નોર્થ પોલ: અસ્તિત્વની સભાનતા અને જીવનની વાસ્તવિકતા વચ્ચે ઝૂલતા યુવાનની આત્મખોજની કથા
परछाईओको पकड़ने वालो-
छाती में जलती हुई आग की परछाई नहीं होती
- अमृता प्रीतम
सबसे ख़तरनाक होता है मुर्दा शांति से मर जाना
तड़पका न होना,सबकुछ सहन कर जाना
घर से निकलना काम पर
और काम से लौट कर घर आना
सबसे ख़तरनाक होता है,हमारे सपनों का मर जाना
-अवतारर्सिन्ह संघू ' पाश'
નવલકથાના પહેલાં પાને લેખક આવા બે ઉત્સાહ પ્રેરક વાક્યો મૂકી ભાવકને આકર્ષી લે છે પછી માંડ બે પાનાં વાંચીએ કે "Main iss duniya ka sabse badaa ch***ya hoon!" વાક્ય આવે. જે કોઈપણ સામન્ય વાંચકને એક ઝાટકે અંદરથી હલબલાવી નાખવા માટે આ પૂરતું છે.એક ક્ષણ તો નવલકથાને દૂર ધકેલી દેવાની પણ ઈચ્છા થાય.. એવાં ક્રાંતિકારી માનસ ધરાવતા યુવા સર્જકની આ નવલકથા છે.લેખક પોતે પ્રસ્તાવનામાં સ્પષ્ટ કરે છે કે જો તમને આ નવલકથામાં કંઈ ન લાગે તો વાંચશો જ નહીં..ફાડીને ફેંકી દેજો..આ એક એવો લેખક છે જેની અંદર કશુંક સળવળે છે જે અત્યંત આવેગભર્યું છે...કથાનો નાયક ગોપાલ પટેલ ફેસબુક જેવા સોશ્યલ મીડિયામાં તેના એકાઉન્ટમાં 'what's in your mind' ના જવાબમાં આ વાક્ય("main ISS duniya ka sabse ch***ya hoon!" મૂકી પહેલી જ નજરે વાંચકને કોઈ જુદા જ વ્યક્તિત્વ અને વાતાવરણમાં લઇ જાય છે.ગોપાલ પટેલ એક છ વીઘા જમીન ધરાવતા ખેડુ પટેલ રમેશભાઈનો દીકરો છે.જે તેની મા ના કહેવા મુજબ જ્યારે તેના ઘરે દીકરાની વાટ જોવાતી ત્યારે ચાર ચાર દિકરીઓ એક પછી એક જનમી.એ પછી (ગોપાલ) આવ્યો. 'એકનો એક પણ હજાર દીકરા જેવો...' ગોપાલની માના આ શબ્દો કથાના આરંભ મધ્ય અને અંતમાં પડઘાયા કરે છે.જે ગોપાલની આત્મખોજને વધુને વધુ તીવ્ર બનાવે છે...એન્જિનિયર ગોપાલને અનેક સવાલો મૂંઝવે છે..જેમાંથી મુખ્યત્વે જે સવાલ તરી આવે છે તે એ છે કે પોતાને કોઈ એવું કામ કરવું છે જેમાં મજા આવે..પણ તેને એ જ ખબર નથી કે તેને મજા શેમાં આવે છે.તેને લાગે છે કે પોતાને એ રીતે કોઈએ શિખામણ આપી જ નથી.'૧૨માં ધોરણમાં ૮૦ ટકા આવે એ વિદ્યાર્થી તેજસ્વી કહેવાય તેણે તો સાયન્સ જ લેવાય...' એવું કહેનારા સમાજના ડાહ્યા લોકો માટે તેને ધિક્કાર છે.. તેને લાગે છે કે પોતાનું કેરિયર બનાવવાની દોડમાં તેને તેના અંદરનો અવાજ સાંભળવા દેવાયો નથી..અને લોકોના કહેવા પ્રમાણે તેમણે લગાડેલા લેબલ પ્રમાણે તે માત્ર એક મશીન જેવો બની ગયો છે..પરિણામે તેને રાતદિવસ એક જ સવાલ પજવે છે કે પોતે મજા લઇ શકાય એવું કોઈ કામ ક્યારે કરશે અથવા પોતાને એવું કોઈ કામ ક્યારે મળશે.ગોપાલની આ મૂંઝવણ ઘણી તીવ્ર બને છે..તેને કોમન મેન નથી બનવું.તેને લાખો હજારો લોકો જે રીતે જીવે છે તે રીતે નોકરી કરી લગ્ન કરી છોકરા કરી જીવન પતાવી નથી દેવું ..તેને જુદા પડવું છે..
