મુક્ત નારીની આત્મકથા : 'મુક્તિવૃત્તાંત'
સાહિત્ય સ્વરૂપોમાં આપણે ત્યાં આત્મકથાની સરખામણીમાં નવલકથા અને નવલિકા ક્ષેત્રે સર્જકોની વિશેષ કલમ ચાલી છે. એમાં પણ અન્ય સર્જકો કરતાં સ્ત્રી સર્જકોનું પ્રદાન નવલિકા ક્ષેત્રે વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. નવલિકાનું સ્વરૂપ જેટલી માત્રામાં લેખિકાઓના હસ્તે ખેડાય છે તેના પ્રમાણમાં આત્મકથાનું સ્વરૂપ લેખિકાઓના હસ્તે વત્તા-ઓછા પ્રમાણમાં ખેડાય છે. આત્મકથા ક્ષેત્રે પ્રદાન કરનાર લેખિકાઓમાં કનુબહેન દવે, શીરન મેડમ, ગંગાબહેન પટેલ, કાશીબહેન મહેતા, કમળાબહેન પટેલ, સૌદામિની મહેતા, મિનાક્ષી દીક્ષિત વગેરેએ આત્મકથાના ક્ષેત્રમાં પોતપોતાનું વિશિષ્ટ પ્રદાન કર્યું છે. આ બધી લેખિકાઓમાં જેમનું નવલિકા ક્ષેત્રે વિશેષ પ્રદાન છે અને જેમના નવલિકા સંગ્રહ' અંધારી ગલીમાં સફેદ ટપકાં' ને દિલ્હી સાહિત્ય અકાદમીનું પ્રતિષ્ઠિત પારિતોષિક મળ્યું છે એવા આપણા પ્રતિભાશાળી લેખિકા હિમાંશી શેલતનો આત્મકથા ક્ષેત્રે અનન્ય ફાળો રહ્યો છે.
હિમાંશી શેલતે આત્મકથા ક્ષેત્રે પોતાની કલમ ચલાવી આત્મકથાની શ્રેણીનો વિસ્તાર કર્યો છે. તેમણે સાહિત્યના અન્ય સ્વરૂપોની માફક આત્મકથા ક્ષેત્રે કલમ ચલાવી 'મુક્તિવૃત્તાંત' જેવી ઉત્તમ આત્મકથા આપી છે. હિમાંશી શેલતે સાહિત્યમાં નવલિકા ક્ષેત્રે વિશેષ પ્રદાન કર્યું છે અને તેમની નવલિકાઓમાં મુખ્યત્વે સ્ત્રી જીવનની સમસ્યાઓ કેન્દ્રસ્થાને છે. અહીં આત્મકથામાં પણ આપણે કંઈક એવું જ જોવા મળે છે. જે અંગે વિગતે ચર્ચા કરવાનો અહીં ઉપક્રમ છે.
