ગુજરાતી સાહિત્ય અનેક યુગોમાં વિભાજિત થયું છે. ૧૯૫૫ પછી રચાયેલાં સાહિત્યને ‘આધુનિક સાહિત્ય’ ગણવામાં આવે છે. આધુનિકતા મુખ્યત્વે તો આધુનિક માનવસમાજ, યંત્રપ્રધાન સંસ્કૃતિ અને અસ્તિત્વ વિશેના તીવ્ર પ્રત્યાઘાતોમાંથી ઉદભવેલી વિચારણા છે. વધુ સ્પષ્ટ રૂપે કહીએ તો આધુનિક સંસ્કૃતિ અને માનવભાવિ વિશેનો ઊંડો સંશય અને પરમતત્વની બાબતમાં અનાસ્થા જ તેના મૂળમાં રહેલા છે. માનવી આ વિશ્વમાં અસહાય, એકલ અને દિશાશૂન્ય બની ગયો છે. તેની આજુબાજુ માત્ર નિભ્રાંતિ, કંટાળો અને હતાશા જ રહેલા છે. આમ માનવીય પરિસ્થિતિની વિષમતા- વિફળતાનું આધુનિક સાહિત્યમાં ઉચ્ચારણ થાય છે. ગુજરાતી સાહિત્યમાં ‘આધુનિક યુગના પુરસ્કર્તા’ સુરેશ જોષી છે. ઇ.સ.1950 પહેલાંના કેટલાક સીમાચિહન રૂપ ગણાયેલાં વાર્તાકારોને બાદ કરતાં કોઈ સર્જકે ગુજરાતી વાર્તાને વિશિષ્ટ વળાંક આપ્યો ન હતો. સ્થિર થઈ ગયેલા વાર્તાપ્રવાહને બધા મોટેભાગે ઘૂંટયા કરતાં હતા, આવી અવસ્થાને હચમચાવી તેમાં નવતર પ્રાણસિંચન સુરેશ જોષીએ કર્યું. ઇ.સ.1957માં પ્રકાશિત થયેલો તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘ગૃહપ્રવેશ’ ગુજરાતી વાર્તાના ઇતિહાસમાં સીમાચિહનરૂપ બની રહ્યો. ‘ગૃહપ્રવેશ’ની પ્રસ્તાવના ‘કિંચિત’ માં કલાની રૂપનિર્મિતિ અને ટૂંકી વાર્તાના સ્વરૂપ વિશેની તેમની વિચારધારાએ વાર્તા માટે પ્રયોગશીલતાનું વાતાવરણ સર્જયું.
સુરેશ જોષીએ થોડીક રહ્સ્યગર્ભ ક્ષણોના આલેખનને અને ચિતની સંવેદનાઓને આકારબદ્ધ કરવાને મહત્વ આપ્યું. રૂપરચનાનો પુરસ્કાર, ઘટનાનું તિરોધાન, સર્જન-અહૈતુક નિર્માણ પ્રવૃતિ – તેમની વાર્તાવિભાવનાનું કેન્દ્રબિંદુ રહ્યા છે. સુરેશ જોષીનો નવલિકાસર્જનનો અભિગમ અને તેમની પ્રયોગશીલતા મહત્વનાં છે. વાર્તાલેખનમાં આકાર, સંરચના, ટેક્નિકનું મહત્વ સ્વીકારી, એક્સૂરીલાપણાને તોડીને નવોન્મેષ પ્રગટાવનાર સુરેશ જોષી આધુનિકતા અને પ્રયોગશીલતાના આદ્યાચાર્ય છે. ‘ગૃહપ્રવેશ’ અને ‘બીજી થોડીક’ ની રચનાઓ પ્રયોગના સ્વાદ વાળી છે. ‘અપિ ચ’ અને ‘ન તત્ર સૂર્યો ભાતિ’ ની વાર્તાઓમાં કલ્પન અને પ્રતીકની બહુલતા સાથે મૌલિક વાર્તાનું શુદ્ધ અને સાહજિક રુપ પ્રગટે છે. આવી વાર્તાઓ સર્જક અને વિવેચક બન્નેને નવી દિશામાં વિચારતા કરે છે અને તેમના માટે પ્રેરણા બને છે. અવનવી ટેક્નિક દ્વારા તેમણે સંવેદનાને નવું પરિમાણ આપ્યું છે. પ્રયોગ દ્વારા વાર્તા ઉચ્ચ સ્તરે પહોંચી