“વાંસનો અંકુર” નવલકથામાં કેશવના ગૃહત્યાગનું કથાનક
ધીરુબહેન પટેલનું નામ સાહિત્યક્ષેત્રે મોખરે જોવા મળે છે. નવલકથા, નાટક, વાર્તા, અનુવાદ વગેરે ક્ષેત્રોમાં તેમણે પોતાની કલમ ચલાવી છે. તેમનો જન્મ ૨૫-૦૫-૧૯૨૬ના રોજ વડોદરામાં થયો હતો. તેમણે ઊચ્ચશિક્ષણ ઍલ્ફિન્સ્ટન કૉલેજમાં. ૧૯૪૫માં અંગ્રેજી વિષય સાથે બી.એ., ૧૯૪૮માં એમ.એ., ૧૯૪૯થી મુંબઈની ભવન્સ કૉલેજમાં અને ૧૯૬૩-૧૯૬૪માં દહિસરની કોલેજમાં અંગ્રેજીના અધ્યાપક રહ્યા હતા. એ સાથે ૧૯૭૫ સુધી ‘સુધા’ સાપ્તાહિકનું તંત્રી પદ સાંભાળ્યું હતું. ૧૯૮૦માં તેમણે રણજિતરામ સુવર્ણચંદ્રક મળ્યો. ૧૯૮૧માં કે. એમ. મુન્શી સુવર્ણ ચંદ્રક અને ૨૦૦૨માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો. ૧૯૯૬માં તેમને નંદશંકર સુવર્ણ ચંદ્રક અને દર્શક પુરસ્કાર મળ્યો હતો. ૨૦૦૧માં આગંતુક નવલકથાને સાહિત્ય અકાદમીનો ભાષા માટેનો પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. એ સાથે તેમને અનેક એવોર્ડ મળેલા છે. ૨૦૦૩-૨૦૦૪ના વર્ષમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ રહ્યા હતા. તેમની નોંધપાત્ર કૃતિઓમાં ‘અધૂરો કોલ’, ‘એક લહર’, ‘વિશ્વંભકથા’ જેવા વાર્તાસંગ્રહો ‘વડવાનલ’, ‘શીમળાનાંફૂલ’, ‘વાવંટોળ’, ‘વમળ’ અને ‘વાંસનો અંકુર’માં સર્જનશક્તિનો ઉન્મેષ દેખાય છે.
‘વાંસનો અંકુર’ નવલકથામાં મુખ્ય નાયક કેશવ છે. તે યંત્રની માફક જીવનથી કંટાળી જાય છે. હવે બંધનો તેને કાંટાની માફક ખુચવા લાગે છે. નવલકથાની શરૂઆતમાં કેશવ તેનાં પિતા મોતીલાલને જણાવે છે કે હવે પોતાને ભણવું નથી. જન્મની સાથે જ કેશવની માતા સુશીલાનું અવસાન થયું. તે દિવસથી કેશવનો ઉછેર તેના દાદા રમણીકલાલના ઘરે થયો હતો. તે ઘરમાં કેશવ સાથે કમળામાસી અને વિમળામાસી રહેતા હતાં. રમણીકલાલ કહે તેમ જ ઘરમાં થતું હતું. કેશવને જ્યારે પિતાજી મળવા આવ્યાં ત્યારે કેશવે કહ્યું. હવે નથી ભણવું તે વાત દાદાજીને જણાવવી જોઈએ. “કેશવને બધી ખબર છે. તે નાનપણથી આ બધું સંભાળતો આવ્યો છે. સાંભળી સાંભળીને માત્ર કાન નહીં, ભેજું સુધ્ધાં પાકી ગયું છે – કેશવ કોઈ વાર ઈચ્છે છે કે એ જન્મ્યો જ ન હોત. દાદાના અસીમ એકધારા ઉપકારોની હિમવર્ષા હવે તેનાથી ઝિલાતી નથી, એની યાદ સુધ્ધાં મન પર એક ભારે અજગરના ગૂંચળા જેવી થઈને પડી છે, એનો બોજ ક્ષણે ક્ષણે અસહ્ય બનતો જાય છે, ને ક્ષણો લંબાતી જાય છે...”
“કેશવે એ જાણ્યું હોત તો એને ગમત. એ નહોતો ઇચ્છતો કે બધા ઊંધતા હોય એમ ઊંઘે, રહેતા હોય એમ રહે, જે કરતા હોય તે કર્યા કરે. તેને શું જોઈતું હતું એની એને બરાબર ખબર નહોતી પડતી, પણ એને હવે આ બધું નહોતું જોઈતું. એ રાતે એ જાણી જોઈને જમ્યા પછી છાપું વાંચવા રમણીકલાલ પાસે ન ગયો.” ત્યારે દાદાજીએ તેને બોલાવ્યો. કૉલેજમાં ફી ભરવાનો સમય આવી ગયો. ત્યારે નોકરે કેશવના હાથમાં ચેક મૂક્યો. તે દિવસે કેશવે દાદાજી સાથે વાત કરી હતી.
