મનખાની મીરાંત : ’એક નારી વેદનાની સંઘર્ષ કથા’
મારા આ લેખમાં જે નવલકથાની વાત કરી છે તે ‘મનખાની મિરાત’ જોસેફ મેકવાનની આ નવલકથા ઈ.સ. 1992 માં મળે છે. આ કથા જાનપદી નવલકથા છે. તો આપણે એની થોડી વાત કરીએ કે ગુજરાતી સાહિત્યમાં છેક ઈ.સ. ૧૯૪૦ પછીના સમયથી આપણે ત્યાં જાનપદી નવલકથાઓ લખાવાની શરૂ થઈ છે. જેમાં જે તે પ્રદેશ, તેના પાત્રો, ભાષા, સમાજ, જીવનશૈલી વગેરેનું નિરૂપણ થાય છે. એમ જ આ નવલકથામાં ચરોતર પ્રદેશમાં એક ગામડાની હાથ છે. ખ્રિસ્તી વણકર સમાજના પાત્રો છે. જેઓ ખેતી અને ખેતમજૂરી કરીને જીવન ગુજારે છે. તેમના જીવનના વિવિધ રંગો જેવા કે રીત - રિવાજો, પ્રસંગો, પંચ, પ્રચંડ માન્યતાઓ, કાવાદાવા, જીવનના વિવિધ પાસાંનું ભાતીગળ ચિત્ર અહીં રજૂ થયું છે.
આ નવલકથાનું પોત જોઈએ તો 350 પૃષ્ઠમાં વિસ્તરેલી છે. તેમાં ગુજરાતના ગ્રામસમાજની એક સ્ત્રી એટલે કે ગુણી ‘ઉર્ફે ગુણવંતી’ના જીવનની કથા છે. તેમાં ગુણીના ભાગ્યમાં સુખ કરતાં દુઃખ વધારે છે. “માણસને પોતાના જ કહી શકાય તેવાં જ માણસો કેટલી હદ સુધી દુઃખ આપે છે.” તેની આ વ્યથાકથા છે અને એક સજ્જન સ્ત્રી કેટલું દુઃખ સહન કરી શકે છે. તેની આ ગૌરવ ગાથા છે. અનેક દુર્જુનના કુકર્મોની વચ્ચે પણ પોતાના ગુણોને જાળવી રાખતી ગુણીની આ ગૌરવ - ગાથા છે. એક મનખાની મિરાત છે.
આ નવલકથામાંથી પસાર થઈએ ત્યારે આપણને બંગાળી સર્જક કમલદાસની ‘અમૃતસ્ય પુત્રી’ નવલકથા અચુક યાદ આવી જાય છે. તેમાં પણ પાત્ર મુંગા મોઢે સહન કરતા જોવા મળે છે. તો બીજી ક્ષણે ઉમાશંકર જોશીના એકાંકી સંગ્રહ ‘સાપના ભારા’ના સ્ત્રી પાત્રો આપણી નજર સામે ટોળે વળે છે. સમાજ અને તેની વિષમ વ્યવસ્થા એક સ્ત્રીને કેટલી હદે દુઃખી કરી શકે છે. તે વાતની સાક્ષી આ કથા પૂરે છે. વીસમી સદીના છેલ્લા દાયકામાં લખાયેલી આ નવલકથા અને આજે એકવીસમી સદીના પ્રથમ દાયકાના ઉત્તરાર્ધ ભાગમાં જગતમાં ભારતમાં ગુજરાતમાં સ્ત્રી ક્યાં છે ? એની સ્થિતી શું છે ?
સરકારશ્રી અને સેવાભાવી સંસ્થાઓના સ્ત્રી અને એની પ્રગતિના આંકડાઓ ભલે ગમે તેવા મોટા હોય પણ વાસ્તવિક ચિત્ર કંઈક જુદુ જ છે. એ વાતમાં કોઈ જ મીનમેખ નથી. એ સમજવા એના ગર્ભ અને સત્ય સુધી જવું જ રહ્યું.
