મરીઝની ગઝલોમાં પ્રણય
પ્રસ્તાવના:
ગઝલ ફારસી અને ઉર્દુ મારફત ગુજરાત અને ગુજરાતી ભાષામાં દાખલ થઈ. આજે તો એ સુપ્રસિદ્ધ છે.ગુજરાતી ગઝલમાં સમયે-સમયે નૂતન તાજગી લઇ આવનારા સર્જકો મળતા રહ્યા છે.ગઝલ કાવ્યસ્વરૂપ ગુજરાતી ભાષામાં ફારસી અને ઉર્દુ ભાષામાંથી ખેડવામાં આવ્યું હોવા છતાં ગુજરાતીના અન્ય કાવ્યસ્વરૂપોની તુલનામાં વધુ સમૃદ્ધ અને પ્રચલિત થયું છે. પ્રથમ તબક્કાની ગઝલો ફારસી ઢબની હતી.ફારસી અને ઉર્દૂના શબ્દનો વિનિયોગ તેમાં પ્રચુર માત્રામાં જોવા મળે છે.બીજા તબક્કાના ગઝલકારોએ ગઝલને ગુજરાતી સાહિત્યમાં મોભાનું સ્થાન અપાવવાના તનતોડ પ્રયાસો કર્યા અને ગઝલવિવેચનની કેડી કંડારી. અનુશયદાયુગમાં ગઝલને સંપૂર્ણ પ્રતિષ્ઠા પ્રાપ્ત થઇ.સાચા અર્થમાં ગઝલ સંપૂર્ણ “ગુજરાતણ”બની.
ગુજરાતી ગઝલક્ષેત્રે અમૃત ઘાયલ અને શૂન્ય પાલનપુરીની જેમ ‘સર્વકાલીન સ્વીકાર્ય’ ગઝલકાર અને ‘ગુજરાતના ગાલિબ’ નો ખિતાબ પામેલા મરીઝનું મૂળ નામ વાસી અબ્બાસ અબ્દુલઅલી.’મરીઝ’ તેમનું તખલ્લુસ.ગુજરાતના શિયા મુસ્લિમોની વેપારી અને શાંતિપ્રિય દાઉદી વોહરા જમાતમાં જ્ન્મેલા અબ્બાસ વાસીને ગુજરાતી ગઝલના નાનપણથી વળગેલા ‘વ્યસને’ તેના ‘મરીઝ’ બનાવ્યા.ત્યારથી મરીઝ એ મરઝમાંથી ક્યારેય મુક્ત થઇ શક્યા નહીં. સામ્પ્રત સમયમાં ‘ગઝલનું મક્કા’ ગણાવાયેલું દક્ષિણ ગુજરાતનું સુરત શહેર શયદાયુગમાં ગઝલનું કેન્દ્ર હતું. ‘મરીઝ’ એ જ સુરતના સપૂત.
મરીઝનું વ્યક્તિત્વ સામાન્ય કહી શકાય.સાદગી અને સરળતા એમના વ્યક્તિત્વના આભૂષણો હતા.મરીઝ દિલના સાફ માણસ હતા.તેમનું હ્રદય પાક હતું.તેમાં સચ્ચાઈ હતી.આથી તેઓ પોતે કહે છે.
‘છે તેથી મારી દરેક વાતમાં પરેશાની,
પવિત્ર દિલ દીધું જીવન ખરાબ આપીને’
ગુજરાતના ‘ગઝલશિરોમણિ’ મરીઝે ઘણી ગઝલો લખી.આ બધી ગઝલો તેમના “આગમન” અને “નકશા” ગઝલસંગ્રહોમાં સંગ્રહિત થઈ છે.જે તેમનું માતબર પ્રદાન છે.
