લઘુકથા – એકલતાના ઓથે
શ્રાવણ મહિનાની ઢળતી સાંજે વરસાદ આવીને થંભી ગયો હતો. ચારે તરફ જ્યાં જોઈએ ત્યાં બસ હરિયાળી જ હરિયાળી નજર આવતી હતી. હજુ પણ કોઈ વૃક્ષમાંથી વરસાદના ટીપા રહી રહીને ધરતીને તૃપ્ત કરી રહ્યાં હતાં. નદીનો ખળખળ વહેતો પ્રવાહ તેની મીઠી વાતોનો આંનદ અંદરો અંદર માણી રહ્યો હતો. નદી પાસેની ભેખડમાંથી એક પગદંડી પસાર થતી હતી.
એ પગદંડી પર ચાર-પાંચ બાળકો બાજુના ખેતરમાંથી જામફળની ચોરી કરી, એવા તો કજિયા કિલ્લોલ કરતાં હતા કે જાણે આગ્રાનો તાજમહેલ જીતીને આવ્યાં હોય.
એટલામાં તે પગદંડી પર સફેદ બગલા જેવા તેમજ વાંકડિયા વાળની માથે લાલ રંગની ટોપી પહેરેલા અને જીવનમાં એકલતાના અનુભવે ક્રોધી મિજાજ ધરાવનાર વયોવૃદ્ધ માણસ ચાલ્યો આવતો હતો. તેની અડધી કમર વળેલી હોવાથી બંદૂકના ટેકે ચાલ્યા આવતા હતા. દુરથી પણ તેના ચહેરા પરની એકલતા વંચાતી હતી.
એટલામાં એક છોકરી ધ્રુજતા અવાજે બોલી, ‘બોઘા બાપા...બોઘા બાપા...મરી ગ્યા...સામે જો..’
બીજો છોકરો તોફાની અંદાજમાં બોલ્યો, ‘ કોણ ગોગો બાપો..! ઓય...હા...ઈ સામેથી આવે ને જો હાથમા કાળી બંદૂક...’
પેલી છોકરી બોલી, ‘ એલા ગોગો બોપો નહી...બોઘા બાપા છે જોતો ખરો’
એટલામાં બાપા નજીક પોચી ગ્યા ને કહેવા લાગ્યા કે, ‘ખબરદાર જો કોઈના ખેતરમાંથી જામફળની ચોરી કરી તો, આ બંદૂકનો જોટો કોઈનો સગો નહી થાય.’
ત્યાં કોઈનો નાજુક અને લાગણી ભર્યો અવાજ આવ્યો, ‘બાપું હું તમારી દીકરી..’
બાપા પોતાના પગને અને બંદૂકને વધારે જોર આપી ચાલવા માંડ્યા.
ડૉ.દિલીપકુમાર સાંજવા, મદદનીશ અધ્યાપક(ગુજરાતી વિભાગ), સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, લાલપુર, જિ. જામનગર મો.નં.૯૩૭૪૭૭૭૭૬૧ ઈમેલ – sanjavadilip25@gmail.com