પોતાના જન્મદિવસે તે દારૂ પીને મિત્રો સામે ભાષણ કરે છે. જેમાં તે ઘણાં અભદ્ર શબ્દો અને વાક્યો બોલે છે..પોતાની જિંદગીની વાટ લાગી ગઈ છે એ બધું જ તે અત્યંત ક્રોધાવેશમાં વ્યક્ત કરે છે..બોલતી વેળા અલબત્ત તે નશામાં હોય છે એટલે તેને શિષ્ટ સંસ્કારી ભાષાની પરવા પણ નથી રહેતી.... કેટલાંક વાક્યો શબ્દો તો એવા પણ આ નવલકથામાં આવ્યા છે કે જેને કોઈપણ સાહિત્યપ્રેમી ચલાવી ન જ લે...પણ ગોપાલનો એ આક્રોષ જેટલો બાહ્ય રીતે વ્યક્ત થાય છે તેના કરતાં અનેકગણો અંદર વલોવાય છે... તે કહે છે કે મને એમ કહો કે દુનિયાના બે પાંચ ટકા લોકો કે જે વૈજ્ઞાનિક સંશોધક કે મેથેમેટિક્સના બાપ છે એમને બાદ કરતાં ક્યો ભાઈ પોતાના ભણતરને જીવનમાં વાપરે છે?આપડે તો મોટી કંપનીમાં ટ્રેનિંગ લઈને રોજનું કોમન કામ કરવા માણસના સ્વરૂપમાં મશીનો પેદા થયા છીએ..ક્યું અણુસૂત્ર જિંદગીમાં કામ આવશે બોલો?ઓહ્મનો નિયમ કે ન્યૂટનનો ગોખેલો પેલો આઘાત પ્રત્યાઘાત તબલો કામમાં આવે છે?ગોપાલના આ શબ્દો તેનામાં રહેલા આક્રોશને વ્યક્ત કરે છે એટલું જ નહિ પણ તેને સતત એવું લાગ્યા કરે છે કે દરેક માણસ માત્ર જીવવા ખાતર ભણે છે પરણે છે અને તેને ટકાવી રાખવા માટે નોકરી કરે છે...તેને કશુંક નવું કરવું છે અથવા કંઇક એવું જેમાં તેને આનંદ આવે...તે તેના મિત્ર વિજયને કહે છે કે મને લાગે છે કે 'લાઇફ રીપિટ થઈ રહી છે.' આપણા બધાની લાઇફમાં તે એક મોટી ભૂલ જોઇ? આપણે લોકો ક્યારેય કંફર્ટ ઝોનમાંથી બહાર નીકળીને જીવ્યા જ નથી યાર. લેટ્સ એક્સપેરીમેન્ટ વિથ ધિસ લાઇફ. અને ગોપાલ એવા તમામ કામ કરવા લાગે છે જે તેણે પહેલા ક્યારેય ન કર્યા હોય..ગોપાલની જીવન વિશેની આ વાત દરેક યુવા હૃદયને જ જાણે આહ્વાન આપતી હોય એટલી તીવ્રતમ રૂપે વ્યક્ત થાય છે..ગોપાલ એ માટે જુદી જુદી જગ્યાએ નોકરી કરે છે..હોટેલના વેઇટર કે જેની સામે દિવસભરમાં અનેક લોકો આવતા હોય.. જુદાં જુદાં વ્યક્તિત્વોવાળા આબાલવૃદ્ધ..એટલે એ નોકરીમાંથી તો તેને ઘણું જાણવા મળી શકે. પરંતુ એ બધી જગ્યાએ તેને એ વિચાર સતત આવે છે કે; 'ના, આ મારું ગમતું કામ નથી....' એ ત્યાં સુધી કે તે એક છોકરી સાથે જાતીય સુખ મેળવવા પણ પહોંચી જાય છે..પરંતુ અંતિમ ક્ષણે જ તેને માના બોલાયેલા શબ્દો યાદ આવે છે..