'મુક્તિવૃત્તાંત' આત્મકથાની શરૂઆત જ આશ્ચર્ય જનક છે કેમકે આરંભ સંવાદાત્મ રીતે થયો હોવાથી લેખિકા જાણે નવલકથા લખવા બેઠાં હોય તેવો આભાસ આપણે થાય છે. આપણે મોટા ભાગની આત્મકથામાં જોઈએ તો તેની શરૂઆત લેખક( સર્જક) પોતાના જન્મ વિશે વાત કરે એ રીતે થતો હોય છે. જયારે અહીં લેખિકા પ્રારંભે તો કોઈ નવલકથાની માંડણી કરતાં હોય તેમ વર્ણનથી આત્મકથાની શરૂઆત કરે છે. એ પછી સંવાદાત્મક રીતે તેમના જન્મ સમય અંગે માહિતી આપે છે. જે આપણે તેમના જ શબ્દોમાં નોંધીએ-
"હું મુક્તિ સુડતાલીસમાં જન્મી એટલે સ્વતંત્રતાને વધાવવા પાડેલું મારું પહેલું નામ રાશિ નામ મળ્યું એ પાછળથી."[૧]
આ પરથી આપણને ખ્યાલ આવે છે કે લેખિકાનો જન્મ ઈ.સ.૧૯૪૭માં આપણા દેશની સ્વતંત્રતાની વધામણી કરવા માટે થયો હોય તેવું લાગે છે. સંવાદાત્મક રીતે જન્મ સમય અંગે વાત કર્યા બાદ તેઓ પોતાના શૈશવનાં કેટલાંક સંસ્મરણો આલેખે છે. જેમાં ગણિત પ્રત્યેનો અણગમો, પ્રકૃતિનો વિહાર, કોટ પર વિહાર કરવાનાં સ્મરણો, નીલકંઠ મહાદેવ અને રૂઢનાથનાં મંદિરના સ્મરણો, આઠ દસ વર્ષની ઉંમરે નૃત્યનું લાગેલું ઘેલું વગેરે જેવા શૈશવનાં ઘણાં બધાં સંસ્મરણો લેખિકાએ અહીં આલેખ્યા છે. જેમાંથી તેમનો ગણિત પ્રત્યેનો જે અણગમો હતો તે વ્યક્ત કરતાં લેખિકા લખે છે -
"મેં તો ગાઈ વગાડીને જાહેર કરેલું કે મને ગણિત નથી આવડતું પણ પરમ આશાવાદી વડીલો શિક્ષકો બદલી બદલીને મને ગણિત ભણાવી દેવાની મથામણ કરતાં રહે. તારે તારી એટિટયૂડ બદલવી જોઈએ.બીજા વિષયો આવડે અને ગણિત કેમ ન આવડે? વડીલોનો પરિશ્રમ અને મારી પાછળ એ સહુએ બગાડેલો વખત મને સંકોચમાં મૂકી દે છે. મને ત્રણ એક્કાની ચકલી દોરતાં આવડતું. ગણિતના ગુરુઓ પણ મને ઉપાલંભ સુધ્ધાં આપતાં. ચીતરો! ચીતરો! હજી ચકલીઓ ચીતરો! પાસ થવાં જેટલુંયે શીખતાં નહીં ગણિત!..."[૨]
શૈશવનાં સ્મરણો સાથે લેખિકાએ તેમના સાહિત્યિક ઘડતરનાં પ્રેરક પરિબળોની વાત કરી છે. જેમાં તેમના દાદાજીનો મહત્વનો ફાળો રહ્યો છે. સાથે પ્રાકૃતિક વાતાવરણ અને સાંપ્રત સમયનો પણ પ્રભાવ જોઈ શકાય છે. તેમના દાદાજીનો ફાળો એટલા માટે કે, લેખિકાના દાદાજી પુસ્તકો ખરીદવાના શોખીન હતા. તેઓ જમવાનું ટાળી પૈસા બચાવતા અને એમાંથી પુસ્તકો ખરીદતા હતા. આ ઉપરાંત તેમના દાદાજી દૈનિકના તંત્રી પણ હતાં. જેથી અનેક પુસ્તકો ઘરમાં આવતાં. જેના કારણે લેખિકાનો બાળપણથી જ પુસ્તકો સાથે નાતો બંધાય છે અને તે પુસ્તકો વાંચવા પ્રેરાય છે; અને સાહિત્ય તરફ વળે છે. પ્રકૃતિનો પ્રભાવ એટલા માટે કે તેમનો ઉછેર જ વાડી વિસ્તારમાં થયો છે. આથી તેઓ પર પ્રકૃતિ પ્રભાવ અને જીવસૃષ્ટિનો પ્રભાવ પણ પ્રથમ દ્રષ્ટિએ જોઈ શકાય છે.
