રઘુવીર ચૌધરીની “ગેરસમજ” માં વ્યક્તિગત સંવેદનાઓ
રઘુવીર ચૌધરીનું નવલિકાક્ષેત્રે પણ પ્રદાન વિશિષ્ટ રહ્યું છે. તેમણે ગામડાના ભાતિગળ સમાજને આલેખી પોતાનું જ ચરિત્ર વાર્તામાં નિરૂપિત કર્યું છે. તેમાં ગ્રામજનો, પ્રસંગો, રિવાજ, રૂઢિ, રહેણીકરણી, લગ્નો, તહેવારોને આવરી લઈ ઊડીને આંખે વળગે તેથી વાર્તાઓની રજૂઆત કરી છે. તેમના વાર્તાસંગ્રહો જોઈએ તો આ પ્રમાણે છે. ‘આકસ્મિક સ્પર્શ’ (1966), ‘બહાર કોઈ છે’ (1977), ‘નંદીઘર’ (1977), ‘રઘુવીર ચૌધરીની શ્રેષ્ઠવાર્તાઓ (1985), ‘અતિથિગૃહ’ (1988), વિરહિણી ગણિકા અને અન્ય કથાઓ’ (1999), ‘દશ નારી ચરિત’ (2000), ‘મંદિરની પછીત’ (2001), ‘સાંજનો છાયો’ (2004) ‘જિંદગી જુગાર છે’ (2005), ‘પ્રાણ પ્રતિષ્ઠા’ (2005) આદિ વાર્તાસંગ્રહો મળે છે. તેમનું વાર્તાક્ષેત્રે ઉમદા પ્રદાન રહ્યું છે. વાર્તાકાર તરીકે રઘુવીર ચૌધરીનું કાર્ય પ્રંશસનીય રહ્યું છે. તેમની વાર્તાઓમાં પાત્રો, વસ્તુ, વાતાવરણ, ભાષા આદિને વંત બનાવવાનો રઘુવીર ચૌધરીનો આ પ્રયાસ સફળ બન્યો છે.
રધુવીર ચૌધરીના ‘ગેરસમજ’ વાર્તાસંગ્રહને ગુજરાત સરકાર તરફથી 1968નો પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. આ સંગ્રહની પહેલી વાર્તા ‘યાદ કરેલો પ્રસંગ’ માં નિરૂપાયેલો આ ઉદ્દગાર “આજ તે કયાં હશે? અલબત્ત તે ત્યાં તો છે જ, ઝાકળ ભરેલા ધુમ્મસથી વધારે નિર્મળ ધુમ્મસની વચ્ચે રમતા ઈન્દ્રધનુષની સાથે વહેતા તેજ જેવા પ્રવાહની વચ્ચે ....” વગેરેમાં જે કાવ્ય નિષ્પન્ન થાય છે. તે આ નિર્થકતાની વચ્ચે પ્રાપ્ત થવાની સાર્થકતા છે. તેમાં મિત્રોની વાતચીતમાં વાર્તા ઊભી કરવાની ‘મહેફિલફસાને’ ની જુની પાઠક પદ્દિવ્ત દેખાય છે. છતાં સમગ્ર અભિગમ અદ્યતન છે. ઘટના ઓછી છે. ચબરાકિયા ટિપ્પણો વિશેષ છે જે વાર્તારસ ઘડવામાં ફાળો આપે છે ને સાંભળવાની હાજરીનું ભાન છે. પાત્રોમાં કેટલીક વાર ઊર્મિલતાનો તો ઘણીવાર બૌધ્વિક પ્રભાવ લાગે. પરંતુ સરવાળે બુધ્વિએ ઊભી કરેલી બૌધ્વિક ઊર્મિલતા વર્તાય છે અને ચિંતન કે જન્મજાત બેવકૂફી માટે સૂક્ષ્મ બુધ્વિની જરૂર પડે જે એમને લેખક તરફથી મળી રહે છે.
