અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો - એક સમીક્ષા
અમેરિકામાં રહેતા ગુજરાતી સાહિત્ય સર્જકોના સાહિત્યનો વિવેચન ગ્રંથ ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી વિવેચનગ્રંથના લેખક મધુસૂદન કાપડિયા છે. જેનું પ્રકાશન ગુજરાત સાહિત્ય અકાદમી-ગાંધીનગર દ્વારા જાન્યુઆરી ૨૦૧૧માં કરવામાં આવ્યું છે. આ વિવેચનગ્રંથમાં કુલ ૨૬ સર્જકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સર્જકોને તેમના ગુજરાતી સાહિત્યમાં કરેલા પ્રદાનને આધારે ઇયત્તા નહીં પણ ગુણવત્તાના, ધોરણે ક્રમબદ્ધ રીતે ગોઠવવામાં આવ્યા છે. વિવેચન લેખ ઉપરાંત અહીં હર્ષદ ત્રિવેદીનો પ્રકાશકીય લેખ અને વિવેચક મધુસૂદન કાપડિયાની પ્રસ્તાવના છે.
મુખપૃષ્ઠ એ પુસ્તકના પાનાંઓને રક્ષણ આપતું જાડું પૂઠું ન બની રહેતા સર્જક અને વિવેચકનો દૃષ્ટિકોણ પ્રગટ કરનાર મદદનીશ અંગ બને એ તકેદારી રાખવાની જવાબદારી પણ સર્જક કે વિવેચકની જ રહે છે, એ દૃષ્ટિએ ‘અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકો'ના મુખપૃષ્ઠની સૌથી પહેલા વાત કરીએ. આ પુસ્તકનાં મુખપૃષ્ઠમાં ત્રણ બાબતો છે : દરિયો, અમેરિકાનો નકશો અને આ ગ્રંથમાં સમાવિષ્ટ સર્જકોના પુસ્તકોના મુખપૃષ્ઠ. આ ત્રણેય બાબતોને સમજીએ. દરિયો પરદેશનું પ્રતીક છે. એ પરદેશ એટલે કે જેનો અહીં નકશો છે તે –અમેરિકા. વળી, આપણે જે વાત કરી કે, મુખપૃષ્ઠ સર્જક અને વિવેચકનો દૃષ્ટિકોણ પ્રગટ કરનાર મદદનીશ અંગ છે. એટલા માટે જ વિવેચકે જે સર્જકો વિશે વાત કરી છે તે સર્જકોના સર્જનના મુખપૃષ્ઠો મૂકી આપ્યાં છે.
વિવેચકને પ્રેરણા પૂરી પાડનારા તેમની અકાળે અવસાન પામનાર તેમની બહેન જયાને તેમણે આ પુસ્તક અર્પણ કર્યું છે. વિવેચકની પ્રસ્તાવનાથી આગળનાં પાને મુકવામાં આવેલાં બે વિધાનો અહીં વિવેચકનો અભિગમ કેવા પ્રકારનો રહ્યો છે એના દ્યોતક બની રહે છે. આ વિધાનો જુઓ,
‘જે કવિ વા કૃતિ પાસેથી મળી શકે તે લેવું અને તે પૂરતાં તેમને વખાણવાં. મગદૂર ઉપરાંતની માગણી કરી અગર આશા રાખીને તે મળે નહીં, માટે અસંતુષ્ટ થવું, એમાં સમભાવની વૃત્તિ નથી.’ (બળવંતરાય ઠાકોર, ‘કવિતાશિક્ષણ', પૃ. ૪૯)
‘વિવેચનમાં કૃતની કૃતજ્ઞતા અને અકૃતનો અસંતોષ બંને હોવા જોઇએ.’ (રામનારાયણ પાઠક, ‘સાહિત્યવિમર્શ', પૃ. ૬૩)
આ જ સૂર નો રણકાર આપણને વિવેચકની પ્રસ્તાવના આ શબ્દોમાં સંભળાય: ‘ટીકા જો કઠોરતાથી કરી છે તો પ્રશંસા પણ ઉમળકાભેર કરી છે.’ (પ્રસ્તાવના, પૃ.૮) કૃતિનિષ્ઠ વિવેચનમાં માનનાર આ વિવેચક એમ પણ નોંધે છે કે, ‘આ લખતી વખતે કૃતિને જે નજર સમક્ષ રાખી છે, એના કર્તાને નહીં... જેવું છે તેવું, જેવું મને લાગ્યું છે તેવું સ્પષ્ટ, કદાચ કઠોરવાણીમાં લખ્યું છે.' (પ્રસ્તાવના, પૃ. ૮) ‘જેવું છે તેવું’ એ તો બરાબર પણ વિવેચક જ્યારે એમ કહે કે ‘જેવું મને લાગ્યું છે તેવું’ આ વિધાન વિવેચકની નમ્રતા દર્શાવે છે.
નાટ્યકાર જેમ નાટક રજૂ કરતાં પહેલાં ક્યારેક દર્શકો સમક્ષ પ્રસ્તુત થનાર નાટક સંદર્ભે જે કેટલીક મહત્ત્વની જણાય તેવી સ્પષ્ટતા કરતા હોય છે એમ વિવેચક –મધુસૂદન કાપડિયા પ્રસ્તાવનામાં એમની દૃષ્ટિએ મહત્ત્વની કહેવાય એવી તમામ પ્રકારની સ્પષ્ટતા કરે છે. જેને તેમણે મર્યાદારેખા, કૃતિલક્ષી વિવેચન, ડાયસ્પોરા, સજ્જતાનો અભાવ, મૈત્રી વિવેચન, પીડા, આભાર દર્શન વગેરે વિભાગોમાં વિભાજીત કરી છે.
