આદિવાસી સમાજના શૌર્ય- સાહસભાવ ના ગીતોનું રસદર્શન
આદિવાસી સાહિત્ય તો અનાદિકાળથી રચાતું આવે છે, કેવળ એનું શાસ્ત્રીય વિભાજન સમકાલીન ઘટના છે. એની ઉપેક્ષા ભૂતકાળમાં તીવ્ર હતી તેથી મુખ્ય ધારા નું સાહિત્ય આદિવાસી સાહિત્ય ની જેમજ કર્ણોપકર્ણ કે કંઠોપકંઠ પરંપરામાં હોવા છતાં એને વિલુપ્ત કરવાના પ્રયાસો થયા છે. તેને ગંભીરતાથી જોવાનો પ્રયાસ જ કરવામાં આવ્યો ન હતો.પ્રાચીનથી અધ્યતન સમય સુધી ચાલેલી આ ઉપેક્ષાને નજર અંદાજ કરીને આદિવાસી સાહિત્ય અને સમજી ન શકાય.
માનવ હૃદયમાં ભાવો નિરંતર ઉછારા મારતા હોય છે. આનંદના વેદનાના વિસ્મયના આવેશ ના રાગ દ્વેષના કરુણાના આ ભાવો સંવેદનો એણે પ્રારંભ ક્યારે ચેષ્ટાઓ માં વ્યક્ત કર્યા હશે, ધ્વનિઓમાં નાદમાં પ્રગટ કર્યા હશે, એમાંથી સૂર સર્જાયો હશે. ભાષાના પ્રાગટ્ય વિકાસ સાથે એમાં શબ્દ અને અર્થ ભર્યા અને અભિવ્યક્તિને મોકળાશ મળી ગુંજન માંથી ગાન અને ગીત સર્જાયા.
આદિમાનવે પ્રકૃતિમાં વિવિધ નાદો સાંભળ્યા હશે શિકાર દરમિયાન એણે પોતાના કંઠમાંથી વાદ કાઢ્યા હશે પ્રાણીઓના વિવિધ નાદો એ અવગત કરતો થયો હશે તે સાથે વસ્તુઓ અથડાવાથી થતાં નાદ પ્રત્યે પણ એનું ધ્યાન ગયું હશે. આમ નાદના વૈવિધ્યને એ પામતો ગયો હશે, અને પોતે પણ એવા વૈવિધ્યમય નાદ સર્જતો ગયો હશે, આ આવિષ્કારો પ્રારંભે તો એ અકસ્માત જ પામતો ગયો હશે. સમજણના વિકાસ સાથે એનું નિશ્ચિત અને શાસ્ત્રીયરૂપ એ ઘડતો ગયો હશે . કાળક્રમે આ નાદ ઉત્પન્ન કરતા ચાર પ્રકારના વાદ્યો અસ્તિત્વમાં આવ્યા.(૧) ધનવાદ્ય (૨) ફૂંકવાદ્ય (૩) તાલવાદ્ય (૪) તંતુવાદ્ય. વગેરે એણે પોતાના કંઠમાં રહેલી નાદને સ્વર સુર્ માં ફેરવવા ની ક્ષમતા વિકસાવી અને એમાંથી અનેક લય ઢાળ રાગ- રાગિણી જન્મતાં ગયાં.તાલ અને સુરના સુમેળ માંથી સંગીત સર્જાયું. ગીત માત્ર એના શબ્દથી, સંગીતથી, લય ઢાળથી , ડોલનથી, ભાવાત્મકતાથી તળપદા સંસ્કારથી આકર્ષે છે. પરંતુ લોકગીત નું કામણ ન્યારું જ હોય છે.
