‘વંટોળ’: સામાજિક શોષણના વિરોધની વાત
ગુજરાતી વાર્તાસાહિત્યમાં ઘણા બધા પ્રવાહો આવ્યા.ઇ.સ.૧૯૮૫ ની આસપાસ સુરેશ જોષીની વિચારધારાનો સૂરજ મધ્યાહને હતો તે સમય દરમિયાન ઘટનાહ્રાસ કે ઘટના વિષયક ચર્ચાપૂરજોશમાં હતી.તે વખતે ‘ચાંદની’(સામયિક) એ દલિત સાહિત્ય હોવું જોઈએ કે નહીં?તેની ચર્ચા ચલાવી અને પરિણામે રંગદ્વાર પ્રકાશને ‘ગુજરાતી દલિત વાર્તા’ નામનું દલિત વાર્તાનું પુસ્તક પ્રકાશિત કર્યું.ગુજરાતી વાર્તાના પ્રભાવે ગુજરાતી વાર્તાને સુરેશ જોશીથી છૂટા થવાનો માર્ગ મોકળો થયો.વાર્તાને તેનો પરંપરીતાનો વેશ,તળપદ પ્રદેશ પાછો મળ્યો.દલિત વાર્તામાં નારીવાદ ગ્રામ્યપ્રદેશનું આલેખન કરતી વાર્તાઓ લખાવા માંડી ગુજરાતી દલિત વાર્તાઓનું પ્રકાશન થયું ત્યારે આપણને એક સાથે પંદર વાર્તાકાર મળે છે.જેમાં ‘વિલોપન’(૨૦૦૧) વાર્તાસંગ્રહ લઈને ભી.ન.વણકર ઉપસ્થિત થાય છે.[૧] ભી.ન.વણકર વાર્તા કેફિયતમાં જણાવે છે, “કણસતા યુવાનના મૃતાત્માની સમસંવેદના એ મને કલમ પકડાવી ‘વિલોપન’ વાર્તા લખવા. આ મારી પ્રથમ દલિત વાર્તા ‘ચાંદની’(૧૯૮૬) મા પ્રગટ થઈ.[૨]
ભી.ન.વણકર દલિતસાહિત્યમાં પ્રથમ હરોળનું સ્થાન ધરાવે છે. તેઓએ સાહિત્યક્ષેત્રે કવિતા, સંપાદન, વિવેચન, જીવનચરિત્ર અને વાર્તાક્ષેત્રે ઊંડાણપૂર્વક ખેડાણ કર્યું છે. ઇ.સ.૨૦૦૧ મા ‘વિલોપન’ નામે પ્રથમ દલિત વાર્તાસંગ્રહ અર્પણ કરે છે અને ઇ.સ.૨૦૧૯ માં ‘અંતરાલ’ નામે બીજા વાર્તાસંગ્રહ પ્રદાન કરે છે. ‘વિલોપન’ વાર્તાસંગ્રહ માં ચૌદ વાર્તાઓ છે અને તેના કેન્દ્રમાં દલિતજીવનમાં જોવા મળતી સમસ્યાઓનું વર્ણન કરવામાં આવ્યું છે.અહીં તે પૈકીની ‘વંટોળ’ વાર્તાને તપાસવાનો અભિગમ રાખેલ છે.
