'અડવાનો વેશ' માં પ્રગટ થતી અસાઈત ઠાકરની કલા પ્રતિભા
ભારતના સંસ્કાર વારસાને સમૃદ્ધ કરવામાં અને તેની પરંપરા ટકાવી રાખવામાં જુદાં જુદાં રાજ્યોનાં લોકનૃત્ય અને નાટ્યનાં સ્વરૂપોએ નોંધપાત્ર પ્રદાન કરેલું છે. ઉત્તર પ્રદેશનું નૌટંકી, મહારાષ્ટ્રનું તમાશા, ગુજરાતનું ભવાઈ, બંગાળનું યાત્રા, પંજાબ અને હરિયાણાનું સ્વાંગ, આંધ્રપ્રદેશનું યક્ષગાન ઇત્યાદિ.
આજથી લગભગ પાંચસો વર્ષ અગાઉ 'ભવાઈ' ગુજરાતમાં સર્વત્ર પ્રચલિત લોકનાટ્ય હતું. ભવાઈ દ્વારા પ્રજાને મનોરંજન તથા શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય થતું હતું. આ અર્થમાં ભવાઈ એ મધ્યકાલીન ગુજરાતની હરતીફરતી શાળા હતી.
'ભવાઈ' શબ્દની વ્યુત્પત્તિ અંગે જુદા જુદા મતો પ્રવર્તે છે. કેટલાકના મતે ભવ + વહી પરથી ભવાઈ શબ્દ આવ્યો છે. ભવ વહી એટલે ભવનો ચોપડો. સંસારના રંગઢંગનું દર્શન કરાવનાર વહી. કેટલાકના મતે ભવાઈ એટલે ભવ + આઈ. એટલે કે શિવ અને શક્તિની લીલા દર્શાવનાર, માતાજીની ભાવથી ભક્તિ કરવાનો પ્રકાર. ભવાઈ માતાજીના મંદિરમાં, ચોકમાં કે ગામના ગોંદરે મેદાનમાં રમાતી. આજે તે ચાચરચોક છોડી સ્ટેજ અને ટીવી પર આવી છે.
ભવાઈનું પિયર ઉત્તર ગુજરાત ગણાય છે. ચૌદમાં સૈકામાં થઈ ગયેલા અસાઈત ઠાકર નામના કવિએ ભવાઈના ૩૬૦ જેટલા વેશો રચ્યા હોવાની માન્યતા છે. વેશ એટલે ભવાઈનું જે-તે નાટક. આજે આપણી પાસે આ પૈકી 40 કે 50 વેશો જ ઉપલબ્ધ છે. તેમાં 'જૂઠણનો વેશ' , 'ઝંડા- ઝૂલણનો વેશ', 'કજોડાનો વેશ' , 'અડવાનો વેશ' અને 'મિયાં- બીબીનો વેશ' જાણીતાં છે.
ભવાઈની રજૂઆત ભૂંગળ સાથે જ થાય છે. એ ભૂંગળના સ્વરોની મદદથી પાત્રો નાચતાં-ગાતાં ચોકમાં પ્રવેશ કરે છે. પાત્રના ચોકમાં થતાં આગમનને 'આવણું' કહે છે. પ્રકાશ માટે તે હાથમાં સળગતા કાકડા રાખે છે. લોકસમુદાયની ખાસિયતો અને સમસ્યાઓને લઈને ભવાઈ ગૂંથાતી રહી છે. રંગલો એનું એક મહત્વનું પાત્ર ગણાય છે. ગદ્ય-પદ્ય મિશ્ર ભાષામાં પ્રાસંગિક સ્થિતિનું હાસ્યજનક નિરૂપણ એમાં કરાય છે. એમાં ગાયન, નર્તન વગેરેનું મહત્વનું સ્થાન હોય છે.
