સામ્યવાદી મૅનિફેસ્ટો : ધ મધર
પહેલી મેના દિવસને ગુજરાત અને મહારાષ્ટ્રનો સ્થાપના દિવસ તરીકે ઉજવવામાં આવે છે. પહેલી મે આ સિવાય વિશ્વ મજૂર દિવસ તરીકે પણ માનવવામાં આવે છે. દરેક કાળે આ મહેનતકશ વર્ગનું શોષણ કરવામાં ધનપતિઓએ કોઈ કમી રાખી નથી. મૂઠીભર મૂડીવાદી કહેવાતા સભ્ય લોકોએ પોતાની સંપત્તિના વધારા માટે તેમના શ્રમનો ઉપયોગ કરી તેમને વધુને વધુ ચૂસવાનું કાર્ય કર્યું છે. શિક્ષણ અને અન્ય સુવિધાને અભાવે તેઓ જે મળી રહ્યું છે એને જ વધુ માણી જીવન જીવી રહ્યા છે. વિશ્વના ઇતિહાસમાં આ મજૂર વર્ગને યોગ્ય સવલત અને શાંતિ મળી રહે એ માટે ક્રમે ક્રમે આંદોલનો થયા છે. આજે એવા જ એક મજૂર આંદોલન વિશે વાત કરવી છે. વાત છે રશિયાની, પણ ના એ માત્ર રશિયાની વાત નથી એ સમગ્ર મજૂર વર્ગની કથા છે. એ કથા એટલે મેક્સિમ ગોર્કીની નવલકથા `મા'.
મેક્સિમ ગોર્કીની ‘મા’ નવલકથા સોવિયત સાહિત્યની બુનિયાદનો પહેલો પથ્થર છે. મજૂરો દ્વારા શોષણથી મુક્તિનો પ્રયાસ વર્ણવતો મેનિફેસ્ટો છે. આ પુસ્તકે તે સમયના લોકો પર એટલો પ્રભાવ પાડ્યો હતો કે લોકો પોતાના બાળકનું નામ તેના નાયક પરથી પાવલો રાખતા હતાં. આજ દિન સુધી ૭૦થી પણ વધુ ભાષામાં આ નવલકથાનો અનુવાદ થયેલ છે. જે તેની લોકપ્રિયતાને વધુ પ્રમાણિત કરે છે.
એલેક્સી મેક્સિમોવિચ પેસ્કોવનો જન્મ ૨૮ માર્ચ ૧૮૬૮માં અને મૃત્યુ ૧૮ જુન ૧૯૩૬માં થયું હતું. તેમનું જીવન ખુબ જ સંઘર્ષોમાં વિત્યું હતું. તેઓ ૧૧ વર્ષની ઉંમરે અનાથ બન્યા હતાં. ૧૨ વર્ષની ઉંમરે ઘરેથી ભાગી છૂટ્યા હતાં. જીવનની પરિસ્થિતિથી ત્રસ્ત થઈ એક વાર તેમણે આત્મહત્યા કરવાનો પણ પ્રયાસ કરેલ. જીવનની શરૂઆતમાં મેક્સિમ ગોર્કી એક પસ્તીવાળાને ત્યાં કામ કરતા અને તે પસ્તીમાંથી પુસ્તકો વાંચતા. ગોર્કીએ ત્યાં કામ કરતા કરતા જ દેશ વિદેશના પુસ્તકો વાંચી લીધેલ. વાંચનથી આગળ જઈને લેખનમાં પણ તેઓ હાથ અજમાવે છે. તેઓ એક વાર્તા લખી સામયિકને મોકલે છે. તે છપાય છે અને એ સમયના સાહિત્યકારો દ્વારા વખણાય પણ છે. તેમનો સામ્યવાદી સૂર સાહિત્ય જગતને મહાન પુસ્તક ‘મધર’(મા)ની ભેટ આપે છે. મેક્સિમ ગોર્કી પાંચ વખત નોબેલ પુરસ્કાર માટે નોમિનેટ થયેલ સર્જક છે.
