Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
ભારત-પાકિસ્તાન વિભાજનની ગુજરાતી દસ્તાવેજી અનુભવકથા

શું ગુજરાતને ભારત અને પાકિસ્તાનના ભાગલા સાથે કોઈ નિસબત ખરો? જો ગુજરાતને ભારત-પાકિસ્તાનના ભાગલા સાથે સંબંધ હોય તો પછી ગુજરાતી ભાષામાં મંટો જેવો વાર્તાકાર કેમ ન પાક્યો? શું ગુજરાતી ભાષામાં ભારત-પાકિસ્તાનના વિભાજનને કેન્દ્રમાં રાખીને સાહિત્ય રચાયું જ નથી? આવા અનેક પ્રશ્નો ભારત-પાકિસ્તાનના વિભાજન પર લખાયેલા ગુજરાતી સાહિત્ય નિમિત્તે પુછાતા રહ્યા છે.

ગુજરાતી ભાષામાં ભારત-પાકિસ્તાનના વિભાજનને અનુલક્ષીને સાહિત્ય રચાયું જ નથી, એવી દલીલ અસ્વીકાર્ય છે. ગુજરાતીમાં આ વિશે સાહિત્ય રચાયું છે પણ તે ઘણું ઓછું છે. એ સ્વીકારવું રહ્યું કે હિંદી, અંગ્રેજી, પંજાબી, ઉર્દૂ કે બંગાળી ભાષામાં જેટલા પ્રમણમાં રચાયું, એટલા પ્રમાણમાં ગુજરાતીમાં સાહિત્ય રચાયું નથી. જે થોડું ઘણું સાહિત્ય રચાયું છે, એ પૈકી સૌથી સમર્થ કૃતિની વાત કરવાની હોય તો એ કમળાબહેન પટેલની ‘મૂળ સોતાં ઉખડેલાં’ હોઈ શકે.

ભારત અને પાકિસ્તાનના ભાગલા બાદની સ્થિતિની વાત આ કૃતિમાં કરવામાં આવી છે. કમળાબહેન પટેલાને ભાગલા પછી અપહ્યતા મહિલાઓને પરત મેળવવાની કામગીરી સોંપવામાં આવી હતી. આ કામગીરી અંતર્ગત હિંદુ અને શીખ ઘરોમાં ગોંધી રખાયેલી મુસ્લિમ મહિલાઓ અને મુસ્લિમ ઘરોમાં કેદ હિંદુ અને શીખ મહિલાઓની પુનર્પ્રાપ્તિ કરવાની હતી. આ દરમિયાનના અનુભવોને કમળાબહેન પટેલે પુસ્તકના સ્વરૂપે શબ્દબદ્ધ કર્યા છે.

‘મૂળ સોતાં ઉખડેલાં’નું સ્વરૂપ

પ્રથમ પુરુષ એકવચન કથનકેન્દ્રથી આરંભાતી આ કૃતિની શૈલી આત્મકથનાત્મક છે. આમ છતાં આ કૃતિને આત્મકથા કહેવી કે કેમ એ પ્રશ્ન છે.

આતમકથાનું એક મહત્ત્વનું લક્ષણ એ છે કે એ સ્વકેન્દ્રી હોય એટલે કે વૃતાંત સ્વનો હોય અથવા સ્વની આસપાસ પથરાયેલો હોય. અન્ય શબ્દ પ્રયોજવો હોય તો આત્મવૃતાંત પણ કહી શકાય. અહીં કમળાબહેનનું કથન સ્વકેન્દ્રી નથી, અહીં તેમનું કથન તેમના અનુભવોની ઇર્દગિર્દ છે. એટલે એ દૃષ્ટિએ તેને આત્મકથા ન કહી શકાય.

આત્મકથાને તપાસવાનું એક માપદંડ ઉદ્દેશ હોઈ શકે, આ અંગે દક્ષા વિ. પટ્ટણીએ પરબના મે ૨૦૦૩ના અંકમાં લખેલા લેખ ‘આત્મકથાનું સાહિત્યસ્વરૂપ’માં આ વિશે વાત કરી છે. તેઓ આત્મકથાનો પ્રાથમિક ઉદ્દેશ કન્ફેશન એટલે કે કબૂલાતને ગણાવે છે. જ્યારે આ પુસ્તક કમળાબહેનનું કબૂલાતનામું નથી.

ચંદ્રકાન્ત ટોપીવાળા તેમના લેખ ‘ગુજરાતી આત્મકથાલેખન’ નામના લેખમાં લખે છે કે ‘આત્મકથા હું કેન્દ્રી સ્વરૂપ છે.’ એટલે જ આત્મકથાને ‘આત્મચરિત્ર’ની વાત કહેવાય છે. નર્મદની ‘મારી હકીકત’, ગાંધીજીની ‘સત્યના પ્રયોગો’, કે પછી નજીકનાં વર્ષોમાં પ્રગટેલી ખલીલ ધનતેજવીની ‘સોગંધનામું’, આ તમામ આત્મચરિત્રોમાં સર્જકના પોતાના જીવનની આસપાસનાં પ્રસંગો, પાત્રો, અનુભવો, વગેરેથી રચાયેલી છે.

જોકે ‘મૂળ સોતાં ઉખડેલાં’માં એવું નથી. આ કથા કમળાબહેન પટેલની પોતાની કથા નથી, આ કથા ભારત તથા પાકિસ્તાનના ભાગલા વખતે ફાટી નીકળેલાં રખાણોમાં અપહરણ કરાયેલી મહિલાઓ અને એમની પુનર્પ્રાપ્તિની કથા છે.

એ દૃષ્ટિએ આને કમળાબહેન પટેલની આત્મકથા મૂલવવાને બદલે તેમની અનુભવકથા કહેવી પડે. સાથે આ કૃતિ નૉન-ફિકશન છે અને એ સમયનો દસ્તાવેજ છે. જેથી એને ‘દસ્તાવેજી અનુભવકથા’ કહેવી વધારે યોગ્ય છે.

આ અગાઉ શરીફા વીજળીવાળાએ કમાળબહેનની આ કૃતિને ‘દસ્તાવેજી અનુભવકથા’ ગણાવી જ છે.

ભાગલા, રમખાણો અને મહિલાઓ

૧૯૪૭નું વર્ષ અને ઑગસ્ટ મહિનો, દેશભરમાં બ્રિટિશરાજમાંથી આઝાદીની ઉજવણી ચાલી રહી હતી અને એ આઝાદી સાથે જ એક સરહદ ખેંચાઈ. આ સરહદની એક તરફનો હિસ્સો એટલે રિપબ્લિક ઑફ ઇન્ડિયા અને સરહદને પેલે પાર ઇસ્લામિક રિપબ્લિક ઑફ પાકિસ્તાન. જેના પગલે હિજરત શરૂ થઈ. નવા જાહેરા કરવામાં આવેલા પાકિસ્તાનમાંથી હિંદુ અને શીખ લોકોએ ભારત તરફ હિજરત કરવી પડી. એ જ રીતે ભારતથી પાકિસ્તાન તરફ મુસ્લિમોએ હિજરત કરી.

આ દરમિયાન રમખાઓ પણ ફાટી નીકળ્યાં હતાં, જેમાં અભૂતપૂર્વ ખૂનરેજી થઈ. જેમાં પાંચથી છ લાખ લોકો મોતને ભેટ્યા હોવાનો અંદાજ છે. જોકે આ આંકડા અંગે વિસંગતિઓ છે અને સમયાંતરે પ્રગટ થયેલાં પુસ્તકો અને અભ્યાસલેખોમાં આ આંકડો બદલાતો રહ્યો છે.

જ્યારે-જ્યારે યુદ્ધ થાય, યુદ્ધસમી પરિસ્થિતિ સર્જાય ત્યારે-ત્યારે મહિલાઓનો ભોગ લેવાય જ છે અને એવું જ આ ભાગલા વખતે અને એની પહેલાં અને પછી થયેલાં રમખાણોમાં થયું છે.

ભારત વિભાજનના તરત પછી સૌથી મોટી સમસ્યા અપહ્યતાં સ્ત્રીઓને પાછી મેળવવાની હતી. ‘Border and Boundries : women in India’s Partition’ પુસ્તક પ્રમાણે હિંદુ અને શીખ પુરુષોએ પચાસ હજાર મુસ્લિમ સ્ત્રીઓનાં અપહરણ કર્યાં હતાં, બીજી બાજુ ૩૩ હજાર હિંદુ અને શીખ સ્ત્રીઓનાં અપહરણ કરાયાં હતાં. એ જ રીતે ઉર્વશી બુટાલીયાએ તેમના પુસ્તક ‘The other side of silence’માં લખ્યું છે કે સરહદની બંને બાજુએથી ૭૫ હજાર મહિલાઓનાં અપહરણ થયાં હતાં.

પુસ્તકો અને સરકારી દસ્તાવેજોમાંથી જે આંકડા મળે છે એ તો અંદાજિત આંકડો છે. સરકારી દસ્તાવેજોમાં નોંધાયેલી ઘટનાઓના આધારે આ આંકડા મૂકવામાં આવ્યા છે. વણનોંધાયેલી ઘટનાઓ સાથે જ અન્ય હજારો મહિલાઓ પર થયેલા અમાનવીય અત્યાચારો ઇતિહાસની સમયરેખામાંથી અલોપ જ છે.

જીશા મેનન તેમના પુસ્તક ‘Performance of Nationalism: India, Pakistan, and the Memory of Partition and the memory of Partition’માં નોંધે છે, " The female body served as the terrain through which to exchange dramatic acts of violence. The gender violence of the partition thus positioned women between symbolic abstraction and embodiment.."

સપ્ટેમ્બર ૧૯૪૭માં આ બાબતને ભારત અને પાકિસ્તાન એમ બન્ને દેશોની સરકારોએ ગંભીરતાથી લીધી ભારતના વડા પ્રધાન નહેરુ અને પાકિસ્તાનના વડા પ્રધાન લિયાકત અલી ખાને બળજબરીપૂર્વક થતાં લગ્નને રોકવા માટે બંને દેશો વચ્ચે ડિસેમ્બરમાં યોજાયેલી ઇન્ટર-ડૉમિનિયન કૉન્ફરન્સમાં કરાર કરાવ્યા.

ગાંધીજીએ પણ આ મામલાને ગંભીરતાથી લીધો હતો 1947ની 7મી ડિસેમ્બરે પ્રાર્થનાસભાના પ્રવચનમાં ગાંધીજીએ કરેલી વાત મનુબહેન ગાંધીએ નોંધી છે, જેને કમળાબહેન પટેલ તેમના પુસ્તકની પ્રસ્તાવના પણ ટાંકે છે. બન્ને દેશો વચ્ચે મળેલી કૉન્ફરન્સનો ઉલ્લેખ પણ એ દિવસે ગાંધીજીએ કર્યો હતો. ગાંધીજીએ એ દિવસે પ્રવચનમાં કહ્યું, “ગઈકાલે થોડી બહેનો હિંદી રાજ્યસંઘમાંથી એક કૉન્ફરન્સના કામમાં ભાગ લેવાને લાહોર ગઈ હતી. એ કૉન્ફરન્સમાં થોડી મુસલમાન બહેનો પણ આવી હતી. મુસલમાનો જે હિંદુ તેમજ શીખ સ્ત્રીઓને પાકિસ્તાનમાં અને શીખો અને હિંદુઓ જે મુસલમાન સ્ત્રીઓને હિંદમાં ઉઠાવી ગયા છે તેમને તેમનાં ઘર ભેગી કરવા શું કરવું એ મુદ્દાની ચર્ચા કૉન્ફરન્સમાં થઈ...મારી નજરે તો કોઈ એક પણ સ્ત્રીનું અપહરણ થાય એ બહુ બુરી વાત છે એવું બને જ કેમ? કોઈ પણ સ્ત્રી હિંદુ છે અથવા શીખ છે અથવા મુસલમાન છે તેટલા જ કારણથી તેને ઉઠાવી લઈ જવી તેને બગાડવી એ અધર્મની હદ આવી ગઈ કહેવાય.”