હિમાંશી શેલતના સ્વભાવ અને વ્યક્તિત્વના ઘડતર પર જેનો સૌથી વિશેષ પ્રભાવ પડ્યો છે તે તેમના બાનો છે. તેમના બા પાસેથી સંપૂર્ણ મુક્તિ અને આત્મનિર્ભરતાની અદ્ભુત ભેટ લેખિકાને મળે છે. આ ઉપરાંત પણ અનેક લોકોનો પ્રભાવ તેમના સાહિત્યિક ઘડતરના પરિબળોમાં જોવા મળે છે. આ ઉપરાંત લેખિકને સાહિત્યમાં ઊંડા રસ અને રુચિ હોવાના કારણે પણ લેખિકા સાહિત્ય સર્જન તરફ વળ્યાં છે. આમ તેમના પર પ્રત્યક્ષ અને પરોક્ષ બન્ને પરિબળોનો પ્રભાવ જોવા મળે છે.
લેખિકાએ સાહિત્યિક ઘડતરના પરિબળોની સાથે સાથે પોતાની સાહિત્યિક કારકિર્દીની વાત પણ અહીં કરી છે. લેખિકા લેખનને એક વિશેષ પ્રવૃત્તિ માનતા હતાં. આથી તેમની સાહિત્યિક કારકિર્દીની અનેક બાબતો આત્મકથામાં આલેખી છે એ પછી સારી હોય કે ખરાબ. કોઈપણ છોછ રાખ્યા વગર દરેક બાબત લેખિકા અહીં આલેખી આપે છે. અને એમ લેખિકા આત્મકથામાં તેમના જીવનનાં દરેક પાસાને ધીરે ધીરે ઉઘાડી આપે છે.
આત્મકથામાં લેખિકાએ પોતાની આસપાસ ગૂંથાયેલી પાત્રસૃષ્ટિનો પણ કલાત્મકતાથી પરિચય કરાવ્યો છે. જેમાં તેમણે તેમના દાદાજી કાલિદાસ શેલત, તેમના બા - માતા, બાપુજી, પતિ- નીલમણિ(વિનોદ મેઘાણી), નાની- મંગીમા, મહેતા સાહેબ વગેરે પાત્રોને લેખિકાએ અહીં ઉમદા રીતે નિરૂપી આપ્યાં છે.
આત્મકથાનું સર્જન કરવું એટલે સર્જકે કાંટાળી કેડી પર ચાલવા બરાબર છે. કેમકે આત્મકથામાં સત્યનિષ્ઠા, નિખાલસતા, તટસ્થતા જેવાં લક્ષણોને ધ્યાનમાં રાખી આત્મકથાકારે આત્મકથાનું સર્જન કરવાનું હોય છે. પ્રસ્તુત 'મુક્તિવૃત્તાંત' આત્મકથામાં પણ હિમાંશી શેલતે સતત સત્યનિષ્ઠ રહી નિખાલસતા પૂર્વક પોતાનું આત્મવૃત્તાંત રજૂ કરે છે. જેમકે-
આત્મકથાના પ્રારંભે કરેલી ગણિત ન આવડવાની વાત હોય કે , પછી તેમના સંકોચશીલ સ્વભાવની વાત હોય, કૉલેજમાં ફરજિયાત અંગ્રેજી ભણાવવાનું થતુૃં તે વખતે અનુભવેલી મૂંઝવણની વાત હોય, કે પછી સમાજ સેવિકા તરીકે કરેલા કાર્યોની વાત કે વન્યજીવ સૃષ્ટિ સાથેના લગાવની વાત હોય. દરેક ઘટના, પ્રસંગ ને પરિસ્થિતિને લેખિકાએ સત્યનિષ્ઠા ને નિખાલસતા પૂર્વક આલેખી બતાવ્યાં છે.