તેમની પાસેથી ‘ધ લોઅર ડેપ્થ’ (૧૯૦૨), ‘ટવેન્ટી સિકક્ષ મેન એન્ડ અ ગર્લ’(૧૮૯૯), ‘ધ સોંગ ઓફ ધ સ્ટોર્મી પેટ્રેલ’(૧૯૦૧), ‘માય ચાઇલ્ડહૂડ’(૧૯૧૩-૧૯૧૪), ‘સમરફોક’(૧૯૦૪), ‘ચિલ્ડ્રન ઓફ ધ સન’(૧૯૦૫), ‘મધર’(૧૯૦૬) જેવી કૃતિઓ સાહિત્ય જગતને મળી છે.
મા નવલકથા મજૂર પરિવારની કથા છે. પેલેગૈયા નિલોવના એટલે મા, જે આ કથાની નાયિકા છે. તે એક મજૂર વર્ગની સ્ત્રી છે. તેનો પતિ ફેક્ટરીમાં મજૂરી કરે છે. તેને એક પુત્ર છે પાવેલ; જે આ કથાનો ક્રાંતિકારી નાયક છે. પેલેગૈયા નિલોવનાનો પતિ રોજ દારૂ પીને આવે છે અને તેની સાથે દુર્વ્યવહાર કરે છે. પતિ ફેક્ટરીમાં તનતોડ મહેનત કરે છે, શોષણનો ભોગ બને છે, રાત્રે થાકીને વોટકા પીવે છે અને આવીને તેની પત્ની સાથે મારઝૂડ કરે છે. આ બધું માને આકરું લાગતું નથી એના બદલે જો કોઈ દિવસ એનો પતિ તેને મારે નહીં તો તેને એવું લાગે છે કે જીવનમાં આજે કંઈક અધુરું રહી ગયું છે. ક્યારેક તો તેને એટલી મારવામાં આવતી કે કેટલાય દિવસો સુધી હોસ્પિટલમાં પડી રહેતી. આ દુબળી પાતળી મા રોજ તેના વિશાળ કાય પતિનો માર ખાય છે. એનો પતિ ક્યારેય એની પત્નીને સન્માન આપી શકતો નથી. તે તેના માલિક અને પુંજીપતિઓના શોષણથી પરેશાન છે. એની બધી જ હતાશા, નિરાશા, કુંઠા તેની પત્ની પર ઉતારી દે છે.
નીલોવનાને એક બાળક છે જેનું નામ છે પાવેલ. પાવેલ શાળા છોડ્યા પછી નાની ઉંમરે પોતાના પિતાની જેમ ફેક્ટરીમાં કામ પર લાગી જાય છે. તેની સમાન ઉંમરના બાળકો ફેક્ટરીમાં કામ કરે છે, રાત્રે વોટકા પીવા જાય છે અથવા રેડલાઇટ વિસ્તારમાં જાય છે. ઘરે જઈ પોતાની પત્ની કે માતાને ગાળો દે છે, મારઝૂડ કરે છે, સુઈ જાય છે અને વહેલી સવારે ફેક્ટરીની વ્હિસલથી જાગીને કામે લાગી જાય છે. પાવેલ ૧૪ વર્ષનો હોય છે ત્યારે એક ઘટના બને છે જે તેના જીવનને બદલી નાખે છે. તેનો પિતા એક દિવસ દારૂ પીને આવે છે અને લોઢાનો સળિયો લઈ તેની માને મારવા લાગે છે. ત્યારે પાવેલ તેની સામે લોઢાનો પાવડો લઈને ઊભો રહી જાય છે અને કહે છે એક પણ વાર હવે માને માર્યું તો હવે હું છોડીશ નહીં, હવે હું સહન નહિ કરું. પાવેલના પિતા તેના હાથમાં રહેલ પાઈપ ફેંકી દે છે તે કહે છે કે, હવેથી તારો દીકરો તને ખવડાવશે અને હવેથી તમારી બંને સાથે મારો કોઈ જ સંબંધ નથી. આ પછી તે ક્યારેય એની પત્ની પર હાથ ઉપાડતો નથી પણ એની દિનચર્યા તેની તે જ રહે છે. રોજ દારૂ પીને આવવું ને પડી રહેવું. તે જ્યાં સુધી જીવે છે ત્યાં સુધી તેના દીકરા સાથે વાત કરતો નથી. એક દિવસ તેનું દર્દનાક મોત થાય છે. તેના મૃત્યુ પર પડોશીઓ કહે છે ચાલો માને છુટકારો મળ્યો. કોઈ કહે છે જાનવર હતો જાનવરની મોતે મર્યો.
