એક વિચાર થકી આકાર પામેલું વિશ્વ : ‘અવલોકન-વિશ્વ’
સાહિત્યના રસિકો એ કહેવતથી અજ્ઞાત નહિ જ હોય કે, ‘A reader lives a thousand lives…’. વિશ્વની અલગ-અલગ ઉત્તમ કૃતિઓનો રસાસ્વાદ માણીને તે કેટલીય જિંદગીઓનો સાક્ષી બને છે. પણ આજે વાત એનાથી અલગ કરવી છે. જે રીતે મોબાઇલમાં લોકસ્ક્રીન પર નોટિફિકેશન જોઈ અંદાજ આવી જાય તેવી ‘ઉડતી નજર’ વિશ્વની છેલ્લા એક દાયકામાં લખાયેલી ઉત્તમ કૃતિઓને એક જ પુસ્તકમાં થઈને કરી લેવાય તો? તો, તે જ કહેવતને આમ પણ કહી શકાય કે - ‘A reader lives a thousand lives in one go’.
આવો જ એક વિચાર એક સોનેરી ઘડીએ રમણ સોનીને આવ્યો હશે ને ‘અવલોકન-વિશ્વ’ નામનાં પુસ્તકે આકાર લીધો. એક સામાન્ય વાચક માટે વિશ્વની જાણીતી કૃતિઓ માત્ર ભાષાના કારણે પહોંચબહાર રહે તેવા language barrier ને જાણે નષ્ટ કરવાનું બીડું ઉપાડ્યું હોય તેમ રમણ સોનીની સંપાદકીય સૂઝે આપણને દુનિયાની કૃતિઓનો અને કૃતિઓની દુનિયાનો આસ્વાદ કરાવ્યો છે.
પુસ્તકની ગુણવત્તા એ તેમની મહેનતનો પુરાવો છે તો તેનું મુખપૃષ્ઠ તેમના સ્વપ્નનો. પુસ્તકરૂપી પગથિયા જમાનાને (વિશ્વને) જોવાની (અવલોકવાની) નવી દૃષ્ટિ પૂરી પાડે છે અને ચિત્રમાં દેખાય છે તેમ ‘બારી જેવડું આકાશ’ તો નથી જ. વિચારપ્રક્રિયા એ તો મનુષ્ય સાથે જોડાયેલી અભિન્ન બાબત છે. વિચાર તો નિરક્ષર વ્યક્તિ પણ કરી શકે છે પરંતુ માત્ર નવરાશની પળોમાં જ નહિ પણ વ્યસ્તતા વચ્ચે ઉદભવેલા વિચારનું અમલીકરણ સહુ કોઈ કરી શકતા નથી. રમણ સોનીના મનોવિશ્વમાંથી આકાર પામેલા આ પુસ્તકમાં ભારતીય અને વિદેશી ભાષાઓના મુખ્યત્વે છેલ્લા દાયકા દરમ્યાન પ્રકટ થયેલી મહત્વની કૃતિઓનો રસથાળ છે અથવા કહો કે ‘પ્રત્યક્ષ’નો જ પુનર્જન્મ છે. લગભગ ચોર્યાસી જેટલી કૃતિઓનું રસદર્શી વિવેચન તેમાં સમાવિષ્ટ છે. એક વાત એ પણ નોંધી લઈએ કે, અહીં લોકપ્રિય કૃતિને પણ સ્થાન મળ્યું છે તો માત્ર લેખકો જ નહિ પણ વાચક હોય પરંતુ ક્યારેય કલમ ન પકડી હોય એવા લોકોને કલમ પકડાવીને સંપાદકે એક ઉમદા ફરજ બજાવી છે. તો બીજી તરફ વક્તા થવા તૈયાર હોય પરંતુ આ વિશ્વમાં યોગદાન આપવા તૈયાર ન થતાં વિદ્વાનો માત્ર સંપાદકને જ નહિ પરંતુ આપણને પણ નિરાશ કરે છે.
