લઘુકથા: ચા
બિંદીયાએ મોબાઇલ હાથમાં લઇ ચેટબોક્ષ ખોલ્યું. ગઇકાલે પોતે મોકલેલા મેસેજ નિત્યાએ વાંચ્યા ન્હોતા, કે ન્હોતો સામે એનો કોઇ મેસેજ કે કોલ. એની ચિંતા ઘેરી બની. નિત્યાની તબિયત વધુ બગડી નહિ હોય ને ! બે દિવસથી એના કંઇ સમાચાર ન્હોતા.
એણે ગઇકાલે અધૂરી મૂકેલી ફાઈલ ખોલી. અંદરના કાગળો આમ તેમ ઉથલાવ્યા. અક્ષરો વાંચ્યા, અર્થ ઉકલ્યા નહિ. નીચેની બીજી ફાઇલો ઉંચી – નીચી કરી એકબાજુ મૂકી. કમ્પ્યુટર ઓન કરી મેઇલ બોક્ષ ખોલ્યું. એક – બે મેઇલ ચેક કરી નજર ત્યાંથી ખસેડી. બે દિવસથી આમ જ થતું હતું. ઓફીસના પગથીયા ચડતા પગ વજનદાર થઇ જતા. આજે એ કંટાળાએ ભરડો લઇ લીધો. એક મોટું બગાસું આવ્યું. એણે બ્રાન્ચમાં નજર કરી. આશા, શ્વેતા, પુલકિત, જતિન, અભિનવ બધા રોજની ટેવ મુજબ સાગરના ટેબલ પાસે ટોળે વળ્યા હતા. એમાંનું કોઇ ચા પીધા સિવાય ઓફિસનું કામ શરૂ કરતુ નહિ. એને બગાસું ખાતી જોઇ શ્વેતાએ ચા પીવા આવવા ઇશારો કર્યો. બિંદીયાએ હાથ હલાવી ના પાડી. મોબાઇલ ફરીથી જોઇ એક બાજુ મુક્યો.
નિત્યા સાથે એની દોસ્તી આઠ વર્ષથી. નોકરીમાં બંને એક જ દિવસે જોડાયેલા. સાતેક મહિના એક ઓફિસમાં કામ કર્યાં પછી બંનેની બદલી અલગ – અલગ શહેરમાં થઇ ગયેલી. છૂટા પડ્યા, પણ લાગણીની ગાંઠ વધુને વધુ મજબૂત થતી રહી. એકબીજા વગર લગીરે ન ચાલે.
બિંદીયા ખુરશીમાંથી ઉઠી, બારી પાસે જઇ ઉભી. ફરી બગાસું આવ્યું. સાગરનું ધ્યાન એના પર પડતા એણે ટકોર કરી.
“બિંદીયા, ઓફિસમાં આવી બગાસા ખાય છે એના કરતા અમારા જેમ ચાની આદત પાડી દે. પીધા પછી કામ કરવાની મોજ આવી જાય.”
બિંદીયાએ નનૈયામાં માથું ધુણાવ્યું. વળી એક બગાસું ખાવા ગઇ કે મોબાઇલની રીંગ વાગી. સ્ક્રીન પર નિત્યાનું નામ જોતા બગાસું અધવચ્ચે અટક્યું. એણે સાગર સામે હળવું સ્મિત કરતા કહ્યું,
“આવી ગઇ મારી ચા.”
નસીમ મહુવાકર, ડેપ્યુટી ડિ ડિ ઓ, જિલ્લા સેવા સદન, ટાવર રોડ, સુરેંદ્રનગ (સૌરાષ્ટ્ર) મો. : 991313 5028 ઇ મેઇલ : nasim2304@gmail.com