"આ ડાયરી તને મળશે ત્યારે હું મૃત્યુ પામ્યો હોઈશ.લખવાની શરૂઆત કરું છું ત્યારે મને ખબર નથી, આ ડાયરી તને મળશે કે નહીં,આગળ લખીશ કે નહીં.કદાચ લખતો રહું,લખતો જ રહું - અને પછી તને મોકલવાની વ્યવસ્થા કરું....અથવા કરી જ શકું નહીં.મારો અંત નજીક આવે ત્યારે મારી આસપાસ કોઈ હોય જ નહીં.એ સમયે તું ક્યાં છે એની મને ખબર ન હોય.તને ડાયરી મોકલવાની ઈચ્છા જ મરી જાય.ડાયરી સળગાવી નાખું.એવું પણ બને કે આ ડાયરી તને મોકલવાની જરૂર જ પડે નહીં,તું જ મારી પાસે હોય! ગમે તે બની શકે...અત્યારે તો મારા મનમાં એક જ ઈચ્છા છે,મારા મનમાં જે ચાલે છે એ તને સંબોધીને લખું,જાણે તું મારી સામે બેઠો છે અને હું તારી સાથે વાતો કરું છું...મૌન અને છતાં-" પૃ.૧૫, જિંદગી આખી
સુપ્રસિદ્ધ નવલકથાકાર વીનેશ અંતાણીની માનવમનની ગૂંચવણ અને માનવસંબંધોની તલસ્પર્શી રજૂઆત કરતી સંવેદનશીલ નવલકથા એટલે જિંદગી આખી...લેખક વીનેશ અંતાણીની વિશેષતા જ માનવ મનની આંટીઘૂંટીઓને વ્યક્ત કરવામાં રહેલી છે.તેમની મોટા ભાગની નવલકથાઓમાં એક ભાર ઝ્લ્લું આંતર બાહ્ય વાતાવરણ અનુભવાય છે...પાત્રો કોઈ એવી અકળ સમસ્યામાં મુકાય છે કે જેમાંથી બહાર નીકળવાનો રસ્તો દેખાવા છતાં એ રસ્તો અપનાવી નથી શકતા...પરિણામે જિંદગીભર અકળાતા રહે છે...જ્યાં હોય છે ત્યાંથી આગળ નીકળી શકતા નથી એ એમના જીવનની સૌથી મોટી કરુણતા રહી છે..એ પાત્રો જીવાઇ ગયેલાં જીવનને વાગોળતા રહે છે...'પ્રિયજન'ના ચારું અને નિકેત આ બાબતના જીવંત ઉદહરણ છે ...એ સ્મરણોના પુનઃ સ્મરણમાં જીવાઇ ગયેલા જીવનમાં સંપૂર્ણ સંતોષ હોવા છતાં કશુંક ખટકતું રહે છે..જે તેમને તેમના તત્કાલીન જીવનમાંથી કોઈ ક્ષણે ઉઠાવી પોતાની સાથે લઈ જાય છે..પરિણામે જીવન તો ફરિયાદ વિના જીવાય જાય છે પણ એક ખાલીપો સતત વર્તાયા કરે છે ક્યારેક એ અજંપાનું તો ક્યારેક મુંઝારાનું રૂપ પણ લઈ લે છે...'જિંદગી આખી' પણ આવા જ ખાલીપા,ઝુરાપા અને નહીં જીવાયેલી જિંદગીના આંતરમંથનો રૂપે આલેખાઈ છે...આ નવલકથાની વિશેષતા એ છે કે પ્રત્યક્ષપણે ક્યારેય ન આવતું એક પાત્ર સુધાંશુ જોશી સમગ્ર નવલકથામાં કેન્દ્ર રૂપ બન્યું છે.
