સાંયાજી ઝૂલા કૃત: 'નાગદમણ'
મધ્યકાળે પશ્ચિમ ભારતમાં પ્રગટેલી ભારતીય સાહિત્યની અનેકવિધ ધારામાં એક મહત્વની ધારા છે ચારણી સાહિત્ય. ચારણી સાહિત્ય પર વૈદિક ધારાનો પ્રભાવ છે. ચારણી સાહિત્યને સમૃદ્ધ કરવામાં અનેક ચરણોનું પ્રદાન રહેલું છે. કૃષ્ણ જીવનલીલાને કેન્દ્રમાં રાખીને અનેક કૃષ્ણકથાઓ, આખ્યાનો, નાટકો, કાવ્યો રચાયા છે. ચારણી સાહિત્યમાં પણ કૃષ્ણ કેન્દ્રીય સાહિત્ય રચાયું છે. જેમાં અનેક ચારણી સર્જકોનો મહત્વનો ફાળો છે. જેમાં ભક્તકવિ સાંયાજી ઝૂલા મહત્વનું સ્થાન ધરાવે છે. જેમણે કૃષ્ણભક્તિને પોતાના કાવ્યનો વિષય બનાવીને 'નાગદમણ' અને 'રુક્મિણીહરણ' નામના બે ડિંગળ કાવ્યો સર્જયા છે. જેમાં 'નાગદમણ' એક ઉત્તમ સાહિત્ય-કૃતિ તરીકે પ્રસિદ્ધ છે. જેની ચર્ચા કરતાં પહેલાં સૌપ્રથમ ભક્તકવિ સાંયાજી ઝૂલાનો પરિચય મેળવીએ.
ઈડર પંથકના લીલાછા ગામનાં સાંસણદાર ચારણ મહાત્મા સાંયાજી ઝૂલાનો જન્મ વિ.સં. ૧૬૩૨માં થયો. તેમના પિતાનુ નામ સ્વામીદાસ ઝૂલા. સાંયાજીએ બાલ્યકાળમાં માતા-પિતાનું છત્ર ગુમાવેલું. ઈડરના એક સુલેમાન નામના જમાદારે સાંયાજીને ઈડર રાખીને ગોવિંદદાસ નામે એક વિદ્વાન સંત પાસે વિદ્યાભ્યાસ કરાવ્યો. એ પછી એમની કાવ્ય પ્રતિભાથી રાવ વીરમદેવ અને એમના ભાઈ રાવ કલ્યાણમલ્લે સાંયાજીને દાન-માનથી નવાજ્યા. કુવાવા ગામ તેમને દાનમાં મળ્યું. સાંયાજીના ચાર પુત્રો 'ચારવેદ'ના હુલામણા નામથી જગતમાં પ્રસિદ્ધિ પામ્યાં. સાંયાજી ઝૂલાનું જીવન ઘણી બધી ચમત્કારિક ઘટનાઓથી જોડાયેલું છે. એમનો સ્વર્ગવાસ વિ.સં. ૧૭૦૩માં થયો હોવાનું મનાય છે. સાંયાજી ઝૂલાનાં કવનમાં ચારેક ગ્રંથો અને થોડાક છૂટાં કાવ્યો પ્રાપ્ત થાય છે. 'નાગદમણ' અને 'રુક્મિણીહરણ' એ વૈષ્ણવભક્ત પરંપરાનાં કાવ્યોમાં વિષયરૂપે વિશેષ આકર્ષણ પામ્યા છે. ઉપરાંત તેમની પાસેથી 'અંગદવિષ્ટિ' તેમજ 'રામાયણનાં કવિત' તથા થોડાં છૂટાં કાવ્યો મળેલ છે.