એ સાથે જ શરૂ થયું, આ મહિલાઓને પાછી મેળવવાની કામગીરી. ભારત વિભાજન વખતે કમળાબહેન પટેલે મૃદુલાબહેન સારાભાઈના માર્ગદર્શનમાં વિભાજનથી પ્રભાવિત વિસ્તારોમાં જે કામગીરી કરી એના અનુભવો ‘મૂળ સોતાં ઉખડેલાં’માં શબ્દબદ્ધ કર્યાં છે. આ કામગીરીનો દસ્તાવેજ એટલે કમળાબહેનની અનુભવકથા. ભારત વિભાજન બાદ સરહદની બંને બાજુએ પુરુષોએ સ્ત્રીઓ પર અને એક ધર્મના માણસે પરધર્મના માણસ પર કેવી ક્રૂરતા દાખવી હતી એનો ચિતાર મૂળ સોતાં ઉખડેલાંના એકેએક પૃષ્ઠમાં મળી આવે છે. કમળાબહેને નોંધ્યું છે એમ અપહ્યતા સ્ત્રીઓને પાછી મેળવવાના કામમાં કૉંગ્રેસ, સોશ્યાલિસ્ટ અને કૉમ્યુનિસ્ટ સહિતના રાજકીય પક્ષો જોડાયા હતા.

કમળાબહેન પટેલ : જીવનપરિચય

કમળાબહેન પટેલનો જીવન પરિચય કે તેમના જીવન પ્રસંગોની ખૂબ જૂજ વિગતો જ પ્રાપ્ય છે. મૂળ સોતાં ઉખડેલાંની બીજી આવૃત્તિ વખતે ચી.ના.પટેલે લખેલી પ્રસ્તાવનામાંથી અને અન્ય એકાદ-બે પુસ્તકોમાંથી કમળાબહેનનો આછો જીવન પરિચય મળે છે.

કમળાબહેનનો જન્મ ખેડા જિલ્લાના સોજિત્રામાં થયો હતો. ચી.ના.પટેલ લખે છે એ પ્રમાણે ચરોતરના જાણીતા 6 ગામના કુલીન ગણાતા પાટીદાર કુટુંબમાંથી કમળાબહેન હતા. કમળાબહેનના પિતા શંકરભાઈ ગાંધીજી અને ગાંધીવાદી વિચારધારાથી પ્રભાવિત હતા.

રફીકા સુલતાના પોતાના પુસ્તક ‘રાષ્ટ્રીય આંદોલનમાં ગુજરાતની મહિલાઓનું યોગદાન’માં કમળાબહેનનો પરિચય ટૂંકમાં આપ્યો છે. એમાં નોંધ્યું છે કે કમળાબહેને અસહકારના આંદોલનમાં ભાગ લેવા માટે શાળાનો અભ્યાસ છોડ્યો હતો.

વર્ષ ૧૯૨૫થી ૧૯૨૯ સુધી તેઓ સાબરમતી આશ્રમમાં રહ્યાં હતાં. મૂળ સોતાં ઉખડેલાં પુસ્તકની પ્રસ્તાવનામાં કમળાબહેન જાતે જ લખે છે, " સ્વાતંત્ર્યની લડતના પ્રારંભથી જ મારા પિતાજી તથા અમે બહેનો એમાં સંકળાયેલાં હતાં અને ગાંધીજીની છત્રછાયામાં ઘડાવવાનું અમને સદભાગ્ય પ્રાપ્ત થયુંહતું." ચી.ના.પટેલ લખે છે, "પુત્રીઓ વિશે હીનભાવનાના આવા વાતાવરણમાં કમળાબહેનના માતાપિતાને ચાર પુત્રીઓ અનેપુત્ર એકે નહીં. ચાર બહેનોમાં કમળાબહેન સૌથી મોટાં તેમની બાર-તેર વર્ષની ઉંમરે માતા મૃત્યુ પામ્યાં અને ત્રણ નાની બહેનોની દેખરેખ રાખવાની જવાબદારી કમળાબહેન ઉપર આવી. પિતા શંકરભાઈને ગાંધીજીની સેવાભાવનાનું આકર્ષણ થયું હતું અને બીજું લગ્ન ન કરતા તેઓ પુત્રીઓ સાથે સત્યાગ્રહ આશ્રમમાં જોડાયા. ગાંધીજીના પ્રેમાળહૃદય છતાં સત્યાગ્રહ આશ્રમનું વાતાવરણ બાળકોને ભારે લાગે એવું હતું...અઢારેક વર્ષની ઉંમરે એમનું લગ્ન થયું પણ લગ્ન પછી એક જ વર્ષમાં તેઓ બે ઓરમાન બાળક પુત્રીઓને ઉછેરવાની જવાબદારી સાથે વિધવા થયાં."

કમળાબહેનનો જીવનપરિચય મેળવવો હોય તો આવા જ છૂટા-છવાયા લખાણોને એક સાથે મૂકીને જોવાં પડે. જોકે કમળાબહેનના વ્યકિતત્વનો સાચો પરિચય તો તેમની અનુભવકથાના પ્રસંગોમાંથી જ મળે છે.

વર્ષ ૧૯૪૭ના અંતમાં કમળાબહેન પાકિસ્તાન પહોંચે છે અને ૧૯૫3ના વર્ષની શરૂઆત સુધી કામગીરી પૂર્ણ કરી તેઓ ભારત પરત આવે છે. એટલે કે અહીં ‘મૂળ સોતાં ઉખડેલાં’માં ૧૯૪૭થી ૧૯૫૩ સુધી કમળાબહેન પટેલે કરેલી કામગીરીને આલેખવામાં આવી છે.

આશરે બે વર્ષ અને બે-ત્રણ મહિનાના સમયમાં કમળાબહેને અપહ્યતા સ્ત્રીઓને પ્રાપ્ત કરીને તેમના પરિવારો પાસે મોકલવાની કામગીરી કરી હતી. તેમણે કરેલી કામગીરીને વધુ સારી રીતે સમજવા કમળાબહેને પોતાના શબ્દોમાં કામગીરી અંગે કરેલું વર્ણન જોઈએ,
લાહોરની ગંગારામ ઇસ્પિતાલમાં છાવણી ખોલવા માટેની જે જગ્યા પાકિસ્તાન સરકાર તરફથી મળી હતી, ત્યાં પુનઃપ્રાપ્ત થયેલી બહેનોને ટૂંક સમય રહેવાની આવશ્યક સગવડો ઊભી કરવાની હતી. ઉપરાંત ભારતમાંથી આવતી કાર્યકર્તા બહેનોને રહેવા માટેની સગવડ કરવાની હતી અને મારે માટે પણ સગવડ કરવાની.

ભારતમાંથી કાર્યકર્તા બહેનો આવે એમને પાકિસ્તાનના કયા જિલ્લામાં મોકલવી તેનો નિર્ણય કરી કાર્યકર્તા બહેનોને સાથેલઈ જે-તે જિલ્લામાં જવું અને જિલ્લાના કલેકટરને મળીને જિલ્લા છાવણી ટ્રાન્ઝિટ માટે સ્થાન મેળવવું, કાર્યકર્તા બહેનોને ત્યાં ગોઠવી રાશન ઇત્યાદિની ગોઠવણ કરવી, લાગતા-વળગતા અધિકારીઓની ઓળખાણ કરાવવી, કાર્યકર્તા બહેનોને તેમના કામની વિગત સમજાવી અને કામ કરતાં જે મુશ્કેલીઓ ઊભી થાય તેનો શક્ય ઉકેલ શોધી આપવો.

ભારત અને પાકિસ્તાન સરકારો વચ્ચે થયેલા કરાર મુજબ પાકિસ્તાનમાંથી પુન:પ્રાપ્ત થયેલી હિંદુ સ્ત્રીઓને ભારતીય પ્રદેશના પંજાબના જલંધર ખાતે શરૂકરવામાં આવેલા ગાંધી વનિતા આશ્રમમાં મોકલવાની ગોઠવણ કરવી. ગાંધી વનિતા આશ્રમ પુનઃપ્રાપ્ત થયેલી બહેનોને માટે શરૂ કરાયું હતું.

ભારત અને પાકિસ્તાનની સરકારો વચ્ચે સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ અંગે થયેલા કરારોનો પાકિસ્તાન સત્તાવાળાઓ અમલ કરે તે માટે પાકિસ્તાનના લાગતા-વળગતા ખાતાના અધિકારીઓના સંપર્કમાં રહેવું અને કામની સરળતા અર્થે તેમની સાથે જરૂરી વાતોચીતો અને મંત્રણા કરવી.

લાહોર ખાતેના ભારતના ડૅપ્યુટી હાઈકમિશનની કચેરીના અધિકારીઓને આવશ્યકતા ઊભી થઈ સલાહ-સૂચન મેળવવા. પુનઃપ્રાપ્તિ અંગે ભારત-પાકિસ્તાનના પ્રતિનિધિઓની બેઠકો મળે ત્યારે થયેલાં કામોની અને તે અંગે અનુભવવામાં આવેલી મુશ્કેલીઓની વિગતોથી ભારતના પ્રતિનિધિઓને વાકેફ કરવા. જેથી મંત્રણા દરમિયાન આ મુશ્કેલીઓનો ઉલ્લેખ કરી તેઓ પાકિસ્તાનના પ્રતિનિધિઓ સાથે ચર્ચા કરી શકે."

આ પ્રકારની કામગીરી પ્રારંભના સમયમાં મૃદુલાબહેન સારાભાઈનાં માર્ગદર્શનમાં નક્કી કરાઈ હતી. જોકે સમય જતા કામગીરીનું વિસ્તરણ થયું અને કાર્યક્ષેત્ર પણ લાહોર સુધી સીમિત નહોતું રહ્યું.

કમળાબહેને ૧૯૪૭ના ઉત્તરાર્ધથી ૧૯૫૩ સુધીના તેમના અનુભવોને શબ્દબદ્ધ કરવાની પ્રક્રિયા ૧૯૭૯માં કરે છે. આ અનુભવો આ યુગની સૌથી ભયાનક ઘટનાના છે, જેને ફરી વખત યાદ કરીને લખવાનું સ્વભાવિકપણે કોઈને પણ ન ગમે. જે અમાનવીય કૃત્યો, મહિલાઓ પર થતા અત્યાચારો અને એના કારણે સ્ત્રીઓએ વેઠેલી યાતનાઓને પુનઃયાદ કરીને લખવાનું કાર્ય કપરાં ચઢાણ ચઢવા જેવું છે.એક દુઃખદ પ્રસંગે અને એ પણ જ્યારે ભારત વિભાજન સંદર્ભે હોય ત્યારે પૂર્વાગ્રહગ્રસ્ત થયા વગર લખવું લગભગ અશક્ય છે. પરંતુ પૂર્વાગ્રહ અને અતિશયોકિત વગર કમળાબહેને મૂળ સોતાં ઉખડેલાંમા એકએક પ્રસંગ આલેખ્યા છે.

