સગપણના તાંતણે બંધાયેલા નારીપાત્રોનું નિરૂપણ : સગપણ એક ફૂલ
‘સગપણ એક ફૂલ’ રાઘવજી માઘડની 2001માં પ્રગટ થયેલી 337 પેજ અને 29 પ્રકરણમાં વહેંચાયેલી સગપણની ઓથ શોધતાં સંવેદનશીલ માનવીયોના સંવેદનની વાત કરતી નવલકથા છે. નવલકથાનું મુખ્ય પાત્ર જ આશા છે. નાયિકાપ્રધાન નવલકથાનું કથાનક આશાના લગ્નેતર સંબંધ સાથે જોડાયેલું છે. આશા પરિવારના લોકોની ઇચ્છાથી પોતાની મરજી વગરના લગ્ન તો કરી લેતી હોય છે પણ લગ્ન કર્યા પછી પતિનું વર્તન યોગ્ય ન લાગતા પિયર પાછી આવે છે. તે પછી પિયરના લોકોને પણ તે બોજારૂપ લાગતા પોતાનો રસ્તો કરી લેતી જોવા મળે છે. એ દરમિયાન એકલી પડતી આશા જુદા-જુદા પુરુષોના સંપર્કમાં આવતી હોય છે. તેનું આ વર્તન પુત્ર ઋષભને યોગ્ય ન લાગતા પોતાના પિતાની શોધમાં ગામડે જાય છે. અંતે તેના મનનું સમાધાન થાય છે ને સાથે સાથે આશાને પણ બાકીની જિંદગી જીવવા માટે સાથી મળી જાય છે. આમ, આશા સંપૂર્ણ નવલકથાનું મુખ્ય નારીપાત્ર છે. તે સિવાય અન્ય નારીપાત્રો આવાત હોય છે, પણ એકદમ ઓછા સમય માટે આવતા જોવા મળે છે. હવે આપણે આશા, વલ્લરી, સુશીલા, મૃદુલા, સરલા, મંજરી, ઝરણા વગેરે જેવા નારીપાત્રોનો ટૂંકમાં પરિચય મેળવીએ.
આશા આ સંપૂર્ણ નવલકથાનું કેન્દ્રસ્થ નારીપાત્ર છે. જેના જીવન સાથે જોડાયેલી તમામ બાબતો નવલકથાનું કથાનક બને છે.
આશાના સંપૂર્ણ વ્યક્તિત્વ પર નજર કરીએ તો નામ પ્રમાણેના ગુણ ધરાવનાર આ નારીપાત્ર જિંદગીની દરેક ક્ષણને નવી આશા સાથે જીવતી હોય છે. એકવીસમી સદીની નારીના લક્ષણો આશાના નારીપાત્રમાં જોવા મળે છે. જેમાં તે પતિનું ઘર કોઈના કહેવાથી નહીં પણ પોતાની મરજીથી છોડે છે. એવી હિમ્મતવાન નારી છે પણ તેની હિમ્મત ત્યારે તૂટી જાય છે જ્યારે તેના જ દીકરા દ્વારા તેના ચારિત્ર્ય પર શંકા કરવામાં આવે છે. એમાં ના તો આશાનો દોષ છે ના તો ઋષભનો. આશા એક એવી સ્ત્રી હતી કે જેને પોતાની બહેન ઉષાને કારણે લગ્નની બલિ પર ચઢવું પડે છે. ઉષા દેખાવડી ન હોવાને લીધે લગ્ન માટે આવેલ બધી જ વાતો પાછી જતી જ્યારે આશા દેખાવપડી હોવાથી તેને દેખતા જ લોકો તેને પસંદ કરીને જતાં આખરે બંનેને એક જ આંગણે પરણાવવાનું નક્કી થાય છે. માતા-પિતા તેના લગ્ન જટાશંકર સાથે કરાવે છે. જેમાં તેની મરજી હોતી નથી. જટાશંકર એવો પતિ કે જેનો બાહ્ય દેખાવ જોયા પછી ઋષભને પણ મનમા એમ થાય છે કે આ મારો પિતા છે. એવા નમાયલા પતિને પરણ્યા પછી પણ તે લડતાં લડતાં કુરબાન થઈ જવાય તો ભલે પણ હાર કબૂલવા તૈયાર હોતી નથી. આવા પતિ દ્વારા તેના ચારિત્ર્ય અંગે શંકા કરવામાં આવે છે ત્યારે તેનાથી સહન થતું નથી. જેના પરિણામે તે ઘર છોડીને જતી રહેતી હોય છે. પતિ અંગેના તેના પોતાના વિચારો જુઓ.
