હસમુખ બારાડીના ‘ગાંધારી’ નાટક દ્વારા તરંગિત થતું આધુનિક નારી સંવેદન
ગાંધારદેશની રાજકન્યા, શકુનિની બહેન, હસ્તિનાપુરના મહારાજ ધૃતરાષ્ટ્રની મહારાણી અને દુર્યોધન તથા દુશાસન સમેત સો પુત્રોની માતા એવી ગાંધારી; મહાભારતનાં મુખ્ય નારીપાત્રોમાં મહત્ત્વપૂર્ણ સ્થાન ધરાવે છે. ગુજરાતી ભાષાના વરિષ્ઠ નાટ્યકાર હસમુખ બારાડીએ આ પાત્રના વિશેષ પરિમાણો પ્રગટાવવા સાહિત્યના વિવિધ સ્વરૂપોમાં એને ઢાળવાનો પ્રયાસ કર્યો છે. ‘ગાંધારી’ નવલકથા, ‘ગાંધારી’ નાટક અને ‘ગાંધારી’ પદ્યનાટક- ત્રણ સ્વરૂપોમાં એની કથાને સર્જકે નિરૂપી છે. રંગમંચ પર નાટક અને પદ્યનાટક બન્ને સ્વરૂપે પ્રગટ થયું છે.
ઉમાશંકર જોશીએ કહ્યું છે કે, “મનની રંગભૂમિ પર ભજવાય તે નાટક”[1] હસમુખ બારાડીની માનસ રંગભૂમિ પર એક દાયકા સુધી વિહરનારું ગાંધારીનું ચિરંતન ચરિત્ર મંથન બાદ સાહિત્યમાં આધુનિકતા સાથે પરાવર્તિત થાય છે. આ નાટકમાં નાટ્યકારની એમની અન્ય રચનાઓથી જુદી પ્રતિભા પ્રગટે છે.
હસમુખ બારાડીનો જન્મ ૧૯૩૮ના રોજ રાજકોટ થયો હતો. તેમની મૂળ અટક ‘ગોકાણી’ પણ બરડા ડુંગરના પ્રદેશના હોવાથી, ચં. ચી. મહેતાએ ‘બારાડી’ ઉપનામ ભેટમાં આપ્યું. નાટ્યસ્પર્ધા માટે મુંબઈ જવાની ઇચ્છાને પિતાએ રોક લગાવી અને કહ્યું, “નાટક તો તરગાળા કરે, નથી જવાનું!” તેમ છતાં નાટ્ય જીવે નોકરી છોડી નાટ્યતાલીમ લીધી. હસમુખ બારાડી સાહિત્યકાર ઉપરાંત થિયેટર અને ટી.વી.ના માણસ તરીકે વધુ લોકપ્રિય બન્યા હતા. તેમની લોકપ્રિય શ્રેણી ‘ત્રિભેટ’ અને ‘ભારત એક ખોજ’ (શ્યામ બેનેગલ સાથે) હતી. હસમુખ બારાડી ૧૯૭૩થી ભારતીય અંતરીક્ષ અનુસંધાન કેંદ્ર (ISRO) સાથે સંલગ્ન કાર્યક્રમના નિર્માતા રહ્યા હતા.
ગુજરાતી સાહિત્યમાં હસમુખ બારાડીએ નાટક, અનુવાદ, વિવેચન, સંપાદન અને સંશોધન ક્ષેત્રે પ્રદાન આપ્યું છે, જેમાં સૌથી વધુ મહત્ત્વપૂર્ણ પાસું ‘નાટક’માં રહ્યું છે. ‘કાળો કામળો’ (૧૯૭૫) સાત પાત્રો વાળું દ્વિઅંકી નાટક (હિન્દી અનુવાદ ‘કાલા કમ્બલ’-૧૯૮૦), રંગભૂમિ વિશેના વિવેચનાત્મક લેખોનો સંગ્રહ અને ગુજરાતી રંગભૂમિમાં પ્રગટતી એકવિધતા અને ધંધાદારી વિરોધી સૂર ‘નાટક સરીખો નાદાર હુન્નર’(૧૯૮૩), અંગ્રેજી નાટકનો અનુવાદ ‘ટેલિફોન’ (૧૯૮૨), ચેખોવના પ્રસિદ્ધ નાટક ‘અંકલ વાન્યા’નો અનુવાદ ‘વાન્યા મામા’ (૧૯૮૩), હિન્દીમાં અનુવાદ ‘જનાર્દન જોસેફ’ (૧૯૮૫), ‘યાયાવર’ (૧૯૮૬), ‘બારાડીના બે નાટકો’ (૧૯૮૪), સામાજિક વાતાવરણનું નિરૂપણ કરતું ત્રિઅંકી નાટક ‘પછી શેબાજી બોલિયા’, ‘જશુમતી કંકુવતી’ અને દ્વિઅંકી નાટક ‘એકલું આકાશ અને બીજા નાટકો’ (૧૯૮૫), ‘રાયનો દર્પણરાય’ (૧૯૮૯) તેમજ મહાભારતની કથા આધરિત દ્વિઅંકી નાટક ‘સુયોધન’ (૨૦૧૨) અને બાહુપાત્રી નાટક ‘ગાંધારી’ (૧૯૭૯), પદ્યનાટક ‘સો કુંડો વચ્ચે ગાંધારી’ (૨૦૦૮), લઘુનવલ ‘ગાંધારી’ (૧૯૯૪) તેમનાં સર્જનવિશેષ છે.