‘વંટોળ’ વાર્તામાં વાર્તાનાયિકા જીવલીનો પોતાને ઉચ્ચવર્ણ તરીકે ઓળખાવનાર સમાજ સામેના પ્રતિકારની વાર્તા છે.વગડાને ચાહતી જીવલી ખરા બપોરે પણ આંબાવાડિયું સાચવીને આનંદ માણે છે.એકલા વગડે રહેવા ઘણું સાવચેત રહેવું પડે “કઠણ કાળજાની છે હાંકે...? ચેતીને રહેજે બૂન’(પૃ-૧૨૭) રામી કાકીએ કહેલ શબ્દો એને ફતેસંગ જેવા લોકોથી પોતાની જાતને બચાવવાની છે.એનું મનોજગત ચંચળ છે વિચરતી જાતિના લોકોનું આગમન અને પછી ચાલ્યા જવું.આ વર્ષના સંદર્ભે વિચારે છે.આ વરસે વિચરતી જાતિના લોકો આવ્યા નથી તેનો વલવલાટ છે તો સાથોસાથ જીવલીમાં ખુમારી પણ છે.મુજિયા ઊંટ પાસે આંબો ખવડાવે તો ધડમ કરતી ધમકાવતી બોલી પડે છે. “આઘો રાખ તારો બોતડો,હાલી છૂટ્યો છે,” (પૃ-૧૨૮) “બંદૂકડી જોઈ,કાંઇ ડરી નહીં જાઉં,હાલતો થા...! (પૃ-૧૨૮) એનું નિર્દોષપણું અને વગડાનું ઉનાળારૂપે ઉગવું એ મનભરીને મ્હાલે છે.જીવલી શંભૂડાના બોર પર પાણી પીવા જાય છે ને શંભૂડો તેની લાજ લેવ પ્રયત્ન કરે છે.શંભૂડા ને પછાડી તેને ભગાડે છે,ત્યાં પાછો પેલો ફતેસંગ આવે છે,ને જીવલી એ કૂવો અભડાવ્યાની વાત ગામમાં ફેલાવે છે.જીવલી બચી તો જાય છે.તેના મનમાં પ્રશ્નો ઊભા થાય છે, “શું વરુઓના તાબે થઈ જાઉં ?” નો પ્રશ્નાર્થ મુક્તી જીવલી વંટોળ બનીને સળગેલા પોતાનાં વાસ તરફ દાંત કચકચાવીને દોડે છે,સાથે તેનો પ્રતિકાર એક દલિત નારીનો પોતાની ઇજ્જત માટે ? ખૂંખાર વરુઓ સામે બાથ ભીડતી જીવલી દલિત સાહિત્યનું એક આગવું પાત્ર છે. ‘મેલી મથરાવટી’ (રાઘવજી માઘડ) ની નાયિકા ગંગાની જેમ પોતાનું સમર્પણ કરતી નથી પરંતુ રણચંડી બનીને વાસનાના વરુઓ તથા શોષણખોરો સામે બાથભીડે છે.
‘વંટોળ’ વાર્તા વિશે ડૉ.અજિત ઠાકોર પોતાનું મંતવ્ય આપતા જણાવે છે કે, ‘વંટોળ’ (ભી.ન.વણકર) ફતેસંગ-શંકરીયા જેવા સવર્ણોની હવસખોરીનો મુકાબલો કરતી દલિત કન્યા જીવલીના વૈયક્તિક સંઘર્ષનો સામાજિક સંઘર્ષમાં થતો વિસ્તાર સૂચવે છે. ‘વંટોળ’ શીર્ષક અને અનેક સંકેતો પ્રકટાવે.પ્રકૃતિમાં વગડે ઊઠતો વંટોળ તો ખરો જ જીવલીને જોતા ફતેસંગ-શંકરિયામાં ઊઠતો વાસનાનો વંટોળ, જીવલીમાં આ હવસખોરો સામે ઊઠતો ક્રોધનો વંટોળ, સવર્ણોની દલિત છોકરડીએ કરેલા અપમાનથી ઊઠતો વેરનો વંટોળ અને હરિજનવાસમાં આગ લગાડીએ ઘટનાથી જીવલીમાં ઊઠતો પ્રતિશોધનો વંટોળ-એમ અનેક સ્તરે અનેક ભાવો-ઘટનાઓનો વ્યંજક-સંપ્રેરક બની સમૃદ્ધ પ્રતીકાત્મકતા ધારે છે.અહીં.સીમ-વગડાના નાના નાના સાંકેતક બન્યા છે.વાર્તાન્તે વંટોળમાં ભળી જતી જીવલીમાં અસુરોને હણવા પ્રકટતી ચંડીનો આછો સંકેત છે.[૩]
‘વંટોળ’ વાર્તામાં વાર્તાનાયિકા જીવલી ઉપર શંભૂડો તથા ફતેસંગ શારીરિક શોષણ અથવા બળાત્કાર કરવાનું વિચારે છે.પરંતુ જીવલીની નીડરતા અને તેનું સાહસ જોઈને તેઓ ભાગે છે.જોસેફ મેકવાનની ‘દરિયા’ ની નાયિકા ‘દરિયા’ જેવું સાહસ અને જોમ જીવલીમાં છે. તેનો પડકાર સાંભળીને મગલો પણ ભાગી જાય છે.