આ નવલકથાનું મુખ્ય પાત્ર એવી ગુણી, કોઈ વાતે લાચાર ન હતી. અલબત્ સર્વરીતે સર્વગુણ સંપન્ન હતી. ન્યાયપ્રિય સત્યસાધક અને શોધક હતી. બીજાના દુઃખે દુઃખી થનારી પરગજુ બાઈ હતી. તે અપકારનો બદલો ઉપકારથી જ આપતી હતી. સમાજના સામાન્ય સ્ત્રી પાત્રો કરતાં જુદુ જ પડતું આ સ્ત્રી પાત્ર છે. હું તો એટલા સુધી કહીશ કે ગુજરાતી નવલકથામાં આવું પાત્ર મળવું પણ મુશ્કેલ છે. નથી તો એ સમાજસુધારક નથી ભણેલી ગણેલી ક્રાન્તિકારી બાઈ માત્ર અને માત્ર ‘અસ્તરી’નો અવતાર છે. સહનશીલતાની મૂર્તિ જેવી આ ગુણી છે.
ગુણની ભંડારસમી ગુણની આ કથા છે. એટલી જ આ વેદનાની પણ કથા છે. ગુજરાતના ચરોતર પ્રદેશના એક ગામડાના ખ્રિસ્તી દલિત સમાજની આ કથા છે. ગુણી આ કથાનું મુખ્ય પાત્ર છે. એના અનેક ગુણ છે અવગુણ માત્ર એટલે કે તે કોઈનું બુરુ કરતી નથી કે થવા દેતી નથી. અને એ તેને માન્ય નથી. આ અવગુણના કારણે તેને જીવનભર સહન કરવાનું પણ આવે છે. એ બાબતે પડેલાં દુઃખોની વણઝાર એટલે જ આ નવલકથા ‘મનખાની મિરાત’.
ગુણીના બાળવિવાહ થયેલા હતા. પણ એના આ ‘બહેરી’ (બેય બાજુનું રાખનારી) એવા સ્વભાવના કારણે તે વિવાહ ફોક થયા પછી મિશનરીની શાળામાં ભણવા મુકવામાં આવે છે. ત્યાં અન્ય છોકરીઓની લીલાઓ જોતાં તે ગૃહમાતાને જણાવી દે છે. અને તે છોકરીઓને છાત્રાલયમાંથી કાઢી મુકવામાં આવે છે. અને ગુણીને રસોડામંત્રી બનાવે છે. ત્યાં ગૃહમાતાના કૌભાડો જોતાં એ તેના ઉપરી અધિકારીને જણાવે છે. એટલે ગૃહમાતાને પણ નોકરી ઉપરથી કાઢી મુકવામાં આવે છે અને તે અધિકારીઓ પણ ગુણીથી ડરે છે. પણ ગુણીને જ છાત્રાલયમાંથી કાઢી મૂકવામાં આવે છે. ઘેર આવ્યા પછી ગુણીનું સગપણ થાય એ હેતુથી તેની ફોઈ તેના ગામ લઈ જાય છે. જ્યાં તેના દિયરના દિકરા અમરત સાથે લગ્ન કરાવવા ધારે છે બંનેની મુલાકાત થાય છે. પરીચય અને મનમેળ પણ થાય છે ત્યાં જ એ અમરતની ભાભી અને ગુણીના ફુઆ વચ્ચે ના ખરાબ સબંધોની જાણ ગુણી તેના ફોઈને કહી દે છે અને ફોઈ - ફુઆ વચ્ચે ઝઘડો થાય છે. અંતે ગુણીને તેના ગામ મોકલી દેવામાં આવે છે. ઘેર આવ્યા પછી થોડા જ દિવસમાં તેના બાપનું મૃત્યુ થાય છે. તેનો લાભ લઈને તેનો મામો અજો આણંદિયો તેના વિધૂર જમાઈ કે જે બે બાળકોનો બાપ હતો. તેવા કશના દાના સાથે રૂપિયાનો સોદો કરીને વળાવી દે છે. એમ ગુણીનું આ કજોડું થાય છે. સોદાના બાકી નિકળતા પૈસા લેવા ગુણીનો મામો આવે છે. રાતે દારૂ પીને સસરો જમાઈ લડે છે ત્યાં અજો આણંદિયો તેના જમાઈ કશનાનું ગળું દબાવી મારી નાખી ભાગી જાય છે. તેના થોડા સમય પછી ગુણીને ખબર પડે છે કે તે કશના ના બાળકની મા બનવાની છે. એટલે તે અનિચ્છીત ગર્ભ પાડી દેવા દેશી દવા કરે છે. ગર્ભ પડતો નથી અને આવનાર બાળક અંધ બની જાય છે. જન્મે છે તે ‘ગુણવંત’ ગુણી, તેને ખૂબ દુઃખ વેઠીને પણ ભણાવે છે.