ભવાઈમાં પાત્રો જ કથા લઈને ચાલે છે, સંવાદો બોલે છે, હલકપૂર્વક પદ્યમાં રજૂઆત કરે છે. વાસ્તવિક જીવનનો ધબકાર પ્રગટાવતા એ વેશોમાં હળવાશ નર્મ- મર્મ, કટાક્ષ, ખડખડાટ હાસ્ય હોય છે. તેથી પ્રેક્ષકો એને હસતાં હસતાં માણે છે. સમાજદર્પણ તરીકે ભવાઈનું આગવું સ્થાન ગણાય છે. આમ ભવાઈ ગેય પ્રેક્ષ્ય કલાપ્રકાર છે.
ભવાઈ ગુજરાતનું લોકોનાટ્ય છે. એ 'વેશ' તરીકે ઓળખાય છે. શક્તિપૂજાના ભાગ તરીકે પણ એ ભજવાય છે. મુખ્યત્વે એ ચાચર (ચોક) માં ભજવાય છે. ભૂંગળ વગાડીને એનો પ્રારંભ થાય છે. ભૂંગળમાં નર અને નારી જેવા બે ભેદ હોય છે. ભવાઈમાં મુખ્યત્વે સામાજિક સમસ્યાઓ વણી લેવામાં આવતી. 13મી - 14મી સદીમાં જ્યારે સર્વત્ર ધાર્મિક સાહિત્ય રચાતું ત્યારે અસાઈત ઠાકર જેવા કવિ-નાટ્યકારે આવા સામાજિક વિસંવાદને પણ ભવાઈ જેવા સ્વરૂપમાં વણી લીધો. ભવાઈમાં પાત્રોના આગમનની જાણ કરતાં આવણા હોય છે. એમાં રંગલાનાં કે અડવાનાં પાત્રો દ્વારા રમૂજ પણ ઊભી કરવામાં આવે છે. નર્તન અને ગાયન પણ એના મહત્ત્વના પાસાં છે.
'અડવાનો વેશ' માં અડવો આવે છે ત્યારે ભૂંગળો વાગે છે અને નીચે મુજબ ગીત ગવાય છે :
અડવા આવ્યા અડેકનંદન (2)
અડવા આવ્યા અડેકનંદન (2)
અડવો નાયકને પોતાના અલગ અલગ નામો બતાવે છે. અડવો પોતાના તેજા, ફઈફાડ, નાપલો, ઠીકરી પારેખ, અડવો, અને મૂરખો એમ છ નામ બતાવે છે. એની ફઈએ એને અડધો રોટલો આપતાં કહ્યું કે, આ રોટલાની ફાડ ખા. એનાં પરથી ફઈફાડ નામ પડયું. એ કોઈનું કાંઇક લેતો પછી એને એ પાછું આપતો નહીં. એનાં પરથી એનું નામ નાપલો પડયું. આ ડોબા જેવાને કશું આવડતું ન હતું. એટ્લે એની ફઈએ એને ગુસ્સામાં કહ્યું કે અકકરમીને કશું આવડતું નથી. તે ઠીકરી પારખીશ ? તે દિવસથી એનું નામ ઠીકરી પારેખ પડયું. એને કશું આવડતું ન હતું અને બુદ્ધિ પણ અડવા જેવી એટલે અડવો નામ પડ્યું. અને મૂરખો નામ કેવી રીતે પડયું એનો લાંબો ઇતિહાસ છે.પણ ટૂંકમાં કહેવું હોય તો આ અડવો તેને જે બાબતની શિખામણ મળે એ શિખામણ એ અયોગ્ય જગ્યાએ લાગું પાડે. પરિણામે દરેક જગ્યાએ એ મૂરખો ઠરે અને માર ખાય.આથી એનું નામ મૂરખો પડ્યું.