(કેશવ અને દાદાજીની વાત)
‘દાદાજી !’
‘શું છે ?’
‘આ – આ ચેક’
‘શું છે ચેકનું ? નથી બરાબર ? આ ઘડપણ આખરે મને પણ નડ્યું. લાવ જોઈએ, શું છે ? ચેકનું ? કંઈ રહી ગયું છે ?’
‘ના. નાજી. આ તો...’
‘શું છે ?’
‘દાદાજી, મારે હવે નહી ભણવું !’
ત્યારે દાદાજીએ કેશવને કહ્યું કે ‘હજામતની દુકાન ખોલવી છે ?’ ત્યારે કેશવ પાસે કંઈ જવાબ ન હતો. તેને શું કરવું તે કંઈ ખબર નહીં. માટે દાદાજી બોલ્યા ‘ બસ ત્યારે, મને ખબર છે. મને બધી ખબર છે કે તારે શું કરવાનું છે, શું થવાનું છે, કેવી રીતે જીવવાનું છે, સમજ્યો ? તારે ફક્ત હું કહું એમ કર્યા કરવાનું છે, સમજ્યો ?’ ત્યારે કેશવને મનમાં થયું ‘ક્યા સુધી ?’ ‘માણસ થાઉં ત્યાં સુધી, એટલે કે બીજો રમણીકલાલ થાઉં ત્યાં સુધી. પણ નહીં દાદાજી, હું એમ નહીં થવા દઉં. કેશવને રમણીકલાલ નહીં બનવા દઉં, ને હું જિંદગીભર તમારું કહ્યું પણ નહીં જ કરું !’ તેના મનના જવાબો મનમાં જ રહે છે. હવે બંધનમાં ભીંસવા લાગ્યો.
કેશવના પિતા મોતીલાલ ગરીબ અને મજૂર હતાં. તે પિતાને મળવા જતો હોય. ત્યારે મોડું થઈ જતું હતું. તો દાદાજી તેને પૂછાતા હતા. કેમ મોડું થયું ? ત્યારે કેશવ માત્ર તેનો જવાબ ‘કામ હતું.’ એટલો ટૂંકો જ આપતો હતો. એક દિવસે કેશવને કૉલેજમાં ભણતી વાસંતી સાથે વાત કરતા દાદાજીએ જોયો. છોકરી સાથે વાત કે સિનેમા તો ન જોવાય. તે દાદાજીને ગમતું ન હતું. સાંજે ઘરે ફરે ત્યારે તેને રોજનો હિસાબ પણ લખવાનો હતો. ભણવાનું બંધ થયું તો દાદાજી એ જમીન લઈને તેમાં એક ફેક્ટરી બનાવી આપી હતી. મિત્ર હારિપ્રસાદની દીકરી પણ દાદાજીએ બતાવી હતી. તે કહે ત્યાં લગ્ન પણ તેને હવે કરવાના હતાં. ‘નાનો હતો ત્યારે બિસ્કિટ ને ચોકલેટ અપાવતા... હવે રેડિયોને પછી ફેક્ટરી ! ના, ના, મારે એ નહીં જોઈએ ! મારો ગુસ્સો, મારી રીસ, મારો અણગમો... એ બધું તમે આવી રીતે ખરીદી નહીં શકો, દાદાજી ! ભલે તમે ઉદાર હો, ભલે તેમે પૈસાદાર હો, હું – કેશવ તમને ધિક્કારું છું !’ તેને થયું આ ‘સંસાર આંખો કદાચ આ રીતે જ ચાલતો હશે.’
કેશવને ‘જમવું પડ્યું. સાડાઆઠ વાગી ગયા હતા. જમવાનો વખત થઈ ગયો હતો. એટલે જમવું પડે. કેશવને ભૂખલાગી છે કે નહીં, કેશવનો આંખો સામે શું દેખાય છે એનો વિચાર કરવાનો ન હોય. જમવાનું. જમતાં જમતાં એટલે કે બંને માસીઓના દેખાતાં અને નોકરોના દેખાતાં જે જાતની વાતચીત થઈ શકે તે કરવાની. જે ઢબે જમવાનું. પછી ઊભા થઈ જવાનું.’
