માનવીના ઉધ્વીકરણની કથા : (લૅ મિઝરાબ્લ- વિક્ટર હ્યુગો) ‘ગુનેગાર…?’
વિક્ટર હ્યુગો ફ્રાન્સના પ્રતિભાશાળી કવિ અને નવલકથાકાર છે. એમનો જન્મ 1802માં ફ્રાન્સમાં થયો હતો. રાષ્ટ્રીય ભાવના અને લોકશાહીના વિચારો તેમના સર્જનમાં જોવા મળે છે. 16 વર્ષની વયે જ રાષ્ટ્રીય ભાવનાના વિચારોવાળી કવિતા લખીને ખ્યાતિ મેળવી હતી. વધતી ઉંમરની સાથે-સાથે એમની લોકચાહનામાં પણ વધારો થયો હતો. કહેવાય છે કે 1885માં એમનું અવસાન થયું ત્યારે સ્મશાનયાત્રામાં શતાબ્દીમાં કોઈના શબ પાછળ ન હોય એટલી વિશાળ જનમેદની હતી. જે એમની લોકચાહના દર્શાવે છે. તેમના લોકશાહી વિચારો માટે 1851 થી 1870 સુધી એમને દેશનિકાલ ભોગવવો પડ્યો હતો. આ સમયગાળા દરમિયાન વિશ્વની શ્રેષ્ઠ ગણાતી નવલકથાઓમાંની એક ‘લૅ મિઝરાબ્લ’ પ્રાપ્ત થાય છે. ઇ.સ. 1882માં જુદી જુદી દસ ભાષાઓમાં એક જ દિવસે આઠ મોટા શહેરોમાં એ પ્રગટ થઈ ત્યારથી અનેક રૂપે વિશ્વને પોતાની મોહિની લગાડતી રહી છે. આ કૃતિના અનેક ભાષામાં એકથી વધારે અનુવાદો, પુનર્લેખન અને સંક્ષેપ થતાં રહ્યા છે. એની પરથી એકાંકી, નાટક અને ફિલ્મો પણ બની છે. જે આ કૃતિની મહત્તા દર્શાવે છે.
ગુજરાતી ભાષામાં ‘લૅ મિઝરાબ્લ’ના બે સંક્ષિપ્ત અનુવાદો મળે છે. મૂળ 3110થી વધુ પૃષ્ઠમાં લખાયેલી નવલકથાનો ઇ.સ. 1947માં મૂળશંકર ભટ્ટે ‘લા મિઝરેબલ’ નામે 600 પૃષ્ઠમાં સંક્ષિપ્ત અનુવાદ કર્યો છે. ‘દુખિયારા’ શીર્ષકથી એના બે પુનમુદ્રણો થયાં છે. ઇ.સ 1964 માં ‘લૅ મિઝરાબ્લ ઉર્ફે દરિદ્રનારાયણ’ શીર્ષક તળે ગોપાલદાસ પટેલે 500 પૃષ્ઠમાં સંક્ષિપ્ત અનુવાદ આપ્યો છે. આજે વિશ્વ નેનોટેકનોલોજી અપનાવી રહ્યું છે. સાહિત્ય પણ ધીરે ધીરે એ તરફ ગતિ કરી રહ્યું છે. સાહિત્યનું સ્થાન આજે અન્ય સમૂહ માધ્યમોએ ઝડપી લીધું છે. આજના ભાવકમાં દળદાર ગ્રંથ વાંચવાની કે વાંચનની ધીરજ ખૂટી ગઈ છે. પરિણામે સાહિત્યનો સર્જક કે ભાવક લાઘવ પસંદ કરવા માંડયો છે. આજના ભાવકની મનઃસ્થિતિ સમજીને મહેશ દવેએ વિક્ટર હ્યુગોની મહાનવલ ‘લૅ મિઝરાબ્લ’નો ઇ.