‘મહાભારત’, ‘રામાયણ’, ‘શ્રીમદ્ભાગવતપુરાણ’, ‘ઇલિયડ’, ‘ઓડિસી’ જેવા મહાકાવ્યો-પુરાણોમાંથી કથાનો વિનિયોગ કરી સર્જક પોતાનો સંસ્પર્શ આપી સાહિત્યકૃતિમાં નવ્ય અભિવ્યક્તિ સાધે છે. આ બાબતે અનિલકુમાર તિવારી નોંધે છે -
“मिथक केवल आदिम युग की वस्तु न होकर वर्तमान की भी धरोहर है। इनमें मानवीय अनुभव की किसी चिरन्तन घटना, मनस्तात्विक द्वंद्व, संकट या समस्या की अभिव्यक्ति करने की शक्ति होति है। अपने कालातीत एवं शाश्वत स्वरुप के कारण मिथक अतीत, वर्तमान एवं भविष्य तीनों की व्याख्या कर सकते हैं। [2]
હસમુખ બારાજી કૃત ‘ગાંધારી’ નાટકમાં ગાંધારીનું ચરિત્ર મહાભારતમાં વર્ણિત ગાંધાર નરેશ સુબલ પુત્રીની કથા આધુનિક સંસ્પર્શ સાથે નાટ્યકારે ચીતર્યું છે. પ્રાચીન ગાંધાર પ્રાંત જે સાંપ્રત કાળમાં અફઘાનિસ્તાન અને ઉત્તરી પાકિસ્તાન નજીક સ્થિત કંધાર (કંદહાર) પ્રદેશ. વૈદિક કાળમાં આ પ્રાંત ગંધર્વોનું નિવાસસ્થાન હોવાથી તેને ‘ગાંધાર’ કહે છે. વાલ્મિકી રામાયણમાં આ નગરીને ‘પુષ્પકલાવતી’ નામે સંબોધી છે. ભારતવર્ષની વિશ્વવિખ્યાત તક્ષશિલા વિદ્યાપીઠ પણ આ નગરનો જ એક પ્રાંત ગણાય છે. આ પ્રદેશની વિદુષી રાજકન્યા એટલે ગાંધારી. ધૃતરાષ્ટ્રની સતી પત્ની અને એક સો કૌરવોની માતા. ગાંધારીનાં જીવનનો એક પ્રસંગ નાટકના એક ભાગ તરીકે આલેખી આધુનિક માનવજીવનનો ચિતાર નાટકકાર આલેખે છે. આ નાટકની પ્રસ્તાવનામાં એક કૃષ્ણ દ્વારા અર્જુનને કહેવાયેલો ગીતાનો શ્લોક સર્જકે મૂક્યો છે-
इच्छाद्वेषसमुत्थेन द्वंद्वमोहेन भारत।
सर्वभूतानि संमोहं सर्गे यान्ति परंतप॥ [3]
અર્થાત્ ઇચ્છા અને દ્વેષથી ઉત્પન્ન થયેલાં સુખદુઃખાદિ દ્વાન્દ્વોના મોહને લીધે બધા મનુષ્યો સૃષ્ટિમાં અત્યંત મોહ પામે છે.
