‘ધન નય, માન નય, એકટુકુ બાસા, કરેછિનુ આશા’ (મેં ધન કે માનની નહીં, માત્ર એક રહેઠાણની આશા સેવી છે.) રમાપદ ચૌધરીકૃત ‘ઘર’ લઘુનવલમાં સ્વપ્ન સેવતું માનવી કંઈ એટલી પરિસ્થિતિ, મનોદશા અને આંતર-બાહ્યજગતને એકજૂટ રહી તેને સાકાર કરવાં મથે છે. તેની વાત આ લઘુનવલમાં કેન્દ્રસ્થાને છે. ઉપરોક્ત પંક્તિ કૃતિનાં ભાવગજતનાં પરિપ્રેક્ષ્યમાં ગૂંથી લેવાઈ છે. રમાપદ ચૌધરી બંગાળી સર્જનમાં અલ્પ છતાં સર્વાતોમુખી કહી શકાય એવું સાહિત્ય પ્રદાન ભારતીય નવલકથાનાં ઉપલક્ષમાં સાંપડે છે. રમાપદ ચૌધરીનો જન્મ ૨૮ ડિસેમ્બર ૧૯૨૨નાં રેલવેનગર, ખડગપુરમાં થયો હતો. અભ્યાસ તેમણે કલકત્તામાં રહી સર્જનપ્રતિભા સાથોસાથ વિકસાવી. તેમને વિદ્યાર્થીકાળથી જ સર્જનમાં રસ રહ્યો અને લેખનકાર્ય તરફ પ્રયાણ કર્યું. નવલકથાની સાથે વાર્તા અને નિબંધસંગ્રહોમાં પણ માતબર પ્રદાન કર્યું છે. તે બદલ ૧૯૬૩માં આનંદ પુરસ્કાર અને ૧૯૭૧માં રવિન્દ્ર પુરસ્કારથી સન્માનિત થયાં. તેમનું વિવિધ સાહિત્યસર્જન બંગાળમાં તો પ્રસર્યું જ, પણ સાથે-સાથે તેમની વાર્તાઓ, નવલકથાઓનું અન્ય ભારતીય ભાષાઓમાં પણ અનુવાદ થયાં છે. તો કેટલીક કૃતિઓ અંગ્રેજીમાં પણ પ્રકાશિત થઈ છે.
બંગાળની વાત આવે એટલે ટાગોરનું નામ સૌથી પહેલાં આપણાં હોઠે આસ્વાદાય. બંગાળી સર્જકોની શૈલી અને પરિવેશ ગ્રામ્ય એટલે કે તળપદ થી લઈ નગરજીવન સુધીની એષણા તેમાં ભારોભાર ઝિલાતી જોવા મળે છે. રમાપદ ચૌધરી આવા જ પરિવેશને કેન્દ્રમાં બંગાળી લઘુનવલ ‘બાડી બદલે જાય’ (જેનો ગુજરાતી અનુવાદ પ્રસાદ બ્રહ્મભટ્ટએ ‘ઘર’ તરીકે કર્યો છે.) લઈને આવે છે. આ બંગાળી લઘુનવલને સાહિત્ય અકાદમી દિલ્હીનો ૧૯૮૮નો પુરસ્કાર પ્રાપ્ત થયો છે. અહીં મૂળ વાત બંગાળી સર્જક અને અનુવાદકની સાથે ચર્ચામાં રસપ્રદ બનશે. કારણ કે, જેટલાં ઉત્તમ લેખક એટલું જ ઉત્તમ અનુવાદ થયું હોય તો તેનો રસવૈવિધ્ય ગુણવત્તાની દ્રષ્ટિએ કૃતિનું અસ્તિત્વ મધુરતા બક્ષે છે.