‘પતિ તો તેજીલા તોખાર જેવો હણહણતો રહે તેવો હોવો જોઈએ. પડછંદ કાયામાં પૌરુષત્વ ઝળકતું હોય, પત્નીને છક્કરડી છમ રમાડી જાણે અને પેટ ભરીને પ્યાર કરી જાણે... આવા મરદની પત્ની થવાનું એક ગૌરવ હોય. બાકી નમાલા પતિની પત્ની બનવું એટલે ગામ આખાની ભાભી થાવું.’[1] આવા પતિને પામવાની અદમ્ય ઇચ્છા હોવાથી તે જુદા-જુદા પુરુષોના સંપર્કમાં આવતી હોય છે. જેમાં હેમેન્દ્ર, વસંતરાય અને નિમેષનો સમાવેશ થાય છે. આ બધા જ પુરુષોની સાથે તે પ્રેમભર્યા સંબંધો રાખતી હોય છે. તે એક સારી પ્રેમિકા હોવાની સાથે પોતાની મહત્વકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે પોતાનું સર્વસ્વ સોપી દેતા પણ ખચકાટ અનુભવતી નથી. તેના જ શબ્દોમાં કહેલી વાત જુઓ. ‘હું સ્ત્રી છું, યુવાન છું. આ શરીરને પણ પોતાની જરૂરિયાત હોય છે. તે વખત આવ્યે લાગો માગે... આપવો પડે, ટકવું ને સ્વસ્થ રહેવું હોય તો !’[2] આવા વિચારો ધરાવનાર આ સ્ત્રી કોઈની જિંદગીમાં પત્ની બનવાનું સ્થાન લેવા ઇચ્છતી નથી. પણ પોતાની એક ગરિમા અને ગૌરવ તો જળવાવું જોઈએ તે મતની છે. આવા મૃગજળની પાછળ દોડ્યા કરે છે. જેમાં તે સફળ થઈ શકતી નથી અંતે હાર માની ચૂકે છે ને એને પોતાની જાત પ્રત્યે પણ નફરત ઉપજે છે. અંતે હેમેન્દ્રના પ્રયત્નોથી આશાને તેનો જીવનસાથી વસંતરાય રૂપે મળી જાય છે. ટૂંકમાં આશા ભણેલી - ગણેલી, એક સંવેદનશીલ નારી,સ્નેહાળ માતા, એક સારી પ્રેમિકા, સામેથી પતિનું ઘર છોડી દેતી સ્વતંત્ર વિચારો ધરાવતી સ્વતંત્ર નારી, સુકંઠી ગાયિકા હોવાની સાથે ઘરની મોભી, સ્વમાનિ નારી જેવા ગુણો ધરાવતું નારીપાત્ર છે.
આશાના મુખ્ય નારીપાત્રની સાથે નવલકથામાં ગૌણ, અતિગૌણ નારીપાત્રો આવતા હોય છે. જેમાં સૌ પ્રથમ હેમેન્દ્રની પત્ની સુશિલાનું નારીપાત્ર જોઈએ તો સુશિલા પતિના અન્ય સ્ત્રી સાથેના એટલે કે હેમેન્દ્રના આશા સાથેના સંબંધો વિશે જાણતી હોય છે. તેમ છતાં તે એ મતની હોય છે કે પતિ ઘરમાં આનંદથી ખુશ મિજાજથી રહે તો બહાર તેને પાલવે તે કરે તેમાં તેને કોઈ વાંધો હોતો નથી, પણ જ્યારે ઘરમાં તેની અસર વર્તાવા લાગે છે તે પછી સુશિલા પોતાનું મોઢું ઉઘાડે છે. આ એવું નારીપાત્ર છે કે જેને પોતાના પતિના અન્ય સ્ત્રી સાથેના સંબંધો હોવાની જાણ હોવા છતાં પણ પતિની સાથે શાંતિપૂર્ણ રીતે રહેવા તૈયાર થતી હોય છે. સુશિલા ભારતીય પત્ની હોવાની ગરિમાને જાળવતી હોય છે. તેના આ ગુણને લીધે જ હેમેન્દ્રને સુશિલા અને આશા વચ્ચેનો ફરક સમજાય છે. જેથી તે આશાને નહીં પણ સુશિલાને જ પસંદ કરે છે. તે પછી નિમેષની પત્ની મૃદુલાનું નારીપાત્ર આવે છે. મૃદુલા પણ સુશિલાની જેમ પતિના અન્ય સ્ત્રી સાથેના એટલે કે આશા સાથેના સંબંધ વિશે જાણતી હોય છે. પણ અહીં મૃદુલાનું નારીપાત્ર સુશિલા કરતાં જુદું બતાવાયું છે. મૃદુલા પતિના આશા સાથેના સંબંધ વિશે જાણતી હોવાથી પતિ સામે ઊંચા સ્વરે સવાલ-જવાબો કરતી, ઉગ્રતાથી વાત કરતી જોવા મળે છે. સાથે સાથે વખત આવતા તે આશાને પણ કટાક્ષ પૂર્વક વાત કરતા કે સંભળાવવામાં કંઈ બાકી રાખતી નથી. તે પછી વસંતરાયના પુત્ર વૈશાખની પત્ની મંજરીનું નારીપાત્ર આવે છે. મંજરી પણ વસંતરાયના આશા સાથેના સંબંધો અંગે આડોશ-પડોશના લોકો ટીકા કરે છે એમ કહીને પોતાના મનની વાત તેમને કહી દેતી હોય છે. તેવી જ રીતે આશાનો ફોન આવતા તે આશાને પણ પૂછી લેતી હોય છે કે બાપુજી ઘરે નથી તેને કહેવાય એવી વાત હોય તો તે કહી શકે છે. આ બાબત પણ જાણે આશા પર સીધો કટાક્ષ કરવામાં આવ્યો હોય તેમ કહેવામાં આવ્યું હોય તેવું લાગે છે. આ સિવાય મંજરી એક સારી પત્ની હોવાના ગુણ લક્ષણો ધરાવે છે પણ એક સારી પુત્રવધૂ હોવાના ગુણ લક્ષણો ધરાવતી હોતી નથી. પણ અંતે પોતાની ભૂલ સમજાતા તે વસંતરાયને ઘરે પાછા લઈ આવવા માટે જતી હોય છે, ને સસરાજી સામે પોતાની ભૂલની માફી માગતી હોય છે.