જે જીવન પાવેલના પિતાનું હતું એ જ જીવન બાકીના મજૂરોનું હતું. સાવ નિરાશા જેમાં કોઈ આશાનું કિરણ નહોતું. હવે મા જુએ છે તો પાવેલમાં તેને એક અલગ જ બદલાવ દેખાઈ રહ્યો છે. એની સાથે ગાળાગાળી તો પહેલા પણ નહોતો કરતો, બીજા મજૂરની જેમ દારૂ પીતો નહોતો પણ પાવેલ હવે ફેક્ટરીથી પાછો આવે છે ત્યારે તેનો અવાજ વિનમ્ર હોય છે. એ માને મા કહીને બોલાવે છે. એના કપડા સ્વચ્છ હોય છે. તે તેની ઉંમરના બીજા નવયુવાનોની જેમ ન તો દારૂ પીવા જાય છે, ન તો છોકરીઓ પાસે જાય છે. રાત્રે પુલકાનાચમાં પણ જતો નથી. પાવેલ એના બદલે શું કરે છે ? દીવો સળગાવી પુસ્તકો વાંચ્યા કરે છે અને રસોઈ બનાવવામાં, ઘરની સાફ સફાઈમાં માને મદદ કરે છે. પાવેલમાં આવેલ પરિવર્તનથી માને ચિંતા થાય છે કે તે બીજા યુવાનોની જેમ કેમ રહેતો નથી? એનું જીવન કેમ બદલાઈ ગયું. એક દિવસ પાવેલ ઈશા મસીમનો મુક્તિ તરફ જનારો એક ફોટો દિવાલ પર લગાવે છે માને થાય છે કે જો તે ઈશા મસીમને આટલું માને છે તો રવિવારે ચર્ચ કેમ જતો નથી ?
પાવેલને ત્યાં નવા નવા મિત્રો આવે છે. જેમાં નાખોદકા તે અક્રેઈનો રહેવાસી હોવાથી તેને અક્રેઈની કે અન્દ્રેઇનીના નામથી બોલાવવામાં આવે છે જે થોડાં સમયથી પાવેલ સાથે જોડાયો છે અને પાવેલના નિકટતમ મિત્રમાંથી એક છે. બીજી એક સ્ત્રી છે નતાશા જેના પિતા જમીનદાર છે પરંતુ તે આ સમાજવાદી કાર્યમાં જોડાઈ હોવાથી તેના પિતાથી અલગ રહે છે. તેમની સાથે નિકોલાઈ પણ છે જે ઝાર સામે અવાજ ઉઠાવવાને કારણે અનેકવાર જેલ જઈ આવ્યો છે. સુજોવ જે પાવેલની આસપાસ જ રહે છે અને અન્યાય સામે અવાજ ઉઠાવતો રહે છે. તેનો ભત્રીજો ફ્યોદોર પણ પાવેલની ટોળીમાં સાથે ભળે છે. આ આખી ટોળી મળી પુસ્તકો વાંચે છે. ચર્ચા કરે છે. ક્યારેય ઉગ્ર દલીલો પણ થાય છે. એ બધા માને રસોઈમાં મદદ કરે છે. જે કંઈ બને છે તે ભાગે પડતું ખાઇને વાસણ સાફ કરીને જાય છે. માને એ વાતથી દુઃખ થાય છે કે એનો દીકરો બીજા યુવાનોની જેમ છોકરીને પ્રેમ નથી કરતો. કોઈ છોકરીનું ચક્કર હશે કે કોઈએ એના પર મંત્રફૂક્યો હશે ? શું હશે? એના માટે પાવેલ જે કરી રહ્યો હતો એ એક અલગ જ ઘટના હતી. તેણે ક્યારે આવું જોયેલું જ ન હતું. એક દિવસ પાવેલ પુસ્તક વાંચતો હોય છે ત્યારે માની સાથે વાતચીત થાય છે. મા પૂછે કે છે કે શું કરે છે? પાવેલ કહે