ગુજરતની અસ્મિતાના ઉદ્દગાતા ભારતીય સંસ્કૃતિના પુરસ્કર્તા અને દેશહિત ચિંતક મુનશીની વૈયક્તિક સંવેદનાઓ, ભાવનાઓ અને સ્વપ્નસૃષ્ટિ તેમની વિવિધ સ્વરૂપની સર્જનાત્મક તથા ચિંતનાત્મક કૃતિઓમાં શબ્દસ્થ થયેલી છે. પરંતુ ગુજરાતની સાહિત્ય-રસિક જનતામાં તેઓ નવલકથાકાર તરીકે વિશેષ કરીને ઐતિહાસિક નવલકથાઓના સિદ્ધ હસ્ત સર્જક તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. કનૈયાલાલ મુનશીનો સાહિત્ય પ્રવેશ 'મારી કમલા' નામની સફળ વાર્તાથી થાય છે. પછી તો 'વેરની વસુલાત' એ સામાજીક નવલકથા 'ગુજરાતી' માસિકમાં હપ્તે પ્રગટ થાય છે ને ગુજરાતી વાચકોનુ ધ્યાન ખેંચે છે. આથી નવલકથાકાર મુનશીની કીર્તિનો ઉત્સાહ વધે છે. 'પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ' અને 'રાજાધિરાજ' એ ત્રણ સોલંકી-યુગીન ઐતિહાસિક નવલકથાઓ કનૈયાલાલ નામને સાહિત્ય ક્ષેત્રે ગાજતું કરી મુકે છે ને કનૈયાલાલની નવીન વાર્તા કળા પ્રત્યે ગુજરાતમાં લોક ચાહનાનો જુવાળ ઊઠે છે. એમની 'પૃથિવીવલ્લભ' નવલકથા અને 'વાવાશેઠનું સ્વાતંત્ર્ય' તથા 'પુરંદર પરાજય' એમ બે નાટકો લોકચાહના પ્રાપ્ત કરે છે. નવલકથા અને નાટક એ બે સાહિત્ય-સ્વરૂપના વિકાસમાં કનૈયાલાલ મુનશીનો ફાળો અવિસ્મરણીય છે. મુનશીની નવલકથાઓ વિષયવસ્તુની દ્દ્ષ્ટિએ સામાજિક, ઐતિહાસિક તથા પૌરાણિક છે એમાં ઐતિહાસિક નવલકથાએ મુનશીને ઘણી કીર્તિ અપાવી છે. 'પાટણની પ્રભુતા', 'ગુજરાતનો નાથ', 'રાજાધિરાજ', 'જય સોમનાથ', 'ભગ્ન પાદુકા', 'પૃથિવીવલ્લભ' અને 'ભગવાન કૌટિલ્ય' એ મુનશીની સુવિખ્યાત ઐતિહાસિક નવલકથાઓ છે. આપણા મહાન સાહિત્યકાર અને આપણે જેમને ગુજરાતની અસ્મિતા કહી શકીએ એવા શ્રી કનૈયાલાલ મુનશીનું પ્રદાન અદભૂત છે. તેમણે નવલિકા, નવલકથા, નાટકો, જીવનકથાઓ વગેરે સાહિત્ય સ્વરૂપો પર નોંધ પાત્ર પ્રદાન કર્યું છે. અહીં નવલકથાનું કથાવસ્તુ, પાત્રનિરુપણ, વર્ણનકળા, રસનિરુપણ, સંઘર્ષ, સંવાદ અને ભાષાશૈલી જોતા લેખકની સર્જકતાનો સંપૂર્ણ પરિચય થાય છે જેને સરળતાથી સમજી શકાય એ રીતે અહીં મૂકી આપવાનો મારો ઉપક્રમ છે.
