‘મીઠા વગરનો રોટલો’ : એક આસ્વાદ
‘મીઠા વગરનો રોટલો’ વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં વાર્તાકાર ભગીરથ બ્રહ્મભટ્ટ લખે છે, ‘મારી વાર્તાઓની ભોંય ગામડાની છે.’ ‘આથમતાં અજવાળાં’ના આ સર્જકે આ સંગ્રહમાં પણ ગામડાનું ઝીણવટભર્યું આલેખન કર્યું છે. ‘મીઠા વગરનો રોટલો’ વાર્તા તેના દૃષ્ટાંત રૂપે જોઈ શકાય. વાર્તામાં સર્વજ્ઞનું કથનકેન્દ્ર છે. બે દિવસનો સમયગાળો છે. ઉજમબાને પાડોશી રમાવહુનો નાનો દીકરો પ્રેમલ લગ્નની કંકોતરી આપી જાય છે ત્યાંથી વાર્તાનો આરંભ થાય છે. કંકોતરી ઉજમબાના ભત્રીજાના લગ્નની છે. કોઈ વાંક-ગુનો ન હોવા છતાં ભાભી અને ભત્રીજાએ ઉજમબાને લગ્નમાં બોલાવ્યાં નથી. એ વાતનું ઊંડું દુ:ખ ઉજમબાને છે. મા-બાપ અને ભાઈના અવસાન પછી પિયર સાથે સાવ સંબંધ કપાઈ ગયો છે. ઉજમબાના શબ્દોમાં કહીએ તો,
‘આ કળયગમાં જે છોકરીનો બાપ મરી જાય એટલે બધો વટ ને વેવાર પૂરો... મૈયરનો મોહ મેલી દેવાનો. આશા જ ની રાખવાની...’ (પૃ-૨)
ઉજમબા રમાની સામે પોતાનો બળાપો વ્યક્ત કરે છે. ઉજમબા ઊંડો આઘાત અનુભવે છે. એ આઘાતની કળ વળી નથી હોતી એટલે વ્યવહારમાં તેમનાથી ચૂક થાય છે. હાથમાંથી પવાલું છટકે છે. ચોખામાં કાંકરા રહી જાય છે અને રોટલામાં મીઠું નાંખવાનું ભૂલાઈ જાય છે. ઉજમબાના આઘાતથી અજાણ એવા નાનજીકાકા તેમના પર તાડૂકે છે ત્યાં વાર્તા પૂરી થાય છે.
વાર્તામાં યોગ્ય ક્ષણની પસંદગી ખૂબ અગત્યની બાબત છે. એથી વધારે અગત્યનું છે પસંદ કરેલી ક્ષણની યોગ્ય રીતે માવજત કરવી. આ વાર્તામાં આ બંને દૃષ્ટિએ વાર્તાકારને સફળતા મળી છે. પ્રેમલ કંકોતરી આપી જાય અને ઉજમબાનાં ચિત્તમાં તરંગો જન્મે. ઉજમબાની એકએક ચેષ્ટા વાર્તાકાર દર્શાવે છે. તેનાથી ઉજમબાનું પાત્ર જીવંત થાય છે. તેની સમાંતરે વાર્તાકાર બદલાઈ રહેલાં સમાજને, સંબંધોને પણ આલેખે છે. મોહનભાઈ પટેલ યોગ્ય જ કહે છે,
“‘મીઠા વગરનો રોટલો’માં લેખકે ઘસાતાં જતાં સંબંધો અને ઓસરતી જતી આત્મીયતાનું દર્શન કરાવ્યું છે... જાણે પ્રેમની સરવાણી જ સુકાઈ ગઈ? આ વાર્તા આપણા સામાજિક વાસ્તવની છે.” (પૃ-6-7)
વ્યવસાયે પ્રાધ્યાપક હોવાને કારણે ભગીરથ બ્રહ્મભટ્ટ સહજ રીતે બદલાઈ રહેલી સામાજિક સંરચનાની નાડ પારખી લે છે. એથીય વિષેશ આ વાર્તામાં કંઈક એવું છે જે અગત્યનું છે. તે છે ઉજમબાના મનોજગતનું આલેખન. એક નિ:સંતાન વૃદ્ધ સ્ત્રીની એકલતા અને ખાલીપાને વાર્તાકારે સચોટ રીતે વર્ણવ્યો છે. દ્વિરેફના રઘનાથની હતાશા વાચકને