હતી. સાવ નાની વયની બાળકી પતિ એટલે શું? તે સમજતી પણ ન હોય- પતિ થનાર છોકરા કે પુરુષને જોયો પણ ન હોય છતાં તેનું મૃત્યુ થતાં તેને આજીવન વૈધવ્ય પાળવું પડે છે. જીવનનાં બધાં જ અરમાનોને કચડી નાખી જીવતાં- મરેલાં હોય તેવું શુષ્ક જીવન વીતાવવું પડે છે. આમાંથી બીજી અનેક સામાજિક સમસ્યાઓ જન્મે છે. 'રાઈનો પર્વત’ નાટકના મૂળમાં પણ આખરે તો આ કજોડાં – લગ્નની રીતિ જ છે. પર્વતરાય વૃધ્ધ થયા હોવા છતાં લીલાવતી જેવી યુવાન-સુંદર કન્યા સાથે લગ્ન કરે છે. આથી આવી યુવાન પત્નીને ભોગવવાના અને સંતોષવાના અભરખાને કારણે જ યુવાન થવાના મિથ્યા પ્રયત્નો આદરે છે. આ કારણે જાલકાની જાળમાં ફસાઈ છે અને મૃત્યુ પામે છે. લીલાવતી જેવી કોડીલી કન્યાને પ્રાપ્ત થતો પતિ ભલે રાજા હોય પરંતુ તે વૃધ્ધ છે આથી સંસારસુખ માણવાના તેના ઓરતા અધુરા જ રહે છે. આ સ્વાનુભવને કારણે જ તે બાળવિધવા વીણાવતીના દુ:ખને સમજી શકે છે અને વિધવાવિવાહ અંગેનો પોતાનો સ્પષ્ટ મત રજૂ કરી શકે છે. રાઈ-વીણાવતીનું લગ્ન શક્ય નથી એમ જ્યારે લીલાવતીને તેમનો પુરોહિત સમજાવે છે ત્યારે લીલાવતી કલ્યાણકામના વિચારોનો ટેકો લઈને શાસ્ત્રઆજ્ઞા રૂઢિ નથી અને રાજા તેમાં બદલાવ લાવી શકે તે વાત જણાવે છે. પુરોહિત આ લગ્નને અનર્થજનક દર્શાવે છે તેના પ્રત્યુત્તરમાં લીલાવતી કહે છે: "એ અનર્થ નથી અને કલંકે નથી એમ મારી પ્રતીતિ થઈ છે. એ બેનો ઉચ્ચ પ્રેમ જ વિશુદ્ધતાની સાક્ષી પૂરે છે. વીણાવતી ફરી સૌભાગ્યથી સુખી થઈ શકે તેમ છે, તો શા માટે તેનું જીવન નાખી દેવું!” (પૃ. ૧૭૪, રાઈનો પર્વત) લીલાવતી તેની બહેનના લગ્નપ્રસંગે પણ તેના ભાઈને જે સમાચાર મોકલાવે છે તેમાં તેની વેદના અને વિચારો સ્પષ્ટ થાય છે, "મને કૂવામાં નાખી છે તેમાંથી નીકળીને મારાથી અવાય તેમ નથી. હવે મારી બહેનને કૂવામાં ન નાખશો; અને તમારી મોટાઈ કહેવાય એવે ઠેકાણે નહિ, પણ મારી બહેનનું સુખ વધે એવે ઠેકાણે તેને પરણાવજો.” (પૃ. ૧૭૦, રાઈનો પર્વત) અહીં લીલાવતી સમાજના એ વખતના ખોટા ખ્યાલોને પડકારે છે. સમાજ, કુટુંબની મોટાઈ જોઈને દીકરીને પરણાવતાં- વર ભલેને મોટી ઉંમરવાળો, કાણો-કૂબડો કે ગમાર હોય અને તેને કારણે સ્ત્રીઓના ભાગ્યમાં ઘણું જદુ:ખ વેઠવાનું આવતું. આમ, લેખક લીલાવતી અને વીણાવતી જેવાં પાત્રો દ્વારા લગ્નબાબતના તે સમયના સમાજના સંકુચિત ખ્યાલોને આલેખી સમાજમાં સુધારો લાવવાની હિમાયત કરે છે.
વિધવા પુનર્લગ્નના પણ લેખક પુરસ્કર્તા રહ્યા છે. તેમના જમાનામાં આ બાબતે આટલા સ્પષ્ટ ખ્યાલો દર્શાવવા એ પણ મોટી હિંમત છે. રાઈના પાત્ર દ્વારા આ વિચારો પ્રગટ્યા છે. રાઈ કહે છે “હા, મારો મત એવો છે કે વિધવાઓ માટે પુનર્લગ્નનો માર્ગ ખુલ્લો હોવો જોઈએ કે જેની ઈચ્છા હોય તે ફરી વિવાહિત જીવનમાં પ્રવેશ કરી શકે અને ફરી સૌભાગ્ય મેળવી શકે. પુનર્લગ્ન એ લગ્નના જેવો જ સ્વાતંત્ર્યનો વિષય છે. અને સ્ત્રીનું સ્વાતંત્ર્ય શા માટે લઈ લેવું જોઈએ?” (પૃ. ૮૮, રાઈનો પર્વત) આમ, વિધવા પુનર્લગ્ન અંગે સ્ત્રીને નિર્ણય લેવાની પૂરી છૂટ હોવી જોઈએ તેમ લેખક દર્શાવે છે.