ઇચ્છા, દ્વેષ અને અત્યંત મોહથી જન્મેલાં સુખ-દુ:ખ આ નાટકના કથા સંઘટકો છે. મહાભારતના આદિપર્વમાં ‘કૌરવ ઉત્પત્તિ’ કથા નાટકનું આધારસ્થાન છે. નાટ્યકારે પુત્રોત્પત્તિ સમયે ગાંધારીની દ્વેષાત્ત્મક મન:સ્થિતિ વર્ણવી એના ચરિત્રમાં વર્તમાન માનવના માનસને પ્રસ્થાપિત કર્યું છે. મહાભારતની કથાવસ્તુ પ્રમાણે કૌમાર્યાવસ્થામાં ગાંધારીએ એના આરાધ્ય ભગવાન શૂલપાણિને પ્રસન્ન કરી, એક સો પુત્રોનું વરદાન મેળવ્યું હતું. હસ્તિનાપુરમાં ધૃતરાષ્ટ્રની અર્ધાંગિની બન્યા બાદ, વ્યાસ મુનિને પ્રસન્ન કરી પતિ જેવા બળવાન સો પુત્રોના આશીર્વાદ માંગે છે. ગાંધારીને બે વર્ષ સુધી ગર્ભ રહે છે. આ સમય દરમિયાન શતશૃંગ પર્વત પર કુંતીના પુત્ર-જન્મના સમાચાર સાંભળતા ગાંધારી વડીલો અને પતિથી છૂપાવી, ગર્ભપાત કરાવે છે. બે વર્ષ ગર્ભ રહેવા છતાં કઠણ ગોળા જેવા માંસપિંડને વ્યર્થ સમજી ફેંકી દેવાનો નિર્ણય કરે છે. ત્યાં જ વ્યાસ મુનિ ગાંધારી પાસે આવી અશુભ કાર્ય કરતી અટકાવે છે. કુંતીના પુત્રના જન્મથી થયેલ મનની વેદના મુનિ સમક્ષ પ્રગટ કરે છે. સાંત્વના આપી વ્યાસ મુનિ માંસપિંડ પર શીતળ જળનો છંટકાવ કરી ઘી ભરેલા સો કુંડોમાં વિભાજિત કરવા અને બે વર્ષ સુઘી પ્રતિક્ષા કરવાનું કહે છે. આજ્ઞાનુસાર સર્વે ક્રિયા કરવાથી બે વર્ષ બાદ તેમાંથી પ્રથમ પુત્ર તરીકે દુર્યોધન જન્મે છે. આ સમય દરમિયાન કુંતીએ બીજા પુત્ર ભીમસેનને જન્મ આપ્યો હતો. ક્રમશઃ કુંડામાંથી એક પછી એક બાળકો જન્મે છે, કુરુવંશમાં જન્મ્યા હોવાથી તેઓ ‘કૌરવ’ તરીકે ઓળખાય છે.
મહાભારતની પ્રસ્તુત કથાવસ્તુને સર્જકે નાટક સ્વરૂપે આધુનિક દર્શન સાથે પ્રગટ કર્યું છે. આ નાટકમાં ગાંધારી દ્વારા વ્યાસ મુનિ પાસે પુનઃ વરદાનરૂપે સો બળવાન પુત્રોની માંગણી, કુંતીના કૂખે બાળકના જન્મના સમાચાર સાંભળી છૂપી રીતે કરાવેલ ગર્ભપાત અને બે વર્ષના પ્રલંબ પટમાં કુંડો વચ્ચે એકલી-અટૂલી ભીંસાતી ગાંધારીની સ્થિતિ આલેખી રાજ્યસત્તાના દ્વેષાત્ત્મક મોહમાં જકડાયેલ આધુનિક માનવીને સર્જક ઉપસવે છે.
હસમુખ બારાડીએ ૧૯૭૯માં ‘ગાંધારી’ બહુપાત્રી નાટક રચ્યું. જેનો બીજો અંક ‘ધૃતરાષ્ટ્રની એકોક્તિ’ તરીકે પ્રચલિત છે. ૧૯૮૨માં જશવંત ઠાકરના દિગ્દર્શક હેઠળ આકાશવાણી રાજકોટ, વડોદરા અને અમદાવાદથી નાટકનું પ્રસારણ થયેલું. આ નાટકમાં દામિની મહેતાએ ગાંધારીનું પાત્ર ભજવેલું. આ નાટકને ટી.વી.માં પ્રસારિત કરવાના પ્રયાસોને સફળતા ન મળી. ‘ગાંધારી’ લઘુનવલનું ૧૯૯૪માં પાર્શ્વ પ્રકાશન દ્વારા પ્રકાશિત થયું અને એ વાચિકમ્ રૂપે પ્રસારિત થયું. ચૌદ જેટલા બહુપત્રોના માધ્યમે નાટકને રંગભૂમિની સાથોસાથ માનસભૂમિ પર ઉપસાવ્યું છે.