ચારણી આખ્યાનકૃતિ 'નાગદમણ'નું કથાવસ્તુ શ્રીમદ્ ભાગવતનાં દશમસ્કંધમાંથી લેવામાં આવેલ છે. ભુજંગ,પ્રયાત,દુહા અને છપ્પય છંદમાં રચાયેલી આ કૃતિમાં વીર રસ કેન્દ્રસ્થાને છે.ભારતીય સાહિત્ય અને સંસ્કૃતિને ગૌરવ પ્રદાન કરવામાં ચારણી સાહિત્યનું પ્રદાન ઉલ્લેખનીય રહ્યું છે.ચારણો ભગવતી શારદાનાં ઉપાસક રહ્યાં છે.ચારણી સાહિત્ય પરંપરા પ્રસ્તુતિકરણની કલા હોવાથી તેમાં ભાષા કરતાં વાણીનો મહિમા વિશેષ છે. ચારણી સાહિત્યની લિખિત પ્રત એક અર્થમાં ત્યારે જ સંપૂર્ણ ગણાય જયારે કથનકલા સાથે ચારણકવિઓ દ્વારા થતી એની રજુઆત,સમયનો આરોહ-અવરોહ,નાદવૈભવ,લહેકાઓ અને હાથના હાવભાવ દ્વારા નિર્માણ પામતી અભિવ્યક્તિ.તેથી જ મધ્યકાળમાં કથામૂલક કાવ્ય પ્રકારમાં 'આખ્યાન' લોકપ્રિયતાની દ્રષ્ટિએ મહત્વનો સાહિત્ય પ્રકાર છે.ચારણો પણ રાજપરિવારો વચ્ચે આખ્યાનો માંડતા.ચારણો પુરાણોની મૂળ કથામાં આવશ્યક ફેરફારો અને ઉમેરણ કરીને પોતાની સર્ગશક્તિના બળે કૃતિનું નવસર્જન કરતાં.
'નાગદમણ'માં પણ આખ્યાનની પદ્ધતિએ કડીબધ્ધ રચના જોવા મળે છે. નાગદમણમાં કડી પદ્ધતિ,મંગલાચરણ, કથાવસ્તુ, ફલશ્રુતિ અને કલશકવિતઃ જોવા મળે છે.આ રીતે આ ચારણી આખ્યાન કૃતિ ગુજરાતી આખ્યાનથી જુદી પડે છે.
'નાગદમણ' ગ્રંથ મોક્ષમાં સાધનરૂપ મનાય છે. 'નાગદમણ' આત્માની ભોમકામાં પ્રજ્વલિત થયેલી સતની વાણી છે. આત્મપ્રસાદની એ અભિવ્યક્તિ છે.આ કૃતિનું વિશેષ એવું મહાત્મ્ય રહેલું છે.
સાંયાજી ઝૂલાની કૃતિઓમાં શ્રેષ્ઠ કૃતિ તરીકે 'નાગદમણ'ની ગણના થાય છે. 'નાગદમણ'ની કથા ભાગવતનાં દશમસ્કંધમાં શુકદેવજી રાજા પરિક્ષિતને કહે છે. કાલિયદમનની ઘટના ભાગવત ઉપરાંત વિષ્ણુપુરણમાં પણ પ્રકાશિત છે.સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનાં ગુજરાતી ભાષા સાહિત્ય ભવનનાં શ્રી રતુદાન રોહડિયા ચારણી સાહિત્ય હસ્તપ્રત ભંડારમાંથી 'નાગદમણ'ની બાર જેટલી હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે. અહીં આ કૃતિ ડિંગળ ભાષામાં રચાયેલી છે. દુહા ભુજંગ-પ્રયાત અને કલરા છપ્પયમાં રચાયેલી આ કૃતિમાં વીર રસ કેન્દ્રસ્થાને છે. આરંભના ચાર દુહામાં સરસ્વતી અને કૃષ્ણની વંદના કરી કથારંભ કરવામાં આવ્યો છે.
''વિધિજા સારદ વીનવું, સાદર કરો પસાય;
પોવાડો પનંગા સિરે, જદુપતિ કીનો જાય......''૧-૧
ત્યાર બાદ કૃષ્ણને માતા જગાડે છે એ દુહાથી 'નાગદમણ'ની કથાનો આરંભ થયો છે.