છે: પુસ્તક વાંચુ છું. મા પૂછે છે શા માટે ? પાવેલ ઉત્તર આપે છે: સત્યને જાણવા માટે. તેનાથી શું થશે? પાવલ માને વિસ્તારથી સમજાવે છે કે તમામ લોકોએ પુસ્તકો વાંચવા જોઈએ, સત્યને ઓળખવું જોઈએ. તેઓ આમ જાનવરની જેમ જીવવા શા માટે મજબૂર છે. આ બધાથી છુટીને બહાર આવવા પુસ્તકો વાંચવા પડશે. મા આ બધું સમજી નથી શકતી તે રડવા લાગે છે. પાવેલ માને શાંત કરે છે અને કહે છે કે તારા જીવનના ત્રીસ વર્ષમાં ક્યારેય સુખ જોયું છે? જ્યારથી હું સમજણો થયો છું મેં જોયું છે કે પિતાજી તને મારકૂટ કરતા. તું દિવસભર કમરતોડ મહેનત કરે છે ક્યારેય તારા જીવનમાં પ્રેમનું કિરણ સુદ્ધા જોયું નથી. ક્યારેય તારા જીવનમાં સુખ નથી આવ્યું. આપણે ક્યારેય વિચાર્યું છે કે આપણું જીવન આવું શું કામ છે? કેમકે આપણે જે પરિશ્રમ કરીએ છીએ એનો લાભ આપણને નથી મળતો. મુઠ્ઠીભર લોકો આપણા પરિશ્રમનો ફાયદો ઉઠાવે છે. આપણને જાનવરથી પણ બદતર જીવન જીવવા મજબૂર કરે છે.
પાવેલ જે પુસ્તકો વાંચી રહ્યો હતો તેના પર પ્રતિબંધ હતો. જો કોઈને ખબર પડે તો તેને કેદ કરી લેવામાં આવે. પણ પાવેલને લાગે છે કે જો આ પુસ્તકો તે નહીં વાંચે તો તેના જેવા બીજા મજદૂરોને તે સંગઠિત નહીં કરી શકે. મુક્તિનો માર્ગ નહિ શોધી શકે. પાવેલ જે કંઈ કરી રહ્યો હતો તે આ વ્યવસ્થાથી છુટકારો મેળવવા આ કરી રહ્યો હતો. પાવેલ એકસમાન સામાજિક વ્યવસ્થા ઇચ્છતો હતો. ધીરે ધીરે પાવેલ જે વસ્તીમાં રહે છે ત્યાં તેની ગતિવિધિ વિશે વાતો થવા લાગે છે. અમુક પાડોશી તો માને ચેતવે છે કે તારો દીકરો સમાજવાદીઓ સાથે ઉઠે બેસે છે ધ્યાન રાખજે. મા તમામ વિગતથી પાવેલને માહિતગાર કરે છે. પાવેલ માને દરેક વખતે પોતે ક્યારેકને ક્યારેક જેલ જશે એ વાત માટે માનસિક રીતે તૈયાર કરે છે. એક દિવસ પાવેલને ત્યાં રેડ પડવાના સમાચાર મળે છે તે જાણી મા ડરી જાય છે. પાવેલના બધા પુસ્તકો એક સ્થાને ભેગા કરી જ્યાં સુધી પાવેલ પાછો નથી આવતો ત્યાં સુધી મા તેના પર બેસી રહે છે. એ દિવસે કોઈ રેડ નથી પડતી પરંતુ એક મહિના બાદ પાવેલના મિત્રો તેના ઘરે એકત્ર થયા હોય છે ત્યારે પાવેલને ત્યાં અડધી રાત્રે ફોજદારી રેડ પડે છે. ઘણી જડતી લેવામાં આવે છે. પાવેલને ચેતવણી આપી નિકોલાઈને પકડી પોલીસ જતી રહે છે. બીજા દિવસે બીજા મજૂરોના પકડવાના સમાચાર પણ આવે છે.
