જીવનની ગતિ અને સ્મૃતિનો રમણીય આલેખ : 'આયુષ્યના અવશેષે'
રાજેન્દ્ર શાહ એ અર્વાચીન-આધુનિક ગુજરાતી કવિતાના પ્રથમ પંક્તિના અગ્રણી કવિ છે. એમનો પ્રથમ કાવ્યસંગ્રહ 'ધ્વનિ' ઈ.સ. ૧૯૫૧માં પ્રગટ થયો. ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડથી વિભૂષિત 'ધ્વનિ' ગુજરાતી કવિતાનો એક ઉત્તમ કાવ્યસંગ્રહ છે. રાજેન્દ્ર શાહનાં ઉત્તમ કાવ્યો 'શ્રાવણી મધ્યાહ્ને', 'નિરુદ્દેશે', 'શેષ અભિસાર', 'આયુષ્યના અવશેષે' અને કેટલાંક ઉત્તમ ગીતો એમની ઊંચી કાવ્યસમૃદ્ધિ છે. રાજેન્દ્ર શાહે ચિંતનસભર સૉનેટો અને સૉનેટમાળાઓ પણ આપી છે. 'આયુષ્યના અવશેષે' સૉનેટમાળા ગુજરાતી કવિતામાં તેમનું ચિરંજીવ પ્રદાન છે. એમાં જીવનની ગતિનો અને સ્મૃતિનો રમણીય આલેખ છે. આ કાવ્યમાં ખખડ થતી ડમણી ને સીમનું દશ્ય, ગૃહજીવનનાં ચિત્રો, વતનનો પરિવેશ સુંદર ઉઠાવ પામ્યાં છે. નાયકના ચિત્તના ચેતનાપ્રવાહનું આબેહૂબ નિરૂપણ છે.
રાજેન્દ્ર શાહ આપણા મોખરાના સૉનેટકવિઓમાંના એક છે. એમની કવિત્વશક્તિનો સર્વતોમુખી ઉન્મેષ ''ગુજરાતી કવિતાની સિદ્ધિ'' લેખાયેલું સૉનેટગુચ્છ 'આયુષ્યના અવશેષે'માં જોવા મળે છે. કાવ્યનો વયોવૃદ્ધ નાયક આયુષ્યના અવશેષે વતનના ઘર ભણી પ્રયાણ કરે છે, સૂના ઘરમાં પ્રવેશે છે, સ્વજનોની સ્મૃતિમાં ખોવાય છે ને છેક શૈશવની નિકટ પહોંચી તેની આગળની શૂન્યતામાં હુંની પૂર્ણતા, આત્માની ચિરંતનતા અને વિશ્વચૈતન્ય સાથે તદ્રૂપતા અનુભવે છે. શબ્દપસંદગી, ભાષાભંગિ, કલ્પનો-ચિત્રોની લીલા, છંદોલય અને કાવ્યગત અનુભવ એમાં એવાં સમરસ થયાં છે કે સમગ્ર અભિવ્યક્તિ આગવી વ્યંજકતા ધારણ કરે છે. તેથી જ બળવંતરાય ઠાકોર સમા કડક વિવેચકે પણ એ કલાત્મક આયોજનને પૂર્ણતાની મહોર મારી છે. સામગ્રીની વ્યંજકતા કે પ્રતીકાત્મકતા અને કાળની સમ-વિષમ ગતિમાંથી નિષ્પન્ન થતું ચોથું પરિમાણ કૃતિને એક જીવંત એકમ બનાવે છે. પ્રારંભનું જૂની ડમણીનું દશ્ય-શ્રાવ્ય રૂપક-ચિત્ર જ કેવું ચિત્તહર છે ! –
'ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
વિજન પથને ચીલે ચીલે તમિસ્ત્રમહીં ઘન:'
'આયુષ્યના અવશેષે', 'વનખંડન' અને 'રાગિણી' જેવી સૉનેટમાળાઓ રાજેન્દ્ર શાહની પ્રથિતયશ સૉનેટકૃતિઓ છે. 'આયુષ્યના અવશેષે' માં કુલ પાંચ સૉનેટ છે. 'ઘર ભણી', 'પ્રવેશ', 'સ્વજનોની સ્મૃતિ', 'પરિવર્તન' અને 'જીવનવિલય' એમ પાંચ સૉનેટની આ માળામાં જીવનવિષયક ચિંતન કલાત્મક રીતે વ્યક્ત થયું છે.
