મો યાન કૃત ‘રેડ સોરધમ’ માંથી પ્રગટ થતું વાસ્તવિક ચાઇનીઝ સમાજજીવન
વર્તમાન સમયના ચાઈનીઝ સાહિત્યના એક પ્રસિદ્ધ વિશેષજ્ઞ સબીના નાઈટની દૃષ્ટિએ ચીનના ત્રણ હજાર વર્ષોના સંઘર્ષ પાછળ તેના રાજકિય ઈતિહાસ કરતાં સાહિત્યિક પરંપરાએ અગત્યનો ભાગ ભજવ્યો છે. લિખિત ચાઈનીઝ સાહિત્યએ તણાવગ્રસ્ત સમાજમાં નવસર્જનની પ્રેરણાને સતત જીવંત રાખવાની અગત્યની ભૂમિકા નિભાવી છે.
ચીનમાં ઐતિહાસિક ચિંતનની અગત્યતા ઝુઓ સામ્રાજ્ય (ઈ.સા.પૂર્વે 1027-256)ના અસ્ત કાળ દરમિયાન ખાસ અનુભવવામાં આવી.
આ સમય દરમ્યાન શક્તિશાળી સશ્ત્ર સંપન્ન રાજ્યોએ નજીકના નાના રાજ્યોને હડપવાના પ્રયત્નોને વેગવાન બનાવે છે.(ઈસા. પૂર્વે 475-221). કિન સામ્રાજ્યના ઉદય સાથે (ઈ.સ.પૂર્વે 221-207) ચીનમાં પ્રથમ સંયુક્ત શાસનનો ઉદભવ જોવા મળે છે. (અંગ્રેજી શબ્દ ચીન આ ‘કિન’ શબ્દનો અપભ્રંશ માત્ર છે.) કીન સામ્રાજ્યમાં અભ્યાસુ અમલદારોની કદર કરીને વિવિધ કાર્યભાર સોંપવાની શરૂઆત થયેલ, જેને આજપર્યંત સુધી જીવંત રાખવામાં આવેલ છે. આ પ્રકારના અભ્યાસુઓને રાજ્યાશ્રય મળ્યો અને જેના બદલામાં તેમના જ્ઞાનના આધારે રાજાઓએ પોતાની સત્તાને યથાર્થ સાબિત કરવાના પ્રયત્નો કરતા. જે અભ્યાસુઓએ અમલદારી ન કરી તેઓએ શિક્ષણનું કાર્ય સંભાળ્યું.
આ સમયગાળામાં બુદ્ધિઝમ દ્વારા જીવનને ‘સત્’ માર્ગ પર લઈ જવા માટે ચીનમાં ખુબ જ મોટું વૈચારિક બળ પૂરું પાડવામાં આવેલું. બુદ્ધિઝમે ચીનમાં તત્વજ્ઞાનની નવી ક્ષિતિજો ખોલી આપી. બુદ્ધિઝમની સાથોસાથ ભારતમાં લખાયેલી શરૂઆતના તબક્કાની અનેક રચનાઓ ચીનમાં પહોંચી. જેની અસર ‘રેડ સોરધમ’માં ખાસ કરીને ગ્રેટ ગ્રાન્ડમાં દાઈ (દાઈ દાદીના) પાત્રમાં જોવા મળે છે.
આવી જ રીતે મેન્સીયસ (ઈસા. પૂર્વે 372-289) પોતાના આગવા વિચારોથી લોકોમાં ખુબ જ ઉમદા જીવન શૈલીનું આવાહન કરતા જોવા મળે છે. તેમના મત પ્રમાણે લોકો બીજા તરફની સદભાવના, નૈતિક હિંમત, વિધિવિધાનની સાતત્યતા તેમજ સાચા ખોટાની સમજણથી આ વિશ્વને એક ઉમદા વિશ્વ બનાવી શકે છે. આ વિચારોનું ખંડન તેમના જ અનુયાયી ઝુંજી (ઈસા પૂર્વે 300-230) દ્વારા થતું જોવા મળે છું. ઝુંજી પોતાના ગુરૂ મેન્સીયસના વિચાર કે જેમાં મનુષ્યને જન્મથી જ સારો માનવામાં આવ્યો તે વિચારનું ખંડન કરી પોતાનો વિચાર રજુ કરે છે અને કહે છે કે ‘મનુષ્યને શિક્ષણ અને વિધિવિધાન દ્વારા સુસંસ્કૃત કરી સુદૃઢ સમાજની રચના તરફ અગ્રેસર કરી શકાય છે.’