નાટકના પ્રથમ દૃશ્યમાં ગાંધારીનો કક્ષ ખૂલે છે અને તેની પ્રસવ વેદનાથી નાટકનો પ્રારંભ થાય છે. વાતાવરણમાં વીજળી-ઝંઝાવાતને ગાંધારીની માનસિકતા સાથે એકરસ કર્યો છે. બે વર્ષના ગર્ભ છતાં ગાંધારીની નક્કર પ્રસવ વેદનાથી સચિંત માતા અંબિકા સહભાગી રૂપે ત્યાં જ છે. કચ્છપીનું આગમન થાય છે અને ગાંધારીના ગર્ભ ફરકવા અંગે પૂછે છે. વિદુરની માતાનું નામ નાટ્યકારે ‘કચ્છપી’ આપ્યું. જે અંગે તેઓ પ્રસ્તાવનામાં નોંધે છે-
“મહાભારતમાં આ દાસીનું નામ નથી, અથવા મને જડ્યું નહીં. એટલે મેં નારદની વીણાનું નામ ‘કચ્છપી’ પરથી એનું નામ રાખ્યું. એ શબ્દનો ધ્વનિ મને ગમ્યો હતો.” (પૃ ૮)
અંબિકા કચ્છપીને ગાંધારીની સંભાળ લેવાનું કહે છે. ગાંધારી વિદુલાને બોલાવે છે. વિદુલા ગાંધારીની અસ્વસ્થ સ્થિતિમાં ધૃતરાષ્ટ્રની સેવા કરતી દાસી છે. સર્જકના કહેવા મુજબ મહાભારતમાં ગાંધારીના પ્રસવ સમયે ધૃતરાષ્ટ્રની સેવા-સુશ્રુષા કરતી વૈશ્ય દાસીનો નામોલ્લેખ જોવા મળતો નથી, તેથી નાટ્યકારે તેનું નામ ‘વિદુલા’ આપ્યું છે. ગાંધારીનું મન સતત શતશૃંગ પર્વત પર સમય વ્યતિત કરતા કુંતાના ગર્ભ વિશે વિચારે છે. કચ્છપીને સાસુ અંબિકાની સેવામાં મોકલી અંગત દાસી કેશિનીને કુંતીના સંદેશા વિશે પૂછે છે. જે વાર્તાલાપમાં ગાંધારીનો માનસિક ચિતાર પ્રગટ થાય છે:
ગાંધારી: કોઈ સંદેશો આવ્યો?
કેશિની: જી, ના, પરંતુ બંધુ શકુનિની દાસી આપનું વૃત્તાંત જાણવા આવી હતી- એનેય મેં સતર્ક કરી દીધી છે...
ગાંધારી: વિદુલા ફરીથી આવી ગઈ? (કેશિની મૌન. ઝંઝાવાત, વિજળી.) મરાથી આ વેદના સહન નથી થતી, કેશિની. મને ભગવાન શંકરે સો પુત્રોનું વરદાન આપેલું છે. મહામુની વ્યાસે પણ એનું પુનરુચ્ચારણ કર્યું હતું.
કેશિની: એ મિથ્યા વચનો નહીં જ હોય, મહારાણીજી!
ગાંધારી: ના, કેશિની, મહારાજના કષ્ટની મને સતત જાગૃતિ રહે, એ માટે મેં મારા આંખે પાટા બાંધ્યા. ગુરુજનોની સેવામાં કઈ ઊણપ મેં રહેવા નથી દીધી, છતાં આ કેવું દુર્ભાગ્ય?...
કેશિની: કંઇ અમંગલ ન ઉચ્ચારશો.
ગાંધારી: અમંગળ તો ઘટી રહ્યું છે, કેશિની. શતશૃંગ પર્વતના સંદેશાનું મને જાણે પૂર્વજ્ઞાન થયું છે. એકલા હસ્તિનાપુર ઉપર જ વરુણદેવની અવકૃપા, બે વરસની મારી વેદના... આ સર્વે કાંઇ અકારણ થોડું હશે? મારી આ સ્થિતિને લીધે મહારાજની સેવામાં મરાથી રહેવાતું નથી... કેશિની, કેમ બોલતી નથી? (પૃ.૧૮)
ગુપ્તચર પૃથુવેગ સાંકેતિક નામ ‘માંડવ્ય’ ધરી શતશૃંગ શૃંખલામાં જઈ આવી, કુંતીના જ્યેષ્ઠ પુત્ર યુધિષ્ઠિરના જન્મના સમાચાર ગાંધારીને આપે છે. જે તેના દ્વેષમાં સમિધ બને છે. પતિને જણાવ્યા વિના દ્વેષથી પ્રેરાઈ અપ્રાકૃતિક રૂપે પ્રસૂતિ કરે છે. ગાંધારીની દૈહિક પીડાના અંત અને માનસિક પીડાના સૂચન સાથે પ્રથમ દૃશ્યનો અંત આવે છે.
