એકાંકીકાર: લાભશંકર ઠાકર
20મી સદીના આરંભે ઔદ્યોગિક ક્રાંતિના આક્રમણ અને નગરસંસ્કૃતિનો પ્રભાવ, બબ્બે વિશ્વયુદ્ધ, ગાંધીજીની હત્યા જેવી ઘટનાઓએ સંવેદનશીલ માનવીને ખળભળાવી નાખ્યો. હવે માનવી ટોળા વચ્ચે પણ એકલતાનો અનુભવ કરવા લાગ્યો. જીવનમૂલ્યોનું બાષ્પીભવન થવા લાગ્યું. માનવી જેને જીવનનો આધાર માનતો હતો એ ઈશ્વર પણ હિરોશીમા અને નાગાસાકીના હજારો નિર્દોષોને બચાવી ના શક્યો. હતાશા, નિરાશા, રિક્તતા, શૂન્યતા, એકલતા, પરાયાપણા, સ્વાર્થીપણા, માનવસંબંધની પોકળતા હવે સાહિત્ય સર્જનના વિષય બન્યા. અસ્તિત્વવાદ, અતિવાસ્તવવાદ, દાદાઇઝમ, એબ્સર્ડ જેવી વિચારધારાઓ ઉદ્દભવી. આલ્બેર કામૂ, સાર્ત્ર, જેમ્સ જોયસ, બોદલેર, બેકેટ વગેરેની કૃતિઓમાં તેના પડઘાઓ સંભળાયા.
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો આવિર્ભાવ સુરેશ જોશી આગમન સાથે થયો.તો 1965માં લાભશંકર ઠાકર અને સુભાષ શાહે સંયુક્ત રીતે ‘એક ઉંદર અને જદુનાથ’ નાટક લખીને ગુજરાતી સાહિત્યમાં એબ્સર્ડ નાટકો લખવાની શરૂઆત કરી. વીસમી સદીના સાતમા-આઠમા દાયકામાં ગુજરાતી એકાંકી ક્ષેત્રે લાભશંકર ઠાકર સહિત આદિલ મનસૂરી, ચિનુ મોદી, મધુ રાય, હસમુખ બારાડી, ચંદ્રકાંત શેઠ, ઈન્દુ પુવાર, રમેશ શાહ ઇત્યાદિ પાસેથી ઉત્તમ મૌલિક એબ્સર્ડ એકાંકી મળ્યાં.
ગુજરાતી સાહિત્યમાં આધુનિકતાનો આવિર્ભાવ થયો ત્યારથી એકાંકી- નાટક ક્ષેત્રે સક્રિય લાભશંકર ઠાકરે ‘એક ઉંદર અને જદુનાથ’ ઉપરાંત ‘મનસુખલાલ મજીઠિયાં’, ‘કાહે કોયલ શૉર મચાયે ‘, ‘સજીવ પૂતળાં‘ જેવાં પૂર્ણકદના નાટકો આપ્યા છે. જો કે લાભશંકર ઠાકરની સર્જકતાનો ખરો ઉન્મેષ એમના એકાંકીમાં જોવા મળે છે.