પાવેલને ત્યાં થયેલ જડતી સમયે એક રોબીન નામનો મજૂર ત્યાં હાજર હોય છે જે પહેલા ખેતી કરતો હતો. રોબીન ચાલીસેક વર્ષનો છે અને તે પાવેલના વિચારોથી પ્રભાવિત થાય છે. જડતી પછી તે અવારનવાર પાવેલના ઘરે આવે છે. તે જમીનદારી પ્રથાના શોષણ વિશે વાત કરે છે. તે પાવેલને એની લડાઈમાં આ ખેડૂતોને પણ જોડવા જણાવે છે. આગળ જયારે પાવેલ મજૂરોની લડાઈ લડી રહ્યો હોય છે ત્યારે રોબીન તેના ખેતમજૂરો સાથે ચળવળ ચલાવવા નીકળી પડે છે. રોબિનની વાતો થોડી ખટકે છે. મા સાથે રોબીન દોસ્તી થઈ જાય છે. તે માની ઉંમર નો છે. હવે પાવેલના ઘરે લોકોની અવર જવર વધી જાય છે. શહેરથી ઘણી છોકરીઓ પણ આવે છે. મા વિચારે છે કે પાવેલ આમાંથી જ કોઈ છોકરીને પસંદ કરીલે તો કેવું સારું. એક સાશા નામની છોકરી પ્રત્યે પાવેલને સંવેદના પણ થાય છે પરંતુ બંને મુક્તિની આ મહા આંદોલનકારી ચળવળમાં જોડાયેલા હોય છે અને પાવેલ પોતાના પ્રેમને પ્રગટ કરી શકતો નથી. તે છોકરી મજદૂર આંદોલનમાં જોડાયેલ છે અને ત્યાંની કોમ્યુનિસ્ટ પાર્ટીની સભ્ય હોય છે.
વસ્તીમાં પાવેલનું માન વધતું જાય છે. લોકો પોતાની સમસ્યાના નિરાકરણ માટે પાવેલ પાસે આવે છે કેમકે, તેમનામાં પાવેલ જ વધુ પુસ્તકો અને કાયદાઓને સમજનાર છે. પાવેલ તેમની સમસ્યાનું પોતાની રીતે નિરાકરણ લાવે છે, સલાહ આપે છે, વધુ જટીલ પ્રશ્ન હોય તો શહેરમાં તેના મિત્ર વકીલને ચિઠ્ઠી લખી આપે છે. એક વાર ફેક્ટરીની વસ્તી પાસે રહેલ કાદવવાળા ગંદા તળાવને સૂકવવા માટે મજૂરોના મહેનતાણામાંથી એક કોપેક ફરજીયાતપણે કાપવાનું ફરમાન થાય છે. જેની સામે મજૂરો અવાજ ઉઠાવે છે અને પાવેલ સહિત અનેક મજૂરોની ધરપકડ થાય છે. પાવેલ અને તેના સાથીઓ મજૂરોને જાગૃત કરવા પત્રિકાઓ વહેચતાં હતાં. હવે પાવેલ અને તેના મિત્રોની અટકાયત થવાથી તે કામ અટકી પડે છે. પાવેલનો મિત્ર યેગોર ઇવાનવિચ મા પાસે આવે છે અને મજૂરો સુધી પત્રિકા પહોંચાડવા મદદ માંગે છે. મા તેની પડોશમાં રહેતી મારિયા સાથે ફેક્ટરીમાં ખાવાનો સામાન વેચવાના કાર્યમાં જોડાય છે અને તેની સાથે આ પત્રિકાઓ મજૂરો સુધી પહોચાડવાનું કાર્ય કરે છે.