આ અનુભવકથાની રચના કરવાનું કામ કમળાબહેન માટે કેટલું કઠિન રહ્યું હશે એનો તાગ અહીં એમના જ લખાણમાં મળે છે, “૧૯૫૨ની આખરે હું દિલ્હીથી મુંબઈ આવી ત્યારે આ અનુભવો વિશે મિત્રો સાથે સહજ રીતે જ વાતો થતી મિત્રો અને સ્નેહીઓ એ અનુભવોને શબ્દબદ્ધ કરવા કહે પણ મને એ માટે રુચિ થાય નહીં. બનેલા બનાવોની યાદ આવે અને ઉશ્કેરાઈ જવાય, મન પર ઉદાસીનતા છવાય જાય. પંજાબની સ્ત્રીઓને જે યાતનાઓ વેઠવી પડી હતી તેનાથી ઊભી થયેલી પુરુષજાત સામેની અણગમતી લાગણી પણ હજુ તાજી હતી. સામાન્ય સંજોગોમાં સભ્યતાના આંચળા હેઠળ ઢંકાયેલી રહેલી પાશવતા પંજાબની વિશિષ્ટ પરિસ્થિતિમાં વરવારૂપે પ્રગટ થઈ રહી હતી. એવી નરી પાશવતાની વાતોને કાગળ પર મૂકવાથી શો લાભ? આવો પ્રશ્ન મનમાં ઘોળાયા કરતો.”

બે વર્ષ જેટલો સમય જ્યારે અપહરણ કરાયેલાં મહિલાઓને પુનઃપ્રાપ્ત કરવાની કામગીરીમાં પરોવાઈને વિતાવ્યો હોય અને બે વર્ષ સુધી સતત ચોફેર હિંસાઓ જોઈ હોય, સાંભળી હોય અને સાંભળીને અનુભવી હોય. ત્યારે સ્વાભાવિકપણે આ તમામ યાદોથી ભાગવાનું મન થાય, મનમાં અનેક આવેગો ઊભા થાય.

અનુભવોનાં ૨૭ વર્ષ બાદ ફરીથી બધું યાદ કરીને કમળાબહેન પટેલે લખ્યું એટલે એમને પોતાની કૃતિ અને પોતાના અનુભવો સાથે ઍસ્થેટિક ડિસ્ટન્સ (Aethetic Distance) રાખવાનો અવકાશ પણ મળ્યો. જો આ અવકાશ ન મળ્યો હોત તો કૃતિમાં જે તાટસ્થ્યભાવ જોવા મળે છે એની કદાચ ગેરહાજરી જોવા મળી હોત.

તેઓ લખે છે, “પછી તો ૨૭ વર્ષનાં વહાણાં વીત્યાં, આવેગો કંઈક ઠર્યા ઉંમર વધતાં મન હકીકતોને એના સાચા પરિપ્રેક્ષ્યમાં અને સ્વસ્થ દૃષ્ટિએ જોતું થયું. એવામાં સ્વર્ગસ્થ મૃદુલાબહેનનાં સ્મરણો લખવાનો પ્રસંગ આવ્યો અને મનના ખૂણામાં દટાયેલા પંજાબના અનુભવો સપાટી પર આવવા લાગ્યા ને ભાષાના વાતાવરણમાં કોઈકોઈ પ્રસંગે જોવા મળેલી માનવતા પણ ડોકિયા કરવા લાગી. મિત્રો અને સ્નેહીઓના આગ્રહનો સ્વીકાર કરી અનુભવોને શબ્દબદ્ધ કરવાનો એક પ્રયત્ન કરી જોવાની હિંમતઆવી.”

કમળાબહેન પટેલે સાહસ કરીને આ અનુભવકથા આજની એ પેઢી માટે અગત્યની છ જે પેઢીએ ભારતનું વિભાજન જોયું જ નથી અને ભારતના વિભાજન વખતની પાશવતાથી ભરપૂર પરિસ્થિતિનો ખ્યાલ નથી.

ઇતિહાસલેખોનાં સમથળ વર્ણનો અને માહિતી, ભારત વિભાજન જેવી ઘટનાઓનો ચિતાર આપવા પૂરતાં નથી. ભારત વિભાજન સમયના દોજખ જેવા અનુભવોને ઇતિહાસલેખો પૂરી રીતે અભિવ્યકત કરવા સમર્થ નથી.

આ પુસ્તક પ્રકાશિત એવા વખતે થયું હતું, જ્યારે ભારત વિભાજનની ઘટના પછી જન્મેલી એક પેઢી આવી ચૂકી છે. કદાચ આ પેઢીમાંથી કેટલાક લોકોએ ભારત વિભાજના અનુભવો તેમના પહેલાંની પેઢી પાસેથી સાંભળ્યા હશે. પોતાની જિંદગીના ત્રણથી વધુ દાયકા વિતાવી ચૂકેલા લોકોની પેઢી અને ત્યારબાદની પેઢીમાંથી એક મોટો વર્ગ એવો છે કે જેમણે ભારત વિભાજન વિશે ખ્યાલ સુદ્ધાં નથી. આ સમયે આ પુસ્તકની મહત્તા હજુ વધુ જાય છે.

‘મૂળ સોતાં ઉખડેલાં’ની બીજી આવૃત્તિ વખતે આલુ દસ્તુર લખે છે, “ભારતના ભાગલાનાં પરિણામે જાગેલી ભયંકર અવસ્થાનો સહેજ પણ અનુભવ થયો ન હોય એવી એક પેઢી પણ આજે મોટી થઈ ગઈ છે. ભાગલાના દેખાતા ઘા રુઝાઈ ગયા છે અને તેના ચાઠા પણ હવે ઝાંખા થવા લાગ્યા છે. પરંતુ જેમણે માણસની સામે માણસે અને સ્ત્રીની સામે પુરુષે આચરેલી ક્રૂરતા જોઈ હતી અથવા અનુભવી હતી તે તેને કદી પણ વિસારે પાડી શકશે નહીં તેમના હૃદય અને મન બંધ થઈ ગયા છે અને તેમને થયેલા આ ભયંકર અનુભવો તેમની જાગ્રત અવસ્થામાં ભૂતની માફક તેમનો પીછો છોડતા નથી." આલુ દસ્તૂરનાં આ વિધાન સચોટ છે.

૩૦ નવેમ્બર ૧૯૪૭ના દિવસે કમળાબહેન અમદાવાદથી દિલ્હી પહોંચ્યાં અને તેઓ રામેશ્વરી નેહરુને મળ્યાં, ત્યારેકમળાબહેનની ઉંમર ૩૫ વર્ષ હતી, પહેલી નજરે રામેશ્વરી નહેરુને પણ કમળાબહેનને મોકલવાનું યોગ્ય નહોતું લાગ્યું. પાકિસ્તાન જવા ઇચ્છતા નિર્વાસિત મુસલમાનોને લઈ જવા જે વિમાન રાખવામાં આવ્યાં હતાં તેમાં જ કમળાબહેને પણ લાહોર જવાનું હતું. આ કામગીરીમાં કમળાબહેન ઉપરાંત મૃદુલા સારાભાઈ, સૂચેતા ક્રિપલાની અને રામેશ્વરી નહેરુ જેવાં બહેનો પણ સંકળાયેલાં હતાં. પરંતુ કમળાબહેનનું કામ સૌથી કપરું હતું કારણકે તેમના ભાગે લાહોરમાં રહીને કામ કરવાનું આવ્યું હતું. ક્યાંથી કાર્ય શરૂ કરવું, શું કરવું, એની કમળાબહેનને ખબર નહોતી, અજાણ્યો પ્રદેશ અજાણ્યા માણસો અને ચોમેર ચાલી રહેલી હિંસા વચ્ચે આ કામગીરી કરવી કઠિન હતી.

લાહોર પહોંચીને જ્યારે નિર્વાસિતોની છાવણીનું દૃશ્ય જોયું ત્યારે કમળાબહેન પોતે જ હેબતાઈ ગયાં હતાં. છાવણીનું વર્ણન કરતાં તેમણે લખ્યું છે, “ચારે બાજુએ ગંદવાડ અને માખીઓનો ગણગણાટ, કૉલેરા જેવા રોગોથી પીડાતાં બાળકો પોતાનાં જ મળ-મૂત્ર વચ્ચે પડ્યાં હતાં. ટાઇફૉઇડના દર્દીઓ પણ આમ જ હતા. આ પરિસ્થિતિમાં ક્યાં બેસવું અને સામાન ક્યાં મૂકવો તેની મને સમજ પડી નહીં શ્વાસ લેતાં પણ ડર લાગતો હતો, ત્યાં તરસ છીપાવવા પાણી કેમ ગળે ઊતરે. આંખોમાં આવતાં આંસુને માંડમાંડ રોક્યાં.”

આ પરિસ્થિતિમાં કમળાબહેનની કામગીરી શરૂ થઈ, કમળાબહેને માત્ર સરકારી અધિકારીઓ સાથે કામ પાર પાડવાનું હોત તો બહુ વાંધો નહોતો. અહીં તો વિપરીત પરિસ્થિતિઓ સામે લડવા જેવી સ્થિતિ હતી.

જીતેલા રાજાની સેનાએ હારેલા રાજાના રાજ્યની સ્ત્રીઓ શારીરિક અને માનસિક બન્ને પ્રકારે અત્યાચારો ગુજાર્યા છે. આ બધા અમાનુષી કૃત્યોનો સ્ત્રીઓ સામનો પણ કરતી હતી, પોતાની જાત અને શિયળની રક્ષા કરવાં માટે સ્ત્રીઓ કૂવામાં કૂદીને આત્મહત્યા કરી હોય એવા કિસ્સા પણ વિભાજનનાં પૃષ્ઠોમાં નોંધાયાં છે.

કમળાબહેને એક કિસ્સો ટાંક્યો છે તેઓ છાવણીની ગોઠવણ માટે પંજાબ સરહદના માવલી જિલ્લાના એક ગામમાં જાય છે ત્યારે તેમને ઇસ્લામ સ્વીકારી ચૂકેલા હિંદુ કરિયાણાવાળાએ એક કૂવો દેખાડ્યો હતો જે શિયળની રક્ષા કરવાં તેમાં કૂદી પડેલાં સ્ત્રીઓનાં શબોથી ભરાઈ ગયો હતો.

આ જ પ્રકારનો એક પ્રસંગ ભીષ્મ સાહનીએ તેમની નવલકથા ‘તમસ’માં આલેખ્યો છે. “તોફાનો દરમિયાન અપહરણ કરાયેલી સંખ્યાબંધ સ્ત્રીઓને અનેકવાર વેચી દેવામાં આવતી હતી કેટલીકને તો વળી સંબંધીઓ અને મિત્રોને ભેટ તરીકે મોકલી આપવામાં -આવતી હતી. ચાર-છના હાથમાંથી પસાર થયા પછી છેવટે આવી સ્ત્રીઓ પૈકી કેટલીક કોઈને ત્યાં સ્થિર થઈ જતી હતી તો કેટલીક સાવ રસ્તા પર ફેંકાઈ જતી હતી."

શાબ્દિક અભિવ્યક્તિ ન થઈ શકે એવી અમાનવીય યાતનાઓ, ક્રૂર અને ભયાનક અનુભવોમાંથી પસાર થયેલી બહેનોની પુનઃપ્રાપ્તિ કરીને છાવણીમાં લાવવાનું કામ કમળાબહેન અને તેમનાં સાથીઓનું હતું.

કમળાબહેન આગળ લખે છે, “શરૂના દિવસોમાં કારીગર વર્ગની મેલીઘેલી એક પ્રૌઢ અને એક જુવાન એમ બે સ્ત્રીઓને અમારી છાવણીમાં લાવવામાં આવી. લાહોરની છાવણીમાં લાવતા માર્ગમાં જ ભારતીય માણસોએ તેમના પર બળાત્કાર કર્યાની હકીકત તેમના જ મોંએ સાંભળતા અમે ડઘાઈ ગયાં."

એ વખતે ફક્ત યુવાનવયની સ્ત્રીઓએ જ શારીરિક યાતનાઓ વેઠી એવું નથી, હિંસાના એ ચક્રમાં તમામ વયવર્ગની મહિલાઓને ભોગ બનવાનો વારો આવ્યો.