કવિતા, નવલકથા, વાર્તા, ભાષાવિષયક, કળાવિષયક, નાટક, આત્મકથા, વ્યાકરણવિષયક, ઈતિહાસ-શાસ્ત્ર, ફિલ્મ, ચરિત્ર, રોજનીશી, લોકસાહિત્ય, ઇન્ટરવ્યુ, બાળકથા, અર્થશાસ્ત્ર અને સંશોધનવિષયક- આમ સાહિત્યના તમામ સ્વરૂપોમાં સર્જાયેલી કૃતિઓનો સારાંશ અહીં છે અને એથી વિશેષ આ ગ્રંથમાં ગુજરાતી, અંગ્રેજી, હિન્દી, સંસ્કૃત, સિંધી, મરાઠી, રાજસ્થાની, બંગાળી, પંજાબી, તમિલ, અસમિયા, ઉડિયા, ઉર્દૂ, કન્નડ અને કાશ્મીરી જેવી ભારતીય ભાષાઓનાં તેમજ અમેરિકન, આઈરીશ, આફ્રિકન, ઈટાલિયન, કેનેડિયન, તિબેટન, જાપાની, પેલેસ્ટિનિયન, પૉલીશ, ફ્રેન્ચ અને સ્પેનીશ જેવી વિદેશી ભાષાઓમાં સર્જાયેલ સમીક્ષાલેખો સ્થાન પામ્યા છે. અવલોકન-વિશ્વમાં એવા પુસ્તકોની સમીક્ષાને પણ સ્થાન મળ્યું છે કે જેના અનુવાદ હજી ઉપલબ્ધ નથી અને આ પુસ્તકની વિશેષતા એ પણ છે કે, એમાંથી પસાર થયા બાદ તમે અમુક મૂળ પુસ્તકને તમારી વાચનયાદીમાં સામેલ ન કરો તો જ નવાઈ! તો ચાલો, એવી જ અમુક કૃતિઓની વાત કરીએ…
(૧) ‘મેરિડ ટુ અ બેદૂઈન’ – માર્ગરાઈટ ગેલ્ડરમાલ્સેન
ઉપર્યુક્ત આત્મકથાનો રસાસ્વાદ અહીં ભારતી રાણેએ કરાવ્યો છે. ‘અડધું બાંધેલું, અડધું કોતરેલું’ નગર તે પેટ્રા. પર્વતોને કોતરીને બનાવેલી નગરી તે પેટ્રા. બેદૂઈન એ એક જિપ્સી પ્રજાતિ છે, જેના પૂર્વજો નેબેટિયનો તરીકે ઓળખાતા. અહીં, પ્રવાસાર્થે નીકળેલી બે બહેનપણીઓ પૈકી એક ડચ યુવતી માર્ગરાઈટની મુલાકાત પેટ્રામાં મોહમ્મદ અબ્દુલ્લાહ નામના સ્થાનિક બેદૂઈન યુવક સાથે થાય છે (આત્મકથાકારની પેટ્રાની સફર પણ તેની સખી એલિઝાબેથને કારણે શક્ય બને છે) અને પછી નિયતિ તેને ક્યાંથી ક્યાં લઈ જાય છે, તે કથાનક આપણને જકડી રાખે છે. મોહમ્મદ સાથેની આકસ્મિક મુલાકાત, લગ્ન બંધનમાં પરિણમતો એ પરિચય, અભાવો વચ્ચે કોઈ જાતની ફરિયાદ વિના પેટ્રામાં વસતી નાયિકા અને મોહમ્મદના મૃત્યુ બાદ પણ પેટ્રા ન છોડી શકતી એ માર્ગારાઈટ… આ કથા એક સાચા પ્રેમની કથા છે. માર્ગારઈટનો મોહમ્મદ અને પેટ્રા પ્રત્યેનો પ્રેમ! વિશ્વભરની પંદર જેટલી ભાષાઓમાં આ પુસ્તક પ્રકાશિત થઈ ચૂક્યું છે. ‘ઈપ્સિતાયન’ થકી જેમને વિશેષ જાણું છું એવા ભારતી રાણેએ અહીં થોડા શબ્દોમાં કૃતિનો સુંદર રસાસ્વાદ કરાવ્યો છે.
