પસંદગીની કૃતિઓના સંદર્ભે પાઠ-નિર્ણયની સમસ્યાઓ
મધ્યકાલીન સાહિત્ય હસ્તપ્રતોમાં સચવાયેલું છે. આ હસ્તપ્રતોનું લેખન એકથી વધુ લહિયાઓના હાથે થયેલું જોવા મળે છે. પરિણામે સાહિત્યના અભ્યાસમાં આ ગાળામાં કૃતિવિષયક, કર્તાવિષયક, સમયનિર્ણય, અર્થનિર્ણય અને પાઠસંપાદનની અનેક સમસ્યાઓ પ્રાપ્ત થાય છે. આ સમયગાળામાં મુદ્રણયંત્ર કે મુદ્રણકળાની શોધ થઈ ન હોવાથી મોટાભાગનું સાહિત્ય હસ્તલિખિત છે. વળી, કવિઓ આ સાહિત્યની અનેક નકલો લહિયા પાસે લખાવતા. આ લહિયાઓ ક્યારેક હસ્તપ્રતમાં પોતાની રીતે ઊમેરા કરતાં. આના કારણે હસ્તપ્રતોના એકથી વધારે પાઠાંતરો પણ પ્રાપ્ત થાય છે.
મધ્યકાલીન યુગ રાજકીય ઉથલપાથલ, અંધાધૂંધીથી ફેલાયેલો, પરદેશી આક્રમણોથી ભરેલો હતો. આ પરિબળોને કારણે કેટલીક હસ્તપ્રતો નષ્ટ પામી હતી. કેટલીક પુસ્તકાલયોમાં તો કેટલીક જૈનભંડારોમાં સચવાયેલી રહી હતી. ક્યારેક હસ્તપ્રતો વારંવાર ઉપયોગમાં લેવાથી ફાટવા લાગી કે અક્ષરો ઘસવા લાગ્યા. આથી આ હસ્તપ્રતો પરથી નવી હસ્તપ્રતો તૈયાર થવા લાગી. જેથી આ હસ્તપ્રતોના એકથી વધુ પાઠાંતરો પ્રાપ્ત થયા.
આવાં કારણોને લીધે પાઠ-સંપાદન એ મધ્યકાળના સાહિત્યાભ્યાસ અને સાહિત્ય સંદર્ભે મહત્વની સમસ્યા ગણાવી શકાય. અહીં આ પાઠ-સંપાદન એટલે શું? એવો પ્રશ્ન આપણા મનમાં સહજ થાય. મધ્યકાળમાં આપણને ક્યારેક એક જ પ્રતની અનેક હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે. આવાં સમયે કઈ હસ્તપ્રતને મુખ્ય ગણવી અને અને કઈ હસ્તપ્રતને ગૌણ ગણવી, ક્યાં ક્યાં પાઠાંતરો આ હસ્તપ્રતોમાંથી પ્રાપ્ત થાય છે, તેની નોંધો કરી, જોડણી, ભાષા, છંદ વગેરેની સમાનતાની તપાસ કરી, કયો પાઠ શ્રદ્ધેય અને પ્રામાણિક છે તે નક્કી કરી પરિષ્કૃત અને શાસ્ત્રીય પાઠ આપવો એટલે પાઠ-સંપાદન.
મધ્યકાળમાં પાઠ-સંપાદનના અનેક પ્રશ્નોની છણાવટ હરિવલ્લ્ભ ભાયાણી, જયંત કોઠારી જેવાં સંશોધકોએ વિગતે કરી છે. મધ્યકાળમાં પાઠ-સંપાદનના પ્રશ્નો મુખ્યત્વે લહિયાઓના કારણે ઉદ્ભવ્યા છે. કેટલીકવાર લહિયાઓ મનફાવે ત્યાં અનુસ્વાર મૂકી દેતા તો ક્યારેક અનુસ્વાર વગર લહિયાઓ ચલાવી લે છે, આથી પણ પાઠ વાચવામાં મૂશ્કેલી અનુભવાય છે. ઘણીવાર શબ્દ કે અક્ષર પણ લહિયાઓથી ભૂલથી રહી જાય છે. વળી ક્યારેક લહિયાઓથી આખો વધારાનો શબ્દ પણ ઉમેરાય જાય છે. એ તો ખરું જ પણ સાથે સાથે અમુક શબ્દોને સ્થાને અમુક શબ્દો પણ આવી જાય છે. તો ક્યારેક લહિયાઓ ક્રમ પણ બદલી નાખે છે. વળી, મધ્યકાળમાં શબ્દો વચ્ચે જગ્યા રાખ્યા વિના એક સાથે સળંગ લખવામાં આવતું હતું. આથી પણ પાઠ-સંપાદનના અનેક પ્રશ્નો ઉદ્ભવ્યા છે.