સ. 2011માં ‘ગુનેગાર...?’ શીર્ષકથી ગુજરાતીમાં સંક્ષેપ આપ્યો છે. આ આગળના બંને સંક્ષેપ અને અનુવાદો કરતા અલગ છે. એક રીતે કહીએ તો એ અનુવાદથી આગળ વધીને સર્જકનું પોતાની રીતે કરેલું એ કૃતિનું અનુસર્જન છે. અનુવાદક આ કૃતિ અંગે પોતાનો હેતુ સ્પષ્ટ કરતાં પ્રસ્તાવનામાં લખે છે:
‘‘મૂળમાંથી વધારે પડતાં વિશેષણો, વર્ણનો અને આડવાતો જેવો મેદ કાઢી સંક્ષિપ્ત અનુવાદનાં કામ થતાં રહ્યાં છે અને થતાં રહે છે. મે થોડો ચીલો ચાતર્યો છે. મે આવી કાંટ-છાંટ ઉપરાંત મૂળ હાર્દ અને એક સૂત્રતા જાળવીને પુનર્લેખન કરીને સંક્ષિપ્ત રૂપ આપ્યું છે. તેથી જ બસો પાનામાં આવી મહાનવલ સમાવી શક્યો છું.’’ (‘ગુનેગાર...?’-મહેશ દવે, પ્રસ્તાવનામાંથી પૃ.- 7) અનુવાદકનો આ આદર્શ તેમની આ કૃતિ વાંચનાર ભાવકને અવશ્ય સાર્થક થયેલો લાગશે. અનુવાદકે આજના નવા વાચકને કેન્દ્રમાં રાખીને વિશ્વની મહાન કૃતિનો સાદી, સરળ ભાષામાં અનુકૃતિ આપી છે. તો આવો આ અનુકૃતિને એની વિશેષતા સાથે આસ્વાદીએ.
‘લૅ મિઝરાબ્લ’નો અર્થ કંગાળ, દુઃખી, દરિદ્ર, ચીંથરેહાલ, પીડિત જન થાય છે. કથાનો નાયક જિન વાલ-જિન નિર્દોષ કિશોર છે, ત્યાંથી શરૂ કરીને એ વૃધ્ધ થઈ અવસાન પામે છે. ત્યાં સુધી કથાનો પટ લંબાયેલો છે. કથાનાયક જિન વાલ-જિન મજૂરી કરી નિષ્ઠાપૂર્વક જીવનાર વ્યક્તિ છે. તે પોતાની વિધવા બહેન અને ભણેજોનું મજૂરી કરીને જીવાડે છે. ગામમાં પરિસ્થિતિ બદલાતાં એકવાર મજૂરી મળતી બંધ થાય છે. ઘરમાં બધા ભૂખ્યાં હોવાથી તે ભીખ માંગવા જાય છે, પણ કશું જ મળતું નથી. એટલે તે ‘બ્રેડ’ ચોરવાનો પ્રયાસ કરે છે. પકડાય છે. એને પાંચ વર્ષની કેદ થાય છે. બહેન-ભાણેજડાં ભૂખ્યાં હશે એવી સતત ચિંતાને લીધે કેદમાંથી નાસી છૂટવાનો પ્રયાસ કરે છે. પરંતુ નિષ્ફળ થાય છે. દરેક નિષ્ફળ પ્રયાસે તેની સજા લંબાતી અને કઠોર થતી જાય છે. તે કઠોર સજામાં ઘડાઈ, ખડતલ શરીર અને દ્રઢ મનોબળ કેળવીને ઓગણીસ વર્ષ પછી સજામાંથી મુક્ત થાય છે. ત્યારે સમાજમાં એ ‘રીઢા ગુનેગાર’ તરીકે ખ્યાતિ મેળવી ચુક્યો હતો.