લાભશંકર ઠાકરે કુલ ચાર એકાંકીસંગ્રહોમાં એકવીસ (21) એકાંકી આપ્યાં છે. (1) મરી જવાની મઝા ( 1973 ) 07 (2) બાથટબમાં માછલી (1982) 07 (3) સ્વપ્નાક્ષરી (2003 )05 (4) મકસદ (2006) 02
આ એકવીસ એકાંકીમાં તેમણે નવ્વાણું પાત્રો આલેખ્યાં છે. જેમ સંખ્યાની દ્રષ્ટિએ ઓછા એકાંકી છે, તેમ આ એકાંકીઓમાં પણ પાત્રોનો શંભુમેળો નથી કર્યો. મર્યાદિત પાત્રો પાસે એમણે ધાર્યું કામ કરાવી લીધું છે. લેખકે રંગભૂમિને કેન્દ્રમાં રાખીને એકાંકી લખ્યાં હોય, આ એકાંકીઓ પ્રમાણમાં ચુસ્ત છે. એકાંકીમાં કયાંય ઢીલાશ પડવા નથી દીધી. ટૂંકા ને ટચ સંવાદો દ્વારા સંઘર્ષ આલેખવામાં લેખક સફળ રહ્યા છે. એમના એકાંકીઓ વિશે સતીશ વ્યાસના શબ્દોમાં કહીએ તો ‘છલોછલ વિસ્મય. વૈચિત્ર્ય અને તિર્યકતા એમની પાસે અવનવાં નાટ્યરૂપો સરજાવે છે. એ નાટકોમાં ભરપૂર મંચનક્ષમતા છે.’[1]
માનવસંબંધની પોકળતા, સંકુલતા, વિડંબનાને તેમણે ક્યારેય હાસ્ય-કટાક્ષ- વ્યંગ- કાકુની શૈલીમાં રજૂ કરી છે. પણ એ રમૂજ પાછળનું કરુણ હચમચાવી મૂકે એવું છે. ‘કુદરતી’ એકાંકી વિશેની લેખકની કેફિયત જુઓ- ‘હા, આ હિલેરિયસ એકાંકી મનુષ્યની વિચાર કરવાની ક્ષમતા ધરાવતા brainને તાકતું કરુણ વિસંગતિનું નાટક છે. પુણ્ય કરવાનું પણ સહજ, કુદરતી. એનો ‘વિચાર’ નહીં કરવાનો. પણ માણસનું મગજ કોઈ પણ સંવેદનની ક્ષણ પછી વિચારપ્રક્રિયામાં મુકાય છે. જે સહજ, કુદરતી છે તે idea બની જાય છે. તેમ થતાં સ્વર્ગ એ માત્ર કલ્પિત idea બની રહે છે. હસવા સિવાય આ કરુણતાને face કરવાનો ઈલાજ નથી. તેથી આ બ્લેક ફાર્સ કે ટ્રેજેડીકૉમેડીમાં હાસ્ય અને કરુણ અભિન્ન બની રહે છે. ‘[2]
હાસ્ય અને કરુણ લગભગ લેખકની મોટાભાગની કૃતિઓમાં મુખ્ય ભાવ તરીકે જોવા મળે છે. આ ભાવ ‘મરી જવાની મઝા’થી લઈને ‘આશય’ સુધીના એકાંકીઓમાં જળવાયેલો રહ્યો છે, છતાં એ મેલોડ્રામામાં સરી પડ્યા નથી. વળી, સરી પણ પડવાની શક્યતા દેખાય છે ત્યાં એ એકાંકીની જરૂરિયાત બની છે. ‘મરી જવાની મઝા’, ‘કુદરતી’, ‘ઈરાદો’, ‘વૃક્ષ’, ‘બાથટબમાં માછલી’, ‘કાહે કોયલ શૉર મચાયે’, ‘સ્વપ્નાક્ષરી’, ‘રમત’, ‘ખીચડી’ એમના અનેકવાર ભજવાયેલા એકાંકી છે. ‘મરી જવાની મઝા’ એકાંકીમાં માનવજીવનની વિસંગતિનો ખ્યાલ લેખકે છાપાવાળા અને બગલથેલાવાળા તથા તેનાથી વિપરીત એવા રાજકુમારીના પાત્રના નિરૂપણ દ્વારા આપ્યો છે. એક તરફ જયાં ઊંઘ અને ભૂખ મહત્વની છે, બીજી તરફ મોર, ગલૂડિયાં, છાપા, બીડી, ધૂમાડો, ઘંટડી અને મૃત્યુ પણ વિસ્મયની વસ્તુ છે. ત્યારે રાજકુમારીના મુખે મુકાયેલું વિધાન- ‘વાહ! વાહ! કેવી મઝાની વસ્તુ છે! મરી જવાની કેવી મઝા આવે છે!’ ( મરી જવાની મઝા: પૃ.20) આપણી આર્થિક, સામાજિક, ચૈતસિક વિષમતાને બ, છ અને રાજકુમારીના પાત્ર દ્વારા આલેખી છે. ‘કુદરતી’ એકાંકીમાં તળપદી ભાષાનો વિનિયોગ ધ્યાન ખેંચે છે. ‘પૂન કરવાનું પણ ઈનો વિચાર નઇ કરવાનો, થઈ જવું જોઈએ, કુદરતી’ (મરી જવાની મઝા : પૃ.29) ‘ઈરાદો’ ખરાં અર્થમાં એબ્સર્ડ એકાંકી છે. લેખકે મનુષ્યજીવનની અસંગતિને ખૂબીથી વ્યક્ત કરી છે. ‘ઈન્સ્પેક્ટર સાહેબ! આ રહી એ છોકરી. એણે મારું ખૂન કર્યું છે. ‘ (મરી જવાની મઝા) વિધાનમાં લેખકે મનુષ્યજીવનની વિસંગતિને પ્રગટ કરી છે.