અહીં ‘ઘર’ લઘુનવલમાં પરિવેશ કલકત્તા શહેરનો છે. નગરજીવનની ભાગદોડ અને વ્યસ્તતા આપોઆપ વણી લેવાઈ છે. આવી વ્યસ્તતામાં માનવી કેટલું ખમીર અને સંયમ જાળવે છે તેનું સુક્ષ્મ આલેખન અહીં કૃતિમાં માનવીની મનોદશા પર ભાર મૂક્યો છે. કથાનો નાયક ધ્રુવની આસપાસ સમગ્ર કથા, પાત્રો અને પરિવેશ રમ્યા કરે છે, ડોકાય છે. એક માત્ર નાયકના કેન્દ્રમાં આરંભાતી કથા ધ્રુવના મનોજગતને સતત ઢંઢોળતી અને કંપાવી મુક્તિ પરિસ્થિતિ તેમેજ આસપાસ ઘટતી ઘટનાને સહજ માનવીની જેમ તેને સ્વીકારે છે, આશ્લેષે છે. તદઉપરાંત પોતાનાં પ્રત્યે પણ આવા બનાવની ભીતિને સ્વબચાવપૂર્વક સાંત્વના પણ જાળવવા મથે છે. અહીં ધ્રુવ આવી જ વિડંબનામાંથી પસાર થતો જોવા મળે છે. નવલકથાનાં આરંભમાં ધ્રુવની નજર મહોલ્લામાંથી પસાર થતા; જે કોઈ દિવસ નજર ઉઠાવીને ન જોતો તે એ દિવસ કોઈ વ્યક્તિને શોધતો હોય તેમ રહસ્યમય રીતે ડગલાં માંડતાં જતો હોય છે અને તેની નજર સમક્ષ એક ભીડને એકઠી થયેલી જુએ છે. ધ્રુવ રસ્તે પડેલાં કોઈ ભાડુઆતને ઘરવિહોણા થયાંની ભાળ લે છે. તેને એ ઘટના લાગી આવવા પાછળનું કારણ પોતે પણ એક ભાડુઆત છે તે સમજી પહેલા સદગૃહસ્થને આમ રઝળતો જોઇ ધ્રુવ વધુ વિમાસણમાં મુકાય છે. સર્જક અહીં કલકત્તા શહેરનાં ગલી-મહોલ્લા, રસ્તાનો પરિવેશ, ટેક્સી વગેરે દ્વારા નગરજીવન ઊભું કરવા પાછળની ઝીણવટભર્યું નિરીક્ષણ અપેક્ષિત છે.
“હવે તો મહોલ્લામાં તેઓ અછૂત થઈ ગયા. લાંછિત, અપમાનિત માણસ પાસેથી બધા દૂર સરકી જવા ઈચ્છે છે. નહીંતર તેમના શરીર પર પણ એ અપમાનના છાંટા લાગે. કે પછી ભય ? આ રસ્તા પરના મોટા ભાગના તો ભાડુઆતો છે. બબ્બે ત્રણ-ત્રણ માળના મકાનો છે. મકાનમાલિક ઉપર રહે છે. નીચેના એક-બે માળ ભાડે આપે છે. ભાડુઆતો એકેએક મકાનમાલિકોને ખુશ રાખી રહેવાની મથામણ કરે છે. ઘરમાંથી તગેડી મૂકેલ ભાડુઆતની બાજુમાં આવી ઊભા રહેવાથી મકાનમાલિક ગુસ્સે થશે એવા ભયથી શું કોઈ આવી ઊભું રહ્યું નહીં ?
અશક્ય. મકાનમાલિકથી આજકાલ કોઈ આટલું ડરે છે શું ?”