નાટકના બીજા દૃશ્યમાં સ્થાન છે રાજપ્રાસાદમાં ધૃતરાષ્ટ્રનો કક્ષ. સત્યવતી, ભીષ્મ, અંબિકા, અંબાલિકા સર્વે પાંડુના જ્યેષ્ઠ પુત્ર અંગે વિચાર કરી રહ્યા છે. સત્યવતી પાંડુના આ પુત્રનું નામ ‘યુધિષ્ઠિર’ આપે છે. સત્યવતીના પાત્રને નાટ્યકારે દીર્ઘદૃષ્ટાનો ઘાટ આપ્યો છે. મહાભારતમાં પાંડવ-કૌરવોત્પત્તિ સમયે સત્યવતીનો ઉલ્લેખ થયો નથી. હસમુખ બારાડીએ પ્રસ્તુત દૃશ્યમાં તેનું પાત્ર ઉપસાવ્યું છે. યુધિષ્ઠિરના જન્મોત્સવને સંકુલ રાખવાનો વિચાર એની દીર્ઘદૃષ્ટિની સાખ પૂરે છે. માતા સત્યવતી ગાંધારીની સંકુચિત મનોવેદનાથી અજ્ઞાત છે. આ વાર્તાલાપ દરમિયાન વિદુર અને ધૃતરાષ્ટ્રનો પ્રવેશ થાય છે. એમની વાતોમાં ગાંધારીનો ગર્ભ એક ચિંતાનો વિષય બને છે. પરિણામે સત્યવતી પુત્ર વ્યાસને સ્મરણાદેશ આપવા કહે છે. ત્યાં જ અચાનક વિદુલા બેબાકળી બની આવે છે અને ગાંધારીએ કરેલા ગર્ભપાત અંગે સૂચના આપે છે. તેની પાછળ કેશિની આવે છે અને એ પણ એ જ પ્રમાણે વાત કરી, ગાંધારીની સાથે શકુનીના આગમનની વાત કરે છે. સૌ વડીલો સ્તબ્ધ બને છે. રક્ત નીતરતા માંસપિંડ સાથે ગાંધારી પ્રવેશે છે અને ગાંધારી કહે છે -
ગાંધારી : પ્રણામ સૌ વડીલોને. વિદુરજી, મહારાણી ગાંધારીના હાથમાં છે ભગવાન શંકરનું વરદાન, મહામુનિ વ્યાસનું વચન, કુરુકુળનો જ્યેષ્ઠ- જે બબ્બે વર્ષના માતાના રુધિરપાને પોષાવા છતાં માંસનો એવો ને એવો પિંડ જ રહ્યો છે... (પૃ.૨૩)
ગાંધારીના દ્વેષના પ્રતિકાર રૂપે માતા સત્યવતી પાંડુ પુત્રને જ જ્યેષ્ઠ પુત્ર સ્વીકારે છે. કિન્તુ તેના અંતરમનમાં જન્મેલ ગૂઢ ભાવ સત્યવતીને સચિંત કરે છે. વ્યાસ મુનિ પણ ક્ષેત્રજ પુત્ર યુધિષ્ઠિરને કુરુકુળના ઉત્તરાધિકારી તરીકે સાર્થક બતાવે છે. અડગ ગાંધારી પ્રસવકાલાનુસાર પોતાના ઔરસ સંતાનને જ્યેષ્ઠ-રાજ્યધિકારી દર્શાવે છે અને પ્રમાણ આપતા કહે છે-
ગાંધારી : ...દિવંગત મહારાજ શાંતનુ પછી કુરુવંશનો પુરુષવર્ગ કદીય નિર્ણાયક રહ્યો નથી. અને એ અવનતિ આજે સુવર્ણપાત્રમાં આ રક્ત નીંગળતા માંસપિંડ સુધી પહોંચી છે. (પૃ.૨૪)
એના કહેવા મુજબ કુરુકુળમાં પુરુષો કરતાં સ્ત્રીઓ વધુ નિર્ણાયક અને મહત્ત્વની ભૂમિકાએ રહી છે. પરિણામે પોતાનો નિર્ણય સાચો છે અને તેમાં વડીલો સહમતી આપે એવી અપેક્ષા કરે છે. વ્યાસમુનિ અનેક પ્રયાસો કરી ગાંધારીને સમજાવે છે, પરન્તુ હસ્તિનાપુરમાં આગમનની સાથે જ દ્વેષના અંધાપાને ધારણ કરી લેનારી ગાંધારીની આંખો સત્યને જોવા અસમર્થ બની છે. ગાંધારી વિદાય થાય છે, ત્યારે મુનિ વ્યાસ તેને રોકી માંસપિંડને સો કુંડોમાં વિભાજિત કરવાની વ્યવસ્થા કરવાનું કહે છે. વ્યાસ મુનિના આશ્વાસન સાથે બીજું દૃશ્ય પૂર્ણ થાય છે. પ્રસ્તુત દૃશ્યમાં હાથમાં પિંડ સાથે પ્રવેશતી ગાંધારી વિદ્વાનો-વડીલોને પડકારે છે, જે નાટયકારનું મૌલિક સર્જન છે.