પ્રથમ સૉનેટમાં, ઊતરતી રાતે કાવ્યનાયક "ખખડ થતી ને ખોડંગાતી'' જૂની ડમણીમાં બેસી 'આયુષ્યના અવશેષે' જ્યારે 'ઘર ભણી' જઈ રહેલ છે ત્યારે તે જે કંઈ મનમાં અનુભવે છે તે સહાનુભૂતિપૂર્વક પ્રગટ કર્યું છે. કાવ્યનો આરંભ કવિએ ખૂબ જ કલાત્મક રીતે કર્યો છે. 'ખખડ થતી ને ખોડંગાતી' વર્ણસગાઈ અલંકારથી તેના માધુર્યમાં લાભ મળે છે. જૂની ડમણી-ખોડંગાતી પણ મનને આહલાદિત કરે છે. એ ડમણી નિર્જન માર્ગે જાય છે. ગાઢ અંધકારમાંથી પસાર થાય છે. ડમણીમાં બેઠેલ વ્યક્તિ પણ આ જોઈને મધુર નિદ્રામાં-સ્વપ્નમાં ડૂબી જાય છે. તેની આંખોમાં જાણે કે અંજન આંજ્યું હોય તેમ વિચારસાગરમાં ડૂબવાથી તે ઘેરી બને છે. ડમણીને જોડેલા બળદોના ગળામાં ઘુઘરી બાંધેલી છે. એ ઘુઘરીમાંથી મીઠો રણકાર નીકળે છે. 'ઘુઘરી ઘેરી' દ્વારા વર્ણસગાઈનો કેવો સરસ ભાવ વ્યક્ત થયો છે ! પરોઢના વાતાવરણને સરળતાથી સજીવ કરતું ડમણી, ચીલો, તમિસ્ત્ર, ઘુઘરી, ઠંડી, સમીર, દીવડો, સીમા, પંખી, તારા વગેરે ઝીણી ઝીણી વિગતોથી ભર્યું ભર્યું એક સુરેખ ચિત્ર કવિએ આ સૉનેટમાં અંકિત કર્યું છે. વૃદ્ધાવસ્થાએ વતન-ઘર જતા પાત્રના મનોગતને સહાનુભૂતિપૂર્વક પ્રગટ કરે છે.
વૃદ્ધાવ્સ્થામાં વતન સર્વને યાદ આવે. નાયકનું ચિત્ત, પોતે બેઠા છે તે જૂની ખખડ થતી ડમણીની જેમ અનેક સ્મરણોથી ખખડ થતું અને કાળના વાંકાચૂંકા ચીલાઓ પર ખોડંગાતું રહે છે. ડમણીની હાલકડોલક ગતિ અને અવાજનું પણ તરત સ્પર્શે તેવું આલેખન છે. 'ખખડ થતી' શબ્દોથી ડમણીનો અવાજ અને ખોડંગાતી શબ્દથી એનું હાલકડોલક ગતિચિત્ર આપણી સમક્ષ પ્રત્યક્ષ થાય છે અને તે પણ અવાજસૂચક શબ્દોથી. એ પછી વૃદ્ધનું સ્મરણચિત્ર પ્રગટ થાય છે. ઠંડો, ધીમો પવન વાય છે અને ઠંડા પવનમાં સ્વપ્નસૃષ્ટિમાં રાચતો તે વિચારે છે. વિચારમાં સુખ-દુ:ખની પરંપરા આવે છે અને સર્વત્ર એ વ્યાપી જાય છે. ઠંડીના ઉપમાન તરીકે સ્મૃતિ દુ:ખનો ઉપયોગ કેવળ અલંકાર તરીકે નથી, પણ ધ્વનિપૂર્ણ છે. નાયકના મનમાં વ્યાપેલાં સ્મૃતિદુ:ખ ધ્વનિત થાય છે. ચિત્ર વધારે ગતિશીલ બને છે. સંધ્યા સમયે લઘુ દીવડાની જ્યોત કેવી ?