યાદ આવે. તાજેતરમાં જ પ્રગટ થયેલી વાર્તાકાર પ્રભુદાસ પટેલની ‘ઓરડી’ વાર્તાના રામાબાપા પણ યાદ આવી જાય. નવી પેઢી દ્વારા અપમાનિત થતાં વૃદ્ધોની હતાશા પ્રભુદાસ પટેલની ઘણી ખરી વાર્તાઓના વિષયવસ્તુ તરીકે આવે છે. ‘ઓરડી’ના રામજીબાપા પણ આવી જ પરિસ્થિતિમાં સપડાયેલાં છે. અલબત્ત, ત્યાં પરિસ્થિતિ જુદી છે. રામજીબાપા વિધુર છે. જ્યારે ઉજમબાનો પતિ જીવતો છે. વૃદ્ધ સ્ત્રીની એકલતા, હતાશાને કારણે પણ આ વાર્તા જુદી તરી આવે છે. વૃદ્ધ પુરુષોના આ પ્રકારના સંવેદનો તો અનેક વાર્તાકારોએ નિરુપ્યાં છે. વાર્તામાં કંકોતરી ન મળવાથી ઉજમબાને આઘાત લાગે છે એ વાત ખરી. પણ વાર્તાનો કરુણ ત્યાં નથી. વાર્તાનો કરુણ તો પતિ નાનજીકાકા ઉજમની મન:સ્થિતિ સમજ્યા વિના જ કાયમની આદત મુજબ તેમને ગાળ દઈ દે છે ત્યાં રહેલો છે.
નિ:સંતાન અને પિયરમાંથી પણ સંબંધ કપાઈ ગયેલો. પતિ છે પણ લાગણીઓ સમજે તેવો નહીં. આ આખી પરિસ્થિતિ વાર્તાના કરુણના મૂળમાં છે. ઉજમ જેવી કંઈ કેટલીય સ્ત્રીઓ વૃદ્ધાવસ્થામાં એકલતા, હતાશા અનુભવતી હોય છે. છતે પતિએ ઘરડેઘડપણ આવી એકલતા અનુભવતી સ્ત્રીઓ આપણા સમાજમાં ઠેર-ઠેર જોવા મળે છે. અહીં દશરથ પરમારની ‘અન્તર્વાહી’ વાર્તા પણ યાદ આવે. જ્યાં પતિના મૃત્યુ પછી વૃદ્ધ પત્ની ભરપેટ જમે છે અને પહેલીવાર ઊંઘની ગોળીઓ લીધા વિના આરામથી સૂઈ શકે છે. આ ભૂમિકાને આધારે આ વાર્તાને વિગતે તપાસીએ.
આકાશમાં વાદળો ઘેરાયેલાં છે. જ્યારે આવું વાતાવરણ હોય ત્યારે ઉજમબાને કમરમાં દુખાવો થાય જ. આવા જ એક દિવસથી વાર્તાનો ઉપાડ થયો છે. જુઓ.
“આકાશમાં વાદળા ઘેરાયેલાં હોય ત્યારે ઉજમબાને કમર દુ:ખે જ. આજનો દિવસ ઉજમબાને કેડે હાથ રાખવાનો હતો... પડ્યાં પડ્યાં પોતાના જીવતરનો બળાપો કરવા માંડ્યાં: ‘બળી આ જન્દગી, છતે ધણીએ રંડાપો! વાંઝિયાપણું તો ભગવાન દશમનને નાં આલજે... કોઈ શકન લ્યે નહિ... બળ્યો આ અવતાર!’” (પૃ-૧)
ઘેરાયેલાં વાદળો અને કમરના દુખાવાનો પ્રથમ વાક્યમાં જ ઉલ્લેખ કરીને વાર્તાકાર વાર્તાના ધ્વનિને અનુરૂપ વાતાવરણ રચી દે છે. તેમાંય ઉજમબાનો બળાપો જોવા જેવો છે. ‘બળી આ જન્દગી, છતે ધણીએ રંડાપો! આ બળાપો વાર્તાના અંતે નાનજી ડોસા ઉજમબાને નાની વાતે ધમકાવી કાઢે ત્યારે સાચો પડતો જણાય. કમરનો દુખાવો ઓછો હોય તેમ પ્રેમલ ઉજમબાના હાથમાં ભત્રીજાના લગ્નની કંકોતરી થમાવી દે. પહેલાં શારીરિક વ્યાધિ અને પછી માનસિક સંતાપ. વાર્તાકાર ક્ષણવાર પૂરતા પણ ઉજમબાને દુ:ખથી છૂટવા દેતાં નથી.