એ જ રીતે ‘બાથટબમાં માછલી’ ભરપૂર મંચનક્ષમતાવાળું એકાંકી છે. એકાંકીમાં અંતે વિનાયક બોલે છે કે ‘બાથટબમાં માછલીના હોય, ન જ હોય, તળાવમાં, નદીમાં, દરિયામાં અરે એકવેરિયમમાં માછલી હોય,પણ બાથટબમાં માછલી ન હોય’ (મરી જવાની મઝા: પૃ.118) જીવનની વિસંગતતા, અભાવો ને તેને પામવાના વલખાં અહીં સૂચક રીતે વ્યક્ત થયાં છે. અનેકાનેકવાર ભજવાયેલ ‘વૃક્ષ’ એકાંકીમાં જીવતો જાગતો ચંપક વૃક્ષ બની જાય.માનવીનું વૃક્ષ બની જવાની ઘટનાનો પ્રચાર અને પ્રસાર થાય. પછી તો માણસ એમાંથીય ધંધો શોધી લે છે. ને આ ઘટનાને પૈસાઊભા કરવાનું સાધન બનાવી દે છે. મનુષ્યસંબંધની પોકળતા, નિર્દયતા, સ્વાર્થીપણું આ એકાંકીના માધ્યમથી લેખક ખુલ્લું પાડે છે. પૈસાની લ્હાયમાં સ્વયં પત્ની પણ પતિ પ્રત્યે કેટલી હદે સંવેદનહીન બને છે, તેનું તાદ્દશ ચિત્રણ અહીં છે.મનુષ્યસંબંધની પોકળતા વચ્ચે ચંપકની દીકરી ચકુની સંવેદનશીલતા સ્પર્શી જાય છે.
પરેશ નાયકે જેના પ્રયોગો કર્યા છે એ ‘રમત’ એકાંકીમાં બહેનની સંમતિથી સહકર્મચારિણી સાથે ભાઈ લગ્ન કરવા તૈયાર થાય છે. પણ ભાઈ સાથેના સંબંધ વિચ્છેદને કારણે ઊભો થતાં ભયથી એ આત્મહત્યા કરવા પ્રેરાય છે. અહીં હેલ્પલાઈનના હેલ્પરના માધ્યમથી નાયિકાના સૂક્ષ્મ સંવેદનને આલેખવામાં આવ્યું છે. અંતે મુંબઈ ભાઈના લગ્નમાં જવા તૈયાર થતી નાયિકા એકાંકીને સુખદ અંત આપે છે. એ જ રીતે ‘સ્વપ્નાક્ષરી’ એકાંકીમાં કૉલેજકાળમાં હોસ્ટેલમાં રહેતી બહેનપણીની શરતો છે કે લાસ્ટ ડ્રીમ કહેવું. હોસ્ટેલના સમયમાં સ્વપ્નમાં રિતિક રોશન આવે. આઈ લવ યુ કહે, બાહોમાં ઊઠાવીને કિસ કરતાં- કરતાં આકાશમાં ઊડવા લાગે. એ બધું કૉલેજકાળ અને દિવાસ્વપ્નમાં શક્ય છે. કૉલેજકાળ પછી વચ્ચે વચ્ચે આ બહેનપણીઓ મળે ત્યારે કૉલેજકાળની સ્વપ્નસૃષ્ટ્રિથી વિપરીત જીવનની પીડા એકબીજાને કહે છે. સ્વપ્ન અને વાસ્તવની ભેદરેખા સર્જકે અહીં બે બહેનપણીઓના સ્વપ્નમયી કૉલેજકાળ અને વર્તમાનના સંસારજીવનના માધ્યમથી રજૂ કરી છે. ઉત્તમ સામગ્રીનું સુંદર આલેખન એકાંકીને આસ્વાદ્ય બનાવે છે.