કલકત્તા શહેરમાં મકાનમાલિક અને ભાડુઆત વચ્ચેની કાયદાકીય અને કેટલીક મોઢામોઢ થયેલાં વ્યવહાર અને તેની વચ્ચે પીસાતો મધ્યમવર્ગનાં માનવીને સતત આવો ડર રહ્યા કરે છે કે ‘ક્યારે ઘર ખાલી કરવું પડે’ ધ્રુવ ઘટનાથી વધુ ખિન્નતા અનુભવે છે. સામાન્ય માનવી દરેક ઘટનાને પોતાનાં સાથે ઘટતી હોવાનું દિવાસ્વપ્ન સેવે છે અને તેનાથી અભિભૂત થઈ તેનો માર્ગ શોધવા મથવા ચેતસિક દોડ લગાવે છે. આવી ફફડાટમાંથી ધ્રુવ પસાર થઇ રહ્યો હતો. આ ઘટના બાદ તેની આસપાસની સમગ્ર સૃષ્ટિને મકાનમાલિક અને ભાડુઆત; એમ બે જ પ્રકારે મૂલવે છે. ઉપરાંત રાખાલબાબુને ત્યાં ભાડે રહેતા તેનાથી નજર મલાવવાનું પણ ટાળે છે. મધ્યમવર્ગનાં માનવી માટે આવી નાની-અમથી ઘટના કેટલી વિસ્મયતા જન્માવે છે. તે અહીં ધ્રુવની મનોદશા દ્વારા અપેક્ષિત છે.
ધ્રુવ એકલો નથી; સાથે તેની પત્ની પ્રીતિ, પુત્ર ટીપુ અને બે ભાઈ-ભાભી અને માતા-પિતા સાથે સહપરિવાર રહેતો હોય છે. ધ્રુવનું મનોબળ સ્થિર છે. છતાં ક્યારેક પરિસ્થિતિવશ સભાનતા ડગમગી જાય છે. ધ્રુવનું વ્યક્તિત્વ એટલું નિર્મળ અને સરળ છે કે તેનાં મનોભાવો આપોઆપ તેનાં ચહેરા પર ઉભરાયી આવે છે. સમગ્ર ઘટના બની તેનાંથી કેવી વિવશતા અનુભવે છે તે પ્રીતિને કહેતાં સંકોચ અનુભવે છે. ક્યાંક તેને પણ આવી જ વિવશતા કનગડે તો ? માટે ટાળવાનો પ્રયત્ન પણ કરે છે. તો બીજી તરફ પત્નીવ્રતા પણ છે. કહ્યા વગર તેનું મન વિચલિત થયાં કરે છે. ધ્રુવનું આવું સરળ વ્યક્તિત્વ ટાગોરની ‘ઘરેબાહિરે’ નાં નિખિલેશની યાદ અપાવે છે. ધ્રુવ સ્વભાવ અને મનોગત વચ્ચે ચાલતાં દ્વંદ્વયુદ્ધમાં ધ્રુવ સમગ્ર લઘુનવલમાં ચિંતિત અને વ્યગ્ર માલૂમ પડે છે. જો કે પ્રીતિને આ ઘટનાની જાણ પહેલેથી છે તે જાણતાં જ તેનું મન થાળે પડે છે. પણ આ વાતની જાણ તેને કઈ રીતે થયી તે ધ્રુવને શૂન્યમનસ્ક બનાવે છે. રસોયણબાઈ, કામવાળીબાઈઓ અહીં એક ઘટનાની ખબરને રાઈનો પહાડ બનાવી એક ઠેકાણેથી બીજે ઠેકાણે પહોંચાડવાની વૃતિ ધ્રુવનાં મનોગત દ્વારા પ્રકાશ પાડે છે.
ધ્રુવ આવા કામદારો પ્રત્યે વધુ સ્નેહ જાળવી શકતો નથી. તેમને માત્ર વ્યવહારિક દ્રષ્ટિકોણથી જુએ છે. જ્યારે પ્રીતિ તમને નામથી બોલાવવા બદલ આગ્રહ કરે છે. કેમ કે, તે પણ આપણી જેમ મનુષ્ય જ છે. પણ ધ્રુવ મનોમન જાણતો હોય છે કે પ્રીતિને આ કામવાળી, રસાયણબાઈ વગર થોડા દિવસ પણ ચાલે તેમ નથી. માટે પ્રીતિ તેની ખુશામત બદલ તેનાથી હસી-હસીને વાતો કરે છે. આ બધું માત્ર મનોગતને અહીં કથામાં પુરવાર કરવા માટે અથવા તો ભેદી વાસ્તવિકતાને ઉજાગર કરવાનો પ્રયોગ માત્ર જ છે.