‘મીઠા વગરનો રોટલો’ વાર્તાસંગ્રહમાં વાર્તાકારે ગ્રામજીવનની બરછટતા અને જડતા સંવાદો વડે તાદૃશ કરાવી છે. આ વાર્તામાં પણ સંવાદો અગત્યનાં છે. ઉજમબા અને રમાની તથા ઉજમબા અને નાનજી ડોસાની વાતચીતની ભાષા ઝીણવટથી તપાસવા જેવી છે. નિરક્ષર ઉજમબા લગ્ન ક્યારે છે? કોની સાથે છે? ઈત્યાદિ જાણવા માટે રમા પાસે જાય. રમા માહિતી આપતી જાય અને સમાંતરે સવાલો પણ પૂછતી જાય. આ સવાલો ગામડાના લોકોની પંચાત કરવાની વૃત્તિને રજૂ કરે છે. સહજ લાગતાં સંવાદો વડે જ સામેવાળી વ્યક્તિના મર્મસ્થાને ઉઝરડા પાડી દેવાની ગામલોકોની વૃત્તિ જાણવી હોય તો ભગીરથ બ્રહ્મભટ્ટ, દશરથ પરમાર, પ્રભુદાસ પટેલ જેવાં વાર્તાકારોની વાર્તાઓ જોઈ શકાય. રમાના સવાલો જુઓ.
“’તે ઉજમબા તમારે કંકોતરી ચ્યમ નાં આઈ?’ ઝીણી આંખે રમાએ પૂછ્યું.” (પૃ-૨)
(રમાની ચેષ્ટા ખાસ નોંધવા જેવી છે. સાથે જ સર્જકની સૂક્ષ્મ નિરીક્ષણ શક્તિ પણ.)
‘ઉજમબા ભત્રીજાના લગનમાં હરખાવાનું હોય કે રોવાનું?’ (પૃ-૨)
‘તે તમારે કંઈ વાંકુ પડેલું?’ (પૃ-૨)
‘તે તમારા ભાભી છોકરાંને કશું નાં કહે?’ (પૃ-૩)
રમાના એકએક સવાલે ઉજમબાનો ઘા ઊંડોને ઊંડો થતો જાય છે. રમાની સમાંતરે દ્વિરેફની ‘નવો જન્મ’ વાર્તાની કમલા યાદ આવે. તેમાં કુટુંબના બધાં સભ્યો મૃત્યુ પામતાં એક સમયની ગૌરવશાળી એવી ઝમકુડોશી માનસિક સ્થિરતા ગુમાવે છે. વાર્તાનાયકની પત્ની કમલા ડોશીને લાગેલા ઊંડા આઘાતને સમજે છે. તેના સ્નેહ અને સમજદારીથી ઝમકુડોશી વળી પાછી એવી જ ગૌરવશાળી બને છે. પ્રસિદ્ધ માનસશાસ્ત્રી આલ્ફ્રેડ એડલરના મતે સ્વસ્થ સમાજવ્યવસ્થા માટે સહકારની ભાવના અનિવાર્ય છે. આ સહકારની, સ્નેહની ભાવના જ ઝમકુડોશીને આઘાતમાંથી બહાર લાવે છે. રમા ઉજમબાને ચા પિવડાવે છે પણ તેની પ્રશ્નોત્તરીમાં ક્યાંય સહાનુભૂતિનો સૂર સંભળાતો નથી. તે એક પણ શબ્દ ઉજમબાને આશ્વાસન આપે તેવો બોલતી જોવા મળતી નથી. તેથી જ તેની સામે બળાપો ઠાલવ્યા પછી પણ ઉજમબાના ચિત્તને શાતા વળતી નથી. સ્ત્રી જ સ્ત્રીની સંવેદના સમજે અને તેને મદદરૂપ થાય એવી સ્થિતિ માટે વિવેચક ડૉ. ભરત મહેતા ‘સિસ્ટરહુડ’ સંજ્ઞા પ્રયોજે છે. અહીં તો રમા જ ઉજમબાને કંકોતરી પોતાના દીકરા વડે પહોંચાડીને બળતાંમાં ઘી હોમે છે. રમા પાસેથી પણ ઉજમબાને સાંત્વના મળતી નથી. ઉલટું વાર્તાકાર રમા વડે ઉજમબાની એકલતાને વળ ચઢાવે છે.
