ભગવામાં યે ભરત ભરીને સોહે : પદપ્રાંજલિ
અમે સંતના સોબતિયા નહીં જાદુગર કે જોશી
ગુજરાતી ભાષાના નાતે નરસિંહના પાડોશી.
- કવિ હરીશ મીનાશ્રુ
અનુ-આધુનિક યુગના સમર્થ કવિ હરીશ મીનાશ્રુનું નામ હવે ગુજરાતી સાહિત્યના વાચકો માટે નવું નથી. એમની પાસેથી ‘ધ્રીબાંગસુંદર એણીપેર ડોલ્યા’, ‘તાંબુલ’, ‘તાંદુલ’, ‘પર્જન્યસૂક્ત’, ‘સુનો ભાઈ સાધો’, ‘પદપ્રાંજલિ’, ‘શબદમાં જિનકું ખાસ ખબરાં પડી’, ‘પંખીપદારથ’, ‘નચિકેત સૂત્ર’, ‘બનારસ ડાયરી’ કાવ્યસંગ્રહો પ્રાપ્ત થયા છે ઉપરાંત એક ઉત્તમ અનુવાદક અને સંપાદક તરીકે પણ તેઓ ખૂબ સફળ રહ્યા છે. અહીં તેમના પદપ્રાંજલિ સંગ્રહ વિશે ચર્ચા કરવાનો ઉપક્રમ છે.
ઓક્ટોબર, ૨૦૦૪ માં કવિ હરીશ મીનાશ્રુનો ‘પદપ્રાંજલિ’ કાવ્યસંગ્રહ પ્રગટ થાય છે. ૭+૮૦ પૃષ્ઠ મર્યાદા ધરાવતા આ કાવ્યસંગ્રહમાં કવિ હરીશ મીનાશ્રુની ૮૦ કાવ્યરચનાઓ સમાયેલી છે. કાવ્યસંગ્રહના પ્રારંભમાં જ કવિએ કબીરસાહેબની પંક્તિ નોંધી છે. ‘પ્રેમ ખિલનવા યહિ બિસેખ / મેં તોહિ દેખું, તું મોહિ દેખ.’ તો કાવ્યસંગ્રહનું શીર્ષક ‘પદપ્રાંજલિ” સાંભળતા જ ભાવકને ભક્તકવિ નરસિંહ મહેતા સ્મરણે આવી ચડે. ‘પદપ્રાંજલિ' કાવ્યસંગ્રહની તમામ રચનાઓ ગીતગેયપદ સ્વરૂપની છે. અને તમામ કાવ્યરચનાઓનો એક જ પ્રકારનો ઢાંચો સર્જક અંત સુધી જાળવે છે. જેમાં પ્રથમ ધ્રુવપંક્તિ ત્યારબાદ બે અંતરા એમ આ ગીતરચનાઓનું પોત બંધાયું છે. કવિ હરીશ મીનાશ્રુની કવિતાને ‘ઉડ્ડયન અને ઊંડાણની કવિતા’ તરીકે ઓળખાવનાર કવિ સુરેશ દલાલ નોંધે છે કે... “હરીશ મીનાશ્રુ પાસે પોતાનો અવાજ છે. આ અવાજ પરંપરાના વિદ્રોહમાંથી નથી પ્રગટ્યો પણ આપણી પ્રાચીન સંતપરંપરાના પ્રવાહમાંથી. એમણે કવિતાના પુરૂષાર્થથી વિદ્યુતસંચાર પ્રગટાવ્યો છે. એમની કવિતાની ગતિ આધ્યાત્મિકતા તરફ છે. આ આધ્યાત્મિક્તા બોધાત્મક તરફ જતી નથી. પણ આત્મસંશોધનમાંથી પ્રગટી છે. ઝાઝે ભાગે બે અંતરા ગીતમાં એક ભાવવિશ્વ રચી આપે છે. આમાં ઈશ્વર અને વિશ્વ તરફનો અહોભાવ પણ છે. અને પિંડ અને બ્રહ્માંડના સંબંધની લીલા પણ છે. કશુંય અહીં ચીલાચાલુ નથી. એમણે જેમનો તંતુ પકડ્યો છે તે વાણીના વણકર કબીરનો. ઉદ્ગારમાં જ એ તંતુ છે બાકી વણાટકામ હરીશ મીનાશ્રુનું પોતાનું છે. આ કાવ્યસંગ્રહને કારણે આપણી કવિતામાં જે ઊંડાણનો અનુભવ થાય છે તે વિરલ છે.”[1]
પદપ્રાંજલિ કાવ્યસંગ્રહની દરેક રચના ‘સાધો’ શબ્દથી આરંભાય છે. આવા નિશ્ચિત સંબોધનવાળી ધ્રુવપંક્તિનાં, નિરૂપણને કારણે આધ્યાત્મિ ભાવસંવેદનનો સીધો સંકેત મળે છે. આરંભનું પ્રથમ પદ લેતા જ આધ્યાત્મિક ભાવસૃષ્ટિ આપોઆપ ખડી થઈ જાય. જોઈએ.