આ સમગ્ર ઘટના કે જે મૂંઝવણને ઠાલવવા માનવીને કોઇ સાહિયારો તો મળી જ રહે છે. ધ્રુવનો ઓફિસ મિત્ર અવિનાશ એ ધ્રુવની વાતોને હસતા મોઢે સરળ બનાવી મુકવાની કલાથી ધ્રુવને હાસકારો આપતો રહે છે. અવિનાશ ખૂબ ખુલ્લા મનનો માણસ છે. ધ્રુવ માટે મનની મોકળાશનો એક અતરંગી સાહિયારો અવિનાશ જ છે. વળી, તેની પાસે બધી સમસ્યાઓનું હસતા મોઢે નિરાકરણ પણ છે. કારણ કે, પ્રીતિને બધી મનની વાત કરી તેને પણ એ જ મૂંઝવણમાં નાખવા નથી ઈચ્છતો. પણ કહ્યા વગર ધ્રુવને છૂટકો પણ નથી આવતો. પણ પ્રીત તેનાં કામમાં જ વ્યસ્ત રહે છે. તેની વ્યસ્તતા પાછળ ધ્રુવ તેને સવારના મિજાજ કરતાં સાંજના વલણથી પ્રીતિને બે અલગ-અલગ વ્યક્તિ તરીકે જુએ છે.
માતા-પિતા, ભાઈ-ભાભી સાથે સમૂહ પરિવાર અને ધીરે-ધીરે મોટા થતાં બાળકો તેમજ ઘરમાં વધતી ગીચતા; સમગ્ર પરિસ્થતિ ધ્રુવને ફરી ઘર લેવાં માટે વિચારતો કરે છે. પ્રીતિનાં એ દીર્ઘશ્વાસથી કહેવાયેલું વાક્ય “હવે આપણે પણ કંઈક કરવું પડશે.” તે ધ્રુવને વધુ વિચારમગ્ન બનાવે છે. તેને પ્રીતિનાં શબ્દોથી વધુ પોતાની અંદર રહેલો ભાડુઆત તરીકેનો ડર અને પોતાનું ઘરનું ઘર લેવાની ઈચ્છા વચ્ચે વિમાસણમાં મુકાય છે. અહીં લઘુનવલનો પ્રથમ પ્રકરણ પૂરું થાય છે.
બીજા પ્રકરણમાં સર્જક Flashback શૈલીનો વિનિયોગ સાધે છે. ધ્રુવનાં કોલેજકાળમાં પ્રીતિ સાથેની મૈત્રી ઘરવાળાઓ માટે ચર્ચાનો મુદ્દો બની રહે છે. ધ્રુવનું વ્યક્તિત્વ એટલું સરળ અને નિખાલસ હતું કે સૌ કોઈ તેની મનોદશા તેનાં ચહેરા પરથી જાણી લેતું. ધ્રુવની વચટ ભાભી તેનાં મનમાં ચાલી રહેલી હા-ના ની ગડમથલ તેની આંખોથી જાણી લેતાં. પણ રૂઢિચુસ્ત માતા-પિતા અને ધ્રુવને તેનાં પિતા પ્રત્યેનો આદર અને કડકાઈ ખુબ અસહ્ય લાગતી. ક્યારેક પિતાજી પર મનોમન ગુસ્સે પણ થઈ જતો. પણ અણગમો ન હતો. પરંપરા પ્રમાણે તેનાં પિતાનું જ ચાલતું. અને તે સમયમાં કોઈ છોકરી છોકરા થી વાત કરે તો તે સૌથી પહેલા પ્રેમની જ નિશાની ગણતાં. સાથે ભણતાં ધ્રુવ અને પ્રીતિ વિશે વચટ ભાભી જાણતાં હતાં તે વાત અહીં બીજા પ્રકરણમાં રસપ્રદ રીતે નિરૂપાય છે. ધ્રુવ અને પ્રીતિનાં લગ્ન અને બંગાળમાં જે વહુભાતની રસમ; જેમાં લગ્ન પછીનો એક સંસ્કાર વિશેષ રીતે અહીં યોજાય છે. જેમાં વરનાં સગા-વ્હાલા નવવધૂનાં હાથનો સ્પર્શ થયેલો ભાત ખાય છે, અને આ પાકસ્પર્શની રસમ બંગાળની લગ્ન-પરંપરા પ્રમાણે, રીતભાતને અહીં યોગ્ય રીતે કથામાં રસપ્રદ રીતે નિરૂપાયી છે.
તો બીજી તરફ તેમના ઘરની સામે હેમંતબાબુ મકાન વેંચી ચાલ્યા જાય છે. અને ત્યાં નવી ચાર મંજીલા અને આઠ ફ્લૅટ વાળું ચણતર ચાલું થતાં પ્રીતિનાં મનનું ઘર પણ ચણાવાં લાગે છે. ધ્રુવનાં પિતા તેને ક્યાંક સ્વતંત્ર જમીન શોધી, રહેવાની સલાહ પણ ધ્રુવને ખોટી નથી લાગતી. અહીં ઘરમાં સંકોચ અને રહેવાની જગ્યા સાંકડી થવા પર ધ્રુવ બીજે ભાડે રહેવા જવાનો વિચાર મૂકતાં ઘરનો માહોલ કૉલ્ડવૉરનું સ્વરૂપ ધારણ કરે છે. પ્રીતિની નવા ઘરની ઈચ્છા અને ધ્રુવની મનઃસ્થિતિ વચ્ચે તેઓ બકુલબાગ છોડીને જવાનું નક્કી કરે છે. નવો ફ્લેટ શોધવામાં મનેકમને પોતાની જાતને મનાવી લેવા વધુ સક્ષમ બની રહ્યો હતો. આખરે પ્રીતિએ શોધેલું ઘર સારું જ હશે, તેનો પણ સંતોષ હતો.
અહીં કથામાં રાખાલબાબુનું પાત્ર બળપૂર્વક પ્રવેશતાં ધ્રુવને ઘર મળ્યાની સંતૃપ્તિ ફરી કંટાળાજનક બનવા તરફ ઢળી જાય છે. જે-તે સમયે ધ્રુવ પાસે અંગ્રેજીમાં પત્ર લખાવી આપવા બદલનો આગ્રહ અને તેને કૃતજ્ઞ થઈ રાખાલબાબુ તેની પાસેથી 50 રૂપિયા ભાડું ઓછું લે છે. પણ તેનાં આવા વ્યવહારથી ધ્રુવને પૂરેપૂરો વિશ્વાસ હતો કે ભાડુઆત માંથી મકાનમાલિક બનેલાં બાબુઓ શરૂઆતમાં મીઠડાં બની ભાડું વસૂલે છે અને પછી બીજા બધા ભાડુઆતની જેમ જ અતડાઈથી વર્તતા લાગી જાય છે. ધ્રુવને અહીં રાખાલબાબુ એક બાજુ કૃતજ્ઞ તો બીજી તરફ રહસ્યમયી વ્યક્તિ ભાસે છે.
