લઘુકથા : ખેલ ખતમ
પાડોશમાં રહેતા ગંગીમાસીની નવી આવેલી વહુ હેમુએ એનાથી બે જ વર્ષ મોટી લીલાને, પિયરના ખેતરથી લાવેલી તુવેર ફોલતાં ફોલતાં હરખથી પૂછી લીધું, “રક્ષાબંધને તમે ય પિયર ગયા હશો ને? તમારા ભાઈએ તમને શું આપ્યું?” એક જ પ્રશ્ન... અને સંબંધમાં પડેલી તિરાડ ઉપસી આવી. લીલાની આંખમાં ઝળઝળિયાં દેખાવા લાગ્યા. નહોતું કહેવું કશુંયે, પણ આખરે લગામ છૂટી.
“બે બહેનો પછી થયેલ ભાઈલો ઘરમાં બધાંને જ વ્હાલો. એ જે માંગે એ એને મળે. માએ અમે બંને બહેનોને સાતમું ભણાવી લોકોના ઘરે કામ કરવા ઢસેડી. પણ ભાઈલાને તો લોકોને ઘેર વૈતરું કરી, ઉછીના પૈસા લઈને પણ દસ ધોરણ સુધી ભણાવ્યો. દસમાની બોર્ડની પરીક્ષા પૂરી થઈ, ને વેકેશન પડ્યું. એ વેકેશનમાં જ પાડોશના જગલા સાથે બાંકડે બેસવા બાબતે મગજમારી થઈ. ભાઈલો તો એવો અકળાયો કે ઘરમાંથી દાદાના વખતનો રામપુરી ચાકુ કાઢી જગલાને મોતને ઘાટ ઉતારવા આવેશથી દોડ્યો. મા વચ્ચે આવી. ભાઈલાના હાથમાંથી ચાકુ છોડાવવાની ભીંસાભીંસ એવી ચાલી કે રામના નામનું એ ચાકુ માના પેટમાં...” આટલું બોલતાં બોલતાં તો લીલાના આંખમાંથી શ્રાવણ-ભાદરવો વહેવા લાગ્યો. હેમુથી હવે આગળ કશું જ પૂછાયું નહીં. લીલાને બાથમાં લઈ એને સાંત્વન આપતી રહી...
બીના વીર, સી ૧૩, દેવરજ સોસાયટી, સુપર બેકરી પાસે, સરદાર એસ્ટેટ, ન્યુ વીઆઈપી રોડ, વડોદરા - ૩૯૦૦૧૮