દીકરા તું આવ્યો એકે હજાર દીકરા જેવો દીકરો..અને તે ત્યાંથી દોડીને બહાર નીકળી જાય છે...ગોપાલની આત્મખોજ તેના ગમતાં કામ માટેની તેની હોંશ તેને સતત અજંપો કરાવે છે...એન્જિનિયરનું ભણવાનું પૂરું થતાં ઘરે ગયેલો ગોપાલ મા અને બાપુજી સામે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગે છે..અને કહે છે કે મારે મારું ગમતું કામ શોધવા જવું છે .. મા અને બાપુજી તેને રજા આપે છે ..સતત આઠ વર્ષ તે તેના મા બાપુજીની નજરથી દુર રહે છે..ફોન કરતો નથી કે પત્ર પણ લખતો નથી..સંપર્ક વિહોણું જીવન જીવવા ચાલી નીકળે છે. અમદાવાદની વાટ પકડે છે.. ગોપાલે થોડા કપડાં લીધા ને છેક તળિયે કોઈને ન દેખાય તેમ સપનાંઓ મૂક્યા..ગોપાલની આ સફરમાં લોકો જોડાતા જાય છે ને તેને જીવનનું કોઈને કોઈ સત્ય કહેતાં જાય છે ..આ બસમાં એક ડોશી ચડે છે.જે અંધ છે અને તેના અંધત્વને કારણે તે જીવનથી ખુશ છે? એવું ગોપાલ પૂછે છે..તેના જવાબમાં ડોશી કહે છે; "માણહને ખુશ થવા માટે કોઈ કારણ ની જરૂર થોડી પડે.આનંદ તો આતમામાંથી જનમે અને આતમો એને ઉસેરે.એમાં માણહને રોવા થોડું બેહાય સે."...
અમદાવાદથી સીધો જ તે જૂનાગઢ ચાલ્યો જાય છે..જૂનાગઢ જઈ નાગો બાવો બની જાય છે..શરમ સંકોચ પણ છોડી દે છે..તેમછતાં તેને લાગે છે કે પોતાને સંતોષ થાય તેવું અહી કંઈ જ નથી...એક બાવો તેને કહે છે કે જે સવાલ તને જે દુનિયાએ કરાવ્યો જે દુનિયા અને દુનિયાના લોકોનો તને તિરસ્કાર આવ્યો એ જ દુનિયા અને દુનિયાના લોકોથી ભાગીને તું અહી આવ્યો...? હિમ્મત હોય તો એ લોકો સામે નાગો થા....આ કારણે તે રસ્તા પર ટ્રાફિક સિગ્નલ પર જ નગ્ન થઈને ઉભો રહીને ગાળો બોલે છે...લોકોને ધિક્કારે છે..અને ટ્રાફિક પોલીસ તેના પર દંડા ફટકારે છે..તેને ગાંડો ગણી જેલ સુધી પહોંચાડવાની પેરવી થાય છે ત્યાંજ મીરાં નામની છોકરી આવીને તેને પોતાની હોસ્પિટલનો દર્દી ગણાવી પોતાની સાથે પોતાની ઓરડીમાં લઇ જાય છે.કથા વળાંક લે છે.એક ક્ષણ તો કથા ફંટાય જતી પણ લાગે.પરંતુ લેખકની માવજત ને કારણે તેમ બનતું નથી.પણ એક મોટી વાતને સરળ રૂપ આપવા જ જાણે કથા એ રીતે વાળવામાં આવી હોય તેમ લાગે છે. મીરાં તેને કહે છે કે હું પણ તારી જેમ ધુની માણસ છું. મને પણ લોકોની જિંદગી અને જિંદગીની રીતો સામે સવાલો છે..