તો જોઈન્ટ ફેમિલીથી અલગ થવાનો વિષાદ ધ્રુવ તેનાં મિત્ર અવિનાશ આગળ મૂકે છે. અવિનાશ હંમેશાની જેમ નાની-મોટી તકલીફો અને ધ્રુવ પાસે હાસ્યાસ્પદ રીતે રજૂ કરીને ધ્રુવને હળવોફૂલ બનાવી દેતો. “સારું જ કરે છે. સાહસ કરી ચાલ્યા જાઓ. ખૂબ સારી રીતે રહી શકશો. જોજે, દૂર રહેવાથી વધારે આત્મીયતા અનુભવશે.” અને એ જ આજના યુગનો નિયમ છે કહી ધ્રુવની અલગ થવાની નિરાશા અવિનાશ દૂર કરે છે.
કથા આગળ વધે છે તેમ ધ્રુવનું ચરિત્ર અલગ-અલગ રીતે પરિસ્થિતિજન્ય બની નવીન રીતે ઊઘડતું જાય છે. જે વ્યક્તિને મળતાં તેને અણગમો થતો; તે વ્યક્તિ જ તેનો મકાનમાલિક નિકડે છે. અહીં ધ્રુવનાં મનમાં રાખાલબાબુ કૃતજ્ઞ બની ડોળાયાં રાખે છે. ધ્રુવની મૂંઝવણ વધુ શિથિલ બને તે પહેલાં જ ભાડાને લઇને થયેલી ભાવતાલને ધ્રુવ સમજી શકતો નથી. પણ પછીથી ફ્લૅટ મળ્યાની ખુશીમાં તે બધી બાબતને પરાણે વિસરી જઈ આગળ વધે છે. જુનાં ફ્લૅટમાં પણ ભાડુઆત તરીકે જ સહપરિવાર રહેતા હતા. છતાં પ્રીતિ અને ક્યાંક ક્યાંક ધ્રુવને પણ નવા ફ્લૅટમાં આવ્યા પછી સ્વાધીનતા અનુભવાય છે. જાણે બંધનમાંથી કેદી મુક્ત થયા હોય તેઓ હાસકારો અનુભવે છે. પણ તે માત્ર મનમાં ચાલતી ભીષણતાથી દૂર થવાનો નાહક સંતોષ જ હતો, જે માનવીને ક્યારેય ભ્રમિત તો ક્યારેક માત્ર પળવારની ખુશીનો હર્ષોલ્લાસ આપે છે. આ Mental Space યુદ્ધ-જીત્યાની વિશાળ ખુશી સાથે અલગ થાય છે.
અહીં રાખાલબાબુનું આટલું સારું વલણ ધ્રુવને આશ્ચર્યમાં નાખી દે છે. રાખાલબાબુની પત્ની ગુજરી ગયાંના સમાચાર રાખાલબાબુનાં રડતા મોઢે સાંભળતા ધ્રુવ તેના પ્રત્યે દયાની ભાવના રાખે છે. પણ ધ્રુવની ઓફિસમાં કામ કરતાં અનાદિબાબુ તેને ચેતવે છે કે, એ માણસ અંદરથી અલગ અને બહારથી અલગ રીતે વર્તે છે. ત્યારે ધ્રુવને એ વાત ગળે ઊતરતી નથી. થોડા દિવસ બાદ જ્યારે પ્રીતિનાં મોઢે રાખાલબાબુ બીજી પત્ની પરણીને લઈ આવ્યાંનાં સમાચાર સાંભળતાં જ ધ્રુવનાં મનમાં અનાદિબાબુની વાતનું બીજ અહીં રાખલબાબુનાં નાટકીય અભિનય હોવાની શંકાથી સ્ફૂટ થાય છે.