નવી રીતે જુની ઢબની ઘટના પ્રવાસે ગયેલી કોલેજ કન્યાની મંડળીમાં એકલો ગયેલો વાર્તાનો પુરૂષ નાયક થોડી નફ્ફટાઈ કરીને નિર્દોષ ભાવે જોડાય છે. પરંતુ એ અર્વાચીનાઓને પુરુષ માત્રને નિર્દોષ માનવામાં રસ નથી હોતો એની સાથે ટીખણને નામે અપમાનજનક વ્યવહાર કરવામાં આવે છે. નાયકનું પૌરુષ ઉછળતું નથી. એનું સ્વમાન ઉકળતું નથી. પાણીના પ્રવાહમાં ફસાઈ જતી છોકરીને નાયક બચાવતો નથી. પથ્થરોના અવરોધથી એ બચી જાય છે. ઉપકાર અને ટીખણ પછી પ્રેમના પ્રવાહમાં વાર્તા નથી ઘસડાતી જતી, એટલા પૂરતી વાર્તા જુના જેવી નથી. આખા બનાવનું નિરર્થકપણું લેખકે વાર્તા પૂરતું નિરર્થક નથી રહેવા દીધું. ઘટનાના સંદર્ભથી રોમેન્ટિક લાગતા એ કાવ્ય સુધી પોહોંચતા માનો વ્યાપાર ને લેખકે નિરૂપ્યો છે. 'આજે એ ક્યાં હશે?' અલબત્ત જે કાવ્ય નીતર્યું છે તે નિર્થકતા વચ્ચેની સાર્થકતા છે? ‘ગેરસમજ’ ની નવલિકાઓની ઘણી નવલિકાઓ નિરર્થક લાગતી ઘટનાઓમાંથી આવી સાર્થકતા તારવવા તરફ લેખકનું વલણ રહ્યું છે. આજ સુધીની વાર્તાઓમાંથી વાર્તા ઉપરાંત આવું ઘણું આપણે વાર્તાઓમાંથી મેળવીએ છીએ. જે ઘણા માણસોને ગમતું હોય છે. નવીનતા અદ્યતનતા, વિચિત્રતાના બદલે આ લેખક માર્ગમાં ખાડાટેકરા, પથરા કાંટાની વૃથા – અકડામણ યોજે છે. સર્જક કોઈ જુદા જ દ્રષ્ટિકોણથી વાસ્તવિકતામાં રહેલી અતિશયોક્તિને આલેખે છે. તે ગદ્યમાં કાવ્ય ગોઠવવાનું પણ જાણ છે.
બીજી, ત્રીજી કે અન્ય વાર્તાઓની રામાયણ આથી કંઈ અલગ નથી. સમય બદલાય, સમજ બદલાય, રીત બદલાય, બધુ બદલાય તે હરકોઈને ગમે પરંતુ જે બદલાય છે. જે બદલાય છે તે ગમતું પણ જોઈએ, એક જમાનામાં ઘટનાની ચમત્કૃતિ વાર્તાસંગ્રહમાં મહત્વનો ભાગ ભજવતી, આજના નવીનોની વાર્તામાં વિચિત્રતાએ એ કામ ઉપાડી લીધું છે. જાણે કે વિચિત્રતા ઊભી કરવાની હરિફાઈ ચાલે છે. આ વિચિત્રતા વ્યક્તિની હોય, ઉક્તિની હોય, ઘટનાની હોય, માનવમનની હોય, માનવ વર્તનની હોય ને લેખકના વિધાનની તો હોય જ. એ સત્ય પણ હોય અને કૃત્રિમ પણ હોય. એના અલેખનમાં બુધ્ધિ ના વૈભવનો આભાસ થાય પરંતુ હોય માત્ર બુધ્ધિ ના ચકરાવા કરામત અને તરંગો. આ વિચિત્રતા જીવનમાં પણ હોઈ શકે છે. પણ ના હોય તો સારું એવી લાગણી તો થાય છે.
‘ગેરસમજ’ની વાર્તામાં આવી ‘વિચિત્રતા’ અનેક પ્રકારે જોવા મળે છે. એને પ્રગટ કરવાને માટે પાત્રોની ચર્ચાઓ અને સંવાદોની સહાય લેખકે સૌથી વિશેષ લીધી છે. વાર્તાનું લંબાણ આ ચર્ચાપ્રધાન સંવાદોને કારણે છે. ‘પાત્રો’ અથવા ‘મિત્રોની’ આખી કૃતિ સંવાદમાં છે. છતાં પણ તે એકાંકી કે નાટક તો નથી જ. લાંબી લાંબી, સમજાય ન તેવી, અર્થવિહિન લાગણી શૂન્ય અને કોઈકવાર બુધ્ધિ થી બુધ્ધિવિહીન બનાવેલી ચર્ચાઓ ચાલ્યા જ કરે છે. પરંતુ આવું ગોવર્ધનરામના પાત્રો વિશે પણ આવી ચર્ચાઓ કરતા હતા. એમની ચર્ચા નિશ્ચિત દિશા તરફની હતી. જ્યારે શૂન્યતા નથી, પરંતુ દિશાની સ્પષ્ટતાને નિશ્ચિતતા પણ નથી.
