“ નૂપુર બહાર આવે ત્યારે મારા રૂમમાંથી ટ્યુબ લેતી આવજે.”
“ હા, પપ્પા.”
નૂપુરે ટેબલ ઉપર, અને પછી ટેબલના ડ્રોઅર ખોલીને જોયું. ટ્યુબ ના મળી. ગઈ રાતે તો મૂકી હતી અહીં. ક્યાં ગઈ ? જલ્દી યાદ ન આવ્યું. આ વખતે પપ્પાનાં ઘરે આવી ત્યારથી આવું જ થાય છે. મન લાગતું નથી. કોઈ બાબતમાં ધ્યાન રહેતું નથી. નજરની સામે રહેલું નજરે ચડતું નથી. છેલ્લા બે દિવસથી પપ્પાને વાત કરવી હતી, પણ તક ના મળી.
લગ્ન પછીનાં આ દોઢ વરસમાં પહેલી વાર આવી રીતે એકલી ચાલી આવી. ન તો વિજુલ મૂકવા આવ્યો કે ન એણે પપ્પાને ફોન કર્યો. પપ્પાએ આ બાબતે પૂછેલું પણ સાચું કહેતા હિંમત ન્હોતી ચાલી. ગઈ રાતે વિજુલ સાથે જે રીતે વાત થઈ એ જોતાં આજે પપ્પાને કહી કોઈ નિર્ણય પર આવવું પડે.
ટેબલ પરનો પ્લાસ્ટિકનો એક ડબ્બો ફંફોસતા ટ્યુબ મળી ગઈ. એ લઈને એ બહાર આવી.
“ બહુ વાર લાગી બેટા.”
“ ટ્યુબ મળતી ન્હોતી પપ્પા; આ લ્યો.”
પપ્પાએ ટ્યુબ દબાવી મલમ કાઢ્યો અને પગ પરનાં ચકામાં પર લગાવ્યો.
“ આ શું થયું છે ?”
“ કંઈ નહિ બેટા. બૂટ નવા છે એટલે જરા-તરા ડંખ્યા કરે. આ વખતે જરા વધુ ડંખ્યા.”
“ પણ જુઓ તો ખરા, કેવડું મોટું ચકામું થયું છે. દુઃખતું નથી ?”
“ ખૂબ દુઃખે છે.”
“ તો આવા ડંખે એવા બૂટ શું કરવા પહેરો છો ?”
“ અરે, મારા બર્થ ડે પર તારી મમ્મીએ ધરાર આ મોંઘાદાટ બૂટ લેવડાવ્યા. નવા છે તે પગને અનુકૂળ નથી. થોડા દિવસ પહેરીશ એટલે બરાબર થઈ જશે. એમ જરાક ડંખે એટલે આટલા સારા બૂટ ફેંકી થોડા દેવાય ?”
પપ્પાએ ફરી થોડો મલમ ઘા પર લગાવ્યો અને પૂછ્યું.
“ તું કંઈક કહેવાની હતી.”
નૂપુર ડંખ સામે જોતા બોલી.
“ હા, પણ એવી કંઈ ખાસ વાત નથી.”
નસીમ મહુવાકર, ડેપ્યુટી ડિ. ડિ. ઓ., જિલ્લા સેવા સદન, સુરેંદ્રનગર(સૌરાષ્ટ્ર) મોબાઇલ: 99 1313 5028 / ઇમેઇલ : nasim2304@gmail.com