આ વિચારને આગળ ધપાવતા માસ્ટર હેનફી (ઈસા. પૂર્વે 233)ના કાયદા તેમજ અમલદારશાહીવાળી એક સમાજ રચનાનો વિચાર રાખે છે. જેના દ્વારા બૌદ્ધિક પ્રવૃત્તિઓને વેગ મળી શકે. તેવો આ વિચાર આગળ વધતા ‘લીગાલીઝમ’ તરીકે ઓળખય છે.
આ પ્રકારે ચીનના સાહિત્યિક જગતમાં અનેક વિચારધારાઓ વચ્ચે અનેક મતભેદો આજ પર્યંત ચાલી રહી છે, તેમાંથી એક નવી આગવી ઓળખનો ઉદભવ થતો જોવા મળે છે. જે આગવી ઓળખ આગળ જતાં ચાઇનીઝ સાહિત્યને તેના પ્રમુખ માર્ગ તરફ દોરી જાય છે.
ચાઈનીઝ સાહિત્યમાં નવલકથાને એક સ્વરૂપની દૃષ્ટિએ સમજવા આપણે મીંગ-કાળમાં લોકવાર્તાઓની સાથે ઉદભવેલ ‘પ્રકરણવાળા કલ્પનો’ને પ્રાથમિકતા આપવી તે આવશ્યક રહેશે. આ કલ્પનો મુખ્યત્વે મૌખિક પરંપરાના વાર્તાકથનથી ખુબ જ પ્રભાવિત જોવા મળે છે. ઘણા વાચકોના મંતવ્ય પ્રમાણે આ નવલકથાઓ બુદ્ધિસ્ટ વિચાર કે જેમાં ‘ઘુળનું વિશ્વ’ અને તેની પેલી પારનો વિચાર કે જેમાં સમાજના દરેક તત્વનો સમાવેશ સમાન રીતે થાય છે, તેનું કલ્પન જોવા મળે છે. ખાસ કરીને બહારવટિયા, બળવાખોરો, નૈતિક મૂલ્યોને પડકારનાર પાત્રો કે જેમાં સામાજીક ત્રિજ્યાની બહાર રહેલ પાત્રોને મધ્ય(કેન્દ્ર)માં રાખીને (ખાસ કરેન મહિલાઓને) સમાજ વિશેનું વિશિષ્ટ ચિંતન કરવામાં આવેલ છે. આ મીંગ સામ્રાજ્યની મુખ્ય ચાર કૃતિઓને સાહિત્યની દૃષ્ટિએ ઉમદા કૃતિઓમાં ગણવામાં આવે છે. જેમાં ખાસ કરીને Romance of the Three Kingdoms, Water Margin અથવા તો Outlaws of the March, Journey to the West (પૂર્વીય એશિયાની લગભગ સૌથી વધુ ખ્યાતિ પ્રાપ્ત કૃતિ) કે જેમાં ઐતિહાસિક સંત ઝુઆંગ ઝેંગ અને તેમની ભારત યાત્રાનું વર્ણન છે. આ કૃતિમાં લેખક ભગવાન બુદ્ધ દ્વારા લખાયેલ પીઠીકાનું સરળ ભાષાંતર કરતા જોવા મળે છે. આ કૃતિ ઉપરથી ઘણી બધી કથાઓ સર્જવામાં આવેલ. મીંગ સામ્રાજ્યની ચોથી ખ્યાતનામ કૃતિ તરીકે The Plum in the Golden Vase એ પોતાના અશ્લીલ વિષયને કારણે ખુબ જ ચર્ચાસ્પદ બની રહેલ.