‘મર્યાદારેખા’માં તેમણે પોતાના અભિગમની ચર્ચા કરતાં શરૂઆતમાં જ નોંધ્યું છે કે, ‘આ પુસ્તક લખતી વખતે મનમાં એક સંકલ્પ હતો કે જે લેખકોમાં સર્જકતાનો સ્ફુલ્લિંગ ન હોય તેમનો સમાવેશ આમાં ન કરવો. ભલે એમનાં બે-પાંચ-પચ્ચીસ પુસ્તકો પ્રકટ થયાં હોય, મૈત્રી વિવેચનો થયાં હોય અને ઇનામો સાંપડ્યાં હોય !’ (પ્રસ્તાવના, પૃ.૭) મધુ રાય અને આદિલ મન્સુરી અમેરિકામાં રહેતા હોવા છતાં તેમનો અહીં સમાવેશ નથી કરવામાં આવ્યો તેનું પણ સચોટ કારણ તેમણે આપ્યું છે. અહીં સમાવિષ્ટ ‘બાબુ સુથારની કવિતા વિશે’નો છવ્વીસમો લેખ શિરીષ પંચાલનો શા માટે છે ? તેની સ્પષ્ટતા કરતાં પણ તેમણે વિનમ્રભાવે નોંધ્યું છે કે, ‘બાબુભાઇનું સર્જન અને વિવેચન બન્ને એકથી વધુ વાર વાંચ્યા પછી પણ તેનો મર્મ હું પામી શક્યો નથી. મારી જ કોઇક મર્યાદા હશે.’ (પ્રસ્તાવના, પૃ.૭) અહીં કવિ કલાપીની કાવ્યપંક્તિ ‘સૌંદર્યો પામતાં પહેલાં સુંદર બનવું પડે’માં બીજી પંક્તિ ઉમેરવાનું મન થાય કે, ‘બીજાની મર્યાદા કહેતાં પહેલાં પોતાની મર્યાદા જોવી પડે'. પણ લાગે કે આ હકીકત વિવેચક બહુ સારી રીતે જાણતાં હશે એટલે જ કદાચ તેમણે સમગ્ર ગ્રંથની શરૂઆતમાં જ ‘મર્યાદારેખા’નો ઉલ્લેખ કર્યો છે.
માત્ર યહૂદીઓ માટે વપરાતી સંજ્ઞા ‘ડાયસ્પોરા’ આજે દરેક પરદેશ જનાર માટે પ્રયોજાય છે ત્યારે ‘ડાયસ્પોરિક સાહિત્ય' એમ કહીએ ત્યારે માત્ર ‘ઘરઝૂરાપો' એવું અર્થઘટન કરનારાઓ સામે તેમણે કેટલાંક પ્રશ્નો પણ કર્યા છે, ‘(ડાયસ્પોરા સાહિત્યમાં) અમેરિકન અને ભારતીય સંસ્કૃતિનો સંઘર્ષ ક્યાં? સમન્વય ક્યાં ? નવવસાહતીઓના પારાવાર સંઘર્ષોની વેદના અને ગૌરવ-ગાથા ક્યાં ?... અમેરિકન પ્રજાનાં સાહસ, વ્યક્તિસ્વાતંત્ર્ય, વાણીસ્વાતંત્ર્ય, વ્યાપક અને મોકળાશભર્યા જીવન-અભિગમ અને રસવૃત્તિ, જીવનમાં અનેક ક્ષેત્રોમાં, સવિશેષે વિજ્ઞાન અને ટેક્નોલોજીમાં પદાર્પણ અને સિદ્ધિ, વૈભવ, સમૃદ્ધિ અને ભોગવિલાસ, આર્થિક ક્ષેત્રે ઉત્થાન અને પતન, રાજકીય ક્ષેત્રે લોકશાહીની સફળતા અને મર્યાદા, સમગ્ર વિશ્વમાં લોકપ્રિય નીવડેલા અમેરિકન સંગીતના અનેક પ્રકારો, વસાહતીઓ માટેનું અજોડ ઔદાર્ય- આ સઘળાંનું સ્વાનુભૂત નિરૂપણ અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોની રચનાઓમાં થવું હજુ બાકી છે. અરે, ખુદ ભારતીયોએ અમેરિકામાં અનેક ક્ષેત્રે મેળવેલી સફળતાઓ અને સિદ્ધિઓની વાત પણ ક્યાં થઇ છે?’ (પ્રસ્તાવના, પૃ. ૯)
ગુજરાતી સાહિત્યમાં પણ હવે જ્યારે ડાયસ્પોરા સાહિત્યની સ્વતંત્ર ચર્ચાઓ થવા માંડી છે ત્યારે સલમાન રશ્દી, વિદ્યા નાયપૉલ, ગેબ્રિયલ ગાર્સિયા માર્કવેઝ, મીલાન કુંદેરા અને ઝુમ્યા લાહિરી જેવા આ વિષયના સમર્થ સર્જકોની વાતો પણ થવી જોઈએ તેવી ટકોર પણ તેમણે કરી છે.
ગુજરાતમાં વસવાટ કરતાં સર્જકોના મુકાબલે અમેરિકામાં વસનારા સર્જકોમાં ક્યાંક સાહિત્યિક સજ્જતાનો અભાવ તો છે જ પણ વિવેચક કહે છે તેમ, ‘(આ) સર્જકોના લેખન સંદર્ભે જો કોઇએ સૌથી વધારે દાટ વાળ્યો હોય તો તે છે ડાયસ્પોરા વિવેચકો.’ (પ્રસ્તાવના, પૃ.૧૨) ડાયસ્પોરા સાહિત્યમાં મૈત્રીવિવેચન, વાટકીવ્યવહાર કે પીળું પત્રકારત્વ જે કહો તે ચાલી રહ્યું છે તે સંદર્ભે વિવેચક નોંધે છે કે, ‘કેટલાકોએ તો ડાયસ્પોરા સાહિત્યકારોને ચણાના ઝાડ પર ચડાવી મારવાનો જાણે ઠેકો જ લીધો છે. મારાં આ સઘળાં વિધાનોનાં દૃષ્ટાંતો મને જ નહીં, તમને પણ હાથવગાં જ છે.’ (પ્રસ્તાવના, પૃ.૧૨) મધુસૂદન કાપડિયાના આ સૂરમાં સૂર મિલાવતાં મણિલાલ હ. પટેલે આ પુસ્તકની સમીક્ષા કરતાં નોંધ્યું છે કે, ‘આપણે ત્યાં કેટલાક અતિઉત્સાહી સમીક્ષકો દરેક તબક્કે કમર બાંધીને ઝંપલાવવા તૈયાર હોય છે – એમને ઇતિહાસ થઇ જવાની ઉતાવળ હોય છે. ‘ડાયસ્પોરા’ વિશે પણ આવું કાચું કાપનારા બ્રિટન-અમેરિકામાં ફરી વળીને, આફરો ચઢેલાં સંપાદનો કરી રહ્યાં છે. ‘ડાયસ્પોરા’ સાહિત્યની બાબતમાં આંધળે બહેરું કૂટાઇ રહ્યું છે ત્યારે મધુસૂદનભાઈએ ‘ડાયસ્પોરા' વિશે અહીં ઉચિત પરિપ્રેક્ષ્ય રજૂ કર્યો છે અને સાહિત્યિકતા વિનાની કૃતિઓને, એવા મેદસ્વિ કવિઓને પણ, દૂર રાખ્યા છે એ આનંદની વાત છે.’ (અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોનું સાહિત્ય: અભ્યાસ અને મૂલ્યાંકન, મણિલાલ હ. પટેલ, પરબ, એપ્રિલ- ૨૦૧૨, પૃ. ૪૭-૪૮) જે હોય તે પણ ડાયસ્પોરા સાહિત્યનું વિવેચન તટસ્થ રીતે થયું નથી એ હકીકત છે.