પણ હું એ માટે નીકળી પડી છું...તારી જેમ સ્પીચ આપવા નહિ..પણ મારું ગમતું કામ કરવા.એ તો ત્યાં સુધી કહે છે કે લોકોનું ધ્યાન તારી સ્પીચ સાંભળવામાં ન્હોતું પણ તારા આ બાંબુને જોવામાં હતું... એ સાથે જ તે ગોપાલને એની નગ્નતા કેટલી પોકળ હતી તેનું ભાન કરાવે છે...મીરાં એક એવી છોકરી છે કે જે તેના ઝનૂનથી જીવે છે.જ્યારે જે વસ્તુ કરવાનું મન થાય તે એ કરે છે.જીવનનો ભરપૂર આનંદ ઉઠાવે છે.તેને કશાયનો ડર નથી... તેની આ ઝિંદાદિલી જ ગોપાલને સ્પર્શી જાય છે.મીરાં ગોપાલને કોઈ શિખામણ નથી આપતી પણ તે ગોપાલને હિમ્મત બંધાવવાનું કામ કરે છે..તેથી જ જ્યારે ગોપાલ સાથે તે દરિયે ફરવા જાય છે ત્યારે ગોપાલ આંખો બંધ કરીને બંન્ને હાથ ફેલાવી દરિયા તરફ મરવા માટે ચાલવા લાગે છે ત્યારે મીરાં કહે છે; " ખુલ્લી આંખે મર...એક તો દુનિયાથી હારીને ભાગવું છે અને પાછું આંખો બંધ કરીને મરવા પડવું છે.તાકાત હોય તો ખુલ્લી આંખે પાણીમાં પડીને મરી જા." પૃષ્ઠ.૧૦૮ નોર્થ પોલ
જૂનાગઢનો બાવો જેમ તેને પરિસ્થિતિ સામે સામી છાતીએ સંઘર્ષ કરવા પ્રેરે છે તેમજ મીરાં પણ તેને સામી છાતીએ અને ખુલ્લી આંખે સામનો કરવા પ્રેરે છે...જ્યારે માણસ ખુલ્લી આંખે પોતાની સામે આવેલ મુશ્કેલીનો સામનો કરે ત્યારે જ તે તેમાંથી બહાર નીકળી શકવાનો માર્ગ મેળવી શકે.. મીરાંનો દોરવાયો ગોપાલ જીવનને ટુંકાવી દેવા કરતાં તેનો દૃઢ મનોબળથી સામનો કરવા પ્રયત્નશીલ બને છે. મીરાંએ તેના જીવનની ધાર કાઢવામાં મહત્વની ભૂમિકા ભજવી..તેની સાથે પરણી...તેને એક બાળકીની ભેંટ આપી.અને કહેતી ગઈ કે જ્યારે હું મરું ત્યારે મારી પાછળ રડતો નહિ..ગીતો ગાજે..મીરાં અને ગોપાલની દીકરી ઈદ કેન્સરમાં મૃત્યુ પામે છે..ગોપાલ ખુદ તેને પોતાના હાથે ખાડો ખોદી તેમાં દફનાવે છે..અને થોડાજ દિવસો બાદ મીરાં પણ ગોપાલની નજર સામે ટ્રક અડફેટે મૃત્યુ પામે છે.ગોપાલ તેની કબર પણ ઈદની બરાબર બાજુમાં ખોદી તેમાં તેને દફનાવી દે છે.એક ક્ષણ તો વાંચકને પણ દ્રવિત કરી મૂકે એવું દૃશ્ય લેખક સરજે છે. ઘનઘોર જંગલ અને અંધારી રાતમાં એક બાજુ ઈદ અને બીજી બાજુ મીરાનું અડધું કપાયેલું શરીર દટાયેલાં છે..વરસાદ વરસી રહ્યો છે.