''વિહાણે નવે નાથ જાગો વહેલા, હુવા દોહિવા ઘેન ગોવાળ હોલા,
જગાડે જશોદા જદુનાથ જાગો, મહી માટ ઘુમે નવેનિત માગો.....''૧-૫
કૃષ્ણને નિરખતી વ્રજાંગનાઓ,યમુના તટે આવવાનો નિત્ય નિયમ,ગેડી દડાની રમત, દડો લેવા કૃષ્ણનું યમુના જળમાં કૂદવું, આ વાતથી ગામમાં હાહાકાર અને માતાને ખૂબ આઘાત લાગવો, ત્યાર બાદ યમુના જળમાં પ્રવેશેલા કૃષ્ણનું વર્ણન નાગપુત્રીઓના મુખે કરવામાં આવ્યું છે.તેઓ કૃષ્ણને નિહાળ્યાં કરે છે અને તેની મુક્ત કંઠે પ્રશંસા કરે છે. નાગ પત્નીઓ કૃષ્ણની લૂણ ઉતારે છે ને યમુના જળમાંથી નીકળી જવા કૃષ્ણને ખૂબ સમજાવે છે. પછી કૃષ્ણ પોતાનો પરિચય આપતા ગૌસેવાનું મહત્વ સમજાવે છે.અને વારંવાર નાગરાજને જગાડવા કહે છે. છેવટે નાગણીઓ કૃષ્ણ પરમાત્માને ઓળખે છે. કૃષ્ણ મોરલી વગાડે છે જેને સાંભળીને વ્રજવાસીઓની ગયેલી ચેતના પુનઃ જાગૃત થાય છે. સાથે કાળીનાગ પણ જાગૃત થાય છે અને કૃષ્ણ તથા કાળીનાગ વચ્ચે ભયંકર યુદ્ધનો આરંભ થાય છે.તે જોવા દેવતાઓ પણ આવી પહોંચ્યા અને યમુના રક્તજળનાં પૂરથી રેલાઈ ગઈ.કૃષ્ણએ કાળીનાગના મસ્તક પર ચઢીને રાસ નૃત્ય આરંભ્યું અંતે નાગવધૂઓ કૃષ્ણ પાસે માફી માગે છે. કૃષ્ણ સર્પવધૂઓને પતિથી મુક્ત કરી કાળીનાગ પર સવાર થઈને વ્રજમાં આવી માતા સામે હાથ જોડીને ઊભા રહે છે તથા કાળીનાગને અન્યત્ર વાસ આપે છે.આમ સમગ્ર કથા છંદોબધ્ધ રીતે ભૂજંગ પ્રયાતની ઉત્કૃષ્ટ બાનીમાં રજૂઆત પામી છે. કથાનાં અંતે ફલશ્રુતિ રજૂ કરવામાં આવી છે.
''ગોવિંદા સરે આસરૈ ગુણ ગાયો, વાંચતાં ન પૂજે બહુ સેસ વાયો;
સંમવાદ કાલી તણૌ મતિ સારૌ, ચવૈ દાસ દાસાં ન સાંઇયૌ ચિતારૈ.''૧૨૬-૧૩૦
જેવી રીતે મંદિર તૈયાર થઈ ગયા પછી તેના ઉપર કળશનું સ્થાપન કરવામાં આવે છે તેવી રીતે ચારણી આખ્યાનને અંતે કવિ 'કલશ કવિત' મૂકે છે. જે છ પંક્તિઓનું હોય છે.તેને છપ્પય પણ કહેવામાં આવે છે. 'નાગદમણ'માં પણ છપ્પયમાં 'કલશ કવિત' જોવા મળે છે.
''સણે પણે સંવાદ, નંદનંદન આહિનારી,
સમંદ્ર પાર સંસાર,હોય ગોપી અણુહારી;
અનંત અનંત આનંદ સર્વે વપુ તાસ સુહાવે,
ભગત મુગત ભંડાર, ક્રસન મુગતાજ કહાવે;
રચિયો ચરિત્ર રાધા રમણ, દો ભજ કનકાલી દમણ,
ચૈતવણ સુણણ ગહારા તણા, મરણ કાજ અવાગમણ...'' ૧૨૮-૧૩૨
અહીં 'કલશ-કવિત'માં 'નાગદમણ'ની રચનાનો ઉદ્દેશ પણ કવિએ આપ્યો છે.
સાંયાજી ઝૂલા કૃત 'નાગદમણ'ની પાત્ર સૃષ્ટિ જોઈએ તો સમગ્ર કૃતિમાં કેન્દ્રસ્થાને પૂર્ણ પુરૂષોત્તમ એવા ભગવાન શ્રીકૃષ્ણ છે.તેથી તે કૃતિનું મુખ્ય પાત્ર ગણાવી શકાય.ત્યાર બાદ તેમનાં માતાપિતા નંદ અને યશોદા,ભાઈ બલરામ,કૃષ્ણના સખાઓ,નિરખતી વ્રજાંગનાઓ,યમુના જળમાં જેનું નિવાસસ્થાન છે તેવો ભયંકર કાલિનાગ, નાગપત્નીઓ, નાગપુત્રીઓ,નાગરાણી અને કાલિદ્રીં,યુદ્ધ જોવા આવેલ દેવતાઓ,કંસ,અપ્સરાઓ,ગોપ-ગોપાંગનાઓ,વ્રજવાસીઓ વગેરે પાત્રો પ્રત્યક્ષ કે પરોક્ષ રૂપે નિરૂપાયેલા જોઈ શકાય છે.