કથાનો નાયક તો છે શેખર. એક સફળ બિઝનસમેન..લંડનમાં તેણે પોતાની જાત ટકાવવા સંઘર્ષ કર્યો છે પણ તેનું જીવન પત્ની,પુત્ર અને પિતાના પ્રેમ વિહોણું વીતી રહ્યું છે...પણ સામે પક્ષે તેના જેવું જ તમામ અવસાદો અને અધૂરપો વાળું જીવન જીવનાર કોઈ જીવીને જતું પણ રહ્યું છે અને તે છે તેના પિતા સુધાંશુ જોશી...કથાની શરૂઆત થાય છે ત્યારે શેખર પોતાના રોજિંદા કામમાંથી પરવારી સાંજે ઘરે આવે છે ત્યારે તેને એક ડાયરી મળે છે.મોકલનારનનું નામ અને સરનામું 'રેણું' અને 'સાવલી' એમ બે શબ્દોમાં સમાઈ જાય છે...ડાયરીમાં પહેલાંજ પાને ઉપર્યુંક્ત કથન લખાયેલું છે ....'આ ડાયરી તને મળશે.................મૌન અને છતાં - ' એ પછી શેખર ડાયરી વાંચવાની શરૂ કરે અને પૂરી કરે તેમાં આખી નવલકથા સમાઈ જાય છે. ડાયરી સ્વરૂપે ખુલતી આ કથા શુક્રવારની સાંજથી રવિવારની સવાર સુધી શેખરના મન મગજમાં છવાઇ જાય છે.. તેણે કદી નહીં જોયેલા કે કદી જેના વિશે નહીં વિચારેલું એવા એક વ્યક્તિના જીવનનો ભૂતકાળ કશાય આવરણ વિના સહજપણે વ્યક્ત થાય છે..આ નવલકથાની એ વિશેષતા બની રહે છે કે પ્રત્યક્ષપણે ક્યારેય ન આવતું પાત્ર શેખરના જીવનનો અભિન્ન હિસ્સો હતું....ડાયરીમાં આવતા આ પાત્ર સુધાંશુ જોશી એટલે કે શેખરના પિતા દ્વારા આલેખાતા સંવેદનો અને જીવનના અનુભવો દ્વારા શેખરના જીવન સાથે સહોપસ્થિતિ સર્જાય છે.
શેખર ડાયરી હાથમાં લઈ જુએ છે.૧૯૮૧ની સાલથી લખવાની શરૂ થયેલી અત્યારે ૨૦૧૧ની સાલ છે.શેખર પાંચ વર્ષનો હતો ત્યારથી તેના પિતા સુધાંશુ જોશીએ ડાયરી લખવાની શરૂ કરેલી. એ પહેલાં જ પિતા પુત્ર વિખૂટા પડી ગયા હતાં. ડાયરીનું કથાનક તૂટક છૂટક રૂપે આવીને એક આકાર રચે છે..
સુધાંશુ જોશી એક મધ્યમ વર્ગનો છોકરો હતો.કરછના કોઈ ગામમાં રહેતો અને તેના ભણવાની વ્યવસ્થા મિલાપચંદ શેઠ નામના એક વણિક શેઠિયાએ કરેલી.તેથી સુધાંશુ મુંબઈ ભણવા ગયો. સાથે સાથે મિલાપચંદ શેઠની પેઢીએ નામુ લખતો.એમાંથી મળતાં પૈસામાંથી તે પોતાનું ગુજરાન ચલાવતો.... પૂનમચંદની દીકરી ગીતા તેની સાથે મુંબઈમાં ભણતી. તે પૂનમચંદની દીકરી છે એવી ખબર સૌપ્રથમવાર કરછમાં જ પોતાના ગામમાં જૈનોના એક મહાઉત્સવમાં મળી ત્યારે પડેલી...ગીતા પછી તો હઠ કરીને સુધાંશુનું ઘર જોવા ગયેલી અને કરછની લોક સંસ્કૃતિ જોવા સુધાંશુ જ સાથે આવે એવી જિદ્દ પણ કરેલી.. રણમાં તે તેની સાથે ચાલી હતી..એક બકરીના બચ્ચા પાછળ નાનાં છોકરાની માફક દોડી હતી...