પ્રીતિએ તો નવા ભાડાનાં ઘરને દિલથી શણગાર્યું. પણ ધ્રુવનાં મનમાં ‘બચત કરીએ તો થોડા પૈસા બચે, તો એક જમીનનો ટુકડો લઇ મકાન બનાવી લઈયે.’ તેનાં પિતાએ કલ્પેલી ઈચ્છા અહીં ધ્રુવનાં મનમાં પણ આકાર લઇ રહી હતી. ક્યારેક ધ્રુવ ઘર બદલ્યા તેની અસભાનતામાં ક્યારેક પોતાના પગ આપોઆપ જુના રસ્તે જ મંડાઈ જતા. ધ્રુવ બકુલબાગ માતા-પિતા, ભાઈ-ભાભીને ઘેર પહોંચી જતો. ત્યારે હસ્તે મોઢે રસ્તો ભૂલ્યાનું ટાળીને અચાનક આવ્યાનાં ભાવ સાથે પ્રવેશતો. આ સ્વાર્થીપણાંનો ખ્યાલ ધ્રુવને સતાવતો રહે છે.
વ્યવહારિક અને સામાજિક અનુબંધ સમસ્યાનું રૂપ લે તારે ધ્રુવ ફરી પહેલાંની મનઃસ્થિતિમાં મૂકાયી જતો. મધ્યમવર્ગનાં માનવીને શાંતિ જ નથી હોતી. એક કામ પૂરું થાય ત્યાં બીજા બે કામ ઊભા જ હોય. અને સાથે અનેક વ્યવહારોનો પણ અવનવા સ્વરૂપ સાથે બાથ ભીડવું પડતું. સર્જકે અહીં મકાનમાલિક અને ભાડુઆત વચ્ચે ચાલતાં ચિંતિત-વિસ્મયને ઘર શોધવા અને ખાલી કરવા સુધીની અવયવહિન અનુભૂતિને તલસ્પર્શી રીતે ઉજાગર કરી છે. ક્યારેક ભાડા વધારાનો ભય, પાણીની સમસ્યા વગેરે રાખાલબાબુ ધીરે-ધીરે મકાનમાલિક હોવાનાં મોટાપણા દેખાડવાનું શરૂ કર્યું.
ધ્રુવને માથે ફરી એ જ ઘરની સમસ્યા ઊભી થયી. પ્રીતિને તો ચકલી ખોલતાં જ પાણી મળી રહે તેવી ઇચ્છા હતી. નવી માથાકૂટ શરૂ થયી. “પોતાનું ઘર, માથું ઢાંકવા છત” પ્રીતિ માટે સ્વપ્નનું ઘર એટલે એ જ. ધ્રુવનાં મનમાં આરંભે જે ભાડુઆતની હાલત થતાં તેને પોતાનો ભાડુઆત હોવાનો અને ઘર માંડવા સુધી તેનાં ચિત્તમાં જે ભય ઘર કરી ગયો હતો તે દૃશ્ય ફરી-ફરીને યાદ આવે છે.
અંતે ધ્રુવ રસ્તો શોધી જ કાઢે છે. જે સમસ્યા હતી તેની આજુબાજુ તેનું નિરાકરણ મળી રહ્યું. તેને જગન્નાથબાબુ નામનાં કોન્ટ્રાક્ટરનો ભેટો થાય છે. થોડા પૈસાની લોન લઈ; તો કેટલાંક રૂપિયા ફઈ-ફુઆની જમીનનાં કેસમાં રોકાયા હતાં તે મળી રહે છે. ધ્રુવ એક નહીં પણ બે માળનું ઘર બનાવવા સક્ષમ બને છે. જો કે કેટલું દેવું તેને ભોગવવું પડે છે. પણ આમ ભાડુઆત થઈને રહેવા કરતાં પોતાની છત ભલી, તે સદનસીબને કારણે.