શકે છે અને આમેય પ્રયોગને સર્જકતા સાથે અવિનાભાવી સંબંધ છે અને દરેક સર્જન એક પ્રયોગ જ છે. જો કે એ પ્રયોગમાં જો એકસૂરીલાપણું આવે તો નિષ્પ્રાણતા જન્મે છે અને પરંપરા સર્જાય છે. આવી પરંપરાનો સમૂળગો લોપ શક્ય નથી, પરંતુ પ્રયોગશીલતા દ્વારા તેને નવપ્રાણિત કરી શકાય છે. ખરેખરી પ્રયોગશીલતા એટલે શું ? – આ પ્રશ્નનો સ્પષ્ટ જવાબ મેળવી ન શકાય. જો કે કોઇ પણ સર્જનમાં પ્રયોગ ખાતર પ્રયોગ થતો હોય ત્યારે પ્રયોગશીલ કૃતિનું સાચું રૂપ શોધી શકાતું નથી. ઘણીવાર ‘પ્રયોગ’ માત્ર ‘અજમાયશ’ની કક્ષાએ અટકી જાય છે. માત્ર ‘અજમાયશ’ ખાતર નહીં, પરંતુ સાહિત્યને બરાબર જાણ્યા-પચાવ્યા પછી કરાતો પ્રયોગ ‘પ્ર-યોગ’ની કક્ષાએ પહોંચી શકે એટલે તો સુમન શાહ પ્રયોગને ‘પરંપરાની છેલ્લામાં છેલ્લી વર્તમાન ક્ષણ’ તરીકે ઓળખાવે છે.
ગુજરાતીમાં જેને આપણે ‘શુદ્ધ કલાવાદી’ કે ‘સાચુકલા પ્રયોગશીલ’ કહી શકીએ તેવા ગણ્યાગાંઠ્યા વાર્તાકારો મળ્યા છે. જેમાં સુરેશ જોષી, કિશોર જાદવ, મધુ રાય, રાધેશ્યામ શર્મા, મહેશ દવે, જ્યોતિષ જાની, રાવજી પટેલ, સુવર્ણા રાય, ઘનશ્યામ દેસાઇ, સુમન શાહ, વિભૂત શાહ, ઇવા ડેવ, ભરત નાયક, કાન્તિ પટેલ વગેરેનો સમાવેશ થાય છે. સુરેશ જોષી પછીના અગ્રણી આધુનિક, પ્રયોગશીલ વાર્તાકાર તરીકે કિશોર જાદવનું નામ આવે છે. કિશોર જાદવનો જન્મ 15-04-1938ના રોજ અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના આંબલિયાળા ગામે થયો હતો અને તેમનું મૃત્યુ 1-03-2018ના રોજ થયું. કિશોર જાદવનો પોણા ભાગનો જીવનકાળ નાગાલેન્ડમાં વીત્યો હ્તો. તેમણે ઇ.સ.1972માં ગૉહતી યુનિવર્સિટીમાંથી એમ.કોમ. કર્યું હતું અને ત્યારબાદ વિવિધ ક્ષેત્રે અંગત સચિવ તરીકે કામગીરી બજાવી હતી. સાહિત્યમાં પીએચ.ડી. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી કર્યા બાદ પૂર્વોતર સાહિત્ય અકાદમીની સ્થાપના કરી હતી. ઇ.સ.1969માં તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ પ્રકાશિત થયો હતો. ત્યારબાદ ઇ.સ.1972માં ‘સૂર્યારોહણ’ અને ઇ.સ.1982માં ‘છદમવેશ’ એમ બે વાર્તાસંગ્રહો પ્રકાશિત થયા. ઇ.સ.1979માં લઘુનવલ ‘નિશાચક્ર’, ઇ.સ.1989માં ‘રિક્તરાગ’ અને ઇ.સ.1993માં ‘આતશ’ તેમની પાસેથી મળી છે. ઇ.સ.1986માં ‘નવી ટૂંકી વાર્તાની કળામીમાંસા’ જેવો સુંદર વિવેચનગ્રંથ તેમની પાસેથી મળ્યો છે. તેમણે ‘ડેઝ ઑવ વાઇલ્ડ ઓર્કિડ્ઝ’ નામે અંગ્રેજીમાં આત્મકથા લખી છે.