આ ગ્રંથમાં સૌથી પહેલો અને સૌથી લાંબો લેખ પન્ના નાયક વિશેનો છે. આ લેખ વિશે મણિલાલ હ. પટેલ પોતે કરેલી સમીક્ષામાં નોંધે છે કે, ‘તેંતાળીશ પાનાંના (આ ગ્રંથના) સૌથી લાંબા લેખમાં વાર્તાને છ પાનાં ફાળવીને ૩૭ પાનાં પન્નાની કવિતાને આપ્યાં છે.’ (અમેરિકાવાસી કેટલાક ગુજરાતી સર્જકોનું સાહિત્ય : અભ્યાસ અને મૂલ્યાંકન, મણિલાલ હ. પટેલ, પરબ, એપ્રિલ ૨૦૧૨, પૃ. ૫૭) પણ હકીકતે આ લેખ તેંતાળીશ પાનાંનો નહીં પણ ૪૭ પાનાંનો છે જેમાં ૩૭ નહીં પણ ૪૧ પાનાં પન્ના નાયકની કવિતા વિષયક છે.
પન્ના નાયકની કવિતા કહો કે સાહિત્ય સર્જનની એક વિશેષતા એ છે કે પોતે જ્યારે ભારતમાં હતા ત્યાર સુધી કવિતાનો ‘ક’ પણ ન લખનાર કવિયત્રી પાસેથી આજે આપણને દસ જેટલા કાવ્યસંગ્રહો કેમ મળ્યાં તેનો જવાબ અહીંથી તો નથી મળતો પણ શબ્દસૃષ્ટિના દીપોત્સવી વિશેષાંકમાંથી આપણે આનો જવાબ કવિયત્રીની કવિતા વિશેની કેફિયતમાંથી મળે છે. શું કહે છે કવિયત્રી ? જુઓ: ‘ત્યાં અનેક માણસોથી વીંટળાયેલી હું એકાએક એકલી થઇ ગઇ. પેલું પરિચિત ઘર નહીં. મનમેળ માણસોનો મેળો નહીં. કેવળ ઘર અને નોકરી અને શૂન્યતાનો અનુભવ કરાવે એવો પોકળ સમય. આ એકલતા અને શુન્યતામાંથી ઉગરવા માટે જ જાણે હું કવિતા પાસે ગઇ ! તમને સાચું કહું? કવિતા ન હોત ને તો હું સાવ એકલી એકલી થઇ જાત.’ કવિયત્રીમાં પ્રતિભાતો હતી, સમય અને સંજોગો પણ અનુકૂળ બન્યાં, એમાં પ્રેરણા પુરી પાડી અમેરિકન કવિયત્રી એન. સેક્સટનના કાવ્યોએ. કવિયત્રીએ ઘર, ઘરઝૂરાપો, નારીસંવેદન, માતૃત્વ, અમેરિકામાં થયેલા અનુભવો, પ્રકૃતિ, પ્રસન્નતા વગેરે જેવા વિષયોને કાવ્યોમાં આલેખ્યા છે. પણ વિવેચકના શબ્દોમાં કહીએ તો, ‘કાવ્યોનો વિષય ગમે તે હો લગ્નજીવનની વિષમતા અને વિષમયતા, વંધ્યત્ત્વની વ્યથા, immigrantની સ્વદેશ માટેની સહજ રટણા, દૈનંદિન રુટીનની યંત્રણા, જીવનની નિરર્થકતા, જન્મજન્માક્ષરની કલ્પનાની વ્યર્થતા- આવા વિવિધ વિષયનાં કાવ્યોનો સૂર એક જ છે, એમાં એક જ ભાવ ઘોળાઈ રહ્યો છે, એકલતાનો, પરાયાપણાનો, સ્વજનહિનતાનો, અમૈત્રીનો, યાંત્રિક એકલતાનો, અસ્થિરતાનો, અને પ્રેમના અભાવનો !’ કાવ્યસર્જનનો મુખ્ય આશય જ્યારે એકલતામાંથી જન્મ્યો છે ત્યારે કવિયત્રીના કાવ્યોમાં પણ એકલતાનો સૂર સંભળાય એમાં શી નવાઇ ! કવિયત્રી જે સમસ્યાઓ અનુભવે છે તેનું પ્રતીકાત્મક નિરૂપણ આ પંક્તિઓમાં થયેલું છે,
‘ફૂલો ને કેટલી નિરાંત
Survival
Identity
Alienation
એવા કોઈ પ્રશ્નોની મૂંઝવણ જ નહીં !’ - (‘વિદેશિની', પૃ.૧૦૫)
તો બીજી પંક્તિઓ જુઓ,
‘બધું તાદૃશ થયા પછીય
કેટલી અલ્પજીવી હોય છે
આ સ્મરણની ઋતુ...!’ -(‘વિદેશિની', પૃ. ૧૭૮)
કવિયત્રીને વધારે સફળતાતો અછાંદસ કાવ્યોમાં જ મળી છે. ગીત અને સૉનેટ સ્વરૂપની પણ રચનાઓ પણ તેમણે કરી છે. ‘ચેરી બ્લોસમ્સ' કાવ્યસંગ્રહમાં થોડા હાઈકુઓ છે પણ ‘આવનજાવન’ તો આખેઆખો હાઈકુસંગ્રહ જ છે.