'લઘુક દીવડે સૂતી સીમા બધી બનતી લહી
સજગ, તમ-ને ઓઢી પાછું જતી પડખું ફરી.'
કોઈ ચિત્રકારની પીંછી ફરતી હોય એવાં સુરેખ ચિત્રો કવિએ આંક્યાં છે, જે મનમાં સતત રમી રહે. આખી સીમ સૂતી હોય એવો ભાસ થાય છે અને સર્વત્ર અંધકાર વ્યાપી જતો હોય એમ લાગે છે.
કવિએ નાયકના ભાવને અનુરૂપ, એના ચિત્તની સ્થિતિને અનુરૂપ પ્રતીકનો સારો વિનિયોગ કર્યો છે. માર્ગમાં પસાર થતાં વૃક્ષ ઉપર કોઈ કોઈ તારો ખરતો દેખાય છે. આ બધું જાણે ભૂતકાળની બીના હોય એમ લાગે છે. પસાર થતાં થતાં પૃથ્વીની કથા દષ્ટિગોચર થાય છે. કારણ કે માટીમાંથી સર્જન થયું છે અને માટીમાં જ વિલીન થવાનું છે. આયુષ્યના અવધે વૃદ્ધ મનમાં જન્મસ્થળની ઝાંખી કરે છે અને જે ઘર ભર્યું-ભાદર્યું હતું તે ઘર તરફ-તે સૂના ઘર તરફ પ્રયાણ કરે છે.
પંક્તિવિભાજનની રીતે જોતાં આ સૉનેટ શેક્સપિરિયન શૈલીનું છે. ત્રણ ચતુષ્ક કખખક પ્રાસયોજનાથી બંધાયા છે. યુગ્મમાં ગગ પ્રમાણેની પ્રાસયોજના જોવા મળે છે. ત્રણ ચતુષ્કમાં ભાવપલટો પ્રયોજી કવિએ સૉનેટને માટે અનિવાર્ય એવો ભાવમરોડ ઉચિત રીતે ઊભો કર્યો છે. અંતિમ યુગ્મમાં આવતી પંક્તિઓ સમગ્ર કાવ્યના કથયિતવ્યને વિશદ કરી કાવ્યાત્મક અસર આપી રહે છે. વળી સૉનેટના કાવ્યસ્વરૂપનો પણ તે અભિન્ન ભાગ છે.
નાયક જન્મસ્થળની ઝાંખી કરી સૂના ઘરમાં 'પ્રવેશ' કરે છે. દ્વિતીય સૉનેટમાં ધુમ્મસથી છવાયેલા આછા ઉજાસમાં મોટેરાં, વહુવારુઓ, બાળકો, શ્વાન, તાળાં, દ્વાર, હવા વગેરેની પ્રતિક્રિયાનું સાહજિક અને સુરેખ ચિત્ર કવિએ આંકી આપ્યું છે. આ રચનાની ૧ થી ૪ પંક્તિમાં નાયક વિજન પંથ કાપીને સૂના ધૂળ ભર્યા ગૃહાંગણે પગ મૂકે છે ત્યારે ગગને પ્રભાત ફૂટે છે. તેનું વર્ણન, કેવળ બાહ્ય વર્ણન ન રહેતાં, નાયકના ચિત્તગગનમાં પણ વિષાદ ધુમ્મસથી વિષણ્ણ ઝાંખા ઉજાસની સ્મૃતિટશર લાગે છે એવા તેના ભાવસંપૃક્ત ભીતરનું પણ બને છે.
પંક્તિ ૫-૮ માં મોટેરાં, વહુવારુઓ, બાળકો, શ્વાન આદિ સૌ પરિચિત-અપરિચિતના વર્તનના, ઝીણી વિગતોપૂર્ણ વર્ણનમાં અનુભવાતી ઉષ્મા નોંધપાત્ર બની રહે છે. પંક્તિ ૯ થી ૧૨ માં તાળા ઊઘડ્યાં.