‘રીઢા ગુનેગાર’ની છાપ અને ડરામણા દેખાવને કારણે જેલમાંથી મુક્ત થયાં પછી એને કોઈ રોટલો કે આશરો આપતું નથી. આથી એ કંટાળીને જેલવાસના દિવસોને સારા ગણે છે. કેમકે ત્યાં તો બે ટંક રોટલો તો મળી રહેતો હતો. બધેથી હડધૂત થયેલો જિન વાલ-જિનને સંત જેવા બિશપ ચાર્લ્સ મિરેલ ‘આવો’નો આવકાર, ખાવાનું, પ્રેમ, હૂંફ અને આશરો આપે છે. તેમના એક જ રાતના પરિચય માત્રથી જિન વાલ-જિનનું હૃદય પરિવર્તન થાય છે. પરંતુ એ પરિવર્તીત પામેલાં હૃદયને બાજુ પર રાખી આશરો અપનારના ઘરમાંથી ચાંદીના વાસણોની ચોરી કરે છે. પોલીસ પકડે છે. એને બિશપ મિરેલ સામે રજૂ કરે છે, ત્યારે બિશપ મિરેલ કહે છે :
‘‘અરે તમે?! ભલા માણસ થાળીઓ સાથે મેં તમને પેલી બે દીવીઓ પણ આપી હતી. એ કેમ મૂકી ગયા ? એ પણ તમારે જ લઈ જવાની હતી’’ (એજન. પૃ.- 11)
એમના શબ્દો સાંભળી જિન વાલ-જિન અને પોલીસ ભોંઠી પડે છે. બિશપ ચાર્લ્સ એને ચાંદીની દીવીઓના બદલામાં ‘પરિશ્રમ કરો અને પ્રામાણિક બનો’નું વચન માંગી લે છે. એ દિવસની રાતે કથાનાયકનું ચિત્ત ને હૃદય ચકરાવે ચડે છે. આખા દિવસની ઘટના અને હવે શું કરવું ? શું ન કરવું એ અંગે વિચારે છે. એવામાં મિરલ ગામના પોલીસથાણામાં લાગેલી આગ પવનને કારણે થાણેદારના ઘરને ઝપેટમાં લે છે. થાણેદાર અને એના પત્ની કામથી ઘર બહાર છે. પરંતુ ઘરમાં એમના બે બાળકો આગને કારણે ભયભીત બનીને રડારોળ કરે છે. થાણેદાર સહિત ગામનું કોઈપણ વ્યક્તિ આગની ઝપેટમાંથી બાળકોને બહાર કાઢવાની હિંમત કરતું નથી. એવામાં એક અજાણ્યો આધેડ વયનો ઊંચો ને બળવાન વ્યક્તિ આવે છે. બાળકોને બચાવે છે. થાણેદાર ને ગામલોકો માટે દેવદૂત બનેલો આ વ્યક્તિ ‘મેડલીન’ તરીકે પોતાની ઓળખ આપે છે. થાણેદાર અને ગામલોકોના કહેવાથી એ ‘મેરિલ’ ગામમાં વસવાટ કરે છે. ‘મેડલીલચાચા’ એ જિન વાલ-જિનનું નવું નામ હતું.
‘મેરિલ’ ગામમાં મેડલીનચાચા તરીકે જિન વાલ-જિન નવું જીવન શરૂ કરે છે. શરૂઆતમાં અતડાં અને એકલાં રહેનારાં મેડલીનચાચા ધીરે-ધીરે ગામમાં ભળવા લાગે છે. મેરિલ ખેતમજૂરી પર નભતું હતું. વર્ષ ખરાબ જાય તો ખાવાનાં પણ ફાંફાં હતાં. મેરિલમાં ચણોઠી જેવા મણકા અને મોતીમાંથી ઘરેણાં બનાવનારી કારીગરી કોમ વસતી હતી. પણ મણકા-મોતીને રંગબેરંગી બનાવવા શહેરના કેમિકલથી બનેલા પાકા રંગો પર આધાર રાખવો પડતો હતો. રંગોની કિંમત બમણી થવાથી બારેમાસ ચાલતો આ ધંધો પડી ભાંગ્યો. મેરીલની આ કથા જાણી મેડલીનચાચાએ મેરિલને પાછું ઊભું કરવાનો નિર્ણય કર્યો. ગામના યુવાનોને ચાચાએ ગામમાં જ પાક્કો કલર બનાવતા શીખવાડ્યું. તૈયાર થયેલા ઘરેણા શહેરમાં વચેટિયા વગર સીધા જ વેચવાની વ્યવસ્થા પણ ગોઠવી આપી. ધીરે ધીરે ગામમાં કારીગરોની સંખ્યા વધવા લાગી. મેડલીન ચાચાએ ગામમાં કારખાનું નાખ્યું ને હવે ગામમાં સર્વને કામ મળવા લાગ્યું. નિસ્વાર્થ ભાવે લોકોની મદદ કરનારા મેડલીનચાચાની ગામ અને આજુબાજુના વિસ્તારમાં માન, મોભો અને દરજ્જો વધવા લાગ્યો. મેરિલ એક મોટા રજવાડાના તાબા હેઠળ હતું. રાજવીના આગ્રહથી મેડલીનચાચાને મેરિલ ગામના નગરપતિ બનાવવામાં આવે છે. નગરપતિ બન્યા પછી પણ એ સાદું અને સરળ જીવન જીવતાં હતાં.