કેશવ ફેક્ટરીના કામમાં વ્યસ્ત રહેવા લાગ્યો હતો. ‘ઘડિયાળને કાંટે ચાલતા ઘરમાં જેટલી મિનિટો મળી શકે તે બધી કામમાં જાય છે... એક પછી એક... એનો કોઈ અંદાજ જ નથી રહેતો. સારું, વિચાર કરવાની પણ ફુરસદ ન મળે...’ તો ‘રાતે કેશવના ઓરડામાં બત્તી બળતી જ રહી. એ જાગતો હતો. હિસાબ કરતો હતો. ફેક્ટરીના કામકાજની ગતિના નકશા દોરતો હતો, નિવેદન લખતો હતો. સફળતાના પ્રત્યેક પગલાએ આંકેલી નિષ્ફળતાની કેડી એ ખૂબ તલ્લીનતાથી કાગળના ટુકડા પર જકડી લેતો હતો. રાત પોતાની મેળે જ બીજું સવાર બની ગઈ. એકસામટા બે અરુણોદય થયા. એક આકાશમાં, એક કેશવની આંખમાં.” કેશવ હંમેશા દાદાજીને જવાબમાં ‘જી’ કહીને માન સાથે સંબોધન કરતો હતો.
જ્યારે કેશવના પિતા મોતીલાલ સુડતાલીસ રૂપિયા જમા કરાવવા બેંકમાં જતા હતાં. અને હવે એક હજારમાં થોડા જ બાકી રહ્યા હતાં. જેથી કોઈ સામે હાથ ન ઘરવો જોઈએ. કેશવને અવારનવાર કહેતા હતાં, કંઈ એવું લાગે તો આવતો રહેજે મૂંઝાતો નહીં. અને એક દિવસ મોતીલાલનું એક્સિડન્ટ થયું. દાદાજીએ કેશવને જાણ કરી. કેશવ ફેક્ટરીથી જે. જે. હોસ્પીટલમાં પિતા પાસે ગયો. રાત અને દિવસ ત્યાં રોકાયો. પિતાએ સાચવેલા દાગીના બેંકના લોકરમાં રખાયા હતાં. તે દાગીના વેંચીને કેશવે પિતાને પૈસા આપ્યા હતાં. તેનું કારણ એ હતું કે, રમણીકલાલના પૈસા તેમને ખપના ન હતાં.
હવે કેશવને ફેક્ટરીએ જવની ઈચ્છા ન હતી. તે વાતની તેણે દાદાજીને કરી હતી. ‘મા’નું શ્રાદ્ધ પિતરાઈ છોટુ કરે છે. એ જાણ થતા કેશવને થાય છે. કોઈને તેનો ખપ નથી. ‘જીવનની મજલ કાપતાં કાપતાં માણસને યાદ નથી રહેતું – ક્યારે શૂળો ઊગી, કેટલી ભોંકાઈ પહેલા ડંખનું દાહક ધીમે ધીમે રગોમાં ઊતરીને લોહી જાય છે, પછી એમાંથી જ જીવનનું પોષણ મેળવવાનું રહે છે. પછી પોતાનો પણ શૂળ ઊગવા માંડે છે. થોરની એક ગીચ કાંટાળી ઝાડીની માફક બધાં ભેગાં મળીને જીવ્યા કરે છે...ને તોયે પોતાની એકલતાની તુરંગમાંથી બહાર ડોકિયું સુધ્ધાં નથી કરી શકાતું. પગ બંધાયેલા છે. ક્યારેક થઈ આવે છે, અહીં કોક આવે તો સારું. ડોકિયું કરી જાય તો સારું. પણ કોણ આવી શકે ? બધાના પગ માટીમાં બંધાઈ ગયા છે.” કેશવ હવે નોકરી પર જવાનો હતો. ત્યાંથી પિતાને પૈસા મોકલાવતો રહેશે. ફરી ક્યારે પાછો ફરશે. તેની તેને પણ કંઈ ખબર ન હતી. સાથે તેણે પોતાના દાદાજીની માલ - મિલકત બધુ છોડીને ચાલ્યો ગયો.
ધીરુબહેન પટેલની નવલકથાના પાત્રો વિશે દીપક દોશી કહે છે એ મુજબ “ધીરુબહેનનાં પાત્રો પુસ્તકના પાના ઓળંગીને આપણા માનોચિત્તમાં પ્રવેશી જાય છે.’ વાંસનો અંકુર ફૂટી નીકળે તેમ કેશવ પણ માતા સુશીલાની જેમ ખૂમારી પૂર્વકનું જીવન પસંદ કરે છે. તેથી ‘વાંસનો અંકુર’ નવલકથામાં શીર્ષકની યથાર્થતા જોવા મળે છે.
સંદર્ભગ્રંથ :
પારસ જી. ઓગાણિયા, ગૂજરાત વિદ્યાપીઠ, અમદાવાદ. ઈ-મેઈલ: pparas39@gmail.com