‘ઘર’ બદલાતી મનોવૃત્તિની કથા
ભારતીય સાહિત્ય આજે અનેક નવા સીમાસ્તંભો સર કરી ચૂક્યું છે. વિશ્વ સાહિત્ય સાથે તાલ મિલાવવાની
ક્ષમતા સિદ્ધ કરી ચૂક્યું છે. કવિતા, વાર્તા અને નવલકથા ભારતની ભિન્ન ભિન્ન ભાષાઓમાં સવિશેષ ખેડાયા છે.
ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાબી તેમજ કન્નડ સાહિત્ય તરફ દૃષ્ટિપાત કરતા આપણને ચોક્કસ એ વાતની પ્રતીતિ થાય
છે કે ભારતીય સર્જકનું સંવેદનવિશ્વ અને અભિવ્યક્તિની તરેહો સતત નૂતન પરિમાણો સિદ્ધ કરવા કટિબદ્ધ છે.
ઓગણીસમી સદીના ઉત્તરાર્ધમાં ભારતીય સાહિત્ય કલ્પનાની ઉડાનમાંથી બહાર આવી સવિશેષ વાસ્તવ-કહો કે સામાજિક
વાસ્તવનું નિરૂપણ કરવામાં વધુ ગતિશીલ બન્યું છે અહીં આવા જ એક સામાજિક વાસ્તવને નિરૂપતી બંગાળી સર્જક
રમાપદ ચૌધુરીની નવલકથા ‘બાડી બદલે જાય’ ને મૂલવવાનો પ્રયાસ છે. જેનો ગુજરાતી અનુવાદ ‘ઘર’ શીર્ષકથી પ્રસાદ
બ્રહ્મભટ્ટ પાસેથી પ્રાપ્ત થાય છે.
રમાપદ ચૌધુરીની આ નવલકથા ‘બાડી બદલે જાય’ ઈ.સ. ૧૯૮૬માં પ્રગટ થઈ હતી જેને દિલ્હી સાહિત્ય
અકાદમીનો ૧૯૮૮નો પુરસ્કાર પણ પ્રાપ્ત થયેલો છે.
આ લઘુ નવલકથાના વિષયવસ્તુ વિશે વિચાર કરીએ તો ગામ તરફથી શહેરમાં નોકરી અર્થે ગયેલા માધ્યમ વર્ગના
પરિવારના ભાડાના મકાનમાંથી પોતાના ઘરમાં જવાના મનોમંથન, સંઘર્ષ કેન્દ્રસ્થાને છે. ભારતમાં છેલ્લા કેટલાય વર્ષોથી
ગામડા તૂટવા લાગ્યાં ને શહેરો ગીચ થવા લાગ્યાં. પરિણામે શહેરોમાં મકાનોની સમસ્યા વધુ વિકટ બનતી ગઈ. વળી જે
મકાનમાલિક હોય તેના સંબધો ભાડુઆત સાથે હંમેશા તંગ રહેતા હોય બંને વચ્ચે સતત અવિશ્વાસનું વાતાવરણ બંધાયેલું
હોય તેવું મોટેભાગે જોવા મળે છે. આ લઘુનવલકથા પાંચ પ્રકરણોમાં સર્જકે વિભાજીત કરી ઉપરની સમસ્યાને નિરૂપી છે.
નવલકથાનો નાયક ધ્રુવ છે જે સામાન્ય નોકરી કરી જીવનનિર્વાહ કરતો અને મધ્યમવર્ગના પ્રતિનિધિસમો છે. તે કોઈ મોટા
મહાનગરમાં બે ભાઈ અને ભાભીઓ તથા માતાપિતા સાથે સંયુક્ત પરિવારમાં રહે છે. મકાન નાનકડું ને ભાડાનું છે.
એકવાર તે બેન્કમાંથી પૈસા ઉપાડી ઘેર જઈ રહ્યો છે ત્યારે રસ્તામાં એક દૃશ્ય જોઈ તે કંપી ઊઠે છે. અહીંથી લઘુનવલનો
આરંભ થાય છે. એક મકાનમાલિક તેના ભાડુઆતનો ઘરનો સામાન રસ્તા પર ફેંકી પરિવારને રસ્તે રજળતો કરી દે છે. ધ્રુવ
પહેલા તો કુતૂહલવશ અહી ઊભો રહે છે. ભાડુઆતને તે ઓળખતો પણ નથી કોઈ લેવા દેવા પણ નથી. છતાં આ દૃશ્ય
જોઈ તે હચમચી ઊઠે છે. ઘેર જાય છે પણ તે દૃશ્ય-ઘટનાને ભૂલી શકતો નથી તે મનોમન ભાડુઆત હોવાનો ક્ષોભ
અનુભવવા લાગે છે અને પોતાના મકાનમાલિકને પણ ધૃણાની નજરે જોવા લાગે છે. ધીરે-ધીરે તેનામાં બે વર્ગ ઊભા થાય
છે. મકાનમાલિકવર્ગ અને ભાડુઆતવર્ગ.