કોઈપણ માણસ માત્ર, કવિ, લેખક કે સામાન્ય વ્યક્તિ પણ જે વાતાવરણમાં જે સમયમાં રહેતો હોય તેનો પ્રભાવ કે તેની અસર તે ઝીલતો હોય એ સ્વાભાવિક છે. આપણે જાણીએ છીએ તેમ કોઈપણ સર્જક તેના યુગનું સંતાન છે. આવા સમયરૂપી સંતાન દ્વારા જે તે સમયનું આલેખન તેમના સાહિત્યમાં જોવા મળે છે. અહીં 'મુક્તિવૃત્તાંત' આત્મકથામાં લેખિકા તેમના સમયનું ચિત્ર ઊભું કરીને તત્કાલીન સમાજ અને તેની પરિસ્થિતિનું આબેહૂબ આલેખન કરે છે. હિમાંશી શેલતનો સમય સ્વાતંત્ર્ય પ્રાપ્તિનો છે. આથી આ સમય ગાળા દરમિયાન સ્ત્રીઓનું શોષણ અને ગરીબી વધુ જોવા મળે છે. સાથે સાથે આ સમય ગાળામાં અનામત વિરોધી આંદોલન, પ્લેગનો હાયકારો, નવનિર્માણ આંદોલન અને કોમી રમખાણો વગેરે આ સમયમાં જોવા મળે છે. ગુજરાતના જીવનમાં જે કપરી ભીષણ પરિસ્થિતિ આવી તેની અગનઝાળનો તાપ તો સર્વ સ્પર્શી બન્યો હતો. એ ઝાળમાં શેકાવવાનું આપણા લેખિકા હિમાંશી શેલતને પણ આવ્યું. આથી આ દરેક સ્થિતિનો આછેરો નિર્દેશ તેમની આત્મકથામાં કર્યા વગર રહી શક્યા નથી. આ સમયગાળામાં સ્ત્રીઓની તથા ગરીબોની સ્થિતિ કફોળી હતી. જેની અસર પણ લેખિકા પર થાય છે અને આથી લેખિકા આત્મકથામાં સ્ત્રીઓની સમસ્યા તે સમયે કેવી હતી તેનો નિર્દેશ કર્યા વગર રહી શકતા નથી. સ્ત્રીઓની સમસ્યા તેમણે સાંભળેલી અને જોઈએલી હોવાથી તેનું વર્ણન આત્મકથામાં કરે છે. તેમના વડનાની શિવગંગા કે શિવગોરીની જે વાત કરે છે તે નોંધનીય છે. જે તેમના જ શબ્દોમાં જોઈએ-
"વડનાની જુવાનીમાં જ બળી મૂઆં. હતાં તો ભારે કામગરાં ને હાથમાં જાતભાતની કારીગરી, તોયે કમાણી ન થાય. ન તાલીમ , ન ભણતર , પતિ મરી જાય અને ચાર પાંચ સંતાનો ઉછેરવાનાં હોય, સાસરા પિયરનો મજબૂત ટેકો ન હોય, તો એમાં ભલભલી સ્ત્રીઓ તૂટી પડતી. વડનાનીએ છોકરાં ને ઘરનો ટબારો નિભાવવા ઉછીનાં લીધાં હશે. આપનારે પાછાં માંગ્યાં હશે અને મંગીબાના કહેવા મુજબ આકરાં વેણ કહ્યાં હશે( તું વેચાઈ જા,પણ પૈસા પાછા આલ...) લાચાર વડનાની ખમી નહીં શક્યાં હોય, તે ચૂપચાપ સળગી ગયાં. દીકરો નાનો, દીકરીઓ સાસરે, એકેય બારણે જવા જેવું નહીં હોય ત્યારે જ કોઈ આમ દેહને કાંડી ચાંપે ને ? મંગીબા કહેતાં કે બારણા બંધ કરીને ભડકો કર્યો તે પછી એકેય ઊંહકારો કાઢ્યો નહીં, જાણે જીભ જ નહોતી એમને."[૩]
આમ, લેખિકાએ પોતાના અંગત વ્યક્તિત્વ સાથે સંકળાયેલ અનેક સ્ત્રીઓની કપરી પરિસ્થિતિ જોઈ અને તેમની વાતો સાંભળી હતી. જેને અહીં વાચા આપે છે.આ ઉપરાંત તેમણે ભાણીબાઈ,વાલીબહેન જેવી સ્ત્રીઓની પીડા અને તેમનાં દર્દોને તેમણે નજીકથી જોયા હોવાથી તેમની વાત પણ લેખિકાએ આત્મકથામાં આલેખી છે. આ રીતે લેખિકાએ એમની આત્મકથામાં તત્કાલીન સમયનું આબેહૂબ આલેખન કર્યું છે.