મરીઝની ગઝલોમાં પ્રણય
પ્રેમ એ મનુષ્યજીવનનું ધારક તત્વરૂપ અને અસ્તિત્વનું અમૃત છે.એ અમૃત વૈષમ્ય, વિસંવાદ અન્યાય અને કારુણ્યના ભાવોની તીવ્રતાને આત્મસાત કર્યા બાદ જ પ્રાપ્ત થાય છે. મનુષ્યજીવનમાં પ્રેમનું તત્વ જ ન હોય તો રેતીમાં વહાણ ચલાવવા જેવું કે ખડકાળભૂમિમાં ધાન્ય પકવવા જેવું છે અથવા તો અગ્નિકુંડમાં છોડ ઉગાડવા જેવું છે.પ્રેમની અનુભૂતિ મનુષ્યને સર્જન તરફ વાળે છે.તેની આંતરચેતનાને સંકોરી જાગ્રત કરે છે અને એ ચેતના સર્જકત્વને પામે છે ને સર્જાય છે એક ઉત્તમ કૃતિ.પ્રેમ સાચા અર્થમાં મનુષ્ય બનાવે છે.મરીઝની ગઝલો વાંચતા આપણને જરુર આવો અહેસાસ થશે જ.
પ્રણયલક્ષી શેરમાં કહેવામાં ગુજરાતી ગઝલમાં આસિમ રાંદેરીના અપવાદ સિવાય બીજો કોઈ ગઝલકાર મરીઝના બરનો નથી.ગઝલનો મૂળરંગ ‘તગઝઝુલ’ મરીઝની ગઝલોમાં સોળે કળાએ ખીલી ઊઠે છે.મરીઝની ગઝલોમાં પ્રણયાઅનુભૂતિ માનુષીપ્રેમથી ઉચ્ચ ભૂમિકા તરફ વિહાર કરતી જણાય છે. મરીઝે પ્રણયના ભાવ તે રીતે અભિવ્યક્ત કર્યા છે કે તે સાચા અર્થમાં ‘દિલની જબાન’ બનીને કાવ્યત્વ સિદ્ધ કરે છે.ગુલાબ પ્રત્યે બુલબુલને હોય એવી આસક્તિ, ચાતકને વર્ષાના પ્રથમ બિંદુ માટે હોય એવી તલબ,લૈલાને મજનુ માટે હોય એવી વિરહવેદના, મયુરને કાળાડિબાંગ વાદળો જોઇ થાય એવો રોમાંચ,પતંગિયાને દિપક માટે હોય એવી ફનાગીરીની ભાવના,ઈશ્વરનો સાક્ષાત્કાર થાય ત્યારે સૂફી અનુભવે એવી સ્તબ્ધતા,યોગીને સમાધિ અવસ્થામાં અનુભવાતી તન્મયતા અને અવધૂતને સમાજ માટે હોય એવી બેફિકરાઈ મરીઝના પ્રણયવિષયક શેરોમાં આપણને જોવા મળે છે.ગઝલના સામાન્ય અર્થમાં જેને ‘actions’તરીકે ઓળખવામાં આવી છે તેવી પ્રણયની વિવિધ છટાઓ મરીઝની ગઝલોમાં ડગલેને પગલે દેખાઈ આવે છે.મરીઝની આ પ્રણયાનુભૂતિની જનેતા તેમને મળેલી પ્રણયની નિષ્ફળતા નહિ પણ પ્રણયભંગ છે.મરીઝના આ પ્રણયભંગ પર ગુલામ અબ્બાસ નાશાદે આ રીતે પ્રકાશ ફેંક્યો છે,”મરીઝે લગભગ અપરિપક્વ સમજના સમયમાં એમના જ કુટુંબની યુવતીને હ્રદય ભેટ ધરી દીધું.વહોરા સમાજમાં આ સંબંધો વર્જ્ય નથી.પરંતુ સામાન્ય દેખાવ અને ઓછું ભણેલા અબ્બાસવાસીમાં યુવતીના પિતાને કોઈ ખાસ પ્રતિભા જણાઇ નહિ અને એમણે આ સંબંધનો અસ્વીકાર કર્યો.એમના આ અસ્વીકારે જ ગુજરાતી સાહિત્યને મરીઝના રૂપમાં પ્રચંડ પ્રતિભાશાળી કવિની ભેટ આપી.તેમની ગઝલનો આ શેર જુઓ,