ગોપાલ કબર ખોદતાં ખોદતાં શારીરિક અને માનસિક બંને રીતે થાકી જાય છે..અને મીરાંની કબર પર સુઈ જાય છે...તેના દુઃખને વ્યક્ત કરવા કે હળવું કરવા સ્વજન કે પરજન કોઈ તેની સાથે નથી....સંઘર્ષની આ પરાકાષ્ઠા છે...પણ તરત મીરાંને આપેલું પ્રોમિસ યાદ આવતા જ તે ઘરમાં જઈ ગિટાર વગાડતો ગીતો ગણગણવા માંડે છે...કરુણાના ઘેરા સૂરોમાં એકાંતના અંધકારમાં મીરાંમય બનેલો ગોપાલ પામે છે કે જિંદગીમાં જેની શોધ તે કરતો હતો તે હતું ગાન... હા..તેને ગાવું ગમતું હતું.કરુણાની પરમ સીમાએ તે આનંદ માણી રહ્યો હતો..તેનું મીરાં અને ઈદના જવાનું દુઃખ ઓગળવા માંડ્યું હતું....તેને ગાનનો આનંદ આવતો હતો...તેને તેનુ ગમતું કામ મળી ગયું હતું..તેનું પેશન એ ગાન હતું..જેની શોધમાં તેણે જીવનના આઠ વર્ષો ખર્ચ્યા હતાં..એટલું જ નહિ એ આઠ વર્ષમાં તેણે એક સુખથી ભરપૂર જીવન જીવ્યું હતું..છતાં કોઈ સમી સાંજે તેનું મન ઉદાસ થઈ જતું હતું...અંતે એ મળે છે ત્યારે પેલું સુખી ભરપૂર જીવન છીનવાઈ ચૂક્યું હતું તેમછતાં તેને તેનો કોઈ અફસોસ કે દુઃખ ન્હોતું થતું... મીરાંએ તેના હાથની કોણી બાજુની જગ્યા પર માત્ર બે જ શબ્દો લખી આપ્યા હતાં. 'it's okay' માત્ર આ બે શબ્દોએ જ ગોપાલને ફરી જીવતો કરી દીધો હતો..કોઈપણ માણસ જો પોતાના જીવનમાં બનનારી ઘટનાઓ કે જે તેને હતાશ કરી દેતી હોય કે મુક બનાવી દેતી હોય એવી તમામ પરિસ્થિતિ વખતે તે જો it's okay જેવા બે સાવ સાદા શબ્દો બોલી શકે તો તેને દુઃખ સ્પર્શવા પણ નહિ પામે...ગોપાલે અંતે આ બે શબ્દોની સામે જોઇને જ પોતાના નવાં જીવનની સફર શરૂ કરી..માણસ માત્ર આવા કોઈને કોઈ પેશનની શોધમાં ફરતો હોય છે..ઘણીવાર તેને અનાયાસે જ પેશન મળી જતું હોય છે તો ઘણીવાર જીવનભર તે દોડતો રહે છે..ગોપાલની દોડ પૂરી થાય છે અને તે સાથે જ તેના જીવનમાં નવી દિશા ઊઘડે છે..પણ એ પણ ન ભૂલવું કે માણસે કઈંક મેળવવા માટે કઈંક ગુમાવવું પણ પડે છે..અખૂટ ધૈર્ય અને હિંમત દાખવવી પડે છે.જ્યારે તેના હાથમાં કશું પણ નથી રહેતું ત્યારે જ તે આવી મળે છે....અર્થાત્ આ પેશન એક એવી વસ્તુ છે કે જે માણસની પૂરેપૂરી કસોટી પણ કરે અને અંતે એના જ કારણે માણસ સાચા અર્થમાં જીવતો થાય...ગોપાલ (કથાનાયક) તરીકે છવાઈ ગયો તેની આ દોડને કારણે..