બીજા દિવસે લગ્ન છે એ ખબર પડતાં ઉજમબાનું ચિત્ત રાત્રે પણ એ જ વિચારોમાં અટવાયેલું રહે છે. બીજે દિવસે સવારે જેવા નાનજીકાકા ઘરની બહાર પગ મૂકે છે કે તરત પટારો ખોલીને બેસી જાય છે. તેમાંથી સાડીઓની સાથે ભૂતકાળ પણ બહાર આવતો જાય છે. વાર્તાકારે કરેલું આ વર્ણન ઉજમબાનાં અંતરને સચોટ રીતે વ્યક્ત કરે છે.
‘નાનજીકાકા જેવા ઘરની બહાર નીકળ્યા એવાં એ ઓરડામાં ગ્યા. પટારો ખોલ્યો. સાડીઓ ઉઘાડી ઉઘાડીને જોવા માંડ્યા... આ મારા ભૈએ લીધેલી. આ મારા બાપા જીવતા હતા ત્યારની... આ લાલ ભરતવાળી દહેજની... છેલ્લી ફરા ભૈ લાયો’તો એ જ હાલ્લો. મને તે બૌ ગમે... એ પહેરીને આજે જૌ ભત્રીજાના લગનમાં... એમ ને એમ બપોર થયા - ના ખાધું ન પીધું. ન કશું ચેન પડે... ભૈએ આપેલા સાલાનું પોત જોતાં હતાં… પોત જોતાં જોતાં છેડો ફાટ્યો...’ (પૃ-૪)
અહીં પણ વાર્તાકારની કમાલ જોવા જેવી છે. ભાઈએ આપેલી સાડીનો જ છેડો ફાટે છે. ઉજમબાનો પિયર સાથેનો છેડો ફાટી ગયો છે. આ જ ફાટેલી સાડી લઈને ઉજમબા રમા પાસે પહોંચી જાય. રમા સાડી સાંધતી જાય અને કંકોતરીમાં લખેલાં કુટુંબીઓના નામ જણાવતી જાય. સંધાતી સાડીની સાથે ભૂતકાળ પણ સજીવન થતો જાય. વાર્તા વિશે એવું કહેવાય છે કે તેમાં એકપણ શબ્દ વધારાનો ના હોવો જોઈએ. અહીં વાર્તાકાર સાડી વડે પણ કેટકેટલું સુચવી દે છે! ચંદુ છોટાનું નામ આવતાં જ ઉજમબાના ચિત્તમાં એ મુગ્ધ વયનો સ્નેહ જીવંત થાય. પોતાને બચાવવા શિક્ષકનો માર ખાતો, ખેતરમાં આવીને મળતો બાળસખા ચંદુ ઉજમબાને યાદ આવી જાય. રમા પાસે સાડી સંધાવવા ગયેલાં ઉજમબા ઘરે પાછા ફરે છે ચંદુના સંસ્મરણો સાથે. હજુ તો તેમાંથી બહાર આવે તે પહેલાં જ નાનજીકાકા તાડૂકે. ‘આ ઘર ઉઘાડુફક્ક મેલીને ચ્યોં જૈતી?’ નાનજીકાકાના પાત્રને સમજીએ તો તરત ખ્યાલ આવે કે ઉજમબાને આટલી ઉંમરે ચંદુ શાથી યાદ આવ્યો? રમાની જેમ નાનજી ડોસાની ભાષા પણ જોવા જેવી છે. આટલી ઉંમરે પણ ઉજમબાને ડોસાની બીક લાગે છે.
“ઉજમબાથી ઘરમાં જઈ દાળચોખા કાઢવા જતાં પવાલી પછડાઈ. બહાર ખાટલામાં બેઠાં બેઠાં ડોસાએ બૂમ પાડી-
‘પાછું હું પડ્યું? ચ્યમ આજ ઠેકાણે નહિ કે શું?’
ઉજમબાએ ઝટઝટ ચોખાદાળ ભેગા કરવા માંડ્યાં. ડોસા ઊભા થઈ અંદર આવે ને જોઈ જાય તો? ઉજમબાએ ફક કરતી ફૂંક મારી દીવો ઓલવી નાંખ્યો. અંધારે જ ચોખાદાળ ભેગાં કર્યા.
‘ચ્યમ પાછુ અંધારધબ્બ થૈ જ્યું?’ ડોસાએ પૂછ્યું.
‘એ તો આ હવૈણીની ઝાપટ અડી એટલે... લ્યો દીવો કરું છું.’ પોતાનો બચાવ કરતાં ઉજમબા બોલ્યા.
ખીચડી ખાતાં ખાતાં નાનજીકાકાએ – ‘હવારનો ભૂસ્યો છું. ને આ ખીચડીમાં તો કરકર આવે છે!’