'મુખથી ઊઘડ્યાં તાળાં, દ્વારે કર્યું જરી ક્રંદન,
અચલ સ્થિતિમાં ગાત્રો જેનાં જડાઈ ગયાં હતાં.'
ભીતરની વાસી હવા ધસી તેમ કાવ્યનાયકના ભીતરમાંથી સ્મૃતિઓ પણ ધસી. ભીની વાસી હવાની જેમ હવે મુક્ત થતાં સ્મરણ પણ પ્રેત જેવાં નથી શું ? પંક્તિ ૧૩-૧૪માં પ્રવેશ થતાં અંધકાર આવૃત નાયકનું સ્વાભાવિક ચિત્ર પણ ધ્વનિપૂર્ણ નજરે પડે છે.
ઘર ખોલી આગળ વધતાં નાયકને 'સ્વજનોની સ્મૃતિ' ઘેરી વળે છે. 'આયુષ્યના અવશેષે' ના બીજા સૉનેટને અંતે ઉલ્લેખાયેલાં પાત્રોનો અર્થ અહીં કેટલો જીવંત બને છે ! ખાટલો, શીકું, મેડી, જાળી વગેરે જૂની ચીજવસ્તુઓ સાથે સંકળાયેલા સ્વજનો – પિતાજી, મા, પ્રિયતમા વગેરેના પ્રસંગ-સાહચર્યથી જાગતી ભાવોદ્રેકપૂર્ણ સ્મૃતિના વર્ણનમાં,
'અવ અહીં ઝૂલે ખાલી સીકું, વિના દધિ ઝૂરતું !'
'ગગન ઝીલતી જાળી જાળાં થકી અવ આંધળી.'
-જેવી પંક્તિઓમાં હ્રદય જ ઠલવાઈ ગયું છે. 'ઝૂલે', 'ખાલી' જેવા શબ્દોનો કરુણ સ્પર્શ કેટલો માર્મિક ! પંક્તિ ૧૩-૧૪માં ભર્યું ઘર સ્મૃતિમાં જીવંત થતી વેદનાનું મૌન વ્યંજિત છે. આ સોનેટમાં પિતા, માતા અને પત્નીનાં સ્મૃતિ ચિત્રો નાયકના મન:શ્વક્ષુ સમક્ષ ખડાં થાય છે તેનું વિષાદ ઘેરું ચિત્ર આલેખાયું છે.
પંક્તિવિભાજનની રીતે આ રચના શેક્સપિરિયન શૈલીનું સૉનેટ છે. ત્રણ ચતુષ્ક કખખકની પ્રાસયોજનાથી બંધાયેલા છે. ત્રણ ચતુષ્કમાં ભાવપલટો પ્રયોજી કવિએ સૉનેટ માટે અનિવાર્ય એવો ભાવમરોડ ઉચિત રીતે પ્રગટ કર્યો છે.
'સ્વજનોની સ્મૃતિ' સૉનેટરચનાના પહેલા ચતુષ્કમાં કવિએ ભીંતે ઝૂકીને ઊભા રાખેલા ખાટલા દ્વારા પિતાજીની સ્મૃતિ તાજી કરે છે. કવિના હ્રદયમાં પિતાજીનું રસભર્યું જીવન યાદ આવી જાય છે. જ્યારે બીજા ચતુષ્કમાં કવિએ માની સ્નેહાળ મૂર્તિનું સ્મરણ તાજું કર્યું છે. મા અમીવર્ષાની વાદળી હતી, સુરભી હતી.
'નિતનિત વલોણોનાં એનાં અમી ધરતી હતી,'
- એ અહીં દૂધ-દહીં વિનાનું ખાલી સીકું ઝૂલી રહ્યું છે.