જીવલી જાણે મગલાને સંભાળવતી હોય તેમ કાચબા ને પગની ઠેસ મારી,ચત્તો કરી બોલી, “ ભાગી જ,જલ્દી, નહીં તો...તારી દશા ભૂંડી સમજજે ! પકડીને સામા પહાણ ઉપર પટકીશ,જા જતો રહે,કદીએ આ વાડે ચડતો નહીં પાછો-જીવતો જવા દઉં છું આજે તો...”(પૃ-૧૨૯)
અહીં જીવલી પોતાના શીલને સાચવતી તથા વાર્તાના અંત સુધી પાત્રની ગરિમાને જાળવે છે.જે વ્યક્તિ કૂવાનું પાણી પીવાથી અભડાય,મંદિરમાં જતા મંદિર અભડાય,પડછાયો પડવાથી પણ કહેવાતા સવર્ણ દલિતોથી અભડાય છે તો દલિત સ્ત્રીઓ સાથે શારીરિક છેડછાડ કરતાં કે તેમનું શોષણ કરતાં કેમ અભડાતા નથી? ‘રખોપાના સાપ’ ની નાયિકાનો બળાત્કાર થાય છે ને તેના પતિને ઊંચેથી બીડી અપાય છે! શોષણ ના પ્રશ્નો સદીયો પુરાણા છે ફક્ત તેના સ્વરૂપમાં બદલાવ આવ્યો છે.શોષણ સામે બળવો અથવા વિરોધ કરે ત્યારે તેમના ઘર સળગાવવા કે તેમને હાનિ પહોંચાડવામાં કહેવાતા સવર્ણો આજે પણ પાછા પડે તેમ નથી.
‘વંટોળ’ ની નાયિકા જીવલીએ દલિત સાહિત્ય જગતનું નિરાળુ, નીડર અને શોષણ સામે વિરોધ કરતું નારીપાત્ર છે.જ્યારે જીવલીના સમાજના લોકો શોષણ સામે પ્રતિકાર નથી કરતાં ત્યારે જીવલી જે તરફ આગનો ધૂમાડો નીકળ્યો છે તેને ઠારવા માટે નીકળી પડે છે.
“એટલે શું વરુઓના તાબે થઈ જાઉં ?... ગરીબ છું અછૂત છું ને અબળા છું એટલે-કોઈના પગ નીચે પીસાઈ નહીં જાઉં ! હમજ્યા ! તમતમારે જાઓ,જીવતર લાજે એવું જીવવા કરતાં તો હું લડી લઇશ.” (પૃ-૧૩૩)
અહીં જીવલી કોઈપણ સંજોગોમાં પોતાનું શોષણ થવા દેવા ઇચ્છતી નથી.તે શોષણ નો પ્રતિકાર કરવા માટે પણ તૈયાર છે.જો કોઈ તેની સાથે નહીં હોય તો પણ તે એકલી પોતાના ‘સ્વ’ ના રક્ષણ માટે અંત સુધી લડશે.જીવલી પોતાના સ્વમાનને કોઈ જ પ્રકારની હાનિ કે કલંક પહોંચાડવા ઇચ્છતી નથી.આમ,જીવલી એક નીડર અને સશક્ત નારી તરીકે દેદિપ્યમાન દેખાય છે. તેના પાત્ર દ્વારા નારીગરિમાનો વળાંક પણ થતો હોય તેવું સૂચન છે.
‘વંટોળ’ ઉત્તર ગુજરાતની તળપદી બોલીમાં લખાયેલી વાર્તા છે. સર્જક ગ્રામીણ પરિવેશને ઉજાગર કરવામાં સફળ રહ્યા છે.ઉત્તર ગુજરાતની બોલીના તળપદા શબ્દો,કહેવતો, રૂઢિપ્રયોગો, સંવાદ વગેરે સર્જકની ભાષા ઉપરની પકડને અભિવ્યક્તે છે.વાર્તામાં નારીપાત્રને કેન્દ્રમાં રાખીને વાર્તા રજૂ થતા નારીની શક્તિ તથા તેના સ્વમાન માટે ઝઝૂમતી નારીને દર્શાવવામાં સર્જક સફળ રહ્યા છે,આના પરિણામ સ્વરૂપે જ હિન્દી અનુવાદ ‘બવંડર’(અનુ.ઉર્મિણ વિશ્વકર્મા) ‘યુદ્ધરત આમ આદમી (સંપા,રમણિકા ગુપ્તા,ડૉ,ફુલચંદ ગુપ્તા) માં પ્રગટ થઈ જે રમણિકા ગુપ્તા સંપાદિત ‘ગુજરાતી સાહિત્ય મેં દલિત કલમ’ માં ગ્રંથસ્થ થઈ છે.
આમ, ‘વંટોળ’ વાર્તાએ સામાજિક શોષણ,અત્યાચારો,શારીરિક અને માનસિક શોષણ સામે નારી દ્વારા થયેલ વિરોધ એ સમાજલક્ષી ક્રાંતિનું ઉદાહરણ બની રહી છે.
સંદર્ભસૂચિ-
પરમાર અરુણકુમાર કનુભાઈ, રિસર્ચ સ્કૉલર, ભાષા સાહિત્ય ભવન,ગુજરાત યુનિવર્સિટી. arunkumarparmar7500@gmail.com