મોનાલીસા
કલાઓમાં શ્રેષ્ઠ-કળા ચિત્રકળાને ગણવામાં આવે છે. અનુકરણ એ માનવનો સ્વભાવ છે. હાથમાં રંગભરી તુલિકા લઇ મનની ભાવનાઓને અવનવા રંગોથી ચિત્રફલક પર, રંગરંગીન ચિત્રો ઉભારી, સૌપ્રથમ ચિત્રકાર પોતેજ હતપ્રભ થઇ જતો હોય છે. કલાકાર ખુલ્લી આંખે બીજાઓ કરતા વિશેષ જોઈ શકતો હોય છે. ત્યાર બાદ તેનું પરીક્ષણ કરીને, તેમાં પોતાની કળા-કારીગરી ભેળવીને થયેલું મંથન જયારે કેનવાસ પર વ્યક્ત કરે છે ત્યારે એ કલાકૃતિ બની જાય છે. મહાન ચિત્રકારોની કૃતિઓના જીણવટભર્યા અભ્યાસથી આ બાબતની મહત્તા જોઈ-સમજી શકાય છે તેમજ અપનાવી શકાય છે. વિશ્વના અનેક કલાકારોએ વિષય પ્રમાણે ચિત્ર-સંયોજન અને રંગ-સંયોજનમાં પોતાની દ્રષ્ટી ઉમેરીને ચિત્રને સદાબહાર બનાવ્યા છે. પ્રકૃતિ જેમ વાસનારહિત છે, તેમ પ્રકૃતિની આરસી સમો ચિત્રકાર પણ એજ કક્ષાનો હોય ત્યારે જ તે શોભે! ઘણા ચિત્રો એવા હોય, જાણે એ આપણને લાગે કે આપણે તેમાં ખોવાઈ ગયા. લીયોનાર્દો દ વિન્ચી(ઈ.સ. ૧૪૫૨-૧૫૧૯) દ્વારા નિરુપિત 'મોનાલીસા' ચિત્ર આ પ્રકારનું ઉત્તમ ઉદાહરણ છે.
લીયોનાર્દો દ વિન્ચી ઇટલીના ફલોરેન્સ પાસે આવેલા નાના ગામ વિન્ચીના ધારાશાસ્ત્રીનો અનૌરસ પુત્ર હતા. તત્કાલીન સમાજમાં આવી સામાજિક ભૂમિકા બાબતે કોઈ નાનમ નહોતી, એવી વ્યક્તિનો સામાજિક બહિષ્કાર થતો ન હતો. ધારાશાસ્ત્રીના પુત્ર તરીકે પાછળથી તેમને સ્વીકૃતિ મળી. વિન્ચીએ ચિત્રકાર તરીકેની પ્રારંભિક તાલીમ ઈ.સ. ૧૪૬૭ની આસપાસ ફલોરેન્સ ખાતે વેરોકિયોની ચિત્રશાળામાં લેવા માંડી. આ ચિત્રશાળા તે સમયે કલાશિક્ષણનું અને સર્જનનું કેન્દ્ર માનતી હતી. આવી એ જમાનાની શ્રેષ્ઠ ચિત્રશાળા લીયોનાર્દો દ વિન્ચી જેવી પ્રતિભાને પૂરી રીતે ખીલવવામાં સફળ બને તે સ્વાભવિક હતું.
લીયોનાર્દોને ચિત્રકળા ઉપરાંત ગણિતશાસ્ત્ર, ભૂમિતિ, ઇજનેરીવિદ્યા, યન્ત્રવિદ્યા, શસ્ત્રવિદ્યા, સ્થાપત્ય, વગેરેમાં જીવંત રસ હતો. તેની કારકિર્દી ફ્લોરેન્સ, મિલાન, પારીસ, વેનિસ જેવા નગરોને આભારી હતી. વિન્ચી ચિત્રકળાના કસબ અને રસશાસ્ત્ર એમ બન્ને દ્રષ્ટીએ સૌથી વધુ પ્રયોગશીલ ચિત્રકાર ગણાય છે. પ્રમાણમાં ઓછી ચિત્રકૃતિઓ સર્જી પણ રંગ, રંગોના વિવિધ મિશ્રણ, તૈલરંગી માધ્યમ, વગેરેમાં અનેક પ્રયોગો હાથ ધર્યા હતા. 'મોનાલીસા' ચિત્ર પણ આજ પ્રકારે બનાવેલ તૈલચિત્ર છે. આ પદ્ધતિમાં ચિત્ર રંગો ભીના હોઈ ત્યાં સુધીમાં તૈયાર થાય છે. વર્ષો સુધી રંગો ભીના હોય છે.
ફલોરેન્સ નગરના તત્કાલીન શ્રેષ્ઠી જ્યોકોંડાની એકવીસ વરસની પત્નીને પોતાના ચિત્ર મોનાલીસાની મોડેલ તરીકે પસંદ કરી ત્યારે એ જમાનાની ધનિક સ્ત્રીઓ સામાન્ય રીતે જે ભભકાદાર પોષાક અને આભૂષણો પહેરતી તે તેણે ટાળ્યા. સાદાઈની સાથે તે કુદરતી સૌન્દર્યને આલેખવા માંગતો હતો. પોષાના ઘેરા રંગ અને સમગ્ર વાતાવરણમાં પ્રયોજાયેલ ઘેરાશ તથા ઘુસરતા આ નારીના ગૌરવર્ણની મહત્તાને અનેકઘણી વધારી દે છે. પ્રકાશ અને છાયાનું આયોજન અહીં કંઇક અંશે મસચિયોની કૃતિઓની યાદ અપાવે છે. તેમાં લીયોનાર્દોએ પોતાની 'રહસ્યમય ઘુસરતા' ઉમેરી છે. પૂરતા અજવાળા કરતા ઓછા ઉજાસમાં માંનાવ્પત્રો અને વાતાવરણ વધુ ખીલે છે તેવી માન્યતા એમાંથી પ્રગટે છે.