સાધો, આ તે સત્ કે ભ્રમણા
એક હરિ આલો તો તરત જ કરી બતાવે બમણા
પ્રેમગલીની વચ્ચે બોલાવે
કીમિયાગર કપટી હરિમાં હું ને હુંમાં હરિ
ત્યાં ઊભાં ચપટી ચપટી
સુખની જ્યાં કોઈ મણા નહીં : સગપણનું નામ સુખમણા.
***
હું ને ઊંહું કહું તો હરિ ભેટે હમણાં ને હમણાં.”( પદપ્રાંજલિ, પૃ.૧ )
આમ, પ્રથમ પદમાં જ પોતે હરિથી અભિન્નતાથી જોડાયેલ છે તેવું કવિ સ્પષ્ટ કરી દે છે. જ્યાં સુખ, દુઃખ એવું કશુંય રહેતું નથી બધું એકાલીન બની જાય છે, સુખમણા થઈ જાય છે. પણ આ બધું કયારે બને તેના અનુસંધાન પેઠે કહેતા હોય એમ અંતે આ પંક્તિ આવે છે કે, ‘ હું ને ઊહું કહું તો હરિ ભેટે હમણાં ને હમણાં'. પોતાના અહમને જે ત્યજે છે એને હરિ મળે છે, ભેટે છે. એની સાથે ‘ઊંહું’ કાકુનો પ્રયોગ કાવ્યની પંક્તિમાં બંધબેસે એ રીતે પ્રયોજતાં કવિની કાવ્યપ્રતિભા પણ નિખાલસપણે ખીલી ઊઠી છે.
‘આધુનિકોત્તર કવિતા’ વિવેચન ગ્રંથમાં અજયસિંહ ચૌહાણ આ કાવ્યોની સમીક્ષા કરતા નોંધે છે કે, “પદપ્રાંજલિના ગીતોમાં એક જ પ્રકારનો લય અને બંધારણ હોવા છતાં એકવિધ બનતા નથી. ભાષા અને કવનનાં વેરીએશનથી કવિએ પડકાર ઝીલ્યો છે. કારણ કે આ કવિતામાં આધ્યાત્મિકતાનો બોધ નથી પણ સતત આત્મખોજ છે.”[2] આ કવિતાના કાવ્યો એ આધ્યાત્મબોધથી પર જઈને આત્માનુભૂતિ તરફ ગતિ કરે છે. કેટલાક ઉદાહરણથી જોઈએ
સાધો, એક સદ્ગુરૂ ઈક ચેલા
બેયને ધડ પર મસ્તક નહીં એવા માથાના ફરેલા,
તરણી કરી પતાસાની
કેસરનાં તંતઃ હલેસાં
ક્ષીરસાગરમાં તરતી મેલી
ચલ સુરતિ નિજદેશા
બેય ઓગળી ગયાં ચાંદની આંચે અલબેલા.”