આ બાજુ મૃત પત્નીનાં બે બાળકો શીવો અને સારાને પોતાના જ બાળકોની જેમ પ્રેમ આપીને મોટા કરે છે. પણ તેઓ તો ગુણીને દુઃખી જ કર્યા કરે છે. અનેક વાર ઘર્ષણ થાય છે. અંતે યુવાન થતા સારાનાં લગ્ન લેવાય છે. લગ્નની પૂર્વસંધ્યાએ શીવો લગ્ન માટેના દાગીના અને રૂપિયા લઈને ભાગી જાય છે. ત્યારે ગુણી પોતાના દાગીના અને વ્યાજે રૂપિયા લાવીને સારાને વળાવે છે. ચોરી કરીને શીવો ભાગી ગયો છે. એટલે એ ઘર અને જમીન સાચવવા ગુણી સારાના પતિ કાનજીને ઘરજમાઈ રાખે છે. પણ ત્યાં તે ગામના યુવાનો ભગલો અને બહેચર તેને બગાડે છે. દારૂ અને અન્ય વ્યસનોની લતે ચડાવે છે. સારા મા બને છે. તે સમાજના રીવાજ મુજબ સીમંત અને પ્રસુતી કરવા સાસરીમાં જાય છે. આ ગાળામાં ગુણી અને કાનજી એકલાં હોય છે. એકવાર દારૂપીને બેભાગ બનેલો કાનજી ગુણી ઉપર બળાત્કાર ગુજારે છે. અને પોતાના ગામ ભાગી જાય છે. પોતાની અને કાનજીની આબરૂ ન જાય અને સારાનું ઘર ન બગડે એટલા માટે ગુણી આ વાત જાહેર કરતી નથી. પણ વિચારે છે થોડા સમય પછી ક્યાંક દૂર ભાગી જઈ આત્મહત્યા કરી લઉં. એમ થોડા દિવસ પછી ગામ છોડી ચાલી જાય છે. દૂર દૂરના કોઈ શહેર પાસેથી રેલવે લાઈન પાસે ગાડીમાં પડી આત્મહત્યા કરી દેવા ધારે છે, ત્યાં પોલીસવાળો પેલો અમરત ત્યાં આવી જાય છે તેનો પરિચય થાય છે તે તેને બચાવે છે. અને મુંબઇ અસ્થાશ્રમમાં મુકી આવે છે. અમરત તેના સંપર્કમાં રહે છે.
આ બાજુ બેચર અને બગલાના સંપર્કથી શીવો ગામમાં આવીને તેની મિલકત વેચી શહેરમાં જતો રહેવાનો વિચાર કરે છે. આ બધું પતતા જે સમય થાય છે તે ગાળામાં ગુણી એક છોકરીનો જન્મ આપીને તેને અનાથાશ્રમમાં છોડી ઘેર આવી જાય છે. અમરતના સહકારથી બધી મિલકત પાછી મેળવીને તે અનાથાશ્રમમાં આપીને પોતે અમરતની સાથે ચાલી જાય છે. ત્યાં કથાનો અંત આવે છે.