પન્ના નાયક પાસેથી આપણને ‘ફ્લેમિન્ગો' નામનો એક જ વાર્તાસંગ્રહ મળ્યો છે. આ વાર્તાસંગ્રહ ઉપરાંત લેખિકાની સામાયિકમાં પ્રગટ થયેલી ત્રણ વાર્તાઓ ‘થેંક્સ ગિવિંગ', ‘સુજાતા’ અને ‘ખુટતી કડી'ની પણ વિવેચકે અહીં નોંધ લીધી છે. ‘ફ્લેમિન્ગો’ વાર્તાસંગ્રહની વાત કરતાં વિવેચક નોંધે છે કે, ‘પન્નાની નાયિકાઓ શામળની નાયિકાઓ જેવી ઊડતા પંખીને પાડે તેવી પ્રગલ્લભ અને કામવ્યસની છે.’ એ વાત તો સાવ સાચી પણ વિવેચક પ્રસ્તાવનામાં જ નોંધે છે અને જેની આપણે પહેલા પણ ચર્ચા કરી કે, ‘(ગુજરાતી સાહિત્યમાં) અમેરિકન અને ભારતીય સંસ્કૃતિનો સંઘર્ષ ક્યાં ?’ એના જવાબ માટે જ જાણે કે લખાઇ હોય તે ‘ફ્લેમિન્ગો' વાર્તાસંગ્રહની પ્રથમ વાર્તા ‘લૅડી વિથ અ ડૉટ’ની નોંધ સુધ્ધાં વિવેચકે લીધી નથી. અમેરિકામાં ભારતીય અને તેમાં પણ સ્ત્રી હોવાનાં કારણે વેઠવી પડતી યાતનાઓનું હૃદયસ્પર્શી આલેખન આ વાર્તામાં થયું છે.
આ સંગ્રહમાંના બીજા સર્જક છે હરનીશ જાની. કથનાત્મક શૈલીમાં સર્જનાત્મક અભિવ્યક્તિનું આલેખન કરી જાણનાર આ સર્જક પાસેથી આપણને હાસ્ય નવલિકાઓનો સંગ્રહ ‘સુધન’ અને નિબંધસંગ્રહ ‘સુશીલા' મળે છે. સર્જકે ગુજરાતીઓની ધાર્મિક ઘેલછા અને અંધશ્રદ્ધાને વિષય બનાવ્યો છે. તેમાંના થોડાં ઉદાહરણો ખરેખર નોંધવા જેવા છે :
‘જે ભાવકનું દૂધ ભગવાને પીધું તે ભક્ત બની ગયા અને જેમનું ન પીધું તે વૈજ્ઞાનિક બની ગયા.’ (‘સુધન’, પૃ.૭૧)
‘આ દુનિયામાં યોગી ભોગી હોઈ શકે, પણ ભોગીથી યોગી ન બનાય.’ (‘સુધન’, પૃ.૮૧)
‘માનવસ્વભાવનો મારો અભ્યાસ જણાવે છે કે ભક્તજનોમાં શ્રધ્ધા હોય છે, બુદ્ધિ હોતી નથી.’ (‘સુધન’, પૃ.૧૦૧)
‘આપણી આગળ ઘણા લોકો સલાહને નામે લવારા કરી જાય છે. જેના લવારા કામ લાગે તેમને ગુરુ ગણવા જેના લવારા કામ ન લાગે તેમને દોઠડાહ્યા ગણવા.’ (‘સુધન’, પૃ.૭૮)
સૉનેટમાં અંતે આવતી ચોટ નવલિકામાં પણ આવવી જ જોઈએ એવી લેખકની માન્યતા તેમની મર્યાદા બને છે તેની નોંધ પણ વિવેચકે અહીં લીધી છે. ‘સુધન'માં જે પ્રકારનું હાસ્ય છે એ જ પ્રકારનું હાસ્ય ‘સુશીલા'માં પણ છે. ‘અભિ-એશ વેડિંગ, બોરિંગ બોરિંગ’ એ લેખ પણ હાસ્યરસ સભર અને ભાવકનું ધ્યાન આકર્ષિત કરનારું છે. હાસ્યરસને માર્મિક રીતે રજૂ કરનાર બીજા સર્જક ભરત શાહ છે. તેમની આત્મચરિત્રાત્મક લઘુનવલ ‘સમીપે’માં મરણ પથારીએ પડેલી પત્નીનું વિષયવસ્તુ હોવા છતાં આ કૃતિ લાગણીવેડામાં સરી જતી નથી, કૃતિનો અંત સુખદ નીવડે છે. સમગ્રરચના કરૂણપ્રધાન હોવા છતાં જે રીતે તેનું આલેખન થયું છે તે શૈલી ભાવને કરૂણની સાથેસાથે હાસ્યરસની પણ પ્રતીતિ કરાવે છે. હાસ્યરસના ત્રીજા સર્જક છે કિશોર રાવળ. ઓગણસિત્તેરમેં વર્ષે પોતે ઇન્ટરનેટ પર ‘કેસુડાં' નામનું સામયિક શરૂ કરવાનું વિચાર્યું. આ સામયિક માટે પોતે જ વાર્તાઓ લખી અને તેનું પરિપાક તે ‘અમે ભાનવગરનાં’. વાર્તાસંગ્રહનો શીર્ષક જેટલો હાસ્યાસ્પદ છે તેટલી જ તેમાંની વાર્તા પણ હાસ્યાસ્પદ છે. કિશોર રાવળની જેમ પુખ્તવયે સાહિત્ય સર્જન કરનાર નિબંધકાર સૂચી વ્યાસ છે.
સુરતી બોલીમાં લખેલાં કાવ્યો દ્વારા વિશેષ પ્રતિષ્ઠા મેળવનારા કિશોર મોદીના ચાર કાવ્યસંગ્રહો ‘એઈ વીહલા', ‘મધુમાલિકા’, ‘મોહિની’, ‘જલઝ' વિશેની ચર્ચા અહીં કરવામાં આવી છે. પ્રાદેશિક બોલીમાં સર્જકની સર્જકતા કેવી રીતે ખીલી ઉઠે છે તે મુખ્ય આકર્ષણ છે. અછાંદસ કાવ્ય ઉપરાંત ગઝલ જેવા સ્વરૂપમાં પણ સર્જકે જે સાહિત્યસર્જન કર્યું છે તે પણ કેવું આસ્વાદ્ય છે તેની પણ વિવેચકે નોંધ લીધી છે.
સર્જક કૃષ્ણાદિત્ય પાસેથી આપણને ‘યાત્રા પર્વ’ નામનો કાવ્યસંગ્રહ મળે છે. જેમાં અછાંદસ, ગીત, ગઝલ અને સૉનેટ એમ તમામ પ્રકારની રચનાઓ છે. સર્જકના ઘરઝુરાપાને વ્યક્ત કરતી આ પંક્તિ જુઓ:
‘વહાણાં વીત્યાં ને વળી, વરસો વહ્યાં ને
ત્યાં તો આવ્યો આ ગામનો સીમાડો
વ્હાલપનો ક્યાંય ના વિસામો.’