(૨) ‘ફેમિલી લાઈફ’ – અખિલ શર્મા
અર્ધઆત્મકથનાત્મક નવલકથા ‘ફેમિલી લાઇફ’નો પરિચય આ પુસ્તકમાં બિપીન પટેલે કરાવ્યો છે. જેમાં, ઉચ્ચ જીવનધોરણની આશાએ અમેરિકા સ્થળાંતરિત થતા મિશ્રા કુટુંબની વાત છે. રાજીન્દર મિશ્રાના બે પુત્રો બીરજુ અને અજયની ભિન્ન વિચારસરણી, બીરજુને થતી ઈજા, અજયના મનોજગતમાં આકાર લેતા ભાવપલટાઓ અને એકલતાની પીડાને ઉલ્લેખતી આ કૃતિ સાચે જ અનપુટડાઉનેબલ છે. એ સાથે જ અમેરિકાની ઝાકઝમાળ પણ કથાની સમાંતરે ચાલતી હોવાથી કૃતિ નીરસ બનતી નથી.
(૩) ‘ધ મેજિક ઓફ સાયદા’ – એમ. જી. વાસનજી
આ નવલકથાનું શીર્ષક જ એના વિષયવસ્તુ અંગે ઉત્સુકતા જન્માવે એવું છે. રંજના હરીશ આ કૃતિને બહુકોણીય આયામો થકી આપણી સમક્ષ ખોલી આપે છે. કુલ ચાર ખંડોમાં વિભાજીત આ કૃતિમાં ભારતીય મૂળના અને આફ્રિકાના કિલવા ગામમાં ઉછરેલા અને ત્યારબાદ કેનેડાના આલ્બર્ટા નગરમાં પાંત્રીસ વર્ષના નિવાસ બાદ પુનઃ ઇસ્ટ આફ્રિકામાં સાયદાની ખોજ માટે આવેલા પીઢ નાયક કમલ પૂંજા કેન્દ્ર સ્થાને છે. સાયદા અને નાયકનું બાળપણ સાથે વીત્યું હતું. આફ્રિકામાં પ્રચલિત માન્યતાઓ અને અંધશ્રદ્ધાને પણ આ કૃતિમાં સ્થાન મળ્યું છે. નવલકથાના બીજા ભાગમાં નાયકની માતા નાયકને ઇન્ડિયન બનાવવાની આશાએ સગાઓ સાથે દારેસલામ મોકલી આપે છે અને નાયક કિલવા અને સાયદા બંનેથી માત્ર ભૌગોલોક રીતે છુટા પડે છે. બાળનાયક કમલની વ્યથા તેના જ શબ્દોમાં- ‘હું આફ્રિકન છું. મા, હું નથી ઇન્ડિયન બોલતો કે નથી ઇન્ડિયન ખાતો…’ કમલને પોતાની દાદીના ઘરમાં આશરો તો મળે છે પણ તે પણ ભૂવાએ આપેલી સલાહને કારણે. કથામાં આવતા એકેએક બનાવો સુસંગત લાગે છે. સમય પસાર થાય છે અથવા કહો કે વર્ષોના વર્ષો પસાર થાય છે પરંતુ સાયદાનો જાદુ તેને સતત આફ્રિકા ભણી ખેંચતો રહે છે. હવે તો, સાયદાની ખોજ જ જાણે જીવનનું લક્ષ્યાંક છે. છેક અંતે નાયકને ખબર પડે છે કે સાયદા તો મૃત્યુ પામી છે. સાયદા તો હવે નથી છતાં નાયકને કેનેડા પરત જવું નથી અને આફ્રિકાની ભૂમિમાં અથવા કહો કે સાયદાની ભૂમિમાં જ પ્રાણત્યાગ કરવાની એકમાત્ર ઈચ્છા શેષ રહે છે.