હિજરત વખતે કે પુનઃપ્રાપ્તિ વખતે લઈને આવતા અથવા મદદ કરવાના નામે સાથે આવતા પુરુષોનો જ ભોગ સ્ત્રીઓ બની હોય એવું પણ થયું છે. ભારત વિભાજન અને પ્રત્યક્ષ જોનારા અને વિભાજન વખતે ભારત આવી ગયેલાં અને હાલ વડોદરામાં વસતાં સરલાબહેને પણ મુલાકાતમાં કહ્યું હતું, “સરહદની બંને બાજુ રાહત છાવણીઓમાં જ સ્ત્રીઓ પર બળાત્કાર થયા હોય એવું અમને યાદ છે. કેટલાંક સંબંધીઓ જે હિજરત કરીને પાછળથી આવ્યાં હતાં અને નિર્વાસિતો સાથે છાવણીઓમાં રહ્યાં હતાં, તેમણે તો એવું પણ કહ્યું હતું કે કેટલીક વખત સૈન્યમાં ફરજ બજાવતા પુરુષોએ પણ નિરાશ્રિત સ્ત્રીઓને ભોગ બનાવી હતી.”

આ ઘટના પછી કમળાબહેને એવો નિર્ણય કર્યો હતો કે સ્ત્રીઓને વિવિધ જિલ્લાઓમાંથી લાહોર લાવતા બસમાં એક કાર્યકર્તા બહેનની હાજરી હોવી જ જોઈએ. અહીં સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિની ગંભીરતા સમજીને અલગઅલગ વિચારધારાના લોકો એકસાથે જોડાઈને કામ કરી રહ્યા હતા ત્યારે સરકારી બાબુઓનો મિજાજ કંઈક જુદો હતો પછી એ ભારતના હોય કે પછી પાકિસ્તાનના. આ બાબતની ખરાઈ એક-બે પ્રસંગો પરથી પણ થાય છે – “જિલ્લાઓની છાવણીમાંથી કાર્યકર્તાઓ તરફથી ફરિયાદો મળતી કે પાકિસ્તાનની પોલીસ પ્રમાણિકપણે કામ કરતી નથી ઠરાવેલા સમયે તે આવતી નથી અને આવી પહોંચે ત્યારે બહાનું કાઢે કે મોડું થઈ ગયું છે સાંજ પડે તે અગાઉ પહોંચાશે નહીં અને આમ કહી જવાનું બીજા દિવસ પર મુલતવી રાખતા. આ દરમિયાન જે ગામમાં જવાનું ધાર્યું હોય તે ગામમાં બાતમી પહોંચી ગઈ હોય જેના પરિણામે ત્યાંથી હિંદુ સ્ત્રીઓને બીજી જગ્યાએ મોકલી આપવામાં આવતી હોય."

અન્ય એક પ્રસંગમાં લખ્યું છે, “સરહદ ઉપર તરેહ-તરેહની અફવાહ ચાલ્યાં કરતી હતી. ભારત તરફ જતી લોરીને કોઈ કારણે પાકિસ્તાન તરફથી સરહદ પર રોકવામાં આવે કે આગળ જવા માટે અનુમતિ મેળવવામાં વિલંબ થાય તો આ અંગેના સમાચાર અતિશયોક્તિ સાથે ભારતની સરહદ પર પહોંચી જતા. ભારતીય અધિકારીઓ પણ આના વળતાં પગલાં તરીકે આવા પ્રકારનો વિલંબ કરતા હતા એ જ પ્રમાણે ભારત તરફથી સરહદ પર જે કંઈ બને તેના પ્રત્યાઘાતો તરત જ પાકિસ્તાનની સરહદ પર પડતા અને તેનો બદલો અનેક રીતે ભારત તરફ જતા વાહનવ્યવહાર પર લેવામાં આવતો.’

ફેબ્રુઆરી ૧૯૪૮ના પ્રથમ સપ્તાહને પુનઃપ્રાપ્તિ સપ્તાહ તરીકે મનાવવાનો અને આ દરમિયાનમાં સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિની કામગીરી વધુ ઝડપી બનાવવાનો નિર્ણય જાન્યુઆરી ૧૯૪૮માં ભારત અને પાકિસ્તાનની પ્રધાનકક્ષાની બેઠક મળી હતી. જેની નોંધ કમળાબહેને પણ લીધી છે. હકીકતે તો પાકિસ્તાનમાં રહેલી હિંદુ અથવા શીખ સ્ત્રીઓ કરતાં ભારતમાં રહેલી મુસ્લિમ સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિની કામગીરી વધારે કઠિન હતી. પાકિસ્તાનમાંથી હિંદુ અને શીખ સ્ત્રીઓને પુનઃપ્રાપ્ત કરવાની કામગીરીને બિરદાવતા ભારતીય લોકો અને અધિકારીઓ જ ભારતમાંથી મુસ્લિમ સ્ત્રીઓને પુનઃપ્રાપ્ત કરવાની કામગીરીની નિંદા પણ કરતા હતા.

કમળાબહેને એક પ્રસંગ નોંધ્યો છે, “ભારતમાં રહી જવા પામેલી મુસ્લિમ સ્ત્રીઓની એક યાદી પાકિસ્તાનની સરકારના અધિકારીઓ તરફથી મળી હતી, આ યાદી પર ચર્ચા ચાલી રહી હતી. યાદી જોઈને આપણા પોલીસ અધિકારીઓએ કહ્યું કે આટલી મોટી સંખ્યામાં મુસલમાન સ્ત્રીઓ ભારતમાં છે જ નહીં આપણી બહેન દીકરીઓ પાકિસ્તાનમાં રહી ગઈ છે તેમાંની એકને પણ પાછી મેળવવાનો પાકિસ્તાને પ્રયત્ન કર્યો નથી આવા સંજોગોમાં અહીં કામ કરવાની તમે અમને ફરજ પાડો તે વાજબી નથી. પંજાબની સ્ત્રીઓ ગઈ છે શું કરવું અને શું ન કરવું તેનો નિર્ણય ખુદ પંજાબીઓ જ કરી લેશે બીજા પ્રદેશના લોકોને અમારી લાગણી સમજાશે નહીં...લાહોરની તમે જેટલી સંખ્યામાં હિંદુ સ્ત્રીઓને મોકલી આપશો કેટલા સંખ્યામાં અહીંથી મુસ્લિમ સ્ત્રીઓ મળશે."

ચીજવસ્તુઓ કે માલમિલકતની જેમ સ્ત્રીઓની અદલાબદલી કરવાનો વિચાર આ અધિકારીઓ પ્રસ્તાવરૂપે મૂકે એ દર્શાવે છે કે આ અધિકારીઓ પણ ધર્મ, કોમ અને જ્ઞાતિના પૂર્વગ્રહોથી મુક્ત નહોતા. કમળાબહેન લોકોએ મુસ્લિમ સ્ત્રીઓને પુનઃપ્રાપ્ત કરવાના કામનો આરંભ કર્યો એ સાથે તેના પ્રત્યાઘાતરૂપે અપહરણ કરનારાઓએ મુસ્લિમ સ્ત્રીઓના અંગ પર ઓમ કે હિંદુ અથવા શીખ ધર્મના મંત્રોના છૂંદણાં પાડી દેતાં હતાં.

કમળાબહેને તો એવું પણ નોંધ્યું છે કે જિલ્લા અને તાલુકા સ્થળના કૉંગ્રેસી કાર્યકરો આ સ્ત્રી હિંદુ છે એવાં ખોટાં પ્રમાણપત્રો આપતા અચકાતા નહોતા. ભારત વિભાજને કેટલાક અંશે સંબંધોની પોકળતા પણ છતી કરી પંજાબના હિંદુઓનાં ઘરોમાં રહેલી મુસ્લિમ સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિની કામગીરી દરમિયાન પુનઃપ્રાપ્ત કરાયેલી સ્ત્રીઓને અમૃતસરની વચગાળાની છાવણીમાં લઈ જવામાં આવે ત્યારે તેમની પાછળ તેમની તપાસ કરતા અપહરણ કરનારા પણ આવી પહોંચતા હતા. એવું કમળાબહેને નોંધ્યું છે.

સમજાવટમાં કમળાબહેન અપહરણકરનારા પુરુષોને પૂછતાં, “આ સ્ત્રી મુસલમાન છે એ વાત તો સાચીને, એ તમારી પાસે કેવી રીતે આવી?”

કમળાબહેનના સવાલનો દરવખતે એક સરખો જવાબ મળતો, “હા, એ પહેલાં મુસલમાન હતી પણ એને અમૃત છાંટીને હિંદુ બનાવવામાં આવ્યા પછી તેની સાથે રીતસરની શાદી કરી છે."

કેટલાક લોકો તો નફ્ફટાઈપૂર્વક જવાબ આપતા કે, "બીબીજી આપ હમકો યહ ઔરત કો વાપસ દે નહીં સકતે હૈ, લેકિન હમને સુના હૈ કિ પાકિસ્તાન સે બહોત હી હિંદુ સ્ત્રીયા આપકે પાસ આતી હૈ. યહ સ્ત્રી હમકો વાપસ ન દેસકો તો પાકિસ્તાન સે આઈ હુઈ કોઈ એક સ્ત્રી દે દો."

આ વિધાન વિભાજન વખતે નારીઓ પર થતો અત્યાચાર દર્શાવે છે એટલું જ નહીં, આ વિધાન પુરુષપ્રધાન સમાજના પુરુષોનો સ્ત્રીઓ પ્રત્યેનો અભિગમ દર્શાવે છે. જ્યાં સ્ત્રીપુરુષો માટે એક વ્યકિત નહીં પણ વસ્તુ કે સાધન માત્ર છે. બાકી માણસની આ પ્રકારની અદલાબદલી કરવાનો વિચાર એક માણસને કેવી રીતે આવી શકે? એ પણ એવા સમયે, જ્યારે પોતાનો જીવ જોખમમાં છે અને હિજરત કરવાનો વારો આવ્યો છે.

કમળાબહેન નોંધે છે એ પ્રમાણે પાકિસ્તાનમાંથી માલમિલકત છોડીને જીવ બચાવવા ભારત આવતા નિર્વાસિતોના મોટામોટા ટોળાં ભારતીય છાવણીઓ સુધી પગે ચાલતાં આવતાં હોય તે દરમિયાન એકાદ-બે મુસલમાન સ્ત્રીને રસ્તે ચાલતાં જુએ તો તેને ઘેરીવળી નિર્વાસિત તરીકે ભારત લઈ આવે. ભારત પહોંચે ત્યારે બળિયાના બે ભાગ એ ન્યાયે જે વધારે શકિતશાળી પૂરવાર થાય તે આવી સ્ત્રીને છેવટે આંચકીલે.

કમળાબહેન પુસ્તકમાં કેટલીક જગ્યાઓએ ભૌગોલિક પરિસ્થિતિ અને લોકોની સંસ્કૃતિ તથા રહેણીકરણી

વિશે પણ નોંધે છે. ક્યાંકક્યાંક નિર્વાસિતોનાં વર્ણનો પણ કરે છે, પ્રથમ પ્રકરણમાં જ નોંધ્યું છે એ પ્રમાણે

“પાકિસ્તાન છતાં આ નિર્વાસિતો સામાન્ય વર્ગના લાગતા હતા. કેટલાકના પરિવારમાં બકરીઓ પણ હતી. ઘણા પુરુષોના હાથમાં હુક્કા હતા. બધી સ્ત્રીઓ બુરખાવાળી હતી. તેમની સાથેના ઘરવખરીના સામાનમાં નાળચા વાળા લોટા અને ટમલર જેવી મામૂલી ચીજો હતી."