મિલાપચંદશેઠે સુધાંશુને ચેતવ્યો હતો..તમે બંન્ને સાથે રહો તેથી હું તો ખુશ થઈશ પણ આ પુનમચંદનો મને ભરોસો નથી...એ પોતાની દીકરીને ક્યારેય તારી સાથે પરણાવવા રાજી નહીં જ થાય..તેનાથી ચેતજે...એ પછી તો સુધાંશુ અને ગીતાનો પ્રેમ પાંગર્યો પણ મિલાપચંદ મૃત્યુ પામ્યા હતાં. પુનમચંદ ગીતાને સુધાંશુ સાથે ક્યારેય પરણાવવા રાજી ન જ થાત એ વાતનો અંદેશો ખુદ ગીતાને પણ હતો....એક તો બંન્ને વચ્ચે આર્થિક અસમાનતા બીજું જ્ઞાતિ જુદી..એટલે ગીતા એક રાતે કપડાનો થેલો ભરી પૂનમચંદનું ઘર છોડી સુધાંશુ પાસે આવી ગઈ હતી...
ગીતાની બહેનપણી સીમાના કહેવા પ્રમાણે ગીતા એક એવી છોકરી હતી કે જેને જે કંઈ લેવાનું મન થાય તે એ લઈને જ પાર કરતી અને પછી ધરાઈ જતાં જ ફેંકી દેતી...ગીતાએ સંબંધોનું પણ એવું કર્યું હતું...? એવો આછો આછો સંકેત સુધાંશુ જોશીની વાતોમાં પમાય છે.પણ સુધાંશુ પોતે કબૂલે છે કે મારી જાતને સારી બતાવવા કે ગીતા વિશે નકારાત્મક છાપ ઊભી કરવા હું આ લખતો નથી પરંતુ જે રૂપમાં જે કંઈ બની રહ્યું હતું એ જ રૂપમાં વ્યક્ત કરું છું....
લગ્ન બાદ તુરંત બંન્નેના જીવનમાં કલહ આવી ગયો હતો..ગીતા કશું બોલવાને બદલે પલંગ પર બેઠી-બેઠી ભીંતે માથું ટેકવી પગની આંટી મારી વિચારતી રહેતી... સુધાંશુની જાણ બહાર ગીતાની અંદર કંઇક ચાલી રહ્યું હતું....જેના કારણે ગીતા એક દિવસ 'અમે જઈએ છીએ' એટલું લખેલી ચિઠ્ઠી ફફડતી મૂકી ઘર છોડી ચાલી નીકળી હતી...પૂનમચંદના જ ઘરે ગઈ હતી... પુનમચંદનો અહમ જીત્યો હતો..તેમની દીકરીએ આખરે તેમના જ ઘરે પાછું આવવું પડ્યું હતું.
એ પછી સુધાંશુ જોશી પત્ની અને પુત્ર માટે તરસતા રહ્યા હતાં...દીકરા શેખરને મળવા તેણે કોર્ટના ફરમાનની રાહ જોવાની રહેતી...ગીતાએ છૂટા છેડા પણ નહોતા આપ્યાં અને સાથે પણ નહોતી રહી..એ પછી સુધાંશુ જોશી ગીતા ઘર છોડી ગઈ એ વાતનું કારણ આપે છે ત્યારે તેમનામાં રહેલી પ્રામાણિકતા છતી થાય છે... રેણુ કરીને કોઈ હિન્દીની અધ્યાપિકા સાથે એમને સાહિત્યિક ચર્ચાનો આનંદ આવતો. વળી, રેણુએ સુધાંશુની વાર્તાનો અનુવાદ પણ કર્યો હતો..સુધાંશુએ અનુવાદ સારો થયો છે એમ વખાણ કરતો ત્યારે ગીતા કહેતી 'ઘણીવાર અનુવાદક સારો હોય તોપણ અનુવાદ સારો લાગતો હોય છે..' ગીતા મનોમન ધૂંધવાઈ ગઈ હતી. એક ફાઈલ લઈ આવીને સુધાંશુને બતાવતી હતી.આ જો હું પણ નવલકથા લખું છું.તું આનો અનુવાદ કર..સુધાંશુએ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું ગીતા તું પણ લખે છે!...ગીતા રેણુને સહી શકી ન હતી..સીમાના મત મુજબ ગીતાને પોતાની જાતને સૌથી વધુ સુંદર અને સફળ દેખાડવી ગમતી..આ વાંચતા વાંચતા શેખરને પણ મા ગીતા સાથે થયેલી કેટલીક વાતો યાદ આવતી..જેમાં ગીતા તેને કહેતી કે એક દિવસ મારો અને સીમાનો ઘરારો એક સરખો આવી ગયો હતો એ પછી મેં ક્યારેય એ પહેર્યો ન્હોતો... વળી શેખરને તે કહેતી કે શેખર તારે ક્યારેય નિષ્ફળ નથી જવાનું... ક્યારેય નહીં...સૌથી આગળ અને અળગા પડવાનું છે...