***
“વૃચ્છને ટેકે વેલ ચઢી કે વેલને ટેકે વૃચ્છા.”(પદપ્રાંજલિ, પૃ.૨)
***
દેખ્યું તે લખ્યુંઃ લખલખતી
અલખની જોત લખાણે
ભાવપુરુષ ને ભાષા જે ખેલે છે. ચોરસિપાહી.”( પદપ્રાંજલિ, પૃ.૩)
આમ, આ કાવ્યોમાં કવિએ ધારેલી આત્મખોજ તરફની ગતિની અનુભૂતિ થયા વિના રહેતી નથી. ‘પદપ્રાંજલિ'ના આધ્યાત્મિક ભાવસંવેદન અને કાવ્યકલેવર વિશે ચર્ચા કરતા રાજેશ પંડ્યા નોંધે છે, “પદપ્રાંજલિની દરેક રચના ‘સાધો’ શબ્દથી જ આરંભાય છે. આવી નિશ્ચિત ધ્રુવપંક્તિ નિરૂપિત આધ્યાત્મિક ભાવસંવેદનનો સીધો સંકેત કરે છે. તો ધ્રુવપંક્તિનો છેલ્લો શબ્દ પ્રાસબાંધણી કેવી રહેશે તે ચીંધી બતાવે છે. આવા નિર્ધારિત માળખાને વરાવર્તતી રચના આગળ જતા અનુભૂતિના સમીકરણમાં અને કાવ્યરચનાના વ્યાકરણમાં સરી પડે છે. કેટલેક અંશે કવિ સર્જકતના બળે આવાં ભયસ્થાનો વટોળી જાય છે.”[3] આ સંગ્રહના તમામ ગીતો એ એક જ ઢાંચામાં લખાયેલા છે છતાં હરીશ મીનાશ્રુની સર્જકતાના પરિણામે આ તમામ ગીતો એ આધ્યાત્મ અનુભૂતિની એરણ પરથી આવતા હોવા છતાં કાવ્યત્વથી ક્યાંય ઝાંખા પડી જાય એવું બન્યું નથી એમ કહી શકાય. આ કાવ્યોની ધ્રુવપંક્તિઓમાં સર્જકની સર્જકતાના ઉત્તમ પાસાઓ મળી રહે તેવા ઉદાહરણ જોઈએ.
“સાધો, રચે લીલા રઢિયાળી
ઘડું સહજ હું ઈલાયચી તોહરિ યાચે વરિયાળી.”( પદપ્રાંજલિ, પૃ.૧૧ )
“સાધો, એ શું મદિરા ચાખે
દરાખનો જે મરમ ભૂલીને જઈ વળગ્યો સુદરાખે.” (પદપ્રાંજલિ, પૃ.૩૪ )
ઉપરાંત બીજી કેટલીક ધ્રુવપંક્તિઓમાં પ્રાસ, લય, કવિકલ્પના, પ્રતીક, ભાષાકર્મની વિધવિધ છટાઓ આસ્વાદકીય બની છે. તેની સાથે પરંપરાનો તાજગીસભર વિનિયોગ પણ થયેલ જણાય છે. આ ઉપરાંત બીજી ઘણી ધ્રુવપંક્તિઓમાં કવિકર્મનો વિલક્ષણ નવોન્મેષ પ્રગટતો જોવા મળે છે.
આ સંગ્રહના ગીતોનાં અંતરા પણ એટલી વૈવિધ્યપૂર્ણ છટાઓ ધરાવે છે. કવિએ દરેક ગીતમાં કવિ દ્વારા બે અંતરા મૂક્યા છે. અને દરેક અંતરાનો આંતરપ્રાસ ધ્રુવપંક્તિ સાથે અનુબંધિત જણાય છે. કેટલાક અંતરાઓમાં કવિની કાવ્યપ્રતિભા ખીલી ઊઠી છે. જોઈએ...