‘ખુશ્બૂ હજી છે બાકી,જો સૂંઘી શકો મને,
હું પાનખર નથી હું વિતેલી વસંત છુ’
કવિ પોતાની બુરાઇઓને શોધવા જવા કરતાં અચ્છાઇઓની સુગંધ લેવા જણાવે છે.મરીઝની આ શેર જુઓ,
“જૂઓ શી કળાથી મેં તમને છુપાવ્યા,
ગઝલમાં પણ આવ્યાં તો નામે ન આવ્યાં”
ગઝલમાં બે અક્ષરોના સંયોજનથી મરીઝે જે નામ છુપાવ્યું છે તે નામ રમેશ પારેખના ‘છ અક્ષરનું નામ’ની જેમ ત્રણ અક્ષરનું નામ બને છે.મરીઝે પોતના શેરમાં કળાપૂર્વક નામ છુપાવવાની જે વાત કરી છે તે આ પ્રેમિકાનું નામ છુપાવવા આ કળા કાવ્યકળા બની ગઈ છે.જો કે મરીઝના અવસાન પછી પ્રકટ થયેલા તેમના ‘નક્શા’ગઝલસંગ્રહની એક ગઝલમાં કાફિયારુપ એ નામ સ્પ્ષ્ટ રીતે જાહેર થયું છે,
‘અનેક રાગ છે કંઠસ્થ-રજૂઆત નથી,
તૂટી ફુટેલું ભલે હોય એક રબાબ તો દે’
મૃત્યુના અંતિમ શ્વાસ સુધી મરીઝને ‘રબાબ’ની ઝંખના હતી.પ્રણયના અનેક રાગ મરીઝને કંઠસ્થ હતા પરંતુ વ્યવહારમાં એની રજૂઆત થઈ શકી નહિ.કારણ કે રાગના આલાપ સાથે સૂર મેળવી શકાય એવી ‘વીણા’ન હતી.પ્રણયવિષયક અનુભવને મરીઝે પોતાની ‘વેવહાર પણ ગયો’ ગઝલમાં વ્યક્ત કર્યો છે,
‘લેવા ગયો જો પ્રેમ તો વેવહાર પણ ગયો
દર્શનની ઝંખના હતી અણસાર પણ ગયો
.........................................................
કેવી મજાની પ્રેમની દીવાનગી હશે
કે જ્યાં મરીઝ જેવો સમજદાર પણ ગયો’
મરીઝની આ ગઝલની અનુભૂતિ સ્વાનુભવ આધારિત એટલે એમાં સચ્ચાઈ અનુભવાઈ છે.હ્રદયમાં રહેલા પ્રેમને અભિવ્યક્ત કરવાની તક હાથમાંથી સરી જાય ત્યારે એનો ‘વસવસો’ જીવનભર રહે છે.મરીઝ ઉપરની ગઝલમાં બતાવેલા સ્વાનુભવને તે એક શેર દ્વારા સર્વાનુભવરસિક બનાવી દે છે--
‘ડંખે છે દિલને કેવી એક અક્ષર કહ્યા વિના
રહી જાય છે જે વાત સમય પર કહ્યા વિના’
પ્રિયપાત્રના મિલન પછીની આ વાત થઈ પરંતુ પ્રિય પાત્ર સાથેના મિલન વખતે જે સંજોગો અને સ્થિતિ હોય છે,એ અલગ હોય છે.મરીઝની ગઝલોમાં કેટલાય શેરોમાં ગઝના સામાન્ય અર્થને સાર્થક કરતાં અનેક ભાવ આલેખાયા છે.તેમાં ક્રિયાઓ છે,સંજોગો છે અને મૌનરુપે પ્રેમી-પ્રેમિકાનો સંવાદ પણ છે.