ત્રીજા દૃશ્યની ઘટના સર્જકની સંપૂર્ણ મૌલિક શક્તિથી સર્જાયેલી છે. આ દૃશ્યમાં મહાભારતના પાત્ર દ્વારા સર્જકનું દર્શન પ્રગટ થાય છે. સર્જકે સો કુંડોમાં વિભાજિત બનેલી ગાંધારીના વ્યક્તિત્ત્વને સાંપ્રત માનવીમાં એકરસ કર્યો છે. સો કુંડો વચ્ચે ગાંધારીનો છલકાતો દ્વેષ મહાભારત યુદ્ધનો ભીષણ શંખનાદ છે.
હસ્તિનાપુર મહેલના એક ખંડમાં સો કુંડો રાખેલ છે. મહર્ષિ વ્યાસ સ્વયં ઘી ભરેલ સો કુંડોમાં પિંડને વિભાજિત કરે છે. ગાંધારીની પુત્રીની મહેચ્છાની પૂર્તતા હેતુ એક પિંડ કળશમાં રાખે છે. મહાભારતની કથામાં વેદવ્યાસ આ કાર્યનું માત્ર સૂચન કરે છે. નાટકમાં સર્જકે તેમને ગાંધારીના તર્કસંગત ભાવો વચ્ચે ઊભા કર્યા છે. પ્રકૃતિના ક્રમથી વિરુદ્ધ થયેલા પ્રસવથી અને જ્યેષ્ઠ પુત્રના વિતંડાવાદથી પ્રેરિત ગાંધારી મુનિ વ્યાસના આશીર્વાદ પર શંકા ઘાત કરે છે. વેદવ્યાસની વિદાય બાદ ધૃતરાષ્ટ્રનું આગમન થાય છે. ધૃતરાષ્ટ્રનું પાત્ર નાટ્યકારે મહાભારતની તુલનાએ તદ્દન ભિન્ન એવું સરળ-સત્યનિષ્ઠ ચીતર્યુ છે, જે યુધિષ્ઠિરને જ જ્યેષ્ઠ પુત્ર રૂપે સ્વીકારે છે. ધૃતરાષ્ટ્ર અને ભીષ્મ ગાંધારીની મહત્ત્વાકાંક્ષા જોઈ કુરુકુળના ભાવિ વિશે ચિંતિત બને છે. ગાંધારી સાથે સંવાદમાં કચ્છપી અસૂયા વૃત્તિ શમાવી પોતાના માતૃત્ત્વમાંથી ચલિત ગાંધારીને ટકોર કરે છે. એની વાત સાંભળી ક્રોધે ભરાયેલી ગાંધારીના ક્રોધને ચિરતી મુનિની આર્ષવાણી સંભળાય છે. નાટકના દરેક પાત્રો એકત્ર બની ગાંધારીના દ્વેષને શમાવવાનો પ્રયાસ કરે છે. કિન્તુ દ્વેષથી પ્રેરિત ગાંધારી કુરુકુળના પ્રારબ્ધને અનિશ્ચિત માર્ગે દોરી રહી છે. ધર્મજ્ઞ વિદુર એક એક કુંડમાં સિંચન થયેલ અસૂયા ભાવને શમાવવા કૃત્રિમ ગર્ભને વિકસતા અટકાવવાનું કહે છે. કિન્તુ ઉચ્ચારેલા શબ્દની માફક આરંભાયેલ કર્મ નિરંકુશ હોવાથી મહામુનિ ધર્મપથ પ્રારંભવા વિદુરને અને તેનું સંક્રમણ કરવા શ્રી કૃષ્ણને સૂચવે છે. તેઓ કહે છે:
વ્યાસ: પરંતુ આ કર્મ તો આરંભાઈ ચૂક્યું છે. ધનુષ્યમાંથી છૂટેલા બાણની જેમ એના વેગ કે દિશા ઉપર હવે મારો કોઈ અંકુશ નથી . એ કર્મને હવે હું અકર્મ કરી શકું તેમ નથી. હું હવે માત્ર ઈતિહાસકાર જ રહીશ. યથાર્થ કર્મનું ઉત્તરદાયિત્વ, વિદુર, હવે તારે શિરે રહેશે. અને પછી કર્મ અને જ્ઞાનનો ઉચિત રીતે પ્રયોજનારો, એનું સંતુલન કરનારો એક પુરુષોત્તમ શ્રી કૃષ્ણ આવશે… અને એ તારું આદરેલું પૂરું કરી આપશે... (પૃ.૪૫)
ગાંધારી દ્વારા સેવાયેલા કુંડ વચ્ચે ધર્મ પ્રસારવો કઠિન છે. આ કુંડો ભવિષ્યમાં ભાતૃકલહના દાવાનળમાં જંપલાવશે. બે મહાન શક્તિઓ સામ-સામે યુદ્ધના મેદાને અથડાશે - એવી પ્રતીતિ કક્ષમાં ઉપસ્થિત દરેકને થાય છે. નેપથ્યથી સંભળાય છે-
“ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ |
મામકા: પાંડવા: ચૈવ કિમ્ કુર્વત સંજય ||” (પૃ.૪૬)
નેપથ્ય ધ્વનિ સાથે જ અશ્વો-હાથીઓ તેમજ શંખના ગગનભેદી નાદ, શસ્ત્રોની અથડામણ, મૃત્યુનો આક્રંદ સર્વે યુદ્ધની સાદૃશ્યાનુભૂતિ કરાવે છે. ક્ષણીક નીરવતા બાદ બીજો શ્લોકપાઠ થાય છે-
“ન કાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાની ચ |
કિં નો રાજ્યેન ગોવિન્દ કિં ભોગે જીવિતેન વા || (પૃ.૪૬)
ભીષ્મને આ બધું અસંગત લાગે છે. વિદુરને મન મુખ્ય અસંગતિ કુંડોમાં થયેલ દ્વેષનું સિંચન છે, જે મહાવિનાશનો પંથ કંડારે છે. ત્યારબાદ નાટકમાં દુંદુભિનાદ સંભળાય છે જે કુંતીએ આપેલા બીજા પુત્ર ભીમસેનના જન્મની ઉજાણી છે. આ જ સમયે કૃત્રિમ ગર્ભમાં પ્રથમ પુત્ર જન્મતાની સાથે અશુભ તત્ત્વોનું રુદન વિદુરની વાણીની સાખ પૂરે છે. નેપથ્યના મંત્રોચ્ચાર, મહાભારતના મહાવિનાશના નાદ સાથે નાટક પૂર્ણ થાય છે.
મહાભારતમાં ગાંધારી વિદુષી-રાજનીતિજ્ઞ સ્ત્રી છે. પોતાની અસૂયાવૃત્તિને માનવગુણોના મુખવટાથી ઢાંકે છે. નાટકમાં હસમુખ બારાડીએ બે વર્ષનો સમય દર્શાવી મુખવટાની પાછળ રહેલ મુખ્યભાવ ચરિતાર્થ કર્યો છે. નાટકને ત્રણ વિભિન્ન કક્ષમાં વહેચી ગાંધારીના મુખ્ય એક ભાવને નાટ્યકારે કંડાર્યો છે. પ્રસ્તુત નાટકનું હિન્દી રૂપાંતરણ લેઈક હુસૈને ૨૦૦૩માં કર્યું. ઉદેપુરમાં ‘Performer Group’ દ્વારા નાટ્ય મંચન થયું, જેમાં અનુકંપા લેઈકે ગંધારીનું પાત્ર ભજવ્યું હતું.