નવલકથાની શરૂઆત તૈલંગણના રાજા તૈલપ અને માળવાના રાજા મુંજ બંને વચ્ચે ચાલી રહેલા ભયાનક યુધ્ધથી થાય છે. માળવાનો રાજા મુંજ ખૂબજ શક્તિશાળી અને સુંદર યૌવન ધરાવતો, લોકપ્રિય રાજા હોય છે. મુંજે તૈલપને રણભૂમિમાં સોળ વાર ધૂળ ચાટતો કરેલો અને આ સત્તરમી વાર નું યુધ્ધ ખૂબજ ભયાનક ચાલતુ હોય છે. અને એવામા તૈલંગણા નગરના લોકો રોષે ભરાયેલા હોય છે. કોઈ કહે મુંજ જીત્યો, તો કોઈ કહે તૈલપ. આમ ખોટી અફવાઓ નગરમાં ફેલાતી હોય છે. એક બાજુ રોષે ભરાયેલા નગરના લોકો ને બીજી બાજુ રાજમહેલનાં શિવાલયમાં તપ (ધ્યાન) કરવાનો ડોળ કરતી વિલાસવતી. વિલાસવતી ભિલ્લમદેવ અને લક્ષ્મીદેવીની પુત્રી હોય છે. ભિલ્લમદેવ શૂન્યદેશનો રાજા હોય છે. ભિલ્લમદેવને હરાવી તૈલપ પોતાના રાજ્યના વિકાસ અર્થ તેને પોતાના રાજ્યનો મંત્રી બનાવે છે. યુધ્ધના સમયે નગરના લોકો ભયભીત હોય છે. આ સમય દરમિયાન તૈલપની વિધવા બહેન મૃણાલવતી, તૈલપની પત્ની જક્કલાદેવી અને, ભિલ્લમની પત્ની લક્ષ્મીદેવી ત્રણે સ્ત્રીઓ રાજમહેલના શિવાલયમાં પ્રવેશે છે. શિવાલયમાં ધ્યાનનો ડોળ કરતી વિલાસને બહાર મોકલી મૃણાલવતી શિવાલયમાં રહેલી સુરંગ વિશે સાવચેત કરે છે. એટલામાં મહાસામંત ભિલ્લમ તૈલપના વિજયના સમાચાર લઈ શિવાલયમાં આવી પહોંચે છે. વિજયના સમાચાર સાંભળી મૃણાલવતી ખુશ થઈ તૈલપની સવારીની તૈયારીઓમાં લાગી જાય છે. મૃણાલવતીના ગયા પછી શિવાલયમાં ભિલ્લમદેવ લક્ષ્મીદેવી અને પુત્રી વિલાસને યુધ્ધમાં તૈલપના વિજય વિશે સમગ્ર વાત કરે છે. મુંજને હરાવવામાં ભિલ્લમનો મોટો ફાળો હોય છે.
તૈલપ મુંજ સાથે વિજયી થઈને; મુંજ અને મુંજની સાથે આવેલા કવિઓને કેદ કરીને પોતાના રાજ્ય તૈલંગણામાં પાછો ફરે છે. તૈલંગણા રાજ્યના લોકો રાજા મુંજને એટલે કે 'પૃથિવીવલ્લભ'ને જોવા એકત્રીત થાય છે. રાજા તૈલપની સવારી નગરમાં પ્રવેશે છે. પાછળ મુંજ અને તેના કવિઓ તથા સૈનિકો કેદ થઈને આવે છે. મુંજ તૈલંગણા નગરના લોકોને નિહાળતો, ખુશ થતો આવે છે. મુંજ દેખાવે સુંદર અને શાંત સ્વભાવનો હતો. જેથી તેલંગણા નગરના લોકો મુંજને પ્રેમ ભાવનાથી જોવે છે. મુંજની નજર લોકોને નિહાળતા નિહાળતા અચાનક મૃણાલવતી ઉપર આવી અટકે છે. અને પહેલી જ નજરમાં મુંજ મૃણાલવતી ઉપર આકર્ષાય છે. ત્યારબાદ કેદીઓને કેદખાનામાં કેદ કરી રાજા તૈલપ, મહાસામંત ભિલ્લમ અને, મૃણાલવતી રાત્રી બેઠકમાં મળે છે. તૈલપ મહાસામંત ભિલ્લમની વીરતાનુ ઉદબોધન કરતા તેને ઈચ્છા મુજબ માંગવાનું કહે છે ત્યારે ભિલ્લમ પોતાની પુત્રી વિલાસના વિવાહ તૈલપના પુત્ર સત્યાશ્રય સાથે થાય તેવી ઈચ્છા વ્યક્ત કરે છે. પણ સત્યાશ્રય અને વિલાસના વિવાહ તો નક્કી જ છે તેમ જણાવી તૈલપ કંઈક બીજુ માંગવા કહે છે. ત્યારે ભિલ્લમને પોતાના રાજ્ય શૂન્યદેશમાં પાછા જવાની પોતાની પત્ની લક્ષ્મીદેવીએ કરેલી વાત યાદ આવે છે, પણ તે માટે તૈલપ રજા નહી આપે તેમ વિચારી તે યુધ્ધ સમયે મુંજે કહેલી વાત યાદ કરી તે મુંજના કવિઓને મુક્ત કરવા વિનંતી કરે છે. ભિલ્લમની વાત માની તૈલપ કવિઓને મુક્ત કરે છે. ભિલ્લમ કવિઓને છોડાવીને રાજમહેલમાં લાવે છે. ભિલ્લમની પુત્રી વિલાસને કવિઓને મળવાની ખૂબજ ઉત્સુકતા હોય છે. તે કવિઓને પહેલી વાર જોવે છે. ભિલ્લમદેવ પુત્રી વિલાસને રસનિધિ અને કવિ ધનંજય સાથે પરિચય કરાવે છે. વિલાસ કવિઓ સાથે મન ભરીને વાતો અને પ્રશ્નો પણ કરે છે. વિલાસ રસનિધિને "રસિકતા" વિશે, તેના અર્થ વિશે જાણકારી મેળવે છે. થોડા સમય બાદ લક્ષ્મીદેવી પણ કવિઓને મળવા આવે છે.