મારી દષ્ટિી આ નવલકથાનું બીજી એક મહત્વનું પાસુ એની ધળી ધીંગી લોકભોગ્ય પાંગરીને બળકટ બનેલી અને સાચુકલી લોકબાની છે, લેખકની પોતાની એ બાની છે, એટલે તેઓ તેની પાસેથી ધાર્યું કામ લઇ શક્યા છે. કહોને પ્રેમાનંદની જેમ તાક્યું તીર માર્યું છે, આ સમાજના કેટલાક ખાસ શબ્દ પ્રયોગોનો તેમણે ઉપયોગ કર્યો છે. જેવા કે અન્નાચક્કર, આલાટૂલું, નવાંશ, નહકણ, કાઢવણું, બેહરી, અડદાવેર વગેરે એની પુરી અર્થગંભીરતા સાથે અહીં રજૂ થયા છે. આ ગ્રામજીવનના સર્જકને સૂઝે એવાં વાક્યો છે. ચેણાની ગાંહડીની પેઢે આપોય છૂટી પડે એવો’, થોરિયા ના ભારેટિયા સમો હબદો, (પૃ.223) “કાંટાળો થોર દેહ ઉપર પડે અને જે ડંખ સણકે એ જ પેરે ગુણીની કાયામાં કણેકણ કણસી ઉઠ્યો’ (પૃ.147) આમ, નખશીખ, સુંદર અને સાદાંની વાક્યો અને ઉપમાઓ પણ આ નવલકથાની શૈલીના આકર્ષણમાં વધારો કરે છે. ’ઢોળી નાંખશે પણ તનતો પીવા નઈ જ દેવ !’ (પૃ.279), ’આપણે અસ્ત્રીનો અવતાર ! ડગલને પગલે આપણી હાર તો દવના દરિયા જ લખ્યા છ !’ (પૃ. 17) વગેરે જેવાં વ્યંજના ગર્ભ વાક્યો જાણે કે સમગ્ર નવલકથાનો મર્મ કહી દેતા હોય તેમ આપણા મન મગજમાં રહી જાય છે.
અહીં આપણે શું છે માત્ર કલાને ખાતર કલા નહી, પણ જીવન ખાતર કલાનો આદર્શ રાખવામાં આવ્યો છે. લેખક આ નવલકથા દ્વારા શું કહેવા માગે છે. એવો પ્રશ્ન થાય ડગલને પગલે જાણ્યે અજાણ્યે પોતાની કે પારકી ભૂલનો ભોગ બનતી ગુણી, જેવી અરાહાય નારીઓને માટે સિસ્ટર, ગેરન્ટ્રડના આ શબ્દો કેવું મહામૂલું અને ભારે જીવનપાથેય બની શકવાની શક્યતા ધરાવે છે. “આપણી ચિંતાઓ એકવાર ભગવાનને સમર્પિ દઈએ એ પછી એ જો એ જ ચિંતાનો બોજ ખભે લઈને ફરીએ તો એ પરમપિતા પ્રત્યેનો ઘોર, અવિશ્વાસ કહેવા” તો બીજું એક વાક્ય અહીં યાદ કરીએ તો “ક્યારેક દશેય દિશાએ તાળાં નથી વસાઈ જતાં એકાદતો દિશા ઉઘાડી રાખે જ છે !” અને એ જ આ નવલકથાનું મોંઘું પાસું છે.
પાને પાને માનવતાની મોંઘી મિરાતનાં દર્શન કરાવતી અને આશાવાદનો સંચાર કરાવતી. આ નવલકથા રસપૂર્ણ કલાપૂર્ણ અને બોધપૂર્ણ છે. વળી ઘણી બધી રીતે આ નવલકથા એની લેખનરીતિ શૈલીની રીતે પણ નોંખી - અનોખી બની રહે છે. વાર્તા વિના નવલકથા લખો એવું કહેનારાઓ પણ કૃતિનો આદર કરે છે. અને કલાતત્ત્વનો આગ્રહ રાખનારાઓ માટે પણ માનપ્રેરે એવી આ કૃતિ છે.
આ નવલકથામાં પાત્રોમાં આંતર સબંધો કરતાં જાતિગત (સેક્યુઅલ) સબંધો વધારે દેખાય છે. એક સમાજ વિશેષનો સંસાર આ નવલકથામાં પોતાની રીતે રજૂ થયો છે.
એટલે કે જોસેફભાઈને વિવેચકોએ જીવાતા જીવનમાં સર્જક કહ્યા છે. એ વાત અહીં રજૂ થાય છે. નવલકથાને આજે એવું કલાતત્ત્વ રજૂ થાય છે. પાત્રોના આંતરબાહ્ય આયામો મનોવિશ્લેષણાત્મક રીતે રજૂ થયાં છે. આમ નખશીખ સુંદર નવલકથા બની છે.
(“મનખાની મિરાત’ જોસેફ મેકવાન, પ્ર. આર.આર.સેઠની કંપની ,પૃ.આ.ઈ.સ. ૧૯૯૨)
ડૉ. અમૃત પરમાર, ગુજરાતી વિભાગ, એચ. કે. આર્ટ્સ કૉલેજ, અમદાવાદ