ત્રીજા ચતુષ્કમાં કવિએ પ્રિયતમાની સ્મૃતિની ઝાંખી કરાવી છે. જે બે હૈયાં મેડી ઉપર પહેલી વાર મળ્યાં હતાં, પૂનમની રાત્રિએ ભરતીના મોજાની જેમ, ગગનને જાણે કે ઝીલી લેતી જાળી-જાળા હવે અંધ બની ગયા છે. એવી કલ્પના કરી કવિએ પોતાના જીવનનાં સંસ્મરણોને તાજાં કર્યાં છે. કાવ્યના અંતની બે પંક્તિઓમાં કવિ કહે છે કે 'જ્યાં ગિરિસર સમું હંસોનો જે કલધ્વનિ સંભળાતો હતો, ત્યાં આજે તમરું પણ બોલતું નથી. જાણે કે એ પણ મૂંગું બની ગયું છે.' કવિની વેદના અહીં મૌનરૂપે વ્યંજિત થઈ છે.
આ ત્રણ સૉનેટો પછી આવતા ચોથા સૉનેટ 'પરિવર્તન'માં વિચાર વળાંક લે છે. વેદનાનો, વ્યથાનો, વિષાદનો સૂર શ્રદ્ધા ધારણ કરી સમાધાનનો માર્ગ અપનાવે છે. સૉનેટમાં અષ્ટક પછી ભાવપલટો આવે છે તેમ આ પાંચ સૉનેટની માળામાં ત્રીજા સૉનેટ પછી વળાંક આવે છે તે યોગ્ય છે. આ સૉનેટમાં ઝરૂખામાંથી ચીલાના દર્શનનું અને દર્શનથી શૈશવ-સ્મરણો ઊભરાતાં હ્રદયમાં જાગ્રત થતા તલસાટના ભાવનું કથન કાવ્યમય રીતે સુરંગીન કલ્પનાપૂર્વક કરવામાં આવ્યું છે.
'હજી ય ઝરુખો એનો એ, હું, અને વળી પંથ આ,
પણ અવ અહીં આવી ઘેરી વળે ગતની સ્મૃતિ:'
નાયકની વર્તમાન સ્થિતિ અને ભૂતકાળની સ્મૃતિને દર્શાવવા કવિએ બીન અને સ્વરની સમુચિત ઉપમા પ્રયોજી છે.
છેલ્લા સૉનેટ 'જીવનવિલય'માં નાયક કાળથી પર થાય છે અને ભૂતકાલીન કર્મોની પ્રફુલ્લિત સૃષ્ટિ જોઈ ચારે દિશાઓમાં ગર્જતો 'આદ્યંત જીવનનો જય' અનુભવી રહે છે. અહીં શૈશવ, યૌવન અને વાર્ધક્ય એવા ખંડમાં જીવનને ન જોતાં, ક્ષણે ક્ષણે પરિવર્તન પામતા કોઈ એક જ ચિરંતન તત્વનું વિવિધ સ્વરૂપો રૂપે જીવનને સમગ્રતામાં જોવાનું તત્વદર્શન રહેલું છે.
'જીવનવિલય' સૉનેટની પક્તિ ૧ થી ૪માં દાર્શનિક તાટસ્થ્ય, અલિપ્ત મન:સ્થિતિ તેમાંથી થતું જીવનના જયનું દર્શન, દાર્શનિક તાટસ્થ્ય પછી થયેલા આ દર્શનમાં જીવનશક્તિનો સ્વીકાર રહેલો છે. પંક્તિ ૫ થી ૮માં આ દર્શન કવિએ શબ્દ અને ધ્વનિ તથા બીજ અને પર્ણની સર્વાંગ સુંદર અને સર્વથા સમુચિત ઉપમાઓ દ્વારા કાવ્યના એક અનિવાર્ય અને આંતરિક અંશરૂપે કાવ્યના સારતત્વરૂપે નહીં પણ દર્શનના કાવ્યતત્વરૂપે પ્રગટ કર્યું છે. એમાં કવિની કવિ લેખે સર્વશ્રેષ્ઠ સિદ્ધિ છે.
'નહિવત બની રે'તું માટી મહીં, પણ બીજની
તરુવરતણાં પર્ણે કેવી રમે શત એષણા !'