એકબાજુ ભિલ્લમ, લક્ષ્મીદેવી અને વિલાસનુ કવિઓ સાથે મિલન અને બીજી બાજુ મૃણાલવતી પોતાના તિરસ્કારભર્યા હૃદય સાથે મુંજને તેની અધમતાનુ ભાન કરાવવા કેદખાને તેને મળવા જાય છે. પણ મુંજ તો જાણે પોતાના સિંહાસન ઉપર બેઠો હોય તે રીતે આનંદથી વર્તાય છે. મૃણાલની દરેક તિરસ્કારભરી વાતોનો મુંજ મીઠાશ અને હાસ્યથી ઉત્તર આપે છે. મુંજને મળ્યા બાદ મૃણાલ પોતાને અસ્વસ્થ અનુભવવા લાગે છે. આ અસ્વસ્થતા દૂર કરવા તે ઘણા પ્રયત્નો કરે છે પણ આ અસ્વસ્થતા દૂર થતી નથી. વિલાસ કવિઓને મળ્યા પછી તે મનોમન ગુંચવાયેલી, વિચારોમાં ખોવાયેલી રહે છે. તે મહેલમાં જતી હોય છે ને અચાનક રસનિધિની મુલાકાત થાય છે. વિલાસ રસનિધિને 'પરણ્યા પછી કેમ વર્તવું' એવો પ્રશ્ન કરે છે ત્યારે રસનિધિ તેને જુદા જુદા 'સહધર્મચાર' વિશે વાત કરીને ત્યાંથી છૂટા પડે છે. રસનિધિ અને ધનંજય અપરિચિત સ્થાને હોવાથી તેમને ઊંઘ આવતી નથી તેથી તેઓ મહેલની હવા ખાવા બહાર ફરતા હોય છે. મુંજને ખતમ કરવાના સમાચાર લઈ લક્ષ્મીદેવી ત્યાં આવે છે અને મુંજને છોડાવવાની યુક્તિ પણ આપે છે. બીજા દિવસે રસનિધિ શિવાલયમાં ધ્યાન કરતી વિલાસને મળે છે. રસનિધિ વિલાસને 'માલતીમાધવ'નુ નાટક કહેતા અચાનક તૈલપનો પુત્ર સત્યાશ્રય ત્યાં આવે છે. રસનિધિ અને સત્યાશ્રય વચ્ચે થોડી ટકરાર થયા બાદ સત્યાશ્રય ત્યાંથી જતો રહે છે. નાટક અડધુ પુરુ કરી વિલાસ અને રસનિધિ પણ ત્યાંથી છૂટા પડે છે. બીજી બાજુ તૈલપ મુંજને સજા કરવા 'પાદપ્રક્ષાલન' આચરે છે. અને મૃણાલ મુંજને મળવા કેદખાને જાય છે.