વાર્તાકાર તરીકે કિશોર જાદવ અલગ મિજાજ ધરાવતા સર્જક છે. તેમની વાર્તાઓ પરંપરાગત પદ્ધતિથી તદન ભિન્ન પ્રકારની વાર્તાઓ છે. કિશોર જાદવના પ્રથમ વાર્તાસંગ્રહ ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ માં એકવીસ વાર્તાઓ છે, જેમાં ‘સોનેરી માછલીઓ’, ‘મહોદગાર’, ‘કાગકન્યા’, ‘સરકસના કૂવામાં કાગડાઓ’, ‘સોગટાં, ‘બસનું પંખી’ વગેરે મુખ્ય છે. આ વાર્તાઓમાં Consious અને Subconsiousવચ્ચેનું ભાવજગત આલેખાયું છે. બીજા વાર્તાસંગ્રહ ‘સૂર્યારોહણ’ માં સતર વાર્તાઓ છે, જેમાં ‘લેબીરિન્થ’, ‘પિશાચિની’, ‘સીમરેખ અર્થાત ફૂલ’, ‘પોલાણનાં પંખી’, ‘આદિમોત્સાહ અને બીજાં હળાંહળ’, ‘હિપોપોટેમસનાં ખેલ’ વગેરે મુખ્ય છે. આ સંગ્રહની મોટાભાગની વાર્તાઓમાં સરરિયલ અંશોવાળા અનુભવો પ્રેરકબળ છે. ત્રીજા વાર્તાસંગ્રહ ‘છદ્મવેશ’માં આઠ વાર્તાઓ છે, જેમાં ‘લીલા પથ્થરો વચ્ચે ચમત્કારિક પુરુષ’, ‘કોરિડોર’, ‘આજોંગ્મ્ત્ચૂલા’, ‘મલ્લિકા, આ પ્રકાશ’, ‘મિસિસ કીશનો નિર્વાણદિન’, ‘કાળ વિપર્યાસ’ વગેરે મુખ્ય છે. અહીં વાસ્તવમાં ખૂંપી ગયા વગર ‘પરમ વાસ્તવ’નું નિરૂપણ થયું છે.
વિષયવસ્તુમાં પ્રયોગો કરી એને અનુરૂપ રૂપસર્જન કરવું એ કિશોર જાદવની લાક્ષણિકતા છે. અસાધારણ સંવેદનને સર્જક્તાનો ઓપ આપીને તેમણે વાર્તાસર્જન કર્યું છે. તેમની ‘સોગટાં, ‘બસનું પંખી’, ‘મિસિસ કીશનો નિર્વાણદિન’, ‘સીમરેખ અર્થાત ફૂલ’. ‘લીલા પથ્થરો વચ્ચે ચમત્કારિક પુરુષ’ અને ‘પ્રાગૈતિહાસિક અને શોકસભા’ પ્રતીકનિર્માણની દષ્ટિએ પ્રયોગશીલ વાર્તાઓ છે તો ‘કાળવિપર્યાસ’ અને ‘સરકસના કૂવામાં કાગડાઓ’ કપોળકલ્પનાની ટેક્નિકથી અને ‘મહોદગાર’, ‘કાગકન્યા’ સન્નિધિકરણની ટેક્નિકથી લખાયેલી વાર્તાઓ છે. કિશોર જાદવની વાર્તાઓમાં સમગ્ર માનવઅસ્તિત્વનું પ્રતિનિધિત્વ કરતા પાત્રો છે, ઘણીવાર આ પાત્રો કોઇ અશરીરી તત્વ છે. ‘સરી જતું દ્શ્ય’, ‘મહાપ્રસ્થાન’, કોરીડોર’, ‘મલ્લિકા, આ પ્રકાશ’, ‘આજોંગ્મ્ત્ચૂલા’ વગેરે વાર્તાઓ સળંગ લખાયેલી છે, કોઇ ફકરો પણ નથી. આવી વાર્તાઓમાં સંવાદ અપૂર્ણ, આંશિક અને અધૂરા છે, જેના કારણે વિષયવસ્તુ સંકુલ બને છે અને Abstractionના કારણે વાર્તા બહુઅર્થી બને છે અને જુદી જુદી અર્થચ્છાયાઓને વ્યક્ત કરે છે. કિશોર જાદવની વાર્તાઓમાં બૌદ્ધિક આયાસ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે અને અચેતન મનના વિવિધ સ્તરોનું વિસ્તરણ દેખાય છે. તેમની વાર્તાઓમાં આધિભૌતિક પ્રક્રિયાઓનું આલેખન છે અને ભાષામાં ચિત્રાત્મક પદ્ધતિ અને મોન્ટાજ અને કોલાજ ટેક્નિક જોવા મળે છે.ક્યાંક Fantasy અને Memory recollectionનો ઉપયોગ પણ થયો છે.
