લઘુકથા: આપણી આંખોમાં
મારી બાળપણની બહેનપણી પ્રેયા. એના દીદી એટલે સંજનાબા. અમારાથી ઘણા મોટા. અમે એને કાયમ ‘બાબા’ કહેતા. મા જેવું સખીપણું રાખે. પરણીને પ્રેયા ગઈ બરાબર બાબાની પાછળ. બાબાના શહેરમાં ને બાબાના ઘરે જ. મતલબ દિયરે પ્રેયાને પસંદ કરી લીધેલી.
હવે બાબાના મોટા દિકરા રાજવીરના લગ્ન ગોઠવાયા હતા. આમંત્રણ મળ્યું કે રજાનો વેંત કરી બે દિવસ અગાઉ પહોંચી ગઈ. પ્રેયા ખુશ થાય એ સ્વાભાવિક પરંતુ બાબા મને જોઈને વળગી પડ્યા. ક્યાંય સુધી હાથ પકડી રાખ્યો અને બોલતા જાય, ‘તું આવી ? તું આવી ? પ્રેયા જો કરુણા આવી.’
મને નાસ્તો કરાવી મંડપમાં લઈ ગયા. બાબાની દેરાણી, જેઠાણી ને બીજી થોડી સ્ત્રીઓને મારી ઓળખાણ કરાવી, ‘કહે આ મારી પાસે જ મોટી થઈ છે હોં. એક આ પ્રેયા અને બીજી આ કરુણા. મારો પીછો જ ન મૂકે.’ વાત પણ સાચી હતી.
એવામાં ગીત વાગ્યું માઈક પર. બાબા કહે, ‘ચાલો. શરૂ કરો ગરબા.’ અને અમે ઊભા થયા. બધા લેવા માંડ્યા ગરબા – ધીમી ચાલે અને પછી એક પછી એક ગીત ટેમ્પો વધારતા ગયા ને અમે ઝૂમતા રહ્યા. હિલ્લોળે ચડ્યા હતા અમે. સમય, ઉંમર એકબાજુએ થંભી ગયું ને માત્ર આનંદ અને આનંદ છવાઈ રહ્યો.
કલાકે’ક ગઈ હશે ને અમે અટક્યા. બાબા પરસેવે રેબઝેબ. એના કપડા પણ ભીંજાવા લાગેલા. કપાળેથી ધારા વહેતી હોય એટલાં બુંદ ઝરવા લાગ્યા. હું બાબા પાસે ગઈ. ઊભી રહી. કપાળેથી પરસેવો લૂછ્યો મારા હાથે.
અને બાબા રોઈ પડ્યા. ધ્રુસકે ધ્રુસકે રોઈ પડ્યા. ધરબાયેલી લાગણીઓ વછૂટી. રડતા રડતા કહે, ‘બસ આમ જ મારી મા મારું કપાળ લૂછી દેતી. કરુણા, મા યાદ આવી ગઈ મને.’
મને પણ માસી યાદ આવ્યા. બે વરસ પહેલા એમણે વિદાય લઈ લીધેલી. મેં એમને માથે હાથ ફેરવતા કહ્યું, ‘પણ બા આપણી આંખોમાં જીવે છે ને બાબા.’
અને એમની આંખોમાં સ્મિત આવ્યું. અને મને ફરીથી ભેટી પડ્યા.
હરીશ મહુવાકર, “અમે”, 3/A, 1929, નંદાલય હવેલી પાસે, સરદાર નગર, ભાવનગર – 364002 મો.બાઇલ: 9426223522 ઇ મેઇલ : harishmahuvakar@gmail.com