ચોથા પ્રકરણમાં પંજાબના જનજીવન અને લોકોનું વર્ણન કરતાં કમળાબહેને લખ્યું છે, “પંજાબની પ્રજા બહાદુર અને ઉદાર છે વાતવાતમાં ઉશ્કેરાઈ જવાની તેને આદત હોવા છતાં પરિસ્થિતિને સહાનુભૂતિ અને સમજપૂર્વક સંભાળી લેવામાં આવે તો જરૂર પડ્યે માથું આપતાં અચકાય નહીં તે અમે અનુભવી જોયું છે...પંજાબનો જમીનદાર વર્ગ બીજા પ્રદેશોના જમીનદાર વર્ગ જેવો પણ તેમના કરતાં પ્રમાણમાં વધુ રંગીલો. સામાન્ય પ્રજાજનો પૈકી મોટાભાગે લોકો કાં તો લશ્કરમાં હોય કે કારીગર યા ખેડૂતનું જીવન જીવતાં હોય. કોઈપણ ગામ એવું જોવા મળતું નહીં જેના કુટુંબની એકાદ વ્યકિત લશ્કરમાં ન હોય. વગર તાલીમ એ નાનાં યંત્રોનાં ઉત્પાદનથી માંડીને મોટા પુલો ઊભા કરવાની તે હામ ભીડે અને મહદંશે તેમાં સફળતા મેળવે. ગુરદાસપુર જિલ્લાનું બટાલા ગામ આનું આદર્શ ઉદાહરણ છે. એકેએક ઘર જૂઓ તો આગળ કોઈને કોઈ કારખાનું હોય અને એની પછવાડે રહેઠાણ. આ કારખાનામાં નાની-મોટી જાતજાતની ચીજવસ્તુઓ બનતી હોય ગમે તે પ્રકારનાં યંત્રોનાં સમારકામ થતાં હોય. મકાનનો કહેનાર પોતે જ કારખાનાનો મલિક, કારીગર અને મજૂર. વિભાજન અગાઉના દિવસોમાં ચારેકોર દાવાનળ સળગતો હતો ત્યારે પણ તે સ્વસ્થ પણે પોતાનો જીવનવ્યવહાર ચલાવતો. પોતાના સ્વજનોને પાછળ છોડીને સેંકડો માઇલ પગે ચાલીને અજાણી તરફ પંજાબ સિવાયના ભારતના અન્ય પ્રદેશના લોકોને જવાનું બન્યું હોત તો તે ભય અને દુઃખથી ભાંગી પડે અથવા માર્ગમાં જ મરણ પામત."

આ જનજીવનને લોકોની રહેણીકરણીને ભારત વિભાજનની ઘટનાએ તહસ-નહસ કરી નાખ્યા. પોતપોતાનાં કામ-ધંધા, મીલ-કારખાનાં, જમીન-ખેતર છોડી કરીને આ પ્રજાએ હિજરત કરવી પડી અને નવેસરથી પોતાનું જીવન શરૂ કરવાનો વારો આવ્યો.

કમળાબહેનના શબ્દોમાં પંજાબની ખમીરવંતી પ્રજાએ ટક્કર ઝીલી જાણી. જન્મથી જ સારી સ્થિતિમાં ઊછરેલા લોકોએ પગભર થવા કાળી મજૂરી કરી પણ ભીખ ના માગી. હજુ પણ આ લોકો પોતાનાં વતન, પોતાનાં ઘર, પોતાનાં ખેતરો અને સૌથી વિશેષ પોતાનાં સ્વજનોને જોવા માટે તરસે છે.

ભારત વિભાજને માત્ર બે દેશ કે બે કોમને અલગ કર્યાં એવું નથી, ભારતવિભાજને કેટકેટલાય લોકોને એકબીજાથી છૂટા પાડ્યા સંબંધોના તાંતણાઓ ગૂંચવી કાઢ્યા. ભારત વિભાજને કેટલાંય માતા-પુત્રને અને કેટલાંય પ્રેમી યુગલોને એકબીજાથી છૂટાં કર્યાં. વિભાજન પહેલાં, વિભાજન વખતે અને એ પછી થોડાક મહિનાઓ સુધી ચાલેલાં રમખાણો અને હિજરત દરમિયાન કેટકેટલાય લોકોએ પોતપોતાના સ્નેહીજનોને ગુમાવ્યા હશે તેનો અંદાજ મેળવવો અશક્ય છે. આવા કિસ્સાઓ અને પ્રસંગો છાવણીઓમાં ચર્ચાતા રહેતા. કમળાબહેનના કાને પણ આવા પ્રસંગો આવતા, એટલે જ કમળાબહેને જીતુ અને ઈસ્મતનો પ્રસંગ પુસ્તકમાં લખ્યો છે.

“વિભાજન અગાઉ રાવલપિંડીનું એક ખાનદાની કુટુંબ પ્રત્યેક વર્ષે કાશ્મીરમાં રજા ગાળવાં જતું હતું. આવી જ રીતે અમૃતસરનું એક લાલાજીનું કુટુંબ પણ કાશ્મીરમાં જતું હતું. બંને કુટુંબો એક જ હોટેલમાં રહે અને તેમને વારંવાર મળવાનું થાય, એટલે આ કુટુંબનાં મોટેરાઓ અને બાળકો વચ્ચે મિત્રાચારીના પ્રસંગો ઊભા થતા હતા. બંને કુટુંબનાં બાળકો સાથે હરેફરે અને છૂટા પડતાં આવતા વર્ષે ફરી ત્યાં જ ભેગા થવાના મનસુબા ઘડે. વિભાજન સુધી બંને કુટુંબ માટે કાશ્મીર જવાનો આ ક્રમ ચાલુ રહ્યો. લાલાજીના એક દીકરાનું નામ જીતુ અને પઠાણ કુટુંબની દીકરીનું નામ ઈસ્મત. જીતુ અને ઈસ્મત વચ્ચેની મૈત્રી કંઈક નાજુક ભાવનાઓમાં આગળ વધતી ચાલી હતી. ૧૪ વર્ષની ઈસ્મત અને ૧૭વર્ષના જીતુના આ મૈત્રીના ભાવ સ્પષ્ટ ન હોય એ સ્વાભાવિક હતું...દેશના વિભાજન પછી તુરત જ પાકિસ્તાને તાયફાવાળાઓના આંચડા નીચે કાશ્મીર ઉપર હુમલા કરવાનું શરૂ કરી દીધું હતું. રાવલપિંડી જિલ્લો કાશ્મીરની સરહદને અડીને હતો વળી એ જમાનામાં શ્રીનગર પહોંચવા માટેનો એકમાત્ર જમીનમાર્ગ રાવલપિંડીમાંથી જતો હતો એટલે તાયફાવાળાની હિલચાલ માટે રાવલપિંડી અગત્યનું થાણું હતું. હિંદુ પ્રજાની આ પ્રદેશમાં ભયંકર કત્લેઆમ થયેલી હજી તો હિંદુઓને સ્થાનાંતર કરતા અગાઉ આશરો આપવા શરૂ કરાયેલી છાવણીઓ હિંદુ નિર્વાસિતોથી ઉભરાતી હતી. ઈસ્મતને આ હિલચાલ સમજાતી ન હતી પણ એના મનમાં એક વસ્તુ સ્પષ્ટ રીતે સમજાઈ ગઈ હતી કે હવે એ દરવર્ષની જેમ શ્રીનગર જઈ શકશે નહીં અને જીતુને મળી શકશે નહીં...એના બાળસહજ મને કોઈ જ લાંબો વિચાર ન કરતા ગમે તે ભોગે અમૃતસર પહોંચી જીતુને મળવું એવો નિર્ણય કરી લીધો અને અમૃતસર પહોંચવા જ જાતભાતની યોજનાઓ વિચારવા લાગી."

પછી તો ઈસ્મત યુક્તિઓ કરીને પોતાનું ઘર છોડીને છાવણી સુધી પહોંચવામાં સફળ થઈ, જીતુ લેવા આવ્યો. સુવર્ણમંદિરમાં જ જીતુ અને ઈસ્મતે લગ્ન કરી લીધા અને આનંદથી રહેવાં લાગ્યાં હતાં. પરંતુ ત્યારબાદ ઈસ્મતને પાછા મેળવવાં માટે તેનાપરિવારે પ્રયત્નો શરૂ કર્યા અને બંને દેશોના પ્રધાનોની એક બેઠકમાં ઈસ્મતને પાછીમેળવવાની વાત ચર્ચાઈ. છેવટે બંને દેશોની સ્થિતિને ધ્યાનમાં રાખતા ઈસ્મતને પાછી મોકલવાના પ્રયાસ કરવાનું કમળાબહેને શરૂ કર્યું. ઈસ્મતને તેના મામા સાથે લાહોર મોકલવામાં આવી, જીતુ પણ તેની સાથે લાહોર ગયો હતો.

ઈસ્મત તેના અબ્બાને ત્યાં જઈને રહેવા લાગી હતી, એટલે કમળાબહેન અને મૃદુલાબહેન ઈસ્મતને મળવાં તેના અબ્બાને ત્યાં પહોંચ્યા. પરંતુ હવે તેના પહેરવેશ અને ઢબસબ સાથે તેના વિચારો પણ બદલાઈ ગયા હતા અને જીતુનું નામ સાંભળતાં જ રોષે ભરાતી હતી. આ ઘટના બાદ જીતુ અનેક વખત ઈસ્મતને મળવા માટે જીતુ પ્રયત્ન કરતો રહ્યો, પરંતુ બંનેનું ફરી વખત મિલન થઈ શક્યું નહીં.

જે જીતુ અને ઈસ્મત માટે કમળાબહેન પુસ્તકમાં એક જગ્યાએ ‘રોમિયો અને જુલિયેટ’ શબ્દ વાપરે છે, ખરેખરમાં એમની કહાણી ટ્રૅજેડીમાં જ પરિણમે છે.

આવો જ અન્ય એક પ્રસંગ કમળાબહેને સુદર્શન વિશે લખ્યો છે, “સંયુક્ત ભારતની ઇમ્પિરિયલ બૅન્કના મૅનેજર અને તેમનો પુત્ર તેમના ઘરની દીકરીની શોધમાં લાહોર આવ્યા હતા અને કૉલેજમાં ભણતી ૨૦વર્ષની ઉંમરની દીકરીનું અપહરણ થયું હોવાની વિગતો તેમણે અમને આપી હતી.”

છોકરીનું નામ સુદર્શન હતું અને તે લાહોરની કૉલેજમાં ભણતી હતી, ત્યારે તેની સાથે કૉલેજમાં ભણતા એક મુસ્લિમ જમીનદારના દીકરા સાથે તેને મિત્રતા બંધાઈ હતી સમય જતા તેમની વચ્ચેની મમતા ગાઢ પ્રેમમાં પરિણમી હતી. થોડા સમયમાં તેમણે લગ્ન કરવાનો નિર્ણય કરી લીધો હતો.

સુદર્શનનાં માતા-પિતા લગ્ન માટે પરવાનગી આપશે જ નહીં તેવી બન્નેને ખાતરી હતી. દરમિયાન કોમી તોફાનો શરૂ થયા અને સુદર્શનને તેના કુટુંબની સાથે દિલ્હી જવું પડ્યું. આ સંજોગોમાં લગ્ન કરી જ લેવું તેમ તેમણે પત્રવ્યવહારમાં થયેલી વાતચીત દરમિયાન નક્કી કર્યું. નિશ્ચિત દિવસે મુસ્લિમ છોકરો વિમાનમાં દિલ્હી આવ્યો અને તરત જ પાછા ફરવા માટે વિમાનની બે ટિકિટો તેણે મેળવી લીધી હતી. બન્નેએ લાહોર પહોંચી નિકાહ પઢી લીધા.

સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિના કાયદાનો ઉપયોગ કરી સુદર્શનના પિતા અને ભાઈએ એને પાછી મેળવવાના પ્રયાસો શરૂ કર્યા. છાવણીમાં લવાયેલી સુદર્શન અવઢવ બાદ પિતા સાથે જવાનો નિર્ણય લે છે. સુદર્શન જ્યારે તેના પિતા સાથે જવાનો નિર્ણય લીધો હતો, ત્યારે એવું લાગતું હતું કે તેમની કહાણી પણ જીતુ અને ઈસ્મતની કહાણીની જેમ જ અધૂરી પ્રેમ-કહાણી બની જશે. પણ આ ઘટનાક્રમમાં કંઈક જુદુ જ ઘટ્યું.