મેરિલ ગામમાં આ જ ગામની દીકરી ફેન્ટાઈન તેર વર્ષ પછી વખતની મારી સ્વર્ગ માનીને પેરિસ ગયેલી પણ નરકનો અનુભવ થતાં પાછી આવે છે. તેર વર્ષ પહેલાંનું કંગાલીયત, મરવા વાંકે જીવતું મેરિલ આજે સમુદ્ર હતું. ફૅન્ટાઈન પેરિસની ઝાકઝમાળમાં ગામડાનું જીવન ભૂલી જાય છે. ફેન્ટાઈન થોલોમી નામના ભણવા આવેલા યુવાનના પ્રેમમાં પડે છે. એ પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરે છે. એને ‘કૉઝેટ’ નામની દીકરી જન્મે છે. થોલોમી દગો કરીને પોતાના ગામ ચાલ્યો જાય છે. ફૅન્ટાઈન કૉઝેટને થેનાડ દંપતિ (વીશીવાળા)ને ત્યાં મહિનાના સાત ફ્રાન્ક ભરણ પોષણ માટે આપવાનું નક્કી કરીને મેરિલ, પોતાને ગામ જાય છે. મેરિલમાં પોતાની વ્યવસ્થા કરી કૉઝેટને પણ બોલાવી લેશે, એવો મનોમન નિર્ધાર કરે છે.
મેરિલમાં મેડલીનચાચાના કારખાનામાં એને કામ મળે છે. પરંતુ લોકોની પંચાતને લીધે એને એક દીકરી છે. એનો ખ્યાલ આવતાં કારખાનાના સ્ત્રી વિભાગના પ્રમુખ નોકરીમાંથી કાઢી મૂકે છે, મેડલીનચાચાની જાણ બહાર. ફેન્ટાઈનને કામ મળવાનું બંધ થતાં પૈસા માટે વાળ, દાંત વેચે છે. છેવટે દેહવીક્રિયનું કામ પણ કરે છે. મેડલીનબાપુના કહેવાથી જેવર્ટ એને છોડી મૂકે છે. ફેન્ટાઈન મેડલીનબાપુને ધિક્કારે છે ને કહે છે કે તમારા લીધે જ મારી અવદશા થઈ છે. મેડલીનબાપુ કશું જાણતાં ન હોવાથી એને પ્રેમપૂર્વક સમજાવે છે. એની દવાખાનામાં સારવાર કરાવે છે. દીકરી કૉઝેટને જોવાની ઝંખના સાથે મૃત્યુ પામે છે. જેવર્ટને મેડલીનબાપુ પર પણ શંકા છે. જેવર્ટના મતે મેડલીનબાપુ જ જિન વાલ-જિન છે. જેલવાસ દરમિયાન એણે જિન વાલ-જિનને જોયો છે. પરંતુ અત્યારે તેમના જેવો આ યુવાન ગામનો મુખીયા હોવાથી એના પર વોચ ગોઠવે છે. એકવાર ચોમાસામાં કાદવમાં ગાળા નીચે ફસાયેલાં ફેસલોવાંને મેડલીનબાપુ પોતાની જાન જોખમમાં નાખીને મૃત્યુના મુખમાંથી બચાવે છે. એનો પગ ભાંગી જવાથી એક પાદરીને કહીને નોકરીએ ગોઠવે છે. મેડલીનબાપુએ પીઠ પર ગાડું ઊંચું કર્યું એ જોયા પછી જેવર્ટનો શક વધુ ઘેરો બને છે.