એકવાર અચાનક રેણુ સુધાંશુને જાણ કર્યા વગર જ તેના ઘરે આવી ચડી હતી...એની સાથેની વાતોમાં ગીતાને સુધાંશુ અને રેણુ વચ્ચે વધુ પડતી અંગતતા થઈ ગઈ હોય તેમ લાગતું હતું..એટલે એ ગઈ ત્યારે પોતે રસોડામાં હોવા છતાં બાથરૂમમાં હોવાનું ખોટું બોલી આવજો કહેવા બહાર નીકળી ન્હોતી...રેણુ તેમને ગીતા સાથે પોતાના ઘરે જમવાનું પણ આમંત્રણ આપી ગઈ હતી અને તે પણ ત્યારે જ ગોઠવવા માંગતી હતી કે જ્યારે સુધાંશુ ને અનુકૂળતા હોય...એ બાબત પણ ગીતાને અસહ્ય બની ગઈ હતી.તેથી જ તે તેનાથી દૂર થઈ ગઈ હતી..રેણું અને સુધાંશુની મિત્રતાને કારણે ગીતાએ ઘર છોડયું હતું...સામે પક્ષે સુધાંશુ કે રેણુંની મિત્રતાનું કારણ માત્ર સાહિત્યિક સંવાદ જ હતો.
સુધાંશુ જોશી ગીતાના પાછા આવવાની રાહ જોઈ રહ્યા હતાં.. પણ એ રાહમાં ઝુરાપો ભળતો ગયો હતો....ગીતા(પત્ની) અને શેખર(પુત્ર) સાથે હોય એવાં કેટલાંય સુખી દામ્પત્ય જીવનના રમણીય દ્રશ્યો તેમની આંખોમાં આકાર લેતાં રહ્યા હતાં...પણ ગીતા પાછી ન્હોતી આવી..શેખર પાંચ વર્ષનો થઈ ગયો હતો.......! તેને ચશ્મા આવી ગયા હતાં....! ભણવા માટે નિશાળે બેસાડ્યો હતો.....! સુધાંશુ એકવાર શેખરની શાળાએ જઇ પોતે પોતાના બાળકને અહીં ભણવા મૂકવા માંગે છે એવું ખોટું બોલી શાળા કેવી છે તે પણ જોઈ આવ્યા હતાં..એકવાર શેખરને મળવા માટે આચાર્યને પૂછ્યું પણ હતું 'આપની શાળામાં ભણતાં એક શેખર નામના છોકરાને મળવા માંગુ છું.' પણ તેને 'વિદ્યાર્થીઓના ગાર્ડિયન સિવાય કોઈને મળવા દેવામાં નથી આવતા' એવો જવાબ મળ્યો હતો..સુધાંશુના પિતાએ શેખર(પૌત્ર)ના પાંચમા જન્મદિવસે શેખર સાથે ન હોવા છતાં લાડુ બનાવ્યા હતાં અને સાંજે રેણુ સાથે બહાર જમવા પણ ગ્યા હતાં...એક દિવસ પિતા સાંજે સૂતા ને પછી સવારે ઉઠ્યા જ નહીં. એકદિવસ હું પણ એમ સુઈ જવા માંગુ છું કેટલું સુંદર મૃત્યુ....! સુધાંશુ જોષીના શબ્દો તેમના પત્ની અને પુત્રના ઝુરાપાની તીવ્રતા વ્યક્ત કરે છે....
એ પછી તો સુધાંશુ સીમા મારફતે પણ સમાચાર મેળવતાં રહ્યા હતાં...તેથી જ તે જાણી શક્યા હતાં કે શેખર હવે શાળા છોડી કોલેજમાં ભણતો થઈ ગયો હતો..એનું કોઈ છોકરી સાથે વેવિશાળ કરાયું હતું...લગ્ન થયા હતા...પછી તેના ઘરે એક દીકરો જન્મ્યો હતો બંટી...