કોઈ કૃતિના પાઠ-સંપાદનમાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવાની હોય છે :
આટલી વાત ધ્યાનમાં રાખી પાઠ-સંપાદનની શાસ્ત્રીય વાચના તૈયાર કરી શકાય. હવે મધ્યકાલીન સંપાદિત કૃતિઓના સંદર્ભે પાઠ-સંપાદનની સમસ્યાઓ જોઈએ.
ઉમાશંકર જોશી અને હરિવલ્લ્ભ ભાયાણી સંપાદિત પ્રેમાનંદકૃત ‘દશમસ્કંધ’ ૧૯૬૬માં પ્રકાશિત થાય છે. સંપાદન માટે સંપાદકોએ જુદી-જુદી સાત હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો છે. આ વિવિધ હસ્તપ્રતોને બે જૂથમાં વહેંચી દીધી છે. એક જૂથમાં ‘ક’ અને ‘ઘ’ જ્યારે બીજા જૂથમાં‘ગ’, ‘ખ’ અને ‘ચ’ સંજ્ઞા વાળી હસ્તપ્રતો આલેખી છે. આ બે જૂથોમાંથી અર્થ, પ્રાસ, અનુપ્રાસ, છંદ વગેરે બાબતોને ધ્યાનમાં રાખીને સંપાદકોએ પરિષ્કૃત પાઠ આપ્યો છે. સંપાદકોને હસ્તપ્રતોના શબ્દોની અરાજકતા લાગી છે. એટલે સંપાદિત પાઠમાં માન્ય જોડણી સ્વીકારી છે. પરંતુ અર્ધતત્સમ શબ્દો આધારભૂત પ્રત પ્રમાણે જ રાખ્યા છે. જેમકે ‘કાળાગ્રેહ’, ‘સંપુષ્ટ’, ‘સંકષ્ટ’, ‘પ્રૌગઠ’.
ભોગીલાલ સાંડેસરા સંપાદિત મેરુસુન્દર ઉપાધ્યાયકૃત ‘વાગ્મટાલંકારબાલાવબોધ’ની એક જ હસ્તપ્રત સંપાદકને પ્રાપ્ત થાય છે. હસ્તપ્રત શુદ્ધ હોય એવું અનુમાન સંપાદકે કર્યું છે. તેનું કારણ આપે છે કે જે વર્ષમાં ‘વાગ્મટાલંકાર’ની રચના થઈ એ જ વર્ષમાં આ હસ્તપ્રત લખાઈ છે. સંપાદકના મતાનુસાર હસ્તપ્રતમાં કુલ ૨૭ પત્રો છે જે ૨૮ હોવા જોઈએ. અહીં લહિયાના પ્રમાદને કારણે એક પત્ર રહી ગયું હોય અથવા તો લહિયાએ એક પત્રને ખોઈ નાખ્યું હોય એવું બને. એ છતાં આખો ખંડ અખંડિત સ્વરૂપમાં પ્રાપ્ત થાય છે.
ભોગીલાલ સાંડેસરા સંપાદિત યશોધીરકૃત ‘પંચખ્યાન બાલાવબોધ’માં સંપાદકને ‘વિ’, ‘ઈ’, ‘ભા-૧’, ‘વ’, ‘ભા-૨’ એમ કુલ પાંચ હસ્તપ્રતો પ્રાપ્ત થાય છે. આ પાંચેય હસ્તપ્રતોનો સંપાદકે ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને ‘વિ’ હસ્તપ્રતને મુખ્ય પ્રત તરીકે સ્વીકારી, આ કૃતિની સમીક્ષિત વાચના તૈયાર કરી છે. વળી જે જે પ્રતમાંથી પડી ગયેલા પાઠની પૂર્તિ કરી છે અને જે તે પ્રતનો ઉલ્લેખ પાઠાંતરોમાં સંપાદકે કર્યો છે.