મો યાન દ્વારા ઈ.સ. 1983 માં લખાયેલ ‘રેડ સોરઘમ’ આ કૃતિઓની અનુગામી કહી શકાય. ‘રેડ સોરઘમ’ તેના શીર્ષકની દૃષ્ટિએ સાંપ્રત વિશ્વમાં પ્રવર્તતા વિચારોની દૃષ્ટિએ, પાત્રોના નિરૂપણની દૃષ્ટિએ તેમજ ભારતીય પરિપ્રેક્ષ્યમાં ચાઈનીઝ નવલકથાનું ખુબ જ ઉત્કૃષ્ટ પ્રતિનિધિત્વ કરે છે.
ઉત્તર પૂર્વિય ચીનના ગાઓમી વિસ્તારની પ્રમુખ ઉપજ તરીકે ‘રેડ સોરઘમ’ પોતાના ઉપજાઉપણા તેમજ અગત્યના પ્રતિક સમાન ઉપસી આવે છે. (આ વિસ્તાર લેખકનું વતન પણ છે.) દાયકાઓના લોહિલુહાણ કત્લેઆમથી ખરડાયેલા ઇતિહાસ વચ્ચે ‘રેડ સોરઘમ’ પોતાની અલગ ઉપજાઉપણાથી સતત જીવન જરૂરી ખોરાક, રહેઠાણ માટેની છત અને પીણું પણ પુરું પાડે છે. પ્રસ્તુત નવલકથા વિવિધ સામયિકોમાં ક્રમશઃ પ્રસિદ્ધ થયેલ. 1986માં આ અંકો Red Sorghum, Sorghum Wine, Dog Ways, Sorghum Funeral અને Strange Deathના નામો સાથે પ્રસિદ્ધ થયેલા.
‘રેડ સોરઘમ’ સાથેના જીવનની એકાત્મકતા દર્શાવવા લેખકે તેમની દાદીના મૃત્યુનું નિરૂપણ ખુબ સુંદર રીતે રજુ કરે છે.
“It is the music of the universe and it emanates from red sorghum. She gazes at the Sorghum and through the dimness of her vision the stalks turn craftily and surpassingly beautiful, grotesque, and bizarre. They begin to moan, to writhe, to shout, to entwine her; they are demonic one minute, intimate the next and in her eyes, they coil like snakes.” (P.77)
“આ વૈશ્વિક સંગીત છે અને તેનું અવતરણ ‘રેડ સોરઘમ’થી થાય છે. તેણી સોરધમ તરફ નજર માંડીને જુએ છે અને તેમાં પોતાની પ્રતિકૃતિની ઝાંખી થતી જુએ છે. આ દૃષ્ટિથી તેના પુડાઓને કલાત્મક અને આશ્ચર્યજનક રીતે સુંદર, વિલક્ષણ તેમજ વિક્ષિપ્ત થતા જુએ છે. તેણીને મળવા માટે તેઓ કણસવા, તળપવા તથા પોકારી ઉઠે છે; તેઓ એક ક્ષણે તામસીક તો બીજી જ ક્ષણે આપ્તજન બની તેણીની આંખોમાં શાહીની જેમ વિંટળાઈ જાય છે.” (પૃ.77)
લેખક ‘રેડ સોરધમ’ને ચીનના શાનદોંગ વિસ્તારની ઉત્તર-પૂર્વિય વિસ્તારમાં આવેલ ગાઓમી પરગણાના સમગ્ર જીવન સાથે જોડી, તેને પ્રકૃતિ સાથેના મનુષ્ય જીવનના અનુબંધ દ્વ્રારા એક નવી જ ઓળખ આપે છે.
