જિંદગી
વિતાવી હતી જિંદગી બે ટાકાંના થીંગડાંમાં,
પણ હવે લોકો જીવે છે તે થીંગડાંની ફેશનમાં.
જીવ્યો તો સમયના હિસાબો કરવાની ફિરાકમાં,
પણ બગડયાં છે હિસાબો ઘડિયાળના કાંટામાં.
બનાવ્યો હતો મેં બંગલો અમીરીના નશામાં,
પણ પાછો જાવ છું હવે ઝૂંપડાંની છાવણીમાં,
શીખ્યો હતો હું જિંદગીના નીતનવા પડાવમાં,
પણ લોકો રાખે છે મને જિંદગીના હાંસિયામાં.
કાઢ્યાં હતા દિવસો માત્ર મરચું ને રોટલામાં,
પણ લોકો રેલાવે છે હવે ઘી-તેલને દીવામાં.
તપ્યો હતો હું ઘણુંઘણું બે કોડીના વૈતરુંમાં,
પણ લોકો નાંખે છે હવે દાન ભરેલી પેટીઓમાં.
ડૉ. પંકજ જ. વાઘેલા, સરદાર પટેલ વિદ્યાલય, બામણગામ – ગંભીરા, તા. આંકલાવ, જિ. આણંદ