હિમાંશી શેલત એક શ્રેષ્ઠ વાર્તાલેખિકા તરીકે સાહિત્યમાં પ્રતિષ્ઠા પામેલા એક અગ્રગણ્ય લેખિકા છે. તેઓ નવલિકાકાર અને નવલકથાકાર હોવાથી તેમની આત્મકથાનો આરંભ જ નવલકથાના આરંભ જેવો લાગે છે. આથી ઉત્પલ પટેલ તેમના લેખમાં નોંધે છે કે -
"હિમાંશી શેલતના 'મુક્તિવૃત્તાંત' માંથી સાદ્યંત પસાર થઈએ છીએ ત્યારે વિશ્વપ્રતિષ્ઠિત સ્પેનીશ વાર્તા- નવલકથાકાર ગેબ્રિએલ ગાર્સિયા માર્કવેઝની આત્મકથા ' લિવિંગ ટૂ ટેલ ધ ટેલ' યાદ આવી જાય છે. એ વાર્તાકાર પોતાના જીવનની હકીકતની આલેખનાને વાર્તારસથી છલોછલ બનાવી છે. હિમાંશી શેલતની આત્મકથા પણ વાર્તારસથી ભરી છે . પ્રસ્તુત આત્મવૃત્તાંતનો આરંભ આપણને આત્મકથાના આરંભ જેવો લાગવા કરતાં કોઈ રસિક નવલકથાના આરંભ જેવો લાગે છે. જુઓ: " બપોરે ન્યૂઝમાં જાણીતી ફેશન મોર્ડલની આત્મહત્યા પડદા પર જોઈ. સહેલામાં સહેલી રીત પંખા પર લટકી જવાનું, પોતાનો દુપટ્ટો કે સાડી, કોઈપણ ખપમાં આવી જાય, કેમેરો એ મોડેલના ફલેટમાં ફરતો હતો. સરસ રાચરચીલું, પૈસો ખરીદી શકે એ તમામ સગવડ હાજર. પલંગની મખમલી ચાદર પર એના કપડાં પડેલાં. હજી તો એમાંથી સુગંધ છલકાતી હશે." આમ, આ આત્મકથા લેખનની શરૂઆત નવલકથા જેવી છે."[૪]
આ રીતે લેખિકા સાવ સહજ વાતચીતની ભાષાથી આત્મકથા લેખનની શરૂઆત કરે છે. આથી જ ખ્યાલ આવે કે આત્મકથાની ભાષા સાદી, સરળ તથા રસાળ છે. લેખિકાએ જરૂર પડ્યે રૂઢિપ્રયોગ, કહેવતો, અલંકાર, કાવ્યપંક્તિ, અંગ્રેજી કૃતિના કોટેશન વગેરેનો પ્રયોગ કરી વિવિધતા ભરી ભાષા પ્રયોજી છે.
વિવિધ કહેવતો પ્રયોજીને લેખિકા કથામાં વૈવિધ્ય ઉમેરે છે. જેમકે-
" બારમો ચંદ્રમાં હોવો"
" દુ:ખે પેટ અને કૂટે માથું"
" બાંધી મૂઠ્ઠી લાખની". વગેરે...
કહેવતની માફક અંગ્રેજી કોટેશનો તથા અન્ય કૃતિનાં સંદર્ભો પણ લેખિકા આત્મકથામાં નોંધે છે. જેમકે-
" Life changes Fast.
Life changes in the instant.
You sit down to dinner and
Life as you know it, ends.