આદિવાસીઓ દુર્ગમ જંગલો કે ડુંગરાળ પ્રદેશોમાં છૂટાછવાયા વસતા હોઇ - શૌર્ય - પડકારવૃત્તિ એમને ગળથુંથીમાંથી જ પ્રાપ્ત થાય છે. આદિવાસીઓના સાહસભર્યા જીવન પ્રસંગો અને પ્રવૃત્તિઓનું પ્રતિબિંબ તેમના લોકગીત માં પણ ઝિલાયેલુ જોવા મળે છે. સાંપ્રત સમય માં ભક્તિ અને અન્ય સંપ્રદાયોની અસર ને લીધે ડુંગરીગરસિયાઓની શિકારવૃત્તિ ઓછી જોવા મળે છે, પણ ભૂતકાળ માં તેઓ શિકાર ના શોખીન હતા. શિકાર એ શૌર્ય - સાહસ નો વિષય હતો. તેઓ ટોળકી બનાવી ને શિકાર કરતા અને વહેચી ખાતા . હવે આપણે આદિવાસીઓના શૌર્યગીતોનું રસદર્શન નીચે મુજબ જોઈશું.
ભુરીયા રૈને કેવું બુલે,ભુરીયા જાજે તારા દેશ....
ભુરીયા ડુંગરે વાજી રેજો, ભુરીયા જાજે તારા દેશ ...
ભુરીયા ડુંગરામાંય ડુંગરપોર, ભુરીયા જાજે તારા દેશ....
ભુરીયા ગેલો હે ગુજરાત, ભુરીયા જાજે તારા દેશ...
ભુરીયા અમદાવાદ - મોડાહું, ભુરીયા જાજે તારા દેશ...
પ્રસ્તુત ગીતો માં આદિવાસી લોકોનો રાષ્ટ્રપ્રેમ નીરુપાયો છે. અંગ્રેજોની ગુલામી અસહ્ય બનતા આદિવાસી પ્રજાએ પણ આઝાદીની ચળવળ આરંભેલી અહીં સ્પષ્ટપણે ભુરીયા જાજે તારા દેશ એમ કહેવામાં આવે છે .ગુજરાત રાજસ્થાનનો આઝાદી માટેનો સહિયારો પ્રયાસ આ ગીતમાં અં કાયો છે. આમ દરેક વિસ્તારમાંથી ગોરાઓને હાંકી કાઢવા કહેવામાં આવે છે. આમ અરાવલી પ્રજાને રાષ્ટ્રીય ચેતના તથા દેશ પ્રીતિ અહીં અભિવ્યક્ત થઈ છે.
હુએર આવે હુએર આવે પીમલા પાંડેર હુએર આવે ,
જૂડીને ટોળી મળતી રે પીમલા પાંડેર હુએર આવે ,
રે જો ખબડદાર, રે પીમલા પાંડેર હુએર આવે,
ડુગરે રમણા જાવુ રે પિમલા પાંડેર હૂએર આવે.
આ ગીતમાં જાણવા મળે છે કે ભીમા પાંડોર ને કહેવામાં આવે છે. કે, તારી તરફ સુવર આવી રહ્યું છે. આપણે બધા ભેગા મળી અને તેનો સામનો કરવો જોઈએ. આ સુવર સાથેની લડાઈમાં કોણ જીતે અને કોણ હાળે છે, એમ ડુંગરે શિકાર કરવા ગયા છે. શિકાર એ ડુંગરી-ગરાસિયા ઓનો માત્ર ખોરાક વૃત્તિ માટેનો જ વિષય નહોતો પરંતુ શૌર્ય- સાહસ માટેની હતી. તેની આ લોકગીત સાહેદી પૂરે છે. આવા તો એકાધિક ગીતોમાં શિકાર કરનાર વ્યક્તિની પ્રશસ્તિ રૂપે શિકાર પ્રવૃત્તિનું નિરૂપણ થયેલું જોવા મળે છે.