‘ખીચડી’ એકાંકીમાં પણ વાસ્તવને હાસ્ય- કરુણના માધ્યમથીરજૂ કર્યું છે. દામ્પત્યજીવનના સુખભર્યા દિવસો, ખીચડીની સુંગધ વચ્ચે યમરાજ પતિને લેવા આવે અને પતિ ‘મઘમઘતી અમરત જેવી ખીચડી ખાધીશછે.ઈ પચીય નથીને-‘ ને યમ કહે કે- ‘સારું જા પચે પછી આવીશ.’ (સ્વપ્નાક્ષરી:પૃ.59 ) ને પછી પચવા દેવાના પત્નીના અખતરા, સાવિત્રી કરતાં ચડિયાતી હોવાની પ્રતીતિ લેખક કરાવે છે. સાતે-સાત દિવસના વિવિધ ભોજનો... પરંતુ છેલ્લે- ‘પુરુષ- બટકી ગિયો છું. માંયલું મન બટકી ગિયું છે. ખાઈ ખાઈને- (અટકે છે) ઉપરાઉપરી લેટ્રિન જઈને. શું આ જ કર્યા કરવાનું છે?’ (સ્વપ્નાક્ષરી:પૃ.59) અને યમરાજને ભગાડતો પુરુષ સામે ચાલીને યમ તરફ ડગ ભરે છે. ત્યારે મનુષ્યજીવનની વાસ્તવિકતા, નિયતિ સામેની લાચારી પ્રગટ થાય છે.
લાભશંકર ઠાકરના છેલ્લા બે એકાંકી પણ અસરકારક છે. ‘મકસદ’ એકાંકીમાં પ્રોફેસરની કેરટેઈકર આમ તો પ્રોફેસરના ઐતિહાસિક રિસર્ચ પેપરને બાળી નાખવાના મકસદથી આવી છે. પરંતુ એ બાળવા જતાં અટકીને પ્રેમ પ્રગટાવવા તરફ આગળ વધે છે. સાંપ્રત સમાજની વાસ્તવિકતાનો આધાર લઈને લેખકે અંતે ‘અંતર મમ વિકસિત કરો’નો મકસદ સેવવાનું કહે છે. ‘આશય’ એકાંકીમાં યોગાનુયોગ પત્નીનો પ્રેમી એક કાર્યક્રમમાં પતિની સાથે મંચ પર મળે અને એ મૈત્રીમાં પ્રેમી પોતાની પ્રેમિકાને ન મળી શક્યાની દુઃખની લાગણી વ્યક્ત કરી, આત્માહત્યા કરવાનો વિચાર કરે છે, ત્યારે પતિ એની પ્રેમિકાના વર્ણનને આધારે સમજી જાય છે કે આ તો મારી પત્નીની જ વાત છે, એને બંનેને ભેગા કરવાનું અને પત્નીના મનને જાણવાનું તે કાવતરું રચે છે. પણ પત્નીની નિખાલસતા અને ઉદ્દાત ભાવના પ્રેમીને પણ જીવન જીવવાનો મહિમા સમજાવી દે છે. ‘મકસદ’ એકાંકીમાં સાંપ્રત બનાવો પ્રત્યેના બળાપા વચ્ચે અંતરમનને વિકસિત કરવાની વાત છે, તો ‘આશય’ એકાંકીમાં આરંભથી અંત સુધી ચાલતું રહેલું રહસ્ય અને એનાથી વિપરીત અંત એકાંકીને ભાવક ભોગ્ય બનાવે છે.
લાભશંકર ઠાકરના એકાંકીની એક વિશેષતા એ છે કે એમણે સાવ સામાન્ય કહી શકાય એવા વિષયોને પણ એકાંકીનો વિષય બનાવી,એકાંકી સર્જન કર્યું છે. કોઈ પણ જાતના સેટ નિર્માણ વગર પણ એકાંકી ભજવી શકાય એવું વસ્તુ, કેટલીક વાર તો વાચિક અભિનયથી જ કામ ચાલી શકે એવા રેડિયો- નાટક જેવા એકાંકી આપ્યાં છે. પાત્રોચિત ભાષા, અસરકારક સંવાદ અને સંઘર્ષ એમના એકાંકીનું જમા પાસું છે.
સંદર્ભ
જગદીશ કંથારીઆ, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, કીમ, જિ-સુરત 9924610721 jagdishkantharia@gmail.com