‘દાવો અલગ છે પ્રેમનો દુનિયાની રીતથી,
એ ચૂપ રહે છે જેનો અધિકાર હોય છે.’
‘એ સૌથી વધુ ઉચ્ચ તબક્કો છે મિલનનો,
કહેવાનું હો ઘણું ને કશું યાદ ન આવે.’
મરીઝની ગઝલોમાં ‘હા’ અને ‘ના’ એ બે સ્વીકાર અને અસ્વીકારસૂચક શબ્દો પ્રણયાનુભૂતિના સંદર્ભમાં અનેક ગઝલોમાં આવે છે.આ શબ્દો ધર્મ અને ફિલસૂફીનો વિષય છે પરંતુ મરીઝની ગઝલોમાં તે માનુષી પ્રેમનો સંદર્ભ લઈને આવે છે.
‘હું ક્યાં કહું છું આપની હા હોવી જોઇએ,
પણ ના કહો છો તેમાં વ્યથા હોવી જોઇએ.’
‘આ મહોબ્બત છે કે તેની દયા કહેતા નથી,
એક મુદ્દત થઈ કે તેઓ ‘હા’ કે ‘ના’ કહેતા નથી.’
‘દાવો અમારા પ્રેમનો બદલા વિના નથી,
આ એવી ‘હા’ છે જેમાં તમારી ય ‘ના’ નથી.’
મરીઝના ઉપરોક્ત શેરોમાં સ્પષ્ટ રીતે માનુષીપ્રેમના ‘હકાર’ અને ‘નકાર’ની તરફ સંકેતો કરાયા છે. અહીં ‘હકાર’ અને ‘નકાર’ની વિવિધ છટાઓ વિભિન્ન રીતે પ્રગટ થાય છે.જો ખરેખર એકબીજા પ્રત્યે પ્રેમ હોય તો સામાજિક બંધનોને કારણે કરવામાં આવતા નકારમાં વ્યથા હોય. ‘નકાર’ પછી છૂટા પડવાની ક્રિયામાંથી પ્રગટ થતું વલણ અને પ્રેમમાં સ્વીકાર-અસ્વીકારની અવઢવ જેવી વિભિન્ન મુદ્રાઓ અહિં ઉપસે છે.આજીવન ભુલાવી શકાય નહિ એવી વેદના મરીઝ અભિવ્યકતિની નવીનતા સાથેપ્રગત કરે છે –
‘હજારો હસીનોના ઈકરાર સામે,
મને એક લાચાર ના યાદ આવી.’
જેના પ્રત્યે હૃદયમાં પ્રેમાંકુર ફૂટ્યા હોય એ જો આપણા પ્રેમનો સામાજિક રૂઢિઓને કારણે અસ્વીકાર કરે તો પછી અન્ય હજારો રૂપાંગનાઓએ કરેલા સ્વીકારની એ ‘નકાર’ની તૂલનામાં શી વિસાત ! મરીઝને આવી હજારો રૂપાંગનાઓએ કરેલો પ્રેમનો સ્વીકાર યાદ રહેતો નથી.પરંતુ એક લાચાર ‘નકાર’ ભૂલી શકાય એવો નથી.
લેબેનોનના મહાન ચિંતક અને લેખક ખલિલ જિબ્રાને પ્રેમને ઉદારતા અને મુક્તિના અહેસાસ સાથે સાંકળ્યો છે.જો પ્રેમ ઉદારતા અને મુક્તિનો અહેસાસ ન કરાવે તો એ પ્રેમ નહીં, પીડા બની જાય છે.મરીઝ પ્રેમ વિશેની આવી જ ફિલસૂફી રજૂ કરે છે -
‘લાગણી જે ઉદાર થઈ ન શકી,
થઈ શકી દર્દ,પ્યાર ન શકી.’