પાવેલના મિત્રો એક પછી એક જેલમાં જાય છે અને છૂટતા રહે છે. મા તેના નિત્યક્રમ મુજબ ફેક્ટરીમાં જાય છે અને પત્રિકાઓ વહેંચે છે. પાવેલના મિત્રોને તે પોતાના પુત્રની સમાન પ્રેમ અને વાત્સલ્યથી સાચવે છે. જેમાં અન્દ્રેઈની સાથે પાવેલ કરતા પણ વધુ નિકટતા દાખવે છે. અન્દ્રેઈ માને વાચતા લખતા શિખવવા પ્રયત્ન કરે છે. મા કોઈ ન હોય ત્યારે એકલી વાંચવાની શરૂઆત કરે છે. એક દિવસ તે કામ પરથી ઘરે આવે છે ત્યારે પાવેલ પણ જેલમાંથી છૂટીને ઘરે આવી ગયો હોય છે. થોડાં દિવસમાં ફ્યોદોરને પણ છોડી દેવામાં આવે છે.
બધાં છૂટીને આવ્યા પછી સામસામેની લડાઈ માટે તૈયારી શરૂ કરી દે છે. તેઓ ૧લી મેના રોજ મજૂર હડતાલ કરવાનો કાર્યક્રમ ઘડે છે. પાવેલ આ હડતાલમાં ઝંડો લઈ આગળ રહેવા ઇચ્છે છે પરંતુ બાકીના લોકો સહમત નથી થતા. તેઓ માને છે કે પાવેલ લોકોમાં વધુ લોકપ્રિય છે અને જો તે આગળ ચાલશે તો તેને દેશનિકાલ કરવામાં આવશે. તેના બદલે તે અહિ રહી ઘણું કામ કરી શકે છે. મા પણ ઇચ્છે છે કે તે આ હડતાલમાં આગળ ન ચાલે પણ પાવેલ નિશ્ચય કરી ચુક્યો હોય છે.
આ બધી યોજના ઘડાઈ રહી હોય છે તેવામાં ફેક્ટરીમાં એક ઈસાઈ અધિકારીનું ખૂન થઈ જાય છે. આ વ્યક્તિને પાવેલ અને તેના મિત્રોની ગતિવિધિ પર ધ્યાન રાખવાનું કાર્ય સોંપવામાં આવ્યું હોય છે. અન્દ્રેઇ અને દ્રાનુગોવ જ્યારે પાવેલના ઘરેથી જતા હોય છે ત્યારે તેનો ભેટો આ ઈસાઈથી થાય છે. પાવેલની ટોળીએ મે દિવસ માટે કરેલ તમામ તૈયારી વિશે પોલીસને જાણ છે અને તેઓ એ પહેલા જ પકડાઈ જશે તેમ કહી ઈસાઈ અન્દ્રેઇનું અપમાન કરે છે. અન્દ્રેઇ તેને તમાચો મારી નીકળી જાય છે પણ તેને દ્રાનુગોવનો અવાજ સંભળાય છે. અન્દ્રેઇ ઇચ્છત તો તે આ ખૂનને રોકી શક્યો હોત પણ તે પાછો ફરતો નથી.