વિન્ચીએ 'મોનાલીસા' ચિત્ર પર ચાર વર્ષ કામ કર્યું તોય આ ચિત્ર અધૂરું છે, તેનો ફાયનલ ટચ આપવાનો બાકી છે, તે થયો ન હતો. આ તસ્વીર ફ્રાન્સના રાજા ફ્રાન્સિસ પહેલાના આમંત્રણથી ઈ.સ. ૧૫૧૬માં ફ્રાન્સ ગયો ત્યારે પોતાની સાથે લઇ ગયેલ. ત્યાં ફ્રાન્સિસ પહેલાએ ૪૦૦૦ સુવર્ણ મુદ્રામાં તે ખરીદેલ અને શાહી સંગ્રહમાં પેરિસમાં પોતાના મહેલમાં રાખેલ. અત્યારે તે ફ્રાન્સ સરકારની માલિકીમાં ફ્રાન્સના લ્ર્રુવ (Louvre) સંગ્રહાલયમાં દિવાલ પર લાગેલ છે.( આજની તારીખમાં તેની કિંમત ૫૦૦ મિલિયન ડોલર આકવામાં આવે છે).
પ્રત્યક્ષ જોનારને એક વાર તેની સામે જોયા પછી ત્યાંથી ખસવાનું મન થતું નથી. તેનું અકળ સ્મિત આપણને ઘેરી લે છે. આંખો આપણી સાથે સંધાન કરે છે. તેની પશ્ચાદભૂમિ ગહનતામાં વધારો કરે છે. વિન્ચીના આ માનવ ચહેરાની રજૂઆત અદભૂત છે. એ ચહેરો માત્ર સુંદર છે એમ નહિ તે ગહન છે. તેના હોઠ પાતળા છે. ચિત્રની જમણી બાજુના હોઠ સહેજ ખેચાઇ મરકે છે. સમકાલીન ચિત્રકલામાં તથા સામાન્ય રીતે નારીના નિરુપિત ચહેરાઓમાં આંખ અને ભ્રમરના સૌન્દર્યને અનોખું સ્થાન છે. તેને બેહલાવવાના અનેક પ્રસાધનો પણ પ્રયોજ્યાં છે. પરંતુ લીયોનાર્દોએ 'મોનાલીસા' સર્જ્યું ત્યારે ભ્રમરના વાળને ઉખાડી લેવાની ઇટાલિયન સ્ત્રીઓમાં જે ફેશીઓન હતી તેને મુખરિત કરી છે. અહિ તેણે પાત્રના ચહેરા પર આછા અજવાળામાં વિશાળ ભાલપ્રદેશ અને આંખ, નાકના સૌન્દર્યને હળવી માવજતથી વિકસાવી અને હોઠને આછા સ્મિતથી આચ્છાદિત કરી વિલક્ષણ મુખમુદ્રા સર્જી છે.
આ ચિત્રની રચના ત્રિકોણ છે. કાન્વાસની મધ્યમાં રેખા પસાર કરીએ તો તેની આંખ કેન્દ્રસ્થાને છે, અને તેજ રેખા પર હોઠનો ખૂણો અને હાથનો અંગુઠો છે, જે અભિવ્યક્તિના કેન્દ્રો છે. માઈલો સુધી વિસ્તરેલા કુદરતી વાતાવરણ વચ્ચે તે ઉભી છે. આ સાથે રસ્તો અને પુલ પણ, ખડકો અને ક્ષિતિજ સુધી રજુ કરેલ છે. કાલ્પનિક રીતે દોરવામાં આવેલ આ લેન્ડસ્કેપનું ચિત્રણ કરનાર લીયોનાર્દો, પ્રથમ ચિત્રકાર ગણાય છે. દુરના માર્ગો અને પુલ માનવહાજરીના સંકેત આપે છે.
વિન્ચીના 'મોનાલીસા' ચિત્રને અર્થસભર સંશ્લેષણના કારણે, પરંપરાગત પોટ્રેટ માનવું જોઈએ નહિ, કારણકે તે વાસ્તવિક સ્ત્રીને બદલે આદર્શ રજુ કરે છે. તે સામાજિક મર્યાદાઓથી આગળ વધે છે અને સાર્વત્રિક અર્થ પ્રાપ્ત કરે છે. જોકે લીયોનાર્દોએ આ ચિત્ર પર વિદ્વાન અને વિચારક તરીકે કામ કર્યું હતું, ફક્ત એક ચિત્રકાર અને કવિ તરીકે નહિ. 'મોનાલીસા' અન્ય ચિત્રકારોએ બનાવેલ ચિત્ર કરતા વધુ જીવંત, વધુ નક્કર અને વધુ કવ્યાત્મક છે. વિન્ચીએ અહિ અદભૂત રચનાકૌશાલ્ય બતાવ્યું છે. આમ ચિત્રકારની અનોખી સિદ્ધિ કાયમ માટે કોયડો રચી ગઈ છે. તે વાસ્તવિકતા પર માનવચેનાનો વિજય છે.
ગ્રંથસુચી :
કશ્યપ પરીખ, એસોસિએટ પ્રોફેસર અને હેડ, એપ્લાઇડ આર્ટ્સ વિભાગ, ફાઇન આર્ટ્સ ફેકલ્ટી, એમ. એસ. યુનિવર્સિટી ઓફ બરોડા