વિવાહસંબંધ એ ગણતરીપૂર્વકનું આયોજન હોય છે.પરંતુ પ્રેમસંબંધમાં એક ને એક બે એવા ગણિતના સિધ્ધાંતો કે નિયમો લાગુ પડતા નથી.ગણિતના નિયમોની જેમ પ્રેમજીવનનો અનુભવ શોધવા નીકળનારને પ્રેમ પ્રાપ્ત થતો નથી કે બીજા કોઈને પ્રેમ આપી પણ નથી શકતો.મરીઝ આ વાત બે શેરમાં જણાવે છે.
‘બીજી તરફ છે બધી વાતમાં હિસાબ-હિસાબ,
અહીં અમારા જીવનમાં કશું ગણિત નથી.’
‘એ શું પ્રેમ કરશે કે હર વાતે જેને,
નિયમ યાદ આવ્યા-પ્રથા યાદ આવી.’
પ્રણયમાં સમર્પણની ભાવના રહેલી હોય છે.એ સમર્પણમાં અપમાન નહીં બલ્કે સ્વમાન અને અને ખુમારી રહેલા હોય છે.સામેની વ્યક્તિનું સન્માન કરવા માટેનું એ સમર્પણ હોય છે. એમાં ‘જી હજુરી’ જેવું હોતું નથી પણ જ્યાં સન્માન જળવાતું ન હોય પ્રેમીને પ્રેમ મળવામાં સરળતા લાગતી હોવા છતાં તેનાથી દૂર રહે છે.
’એનુ મળવુ સરલ છે દુર નથી,
કિંતુ મારામાં જી હુજુર નથી.’
પ્રેમની દીવાનગીની હદે પહોંચ્યા પછી પણ મરીઝ પ્રણયજીવનમાં અવમૂલ્યન થાય નહીં, એવી સભાનતા રાખે છે.
‘મળવાને એને ચાહું તો હમણાં મળી શકું,
એ વાત છે જુદી કે મને ઇંતેઝાર છે.’
પ્રણય એક એવી રમત છે જેમાં મનુષ્ય ક્યારેય વીજયી થઈ શકતો નથી.સાચો પ્રેમી પ્રેમમાં ખુવાર થઈ જવામાં પણ સંકોચ અનુભવતો નથી.મરીઝ પ્રણયમાં મળતા આ પરાજય અને તેની સ્વાભાવિકતાને ગઝલના શેરનો વિષય બનાવે છે-
‘થયો ન હારનો અફસોસ કિંતુ દુ:ખ એ રહ્યું,
કે મારા આવા પરાજયમાં તારી જીત નથી.’
પ્રણયભંગને કારણે ક્યારેક મનુષ્યને એ સંબંધો ઝાંઝવાના જળ જેવા આભાસી લાગે છે.મરીઝ પણ એમાં અપવાદરૂપ નથી-
‘પ્રેમ કેવો એ બધી ભ્રમણા હતી કિંતુ મરીઝ,
કોઇ આવે છે તો થોડી દિલ્લગી થઈ જાય છે’.
પરંતુ જ્યારે મોહભંગની માનસિક સ્થિતિમાં મુક્તિ મેળવીને જ્યારે સભાનતા કેળવાય છે ત્યારે પ્રેમની પુખ્તતાનો તેને ખ્યાલ આવે છે.
‘ત્યારે તુ માનજે જરુર મારો પ્રેમ પુખ્ત છે,
જ્યારે હું પ્રાર્થના કરું તારું મને વ્યસન ન હો.’
મરીઝ સમાજની પરવા કર્યા વગર પોતાની પ્રેયસીને કહે છે-
‘સનમ હવે આ જમાનાનો ભય કેવો,
હવે તો લોકોના ટોળાં જ છે સમાજ નથી.’