પંક્તિ ૯ થી૧૨ માં જીવનને કોઈ ચિરંતન તત્વના, નિજાનંદે થતા પરિવર્તનરૂપે તાટસ્થ્યથી જોતી તત્વદષ્ટિ, તેને આદિ અંત વિના સમગ્રરૂપે જુએ છે તેથી જ પંક્તિ ૧૩-૧૪માં વિવિધ રૂપે વિલસતા દેખાતા સાગર, મોજું અને વર્ષા, તત્વરૂપે જલ છે. દેખાય છે તે તો કેવળ સ્વરૂપભેદ છે. નવા સ્વરૂપમાં પૂર્વ સ્વરૂપનું વિસર્જન છે. એ રીતે જીવનની અનંતતા સૂચવાઈ છે એ પ્રતીકોથી. જીવનનું જરા આઘેથી નિરીક્ષણ કરી નાયક રૂપની રમણામાં પરિવર્તન પામતા ચિરંતન તત્વને નિરખે છે અને છેલ્લે તે જે અનુભૂતિ કરે છે તે ભવ્ય દર્શનમાં ઉપશમે છે :
'ગહન નિધિ હું, મોજુંયે હું, વળી ઘનવર્ષણ,
અભિનવ સ્વરૂપે પામું, હું સદૈવ વિસર્જન.'
અહીં આવતાં 'નિધિ', 'મોજુ' અને 'ઘનવર્ષણ'ના ઉચિત પ્રતિકો કાવ્યની પરાકાષ્ઠા સિદ્ધ કરે છે. રૂપની રમણા ને વિવર્તલીલાનું દર્શન આવી સુંદર રીતે બીજે ક્યાં વ્યક્ત થયું છે ? ચિત્ત-ચૈતન્ય-વિલાસ કે રાસનું દર્શન કર્યું છે. જીવનના સમ-વિષમ અનુભવોનું પર્યવસાન જે ઉપશમમાં થાય છે તેને કવિ 'આયુષ્યના અવશેષે' ને અંતે વ્યક્ત કરે છે. પ્રકૃતિને સહારે કરેલી એ અભિવ્યક્તિમાં આપણને ચિરંતન કવિતા સાંપડે છે.
'જીવનવિલય'માં કાવ્યની જ નહીં, સમગ્ર સૉનેટમાળાની પરાકાષ્ઠા વ્યાપક અને ગહન ચિંતનથી સધાય છે. કાવ્યમાં ચિંતન અને રસ એકબીજાથી અલગ ના પાડી શકાય એટલા ઓતપ્રોત છે. ભાવસંવેદનથી શરૂ થતી આ સૉનેટમાળા ધીરે ધીરે ચિંતન તરફ ગતિ કરી પરાકાષ્ઠા સાધે છે. પરંતુ ચિંતન કાવ્યના રસ, કલાતત્વ ઉપર લાદેલું હોય તેમ બનતું નથી. પરંતુ સહજ ગતિએ તેમાંથી કલારૂપે સ્ફુરતું હોય એકરૂપ, રસરૂપ, તદ્રુપ બની ગયું છે. એથી જ આ કાવ્યમાળા એ સઘન રસથી ભરપૂર એવી એક વજનદાર કલાકૃતિ છે. સૉનેટમાળા તરીકે પ્રત્યેક સૉનેટનો આંતરસંબંધ ઉપર નિર્દેશ્યો છે. પૂરી હથોટીથી અને ભાવોપકારક રીતે વપરાયેલો કાવ્યનો હરિણી છંદ તેના લયથી કાવ્યના અર્થને પ્રગટ કરવા શક્તિમાન બન્યો છે.