બીજી ધ્યાન ખેંચનારી વિચિત્રતા એ છે કે વાર્તાની ઘટના વિરોધ અને સંઘર્ષ ટાળી મિલન કે સંવાદ તરફ ગતિ કરવાને બદલે વિચ્છેદ ને વિસંવાદ તરફ ગતિ કરે છે. નિરર્થકતા અને શૂન્યતાના અનુભવતા લેખકે જીવનમાંથી ઊંચકેલા જીવનના નિરૂપણનું મહત્વ સમજાવતાં લેખક કહે છે ‘જીવન સાથે નિસ્બત ન ધરાવતી ઘટનાનું મહત્વ ‘વાર્તા’ માટે હશે ‘ટૂંકી વાર્તા’ માટે નથી’. (પ્રસ્તાવના)
જેવી રીતે શાળને વાર્તાઓનો આસ્વાદ જીવનમાં અશક્ય લાગે એવાં જ અદ્દભુત તત્વોને સહય ગણવાથી આસ્વાદ થતો. તેવી જ રીતે વાર્તાઓમાં આવતી વિચિત્રતાઓને સહય ગણીને જ આગળ વધી શકાય કે એનો આસ્વાદ લઈ શકાય.
આગળના યુગમાં જીવનની કરૂણતાનું આલેખન વિશેષ થતું, હવે નિરર્થકતાનું થાય છે. આ બાબત એકાદ કે વિશાળ વાચકવર્ગના સંદર્ભમાં વિચારવા જેવી છે. ‘પક્ષઘાત’, ‘યોગેશનું નામ’, ‘ગૌત્તમ નથી’, ‘ગેરહાજરી’ કે બીજી કોઈ પણ વાર્તા લઈએ તો એક આશંકા થવાની કે આ રીતે માણસો વાત કરે, જીવે એ સંભવ બને ખરું? સર્કસમાં માણસ પગ ઉંચે ને માથું અને હાથ નીચે રાખીને ચાલે છે પણ એમાં શું? વિચિત્રતાઓનું નિરૂપણ કરીને વાર્તા જ લખવી છે અને સર્જન કરવું જ છે ને? પ્રચારલક્ષી, ધર્મલક્ષી, ચિંતનલક્ષી, દર્શનલક્ષી, રસલક્ષી, રંજનલક્ષી એવાં અનેક વિશેષણો સાહિત્યકૃતિઓ માટે યોજાતાં આવ્યાં છે. આ કૃતિઓ રચનાલક્ષી છે એવું એક વિશેષણ ઉમેરવું પડે એનું એક માત્ર લક્ષ રચના કરવાનું પછી એ જીવનનું પ્રતિબિંબ પાડે કે ન પાડે. આનંદ આપે કે ન આપે, મૂલ્યો ઘડે કે ન ઘડે, રાચવું એ જ કૃતિનું પ્રયોજન એ એજ એનો અંત આપેલી ‘અનુભવથી આવાજ સુધી’ નામની પ્રસ્તાવનામાં સર્જન વ્યાપાર વિશેનું લેખકનું Laud thinking મૂલ્યવાન છે, પરંતુ ભાવકને રસ છે આસ્વાદમાં.
આજનો સર્જક સર્જનવ્યાપાર વિશે જેટલો જાગ્રત છે એટલો જ ભાવક નથી. ભાવકને અવગણવાનું વલણ છે, છતાં તેને આમંત્રણ અપાય છે. સર્જક ભાવકથી ઘડાતો નથી તો ભાવક માત્ર સર્જકથી ઘડતો નથી. સર્જક ભાવકથી અને ભાવક સર્જકથી ક્યાં સુધી અલિપ્ત રહેવાનાં છે? બંને એકબાજાની જાળમાં ફસાવા તૈયાર હોય છે. સર્જક અને ભાવકને જોડનારી કડી આનંદ આપે છે. રચનાલક્ષી બનવાના તાનમાં એ કડીને તોડી નાખે છે. વિવિધ સામગ્રીથી સજ્જ ‘ગેરસમજ’ ના વાર્તાકાર સર્જનપ્રક્રિયા ધરાવે છે. આમ, ‘ગેરસમજ’ની વાર્તાઓ અનેક વિચિત્રતાથી ભરેલી છે. ‘ગેરસમજ’ વાર્તાસંગ્રહની વિશેષતા સાથે મર્યાદા પણ છે. ‘ગેરસમજ’ સંગ્રહની મર્યાદા ઉડીને આંખે વળગે છે તેથી કથનકેન્દ્રને પણ અસર થાય છે. આ મર્યાદા એટલે નિરર્થક ચર્ચાઓ, વાર્ચા પ્રગટ કરવા લેખકે પાત્રોની ચર્ચાઓ અને સંવાદોની સહાય લીધી છે. કોઈકવાર તો બુદ્ધિપૂર્વકની બુદ્ધિહીન ચર્ચાઓ ચાલ્યા જ કરે છે.
સંદર્ભ સૂચિ :
પ્રા. અમિતા ભટ્ટ, આણંદ આર્ટસ કોલેજ, આણંદ