ભલેને લાખો મુશ્કેલીઓ કે અત્યાચારો સહન કરવા પડે પણ પોતાના મનની ઊર્મિઓને તે પ્રગટ કર્યા વિના રહેતા નથી.પ્રેયસીને જાહેરમાં તે ‘દિલબર’ કહી દેવામાં તેમને કોઇ ભય કે સંકોચનો અનુભવ થતો નથી-
‘લાખો સિતમ ભલે હો હજારો જુલમ ભલે,
રહેવાય ક્યાઅં છે આપને દિલબર કહ્યા વિના.’
પોતાનો પ્રેમ જગ જાહેર છે.એનો સ્વીકર કરતા મરીઝ કહે છે-
‘એકાદ હો તો એને છુપાવી શકું મરીઝ,
આ પ્રેમ છે ને તેના પુરાવા હજાર છે.’
પ્રેમનો માર્ગ એ પરિક્ષાનો માર્ગ છે.પ્રણયમાં વેઠવી પડતી પીડાને કોઇ જોતું નથી.પરંતુ પ્રિયજન સાથે રહેલી પ્રેયસીના ગુલાબ જેવા ચહેરાને જોઈ સૌ કોઇ પ્રેમીને નસીબદાર સમજે છે.આવા પ્રેમીઓનો ભગવાન જ રક્ષક હોય છે-
‘પ્રણયના પંથના એવા મુસાફરનો ખુદા હાફિઝ,
કે પગ નીચે રહે કાંટા ને હાથોમાં ગુલાબ આવે.’
મરીઝની ગઝલોમાં પ્રેમની અનુભુતિ એ કળાત્મક રૂપ ધારણ કરે છે.એ ક્યારેક મૂર્ત્ને અમૂર્તરૂપે રજુ કરે છે-
‘મીઠા તમારા પ્રેમના પત્રો સમય જતાં,
નહોતી ખબર કે દર્દનું વાંચન બની જશે.’
વિરહ એ પ્રણયાનુભૂતિ અથવા પ્રેમાશ્રિત એવી અન્ય અનુભૂતિ છે.દરેક કવિએ વિરહવેદનાને પોતાની શક્તિ,પ્રતિભા અને મતિ પ્રમાણે અભિવ્યક્તિ કરી છે.મિલન એક વખત થાય કે અનેક વખત.પરંતુ પછી તો પ્રેમીજનના ભાગ્યમાં વિરહરાત જ લખાયેલી હોય છે.મરીઝ તેને આ રીતે નિરૂપે છે-
‘ભલે એ એક કે બે હો પછી ખતમ થઈ જાય,
મિલન સિવાય વિરહ તારો સંભવિત નથી.’
પ્રણયાનુભૂતિના સંદર્ભમાં મરીઝની ગઝલો દિલની જબાનથી લઈને ફનાગીરી સુધીના પ્રેમાશ્રિત ભાવોને આવરી લે છે.કોઇ એક ચોક્ક્સ વ્યક્તિનો પ્રેમ અંતે મરીઝની ગઝલોમાં સમષ્ટિનો પ્રેમ બની જાય છે-
‘ના માગ તારા પુરતી મહોબ્બત ઓ બેવફા,
જે લાગણી પ્રણયની હતી વિસ્તરી ગઈ.’
‘કોઇ એકના વિયોગમાં ઝૂરે છે રાત-દિન,
આનંદ છે જે દિલને જગતભરના પ્યારમાં.
મરીઝ ક્યારેક પ્રણયાનુભૂતિના આલેખન માટે સાદ્રશ્ય અને સહોપસ્થિતિની યુક્તિનો આશ્રય ગઝલના શેરોમાં લે છે-
‘ઘણાં વરસો પછી આવ્યા છે એનો એ પુરાવો છે,
જે મહેંદી હાથ અને પગ પર હતી તે કેશ પર લાગી.’
ઉમાશંકરે બે હૈયાઓના પ્રીતિમિલન ક્ષણને ધન્ય ક્ષણ કહી છે.મરીઝ તેને આ રીતે વર્ણવે છે-
‘બે જણાં દિલથી મળે તો એક મજલિસ છે મરીઝ,
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.’