સાંપ્રત સમયમાં જ્યારે સંપૂર્ણ વિશ્વ ગ્લોબલ વોર્મીંગ અને ઔદ્યોગીકરણ જેવી ગંભીર સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે ત્યારે ‘રેડ સોરધમ’ અને તેની મનુષ્ય જીવન સાથેના એક્યના નિરૂપણને ‘ઈકોક્રીટીસીઝ્મ’ની દૃષ્ટિએ પણ એક ઉપલબ્ધિથી ઉતરતું નથી. વર્તમાન સમયમાં ઔદ્યોગીકરણને કારણે ચીન ઘણી બધી સમસ્યાઓનો સામનો કરી રહ્યું છે. આવી પરિસ્થિતિમાં મો યાન કુદરતને મુખ્ય પાત્ર બનાવીને ત્રણ પેઢીઓને વણી લેતી વાર્તાને આપણી સમક્ષ રજુ કરે છે. નવલકથાનો પ્લોટ શાનદોંગ પરિવારની ત્રણ પેઢીઓ વચ્ચેના ઈ.સ. 1923 અને ઈ.સ. 1976 સુધીના સમયગાળાના બનાવોને વર્ણવવા માટે થાય છે. આ કૃતિમાં નવલકથાકાર પોતાના પરિવારની સંઘર્ષની વાત આપણી સામે પ્રસ્તુત કરે છે. પ્રથમ સોરધમની વાઇન બનાવવાની ભઠ્ઠીના માલિક તરીકે અને ત્યારબાદ દ્વિતીય ચીનો-જાપાનીઝ લડાઈના બડવાખોર લડવૈયા તરીકે. આ નવલકથામાં ચીનના આંતર વિગ્રહમાં રાજકિય સત્તા અને તેની હરીફ ટોળીઓ વચ્ચે ઉદભવતો આંતરવિગ્રહ દ્વ્રારા ઉદ્ભવતો સઘર્ષ જોવા મળે છે. આ નવલકથામાં ચીનની સાંસ્કૃતિક ક્રાંતિ તેમજ ઈ.સ.1972માં ચીન અને જાપાન વચ્ચેના રાજનૈતિક સંબંધોની પુનઃસ્થાપનાની ઘટનાને પણ આવરી લેવામાં આવી છે.
નવલકથાના અંત ભાગમાં પ્રયોજાયેલ આત્મમંથનમાં લેખક પોતાની પરિસ્થિતિનો ચિતાર આપે છે...
“Then a desolate sound comes from the heart of the land. It is both familiar and strange…. The ghosts of my family are sending me a message to point the way out of their labyrinth.” (P.378)
“આ ભૂમિના મધ્યમાંથી એક ઉદાસીન અવાજ આવતો સંભળાઈ છે, એ જાણીતો તેમજ અજાણ્યો પણ છે. મારા પરિવારનાં મૃતાત્માઓ મને આ ભૂલભૂલમણીમાંથી બહાર આવવાનો નિર્દેશ કરી રહ્યા છે.” (પૃ. નં.378)
આ આત્માઓમાં વિશેષ કરીને દાદા, દાદીનો સમાવેશ કરવામાં આવેલ છે. આ રીતે કથાનાયક ત્રણ પેઢીઓના અવાજને યોગ્ય વાચા આપવામાં સફળ બને છે. નવલકથાની આ વિશેષતા ‘રેડ સોરધન’ને ભારતીય પરિવાર ભાવનાની ખુબ જ નજીક લઈ આવે છે. ભારતથી હજારો કીલોમીટર દુર આવેલ ઉત્તર પૂર્વીય ચીનના શાનદોંગ પ્રાંતના ગાઓમી વિસ્તારનું ગ્રામ્ય જીવન ઘણી બધી રીતે ભારતીય ગ્રામ્ય જીવનને મળતું આવે છે. ‘રેડ સોરઘન’ નવલકથા ઘણી બધી રીતે ચીનના સમાજ જીવનને વાચક સમક્ષ પ્રસ્તુત કરે છે. આ વિવિધ પાસાઓને ધ્યાને લેતા વાચકને ચીનના સમાજજીવન જેમ કે ત્યાંની લગ્ન પરંપરા, આર્થિક અસમાનતાને કારણે સર્જાતી પરિસ્થિતિઓ, સામ્રાજ્યવાદની આડઅસરો અને બળવાખોરો–બહારવટીયાઓની મા ભોમકાજે મરી મીટવાની ભાવના વગેરે જેવાં પાસાઓ ચીનના સામાન્ય જનજીવનને ઘણી બધી રીતે ભારતીય જીવનની નજીક લાવી આપે છે.