'આયુષ્યના અવશેષે' સૉનેટમાળામાં કવિએ હરિણી છંદ પ્રયોજ્યો છે. આ સૉનેટમાળા વાંચીને 'રેશમના પટ પર કીનખાબથી લખીને સામી ભીંત પર લટકાવવા જેવું છે.' એવા નોંધનીય ઉદગાર કાઢનાર બળવંતરાય ઠાકોરે યોગ્ય જ કહ્યું છે કે 'ઘરડા માણસનું મન જે લયમાં વિચારે તે લયનો છંદ રાજેન્દ્રે આબાદ પકડ્યો છે'. ('ધ્વનિ' - પરિશિષ્ટ પૃ. ૧૧૩) તો કવિ ઉશનસ્ આ છંદને 'રાજેન્દ્રના લોહીના સ્પંદનો છંદ' કહે છે. (રાજેન્દ્ર શાહ અધ્યયન ગ્રંથ, પૃ. ૯) પ્રથમ સૉનેટ 'ઘર ભણી'ની આરંભની પંક્તિમાં 'ખખડ થતી' શબ્દોથી ડમણીનો અવાજ અને 'ખોડંગાતી' શબ્દના ઉચ્ચારમાં યતિ ભંગ દ્વારા હાલકડોલક ગતિ તાદશ થાય છે. ઉપરાંત ડમણીની તેજ-મંદ ગતિ (સીધા તથા વાંકાચૂંકા ચીલા પરની) હરિણીના પ્રથમ પાંચ લઘુ વર્ણો અને પછીના ચાર ગુરુવર્ણો દ્વારા સ્પષ્ટ થાય છે. વૃદ્ધ માણસને ભૂતકાળની એકાએક યાદ આવે તે ઝડપી ક્રિયા પણ હરિણીના પ્રથમ પાંચ લઘુ અક્ષરો દ્વારા સૂચવાય છે. યાદ આવ્યા પછી વૃદ્ધ પુરુષ તેને માણવા રોકાય કે પછી બીજી યાદોમાં ખોવાઈ જાય તેથી ઝડપી ક્રિયામાં મંદતા આવે છે. આ મંદતા ત્યાર પછી આવતા ચાર ગુરુ અક્ષરોથી સૂચવાય છે. પછી આ દ્રુત અને વિલંબિત ક્રિયાના પરિણામ રૂપે-મિશ્રણ રૂપે ચાલતી ક્રિયા હરિણીના ત્રીજા ઘટકમાં આવતા લઘુ-ગુરુ અક્ષરોના મિશ્રણ દ્વારા પ્રગટ થાય છે. વળી આખા કાવ્યનો વિષય છંદના દ્રુત, વિલંબિત તથા બંનેના મિશ્રણરૂપ લય દ્વારા આબેહૂબ પ્રતિબિંબ થાય છે. હરિણી છંદ પરનું કવિનું પ્રભુત્વ જોવા 'આયુષ્યના અવશેષે' એ એક જ કૃતિ પર્યાપ્ત છે. કવિએ અવાજના લઘુતમ અવિભાજ્ય ઘટકોના નાદ તત્વનો સાથ મેળવ્યો છે. ડમણીમાં બેઠેલી વ્યક્તિને અનુરૂપ ડમણીનું વ્યક્તિત્વ ઉચ્ચારાતા શબ્દોમાં ઉપસે છે. બીજી પંક્તિમાં 'તમિસ્ત્રમહીં ઘન' સુધી આવતાં લયનો રસ્તો રોકાઈ જાય છે. લયની દષ્ટિએ આ શબ્દો અનુચિત લાગવા સંભવ. પણ કાવ્યના સંદર્ભમાં તે અત્યંત ઉચિત છે તે ત્રીજી પંક્તિમાં આવતા 'સ્વપ્ન'ના ઉલ્લેખથી સમજાય છે.
'આયુષ્યના અવશેષે' ના પ્રથમ સૉનેટ 'ઘર ભણી'માં જૂની ડમણીની વાત આવે છે. આ ડમણી કાવ્ય સમગ્રના સંદર્ભમાં વિચારતાં પ્રતીક બની રહે છે. જે ડમણીમાં પોતે બેઠો છે તે ડમણીની જેમ કાવ્યનાયકનું ચિત્ત પણ આખા કાવ્ય દરમ્યાન ભૂતકાળનાં સ્મરણોથી ખખડ થતું અને કાળના વાંકાચૂંકા ચીલાઓ પર ખોડંગાતું રહે છે. વળી ડમણી પણ કાવ્યનાયકની ઉંમરને અનુરૂપ 'જૂની' છે. આયુષ્યના અવશેષે પહોંચેલી વ્યક્તિનો જીવનપથ લગભગ વિજન જેવો હોય તથા ભવિષ્ય ઘન તમિસ્ત્ર જેવું હોય તે પણ સાહજિક છે. આમ, ડમણીના પ્રતીક દ્વારા કવિ બેવડો અર્થ નિષ્પન્ન કરી શક્યા છે અને કાવ્યના રહસ્યને સંગોપી રાખવામાં સફળ નીવડ્યા છે.