“પ્રેમગલીની વચ્ચે બોલાવે
કીમિયાગર કપટી
હરિમાં હું ને હું માં હરિ
ત્યાં ઊભાં ચપટી ચપટી.”( પદપ્રાંજલિ, પૃ.૧ )
અહીં કીમિયાગર એ અન્ય કોઈ નથી પ્રેમનો અધિષ્ઠાતા પોતે છે. અને એથી જ બીજી પંક્તિમાં કવિ પોતે સ્વીકારે કે, ‘હરિમાં હું ને હું માં હરિ ત્યાં ઊભાં ચપટી ચપટી’ અહીં બંનેના એકત્ત્વની ઘટના જોઈ શકાય છે. અહીં કબીર, નરસિંહ, મીરાં આદિના પંક્તિ સંદર્ભ મળે છે. ઉપરોક્ત આપેલી પંક્તિને અનુસંધાને આ જ સંગ્રહના ૭૫ માં ગીતનો અંતરો જઈ શકાય. જોઈએ...“સાવ સાંકડી ગલીમાં | ભેટી પડવા નેહે નવધા | એકમેકને જોઈ થઈ ગયાં | બન્ને અડધા અડધા.”(પદપ્રાંજલિ, પૃ.૭૫) આમ, સાંકડીગલી, પ્રેમગલી, એકત્ત્વના સંદર્ભે કવિની કવિતામાં વારંવાર જોવા મળે પણ એ પુનરાવર્તન દોષને વળતા નથી. પણ કવિ પ્રતિભાથી કાવ્યને નવોન્મેષ આપનારા નિવડે છે. આવા જ કેટલાક બીજા પણ અંતરા છે. જેમ કે આ પંક્તિ જુઓ “મસ્જિદની ભીંતો અકકડ પણ | વળ્યો વળે નમાજી | ધન્ય હો, હજ કર્યા વિના જે | હોય સહજનો હાજી. ( પદપ્રાંજલિ, પૃ.૪ ) અહીં, ‘સહજતાનો ભાવ જેનામાં છે તે હાજી’ ખરો, તે ખરો સજન ! મસ્જિદની ભીંતો ભલે અકકડ રહે પણ એમાં નમાજ પઢનારો નમાજી અક્કડ ના રહેવો જોઈએ. એમાં નમવાની વૃત્તિ હોવી આવશ્યક છે. એથી જ બીજી પંક્તિમાં કવિ હરીશ મીનાશ્રુ કહે છે કે, ‘ધન્ય હો, હજ કર્યા વિના જે હોય સહજનો હાજી'. હજ કરીને આવે એ તો નમ્ર - વિનમ્ર હોય જ છે, પણ એ હજ જેણે નથી કરી છતાં જે ખુદાપરસ્ત છે એ ખરો હાજી છે. આ પંક્તિ સંદર્ભે રાજેશ પંડ્યા નોંધે છે કે, “હજો, હજ, સહજ, હાજી જેવા ધ્વનિસામ્ય ધરાવતા શબ્દોને આશ્રયે પ્રવર્તતું પારિભાષિક અર્થઘટન ધ્યાન ખેંચે છે. ‘ધન્ય યમુનાતટ, ધન્ય બંસીવટ... નો નરસિંહ ઉદ્ગાર પણ તેમાં આછો આછો સંભળાય.”[4] અહીં પણ કવિએ અંતે કહેવું તો એ જ છે કે ખુદા અને ખુદાઈ બંને શાસ્વત છે. મંદિર અને મસ્જિદ એ ખંડેર થઈ જશે, ભસ્મીભૂત થઈ જશે પણ સાચી શ્રદ્ધા અને ઈશ્વર એ અનંત છે. અને એનો જ મહિમા પણ છે. તો કેટલાંક ગીતો આપણને એક આગવા સાધોલોકની મીજબાની કરાવે તેવા પણ છે.