મૃણાલ કેદખાને પહોચતા જ તેના પગવાટથી મુંજ તેને અનુભવી જાય છે. મૃણાલ તેની પાસે આવીને, તેના અહમનો નાશ કરવા તેને ખતમ કરવાના સમાચાર આપે છે, પણ મુંજ હસતા હસતા જીવનના આનંદની વાત કરે છે. મૃણાલ ગુસ્સે ભરાતા તેને જેમ-તેમ બોલે છે ત્યારે મુંજ મૃણાલનો હાથ પકડી ચુંબન કરે છે. ત્યારે મૃણાલને કંઈક અલગ જ અનુભૂતિ થાય છે. મૃણાલ કશુ જ બોલ્યા વગર ત્યાંથી ચાલી જાય છે. તેના મનમાં મુંજના જ વિચારો આવ્યા કરે છે. તે વિચારોને બદલવા ધ્યાન ધરે છે પણ મુંજના વિચારો આવ્યા જ કરે છે. તે સૂવાની કોશિશ કરે છે ત્યારે મુંજ સ્વપ્નમાં આવી હજારો ચુંબન કરે છે. મૃણાલને ક્યારેય ન જાગી હોય એવી ઊર્મિઓ જાગે છે. આમ મૃણાલ મુંજને મળ્યા પછી તેના સુંદર યૌવન, મીઠા સ્વભાવને સતત યાદ કર્યા કરે છે. બીજા દિવસે મુંજને સજા કરવા 'પાદપ્રક્ષાલન' યોજવામાં આવે છે. તૈલંગણના મંત્રીઓ અને નગરના લોકો આ જોવા એકત્રીત થાય છે. અને મુંજને રાજદરબારમાં લાવવામાં આવે છે. પાદપ્રક્ષાલન કરવા મુંજને કહેવામાં આવે છે ત્યારે મુંજ ક્રોધે ભરાઈને બધુ વિખેરી નાખે છે. તૈલપ સાથે બધા સૈનિકો મુંજને ખતમ કરવા તલવાર કાઢે છે. પણ મૃણાલવતી ત્યાં હાજર હોવાથી વાતાવરણને શાંત પાડે છે. મૃણાલવતીની આ દયા-ભાવનાથી તૈલપ મૂંઝાય છે, તેને મુંજ-મૃણાલ પર શંકા થાય છે. પાદપ્રક્ષાલન બાદ મૃણાલવતી ફરી મુંજને મળવા જાય છે. મુંજને દેખી મૃણાલવતીને રાત્રે આવેલા સ્વપ્નમાં થયેલી સુખની અનુભૂતિ અને મુંજે કરેલા હજારો ચુંબન યાદ આવતા તે અસ્વસ્થ બને છે ને તેનુ શરીર ધ્રુજી ઉઠે છે. મુંજની વાતોથી આકર્ષાઈ રહેલી મૃણાલને તે ધીરે ધીરે પોતની તરફ ખેંચી તેને બાથમા લઈને ચુંબન કરે છે. મૃણાલ પોતે કલંકિત થઈ હોવાનુ મન થી સ્વીકારે છે. મૃણાલ દૂર જવા પ્રયત્ન કરે છે પરંતુ મુંજ પોતની મીઠી વાતોથી ફરી તેને પોતાની તરફ આકર્ષિત કરે છે અને તેને પોતાની બાહોમાં લેવા ખેંચે છે અને મૃણાલ ધીરેથી મુંજની છાતીએ લપાઇ જય છે. કારાગારની બહાર કોઇકના પગરવનો અવાજ સંભળાતા, મળાય તો ફરીથી મળીશું એમ કહી તેઓ છુટા પડે છે. બીજી તરફ કવિ તરીકે રસનિધિ કેદમાથી મુક્ત થયા બાદ તે વિલાસ સાથે વિવિધ ચર્ચા-વિચારણા કરતો રહે છે. રસનિધિ એ કવિના વેશમાં આવેલો મુંજનો પુત્ર ભોજરાજ હોય છે. તે મુંજને છોડાવવા કવિનો વેશ ધરીને આવેલો હોય છે. વિલાસ અને રસનિધિ બંને પરસ્પર મળવાથી એકબીજા પર આકર્ષાય છે. અને રસનિધિ વિલાસને પોતાની સાથે માળવા(મુંજનુ રાજ્ય) લઈ જવા પોતાની ઈચ્છા વ્યક્ત કરે છે. એવામા તૈલપનો પુત્ર સત્યાશ્રય ત્યાં શિવાલયમાં આવી પહોંચે છે. અને રસનિધિને ત્યાં શિવાલયમાં ફરી ના આવવા જણાવી તે ચાલ્યો જાય છે. વિલાસ પણ રસનિધિ સાથે માળવા જવા તત્પર બની તેની રાહ જોવે છે.