‘આરાસ’ શહેરમાં જિન વાલ-જિન જેવા દેખતાં મેથ્યુ પર સફરજનની ડાળી તોડવાનો કેસ ચાલે છે. એ મેથ્યુ નહીં પણ જિન વાલ-જિન નામનો નામચીન ગુનેગાર છે એવી ઓળખ જેવર્ટ કરીને આવે છે. એટલે તે મેડલીનબાપુ પાસે માફી માંગે છે. એક સજ્જન માણસને ગુનેગાર માનવા બદલ મને નોકરીમાંથી કાઢી મુકો એવું કહે છે. પરંતુ મેડલીનબાપુ એ ન્યાય ફરી કરવાનું કહેને એને મોકલી દે છે. બીજે દિવસે મેડલીનબાપુ આરાસ શહેરના કોર્ટમાં જાય છે. પોતે ગુનો કાબુલ કરે છે. પેલાં નિર્દોષ વ્યક્તિને છોડાવે છે. મેડલીનબાપુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હોવાને લીધે એમને કાયદા કરતાં વધુ સજા થાય છે. તેઓ મેરિલ જઈ પોતાનું કમાયેલું ધન જંગલમાં છુપાવી દે છે. જેવર્ટ એમને પકડીને જેલમાં મોકલી આપે છે. તેવો કાયદાની પુરા બે મહિનાની સજા કાપીને, જહાંજના ખલાસીને બચાવી, દરિયામાં ભાગી જાય છે. જહાંજ પરના અફસરો એ કેદી મૃત્યુ પામ્યો હશે એમ જાહેર કરે છે. પરંતુ એ સમાચાર સ્વીકારવા જેવર્ટનું મન તૈયાર નથી. એ એને પકડવાનું નકકી કરે છે.
જિન વાલ-જિન દરિયામાંથી બચીને પેરિસ આવે છે. તેઓ એવું માને છે કે ફેન્ટાઈનની જે સ્થિતિ થઈ એને માટે હું પોતે જવાબદાર છું. એટલે મારે પહેલાં ફેન્ટાઈનની દીકરી કૉઝેટને છોડાવવી જોઈએ. પોતાનું આ કર્તવ્ય માનીને એ પહેલા એમના રહેવા માટે પેરિસના છેવાડાના વિસ્તારમાં બે જૂની પુરાણી ઓરડીઓ ભાડે રાખે છે. થેનાર્ડ દંપતિને ભરપૂર રૂપિયા આપીને જિન વાલ-જિન કૉઝેટને મુક્તિ અપાવે છે. થેનાર્ડ દંપતિએ તિરસ્કાર, ધિક્કારની સામે જિન વાલ-જિન એને વાત્સલ્ય, પ્રેમ અને હૂંફ આપે છે. કૉઝેટ જિન વાલ-જિનને દાદા તરીકે ચાહવા લાગે છે. જેવર્ટ નિષ્ઠાપૂર્વકની સેવાને પરિણામે સાર્જન્ટ પોલીસ ઓફિસર તરીકે પેરિસમાં બઢતી પામે છે. જિન વાલ-જિનને પકડવાની એની ઈચ્છા હજી તીવ્ર છે. એ એમને પકડે પણ છે. પરંતુ તેઓ દીવાલ કુદીને પિકપસના મઠમાં આવી ચડે છે. ત્યાં એમને ફેસલોવાં મળે છે. આ ફેસલોવાંને જિન વાલ-જિનને મોતના મુખમાંથી બચાવીને નવું જીવન આપ્યું હતું. નોકરીએ પણ રખાવ્યો હતો. આથી ફેસલોવાં જિન વાલ-જિનને પોતાનો ભાઈ અને કૉઝેટ એની દીકરી એમ કહીને મઠમાં રખાવે છે. આ મઠ સ્ત્રીઓનો હોવાથી અંદર કોઈ આવી શકે એમ નથી. કૉઝેટના ભણવાની વ્યવસ્થા મઠમાં જ કરવામાં આવે છે. અલ્ટાઈમ ફેસલોવાં એટલે જિન વાલ-જિન બાગ-બગીચાનું કામ સંભાળે છે. હવે એમના જીવનમાં સુખ શાંતિ આવે છે. મારા સુખના કારણે આ ફૂલ જેવી દીકરીના સુખ કેવી રીતે નષ્ટ કરી શકું ? એ વિચારે એમનું મન ચકરાવે ચઢે છે :
‘‘હું અહીં સુખી છું. પણ કૉઝેટનું સમગ્ર જીવન અહીં સુખમાં વીતશે ખરું ? એણે બહારના વિશ્વની ઝાંખી સરખી કરી નથી. વાસ્તવનું જીવન જોયા, જાણ્યા, માણ્યા વિના જ એ પોતાની જાતને તાવે, તાપે અને બાળે અને સમય આવે ત્યારે મૃત્યુથી મુક્તિ પામે, એમાં જ શું એનું સુખ હતું ? ઇશ્વરના આ સુંદર વિશ્વને તેની પાસેથી સદંતર ઝૂંટવી લેવાનો મને અધિકાર છે ખરો ? એની મા મને એની સોંપણી કરતી ગઈ છે, તે આ માટે ? એની માએ જીવતું દોખજ ભોગવ્યું, એની દીકરીને, મારી કૉઝેટને, મરેલું દોખજ ભોગવવાનું છે ? (એજન. પૃ.- 111)
મનોમંથન પછી એ મઠમાંથી મુક્તિ મેળવી પેરિસમાં ધનાઢય લોકો રહે ત્યાં રહેવા લાગે છે. દાન કર્મ કરે છે. કૉઝેટના શોખ પૂરાં કરે છે. બગીચામાં કૉઝેટને મેરિયસ નામનો યુવાન ચાહવા લાગે છે. દાદાને એનો અણસાર આવતા તેઓ મકાન બદલે છે. મેરિયસ એ યુવતીની શોધમાં પેરિસના બધા બગીચા ફરી વળે છે. પણ કૉઝેટ મળતી નથી.