એ વખ-તે તો સુદર્શન પોતાના પિતા સાથે ગઈ પણ ચારેક દિવસ પછી કમળાબહેનને સુદર્શનનો ફોન આવ્યો અને કહ્યું, “દિલ્હી મેં રહા ન ગયા. માતા-પિતા કો ધોકા દે કર વાપસ આ ગયી હું."

આનાથી થોડો જુદો જ કિસ્સો લતીફનો છે, જે કમળાબહેને મૂળ સોતાં ઉખડેલાંના નવમાં પ્રકરણમાં લખ્યો છે.

પંજાબમાં કોમી રમખાણો શરૂ થતાં લઘુમતી કોમના લોકો સલામતી માટે આમ-તેમ ભાગવા લાગ્યા લતીફની મા પણ બીજા પડોશીઓની સાથે હિંદુ છાવણીમાં પહોંચી જવા પેરવી કરવા લાગી. જતા અગાઉ તેણે પડોશી મુસ્લિમ કુટુંબને કહ્યું હતું, “મને લાગે છે કે લતીફને તમારી પાસે જ મૂકી જાઉં તમે જ તેને ઊછેર્યો છે. તમારી સાથે તે ભળી ગયો છે, નાનાં બાળકોને લઈને હવે ક્યાં જઈશ અને અમારી કેવી દશા થશે તેની કંઈ જ સમજ પડતી નથી. કોઈ ઠેકાણે ઠરીઠામ થવાં જેવું લાગશે એટલે એને લેવા આવીશ અને ન આવે તો તેને તમારો જ દીકરો સમજીને ઊછેરશો તેનો મને પૂરો વિશ્વાસ છે."

લતીફ પોતાની પાલક માતા પાસે ઊછર્યો હતો, આમ છતાં જ્યારે આ કેસ ટ્રિબ્યૂનલમાં ગયો ત્યારે લતીફ હિંદુ હોવાથી તેને ભારત મોકલવો જોઈએ એવો વિચાર રજૂ કરવામાં આવ્યો. લતીફને જન્મ આપનારી માતાનો પતો ન લાગતા તેને ભારત મોકલી આપી કેસ બંધ કરવાનો નિર્ણય ટ્રિબ્યૂનલમાં લેવાયો હતો.

ભારત વિભાજનની ઘટનાએ અનેક સુદર્શન અને ઈસ્મત જેવી કથાઓને જન્મ આપ્યો, ઈસ્મતની માફક કેટલીય સ્ત્રીઓ પોતાના પ્રેમીથી વિખૂટી પડી ગઈ. તો સંઘર્ષને અંતે સુદર્શનના પ્રસંગની જેમ કેટલાક પ્રેમીઓ ફરી ભેગા થયાં. કેટલીક સ્ત્રીઓ સુદર્શનની જેમ મક્કમ રહી શકી તો અનેક પ્રેમીઓની કહાણીનો અંત ઈસ્મત અને જીતુની કહાણીની જેમ જ ટ્રૅજેડિક રહ્યો. લતીફની જેમ અનેક બાળકો પોતાની માતાઓથી દૂર થઈ ગયાં.

ભારત વિભાજન દરમિયાન ચીજવસ્તુઓની સાથોસાથ માણસોની અદલાબદલી થઈ, માણસોની અદલાબદલી પણ જાણે કે ચીજવસ્તુઓની માફક જ થઈ.

માનવીયતા અને ભાવનાત્મક સપાટીથી દૂરી રહીને અધિકારીઓ ટ્રિબ્યૂનલમાં એક પછી એક નિર્ણય લેતા ગયા અને માનવ સમુદાયની વસ્તુઓની જેમ અદલાબદલી ચાલુ રહી. સંબંધીઓ છૂટા પડતા રહ્યા, સંબંધો પાછળ છૂટતા ગયા.

વીસમી સદીની સૌથી મોટી ટ્રૅજેડી કહી શકાય અને જો ભારતના સંદર્ભમાં વાત કરીએ તો ભારતના ઇતિહાસની સૌથી ભયાનક ટ્રૅજેડી એટલે ભારત વિભાજન.

કમળાબહેને જ લખ્યું છે, “તોફાનો દરમિયાન મિલકતની જેમ હજારો સ્ત્રીઓની તફડંચી થઈ હતી. તેમને પાછી મેળવવા અપહ્યતા સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિનું તંત્ર ઊભું કરાયું. તે અંગેના બંને દેશો વચ્ચે કરારો થયા અને તેના આધારે નિયમો ઘડાયા. આમાં પુનઃપ્રાપ્ત થયેલી સ્ત્રીઓ અંગે નિર્ણય કરતી વખતે તેમની પોતાની ઇચ્છાને કઈ જ મહત્ત્વ અપાયું નહીં અને અમે કહેવાતાં સામાજિક કાર્યકરો સ્ત્રી-બાળકોની, તે જાણે કે નિર્જીવ વસ્તુઓ હોય તેમ આ કે પેલા દેશમાં હેરફેર કરતાં હતાં અને કોઈ ઉમદાકર્મ કર્યાનો સંતોષ લેતાં હતાં. અમારા હાથ-પગને ઝકડતી નિયમોની બેડી અસાધારણ ઘટના જેવી બની હોવાથી હવે તે ખટકતી ન હતી. છતાં લતીફ જેવા કિસ્સા ઊભા થતા ત્યારે મને અસલિયતનું ભાન આવી જતું અને કરાર અંગેના નિયમોથી બંધાયેલા હાથપગને ઝાટકો મારી છૂટા કરી દઈ, અહીંથી ભાગી છૂટવાની તીવ્ર ઇચ્છા થઈ આવતી."

લતીફ જેવા કેટલાક કેસમાં હાજર રહેવાનું થાય તો કમળાબહેન ક્યારેક લાગણીઓને વશ થઈ ટ્રિબ્યૂનલમાં પોતાના પ્રસ્તાવ મૂકતાં જેની સામે ટ્રિબ્યૂનલના સભ્યો મજાકમાં તેમને કહેતા, "હવે પછી ટ્રિબ્યૂનલની બેઠકમાં આવવા અગાઉ તમારા હૃદયને તમારા કબાટના તાળા-કૂંચીમાં પૂરીને આવશો એટલી મારી તમને વિનંતી છે."

સામાન્ય લોકો કે જેમને ભોગવવું પડ્યું, જેમણે હિજરત કરી, જે લોકોએ ભારત વિભાજનનો પ્રત્યક્ષ અનુભવ કર્યો, એ પ્રજા ભારત વિભાજનને અંત સુધી સ્વીકારી ન શકી, પરંતુ વિભાજન વખતે અને એ પછી થોડા મહિનાઓ સુધી જે રમખાણો થયાં જે માર-કાપ થઈ એમાં પણ બંને તરફના લોકો સામેલ હતા.

મૂળ સોતાં ઉખડેલાંમાં કમળાબહેને ગાંધીજીની હત્યા અને ઝીણાનાં મૃત્યુનો પ્રસંગ પણ નોંધ્યો છે. કાયદ-એ-આઝમ ઝીણાના મરણ સમયે ઉત્તર પ્રદેશ અને બિહારના મુસ્લિમ નિર્વાસિતોએ કહ્યું હતું, “એક સાલ પહેલે મરતે તો હમ ઘર ઔર ગાંવ સે બીછડતે નહીં.” – એવા કાઢેલા ઉદ્ગારમાં પ્રજાને મોડીમોડી પણ નેતાઓની ભૂલ સમજાઈ ગયાનો નક્કર પુરાવો મળે છે.

કોમવાદી અને ધર્મ આધારિત સંગઠનોએ ધર્મ-કોમના નામ પર જે આગ લગાવી એ જોતજોતામાં દાવાનળમાં પરિવર્તિત થયો અને એમાં સામાન્ય માણસ પણ દઝાયો. આમ છતાં બંને કોમ અને ધર્મના લોકો પરસ્પર પ્રેમભાવ ધરાવતા હતા એ પણ સત્ય છે. દાવાનળરૂપી કોમવાદની આગ સામે આગીયાની માફક પ્રેમ અને લાગણીસભર કિસ્સાઓ પ્રગટ થતા રહેતા હતા. જેની સાબિતી આપતો એક પ્રસંગ કમળાબહેને લખ્યો છે.

કમળાબહેન લખે છે, “વાઘા-અટારી સરહદ પર ભારત અને પાકિસ્તાનના નાગરિકોનું મિલન ગોઠવાયું હતું. સરહદ પર મેળો અને આનંદ ઉત્સવનું વાતાવરણ જામ્યું હતું. મુસ્લિમો અને શીખો વચ્ચે કોઈ દુશ્મની હતી એવો ખ્યાલ સુદ્ધાં આ દૃશ્યને જોનારા અજાણ્યાને આવે તેમ ન હતું. થોડા સમય પહેલાં જ એક બીજાના ગળા કાપનારી કોમોના લોકો પરસ્પર ભેટીભેટીને મળતા હતા. એકબીજાના ખબર અંતર પૂછતા હતા, સ્નેહીઓ વિશે પૂછપરછ કરતા હતા અને સાથે લઈ આવેલી મીઠાઈ એકબીજાને આગ્રહ કરીકરીને ખવડાવતા હતા."

ઘણી વખત એવું થતું હતું કે રાહત છાવણીઓમાં ખાવા-પીવાનું ન મળ્યું હોય યોગ્ય જાળવણી ન થઈ હોય. પુનઃપ્રાપ્તિ સપ્તાહ અંતર્ગત કાશ્મીર પાસેના ગુજરાત જિલ્લાના કૂજા ગામથી ૬૦૦ જેટલાં સ્ત્રી-બાળકોને પુનઃપ્રાપ્ત કરીને લાહોર મોકલવાની ગોઠવણો કરાઈ હતી.

કમળાબહેનને આ અંગે સમાચાર મળ્યા, પરંતુ જ્યારે આ સ્ત્રી-બાળકો લાહોર છાવણીમાં પહોંચ્યાં ત્યારનું દૃશ્ય કંઈક આવું હતું, “ટ્રકમાંથી સ્ત્રીબાળકોનાં રૂપમાં માનવકંકાલને ઉતરતાં જોતાં મારું સમસ્ત શરીર ધ્રૂજી ઊઠ્યું અને પાસે પડેલી એક પાટલી ઉપર હું બેસી ગઈ. એક પછી એક ટ્રકો આવતી ગઈ અને એવા જ હાડપિંજરો ઉતરતાં ગયાં. શરીર પર ચાંદા, ગંધ મારતાં કપડાં, માથામાં કેટલીયે જુઓ. છેલ્લી ટ્રકમાંથી એક બાઈ રડતી લથડીયાં ખાતી ઊતરી. એના હાથમાં જ છેલ્લા શ્વાસ લેતું તેનું બાળક હતું. આ બાળકને લઈને તે દરવાજામાં પ્રવેશી, બરાબર તે જ વખતે બાળકનો પ્રાણ ઊડી ગયો. પાછળથી અમને ખબર પડી કે આવી રીતે તેને તેનાં ત્રણ બાળકો ગુમાવ્યાં હતાં. આ લોકોએ છ મહિનાથી મીઠું ખાધું ન હતું. માંડ એકાદ સૂકી ભાખરી મળે, પંદર દિવસે નાહવાનું મળે ત્યાં વળી સાબુ કે માથામાં નાખવાનાં તેલની વાત જ ક્યાંથી બને. પંદર-સત્તર વર્ષનાં બાળકો કંતાઈને સાવ આઠ-દસ વર્ષનાં હોય તેટલા લાગે. ૧૯૦ માઇલ જેટલી ટ્રકની મુસાફરીમાં પીવા માટે પાણી પણ મળ્યું નહોતું મોટાભાગના લોકો બીમાર હતા."