કિશોર જાદવની આધુનિક ગુજરાતી વાર્તાઓમાં ‘આકૃતિ’ યા ‘સંવિધાન રીતિ’ કરતાં વિશેષ પ્રયોગ વિષયવસ્તુમાં થયા છે. નવા વિષયવસ્તુને અનુરૂપ વાર્તાકાર રૂઢ કથાનકને નાબૂદ કરવા મથે છે. બાહ્ય ઘટનાને સ્થાને આંતરિક ચિત્રાંકનને, પાત્રના સૂક્ષ્માતિસૂક્ષ્મ મનોવ્યાપાર, લાગણી, સંવેદના, વિચારસ્પંદન યા ભાવમુદ્રાની રચનાત્મક ભાતને પ્રધાનપદે સ્થાપે છે. બાહ્ય ઘટનાઓની ભીતરમાં છૂપાયેલાં રહ્સ્યોને તાગવાની મથામણ પ્રયોગશીલ વાર્તામાં સ્પષ્ટપણે જોઇ શકાય છે. જ્યોતિષ જાનીના મતાનુસાર પ્રયોગશીલ વાર્તાકાર દ્વારા કથનકેન્દ્રની અનંત સંભાવનાઓને તાગવામાં તેમજ કથનશૈલીની નવી નવી પેટર્ન ઉપજાવવામાં શક્ય છે કે ક્યારેક ટૂંકી વાર્તા ક્લિક ન થાય કે નિશાન ચૂકી જાય. પરંતુ પ્રયોગની જે સાચી દિશા એને દેખાય છે, એ પામવા માટે અંતિમ છેડે પહોંચી જવાનું પણ એને અનિવાર્ય લાગે છે.
પ્રયોગશીલ સર્જક કિશોર જાદવ ક્યારેક બે શબ્દો વચ્ચે અલિખિત મૌનના શબ્દો ગોઠવે છે, ક્યારેક duality of tone નો પ્રયોગ કરે છે, તો ક્યારેક સાવ રમૂજભરી સરળતાની આડમાં metaphysical રહ્સ્યોનું આખું વિશ્વ ખડું કરી દે છે. માનવચિત્તના સૂક્ષ્મ વ્યાપારોનું આલેખન કરવામાં અને મનોવાસ્તવની ભુમિકા સાચવવામાં પ્રયોગશીલ સર્જક સતત પ્રયત્નશીલ રહ્યો છે.