શેખર અને ગીતાથી દૂર રહ્યે રહ્યે પણ સુધાંશુ જોશી શેખરમય અને ગીતામય બની રહ્યા હતાં..આરંભથી અંત સુધીનો તેમનો ઝુરાપા છેલ્લે સપનામાં ગુંથાતા ચોટદાર બને છે..
"રાતે સપનું આવ્યું.સપનામાંથી બહાર નીકળીને હું મારી મૂર્ખાઈ પર હસતો રહ્યો,પણ તરત ડાયરીમાં લખવા બેસી ગયો છું.મૂર્ખ જેવું તો મૂર્ખ જેવું પણ એ સપનું હું ભૂલી જાઉં તે પહેલાં લખી નાખવું જોઈએ.સપનામાં ઓચિંતું ઘર ઊઘડે છે,તું અંદર આવે છે.તારી આંગળી પકડીને એક નાનકડો છોકરો પણ ઘરમાં આવ્યો છે.મારી ટેબલ પર હું મૂકી ગયો છું એ ફોટા જેવો જ દેખાય છે.તું કબાટ ઉઘાડે છે.એમાંથી જૂનાં રમકડાં કાઢે છે.પેલા છોકરાને બતાવે છે.છોકરો ઊપટી ગયેલા રંગવાલો હાથી ઉપાડે છે.એની સૂંઢ તને બતાવીને એ મોટે મોટેથી હસવા લાગે છે. એ જ વખતે મારું સપનું તૂટી ગયું હતું .તું આપણા ઘરે ક્યારે આવ્યો હતો, શેખર? મેં સપનામાં મને જોયો નહોતો. હું ગયો પછી જ તું આવ્યો હોઈશ."
સુધાંશુ જોશીના પ્રત્યેક શબ્દોમાં નહીં જીવી શકાયેલી જિંદગીનો ધબકાર ઝીલાય છે.શેખર અને ગીતા માટેનો ઝુરાપો અજંપામાં ફેરવાઈ ગયો હતો....એક વાત ખૂબ ચોટદાર બને છે જેમાં તેઓ શેખરને સંબોધીને લખે છે કે હું જાગતો રહીશ તારા રૂમની લાઈટ જ્યાં સુધી ચાલુ રહેશે ત્યાં સુધી હું જાગતો રહીશ.. પિતાના પ્રેમની કેટલી તીવ્રતા..!
જે પિતાથી તેને હંમેશા દૂર રાખવામાં આવ્યો હતો એ પિતા તેની સાથે જીવતો રહ્યો હતો...તેના બાળપણથી લઈ પોતે પિતા બન્યો ત્યાં સુધી સુધાંશુ જોશી ઝૂરતા રહ્યા હતાં...હા, ઝુરાપો જ એકમાત્ર એમના જીવનનો સાથીદાર બની રહ્યો હતો...અને એ ઝુરાપામાં જ મૃત્યુ પામ્યા હતાં....
ડાયરીમાં પાછળના બધાં પાના કોરા હતાં..એ બધાં કોરાં પાના સુધાંશુ જોશીની એકલતાના પરિચાયક હતાં...એ ડાયરીના બધાં પાનાઓમાં એક નામધારી વ્યક્તિ કે જેને કોઈ ઓળખતું નહોતું એ જીવી ગયો હતો.છેલ્લે મૌન અને ખામોશ થઈ ગયો હતો..છતાં, તેના શ્વાસોચ્છવાસનો આછો આછો સળવળાટ શેખરને એ કોરાં પાનાઓમાં સંભળાતો હતો..તેને હજી પણ કંઇક કહેવું હતું પણ તેનો અવાજ એક ગામના સ્મશાનની ચિતામાં સળગી ગયો હતો.એક માણસ પોતાની બધી જ ઓલખાણમાંથી,પોતાની બધી જ પીડાઓ,જિંદગી આખી વેઠેલી એકલતાઓમાંથી બહાર નીકળી ગયો હતો..એના નામમાંથી પણ બહાર.....!