ઘેર આવી ધ્રુવ પોતાના મનોભારને હળવો કરવા તેની પત્ની પ્રીતિને આ વાત જણાવે છે. પણ
ઘરકામમાં વ્યસ્ત પ્રીતિ પાસેથી કોઈ સાંત્વન મળતું નથી, તે ઓફિસ જઈ તેના મિત્ર અવિનાશને બધી વાત કરે છે પણ તેને
તે ઘટના સામાન્ય લાગે છે, વિષયવસ્તુ હવે વળાંક લે છે ભૂતકાળમાં ઘણીવાર પ્રીતિ મકાન બનાવવાની વાત કરતી હતી
પણ ધ્રુવ તેને ગણકારતો નહોતો પરંતુ હવે તેને ઘર બનાવવાની અદમ્ય ઈચ્છા જાગે છે વળી મધ્યમવર્ગમાં પોતાના અને
પ્રીતિના લગ્ન સંયુક્ત પરિવાર અને ભાડાના મકાનમાં અલગ રહેવા જવાની ઘટના અને મકાન શોધવાની મથામણ વગેરેને
સર્જકે સુંદર રીતે નિરૂપણ કરી વાસ્તવિકતાની લગોલગ વસ્તુચિત્ર ખડું કર્યું છે. તો પ્રકરણ ચારમાં મકાનમાલિક અને
ભાડુઆતના સંબંધોની વિષદ ચર્ચા નિરૂપણ પામી છે. જેમાંથી મકાનમાલિકની માનસિકતા અને ભાડુઆતની માનસિકતા
સુપેરે પ્રગટી છે. જયારે નવલકથાના પાંચમાં પ્રકરણમાં ધ્રુવનું ઘર બનાવવાનું સપનું સાકાર થાય છે જેમાં તેના ફૂંવા મોટો
કોન્ટ્રાક્ટર છે. ખૂબ જ આવક ધરાવે છે તેમની મદદ મળતા જમીન ખરીદીને ધ્રુવ અને પ્રીતિ પોતાની પસંદગીનું મકાન
બનાવે છે. ફુવાની વધુ મદદ મળતા બે માળનું મકાન ઊભું કરી દે છે. હા થોડી લોન કરવી પડે છે. હપ્તા ભરવાની ચિંતા
છે, પણ ધ્રુવ એવું વિચારે છે કે ઉપરના માળે પોતે રહેશે ને નીચેનું ભોયતળિયું ભાડે આપી દેશે. પછી તો દલાલો ને
ભાડુઆતો આવવા લાગે છે. વિષયવસ્તુમાં નવો વળાંક આવે છે અત્યાર સુધી ધ્રુવ પોતાને ભાડુઆતના દૃષ્ટિકોણથી જોતો
હતો હવે તે મકાનમાલિકના દૃષ્ટિકોણથી વિચારે છે પોતે આજુબાજુ કોઈપણ ભાડુઆત સાથે સંબંધ રાખતો નથી પ્રીતિ
પણ કોઈ સાથે સંબંધ રાખે તે ગમતું નથી આથી નવલકથામાં પ્રીતિના મુખમાં મુકાયેલું વિધાન “ઘર સાચે જ બદલાઈ ગયું
છે !” જે ધ્રુવની બદલાઈ ગયેલી માનસિકતાના વ્યંગ માટે પૂરતુ છે.
આમ સમગ્ર રીતે જોતા માણસની ગતિ પ્રત્યેની સૂગ, શહેર તરફની ગતિ ને તેના કારણે નગરજીવનમાં ઊભી થતી
‘રોટી, કપડાં, મકાન’ ની અછતની સમસ્યા તો અહી જોઈ શકાય છે પણ સાથે સાથે મકાનમાલિક અને ભાડુઆતનો સંઘર્ષ
કેન્દ્રમાં છે વળી ધ્રુવની બદલાતી માનસિકતા આ લઘુનવલકથાનું કથનકેન્દ્ર કહી શકાય. જ્યાં સુધી એ ભાડુઆત તરીકે હતો
ત્યાં સુધી એ તમામ ભાડુઆતનો જાણે પ્રતિનિધિ હોય તેમ વર્તતો, ને મકાનમાલિકો પ્રત્યે ધૃણા રાખતો, પણ પોતાના
ઘરનો માલિક બનતા ભાડુઆતો સામે તિરસ્કારથી જોતો અને મકાનમાલિકોનો જાણે પ્રતિનિધિ બની જાય છે. આમ
નાયકના મનોચિતમાં આવતું પરિવર્તન સર્જક રમાપદ ચૌધુરીની સર્જક તરીકે સફળતા દર્શાવે છે. આમ નાયકની બદલાતી
મનોવૃત્તિની આ લઘુનવલકથા સાંપ્રત સમયના નગરજીવનના વાસ્તવની નવલકથા બની રહે છે.
સંદર્ભ ગ્રંથ :
ડૉ. ભરત સોલંકી, A-68, પાયલ પાર્ક સોસાયટી, ડીસા ચાણસ્મા હાઈ વે, ટી.બી. હોસ્પિટલ પાસે, પાટણ ઉત્તર ગુજરાત-384265 Mo. No. 9979228667 drbnsolanki67@gmail.com