આ પ્રસંગના આધાર બન્ને દેશોની સરકાર, સરકારી વિભાગ અન અમલદારોનું વલણ પણ સમજાય છે. ભારતના ભાગલા કરવાનો નિર્ણય કરતી વખતે સરકારી બાબુઓ આ બધી સ્થિતિ અંગે વિચારી સુદ્ધાં નહીં શક્યા હોય એવું દેખાઈ આવે છે.

જે લોકો પોતાનું ઘર પોતાના સ્વજનો અને સર્વસ્વ ગુમાવીને માંડમાંડ પોતાનો જીવ બચાવીને છાવણીઓ સુધી પહોંચ્યા એ લોકોની જિંદગી છાવણીમાં પણ બદતર રહી હોવાના આવા જ અનેક પ્રસંગો નવલકથાઓ અને વાર્તાઓમાં લખાયા છે.

મોત ન મળ્યું હોવા છતાં દરરોજ મોતના ઓથાર નીચે જીવતા આ લોકોની જિંદગી મહિનાઓ સુધી પશુ સમાન થઈ ગઈ હશે, એવો ખ્યાલ કમળાબહેને નોંધેલા આ પ્રસંગ પરથી આવી જાય છે.

ભારત વિભાજન વખતે પરધર્મના લોકોએ સ્ત્રીઓને રંજાડી અને અત્યાચારો કર્યા એવા કેટલાક પ્રસંગો આપણે આગળ જોયા. પરંતુ ભારત વિભાજન દરમિયાન પોતાના લોકોએ કે પરિવારજનોએ ઘરની સ્ત્રીઓને વેચી દીધી હોય કે પાછળ છોડીને ચાલ્યા ગયા હોય એવા પણ કિસ્સા છે.

તોફાનગ્રસ્ત વિસ્તારોમાંથી ભાગી છૂટેલા હિન્દુ અને મુસલમાનોએ પોતાની સલામતી બહેન અને પત્નીના ભોગે ખરીદી હોય તેવા કિસ્સાઓનો ઉલ્લેખ પણ મળે છે. જ્યાં બહેન અને દીકરીઓના ભોગે સલામતી શોધાતી હોય ત્યાં ઘરની વહુની દરકાર કોણ કરે?

૧૬માં પ્રકરણમાં કમળાબહેને એક પ્રસંગ ટાંક્યો છે, “રાવલપિંડીનું એક ગર્ભશ્રીમંત કુટુંબ તોફાનના સમયે માંડ ભારત ભેગું થયું. તે ઘરની એક યુવાન વિધવા વહુ પાછળ રહી જવા પામી હતી. રાવલપિંડીના શહેરમાં જ આ કુટુંબની મોટી હવેલી હતી અને સાથે નાનાંમોટાં મળી સાતેક મકાનો હતાં. તોફાનો દરમિયાન બચાવી શકાય તેટલી ચીજવસ્તુઓ બચાવીને આ બહેન આમાંના એક મકાનમાં રહેવા લાગી. બીજા મકાનમાં તથા મુખ્ય હવેલીમાં મુસ્લિમ કુટુંબો ઘૂસી ગયાં હતાં. પાકિસ્તાનના લશ્કરના કૅપ્ટન દરજ્જાના એક લશ્કરી અફસરની સાથે આ સ્ત્રીને મિત્રતા થઈ બંનેએ લગ્ન કરવાનું નક્કી કર્યું. પડોશીઓની કનડગત વધવા લાગી, એટલે આ સ્ત્રી પ્રેમા, છેલ્લા કમિશનર પાસે ગઈ અને રક્ષણની માગણી કરી. પેલો કૅપ્ટન અવારનવાર તેના ત્યાં આવી રહી જતો એથી પડોશીઓ કંઈક ડરવા લાગ્યા અને પ્રેમા માંડમાંડ સ્થિર બનીને રહેવાં લાગી હતી. દરમિયાન એક દિવસે પાકિસ્તાનના પુનઃપ્રાપ્તિ વિભાગની એક જીપ તેને તેના મકાનમાંથી ઉઠાવીને અમારી લાહોરની છાવણીમાં મૂકી ગઈ. પ્રેમાને જલંધર મોકલવામાં આવી. મૃદુલાબહેને પ્રેમાને ગુરદાસપુર જિલ્લાની છાવણીમાં કામ કરવાની જવાબદારી સોંપી હતી. પરંતુ થોડા વખતમાં જ તે ત્યાંથી ગાયબ થઈ ગઈ તેની ઘણી શોધ કરવા છતાં તેનો કોઈ જ પત્તો ન લાગ્યો. પણ મારી માન્યતા પ્રમાણે તે કોઈ પણ સ્થાન પરથી સીમા પાર કરીને પાકિસ્તાનમાં પહોંચી ગઈ હશે. તો વિભાજને સર્જેલી પરિસ્થિતિએ આવી કેટલી સ્ત્રીઓને જિંદગી સુધી અંધકારમાં ભટકતી કરી મૂકી હશે તેનો અંદાજ કાઢવો માનવ શકિતની બહારની વાત છે.”

ભારત વિભાજન દરમિયાન મહિલાઓનાં થયેલાં શોષણ સાથે જ જોડાયેલો અન્ય એક પ્રશ્ન ‘વૉર બેબી’નો હતો. યુદ્ધ વખતે સ્ત્રીઓ પર થયેલા અત્યાચારોનાં કારણે જે બાળક જન્મ્યું હોય એ બાળકને યુદ્ધની પેદાશ એટલે કે ‘વૉર બેબી’ ગણવામાં આવે. ‘વૉર બેબી’નો પ્રશ્ન બીજા વિશ્વ યુદ્ધ વખતે અને વિશેષ કરીને યુદ્ધ પૂર્ણ થયા પછી ઘણાં દેશોને મૂંઝવતો હતો.

કારણકે આ ‘વૉર બેબી’ના પિતા કોણ છે એની ખબર ન હોય. ‘વૉર બેબી’ને જન્મ આપનાર માતા વિધવા કે અપરિણીત હોય તો સમાજના લોકો તેને તિરસ્કારપૂર્વક જુએ. જ્યારેજ્યારે વિશ્વમાં યુદ્ધો થયાં અથવા યુદ્ધ જેવી પરિસ્થિતિ સર્જાઈ ત્યારેત્યારે ‘વૉર બેબી’નો પ્રશ્ન સર્જાતો આવ્યો છે.

ભારત વિભાજન પછી થયેલાં રમખાણોમાં અને એ પછી પણ સ્ત્રીઓ પુરુષોના અમાનવીય શોષણનો ભોગ બની. જેનાં કારણે આ સ્ત્રીઓએ પણ ‘વૉર બેબીઝ’ને જન્મ આપ્યાં. વિશ્વના બીજા દેશોની જેમ ભારતમાં પણ એ વખતે ‘વૉર બેબી’નો પ્રશ્ન ઊદ્ભવ્યો હતો.

આ વિશે પણ કમળાબહેને લખ્યું છે, “પંજાબમાં ૧૯૪૭ના માર્ચ-એપ્રિલથી તોફાનો શરૂ થયા ત્યારથી માંડીને ખરેખર વિભાજન થયું અર્થાત ૧૯૪૭ના ઑગસ્ટ સુધી સ્ત્રીઓના અપહરણો થયાં હતાં. અપહ્યત બનેલી સ્ત્રીઓની પુનઃપ્રાપ્તિ માટે ગોઠવણીનો અમલ ૧૯૪૭ નવેમ્બર-ડિસેમ્બરમાં શરૂ થયો. શરૂઆતમાં આ કાર્યની ગતિ ગોકળ ગાય જેવી ધીમી હતી. આ સમય દરમિયાન જન્મેલાં કે જન્મનારાં બાળકોનું શું કરવું તે સવાલ સૌને મૂંઝવતો હતો. ઘણી ચર્ચા-વિચારણા બાદ બાળક જે દેશમાં જન્મ્યું હોય તે દેશનો નાગરિક ગણવાનું નક્કી થયું."

આ બાબત લાગે છે એટલી સરળ નથી મુસ્લિમ પિતાથી હિંદુ સ્ત્રીએ જન્મ આપ્યો હોય એવા બાળકને કુટંબ સ્વીકારે એ લગભગ અશક્ય હતું. આ અંગે નિર્ણય લેવા દિલ્હી ખાતે એક બેઠક પણ યોજાઈ હતી જેમાં કમળાબહેન લાહોરથી આવીને હાજર રહ્યાં હતાં, આ બેઠકની કમળાબહેમે મોંધ લીધી છે.

પહેલાં એવો નિર્ણય કરાયો હતો કે બાળકનો જે દેશમાં જન્મ થયો હોય ત્યાંનું નાગરિક ગણવું, પણ એ સ્થિતમાં તો માતાએ બાળકને ત્યાં જ છોડીને જવું પડે. કમળાબહેનની દલીલો બાદ આખરે એવો નિર્ણય કરાયો કે બાળકોને સાથે લાવવાં કે પરત પાકિસ્તાનમાં મૂકીને આવવાં તે માતાની મરજી ઉપર છોડવું.

અહીં સમસ્યા અટકતી નથી, બાળકને જન્મ આપીને આવેલી માતાને તેના પરિવારજનો અને સ્વજનો સ્વીકારશે કે કેમ? તેની સાથે કોઈ લગ્ન કરવા તૈયાર થશે કે કેમ? એવા અનેક પ્રશ્નો પછીથી સર્જાતા હતા. પોતાનું બાળક છોડીને જતી માતા અને પોતાના સાથે બાળકને સાથ રાખતી માતા એમ બંનેની મનોદશાનો અંદાજ મેળવવો મુશ્કેલ છે.

વિશેષ કરીને જ્યારે માતા પોતાના બાળકને સાથે લઈ જવાનો નિર્ણય કરે અને તે કુંવારી હોય ત્યારે કપરી પરિસ્થિતિ સર્જાતી હતી.

કમળાબહેન લખે છે, “ભારતમાંથી જલંધરની છાવણીમાં પહોંચતા જ કોઈને કોઈ ઓળખીતું મળી આવે ત્યારે પોતે કુંવારી અને સાથે બાળક હોવાથી એના મનમાં જ ઝાંખપ લાગવા માંડે. કુંવારી માતાને એનો પોતાનો બાપ કે ભાઈ મળવા આવે ત્યારે, તેની સામે બાળક લઈને જવાની હિંમત ન કરે. એટલું જ નહીં પણ છાવણીના કાર્યકર્તાને પોતાને બાળક છે તેવી વાત નહીં કરવાની વિનંતી કરે. બિચારી કુવારી માનું મન તેના પહેલા બાળકને અલગ કરવા માને નહીં અને પોતાના બાળક છે એવું સંબંધીઓને કહી પણ શકે નહીં. રડીરડીને આંખો સુઝાડી દે અને છાવણીમાં રહે ત્યાં સુધી બાળકને જરાય અળગું કરેનહીં...બાપ કે ભાઈની સાથે જવાનો સમય આવે ત્યારે મા બાળકને છાતીએ ચાંપીને મોકળા મને રડી લે કેમકે પછી તો ખૂલ્લા મને રડી પણ નહીં શકે. ‘તે એક બાળકની મા બની ગઈ છે’, એ વાત તેના માટે ભૂલ્યા વિના છૂટકો ન હતો.”

એ વખતે આવાં અનેક વૉર બેબીઝને જન્મ આપ્યો, જેમની માતાઓ કુંવારી હતી. પુરુષ પ્રધાન સમાજની સ્ત્રી પ્રત્યેની માનસિકતા અને સ્ત્રીનો પિતૃસત્તાક સમાજમાં રહેલો દરજ્જો કમળાબહેનના ઉપરોક્ત લખાણમાં સ્પષ્ટ દેખાય છે. જે સ્ત્રીને આ પરિસ્થિતિમાંથી ઉગારવાની જરૂર હોય, જે સ્ત્રીનો પોતાનો કોઈ વાંક જ નથી અને પોતે ભોગ બની છે તેને આશરો આપવાના બદલે સમાજ તિરસ્કૃત કરે, એ ઘટનાક્રમ સ્ત્રીનું ફરીફરી વખત શોષણ કરવા સમાન છે.