કવિ એક અક્ષર આમતેમ કરે અને આખી પંક્તિ મર્મમય સભર થઈ જતી હોય છે. જેમ કે, ‘દરાખ’નું ‘ રુદરાખ” થતા આખી કાવ્ય પંક્તિ મર્મસભર બની છે. જે શબદના નશામાં લીન થયો છે એને દરાખનો નશો લાગતો નથી. એ તો રુદરાખના નશામાં અહર્નિશ લીન થઈને રહે છે. નભ સાથે સદા જે આલિંગનમાં રહે છે એ પંખી એના સ્મરણમાં લીન નથી થઈ જતું પણ ઉડવું એ એનું કર્મ છે. અને તે એને નિષ્ઠાથી કરે પણ છે. એમ ભગવા વસ્ત્ર ધારણ કરીને ફરનારો સાધો પણ અનુરાગી તો છે જ જ્યારે એ ભગવામાં ભરત ભરીને સોહે છે. આ ભરત એ સ્થૂળ વણાટકામ નથી પણ આ ભરત એ તો છે વિનમ્રતાનું, નિજાનંદનું, એકલીનતાનું, પ્રેમનું, ભક્તિનું અને સહૃદયાનું છે. આમ, કવિએ પણ ભગવામાં ભરત ભરવાનું કામ આ કાવ્યો દ્વારા કર્યું છે.
પદપ્રાંજલિ'ના કાવ્યોએ ‘આત્મખોજના કાવ્યો’ તરીકે પ્રસ્થાપિત થયા છે. કવિને મન કેવા હરિ નિરાલા છે તે આ પંક્તિઓમાં કવિ ટાંકે છે. જોઈએ...
મૃગજળ ચાખ્યાં હોય નહીં
એવા કોઈ મૃગની છાલા
સ્વર્ણમૃગયા રમ્યા હોય નહીં
એવાં હરિ નિરાલા
બદરિફળ નહીં થયાં હો જે અમને આરોગી (પદપ્રાંજલિ, પૃ.૪૩)
ઉપરોક્ત પંક્તિમાં કવિને સિદ્ધ કરવું છે. અનંતતા સાથેનું સીધેસીધું અનુસંધાન એવું જેણે મૃગજળ ચાખ્યા નથી અને એને એવા મૃગની છાલા. ત્યારબાદ કહે છે કે જે સ્વર્ણમૃગયા રમ્યા ન હોય અને જે બદરિફળથી તૃપ્ત થયા ન હોય એવા હરિની માયા છે. અહીં કવિને એથી જ કહે છે કે ‘તૃપ્ત થયા હો જે અમને આરોગી’ જે ભક્તના ભાવને, ભક્તિને આરોગીને તૃપ્ત થાય એવા હરિ કવિને મન નિરાલા છે. આમ, પોતાને આખાને આખા સમર્પિત કરી દેવાની ભાવના અહીં કવિ દ્વારા વ્યક્ત થવા પામી છે.
‘પદપ્રાંજલિ” કાવ્યસંગ્રહની રચનાઓના આધારે કવિ હરીશ મીનાશ્રુનું ભાષાકર્મ પણ આપણે તપાસવું જોઈએ આ સંગ્રહના ભાષાકર્મને કેન્દ્રમાં રાખીને રાજેશ પંડ્યા નોંધે છે કે... “પદપ્રાંજલિની કેટલીક રચનાઓમાં કવિનું ભાષાકર્મ સ્વતંત્ર આસ્વાદનો વિષય બને છે. સપાટી પર સાદી ને અર્થગ્રહણમાં સરળ જણાતી પંક્તિઓમાંનું ભાષાકર્મ અર્થના છેડા પણ “ખુલ્લા રાખે છે.”[5] કવિ હરીશ મીનાશ્રુના આ સંગ્રહની ભાષા એ અર્થને દુર્બોધતા તરફ નથી ઘસડી જતી બલકે અર્થસંકુલતાને જાળવીને પણ અર્થવ્યાપી કરી આપે છે. કેટલીક પંક્તિઓ દ્વારા જોઈએ,
“હું ને ઊંહું કહું તો હરિ ભેટે હમણાં ને હમણાં.”( પદપ્રાંજલિ, પૃ.૧)
અહીં ‘ઊંહું’ કાકુ પ્રયોગ દ્વારા કવિએ અર્થસુલભતા કરી આપી છે. હું ને નકારવા માટે ઊંડું ને શબ્દપ્રયોગમાં મૂકી આપતા કવિની ભાષાસૂમતાને પામી શકાય.