*
‘સિલકમાં શૂન્ય છે અમે જાણતા હતા
તોય રોજમેળ રોજ રાખતા હતા.’
ગુજરાતમાં જન્મેલ, પશ્ચિમ બંગાળમાં લગ્ન કરનાર અને અમેરિકામાં વસનારી પ્રીતિ સેનગુપ્તાને વિવેચક ‘પ્રવાસિની’ની ઉપમા આપે છે. ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં પ્રીતિ સેનગુપ્તાએ જે પ્રકારનું પ્રદાન કર્યું છે તેને ધ્યાનમાં રાખતા આ ઉપમા સાર્થક નીવડે છે. પ્રીતિ સેનગુપ્તાના પ્રવાસસાહિત્ય ક્ષેત્રે કરેલાં કાર્યને મૂલવતાં વિવેચક પ્રવાસસાહિત્યની વિભાવના પણ સમજાવે છે અને ગુજરાતી પ્રવાસ સાહિત્યમાં પ્રીતિ સેનગુપ્તાનું સ્થાન કાકાસાહેબ કાલેલકર અને ભોળાભાઈ પટેલ પછીના ત્રીજા નંબરે મૂકી આપે છે. પ્રવાસવર્ણનોમાં પ્રીતિ સેનગુપ્તાની સાહસિકતા, પ્રવાસપ્રેમ, સમજણ શક્તિ, પ્રવાસનો સાચો અભિગમ, જે તે પ્રદેશ સાથે અનુભવાતો એકાત્મભાવ, દરેક સ્થળની ઐતિહાસિક ભૂમિકા રચી આપવી વગેરે જેવી વિશેષતાઓની વિવેચકે નોંધ લીધી છે. વધુમાં વિવેચક નોંધે છે કે, ‘આ પ્રવાસ નિબંધો માત્ર ઐતિહાસિક- ભૌગોલિક આલેખો નથી, માત્ર પ્રકૃતિવર્ણનો અને સૌંદર્યાનુભૂતિ નથી પણ હમદર્દી છે.’ તો ગુજરાતી- ભારતીય ડાયસ્પોરાની બીજી બાજુની ચર્ચા પણ પ્રીતિ સેનગુપ્તા પોતાના પ્રવાસ નિબંધોમાં કરે છે. તે જુઓ : ‘ઇન્ડિયન ક્યાંય કોઈનાં બની શકતા નથી. એ પૈસાપાત્ર બને છે, સ્નેહાદરને પ્રાપ્ત બની શકતાં નથી.’
પ્રીતિ સેનગુપ્તા પ્રવાસવર્ણનો લખવા ખાતર પ્રવાસ કરે છે એ ક્યારેક તેમની મર્યાદા બની રહે છે. એ ઉપરાંત વધારે પડતી ગંભીરતા અને હાસ્યવૃત્તિ અભાવ પણ ‘પ્રવાસિની'ની મર્યાદા બની રહે છે. પ્રવાસનિબંધની આ પહેલી મર્યાદા તેમના કાવ્યોને પણ લાગુ પડે છે. દરેક પ્રવાસ વિશે એક કાવ્ય લખવું એવો અભિગમ કવિયત્રી રાખે છે. કવિયત્રીના અછાંદસ કાવ્યો ખરેખર લાગણી સભર છે. બે કાવ્યો જુઓ :
‘જ્યાં શકુંતલા,
વગર વાંકે તરછોડી ગઈ,
જ્યાં યશોધરા
ગાઢ નીંદરમાં ત્યજઇ હતી,
જ્યાં દ્રૌપદી
ભરસભામાં વેચાઈ હતી,
જ્યાં સીતા
આખરે પૃથ્વીમાં સમાઈ હતી,
તે દેશમાં
હું
ફક્ત એક શિકાર.’
તો માતૃત્વની વેદના આ પંક્તિઓમાં છે :
‘મારી કૂખેથી નહીં જન્મેલું બાળક
પૂછી ઊઠે છે :
દુનિયાની સુંદરતાથી મને વંચિત કેમ રાખ્યું?’
કવિયત્રી પોતાના પ્રવાસ કાવ્યોમાં વારંવાર એ વાત નોંધે છે કે, ‘આ સૌદર્યંધામો કેવા અદ્ભુત, અકલ્પ્ય, અનનુભૂત, અતીવસુંદર, નૈનોનું નિર્વાણ, હૃદયનું કિમપી દ્રવ્યમ છે.’ પણ તેની પ્રતીતિ કે અભિવ્યક્તિ કવિયત્રી પોતાના કાવ્યોમાં કરાવતા નથી. આમ કહેવા માત્રથી કાવ્ય ન બને. એની અનુભૂતિ ભાવકને થવી જોઈએ. અહીં મને કવિ રાજેશ પંડ્યાની આ પંક્તિઓ યાદ આવે કે,
‘મેં માગ્યું તું પાણી,
તે આપી કેવળ વાણી.’
મેડિકલ ડોક્ટર તરીકે સેવા આપતા અશરફ ડબાવાલાની ગઝલોની સરળતા, સૂક્ષ્મતા, વિચારસમૃદ્ધિ અને ઊંડાણ દરેક વાચકને સ્પર્શી જાય એ પ્રકારના છે. ગઝલો અને અછાંદસમાં જેવી સફળતા તમને મળી છે તેવી સફળતા ગીતોમાં મળી નથી, એની પણ નોંધ વિવેચકે લીધી છે. તળપદા શબ્દોનો વિનિયોગ અશરફ ડબાવાલા કેવી ઉત્તમ રીતે પોતાની ગઝલમાં રદીફ અને કાફિયા તરીકે કરી શક્યા છે તેનું આ ઉદાહરણ છે :
‘સરવૈયાની ઐસીતૈસી, સરવાળાની ઐસીતૈસી,
જીવની સાથે જીવી લીધું, ધબકારાની ઐસીતૈસી.
જીવનના અંતે ઇશ્વર કે જન્નત જેવું હો કે ના હો;
બસ સ્વયંવર જીતી લીધો, વરમાળાની ઐસીતૈસી.’