વિશ્વનો કોઈપણ સમાજ તેના દ્વારા નારીઓને અપાતા આદર સન્માનથી ઓળખાય છે. ‘રેડ સોરઘમ’ નવલકથાનું કેન્દ્રવર્તી પાત્ર દાઈ સ્લેંગ્લીઅન, લિટલ નાઈન અથવા તો દાદી સાથે બાલ્યકાળથી થતા વ્યવહારના તાદૃશ વર્ણન દ્વારા મો યાન ચીનના સમાજમાં નારીના સ્થાન અંગેનું નિરૂપણ કરે છે. માત્ર છ વર્ષની કુમણી વયથી તેના પગના પંજાઓ અંગેની દેખરેખ તેમજ સતત કાળજી દાદીની સુંદરતામાં વધારો કરવાની સાથોસાથ પુરુષ પ્રધાન સમાજ વ્યવસ્થામાં નારીના મર્યાદિત સ્થાન અંગેનો પણ ચીતાર આપે છે. આટલું જ પર્યાપ્ત ન હોય. માત્ર 16 વર્ષની નાની વયે આ બાળાને આ પ્રાંતના ખ્યાતનામ વેપારી શાન તિગ્સ્યુના કોઢિયા પુત્ર શાન બીઆનલેંગ સાથે આર્થિક સદ્ધરતાના કારણે પરણાવી દેવામાં આવે છે. આ ઘટના વૈશ્વિક સ્તરે નારીના જીવન પર પડનારી આર્થિક પરિબળોની અસરનું ઉત્કૃષ્ઠ ઉદાહરણ પુરુ પાડે છે. દાદી આ વિવાહનો દરેક રીતે પ્રતિકાર કરવાનો પ્રયત્ન કરે છે અને આખરે યુ ઝાન આઓ સાથેના પોતાના સંબંધોને પ્રતિપાદીત કરી પ્રસ્થાપિત સમાજ મૂલ્યો સામે એક પ્રકારનો બંડ પોકારે છે. પોતાના મૃત્યુ વેળાનું આત્મમંથન એમને વૈશ્વિક પ્રતિનિધિ તરીકે આપણી સમક્ષ રજુ કર્યું છે-
“Have I sinned? Would it have been right to share my pillow with a leper and produce a misshapen, putrid monster to contaminate this beautiful world? What is chastity then? What is the correct path? What is goodness? What is evil? You never told me, so I had to decide on my own. I loved happiness, I loved strength, I loved beauty, it was my body and I used it as I thought fitting sin doesn’t frighten me, nor does punishment.” (P.76)
“શું મેં પાપ કર્યું છે? શું એ ઉચિત હોત કે મે એક કોઢિયા સાથે મળીને એક વિકૃત, કોહવાયેલ રાક્ષસ સમાન બાળકને જન્મ આપીને આ સુંદર પૃથ્વીને કલુષીત કરી હોત? તો પછી સતીત્વ શું છે? સાચો માર્ગ કયો? સારું શું છે? અનિષ્ટ શું છે? તમોએ મને ક્યારેય માર્મદર્શિત ન કરી એટલા માટે મારે મારી રીતે વિચારવું પડેલું. મને પ્રસન્નતા પસંદ હતી, મને સામર્થ્ય પસંદ હતું, મને સુંદરતા પસંદ હતી, એ મારું શરીર હતું અને મેં તેનો યથાયોગ્ય ઉપયોગ કરેલ. પાપ મને ભયભીત નથી કરવો, કે ન તો સજા.” (પાન નં.76)
દાઈ ફ્લેંગ્લીઅનના ઈશ્વર સાથેના આ અંતિમ શબ્દો માત્ર ચીનની સંસ્કૃતિમાં ધરબાઈ રહીને સ્ત્રી સહજ આવેગોને જ રજુ નથી કરતી પરંતુ સંપૂર્ણ વિશ્વની નારીજગતના મનમાં રહેલ ભાવનાઓનું એક પ્રકારનું વ્યાપક પ્રસ્તુતીકરણ છે. સાંપ્રત નારીવાદીઓની દૃષ્ટિએ મોયાનનું આ માનસિક વિશ્લેષણ તેમને એક આગવી લેખન શૈલીનું આધિપત્ય પ્રદાન કરે છે. તેની સાથોસાથ હાંસિયા (માર્જીન)માં રહેલ વર્ગને મધ્ય (સેન્ટર)માં સ્થાન આપી લેખકે સમાજજીવનનાં અનેકવિધ પાસાઓનું સમન્વયયુક્ત સાયુજ્ય પ્રસ્તુત કરેલું છે.