ઠકરાતોના સમય માં ઠાકોરોની શોષણવૃત્તિ સામે અવાજ ઉઠાવા માંય આદિવાસી ભડવીરોએ પાછું જોયું નહોતું. વિજયનગર તાલુકાના બંધણા ગામના રામજી નામના ભડવિરે ઠકોરોને છડેચોક લુંટવાનો પડકાર ફેકેલો.આ રામજી ની બહાદુરી નો પડઘો આજેય અરવલ્લીના ડુંગરોમાં ગીત શબ્દો રૂપે પડઘાય છે.તો આ ગીત નીચે મુજબ છે .
અદડી અડદી લશ્કેર રોમલા વાહે આવે,
દરબાર વિસાર કરે રોમલા,
ડુંગરે ડુંગરે રોળા રોમલા ,
પાતરી રે મુસોને રોમલા,
અડદી લશ્કેર વાહે આવે .
સ્વાતંત્ર્યપ્રાપ્તિ ની ઘટના માં પણ આદિવાસી પ્રજાનો યશસ્વી અને ઐતિહાસિક પ્રદાન રહ્યું છે.કલિયારી, જિ ઉદયપુર ના ભડવીર મોતીલાલ તેજાવતે રાજસ્થાન -ગુજરાતના આદિવાસીઓ અને અન્ય જ્ઞાતિની પ્રજામાં ગોરાઓના કાળાકાયદાઓનો વિરોધ કરવા અને સ્વાતંત્ર્ય પ્રાપ્તિ માટેની લડત માટે જબરો જુવાર પ્રગટાવ્યો હતો.
ઘોડીલો વેરનો વારનારો હે રે,
ઘોડીલો શેરી રંગ લાગ્યો ,
ઘોડીલો રાજને ઊંધા પાડે હે રે,
ઘોડીલો શેરી રંગ લાગ્યો.
આ ગીતમાં અંગ્રેજ શાસન સામેનો સ્પષ્ટ વિદ્રોહ છે અત્યાચારો સામેનું ઝનૂન છે. વેઠના કારણે ગુજારેલા ત્રાસની વાત છે .વેર લેવાની અને રાજ્યને ઉથલાવાની પાડવાની ખુમારી દેખાય છે.
ભૂરેટિયા, નહિ માનુ રે નહિ માનું રે
માનગઢ માં મારો ઝગડો છે, ને ઝાલોદ માં વેપાર છે,
કંબોઇ માં વાસો છે,બારિયામાં તોપ છે,
ગોધરામાં બેઠક છે, દિલ્લીમાં ગાદી છે,
પંચાયતી રાજ લાવવું હે , માનગઢના ઝઘડાનું વેર વાળવું હે,
ભૂરેટિયા, નઇ માનું રે નઇ માનું.
આ ગીતમાં એમ જાણવા મળે છે કે ભુરેટિયો એટલે ભૂરિયો - અંગ્રેજ. આ અંગ્રેજોએ આદિવાસીઓ ઉપર ખૂબ જોહુકમી ચલાવીને તેમના ઉપર ત્રાસ ગુજારતા હતા. આ આદિવાસીઓ સમય આવતા સંગઠન કરીને અંગ્રેજો ઉપર સામી છાતીએ તીર કામઠા સાથે રાખીને લડાઈ કરી હતી. માનગઢમાં ઝઘડો છે અને ઝાલોદમાં વેપાર છે દિલ્હીમાં ગાદી છે અને ગોધરા માં બેઠક છે. એમ અલગ અલગ શબ્દો આપીને તેનું મહત્વ સમજાવવામાં આવ્યું છે. આ આદિવાસીઓ સામે લડવામાં ગુરુ ગોવિંદસિંહે ખૂબ આકરા ઝુલમો વેઠ્યા છે. અને માનગઢ માં તેમની સમાધિ પણ આવેલી છે.
દોલો ઉશીલો મુટિયાડ હે દોલા રમતી ગોડી આવે
દોલા ઓડ કે તદાહેણ, દોલા......
દોલા અમદાવાદ કે મોડાહુ, દોલા...
દોલા રૈને કેવું બુલે,દોલા...