સર્જક પોતે એક ડોક્ટર હોવાથી ધંધાના સંસ્કાર સર્જનમાં આવી જ જાય એટલે તેઓ વિચાર, આચાર અને ભાષાને જોડી ન શકનારી માનસિક બીમારી વિશે તળપદી ભાષામાં કેવી સરળ રીતે રજૂ કરી શક્યાં છે તે પણ જુઓ :
‘તમારી વાત હાવ હાચી છે,
મને Schizophrenia થ્યો છે
પણ ઈ ક્યોને કોને નથી થ્યો?’
નબી ને અજનબી જેને સમાન લાગે છે એવા આ સર્જકની ઇશ્કેહકીકીની અને કાવ્યસર્જનના મર્મની ગઝલો વિશેની નોંધ પણ વિવેચકે લીધી છે.
મધુમતી મહેતાનું સાહિત્ય સર્જન અત્યાર સુધી પ્રગટ નથી થયું એટલે જ વિવેચક નોંધે છે કે, ‘ભલું થજો સુરેશ દલાલનું કે ‘કવિતા’ના વિશેષાંકોમાં ક્યારેક એક જ સર્જકની અનેક કૃતિઓ એ પ્રગટ કરે છે. એક અછાંદસ, થોડી ગઝલો અને થોડાં ગીતોનું સાહિત્યસર્જન છે આ કવયિત્રીનું.’ જીવનમાં ફરી વળતી નિરાશાનું નિરૂપણ તેમની ગઝલોમાં જોવા મળે છે. પણ એનાથી વધારે આપણને આકર્ષે છે તેમના ભક્તિગીતો. ન્હાનાલાલની ગીત પંક્તિઓ યાદ અપાવતું આ ગીત જુઓ :
‘મારી પાટીના અક્ષર ભૂંસાય કે રામ ! તમે આવો ને,
મારા ફેરાનાં મીંડા ઘૂંટાય, હે રામ! હવે આવો ને.’
અમેરિકાવાસી ગુજરાતી સર્જકોમાં વિરલ કહી શકાય તેવા સર્જક નટવર ગાંધી છે. તેમની પાસેથી ‘અમેરિકા-અમેરિકા’ અને ‘ઇન્ડિયા-ઇન્ડિયા’ એમ બે કાવ્યસંગ્રહો મળ્યાં છે. વિરલ એટલા માટે કે કવિની તમામ રચનાઓ સોનેટ સ્વરૂપમાં છે. ‘અમેરિકા-અમેરિકા’ની તમામ એકાવન રચનાઓ પૃથ્વી સોનેટમાં છે. તો ‘ઈન્ડિયા-ઈન્ડિયા’માં પૃથ્વી સિવાય વસંતતિલકા, શિખરિણી અને મંદાક્રાન્તા છંદમાં પણ થોડી રચનાઓ મળે છે. કવિએ ‘નગરયાત્રા', ‘વિભૂતિપ્રશંસા’ અને ‘ઇન્ડિયા, ઇન્ડિયા' જેવા સૉનેટ ગુચ્છ રચ્યાં છે. આ કવિની થોડી રચનાઓ પહેલા સામયિકમાં પણ પ્રગટ થયેલી પણ એ જ રચનાઓ જ્યારે તેમણે સંગ્રહસ્વરૂપે ફરીથી પ્રગટ કરી ત્યારે તેમાં જરૂરી જણાયા ત્યાં જે પાઠાન્તરો કર્યા છે એની પણ અહીં સદૃષ્ટાંત નોંધ વિવેચકે લીધી છે.
શિખરિણી અને વસંતતિલકા છંદ પર પ્રભુત્વ ધરાવનાર કવિ ભરત ઠક્કર પાસેથી ‘સોનેરી મૌન’, ‘કૃપા-સ્પર્શ' અને ‘સ્મૃતિનાં ઝરણ’ એમ ત્રણ કાવ્યસંગ્રહો મળ્યાં છે. વિવેચક નોંધે છે કે, “‘સોનેરી-મૌન' કરતાં ‘સ્મૃતિનાં ઝરણ'માં કવિને વધારે સફળતા મળી છે અને અછાંદસ કાવ્યો કરતાં છંદોબદ્ધ કાવ્યોમાં અનેકગણી વધારે સફળતા મળી છે.’ (પૃ.૧૧૪) કવિએ ઘરઝુરાપાને ઉત્તમ રીતે આલેખ્યું છે :
‘અવાજો, કોલાહલો ને શિકાગોના હૃદયમાં ભમતો ફરું-
રતનપોળ, રિલીફરોડ ને અમદાવાદની વસતિને સૂંઘ્યા કરું’
‘કૃપા સ્પર્શ' કાવ્યસંગ્રહની વાત કરતી વખતે વિવેચકની અંગતતા પણ પ્રગટ થાય છે: ‘ધર્મસંપ્રદાયો, ધર્મગુરુઓની મને એલર્જી છે. ‘કૃપા સ્પર્શ' જોઈને જ થોડી વિમુખતા અનુભવી. પ્રસ્તાવનામાં જ્યારે જોયું કે સંગ્રહનાં પંચાવને- પંચાવન કાવ્યો માતાજી (શ્રી અરવિંદ) – વિષયક છે તેથી મારો પુર્વગ્રહ તીવ્ર બન્યો. પોંડીચેરીએ ગુજરાતી સાહિત્યને ગંભીર નુકશાન પહોંચાડ્યું છે. સુન્દરમ્ ‘યાત્રા’ કાવ્યસંગ્રહ પછી કવિ મટી ગયા.’ (પૃ. ૧૧૬) આવી અંગતતા પ્રગટ થવાનું કારણ સાહિત્યપ્રીતિ હશે ? કે પછી ભરત ઠક્કરે ‘સ્વામિનારાયણ’ સંપ્રદાયની કંઠી બાંધીને કવિતા લખવાનું જ છોડી દીધું એટલે ? વિવેચકને ‘આધુનિકતાનો સ્પર્શ’ જેમની કાવ્યોમાં સૌથી વધારે લાગ્યો એ કવિ કમલેશ શાહ પણ આધ્યાત્મિકતા તરફ વળી જાય છે એટલે એમનું કાવ્યસર્જન પણ બંધ થઇ જાય છે. એક સારા અને સાચા કવિને પ્રોત્સાહન પૂરું પાડવું એ બીજા કવિનું –કહો કે દરેક સાહિત્યકારનો ધર્મ છે. એટલે નિરંજન ભગતે જેમને પ્રોત્સાહન પૂરું પાડ્યું અને પછીથી જેમની પાસેથી આપણે ‘ભૂરીશાહિના કુવાકાંઠે' અને ‘જાંબુડી ક્ષણના પ્રશ્નપાદરે’ જેવા બે કાવ્યસંગ્રહો મળ્યાં તે સર્જક ઘનશ્યામ ઠક્કરની પણ અહીં નોંધ લેવામાં આવી છે.