સમાજમાં સ્ત્રીનું સ્થાન પુરુષની સમકક્ષ હોવું જોઈએ. સ્ત્રીને શા માટે પુરુષ કરતાં ઊતરતી ગણવામાં આવે છે. તેને પણ પુરુષો જેટલા બધા જ અધિકારો મળવા જોઈએ. તે પણ પોતાની મરજી પ્રમાણે જીવવા અને નિર્ણયો લેવા માટે સ્વતંત્ર હોવી જોઈએ. સ્ત્રી માત્ર પુરુષના મનોરંજનનું કોઈ સ્થૂળ માધ્યમ નથી કે તેનો મનફાવે તેમ વસ્તુ તરીકે તેનો ઉપયોગ કરી શકાય. આ વિગતો દર્શાવવા લેખકે કમલાના પાત્રને માધ્યમ બનાવ્યું છે. નગરચર્યામાં પુરુષવેશ ધારણ કરેલી કમલા જ્યારે પુરવાસી પુરુષો સ્ત્રીઓ વિશે તેમના હલકા ખ્યાલો વ્યક્ત કરે છે ત્યારે તે મારામારી કરવા સુધી પહોંચી જાય છે. આ સંઘર્ષજન્ય સંવાદમાં તેના સ્ત્રીસ્વાતંત્ર્ય અંગેના ખ્યાલો જોવા મળે છે. તે કહે છે, “મહારાજા રત્નદીપદેવનું રાજ એવું હતું કે સોળ વર્ષની સુંદરી મધરાતે એકલી ચાલી જતી હોય, પણ કોઈ બારીએથી ખૂંખારો સરખો ન કરે. એ મર્યાદા આજ ક્યાં છે!” (પૃ.૭૧, રાઈનો પર્વત) નાટકમાં કમલા, દુર્ગેશ અને રાઈ સમક્ષ સ્ત્રીના ઉધ્ધાર માટે યજ્ઞ આરંભવાનો સંકલ્પ કરાવે છે તેમાં લેખકની સ્ત્રી ઉત્કર્ષની ભાવના ભારોભાર વ્યક્ત થાય છે:
“સ્ત્રીજાતિની અવદશા પરિહારવાને
એવો હુતાશન મહા પ્રકટાવીશું, કે
તેની પ્રચંડ ઉંચિ જ્વાળનિ માંહિં થાશે
અજ્ઞાન, સ્વાર્થ વળિ દુર્મતિ-સર્વ ભસ્મ.” (પૃ.૭૪, રાઈનો પર્વત)
આ નાટકનું મુખ્ય પાત્ર રાઈમાં લેખકે સ્ત્રીઉત્કર્ષના સુધારાવાદી ખ્યાલો ખાસ્સા મોટા પ્રમાણમાં આલેખ્યા છે. રાઈ પર્વતરાઈ બની રાજ્ય સ્વીકારવા જાલકાની સમજાવટથી તૈયાર થાય છે પરંતુ જ્યારે તેને લીલાવતીના પતિ પણ બનવું પડશે અવો ખ્યાલ આવે છે ત્યારે તે કારમું મનોમંથન અનુભવે છે. અત્યંત રૂપાળી અને આકર્ષક લીલાવતીના પતિ બની ભોગવવાની તક બીજો કોઈ પુરુષ ભાગ્યે જ જતી કરે! પણ નીતિવાન તથા સ્ત્રીદાક્ષિણ્ય ધરાવતો રાઈ એ રીતે લીલાવતીનું શોષણ કરવા તૈયાર થતો નથી. તે લીલાવતી સમક્ષ પોતાની આખી યોજના નિર્ભયપણે પ્રગટ કરી દે છે. રાઈ એટલો તો સભાન અને નીતિવાન છે કે બેભાન લીલાવતીને સ્પર્શ કરવાનો થાય છે ત્યારે પણ મનોમન સંઘર્ષ અનુભવે છે. વિધવા વીણાવતી સાથે લગ્ન કરવામાં આવે તો તેના હાથમાં આવતું રાજ્ય ચાલી જવાનો ડર હોવા છતાં અને સમાજમાં પણ વિધવાવિવાહની ના હોવા છતાં તે વિધવા વીણાવતીનો અત્યંત પ્રેમપૂર્વક સ્વીકાર કરે છે.
આમ, 'રાઈનો પર્વત’ નાટકનાં બહુવિધ પાત્રો અને પ્રસંગોમાં લેખકે નારીભાવના અને સ્ત્રી ઉત્કર્ષના ઉમદા ખ્યાલો નાટકના સ્વરૂપને હાનિ પહોંચાડ્યા સિવાય આસ્વાદ્ય રીતે પ્રગટાવ્યા છે.
સંદર્ભ સૂચિ :
ડૉ. પ્રવીણભાઈ એસ વાઘેલા, એમ.એમ.ચૌધરી આર્ટસ કૉલેજ, રાજેન્દ્રનગર.મોબાઈલ : ૯૪૨૭૮ ૫૮૨૪૮ Email : pravinvaghle4175@gmail.com