'અડવાનો વેશ' માં નાટ્યકારે અડવાની મૂર્ખાઈમાંથી હળવો હાસ્યરસ રેલાવ્યો છે. અડવો શિખામણ પ્રમાણે જ વર્તે છે. અને એ મૂરખાને કઈ શિખામણ પ્રમાણે ક્યાં શું બોલાય તેની ખબર નથી. પરિણામે એ એક પછી એક મૂર્ખાઈ કરતો જાય છે અને એના માઠા પરિણામો આવતા જાય છે. આથી એને સારી પેઠે લોકોનો માર ખાવો પડે છે. એ વખતે અડવો કહે છે : 'ભાઈ અમે તો મૂરખા છીએ.' , 'આમ મારો ના ભાઈ ,અમે શું જાણીએ?' , 'અમે તો મૂરખા ! મને મૂરખાને મારશો નહીં ' , 'ભાઈ, મૂરખાને શીદ મારો છો ? ' માંડવો આ તકિયાકલામ જેવા શબ્દો બોલે છે ત્યારે તેની ભોળાશ અને મૂર્ખામી હાસ્ય ફેલાવે છે અડવો એની વહુ ને જ્યારે, 'નેનાં નેનાં છોકરાની વહું ને મારી મા, મને નાવાનું પાણી આપ' એમ કહીને એની પાસે નાહવા માટે પાણી અને ઘી ચોપડેલી રોટલી માંગે છે ત્યારે તે અડવાની મૂર્ખાઈ અને ગાંડાપણા પર હસીને લોટપોટ થઇ જાય છે.
આમ, દરેક જગ્યાએ પરિસ્થિતિ વિપરીત વાતાવરણ ઊભું થાય એવું મૂર્ખાઈભર્યું વર્તન કરતો અડવો ક્યાંક ખડખડાટ હાસ્ય પીરસીને પ્રેક્ષકોને તથા વાચકોને હસાવે છે.
અસાઈત ઠાકરના ભવાઈ વેશોમાં ભારોભાર સમાજ દર્શન જોવા મળે છે.અડવાના વેશમાં તેજા અને અડવાના દાંપત્ય જીવનની વાતો છે. બંને વચ્ચે ખટરાગ છે. તેજા 'સોળ વર્ષની રાજ હું સુંદરી, મારો એંસી વર્ષનો ભરથાર.' એ સમયે આવા લગ્નના કજોડા ઉપર ભવાઈમાં આવી સમસ્યાઓ પર વેધક કટાક્ષ કરવામાં આવતો.અહીં પણ લગ્નના કજોડા પર કટાક્ષ કર્યો છે.જુઓ ;
ગોરમા, આ તે શો અવતાર,
કે અબળા જાતનો રે ?
સોળ વરસની રાજ હું સુંદરી,
મારો એંસી વરસનો ભરથાર.
મને જોડું વિધાતા એવું મળ્યું,
એળે ગયો અવતાર.
આ ભવાઈનાં વેશમાં આવતાં આવણા પણ ધ્યાનાકર્ષક છે.એમાં અસાઈત ઠાકરની કલા પ્રતિભાના દર્શન થાય છે.જુઓ એક આવણું ;
હંસા સરોવર સેવીએ , ઊંચેરી હોય પાળ;
ન સેવીએ ખાબોચિયાં, ઉનાળ ઉચળાય.
હંસા સરોવર સેવીએ ,જેનાં નીર હોય અલખ્ખ;
ઓછે ચાંચ ન બોળીએ, કુંડા ચઢે કલંક.
હંસાને સરવર ઘણાં, પુષ્પ ઘણાં ભમરેશ;
સમિત્રને મિત્ર જ ઘણા આપોઆપ મિલેશ.
આમ, અસાઈત ઠાકરનો અડવાનો વેશ ખૂબ જ પ્રખ્યાત વેશ છે. એમાં સમાજજીવનમાં જોવા મળતાં પ્રશ્નોને વાચા આપી છે.અને સમાજના કુરિવાજ પર કટાક્ષ કર્યો છે. મનોરંજન સાથે સુધારાનું કામ અસાઈત ઠાકરે કર્યું છે.સમાજની કડવી વાસ્તવિકતાનાં દર્શન ભવાઈનાં વેશમાં થાય છે.
21મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે. વિશ્વ જ્યારે પ્રગતિનાં પંથે છે ત્યારે આવા વેશો લુપ્ત થવાં પામ્યા છે.આવનારી પેઢી એ માત્ર સોશિયલ મીડિયા પર આવા વેશો નિહાળી શકશે.
સંદર્ભ ગ્રંથો:
ભરત મકવાણા, અનુસ્નાતક, ગુજરાતી વિભાગ, શ્રી અને શ્રીમતી પી. કે. કોટાવાલા આર્ટ્સ કોલેજ પાટણ.