જેમ જેમ પહેલી મેનો દિવસ નજીક આવે છે તેમ તેમ પાવેલની ટોળી અને પોલીસકર્મી બન્ને તરફ કામગીરી વધી જાય છે. પહેલી મેના દિવસે પાવેલ હાથમાં ઝંડો લઈ લડતની શરૂઆત કરે છે. આ તરફ ફેક્ટરીમાં ફોજ અને ગવર્નર પણ હાજર થઈ ગયા છે. ભૂરા ગણવેશમાં પોલીસની દિવાલ સામે પાવેલની સાથે મજૂરોની મેદની મક્કમ મને ગીતો ગાતા આગળ વધે છે. પોલીસ પાવેલ અને તેના મિત્રો પર ટૂટી પડે છે. છેલ્લી ક્ષણ સુધી તેઓ ઝંડાનું રક્ષણ કરે છે. મા રાડો પાડીને પાવેલનો સાથ આપવા વસ્તી વાળાને સમજાવે છે. અહિ કથાનો પ્રથમ ભાગ પૂર્ણ થાય છે.
બીજા ભાગમાં નિલોવના નિકોલાઈ ઇવાનોવિચની સાથે શહેરમાં રહેવા જતી રહે છે. ત્યાં નિકોલાઈની બહેન સોફિયા પણ તેમની સાથે રહે છે. આ બન્ને પાવેલની સામ્યવાદી ટોળીમાં સાથે કામ કરતા હતાં. હવે નિલોવનામાં ઘણો બદલાવ આવે છે. તે ક્યારેક સોફિયા સાથે તો ક્યારેક એકલા અલગ અલગ વેશ બદલી લોકો સુધી પુસ્તકો અને પત્રિકાઓ પહોંચાડવાનું કાર્ય કરે છે. નિકોલાઈ અને સોફિયા ભાગેલા રાજકેદીને છુપાવામાં મદદરૂપ થાય છે. આ સમયમાં યેગોરનું બીમારીને કારણે મૃત્યુ થાય છે. પાવેલ અને તેના મિત્રો જેલમાં જતા તેમની લડાઈ મંદ પડી છે પરંતુ હવે તેઓ ખુલીને લડે છે.
પાવેલ અને તેના મિત્રો વિરુદ્ધ કોર્ટમાં કેસ ચાલે છે. પોવેલ અને તેના મિત્રો હિંમતથી પોતાની લડાઈના સત્યને રજૂ છે. પાવેલ જજને કહે છે કે તેઓ ક્રાંતિકારી છે અને ત્યાં સુધી રહેશે જ્યાં સુધી આ શોષણ શોષિતનો વ્યવહાર ચાલ્યા કરશે. જજની પેનલ પાવેલ અને તેના સાથીઓને નિર્વાસનની સજા આપે છે. કથાના અંતમાં નિલોવના તાન્યા પાસે જતી હોય છે ત્યારે તે પણ પકડાય છે. પોલીસ સામે તે પોતાના પુત્રના કાર્યો માટે ગર્વ લે છે.
તેનું મન ચિત્કારી ઉઠે છે કે, `બેવકૂફો શું તમને એમ લાગે છે કે લોહીની નદીઓ વહાવી તમે અમને ડુબાડી દેશો? આ મજૂરોના બાળકોના મન સાચા છે તેમના દિમાગ સાફ છે. તેઓ માત્ર રૂસમાં જ નહિ સમગ્ર વિશ્વમાં આગળ વધી રહ્યાં છે. આ લોકોનો એક જ ઉદ્દેશ્ય છે શોષણમાંથી મુક્તિ, અત્યાચારમાંથી મુક્તિ મેળવી એક સમતાવાદી, સામ્યવાદી સમાજનું નિર્માણ કરવું. આ સામ્યવાદી સમાજ બનાવવા જો મારો એક દીકરો જેલમાં ગયો તો અહિ મારા સેંકડો લાખો મજૂર બાળકો છે જે બહાર આવશે.' સૈનિક તેનું ગળું પકડીને દબાવે છે, તેનો અવાજ બંધ કરવાના પ્રયત્ન કરે છે, પણ મા અંત સુધી નારા લગાવે છે. નવલકથા આખરી સંવાદથી પુરા વિશ્વમાં ક્રાંતિના બીજ રોપે છે. હવે એ માત્ર પાવેલની મા નથી રહેતી. પાવેલના વિચારોનું તેની મા દ્વારા વિશ્વની તમામ ક્રાંતિકારી પેઢીની જનનીઓમાં પ્રત્યારોપણ થાય છે. આ ગૂઢ અર્થ કથાના શીર્ષકને ન્યાય આપે છે.