તે પછી અતિ ગૌણ નારીપાત્રોમાં વસંતરાય સાથે સરકારી ખાતામાં કામ કરતી તેમની આસિસ્ટન્ટ ઝરણાનું નારીપાત્ર આવે છે. જે પ્રમોશન અને પાસપોર્ટ-વિઝા માટે વસંતરાય સાથે જાત સોપવા સામેથી તૈયાર થાય છે. આ માટે વસંતરાયની કોઈ માગણી હોતી નથી, પણ તેને પોતાની જરૂરિયાતને સંતોષવા માટે આ રસ્તો યોગ્ય લાગતો હોવાથી જ તે સહજ ભાવે સામેથી ચાલીને વસંતરાયને ખોટું બોલીને તપાસ અર્થે જવાનું છે એમ કહીને ત્યાં હોટલમાં રોકાણ કરવાનું આયોજન કરે છે. અંતે વસંતરાય તેની આંખ ખોલે છે ત્યારે તેને તેની ભૂલ સમજાય છે ને તેને સમજાય છે કે વસંતરાય તેના પિતા તુલ્ય વ્યક્તિ છે. તે પછી તે કેનેડા જતી રહેતી હોય છે. તે પછી આશાના પુત્ર ઋષભની પ્રેમિકા વલ્લરીનું, આશાની બહેન ઉષાનું, આશાની માતાનું, વસંતરાયની સ્વર્ગસ્થ પત્ની સરલાનું, તેમની પુત્રી નંદિતાનું, ઋષભની કોલેજ મિત્ર સ્નેહાનું, ઉત્તરાનું, ઋષભનાં દાદી, આશાની પડોશણ પટલાણીનું, મોટીબાનું, નિમેષની નવી આસિસ્ટન્ટ ગાયિકાનું, આશ્રમના સાધ્વીનું આમ વગેરે જેવાં નારીપાત્રો નવલકથામાં આવતાં હોય છે.
સંપૂર્ણ નવલકથામાં ઉત્તમ કોટિની ભાષા પ્રયોજાયેલી જોવા મળે છે. ભાષાના પોતને વધુ રસમય બનાવતી કહેવતો પણ પ્રયોજાયેલી જોવા મળે છે. ઘટના અને પરિવેશને અનુરૂપ ભાષા પ્રયોજેલી જોવા મળે. ઘણાં એવા વાક્યો પણ જોવા મળે છે જ્યાં સમગ્ર પરિસ્થિતિનું તાદ્દશ ચિત્રણ રજૂ કરતા હોય છે, તેમ નિર્જીવતાને પણ સજીવતા બક્ષી દેતાં હોય તેવા વાક્યો પણ જોવા મળે છે તે જુઓ.
‘ઘડિયાળનો ખટ... ખટ... અવાજ રૂમની નીરવતામાં ગોબા પાડતો હતો. વસંતરાયે ઘડિયાળ સામે જોયું સારું લાગ્યું. થયું કે આ રૂમમાં હજુ કોઈ શ્વસે છે, જીવે છે.’[3]
લેખકની વિશિષ્ટતા તેમની ભાષા પ્રયોજનમાં ખૂબ જ જોવા મળે છે. તેવું આ વાક્ય જુઓ... ‘ભટ્ટજીએ તુરંત જ મોં પર હાસ્યની ગાર લીંપી અને જીભ પર સાકરના પાણીનું પોતું ફેરવીને કહેલું.’[4]
આમ, સંપૂર્ણ નવલકથામાં સગપણના તાણાવાણાથી સૌ દૂર ભાગતા ફરતા હોય છે પણ અંતે એ જ સગપણના નામનું ફૂલ ઉગી નીકળે છે. જેમાં લેખકના શીર્ષકની ઉચિતતા સિદ્ધ થતી જોવા મળે છે.
સંદર્ભ :-
ડો. હાર્દિકા પ્રવિણકુમાર પટેલ, અધ્યાપક સહાયક, સરદાર પટેલ બી.એડ કોલેજ, સેટેલાઈટ, અમદાવાદ