‘તમારે બધું આવશે!’
‘રાંડ તું ખૈ જો... ભાળતી નાં હોય તો કૉકની પાહે વેંણાવતી હોય તો?’ ડોસાએ ભારે અવાજે કહ્યું.” (પૃ-૬)
પવાલી પછડાઈ અને દાળચોખા વેરાયા એ વાત ડોસાને ખબર ન પડે એ બીકે જ ઉજમબા દીવો ઓલવી નાંખે છે. અંધારામાં જ દાળચોખા ભેગાં કર્યા પછી ઉજમબા દીવો પેટાવે છે. તેમનું આ જુઠ્ઠાણું તેમની બીક, ડોસાનો આકરો સ્વભાવ અને આટલાં વર્ષો ઉજમબાએ કેવી રીતે કાઢ્યાં હશે તેનો ખ્યાલ આપે છે. પવાલી પછડાય ત્યારે ડોસો એમ નથી પૂછતો કે વાગ્યું તો નથી ને? ડોસાની ગાળોની બીકે જ ઉજમબા ભત્રીજાના લગ્નની વાત કરતાં નથી. ડોસાને પોતાના પેટની જ પડી છે. ડોસાની ચિંતામાં ઉજમબા રોટલો ઘડવા બેસી જાય છે પણ મનથી તો તે પિયરમાં પહોંચી ગયા છે. તેમને વિચાર આવે છે કે જો ભાઈ જીવતો હોત તો અત્યારે લાપસી ચોળતી હોત. આ વિચારોમાં જ તે રોટલામાં મીઠું નાંખવાનું ભૂલી જાય છે. તરત નાનજી ડોસા ગાળો વરસાવી દે છે.
“હજુય એમને થતું હતું કે મારો ભૈ જીવતો હોત તો હું અત્યારે લાપસી ચોળતી ના હોત!!...
‘રાંડ તું ચાખી જો!’ નાનજીકાકો કરાંજીને બોલ્યા.
ન્હોતો ખાવો તોય એ રોટલાનો ટુકડો કરી મોઢામાં જેવો ઉજમબાએ મેલ્યો કે તરત એમનાથી બોલાઈ ગયું-
‘હાવ હાચી વાત છે, રોટલામાં મેંઠું જ નથી.’” (પૃ-૭)
લાપસીનું ગળપણ તો ઉજમબાના નસીબમાં જ નથી. મીઠા વગરના રોટલા જેવું જ તેમનું જીવન છે. અહીં રોટલો એ ઉજમબાના જીવનનું પ્રતીક બને છે. વાર્તાકાર દૈનિક ક્રિયાઓ અને નાના-નાના સંકેતો – પટારો, સાડીઓ, કમરનો દુખાવો, લગ્નની કંકોતરી, ખીચડીમાં કાંકરા, મીઠા વગરનો રોટલો વગેરે વડે ઉજમબાની એકલતા અને ખાલીપાને સ્પર્શક્ષમ બનાવે છે. તેમને પાડોશી રમા કે પતિ, કોઈ પાસેથી હૂંફ મળતી નથી. તેથી જ,ચંદુ કાટ યાદ આવે છે. ત્યાં પણ વાર્તાકારની સૂક્ષ્મ સૂઝ જોવા જેવી છે. ચંદુના સંસ્મરણોમાં ઉજમબા ખોવાયેલાં હોય અને બરાડો પાડતાં નાનજી ડોસા ઘરમાં પગ મૂકે. એક સુંદર દૃશ્ય અચાનક જ કટુ દૃશ્યમાં ફેરવાઈ જાય. રમાના પ્રશ્નોમાં જિજ્ઞાસા છે, પંચાતની વૃત્તિ છે. નાનજીનો શબ્દકોશ તો ગાળોથી ભરેલો છે. ગ્રામસમાજમાં કેટલીય સ્ત્રીઓ ઉજમની જેમ જ એકલતામાં, સંતાપમાં આખો જન્મારો કાઢતી હોય છે. મોટી વયે પણ પતિથી ફફડાટ અનુભવતી કે સાચું ન બોલી શકતી સ્ત્રીની મૂક વેદનાને અહીં વાર્તાકારે વાચા આપી છે.
આમ, ‘મીઠા વગરનો રોટલો’ એ વૃદ્ધ સ્ત્રીની ભીતિ, એકલતા અને શૂન્યતાને હૃદયસ્પર્શી રીતે આલેખે છે.
સંદર્ભ:
આશકા પંડ્યા, aashkahpandya@gmail.com