પ્રયોગશીલ વાર્તાકાર કિશોર જાદવની રચનાઓ સામાન્ય ભાવકને તો સમજાતી જ નથી. આમેય પ્રયોગશીલ કૃતિઓને એક વાંચને તો પામી ન શકાય. દૂર્બોધતા- પ્રયોગશીલતાની નકારાત્મક બાબત છે. આધુનિક સાહિત્ય તેના વિષયવસ્તુને લઇને જ દૂર્બોધ હોય છે, તેમાં ભાષાનો પ્રશ્ન ઉપસ્થિત થાય છે. પ્રતીક, કલ્પનપ્રચૂર પ્રયોગવાળી ભાષા આ દૂર્બોધતામાં વધારો કરે છે. સાચી કલા હંમેશા સંક્રમણ સાધે જ છે, તેના માટે તે સુબોધ હોય એ જરૂરી નથી. દુર્બોધ હોવા છતાં ગુજરાતી ટૂંકી વાર્તા સંક્રમણ સાધી શકી છે, વિવેચન પ્રવૃતિ તેમાં ઉપયોગી થાય છે. જો કે ભાવક સજ્જતા પ્રયોગશીલતાને સમજવા માટેની અનિવાર્ય શરત છે. ભાવકને દુર્ગમ કે દુર્બોધ, અગ્રાહ્ય લાગે તેવી વાર્તાઓનું સર્જન કરતાં કિશોર જાદવ નિરાકારને પણ ‘એક પ્રકારનો આકાર’ કહે છે. તેમની વાર્તાઓનું ગદ્ય કાવ્યની નજીક પહોંચતું લયવાહી ગદ્ય છે. રમણલાલ પાઠક ‘વાચસ્પતિ’ કહે છે, ‘ટેક્નિકની સંપૂર્ણ મૌલિકતા સહિત કિશોર જાદવે આપણી ટૂંકી વાર્તાને એક નવા જ સમુન્નત શિખરે પહોંચાડી છે.’ કિશોર જાદવે વાર્તા કે કલા વિશેના પરંપરાગત ખ્યાલોને પડકાર્યા છે. અગાઉની સાહિત્યિક પરંપરાઓ, માન્યતાઓ અને સૌંદર્યમંડિત ખ્યાલોને અતિક્રમીને તેમણે એક નવો ચીલો ચાતર્યો છે. ગુજરાતી સાહિત્યમાં જ્યારે પ્રયોગશીલ સર્જકોની વાત થાય ત્યારે કિશોર જાદવ તેમાં અગ્રગણ્ય છે.
કિશોર જાદવની વાર્તાઓને ‘વાર્તા’ કહેવી કે ‘તરંગલીલા’ કે ‘શબ્દ્લીલા’ એ વિશે વિદ્વાનોમાં મતમતાંતરો છે. સર્જકનો ચેતોવિસ્તાર છે કે યદ્ચ્છાવિહાર એવો પ્રશ્ન પણ થાય અને છતાં આ શબ્દસૃષ્ટિના સર્જન પાછળ સર્જકનો કશુંય યોજનાપૂર્વક આપવાનો ઉદેશ ન હોવા છતાં એ નિર્હેતુક કે નિરર્થક નથી એવી પ્રતિતી થાય છે. કિશોર જાદવની વાર્તાઓમાં કલ્પનો અને પ્રતીકોના ગૂંથાતા તાણાવાણા સ્વપ્નિલ વાસ્તવિકતા સર્જે છે. દુષ્કર, દુર્ગમ.દુર્બોધ છતાં સ્વપ્નિલ વાસ્તવિકતાની અનોખી ભાત રચતી કિશોર જાદવની વાર્તાઓએ ગુજરાતી સાહિત્યમાં એક નૂતન કેડી રચી આપી છે.તેમની વાર્તાઓમાં વિશેષ શૈલી અને સામગ્રીની વિશિષ્ટ સૃષ્ટિ સર્જાતી જોવા મળે છે. જેમાં વાસ્તવ અને ચૈતસિક અનુભૂતિના સ્તરની નવી જ ભૂમિકાના નવા જ સ્તરનો પરિચય મળે છે અને એટલે જ કિશોર જાદવ આપણા વાર્તાકારોમાં અને વાર્તાવિકાસના ઇતિહાસમાં આગવું અને મહ્ત્વનું સ્થાન ધરાવે છે.
સંદર્ભ-
ડો. સંજય આચાર્ય, ગુજરાતી વિભાગ, મ્યુનિસિપલ આર્ટ્સ & અર્બન સાયન્સ કોલેજ, મહેસાણા Email –acharyasanjay530@gmail.com