આ સાથે મૂળ સોતાં ઉખડેલાંમાં કમળાબહેને તેમને થયેલા કેટલાક સારા અનુભવો પણ નોંધ્યા છે. જ્યારે, ચોફેર હિંસા ચાલતી હોય લોકો પરકોમના માણસોનો જીવ લેવા તૂલ્યા હોય ત્યારે ક્યાંક ક્યાંક માનવતાસભર ઘટનાઓનાં દર્શન થાય.

અપવાદરૂપે કેટલાક લોકો પરધર્મની વ્યકિત માટે સહાનુભૂતિ દાખવે અને તેને મદદ કરે, આશરો આપે તો એવો વિશ્વાસ થઈ જાય કે લોકોમાંથી નીતી-નૈતિકતા, મૂલ્ય-બોધ સાવ ખતમ નથી થયાં. કમળાબહેન નોંધે છે, “કોમી કડવાશ, વેર-ઝેર અને ધિક્કારની અંતિમ પરાકાષ્ઠાએ પહોંચેલા વાતાવરણમાં પણ પાકિસ્તાનની સાધારણ જનતા અને અધિકારીઓ તરફથી મને સદ્ભાવના મળી હતી. ભાગલાથી છૂટા પડેલા ભારતીય ઉપખંડના આ બે હિસ્સાઓના જવાબદાર અધિકારીઓ અને પ્રજાજનો તરફથી અત્યંત મુશ્કેલ સંજોગોમાં પણ મારા કામને સરળ બનાવવા જે સહકાર સાંપડ્યો હતો તેથી મને પાકિસ્તાનના આ નગરમાં કામગીરી બજાવવાં અને ચારે બાજુ સળગતી કોમી આગમાં પણ અહીં ટકી રહેવાનું બળ મળ્યું હતું. ભાગલાને પરિણામે સૌકાઓથી સાથે રહેલી બે વિશાળ કોમો વચ્ચે વૈમનસ્ય જાગ્યું હતું. આમાંની એક કોમની હું હતી અને આ કોમના સંસ્કાર અને લાગણીઓ મારામાં પણ હતાં, આમ છતાં કોમી લાગણીઓથી પર જઈને વ્યકિતગત સંસ્કાર અને લાગણીને ગૌણ ગણ્યાં."

જ્યારે ભારત વિભાજન જેવા વિષય પર પુસ્તક લખતા હોઈએ અને એમાં પણ લાંબા અરસા સુધી જાતે જોયેલા અનુભવો લખવાના હોય જ્યારે પૂર્વગ્રહરહિત રહેવું ઘણું મુશ્કેલ છે. આમ છતાં કમળાબહેને પૂર્વાગ્રહગ્રસ્ત થયા વગર અને તટસ્થતા સાથે આખું પુસ્તક લખ્યું છે. પુનઃપ્રાપ્તિના કામમાં આવતી ત્રુટિઓ, થયેલી ભૂલો વિશે પણ લખ્યું છે. પુસ્તકના ૩૧માં પ્રકરણમાં લખી છે પ્રમાણે નિર્વાસિતો માટે બનાવેલી કેટલીક યોજનાઓ ઘણીવાર પાયાની ઊણપના કારણે નિર્વાસિતો માટે આફતરૂપ નીવડતી હતી. દિલ્હી નજીક ફરિદાબાદમાં નિર્વાસિતો માટે ઊભું કરાયેલું નાનું નગર અને એના આયોજનમાં રહેલી ખામીઓ વિશે અહીં ચર્ચા કરી છે.

33માં પ્રકરણમાં એવો પણ ઉલ્લેખ કર્યો છે કે ૨૦૦થી ૩૦૦ જેટલા નિર્વાસિતોએ ત્યાં ઉપવાસ પણ કર્યા હતા. કેટલાક અધિકારીઓ યુદ્ધના ધોરણે કામ કરવાના બદલે જાણી જોઈને વિલંબ કરતા હતા અને પોતે અધિકારી છે તે ભૂલીને સાંપ્રદાયિક અને કોમી આગના વાતાવરણની ઝપેટમાં આવી જતા હતા.

આ જ પ્રકરણમાં તેમણે ‘removal of buried property’ (જમીનમાં દટાયેલી સંપત્તિ બહાર કાઢવી) અંગે પણ વાત કરી છે અને કેટલાક કિસ્સાઓ પણ ટાંક્યા છે. પંજાબ પ્રદેશના લોકો અને વિશેષ કરીને ખેડૂતો સમૃદ્ધ હતા. ભારત વિભાજન વખતે તેમને એવો સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે તેઓ પોતાના વતન પાછા ફરી નહીં શકે. વિભાજન વખતે આ પૈકી કેટલાય ખેડૂતો પોતાનાં પશુઓ પોતાની સાથે લઈ જઈ શક્યા નહીં અને દાગીના, સોના-ચાંદી તથા કિંમતી વસ્તુઓને જમીનમાં દટાયેલી રાખીને જ ચાલી નીકળ્યા હતા.

જ્યારે કોમી રમખાણો થાળે પડવા લાગ્યા ત્યારે જમીનમાં દટાયેલી પડેલી ધન-દોલત માટે બન્ને દેશ વચ્ચે removal of buried propertyના કરાર થયા હતા.

આ કરાર માટે ધારા-ધોરણો પણ ઘડાયાં હતાં, જેના કારણે દેશભરની છાવણીઓમાં રહેતા સંખ્યાબંધ નિર્વાસિતો જલંધર અને અમૃતસરમાં ભેગા થવા લાગ્યા હતા. કરાર અંતર્ગત લોકોને તેમની જમીનમાં દટાઈ મિલકત લેવા સરહદપાર જવા દેવાયા હતા. જ્યારે છાવણીઓમાંથી લોકો જમીનમાં દટાયેલી પોતાની મિલકત મેળવવા પાછા ગયા ત્યારે લોકો પોતાના ઓળખીતા પડોશીઓને, કેટલાક લોકો પોતાનાં ઢોરોને ભેટી પડ્યા હતા અને ચોધાર આંસુએ રડ્યા હતા એવા પણ વર્ણનો કમળાબહેને ટાંક્યા છે.

‘મૂળસોતાઉખડેલા’ નો ‘Torn From The Roots’નામથી અંગ્રેજી અનુવાદ કરનાર ઉમા રાંદેરીયા લખે છે, "there was a Herculean task in the face of grave dangers and personal safety. They had to rise above political differences, sectarian beliefs, and overcome bureaucratic hurdles. Kamlaben's narration of her first-hand experiences, is a document of literary merit, which deserves to be read by a larger public."

કમળાબહેન પટેલના આ પુસ્તક ‘મૂળ સોતાં ઊખળેલાં’ વિશે શરીફા વીજળીવાળાએ પોતાના પુસ્તક ‘વિભાજનની વ્યથા’માંલખ્યું છે, “કેટલી બધી જગ્યાએ આંખ ભીંજવી દેતી આ અનુભવકથામાં ઘણી બધી જગ્યાએ ખાસ્સી હળવાશથી આલેખન થયું છે. આ ઘટનાને ૨૭ વર્ષનાં વહાણાં વાઈ ગયા, બધા આવેગ આવેશ શમી ગયા, મન સ્વસ્થ થયું, વીતેલા સમયે ઘટનાઓને યોગ્ય પરિપ્રેક્ષ્યમાં આકલન કરવાની સમજ આપી એ પછી કમળાબહેને લખવા માટે કલમ ઉપાડી છે અને એટલે જ એક પાશવી ઘટનાનું સ્વસ્થ આલેખન પ્રાપ્ત થાય છે આપણને. કોઈ પણ વાંક વગર પારાવાર યાતનાઓનો ભોગ બનેલી સ્ત્રીઓ માટે નિસ્વાર્થ ભાવે કામ કરનારાંઓ માટે આપણું માથું આદરથી ઝૂકી જાય છે. કમળાબહેને આ સંસ્મરણો લખી આપણને આ કારમાં સમયના સાક્ષી બનાવવાનું પુણ્યકાર્ય કર્યું છે."

પુસ્તકના અંતે સ્ત્રીઓ અને બાળકોની પુનઃપ્રાપ્તિની કામગીરીના એક ચિતારરૂપે કમળાબહેને પુનઃપ્રાપ્ત કરાયેલી સ્ત્રીઓ અને બાળકોની સંખ્યા અંગે એક ટેબલ રજૂ કર્યું છે. જેમાં અલગઅલગ સમયગાળામાં એટલે કે ડિસેમ્બર ૧૯૪૭ થી ઓગસ્ટ ૧૯૫૫ સુધીમાં પંજાબ, નૉર્થ-ઈસ્ટ, બલુચિસ્તાન, સિંધ અને જમ્મુ-કાશ્મીરના વિવિધ જિલ્લાઓમાંથી પુનઃપ્રાપ્ત કરાયેલી સ્ત્રીઓની અને બાળકોની સંખ્યા આપી છે.

આ ટેબલ મુજબ પાકિસ્તાનમાંથી કુલ 9032 સ્ત્રીઓ અને બાળકોને પુનઃપ્રાપ્ત કરાયાં હતાં અને ભારતના પંજાબ, રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરના જિલ્લાઓમાંથી 20728 સ્ત્રીઓ અને બાળકોને પુનઃપ્રાપ્ત કરાયાં હતાં.

આ ઉપરાંત 11 નવેમ્બર 1948ના રોજ બન્ને દેશોની સરકારો વચ્ચે પુનઃપ્રાપ્તિની કામગીરી માટે થયેલા કરાર પ્રમાણે 11 નિયમોની યાદી પણ આપુસ્તકના અંતે પરિશિષ્ટ-2 માં લખી છે.

જેના થકી આપણને આ આખી કામગીરીનો ખ્યાલ આવે છે, જેનો કમળાબહેન મહત્ત્વપૂર્ણ ભાગ રહ્યા હતા. તેમણે પુસ્તકના અંતે આ સમગ્ર કામગીરીનો શ્રેય આપતા મૃદૂલાબહેન સારાભાઈને ‘નિર્ભિક સન્નારી’ શીર્ષક હેઠળ અંજલિ અર્પતો લેખ પણ લખ્યો છે.

સંદર્ભસામગ્રી

  1. વિભાજનની વ્યથા, શરીફા વીજળીવાળા, ગૂર્જર પ્રકાશન.
  2. કળાકારનો ઇતિહાસબોધ, ભરત મહેતા, પાર્શ્વ પ્રકાશન.
  3. આત્મકથાનું સાહિત્યસ્વરૂપ, દક્ષા વિ. પટ્ટણી, પરબ (અંક : મે-૨૦૦૩).
  4. ગુજરાતી આત્મકથાલેખન’ , ચંદ્રકાન્ત ટોપીવાળા, પરબ (અંક : જુલાઈ-૧૯૯૫).
  5. ‘રાષ્ટ્રીય આંદોલનમાં ગુજરાતની મહિલાઓનું યોગદાન’, રફીકા સુલતાન.
  6. ‘Performance of Nationalism: India, Pakistan, and the Memory of Partition and the memory of Partition’, Jisha Menon, Cambridge University press.
  7. ‘Border and Boundries : women in India’s Partition’, Kamla Bhasin and Ritu Menon, Rutgers University press.
  8. ‘The other side of silence’, Urvashi Butalia, Penguin books.


પાર્થ પ્રદ્યુમ્ન પંડ્યા, Sardar Patel University, Vallabh Vidyanagar. pandya37parth@gmail.com 9033089513