પ્રિયતમા પોતે જ પોતાને ભૂલી જવાની ઉદારતાથી સંમતિ આપે છે ત્યારે પ્રેમની હકીકત તેમને સમજાય છે.
‘એથી વિશેષ પ્રેમનો બદલો કશો નથી,
એને ભૂલી જવા મને એની રજા મળી.’
મરીઝે પ્રણયમાં ફનાગીરી સ્વીકારી હતી.પ્રેમમાં ફના થઈ જવાની રીત વિશે તેઓ લખે છે-
‘ફના થવાની ઘણી રીત છે જગતમાં મરીઝ,
તમે પસંદ કરી છે એ સારી રીત નથી.’
મરીઝની ગઝલોમાં પ્રગટતી પ્રેમની વેદના એ સ્વેચ્છાએ વહોરી લીધેલી વેદના છે.તેના પ્રત્યેની મરીઝની સભાનતા આ શેરમા પ્રગટે છે-
‘છે મારું દર્દ ,મારી વ્યથા,મારી વેદના,
મારા સિવાય કોણ રહે સારવારમાં.’
મરીઝની ગઝલો વાંચતા-વાંચતા આપણે જેમ-જેમ આગળ વધીએ તેમ-તેમ માનુષીપ્રેમની નિરર્થકતા મરીઝને સમજાતી જતી હોય એમ લાગે છે અને એક ગઝલમાં તો તે નિષ્ફળ પ્રેમના મરસિયા ગાતા હોય તેમ કહે છે-
‘બેવફાની દોસ્તદારી હાય હાય,હું જ છુ મારો શિકારી હાય હાય,
મન ગયું,મિત્રો ગયા,મહેફિલ ગઈ,ક્યાં હતી દ્રષ્ટિ અમારી હાય હાય.’
મરીઝની ગઝલોમાં આગળ વધતા આપણને મરીઝની પ્રણયવિષયક સમજમાં પરિવર્તન આવતું દેખાય છે.માનુષીપ્રેમ સમષ્ટિનો પ્રેમ બનતો દેખાય છે-
‘હા,સૌને પ્રેમ કરવાને લીધો તો જનમ,
વચમાં તમે જરાક વધારે ગમી ગયા.’
મરીઝની ગઝલોના ઉપરોક્ત શેર જોતાં થાય છે કે શરૂઆતની ગઝલો પછી પ્રણયાનુભૂતિ વિકાસના તબક્કાઓ વટાવતી ગઈ છે અને સર્વોચ્ચ શિખરે પહોંચી ઇશ્વર પ્રત્યેના પ્રેમ તરફ ગતિ કરે છે.જો કે માનુષીપ્રેમની પૂર્ણાહુતિ તો આ શેરમાં થાય છે-
‘મહોબ્બતના દુ:ખની એ અંતિમ હદ છે,
મને મારી પ્રેમાળ ‘મા’ યાદ આવી.’
મરીઝના ગઝલસંગ્રહો ‘નક્શા’ અને આગમન જોતા એવું પ્રતિત થાય છે કે મરીઝને ‘ઇશ્કેહકીકી’ ગઝલો લખવા કરતાં ‘ઇશ્કેમિજાજી’ ગઝલો લખવાની વધુ ગમી છે.અલબત્ત,એમની ગઝલોમાં ઇશ્વર તત્વને વણી તો લેવામાં જ આવ્યું છે.છતાં દુન્યવી અને માનુષી પ્રેમને તેઓ ઉમદા રીતે વર્ણવી શક્યાં છે.
સંદર્ભગ્રંથો
મનહર ટી સોલંકી, શોધાર્થી, ગુજરાતી વિભાગ,ગુજરાત યુનિવર્સિટી,અમદાવાદ. Email: manharrr20@gmail.com Mo: 9510398701