ઈન્દ્રીયસંતર્પક ચિત્રાંકનની કવિની વિશિષ્ટ શક્તિનું દર્શન 'આયુષ્યના અવશેષે'ની કંડારેલી શિલ્પમૂર્તિ જેવી એકાધિક પંક્તિઓમાં થાય છે :
'ખખડ થતી ને ખોડંગાતી જતી ડમણી જૂની,
વિજન પથને ચીલે ચીલે તમિસ્ત્રમહીં ઘન:'
... ... ...
'પથતરુતણા નીડે પંખી ક્યહીં ફરકે અને
કદિક અથવા તારો કોઈ ખરે, બસ એટલું
કળિત બનતું, ત્યાંયે ઊંડા મને કરણો સહુ
કણકણની આ માટી કેરી કથા નિરખી રહે.'
પ્રકૃતિના આલેખન સહિત એની ગહન અનુભૂતિના સ્પર્શથી આ પંક્તિઓ ભરી ભરી બની રહે છે. કેવળ ચિત્રાંકન અને તે પણ નિરીક્ષણપૂર્વકનું આ કવિની કવિતામાં એમના કવિકર્મના વિશેષ તરીકે જોવા મળે છે. આ કાવ્ય સઘન રસથી ભરપૂર કલાકૃતિ છે.
કાળથી પર થયેલો નાયક હ્રદયના ઊંડાણમાં જે અનુભવે છે તે કવિએ અહીં વ્યક્ત કર્યું છે. કવિ સંવાદની-અદ્વૈતની વાત પ્રતીકાત્મક રીતે વ્યક્ત કરે છે. ઈશ્વર સમુદ્ર છે અને પોતે મોજું છે એવો ભેદ હવે રહેતો નથી. નાયક કહે છે કે સાગર હું છું, મોજુંય હું છું. વિસર્જન, વિલય પામ્યા પછી તે બંને વચ્ચેની એકતાનો સાક્ષાત્કાર કરી શકે છે. વેદનાની અનુભૂતિ રાજેન્દ્ર શાહને ક્યારેય નાસ્તિક બનાવતી નથી. તેઓ વેદનાને સ્વીકારી અંતે તેમાંથી દર્શન પામે છે. કારણ કે તેમની પાસે શ્રદ્ધા છે. આ કાવ્યની વિશેષતા એમાં છે કે તેમાં આવતું ચિંતન રસ સાથે એકરૂપ થઈને આવ્યું છે. પરિણામે કૃતિ ચિંતનાત્મક હોવા છતાં કાવ્યત્વની દષ્ટિએ પણ સંતર્પક બની શકી છે. જેમાં 'આદ્યંત જીવનનો જય' ગર્જે છે એવા આ 'આયુષ્યના અવશેષે' કાવ્યનાં વસ્તુ અને સ્વરૂપમાં સંપૂર્ણ સંવાદ છે જે કવિ રાજેન્દ્ર શાહની સૌંદર્યદષ્ટિનો દ્યોતક છે.
કવિની છંદશક્તિ, લયસૂઝ, ધ્વનિશક્તિ, કલ્પનાશક્તિ, પ્રતીકકલ્પનોની સૂઝ, ભાવ-સંવેદનોની ચેતના, કાવ્યરચનામાં કલાની સહજતા, ચિંતન-શક્તિ, જીવનસંવાદની દષ્ટિ, સૌંદર્યદષ્ટિ એમ કવિ-સંવિતની સમગ્ર ચેતનાશક્તિથી ઝંકૃત એવી આ સૉનેટમાળા આપણા કાવ્ય-સાહિત્યમાં અણમોલ, અદ્વિતીય છે.
સંદર્ભગ્રંથો :
ડૉ. બીના ડી. પંડ્યા, એસોસિએટ પ્રોફેસર – ગુજરાતી વિભાગ, સરકારી વિનયન કૉલેજ, તળાજા.