આ નવલકથામાં વપરાતી ભાષા ઘણીવાર વાંચકમનમાં ચિચિયારીઓ પાડી જાય કે ઘણીવાર વાંચક 'છી...આવી ભાષા' એમ પણ કહી બેસે પણ તેની પાછળ જે સતત ધબકતું રહે છે એ ગોપાલનું સ્વભાન...વ્યક્તિત્વની ઓળખાણ કરવાની મથામણ... એ ભાષાના ભ્રષ્ટ રૂપને એક કોર મૂકી દે છે.છેલ્લે જે આવે છે તે છે એ કે માણસે આગળ પાછળનો કશાયનો વિચાર કર્યા વિના તે મથામણ આદરવી પડે...ત્યારે તેને જે મળે તે અમી ઝરણું સતત વહેતું રહેવાની પૂરી ખાતરી હશે.
જીતેશ દોંગાની આ નવલકથાનું કથિતને મધુરાયની વાર્તા ' ઈંટોના સાત રંગ' સાથે થોડું સરખાવતાં ખ્યાલ આવે કે..તેના કથા નાયકને ગમતું કામ કરવામાં આખું જીવન ક્યારે પૂરું થઈ ગયું તેની પણ ખબર ન રહી...તો વળી,રમેશ પારેખની 'કીડીઓ'ના કથાબીજ પ્રમાણે 'જગતભરની કીડીઓ પોત પોતાના પગરખાંની રાહ જોઈ રહી છે..' અર્થાત્ દરેક વ્યક્તિ પછી તે ગમે એ હોય તેને તેનું ગમતું તેને પોતાને જ લગતું એવું કંઇક મેળવવાની રાહ હોય છે...'નોર્થપોલ'ના ગોપાલની ખાસિયત એ છે કે અહીં પહેલા તો મથામણ છે પછી તેમાં થોડો વિરામ છે અને અંતે અંતિમ ક્ષણે જ્યારે કંઈ જ હાથમાં નથી રહેતું ત્યારે તેને ખબર પડે છે કે તેને ગાવું ગમે છે..એટલે જ તો એ પોતાની પત્નીને દફનાવ્યા બાદ રડવાને બદલે હસે છે.જે સૂચવે છે કે જે કંઈ ગમે છે તે મેળવતા આનંદ જ થાય.... એ દરેક દુઃખને પોતાની અંદર સમાવી લેવાની ક્ષમતા ધરાવતું હોય છે.. એ પછી તો ગોપાલ તેના મા બાપુજીને લઈને એ જ જગ્યા પર રહેવા જાય છે જ્યાં એક દિવસ તે તેનું જીવન પત્ની અને પુત્રી સાથે ભરપૂર જીવ્યો હતો...ને ગાન દ્વારા ખૂબ સફળ થાય છે.