(૪) ‘લર્ન ગુજરાતી’ – વેણુ મહેતા
નરેશ વેદ એક નવા જ અને આજના અંગ્રેજી માધ્યમના જમાનામાં ખૂબ ઉપયોગી એવા પુસ્તકથી આપણને અવગત કરાવે છે. ખાસ કરીને વિદેશમાં વસતાં અને ગુજરાતી ભાષા શીખવા ઉત્સુકો માટે આ પુસ્તક વરદાનરૂપ બની રહે છે. આ પુસ્તક અંગેજી ભાષામાં સહજ રીતે ગુજરાતી ભાષાવિષયક માહિતી પીરસે છે. ગુજરાતી ભાષાનો ઉદગમ, શબ્દભંડોળ, ગુજરાતી વાક્યરચના, ગુજરાતી લિપિ, સ્વર-વ્યંજન, પદક્રમ તેમ જ લિંગ-જાતિ-વચન-કાળ બધાની જ સમજૂતી આપી છે. દરેક પ્રકરણને અંતે એકસરસાઈઝ પણ મૂકી છે. રમતિયાળ શૈલીમાં અંગ્રેજી ભાષા શીખવા માટે ‘આસાન અંગ્રેજી’ (નગેન્દ્ર વિજય) પુસ્તક ઉપલબ્ધ છે તો ગુજરાતી ભાષા શીખવા માટે ઉપલબ્ધ છે – ‘લર્ન ગુજરાતી’.
(૫) ‘હેરેટિક’ – આયાન હિર્સી અલી
એક નમ્ર વિનંતી! આ પુસ્તક માત્ર એ લોકો માટે જ વાંચવું હિતાવહ છે કે, જેમની નજર ‘પ્રતિક્રિયાત્મક’ નહિ પણ ‘અભ્યાસુ’ હોય. લેખિકા પોતાની જિંદગીના શરૂઆતના વીસ વર્ષો સુધી ઈસ્લામ ધર્મના નિયમોનું પોતાની ખુશીથી ચુસ્ત રીતે પાલન કરે છે. પરંતુ ત્યારબાદ તેમને થયેલા અનુભવોને કારણે જગતના તમામ ધર્મોમાંથી તેમની શ્રદ્ધા ડગી જાય છે. પાંચ પ્રકરણમાં વિભાજીત આ પુસ્તકમાં ઇસ્લામ ધર્મ અંગે તટસ્થ રહીને તેઓ એટલી સુંદર વાત અને દલીલ કરે છે કે, તેમના પ્રત્યેના માનમાં અનેકગણો વધારો થઈ જાય. ધર્મ અંગે વાત કરવી એ કેટલું દુષ્કર છે તેનો પણ ખ્યાલ આપણને પ્રાપ્ત થાય છે. લોકો તેમને તેમના બયાન બદલ પાખંડી ઠેરવે છે પણ શું યોગ્ય છે? આ જવાબ ખુદ પુસ્તક વાંચીને જ મેળવવો રહ્યો. દુનિયાના તમામ મુસ્લિમોનો સમાવેશ તેઓ ત્રણ જૂથોમાં કરે છે – ‘મદીના મુસ્લિમ’, ‘મક્કા મુસ્લિમ’ અને ‘સુધારા માટે ઉત્સુક મુસ્લિમ’. રાજકારણ માટે ધર્મયુદ્ધ કદીય ઉચિત ન જ હોય શકે એ પણ સમજવું રહ્યું. ૨૦૧૫માં પ્રકાશિત થયેલ આ પુસ્તકને સમીક્ષા માટે ચયન કરવા બદલ અશોક વિદ્વાંસનો આભાર.
આ પુસ્તકનો નોખો અંદાજ એ પણ છે કે, અનુક્રમણિકા ભાષાનામના અકારાદિક્રમે છે. ‘ટૂ મચ હેપીનેસ’ (બ્રિટન), ‘ઇન ઓલ્ટર પારોલ’ (ઇટલી), ‘કટિંગ ફોર સ્ટોન’ (અમેરિકન) અને ખતમ ન થતી યાદી… અને ‘સોનામાં સુગંધ ભળે’ તેમ અનુક્રમને પાનનંબર પ્રમાણેની ચવાઈ ગયેલી રીતને બદલે પુસ્તકની જરૂરિયાતને સમજીને ભાષા પ્રમાણે રાખ્યું છે. જેથી ‘સાહિત્યના સ્વિમિંગપુલ’માં ડૂબકી લગાવવામાં સરળતા રહે. સંપાદકીય કથનમાં રમણ સોનીએ નોંધ્યું છે તે યથાર્થ છે - ‘અવલોકન-વિશ્વ વાચનરુચિનો એક બહુ લાક્ષણિક આલેખ છે.’