શેખરના અંતિમ શબ્દો અત્યંત સૂચક નીવડે છે...સુધાંશુ જોશી જે સંબોધન માટે ઝૂરતા રહ્યા હતાં એ ' પિતા' નું સંબોધન એમના મૃત્યુ પછી શેખર કરે છે જેને સાંભળનાર શેખર પોતે અને એની સામે ખુલ્લી પડેલી સુધાંશુ જોશીની ડાયરી હતાં.... ' એ નામ બીજા કોઈને યાદ રહે કે ન રહે...પણ પપ્પા,મને તમારું નામ યાદ છે.
સુધાંશુ જોશીને તમે ?'
એ પછી ડાયરી બંધ થાય છે.પુરુષ કેન્દ્રી સંવેદનોને આટલી સૂક્ષ્મતાથી વણી લેવામાં લેખકની કલમ સક્ષમ જ નહીં સમથૅ પણ નીવડી છે..એક એવો વ્યક્તિ કે જેણે પોતે જ પોતાની વાત કહી... નિખાલસપણે પ્રામાણિકપણે જેવું હતું તેવું વ્યક્ત કર્યું. પોતે કશા વાંક ગુના વગર એકલો પડી ઝુરતો રહ્યો...પોતે પોતાની વાત કહેવા છતાં ક્યાંય આત્મશ્લાઘા નથી જોવા મળતી.એક સુંદર ચરિત્ર જ ઉઘડવા પામે છે.એ કોઈ આત્મકથા નથી પણ જીવાઈ ગયેલી જિંદગીની રજૂઆત છે...ડાયરી એનું એકમાત્ર સ્વજન- સમ સહારો બની રહી...એ આપવીતી એ એક એવા માણસનો શેખરને પરિચય કરાવ્યો કે જેનાથી શેખરને હંમેશા દૂર રાખવામાં આવ્યો હતો...આ જ વસ્તુ શેખર સાથે પણ બની રહી છે...તેથી જ શેખર કહે છે પણ ખરો કે હવે હું એકલો નથી.સુધાંશુ જોશી તમે પણ એકલા નથી....અને એમ સુધાંશુ જોશી પોતાના જીવતરના લેખા જોખા વ્યક્ત કરી શેખર સાથે સહાનુભૂત બને છે....સુધાંશુ અને શેખર વચ્ચે માત્ર સમયનો અંતરાલ પડી ગયો હતો બાકી બધું જ સામ્ય હતું...અર્થાત્ પિતાએ પુત્રને જાણે આધાર આપ્યો.
આમ,આ એક એવી નવલકથા છે કે જેમાં ભૂતકાળ વર્તમાન બની ગયો છે..વર્તમાનમાં ભૂતકાળ ધબકવા લાગ્યો છે..એ ભૂતકાળે શેખરના વર્તમાનને હર્યો ભર્યો બનાવ્યો છે...એક એવા વ્યક્તિને તે એ ભૂતકાળમાં મળ્યો જેના વિશે તેનું હ્ર્દય મન બધું જ બંધ કરી દેવાયું હતું. તેની આડે એક પડદો રચી દેવાયો હતો...એક એવા વ્યક્તિને તે મળ્યો હતો જેણે વગર વાંકે બધું સહન કર્યું હતું..એક એવા વ્યક્તિને તે મળ્યો હતો જેણે દૂર રહ્યે રહ્યે પોતાની કાળજી લીધા કરી હતી.તેના સુખે સુખી અને દુખે દુઃખી થયો હતો.... છતાં,એકલો રહી ગયો હતો...અને તેથીજ આરંભે આવતા કથનનો છેલ્લો શબ્દ ખૂબ નોંધપાત્ર સાબિત થાય છે ' મૌન અને છતાં...' અધૂરું રહેલું આ કથન સુધાંશુ જોષીના નહીં જોવાયેલ જીવનની જ સાંખ પુરે છે....એ વ્યક્તિ મૌન થઈ ગયો હતો અને છતાં કશાકની રાહે જીવતો રહ્યો હતો....! ગુજરાતી સાહિત્યમાં પિતા પુત્રની કથાઓ ભાગ્યે જ આટલી સુંદર નીવડી હશે..'જિંદગી આખી' એમાં મોખરે મૂકી શકાય એટલી સક્ષમ છે......
સંદર્ભ:
અલ્પા વિરાશ. ગુજરાતી ભાષા સાહિત્ય ભવન ભાવનગર. alpavirash@gmail.com