ગુજરાતી સાહિત્યમાં બળવંતરાય ઠાકોર અને ઉમાશંકર જોશી પાસેથી કવિ અને કવિતા વિષયક જે પ્રકારનાં કાવ્યો આપણે મળ્યાં છે તે વિષયનાં ઇયતત્તા અને ગુણવતા સભર કાવ્યો આપણને ભરત ત્રિવેદીના કાવ્યસંગ્રહ ‘કલમથી કાગળ સુધી’ દ્વારા મળ્યાં જેની પણ અહીં નોંધ વિવેચકે લીધી છે. તે જુઓ,
‘અહીં આપણો રાતભરનો જ વાસો
કશી તોય થોડી લખાવટ તો કરીએ.
અહીં કોઈના ય શબ્દ કાયમ રહ્યા છે?
છતાં થોડી આજે લખાવટ તો કરીએ.’
એમ કહેનાર કવિ પાસેથી આપણને ઘરઝુરાપો વિષયક રચનાઓ પણ મળી છે. જેના આ ઉદાહરણ જુઓ :
‘અમદાવાદ
તને છોડવા છતાં
ક્યાં છોડી શકાયું છે?
ને
અહીંયા આટલું રોકાયાં છતાં
ક્યાં વસી શકાયું છે !’
*
‘ગાડી લઇ લો, વાડી લઇ લો, લઈ લો ડૉલર સારા,
જો આપો તો લાવી આપો, ગામ- ગલી- ઘર મારાં.’
વિવેચક જેને ટહુકાનો કવિ કહે છે તે પ્રીતમ લખલાણીના લઘુકાવ્યોની પણ અહીં સદૃષ્ટાંત ચર્ચા કરવામાં આવી છે. ગીત જેવાં કાવ્યસ્વરૂપને પણ આ કવિએ ખેડ્યું છે. આ કવિના સંયમની ઉતાવળ વિશે નોંધતા વિવેચક કહે છે કે, ‘કાવ્યસંગ્રહના પ્રકાશનમાં ઝટઝટ કવિ થઇ જવાની ઉતાવળ દેખાય છે. ૧૯૯૫માં પ્રથમ કાવ્યસંગ્રહ ‘ગોધુલિ’ પછી ૧૯૯૮માં દમક', ૧૯૯૯માં સંકેત' અને સને ૨૦૦૧માં ‘એક્વેરિયમમાં દરિયો'. ‘સંકેત'માં ગણીને ૩૬ પાનાં છે. ટચુકડી ખિસ્સાપોથી સાઇઝના કાવ્યસંગ્રહ ‘એક્વેરિયમમાં દરિયો’માં ટૂંકા-ટૂંકા ચાર-છ પંકિતના કે એથીયે ટૂંકા કાવ્યો છે. વળી અછાંદસ એટલે કે બે ત્રણ શબ્દની પંક્તિ હોય. સૌથી વિચિત્ર તો એ છે કે અધઝાઝેરાં- હા, ત્રીસથી વધુ કાવ્યો ડુપ્લિકેટ છે, આગળના કાવ્યસંગ્રહમાં આવી ગયાં છે.’
પ્રીતમ લખલાણીને કવિતામાં જેટલી સફળતા મળી છે તેટલી સફળતા નવલિકાઓમાં મળી નથી. વિવેચકના મતે તેમની ‘નવલિકાઓમાં ઘટના છે પણ ઘાટ નથી.’ ‘શબ્દની ફ્રેમમાં’ તેમનાં રેખાચિત્રો છે. જેમાં મહેન્દ્ર મેઘાણી, હરીન્દ્ર દવે, ગુણવંત શાહ, મોરારી બાપુ અને વિપુલ કલ્યાણી જેવા પ્રતિષ્ઠિત તો ચંદા મહેતા અને નાથાબાપા જેવી સ્થાનિક વ્યક્તિનાં રેખાચિત્રો છે. આ સ્થાનિક રેખાચિત્રો જ તેમનાં ઉત્તમ રેખાચિત્રો બની રહે છે. થોડા નબળાં રેખાચિત્રોમાં મરીઝ, શેખાદમ આબુવાલા, સૈફ પાલનપુરી અને જેમનો પોતાના પર સૌથી વિશેષ પ્રભાવ છે તેવા સુરેશ દલાલનો સમાવેશ કરી શકાય. આ ઉપરાંત સર્જકના બે વાર્તાસંગ્રહો અને ત્રણ કવિતાનાં સંપાદનોની પણ નોંધ અહીં લેવામાં આવી છે.
બહુ ઓછા અલંકારો અને લાગણીનું સ્વસ્થ, શાંત આલેખન કરનારા કવિ વિરાફ કાપડિયાની કવિપ્રતિભા ચેસકાવ્યો અને પશુકાવ્યોમાં સંતોષાતી જોવા મળે છે. વિવેચક જે અપેક્ષા એક ડાયસ્પોરા સાહિત્યકાર પાસેથી રાખે છે તેમાંની સૌથી વધારે અપેક્ષાઓ ચન્દ્રકાન્ત શાહના કાવ્યોમાં પૂર્ણ થતી આપણને દેખાય છે. અમેરિકન- સંસ્કૃતિ, ભાષા, જીવનશૈલી આ સર્જકના કાવ્યોમાંથી વિશેષ પ્રગટે છે. વિવેચક નોંધે છે કે, ‘ચન્દ્રકાન્તમાં એકીસાથે અમેરિકન જીવનશૈલીનો ઉમંગ-ઉત્સાહ-ઉમળકો છે અને ભારતીય પ્રણાલી માટેનાં વિષાદ-વ્યથા-વેદનાં છે.’ વૃક્ષોમાં જેમ બે અલગ અલગ પ્રજાતિને ભેળવીને સંકર જાતિનું છોડ પેદા કરવામાં આવે છે એવી જ કંઇક માનવ સંકર જાતિ ચંદ્રકાન્ત શાહના કાવ્યોમાં છે. જેનું આ ઉદાહરણ જુઓ :
‘કોર્ડલેસ ફીલીંગ્સ સહુને માટે
ખુદને માટે ઇમ્પોર્ટેડ લાવ્યાં
બોટલ્ડ વૉટર પી પીને
આ દેશી પાણી, દેશી તડકા, દેશી ભાષા ફૉરેન લાવ્યાં.’