સાધો, એ શું મદિરા ચાખે
દરાખનો જે મરમ ભૂલીને વળગ્યો જઈ રુદરાખે.”( પદપ્રાંજલિ, પૃ.૩૪)
અહીં ‘દરાખ’ અને ‘દરાખ’ બંને પ્રાસ સંદર્ભે તો આવશ્યક બને જ છે, પરંતુ બંને સાવ સામા છેડાના હોવાથી બંનેને એક સાથે મૂકી આપીને અહીં કવિએ કવિકર્મ સિદ્ધ કરી બતાવ્યું છે. તો, ‘ધન્ય હ છે, હજ કર્યા વિના જે હોય સહજનો હાજી.’ (પદપ્રાંજલિ, પૃ.૪) જેવી પંક્તિમાં હો, હજ, સહજ, હાજીનો ધ્વનિ સામ્ય તો મૂકી જ આપ્યો છે. પણ તેની સાથે બોધક્ષમ અર્થસંકુલતાને પણ કવિએ જાળવી બતાવ્યું છે.
પદપ્રાંજલિ' કાવ્યસંગ્રહના આધ્યાત્મના અનુસંધાને રાજેશ પંડ્યા નોંધે છે કે... “આધ્યાત્મિક કવિતાને માત્ર કવિતાના ધોરણે જેવી એમાં કોઈ સરલીકરણનો દોષ વહોરવા જેવું લાગે પરંતુ આધ્યાત્મ ભલે ગમે તેટલો, ગહન અનુભૂતિનો વિષય હોય. છતાં એ અનુભૂતિને અભિવ્યક્ત કરવાનું એક માત્ર માધ્યમ ભાષા છે. ઓછામાં ઓછું કવિ માટે તો એ સાચું છે. દિવ્યાનુભૂતિને કાવ્યાનુભૂતિમાં પલટાવવાનો પડકાર કવિએ ઉઠાવવાનો છે. બાવન બહારું છે. એને બાવનમાં ઝીલવાનું છે. અનહદને ભાષાની સરહદમાં ખેંચી લાવવાનું છે. એમાં જ કવિની ખરી કસોટી છે. અનુભવના સ્તરે જે સિદ્ધ થયું તેને હવે કવિતાનાં ઉપકરણોની ભૂમિકાએ કવિ પ્રતીતિકારકતા જન્માવી શકે તો જ અનુભૂતિનું સત્ય કાવ્યનું સત્ય બને. એટલે કવિતાના ધોરણે આખો મામલો પ્રથમ પહેલો ચકાસવો પડે.”[6]
આમ, ‘પદપ્રાંજલિ”કાવ્યસંગ્રહનું વિશ્વએ આધ્યાત્મ સાથે જોડાઈને આવે છે. તેથી તેનું આત્મખોજની કવિતા તરીકે તો મૂલ્યાંકન થવું જ જોઈએ. સાથે કવિતાના ધોરણોથી પણ તપાસ થવી જોઈએ. હરીશ મીનાશ્રુની ‘પદપ્રાંજલિ'ની કવિતાઓ મૂળે કાવ્યના ધોરણો તો સાચવે જ છે, અને આધ્યાત્મકેન્દ્રી પણ બની રહી છે.
સંદર્ભ
નેહા કે. ગામીત, મુ. કરંજવેલ, તા. વ્યારા, જી. તાપી. ઈમેલ : nehagamit007@gmail.com