The Question of self- Pity." ( પૃ.૧૩૭)
આ ઉપરાંત અનેક કાવ્ય પંક્તિઓ પણ લેખિકા પ્રયોજી જાણે છે. જેમકે-
" ધર્મના વીર ઓ આર્યપૂત ઊઠજો."
" ગુજારે તે શિરે તારે."
" મારે માથે હજાર હાથવાળો."
આ પ્રમાણે અનેકવિધ અંગ્રેજી કોટેશનો , કાવ્ય પંક્તિઓ, કહેવતો વગેરે નોંધી લેખિકાએ આત્મકથામાં વૈવિધ્યસભર ભાષાશૈલી પ્રયોજી આત્મકથાને એક નવું જ રૂપ આપ્યું છે. 'શીલ તેવી શૈલી' એમ આપણે ત્યાં કહેવાય છે. ખરેખર લેખિકાએ આ વાત સાર્થક કરી બતાવી છે. સાથે વચ્ચે લેખિકાએ પત્રશૈલીનો પ્રયોગ કર્યો છે જે આત્મકથાને માટે ઉત્તમ સિધ્ધ થાય છે.
હિમાંશી શેલતે એક સમાજ સેવિકા તરીકે જે ભૂમિકા અદા કરી છે તેનું આલેખન આત્મકથામાં કરે છે. જેમાંથી એક સમાજ સેવિકા તરીકેની તેમની છબી આપણી સમક્ષ ઉપસી આવે છે. સમાજ સેવા માટે તેમણે પોતાની નોકરીને પણ તિલાંજલિ આપી દીધી છે. કેમકે તેઓ સ્ત્રીઓને જાગૃત કરવા ઈચ્છતા હતાં અને સ્ત્રીઓને માટે સમાજમાં જે ધારા ધોરણો સમાજે નક્કી કર્યા છે તેને પણ બદલવા ઈચ્છે છે. આથી તેઓ ઝૂંપડપટ્ટી અને સેક્સવર્કરના વિસ્તારમાં જાય છે અને જરૂરતમંદ સ્ત્રીઓની મદદ કરે છે. આ ઉપરાંત જે બાળકો અનાથ છે અને રસ્તા પર જ રહે છે તેમના માટે શિશુ સહાય ટ્રસ્ટનો પ્રારંભ કરે છે. આ અને આવી અનેક સમાજસેવાની પ્રવૃત્તિનો ઉલ્લેખ લેખિકાએ આત્મકથામાં કર્યો છે. આમ, લેખિકાએ લેખન કાર્યની સાથે સાથે સમાજ સેવિકાની ભૂમિકા અદા કરી છે. જે સૌ માટે પ્રેરણાદાયી બની રહે છે.
કહેવાય છે કે સંઘર્ષ વગર કોઈપણ કાર્ય સફળ થતું નથી. લેખિકા પણ જીવનભર જે સંઘર્ષ કરે છે તેનો ચિતાર અહીં આપે છે. જેનો અહીં આછેરો નિર્દેશ કરીએ તો. પ્રથમ તો જીવનભર એકલનારી રહેલાં જે સૌથી મોટો સંઘર્ષ છે. હિમાંશી શેલત જીવનસાથી નીલમણિના જવાથી તો સંપૂર્ણ એકલાં બની રહ્યાં! અધ્યાપકની નોકરી છોડી વંચિતોના પક્ષે કામ કર્યું અને હજી કરે છે. એમણે જીવનભર અનેક સંઘર્ષો વેઠ્યા છે. પ્રારંભમાં લગ્ન ન કરવા હોવાથી પરિવાર સાથેનો સંઘર્ષ, લગ્ન કર્યા બાદ નીલમણિ સાથે કરવો પડતો સંઘર્ષ, બાળકો માટે જ્યારે ટ્રસ્ટ ચલાવે છે ત્યારે સમાજ સામે કરવો પડતો સંઘર્ષ, સ્ત્રીઓ માટે જ્યારે લડે છે ત્યારે કરવો પડતો સંઘર્ષ, અધ્યાપક તરીકે જ્યારે કૉલેજમાં જોડાય છે ત્યારનો સંઘર્ષ, એકલા જીવન વ્યતીત કરવાથી થતો સંઘર્ષ વગેરે. આ રીતે લેખિકાનું જીવન સતત સંઘર્ષમય રહ્યું છે. જેનો ખ્યાલ આપણે આત્મકથામાંથી પસાર થતા આવે છે.