આ નવલકથામાં ગોપાલની દોડ માત્ર ગમતું કામ શોધવાની નથી..ખરા અર્થમાં તો તે ભૌતિક જીવનની પરંપરાગત પ્રણાલીથી કંટાળ્યો છે...આ જગતમાં દરેક વ્યક્તિ ઓછામાં ઓછું એકવાર આ પ્રકારની અક્લામણમાંથી પસાર થાય જ છે... લાભશંકર ઠાકરની નવલકથા 'કોણ' નો વિનાયક સહજ યાદ આવે..એ વિનાયકને પણ આ જગતના એકસુરિલાપણાથી કંટાળો ઉપજ્યો હતો તેથી તેણે પણ ગોપાલ માફક દોડ શરૂ કરી હતી... અલબત્ત વિનાયક અને ગોપાલ બંન્ને અંતે એ જ સમાજમાં એજ જીવનમાં એજ પરંપરામાં પાછા ફરે છે .જેનો તેને તિરસ્કાર હતો.. અલબત્ત બંન્નેની રીતો અલગ છે..પણ અંદર જે ઘોળાય રહ્યું હતું તેનો તેમને (ગોપાલ અને વિનાયક)જવાબ મળી જાય છે..
આજના સમય સંદર્ભમાં જીતેશ દોંગાએ આ નવલકથા દ્વારા એક યુવાન જ નહિ પણ લગભગ દરેક સંવેદનશીલ વ્યક્તિને લાગુ પડે તે રીતે એક અતિ સુક્ષ્મ બાબતને ખૂબ સરળતાથી અભિવ્યક્ત કરી દીધી છે.આ યુવા લેખક ખરા અર્થમાં યુવાન છે..એક યુવાનના મનમાં સ્વાભાવિકપણે ઉઠતો હોય એવો સવાલ ઉઠાવી તેની ધાર કાઢી છે. વળી એક નોંધનીય બાબત એ છે કે જીતેશ દોંગા ગુજરાતી સાહિત્યના નીવડેલા સાહિત્યકારોમાં પણ જે એક મર્યાદા રહી જાય છે તેને વટાવી ગયા છે..ગોવર્ધનરામ ત્રિપાઠી સહિતના મહાનુભાવો કેટલાંક પાત્રોનો કથામાં અવકાશ ન રહેતા એમના મૃત્યુ જાહેર કરે છે અને તે પાછળ કોઈ યોગ્ય કારણ આપવાનું પણ ઉચિત નથી માનતા. ઉદા. 'બુદ્ધિધનનો કારભાર'માં લેખકે રાજબાના મૃત્યુને 'અચાનક ગુજરી ગઈ ' થી જ જાહેર કરી દીધું છે..અને એ રીતે લેખકે બુધ્ધિધનના રાજમાં પગપેસારો કરવાનો માર્ગ સરળ કરી દીધો છે...જ્યારે અહીં જીતેશ દોંગાએ એમાં બાજી મારી છે..અહીં મીરાં અને ઈદ બંન્નેની જરૂર ન રહેતા તેમને બાદ નથી કરવામાં આવતા. પરંતુ,કથ્ય સામગ્રીની ધાર કાઢવા માટે થયા છે..સ્થૂળ કારણ પણ એટલું જ સચોટ બનવા પામ્યું છે.ગોપાલની દીકરી ઈદને કેન્સર હતું. અને એ મીરાંની ધૂમ્રપાન કરવાની આદતના પરિણામરૂપ હતું..જે સહજ સ્વીકારી શકાય તેમ છે. જ્યારે મીરાનું મૃત્યુ પણ એટલું સહજ છે..રાત્રીના અંધકારમાં ચાલતી મીરાં ને ટ્રક ડ્રાઈવરે ન જોઈ હોય એ શક્ય છે જ....અર્થાત્ આ બંન્ને પાત્રોની અનિવાર્યતા સમાપ્ત થવાને કારણે મૃત જાહેર નથી કરાતા..ખરા અર્થમાં તો તેઓ મરીને પણ જીવી જાય છે..અને કથા નાયકને પણ જીવાડી જાય છે. અંતે એટલું જ કે દરેક યુવાનને વાંચવા લાયક નવલકથા એટલે નોર્થપોલ.
સંદર્ભ :
અલ્પા વિરાશ, ગુજરાતી ભાષા સાહિત્ય ભવન. ભાવનગર. alpavirash@gmail.com