દોલા ડુંગરો વાજી રેજો , દોલા....
દોલા બાપિકુ હથિયાર હે,દોલા....
પ્રસ્તુત લોકગીતમાં ગુજરાત રાજસ્થાન સરહદી વિસ્તારમાં આગેવાન આદિવાસી દોલજીભાઈ ના ચરિત્રને અંકિત કરવામાં આવ્યું છે. દોલો આ સમગ્ર વિસ્તારમાં એના સુરાતન માટે જાણીતો છે. કંઈક નવું કરી નાખવાના ઉત્સાહ વાળો હોશીલોમોટીઆડ છે. જાણે ડુંગરપુર વિસ્તારના ડુંગરોમાં એની હાક વાગે છે. કે, " દોલા બાપીકું હથિયાર હે..."
ગોવિંદ ગુરુવા જગડ હો તમે જાગી જાજો ,
સૂર્યના બાણ પૂર્યાં રે તમે જાગી જાજો,
ભુરેટિયા હામે લડવું હે તમે જાગી જાજો,
ગુલામગીરી કાઢવી હે તમે જાગી જાજો.
પ્રસ્તુત ગીતમાં જાણવા મળે છે કે સંતરામપુર પાસેનો વિસ્તાર માનગઢ એ ગોવિંદ ગુરુ નો પ્રદેશ છે, જ્યારે આ પ્રદેશ માં અંગ્રેજો નું રાજ હતું ત્યારે તેમણે આ અંગ્રેજો થી સાવચેત રહેવું . પ્રકૃતિ માંથી સૂર્યની સાક્ષી એ તાકાત - બળથી આ ભૂરેટિયાઓને કાઢવાની અને લાચારી નાબૂદ કરવાની વાત કરવામાં આવી છે.
માંજરી રે આંખોના જાજે તારા દેહ ,
ગુરુ મારો ગોવનીયો, ગુરુ મારો ગોવનીયો,
આપણા ગુરુના અમર ભાલા અમર રેજો ,
આપણા ગુરુના અમર ખાંડાં અમર રેજો.
આ ગીત માં જાણવા મળે છે કે ગોવિંદ ગુરુ ને એમના સાથી ભકતો કહે છે. કે, માંજરી આંખો વાળો એના દેશ માં ચાલ્યો જાય ,અને અમે બધા સુખેથી સંપ ની સભા ભરીયે અને ગુરુનું ગાન ગાઈએ. તથા અમર ગોવિંદ ગુરુ ની ધૂણી સતત મનગઢમાં ધખતી રહે .આમ આ ગીતમાં જાણવા મળે છે .
ભૂરેટિયા હામે લડે હે રે જાંબુખંડ સાથીઓ,
હામી સાતીએ દળ લડહે રે જાંબુખંડ સાથીઓ,
તરહુળ ભાલા લીધા હે રે જાંબુખંડ સાથીઓ,
હરીયા કામઠી લીધા હે રે જાંબુખંડ સાથીઓ.
આ ગીતમાં જાણવા મળે છે. કે ,આદિવાસીઓએ ભેગા મળીને અંગ્રેજો સામે સામી છાતીએ લડવા માટેનો નિશ્ચય કર્યો છે. આદિવાસીઓએ હાથમાં ભાલા અને તીર કામઠા લીધા છે.બસ હવે ચોક્કસ પણે આપણે આ અંગ્રેજોનો સામનો કરવો જ છે. હવે આપણા વિસ્તારમાં અંગ્રેજોનું રાજ નહીં ચાલવા દઈએ અને આપણે સામી છાતીએ શસ્ત્રો વડે તેમના ઉપર પ્રહાર કરીશું અને આપડા ટેકરીઓ વાળા વિસ્તાર માંથી કાઢી મુકશું.
તારણો :
ડૉ. ધવલ એચ. જોષી, 7874832284, joshidhaval1151988@gmail.com