'નાગદમણ' ભક્તિભાવથી પ્રેરિત થઈને પણ વીરરસ પ્રધાન કાવ્ય છે.મુખ્યત્વે સમગ્ર કૃતિમાં વીરરસ કેન્દ્રસ્થાને છે. પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન શ્રીકૃષ્ણ આ કૃતિમાં વીરતાનું પ્રતીક બને છે.અહીં વીર રસોત્પાદક ભાષાનાં વાગ્વૈભવ, શબ્દવૈભવ, નાદવૈભવ અને એ દ્વારા નિષ્પન્ન થતો વીર રસ રોમાંચક છે. યમુના જળમાં વસતા કાલીનાગને નાથવા માટે બાળ કૃષ્ણ જળમાં કૂદે છે ત્યારે, નાગપત્નીઓ સાથેના કૃષ્ણના સંવાદમાં અને કાળી નાગ સાથેના યુદ્ધમાં,દેવતાઓ નગારા બજાવી રહ્યા છે ત્યારે,કૃષ્ણે કાળી નાગનાં મસ્તક પર ચઢીને રાસ નૃત્ય આરંભ્યું છે ત્યારે, કૃષ્ણ કાળી નાગ પર સવાર થઈને વ્રજમાં આવે છે ત્યારે વીર રસની પ્રતીતિ થાય છે.
''અહીં નાથિઔ પૌઈણી નાલી આંણ;.......''૧૨૫-૧૨૬
આમ,આ રીતે કૃતિમાં વીર રસનું ઉત્તમ નિરૂપણ થયું છે.આ ઉપરાંત માતા યશોદા કૃષ્ણને જગાડે છે. તેને ભાવતા ભોજન કરાવે છે. ત્યાં વાત્સલ્યનો ભાવ જોવા મળે છે. નાગપત્નીઓમાં કૃષ્ણને નિરખ્યાં બાદ વાત્સલ્ય, દયા,કરૂણા,જેવા ભાવો થકી શૄંગાર રસ નિષ્પન્ન થાય છે. યશોદાનાં વિલાપમાં કરૂણ રસનું નિરૂપણ જોવા મળે છે. કૃષ્ણના યમુના જળમાં કૂદવાથી આખા ગામમાં હાહાકાર, નાગરાણી દ્વારા કરવામાં આવેલ કાલીનાગનું ભયંકર વર્ણન, વગેરે જગ્યાએ ભયાનક રસનું નિરૂપણ જોવા મળે છે.કાળીનાગના એક હજાર મુખોમાંથી લોહી વહી રહ્યું છે.યમુના જળ રક્તથી રેલાઈ રહ્યું છે. અહીં બિભત્સ રસ જોવા મળે છે.પૌરાણિક કૃતિઓમાં ચમત્કારોનું પ્રાધાન્ય તો રહ્યું જ છે.આ કથામાં પણ પ્રભુએ કરેલો ચમત્કાર જ જોવા મળે છે. નાગપત્નીઓ કૃષ્ણનું મુખ જોઈ આશ્ચર્ય પામે છે, બાળક રૂપે રહેલ કૃષ્ણ પરમાત્માના દર્શન કરે છે, કૃષ્ણએ કાળી નાગનાં મસ્તક પર ચઢીને રાસ નૃત્ય આરંભ્યું, આકાશમાં અપ્સરાઓએ પણ નૃત્યોત્સવ કર્યો, કૃષ્ણ કાળી નાગ પર સવાર થઈને વ્રજમાં આવે છે. આમ અહીં અદ્ભુત રસ જોવા મળે છે. શિથિલ નાગ થકી હાસ્યાસ્પદ ઘાટ સર્જાતા હાસ્ય રસ પણ પ્રગટે છે. કાલી નાગને પોતાનું મૂળ મુકામ મળવું, ગરૂડજી તરફની ભીંતિ મટવી તથા કૃષ્ણની નિર્વેદ ભાવના થકી શાંત રસમાં સમાપન થાય છે.