ધ્રુવ અને પ્રીતિનું ઘર જોતજોતામાં આખરે તૈયાર થઈ ગયું. નવા રંગરોગાન સાથે મહોલ્લા કરતાં પણ વધુ ચળકાટવાળુ ઘર સૌની આંખે શોભતું. ધીરજનું ફળ મધ્યમવર્ગનો માનવી કેટલી સરળતાથી તેનો માર્ગ શોધી શકે તે ધ્રુવના પાત્ર દ્વારા પ્રતીત થાય છે. પ્રીતિ પણ મોટેથી હસીને કહેતી કે – “તું તો આટલી વારમાં મકાનવાળો થઈ ગયો.” ત્યારે ધ્રુવ પણ હસીને કહે છે – “હા, હવે તો આપણે મકાનવાળા જ છીએ.” ધ્રુવનાં માતા-પિતા આ ઘર બનાવવા પાછળ પ્રીતિને જ તેનો શ્રેય-આશીર્વાદ પાઠવે છે. આખરે ઘર તો એક સ્ત્રી જ સમૃદ્ધ બને છે, શોભે છે.
વાસ્તવને સ્પર્શતી, માનસિક સંચલનોને એક મનોવૈજ્ઞાનિક રીતે નિરૂપીને લઘુનવલ એક ગતિએ આગળ વધતી અને સુખાંત પરિણમતી કથા બને છે. શહેરી મનુષ્યની સમસ્યાને એક પાંદડે થતાં ધ્રુવને આખરે ઘર, માથે ઢાંકવાં છત જ સંતોષ આપે છે એ સામાન્ય માનવીનું ધ્યેય છે. આરંભથી અંત સુધી ઘર, ઘર અને ઘરની મથામણમાં કેટકેટલાં આટાપાટા સેવીને શાંત પડે છે. સર્જકે અહીં કથાને થોડી લંબાવતાં આ સંતોષ પાછળ ધ્રુવનાં સ્વભાવ ઘર બદલે તેમ અહીં પણ ભાડુઆત માંથી મકાનવાળો બન્યો હતો, તેનો સૂક્ષ્મ સંવાદ પ્રીતિના હૈયેથી હોંઠે છલકાતાં કહીને વિરમે છે – “ઘર સાચે જ બદલાઈ ગયું છે !” અહીં ઘરની સાથે ધ્રુવનું પણ સ્વભાવગત અને મનોગત રીતે બદલવું અપેક્ષિત છે.
ઘર શોધવું, મળવું અને ફરી ઘર ખડું કરવા સુધીની માનવી અસંતૃપ્ત બાહ્યાભ્યંતરનું મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ રમાપદ ચૌધરીએ સહજ રીતે ચિત્ર ખડું કરે છે. દરેક વખતે પાત્રો એકબીજાની આત્મીયતા; તો ક્યારેક સ્વાર્થીપણાં વચ્ચે શહેરી મનુષ્યની વિડંબનાને એકજૂટ રાખી તટસ્થ નિર્ણય લેવા ધ્રુવ જેવાં જેન્ટલમેનની જરૂર વર્તાય છે. તો પ્રીતિ જેવી પત્ની મકાનને ઘર બનાવવા હંમેશા પતિવ્રતા બની, સુખ-શાંતિ તરફ જંપવું ભારતીયતાનાં કેન્દ્રમાં તેનું પાત્ર ઉજાગર થાય છે. તો બીજી તરફ રાખાલબાબુ દરેક કથાનાં ખલનાયકની જેમ શરૂ-શરૂમાં મીઠાશથી વર્તતો અને પછી થી અશાંતિ ફેલાવતું પાત્ર અહીં લઘુનવલને વધુ રોમાંચિત અને મનોરંજક બનાવે છે. પ્રસાદ બ્રહ્મભટ્ટએ શિષ્ટ રીતે ગુજરાતી અનુવાદ કરી કથાવસ્તુને હાનિ ન પહોંચે તેમજ તેની રસિકતા પણ જળવાયી રહે તે હેતુથી આ લઘુનવલ આસ્વાદવામૂલક અને ઇન્દ્રિયગમ્ય બની છે.
સંદર્ભ:
નિખિલકુમાર કિરીટભાઈ પિનારા, (એમ.ફિલ.) ગુજરાતી, કચ્છ યુનિવર્સિટી, ભુજ E-MAIL: pinaranikhil@gmail.com