નવલકથાના અંતમાં અનેક ઘટનાઓ ઘટે છે. મેરિયસ અને થેનાર્ડ દંપતિ જિન વાલ-જિન પેરિસ આવ્યાં ત્યારે જે જૂની ઓરડીમાં રહેતા હતા ત્યાં રહેવા આવે છે. થેનાર્ડ જિન વાલ-જિન પાસેથી રૂપિયા પડાવવા અને કૉઝેટનું અપહરણ કરવાનો તખ્તો ઘડે છે. મેરિયસ પ્રિયતમા કૉઝેટ અને એના દાદાને બચાવવાના હેતુથી જેવર્ટને બોલાવે છે. જેવર્ટના હાથમાં પેરિસના નામચીન ગુનેગારો આવે છે, પરંતુ જિન વાલ-જિન નાસી છૂટે છે. થેનાર્ડની દીકરી મેરિયસને ચાહે છે. એટલે એ મેરિયસને કૉઝેટનું સરનામું લાવી આપે છે. બંને દરરોજ રાત્રે દસ વાગ્યા પછી મળે છે. એમનો પ્રથમ મિલનનો પ્રણય વધુ ગાઢ બને છે. આ બાજુ પેરિસમાં નેપોલિયનની સત્તાને ઉખેડી ફેંકવા ક્રાંતિ વધુ વેગ પકડે છે. મેરિયસ પણ એમાં જોડાયેલો છે. નામચીન ગુનેગારોને પકડીને જેલમાં નાખવામાં આવે છે. જિન વાલ-જિન પોતાને માટે પેરિસ યોગ્ય ન લાગતાં લંડન જવાનું વિચારે છે.
મેરિયસને કૉઝેટ દ્વારા એનો ખ્યાલ આવે છે. દાદાને આ બંનેના પ્રણયનો જાણ થતા તરત જ ફરી મકાન બદલે છે. કૉઝેટ અને દાદાના પ્રેમના બીજું કોઈ ભાગીદાર બને એ એમનું મન સ્વીકારવા તૈયાર નથી. મેરિયસ કૉઝેટના ઘરે રોજ ખાલી ફેરાં ખાય છે. તે દાદા સાથે લંડન ચાલી ગઈ હશે એ વિચારે એનું મન વ્યથિત થઈ જાય છે. એ ક્રાંતિ મોરચામાં જોડાય છે. આ મોરચે જ મેરિયસ અવસાન પામે એવી દાદાની ઇચ્છા છે. આથી મેરિયસની શોધ કરતાં એ પણ એની પાછળ જાય છે. ક્રાંતિના સ્થળે મોરચો બરાબરનો જામ્યો છે. બિશપ મિરેલના શબ્દોને ચરિતાર્થ કરતા દાદા ઘવાયેલાં લોકોની સેવા કરે છે. જેવર્ટ ક્રાંતિકારીના હાથે પકડાય છે. દાદા એ લોકો પાસેથી જેવર્ટને સજા કરવાનો અધિકાર માંગી લે છે. બધાની અખોમાં ધૂળ નાખીને દાદા એને છોડી મૂકે છે. મોરચો છિન્નભિન્ન થઈ જાય છે. મેરિયસ પણ ધવાય છે. દાદા એને ગટરના ગુપ્ત માર્ગે જેવર્ટની સહાયથી ઘરે પહોંચાડે છે. દાદાને પણ જેવર્ટ ઘરે મૂકીને, પોતાની બંધૂકથી ગોળી મારીને સ્વમાની જેવર્ટ, આજે ઈશ્વરનું કાર્ય કર્યું એમ માની અવસાન પામે છે. મેરિયસ છ મહિનામાં સાજો થઈ જાય છે. મેરિયસ અને કૉઝેટના દાદા દ્વારા બંનેનો પ્રણય લગ્નમાં પરિણમે છે. લગ્નમાં પાંચ દિવસ પહેલાં જિન વાલ-જિન પોતાની સમગ્ર સત્ય કથા જમાઈ મેરિયસને કહે છે. તે દુઃખી થઈ તેમને ધિક્કારવા લાગે છે. બંનેના લગ્ન થાય છે. દાદા દીકરીને પોતાના જીવનની મૂડી છ લાખ ફ્રાન્ક આપીને ચાલ્યાં જાય છે. મેરિયસની શોધ અને થેનાર્ડ પાસેથી મળેલી માહિતીથી જિન વાલ-જિનનો સાચો પરિચય થાય છે. લગ્ન પહેલા એમણે કહેલી તમામ વાતો સાચી ઠરે છે. તેમજ ક્રાંતિના સ્થળેથી પોતાને બચાવનાર પણ જિન વાલ-જિન જ છે. મેરિયસનું હૃદય પરિવર્તન પામે છે. બંને જણ તરત જ દાદાને મળવા જાય છે. દાદાની તબિયત નાજુક હોય છે. એમને બિશપ મિરેલના ઘર જેવો ‘આવો’નો આવકાર સંભળાય છે. જિન વાલ-જિન દીકરી જમાઈને જોઈ મારવાની છેલ્લી ઇચ્છા પૂરી થઈ એમ માને છે. મેરિયસે એમને માફ કર્યા એનો ખ્યાલ આવે છે. અને અંતમાં મેરિયસ બિશપ મિરેલ આપેલી બે દિવીઓમાં દીવો પ્રગટાવે છે. અને જિન વાલ-જિનનું અવસાન થાય છે. આમ, આ કથા અનેક ઘટના પ્રવાહમાં તણાઈને મૂળ તરફ ગતિ કરે છે. કથાનાયક જિન વાલ-જિન બિશપ ચાર્લ્સ મિરેલે આપેલાં ‘પરિશ્રમ કરો પ્રામાણિક બનો’ સિદ્ધાંતને વળગીને કાર્ય કરે છે. પરંતુ ગુનેગાર તરીકેનું વ્યક્તિત્વ એનો પડછાયો છોડતું નથી. એના સારાં કાર્યોની સુવાસને ફેલાવા દેતું નથી. ટૂંકમાં, જિન વાલ-જિન બિશપ મિરેલના મંત્રનું પાલન કરીને કથામાં ક્રમશઃ મહેનતુ, ભલો, પરોપકારી, સત્યવક્તા, વત્સલ, ક્ષમાવન, મહાન અને દયાળું જ નહીં પરંતુ ‘દિવ્ય’ માનવ બની રહે છે. આખી કથા માનવીના ઉધ્વીકરણની કથા બની રહે છે.
અનુવાદકે પાત્ર, પ્રસંગ અને પરિસ્થિતિ વિષયક વર્ણનો પણ નિરૂપ્યા છે. કથાની શરૂઆતમાં જિન વાલ-જિન ઓગણીસ વર્ષ પછી જેલમાંથી છૂટે છે. ત્યારનું એના બાહ્ય દેખાવનું વર્ણન આકર્ષક છે. એ એટલો બિહામણો લાગે છે કે એને આશરો આપવા પણ તૈયાર નથી. તો વળી, અનુવાદકે કથાના શરૂઆતથી ફ્રાન્સની તત્કાલીન રાજકીય, સામાજિક પરિસ્થિતિને નિરૂપી છે. નેપોલિયનની સત્તા સામે લોકોનો વિદ્રોહ ફાટી નીકળે છે. એ પરિસ્થિતિને યથાતથ નિરૂપતું આ વર્ણન જુઓ,-
‘‘ગમે ત્યારે રાજ્ય સામે બળવો ફાટી નીકળે એવી સ્થિતિ હતી. જુવાનિયાઓ રાજા અને રાજાશાહી ઉખેડી નાખવા તૈયારીઓ કરી રહ્યા હતા. તેમની જાતને તેઓ ક્રાંતિકારી કહેવડાવતા. કચડાયેલા સામાન્ય જનો તેમની સાથે હતા. ટાબરિયાંઓ પણ ક્રાંતિકારોએ શીખવાડેલાં સૂત્રો પોકારતાં. છૂપી રીતે ક્રાંતિકારી સાહિત્ય છપાતું અને બધી જગ્યાએ વહેંચાતું. રાજાશાહી ઉખેડી પ્રજાસત્તાક રાજ્ય લાવવું એવી નેમ હતી. નેપોલિયનના અનુયાયીઓ પણ ક્રાંતિમાં સાથે ભળ્યા હતા.’’ (એજન. પૃ.- પૃ 159)