માની કથા બે ભાગમાં વહેંચાયેલ છે. પ્રથમ ભાગના ૨૯ પ્રકરણ પાવેલમાં આવતા પરિવર્તન અને તેની લડાઈ દર્શાવે છે. જ્યારે બીજા ભાગના ૨૯ પ્રકરણમાં નિલોવનામાં આવતા પરિવર્તન અને તેની લડાઈ દર્શાવે છે. પેલેગૈયા નિલોવના આ કથાનું એક એવું પાત્ર છે જે સદંતર પરિવર્તન પામે છે. એક સમયે પતિની મારઝૂડને, આસપાસના મજૂર વર્ગની બદીઓને, નિરાશા અને શોષણને નિયતિ સમજી સહજ સ્વીકાર કરનાર, પાવેલની તેના અન્ય મજૂર કામદારોથી અલગ વર્તણૂંક જોઈ રડી પાડનાર નિલોવના પાવેલની અધૂરી લડાઈ લડવા મેદાને ચડે છે. દરેક સમયમાં પાવેલ જેવા થોડાંક અલગ વિચારવાવાળા વ્યક્તિઓ હોય જ છે. માત્ર એમના વિચારથી ક્રાંતિ સંભવી શકતી નથી. ક્રાંતિના બીજ ત્યારે જમીન ફાડીને બહાર આવે છે જ્યારે શોષિત વર્ગ પોતાને થઈ રહેલ શોષણને જાણી સમજી અને પછી સંઘર્ષમાં ઉતરે છે.
આ કથા નિરાશા સામે આશા, અંધકારની સામે પ્રકાશ, અન્યાયની સામે ન્યાયનો ઝંડો લઈ ચાલતા દરેક લોકોના સંઘર્ષની ગાથા બને છે. એવું કહેવાય છે કે આ કથાનો પાયો ૧૯૦૨ આસપાસ મે દિવસના થયેલ મજૂર આંદોલન અને ધરપકડમાં છે. આ કથા વાસ્તવમાં અન્ના ઝાલોમોવા અને તેના પુત્ર પાયોટર ઝાલામોવની કથા છે.
અહિ પાવેલ એ દરેક ક્રાંતિકારી વ્યક્તિનો આદર્શ છે. જે શોષણ સામે અવાજ ઉઠાવે છે. માનવ વસાહત વચ્ચે મૂડીવાદ અને સામ્યવાદની એક દીર્ઘ લડાઈ છે. ઉમાશંકર `જઠરાગ્નિ'માં આ સામ્યવાદી સૂર રેલાવે છે. આમ આ કથા કોઈ એક પ્રદેશની કથા નથી રહેતી. દરેક શોષિત વર્ગની કથા છે. ઘરમાં હોય કે કામનાં સ્થળ પર હોય, એક શોષિત - શોષકનો વ્યવહાર દરેક ક્ષેત્ર સાથે સંકળાયેલ છે અને મોટેભાગે એ સ્વીકાર્ય બની ગયું છે. પરંતુ ક્યારેક કોઈ માથા ફરેલ પાવેલ અને તેના મિત્રો આવે છે અને આ મુડીવાદી સત્તાને પડકારે છે. આમ આ માત્ર રશિયન નવલકથા ન રહેતા વિશ્વના મૂડીવાદ સામે જજૂમતા સામ્યવાદની કથા બને છે.
પ્રા. જિજ્ઞાબા રાણા, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, સરકારી વિનયન કૉલેજ વલ્લભીપુર, વલ્લભીપુર, જિ: ભાવનગર ફોન-૮૬૯૦૩૨૭૩૨૭, email- jigna.msu@gmail.com