પ્રસ્તુત આત્મકથા એક ઉત્તમ પ્રેમગાથાસભર આત્મકથા છે. દરેક બાબતને લેખિકાએ નિખાલસતા પૂર્વક આલેખી આપી છે. છતાં પણ પ્રસ્તુત આત્મકથામાંથી પસાર થયાં બાદ કૃતિની એકાદ બે સિધ્ધિ મર્યાદા તરફ અંગુલિનિર્દેશ કર્યા વગર આ કૃતિની મુલવણી અધૂરી જણાય છે. જે જોઈએ-
1. હિમાંશી શેલતે વાર્તા અને નવલકથા ક્ષેત્રે કલમ ચલાવી હોવાથી તેમની આત્મકથામાં આત્મકથા કરતાં નવલકથા અને વાર્તાશૈલીની છાંટ વધુ જોવા મળે છે.
2. પ્રસ્તુત આત્મકથામાં લેખિકાએ પોતાની અંગત બાબતને ખૂબ જ ટૂંકમાં વર્ણવી છે, અને પોતાના સંઘર્ષને આલેખવા તે બીજા પાત્રનો આધાર (સહારો) લેતા હોય તેવું આત્મકથામાંથી પસાર થતાં સતત લાગ્યાં કરે છે.
3. આત્મકથાની શરૂઆત ને તેનું સમાપન થોડા અજુગતા લાગે છે કેમકે પ્રારંભ લેખિકાએ નવલકથાની માફક વર્ણનથી કર્યો છે અને સમાપન વાર્તાની માફક ચમત્કારિક રીતે કોઈ પાત્રની વાત કરતાં હોય તેમ કરે છે.
4. આત્મકથામાં લેખિકા દરેક બાબત આત્મકથાના લક્ષણો (ઘટક તત્ત્વો)ને આધીન રહી આલેખવામાં સફળ રહ્યાં છે.
'મુક્તિવૃત્તાંત' આત્મકથા એકરીતે તો મુક્તિની રસભર પ્રેમગાથા રૂપે જ નિરૂપાયેલ કથા છે. ટૂંકમાં કહી શકાય કે 'મુક્તિવૃત્તાંત' દ્વારા લેખિકાએ સ્ત્રીની મુક્તિની વાત કરી છે. આથી 'મુક્તિવૃત્તાંત' એટલે ના પાડવાની મુક્તિ , અને ઈચ્છીએ તેવું જીવન જીવવાની મુક્તિનું વૃત્તાંત. આમ, 'મુક્તિવૃત્તાંત' આત્મકથા દ્વારા હિમાંશી શેલતે નારી સર્જકોની આત્મકથામાં વૃધ્ધિ કરી છે સાથે તેમના જીવનથી પરિચિત પણ કરે છે. આ આત્મકથામાંથી પસાર થયાં બાદ કહી શકાય કે 'મુક્તિવૃત્તાંત' આપણા આત્મચરિત્ર સાહિત્યનું મુક્તવૃત્તાંત હોવાની સાથે સાથે જ તે એક નારીની મુક્તિનું વૃત્તાંત છે. આ રીતે આ એક એકલ નારીની આત્મકથા ઉત્તમ પ્રેમગાથાસભર આત્મકથા બની રહે છે.
સંદર્ભ સૂચિ:-
નિરૂપા ટાંક, પીએચ.ડી રિસર્ચ ફેલો, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી,રાજકોટ. Email- tank.nirupa@gmail.com Mo.- 8238456563