આ કથામાં ફ્રાન્સના પેરિસની જાહોજહાંલી, એ લોકોના સંબંધોની માનસિકતા તેમજ પેરિસની ગટર વ્યવસ્થા અને એની નીચે છુપાયેલું ગુનાઈત માનસને અનુવાદકે રજૂ કર્યું છે. એની ગટર વ્યવસ્થાને નિરૂપતું આ વર્ણન જુઓ,-
‘‘ગટર પણ એક નગર છે. એમાં નાના-મોટા રસ્તા છે; નાની-નાની ગલી જેવી ગટરો મોટા ગટરમાર્ગને મળે છે; ગટરમાં ફાંટાઓ છે, ફાંટાઓ ભેગા મળી સંગમ, પ્રયાગ કે મોટા ચાર રસ્તાનો ચોક પણ બને છે. નદીઓ અને એની નહેરો જેમ અંતે સાગરને મળે છે તેમ પેરિસની ગટરોના પ્રવાહો ભેગા થઈ શહેરના કાટ-માળ અને કચરા સાથે સીન નદીને મળે છે, સીન નદી વહીને સાગરમાં ભળે છે.’’(એજન. પૃ.- 180)
વર્ષો પહેલાં પેરિસ શહેરની વ્યવસ્થા કેટલી વિશાળ, દૂરંદેશી અને સમૃદ્ધ હતી એનો ખ્યાલ મળે છે.
આ કથા કૃતિની વિશેષતા એ છે કે એમાં કથાની સાથે સાથે અનેક વિચાર કર્ણિકાઓ અનુવાદકે સહજ રીતે વણી લીધી છે. આ વિચાર કર્ણિકાઓ અનુવાદકની પોતાની નિપજ છે.
આવા અનેક વાક્યો કથારસ સાથે વણાઈ ગયા છે. જેમાંથી વિચારની વાણી ફૂટે છે. ને ભાવકના મનમાં સતત રમ્યાં કરે છે.
અનુકૃતિકારે કથાના તાણાંવાણાં સરસ રીતે ગૂંથ્યાં છે. તેમજ એમની કથનશૈલી પણ આકર્ષક છે. ભાવકને કથાતંતુ સાથે સાંકળી રાખવામાં તેઓ સફળ થયા છે. સાદી, સરળ અને આજના યુવાનને ગમતી ભાષા દ્વારા કથાને સાચા અર્થમાં ‘ગુજરાતી’ બનાવી શક્યા છે. આ કૃતિની મર્યાદા એ છે કે અનુકૃતિકાર એક પ્રકારણથી બીજા પ્રકરણમાં કથાને આગળ વધારે છે ત્યારે બીજા પ્રકરણમાં મોટેભાગે અગાઉના પ્રકરણનો સાર કે અંતને ફરી નિરૂપીને જ શરૂ કરે છે. એટલે કેટલીકવાર ભાવકને કથા પુનરુક્તિનો દોષ લાગે છે. કથાની સરળતા અને વિશાળતા સામે કૃતિકારનો આ દોષ નગણ્ય છે. આમ, આ કૃતિ સાચા અર્થમાં માનવીના ઉધ્વીકરણની કથા બની રહે છે. અંતમાં આ કૃતિ વિશે સ્વામી આનંદે કહેલા શબ્દો મૂકીને મારી વાત પૂરી કરીશ :
‘‘આ અમર કૃતિમાં કદી ઘરડા ન થવાનો ગુણ છે.’’ (એજન. પૃ.- 5)
સંદર્ભ:-
ડૉ. જિજ્ઞેશ ઠક્કર, ગુજરાતી વિભાગ, એમ.એન.કૉલેજ,વિસનગર. મો.-9824299594, ઇમેલ- jigthak88@gmail.com