ઉમાશંકર જોશી સંપાદિત ‘અખાના છપ્પા’ની ત્રીજી આવૃતિ ઈ.સ.૧૯૭૭માં પ્રકાશિત થાય છે. સંપાદકે આઠ હસ્તપ્રતોનો ઉપયોગ કર્યો છે. અખાની ભાષા અર્વાચીન ગુજરાતીના આરંભની છે. ઉત્તર-મધ્યકાલીન અને અર્વાચીનના આરંભના તબક્કાની છે. એવાં થોડાંક ચિહ્નોનો સંપાદકે નિર્દેશ કર્યો છે. સંપાદક કહે છે તેમ લહિયાઓને તેમની જૂની ટેવ હજી છૂટતી નથી તેમ સ્પષ્ટ દેખાય છે : ‘જ્ઞાનીની કવિતા ન ગણીશ’ પંક્તિમાં મૂળ પાઠ ‘જ્ઞાનીને’ છે છતાં તેઓ ‘જ્ઞાનીની’ને જ વળગી રહે છે.
શિવલાલ જેશલપુરા સંપાદિત ‘અખાની કાવ્યકૃતિઓ’નું પ્રકાશન ઈ.સ.૧૯૮૮માં થાય છે.‘અખાની કાવ્યકૃતિઓ’માં સંપાદકને એકથી વધુ હસ્તપ્રતો પ્રાપ્ત થઈ છે. આમાની કઈ હસ્તપ્રત સૌથી જૂની છે તે નક્કી કરવું સંપાદક માટે મૂશ્કેલભર્યું હતું. તેથી આ બધી પ્રતોમાં સૌથી વધુ છપ્પાવાળી પ્રતને ભૂમિકા તરીકે સ્વીકારે છે. વળી ક્યો પાઠ સ્વીકાર્યો નથી તેને પાદટીપમાં નોંધે છે. સંપાદકને મધ્યકાલીન ગુજરાતી હસ્તપ્રતોની જેમ આ પ્રતોમાં પણ જોડણીની અનિયમિતતા, આવશ્યક અનુસ્વાર ચિહ્નોનોનો અભાવ, વ્યંજનની પૂર્વે આવેલા સ્વર પર અનુનાસિક ઉચ્ચારણ બતાવતા અનુસ્વાર ‘ખ’ને બદલે ‘ષ’, ‘જ’ને બદલે ‘ય’. આ બધુ સંપાદકે પાઠ-સંપાદન વખતે વિગતે નોંધ્યું છે.
જયંત કોઠારીએ ‘સાહિત્યિક તથ્યોની માવજત’માં પાઠ-સંપાદન કરતી વખતે કઈ-કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે તેની વિગતે ચર્ચા કરી છે. જેમકે ‘આરામશોભાચોપાઈ’માં લહિયાઓ પોતાને મનફાવે તેમ અનુસ્વાર મૂકતા જોવા મળે છે. ઉદા. તરીકે –અછં. એમાંથી જ એક બીજું ઉદાહરણ જોઈએ. કેટલીક વાર લહિયાઓ હસ્તપ્રતોમાં ‘માત્રા’ છોડી દે છે ને લેખન કરતાં હોય છે. આથી પણ વાચક પાઠ વાંચતી વખતે મુશ્કેલીમા મૂકાઈ જાય છે. જેમકે વિશ્વનાથ જાનિકૃત ‘ચતુરચાલીસી’માં ‘ગહલી’, ‘અહનું’, ‘તહનું’, ‘વ્રહ’, ‘અટલો’ વગેરે શબ્દોમાં માત્રા મૂકવાનું રહી ગયું છે.
મધ્યકાલીન સાહિત્ય ક્ષેત્રમાં સંશોધન કરનાર સંશોધકને આવી અનેક સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે. આ પૈકીની પાઠ સંશોધન-સંપાદનની સમસ્યા વિલક્ષણ છે. સંશોધકે એકાધિક હસ્તપ્રતોમાંથી પસાર થવું પડે છે. શાસ્ત્રીય પદ્ધતિથી એક પરિષ્કૃત પાઠ નિપજાવી તેની અધિકૃત-સમીક્ષિત વાચના આપવાની હોય છે. એ રીતે આ સંશોધનકાર્ય સંશોધક પાસે ઘણી સજ્જતાની અપેક્ષા રાખે છે.
સંદર્ભ પુસ્તકો :
ડૉ. હેમંત પરમાર, આસિસ્ટન્ટ પ્રોફેસર, ગુજરાતી વિભાગ, ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી ગાંધીનગર. મો.નં. ૯૯૧૩૮૩૯૦૧૫