આ પુસ્તકના રસાળ વળાંકોને માણ્યાબાદ કહેવું જ પડે કે, જે વાંચતો નથી તે જીવતો નથી. આપને સૌ થીમ પાર્કમાં ગયા જ હોઈશું. આ પુસ્તક પણ એવું જ છે. જેમ થીમ પાર્કમાં અલગ-અલગ રાઇડ્સ હોય તેમ અહીં અહીં અલગ-અલગ સમીક્ષકોના લેખને શણગારાયાં છે અને તે તમામને સંકલિત કરાયા છે. જાણે કે, બાગના અહીં-તહીં વેરાયેલા ફૂલોને એકઠા કરી બૂકે બનાવાયો છે અને તેની પમરાટ વાચકની સાહિત્યક્ષુધાને તૃપ્ત કરે ત્યારે મહેનત સફળ લાગે. વાત એટલેથી જ અટકતી નથી. આપણે કોઈ મોંઘી વસ્તુ ખરીદીએ અને પ્રત્યાગમન ભેટ મળે તેમ અહીં અવકાશપુરકોની ભેટ મળી છે. જે-તે પુસ્તકની છબી, સમીક્ષાકારોના ઇ-મેઇલ/નંબર પણ સમાવિષ્ટ છે. ટૂંકમાં, ભાષાભેદને કારણે અલિપ્ત રહેલા સાહિત્યની નિકટ લઈ આવતો આ પ્રયાસ ખરેખર પ્રશંસનીય છે.
જો કે, છેલ્લા દાયકા દરમ્યાન પ્રકાશિત થયેલ પુસ્તકોની વાત હોય, ભાષા-વિષય કે સ્વરૂપનું બંધન ન હોય, સાહિત્યિક કૃતિ જ હોવી જોઈએ એવો આગ્રહ ન હોય, અનેકવિધ ક્ષેત્રોના લોકોનો (નહીં કે માત્ર સર્જકોનો જ) સહિયારો પ્રયાસ હોય છતાં અમુક પુસ્તકોને અહીં સ્થાન મળ્યું નથી (હકીકતે મળવું જોઈએ) તે વિસ્મયકારક છે. જેમ કે, ‘આ છે સિઆચેન’ (હર્ષલ પુષ્કર્ણા), ‘Brief answers to the big questions’ (Stephen Hawking) અને ‘The girl in red’ (Christina Henry).
‘આઇ નેવર પ્રોમિસ્ડ યૂ અ રોઝ ગાર્ડન’ (જોઆન ગ્રીન બર્ગ)ની નાયિકા ડેબોરા બ્લાઉ જે રીતે વાયઆરના કાલ્પનિક સામ્રાજ્યમાં ખોવાઈ જાય છે તેમ ‘અવલોકન-વિશ્વ’માં ભ્રમણ કરતા ભાવક પણ એક અલાયદા સામ્રાજ્યમાં ખોવાઈ જશે એની પાક્કી ખાતરી! આવા પુસ્તક હજી આવવા જોઈએ, આવતા રહેવા જોઈએ. જે ભાષાને જીવંત રાખવાના પ્રયાસોમાં પ્રવેગક (Accelerator)નું કામ કરશે.
[અવલોકન-વિશ્વ – સંપાદક: રમણ સોની, પ્રત્યક્ષ પ્રકાશન, પ્ર. આ.- ૨૦૧૭, મૂલ્ય- ૪૫૦રુ.]
જાનકી મયંકકુમાર શાહ, 90, જનકપુરી સોસાયટી, જંબુસર. જિ. ભરૂચ. ગુજરાત-392150 નંબર: 9825941188 મેઈલ આઈ-ડી: jankeeshah@gmail.com