‘કંકુ ખર્યું' અને ‘…ને સૂરજ ઉગ્યો' એવા બે વાર્તાસંગ્રહો અને ‘થવા કાળ...' જેવી લઘુનવલ આપનાર સર્જક આનંદ રાવ લિંગાયત છે. ભારતીય અને અમેરિકાની સંસ્કૃતિ, જીવનશૈલી, સમાજવ્યવસ્થાને એકસાથે નિરૂપિત કરતી તેમની ‘કૂંપળ ફૂટી' વાર્તા સૌથી શ્રેષ્ઠ વાર્તા છે. પ્રીતમ લખલાણીએ અમેરિકાવાસી ગુજરાતી સર્જકોની વાર્તાઓને સંપાદિત કરી છે તેમાં આ વાર્તાનો સમાવેશ નથી કરવામાં આવ્યો. એટલે વિવેચકે નોંધ્યું છે કે, ‘આનંદ રાવની યશોદાયી કૃતિ ‘કૂંપળ ફૂટી’ વિના કોઇ પણ અમેરિકાવાસી સર્જકોનું સંપાદન (સાંભળો છો, પ્રીતમ લખલાણી) અધૂરું ગણાય.’ આ સર્જક વિશે વિવેચક અંતમાં એમ નોંધે છે કે, ‘આનંદ રાવનો યશ કેટલીક ઉત્તમ નવલિકાઓથી ટકી રહેશે. ઇન્ડો-અમેરિકન કથાવસ્તુનું આલેખન, સુઘડ પાત્રાલેખન, સરળ ગદ્યશૈલી અને નોસ્ટેલ્જિયા અથવા ભૂતકાણની કરૂણમધુર સ્મૃતિઓના નિરૂપણથી આ ઉત્તમ કૃતિઓ જીવંત રહેશે.’
નાટક, નવલિકાઓ અને ઉત્તમ એકાંકી નું સર્જન કરનાર સર્જક આર. પી. શાહ છે. વિવેચક જેમને ‘મનમોજી કવિ’ કહે છે તેવા સુધીર..... નાં ત્રણ કાવ્યસંગ્રહોની સદૃષ્ટાંત ચર્ચા અહીં વિવેચકે કરી છે. આ વિવેચન ગ્રંથ નો છેલ્લો લેખ ‘બાબુ સુથાર કવિતા વિશે’ શિરીષ પંચાલે લખ્યો છે. બાબુ સુથારના જન્મથી કરી તેનો અભ્યાસ, પડદા અને કારર્કિદીની તમામ વિગતો તેમણે આપી છે. આ સર્જક હાલમાં ઇન્દ્ર શાહની સાથે ‘સંધિ’ ત્રૈમાસિકનું સંપાદન કરે છે તેની પણ નોંધ અહીંયા લેવામાં આવી છે. આદિવાસી, પરંપરાઓ, ભૂવાઓ, અનુષ્ઠાનોની સાથે સાથે કવિએ કપોળકલ્પનાનો કેવો વિનિયોગ પોતાના કાવ્યમાં કર્યો છે તેની સદૃષ્ટાંત ચર્ચા વિવેચક શિરીષ પંચાલે કરી છે.
સમગ્ર વિવેચનગ્રંથમાંથી પસાર થતા આપણને એક વિવેચકની સૂઝબૂઝની ઓળખ થાય છે. બધી જગ્યાએ પોતે જે વાત કરી છે તેના ઉદાહરણો આપ્યાં છે. કમ્મરનાં દુખાવા અને કેન્સરની પીડા વેઠીને પણ તેમણે હાથમાં લીધેલ આ કાર્ય પૂરું કર્યું છે તે ખરેખર દાદમાંગી લે છે. સમાવિષ્ટ સમગ્ર સર્જકો વિશેની નોંધમાંથી પસાર થતાં એક વાત બીજી પણ ઉડીને આંખે વળગે કે મોટા ભાગના સર્જકોએ માત્ર કાવ્યો જ લખ્યું છે. એનું કારણ તપાસવા બેસીએ તો તરત ખ્યાલ આવે કે જેમ વિશ્વ સાહિત્યમાં પદ્યની શરૂઆત પહેલાં થઈ છે તેમ દરેક સર્જક પણ શરૂઆતમાં કાવ્યો જ લખે છે. વળી, અમેરિકાવાસી ગુજરાતી સર્જકોને અમેરિકા ગયે વધારે સમય પણ નથી થયો. નવલકથા લખવા જેટલા અનુભવો કે એટલો સમય પણ તેઓને મળતો હશે કે કેમ તે પણ એક પ્રશ્ન છે.
અહીં સમાવિષ્ટ સર્જકોના માત્ર સંગ્રહિત સાહિત્યને જ નહીં પણ વિવિધ સામયિકોમાં અને ક્યાંક તો અપ્રગટ કાવ્યોની પણ નોંધ લીધી છે તે નોંધનીય બાબત છે. આ પુસ્તકની વર્તમાન સંદર્ભે પ્રસ્તુતતા વિશે જો વાત કરીએ તો વર્તમાન સમયે ગુજરાતી ભાષાને કઇ રીતે બચાવવી તેના વિશે આજે ઘણાં બધાં કાર્યો થઇ રહ્યાં છે ત્યારે માઈલો દૂર રહીને પણ ગુજરાતીઓ ગુજરાતી ભાષામાં સાહિત્યનું સર્જન કેવી રીતે કરી રહ્યાં છે તેની માહિતી આ ગ્રંથ પૂરી પાડે છે.
આજે જ્યારે સાંપ્રત સમયમાં સૂચિક્ષેત્રે સ્વતંત્ર કાર્ય થઇ રહ્યાં છે અને તેની ઉપયોગીતાને ધ્યાનમાં લેતા આ પુસ્તકનાં અંતે પણ પુસ્તકસૂચિ કે સંદર્ભગ્રંથસૂચિ આપી હોત તો તે જરૂર ભાવકો અને સંશોધકોને ઉપયોગી નીવડી હોત. આ પ્રકારના બીજા વિવેચનગ્રંથો આપણને તેમની પાસેથી મળતા રહે તેવી આશા સાથે વિરમું છું.
ડૉ. દિલીપકુમાર ધોરિયા, આસિસ્ટન્ટ પ્રોફેસર, બિરસા મુંડા ટ્રાયબલ યુનિવર્સિટી – રાજપીપલા, જિલ્લો : નર્મદા, ૩૯૩૧૪૫