ડૉ.રમણિક મારું કહે છે કે ''કેટલાને ખબર છે કે.. નાગદમણથી સૌથી મોટો ફાયદો નાગરાજને થયો છે.નાગરાજને જીવતદાન મળે છે. પોતાનું અસલ નિવાસસ્થાન મળે છે... ગરૂડથી નિર્ભયતા મળે છે...સાથે નાગરાણીનો ભેળીસારો મળે છે ત્યાં શૃંગાર રસ સર્જાય છે.''
આમ, જે કથામાં પૂર્ણ પુરુષોત્તમ એવા ભગવાન શ્રી કૃષ્ણ કેન્દ્રસ્થાને હોય,જેમની લીલાઓ આહલાદક છે, તેમની કથામાં સમગ્રતયા બધા જ રસો ભાવકને અવશ્ય મળે છે. આમ, મુખ્યત્વે વીર રસનું પ્રાધાન્ય ધરાવતી આ કૃતિ બધા રસોને ઉત્તમ રીતે આવકારે છે.
'નાગદમણ'માં કૃષ્ણને જોવા માટે આવેલી વ્રજાંગનાઓનું વર્ણન જોઈએ તો-
''ભરે માંગ સિંદૂર મારગ ભાળે, વહે સાંમળો વ્રજ સરે વિચાળે;'' ૪-૮
* * * * * *
હેરી હો હે..રી હો હરિ ધેન હાંકે,ઝરૂખે ચડી નંદ...કુમાર ઝાંકે;
અહિરાણીયા અબલાં ઝુલ્લ આવે, ભગ્ગવાનને ધેન ગોપી ભળાવે...'' ૫-૯
આ ઉપરાંત માતાને લાગેલા આઘાતનું વર્ણન, યમુનામાં પ્રવેશેલા કૃષ્ણનું નાગ પત્નીનાં મુખે થયેલ વર્ણન, ભયંકર એવા કાલી નાગનું વર્ણન, યુદ્ધ નું વર્ણન વગેરે વર્ણનો ઉત્તમ રીતે આલેખાયેલ છે.
'નાગદમણ' કૃતિ ડિંગળ ભાષામાં રચાયેલી છે. જેમાં દુહા, ભુજંગ,પ્રયાત અને કલરા છપ્પય જેવા છંદો જોવા મળે છે. કૃતિનું મંગલાચરણ દુહા છંદમાં જોવા મળે છે. 'નાગદમણ'નું શબ્દાંકન કરતા પહેલાં જ કવિએ છંદ પણ અગાઉ જ પસંદ કરી લીધો હોય એવું લાગે છે. કારણ કે કથાનું કારણ નાગ છે. (કાલિ નાગ) નાગનું એક પર્યાય નામ 'ભુજંગ' પણ થાય છે. ભુજંગ-પ્રયાત છંદમાં કથાવસ્તુનો આરંભ થાય છે અને સમગ્ર કથા ભુજંગ-પ્રયાતમાં ઉત્તમ રીતે આલેખાયેલ છે. અંતે છપ્પયમાં કલશ-કવિત રજૂ થયેલ છે.'નાગદમણ'માં 'વયણ સગાઈ'નો પ્રયોગ થયો છે. 'વયણ સગાઈ' ચારણી સાહિત્યનો સવિશેષ માનીતો અલંકાર છે. અધિકાંશ ઉત્તમ પ્રકારની 'વયણ સગાઈ' અહીં પ્રયોજાયેલ છે.જેમાં ચરણનાં પ્રથમ શબ્દનો પ્રથમાક્ષર અંતિમ શબ્દમાં પ્રથમ આવે છે.
આમ, 'નાગદમણ' ડિંગળી ભાષાની પ્રાસાદિકતા અને ઓજસનું સરળ ઉદાહરણ આપે છે. સમગ્ર કાવ્ય પ્રતિકાત્મક અભિવ્યક્તિ છે. જીવ ના કૃષ્ણીકરણનું આ કાવ્ય છે.કૃષ્ણની બાળ લીલાનું સુમધુર ગીત છે.
નિશા ફેફર, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન , સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ મો.૮૪૬૯૯૦૦૭૨૨