કુરુક્ષેત્રના યુદ્ધમાં થયેલા મહાવિનાશનું કારણ ગર્ભસંસ્કારમાં સિંચિત ગાંધારીના દ્વેષની ભાવના છે. ગર્ભસંસ્કાર વિશે મનુસ્મૃતિમાં કહ્યું છે-
‘जन्मना जायते शूद्रो संस्कारात् द्विज उच्यते।’
અર્થાત: જન્મથી દરેક વ્યક્તિ શૂદ્ર હોય છે, જ્યારે તેના ઉપર વિવિધ સંસ્કારો કરવામાં આવે છે, ત્યારે દ્વિજપણું પામે છે. મહાભારતમાં અભિમન્યુ ગર્ભમાં સપ્ત-કોઠાના યુદ્ધનું જ્ઞાન મેળવે છે, પ્રહલાદ માતાના ગર્ભમાં શ્રીમદ્ભાગવત સાંભળી અસુરકુળમાં સુરપુત્ર જન્મે છે. આવા અનેક દૃષ્ટાંતો જોવા મળે છે.
‘પદ્ય નાટક’ નાટ્ય વિવેચન ગ્રંથમાં વિનોદ અધ્વર્યુએ ‘સો કુંડો વચ્ચે ગાંધારી’ લેખ આપ્યો છે. ‘ગાંધારી’ લઘુનવલ પર બાબુ દાવલપુરાએ, રમણ સોની, ધ્વનિલ પારેખે પણ વિવેચન કર્યું છે. ઈ-જર્નલ સાહિત્યસેતુમાં પુરાકલ્પન વિશેષાંકમાં જીતેન્દ્ર ખરાદી અને ડૉ. કિશોરી ચંદારાણાએ આ વિષયક લેખ પ્રકાશિત આપ્યાં છે.
સાહિત્યજગતમાં ‘ગાંધારી’ પાત્રને કેન્દ્રમાં રાખી અનેક સાહિત્યરચનો થયેલી છે. હસમુખ બારાડી ઉપરાંત શંકર શેષનું હિન્દી નાટક ‘કોમલગાંધાર’, ધર્મવીર ભારતીનું પદ્યનાટક ‘અંધાયુગ’, ઉમાશંકર જોશીએ ગાંધારીની વ્યથા વર્ણવતા ‘ઓગણીસમાં દિવસનું પ્રભાત’, ચિનુ મોદીએ આધુનિક પરિવેશ સાથે ‘ગાંધારી’ નવલકથા, કંચન મહેતાએ ‘Gandhari and The Birth of Kaurava’, અદિતિ બેનરજીએ ‘The Curse of Gandhari’ જેવી રચનાઓ આપી છે. જેમાં ગાંધારીનું ચરિત્ર અને મહાભારતનું કથાવસ્તુ જુદા-જુદા પરિવેશ ઊભા કરે છે.
બાહુપાત્રી નાટક ‘ગાંધારી’ને કેન્દ્રમાં રાખી મિથ પ્રયુક્તિ પ્રયોજવા વિશે હસમુખ બારડી નોંધે છે-
“નાટકની કથા, એનાં પાત્રો, પૌરાણિક/ઔતિહાસિક ગમે તે હોય, એ હંમેશાં વર્તમાનકાળ હોય છે. એનો વર્તમાન સાથેનો નાતો “જાય છે, બોલે છે, કરે છે”, એવી માત્ર નજર સમક્ષ બનતી ક્રિયાઓ પૂરતો મર્યાદિત નથી રહેતો, પણ પ્રેક્ષકોના મન હૃદયના વર્તમાન સાથે એનો તંતુ જોડાયો હોય છે. ગાંધારીની વાત અહીં વર્તમાન દૃષ્ટિએ જોવાઈ અને દર્શાવાઈ છે.” (પૃ.૧૦)
દ્વેષ માનવીમાં પ્રાકૃતિક સ્તરે પડેલો ભાવ છે. સમય, સંજોગ અનુસાર એ ભાવ વ્યક્તિમાં જાગતો રહે છે. દ્વેષ સર્જનાત્મક પરિણામગામી ભાવ નથી. દ્વેષ તો માનવીના પોતાના અને પોતાની આસપાસના વિનાશનું કારણ બને છે. મહાભારતમાં ધૃતરાષ્ટ્રની મહાત્ત્વાકાંક્ષાનું પરિણામ દુર્યોધનને માનવામાં આવે છે. આ નાટકમાં દુર્યોધન સમેત સર્વે કૌરવો ગાંધારીની દ્વેષવૃત્તિથી સિંચાઈને જન્મે છે. નાટકમાં સર્જકે ગાંધારીના ગર્ભધારણના સમયને અને એ સમયની એની મનોવૃત્તિને કેન્દ્રમાં રાખી છે.
સંદર્ભ :-
મહિરથસિંહ ઘનશ્યામસિંહ પરમાર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભ વિદ્યાનગર-૩૮૮૧૨૦