આ નવલકથાની દૃષ્ટિએ ‘મો યાન’ અનેક પ્રકારે અને અનેક પ્રસંગે ચાઈનીઝ લેંડસ્કેપ પેંઇટીંગની કળાને નવલકથાના શબ્દોથી પ્રસ્તુત કરતા જોવા મળે છે. ‘રેડ સોરઘમ’માં આલેખાયેલ કથા એક રીતે તો જાપાન દ્વારા ઈ.સ. 1930ના દાયકામાં દ્વિતીય ચીનો-જાપાનીઝ યુદ્ધનું ઉપદ્રવી અને કત્લેઆમની ઘટનાઓનું એક વૃત્તાંત કહી શકાય તેવું છે. આ સમગ્ર કથા બહારવટિયા-આક્રમણકાર યુવાન આઓ (દાદા) તેમજ તેમની પત્ની દાઈ ફ્લેંગ્લીઅનની (દાદી) આસપાસ ગૂંથાયેલ જોવા મળે છે. નવલકથામાં કથા સમયની આગળ પાછળ થઈ દાદા અને દાદીના જીવનની નાની નાની ઘટનાઓને આપણી સમક્ષ યોજનબદ્ધ રીતે રજુ કરે છે, જે માટે નોબેલ અકાદમીએ મો યાનને પુરસ્કાર આપતી વેળાએ કહેલું કે લેખક તરીકે તેઓ,
“Who with hallucinatory realism merges folk tales, history and the contemporary.” (ભ્રમણાયુક્ત વાસ્તવિકતાને લોકવાર્તા, ઈતિહાસ અને સાંપ્રત સમય સાથે વણી લે છે.)
આમ, એક ચાઈનીઝ લેખક તરીકે મો યાન માનવીય જીવનના અનેકવિધ મૂલ્યોને અનેકવિધ રીતે સ્પર્શે છે અને તેનું ઉચિત નિરૂપણ પણ કરી આપે છે. આ કૃતિને સમગ્ર દૃષ્ટિએ જોતાં ‘રેડ સોરઘમ’ તેના ચરિત્રચિત્રણથી માંડી કથાસાર, વિચારધારાઓની એરણે ચાઇનીઝ સાહિત્યને સાંપ્રત વૈશ્વિક સાહિત્ય જગતમાં એક આગવું સ્થાન પ્રદાન કરે છે. તુલનાત્મક સાહિત્યની દૃષ્ટિએ ભારતીય સંશોધકો માટે આ નવલકથા નવી ક્ષિતિજો ઉઘાડી આપે છે તથા કૃતિમાંથી પ્રગટ થતો ભારતીય સમાજજીવન સાથેનો અનુબંધમાં એકાત્માક્તાનો ભાવ આ કૃતિ દ્વ્રારા પામી શક્ય છે.
ડૉ. હરદિપસિંહ ગોહિલ, ગુજરાત કોમર્સ કોલેજ, એલિસબ્રિજ, અમદાવાદ