લક્ષ્મીદેવીએ જણાવેલી યુક્તિથી રસનિધિ અને ધનંજય સુરંગ(ગુફા) દ્વારા મુંજને છોડાવી ભાગી જવાની તૈયારી સાથે તેની પાસે જાય છે. રસનિધિ પોતે ભોજરાજ હોવાનો પરિચય કરાવીને પોતાની સાથે કેદમાંથી નીકળી જવાનુ કહે છે, પણ મુંજ મૃણાલ સાથે કરેલ સ્પંદનની વાત કરી તેમની સાથે આવવાની ના પાડે છે. ત્યારે ભોજરાજ અને ધનંજયના ઘણા સમજાવવાથી મુંજ બીજા દિવસની મધ્યરાત્રીએ પોતે મૃણાલ સાથે આવશે તેમ જણાવી ત્રણેય છૂટા પડે છે. બીજા દિવસે સવારે મૃણાલ મુંજને મળવા કેદખાને આવે છે. મુંજ મૃણાલને બાથમાં લઈ ચુંબન કરે છે. અને આજ મધ્યારાત્રીએ પોતાની સાથે પોતાના રાજ્યમાં જવાની વાત કરે છે. મૃણાલ મુંજ સાથે માળવા જવા તૈયાર થાય છે. રસનિધિને રાજ્યમાં જોઈ લક્ષ્મીદેવી ચકીત થાય છે. રસનિધિ મુંજ-મૃણાલ વચ્ચે ચાલી રહેલા અનુરાગની વાત કરે છે. ત્યારબાદ વિલાસને પોતાની સાથે લઈ જવાની વાત કરતા લક્ષ્મીદેવી તેને રજા, આશીર્વાદ આપે છે. અસ્થિર બનેલી મૃણાલને અનેક પ્રકારના વિચારો આવે છે. મુંજની સુંદરતા અને પોતાનુ કદરુપુ રૂપ સરખાવતા તે મુંજ સાથે માળવા જવાનું ટાળે છે. અને અહીં જ તેનો લાભ લેવો એમ વિચારીને તે રાજકુમાર અલંકચરિતને બોલાવી સમગ્ર કાવતરાની જાણકારી આપે છે. અને અલંકચરિત પુરી તૈયારી સાથે કેદખાનાને ઘેરી લે છે. મધ્યરાત્રીએ મુંજ મૃણાલની રાહ જોતો હોય છે. પણ મૃણાલ સમયે ન આવતા ભોજરાજ અને ધનંજય કેદખાને આવી પહોંચે છે. તેમની આવ્યાની જાણ થતા અલંકચરિત ત્યાં કૂદી પડે છે. અને સુરંગ મારફતે જતા બંને કવિઓની પાછળ તેમને પકડવા દોડે છે. ભારે ઘર્ષણ થતા મૃણાલ અને તૈલપ ત્યાં આવી પહોંચે છે. મૃણાલને કેદખાને જોઈ તૈલપ ગુસ્સે થાય છે. અને હવે મુંજને નહી છોડુ, હાથીના પગ નીચે કચડાવી નાખીશ એમ જણાવી ત્યાંથી જાય છે.
અલંકચરિત ગુફામાં ભોજરાજને શોધતો શોધતો તેની નજીક આવી પહોંચે છે. અને બંને વચ્ચે ગુફામાં યુદ્ધ થાય છે. અલંકચરિત ભોજરાજ સામે યુદ્ધમાં હારી જાય છે. ગુફામાં અંધારુ હોવાથી અલંકચરિત પોતાની તૂટેલી તલવારથી વિલાસનું મસ્તક કાપીને પોતાની સાથે લઈ જાય છે. ભોજરાજ વિલાસને શોધીને ગુફામાં ચાલવા લાગે છે. થોડે દૂર જતા ભોજને જાણ થાય છે કે, વિલાસના ધડ ઉપર મસ્તક નથી, જોર જોરથી ત્રાડ નાખી ભોજ રડે છે. ભોજની ત્રાડ સાંભળી ધનંજય ત્યાં આવે છે. અને બંને ગુફાની બહાર જઈને વિલાસને અગ્નિદાહ કરી કવિના વેશમાં તૈલંગણા રાજ્ય તરફ જાય છે. ભિલ્લમ અને લક્ષ્મીદેવીને સામે આવતા જોઈ ભોજરાજ થંભી જાય છે. ભિલ્લમદેવ પોતાનુ સૈન્ય લઈ તૈલંગણા રાજ્ય છોડીને પોતાના રાજ્ય શૂન્યદેશમાં જવા નીકળે છે. ભોજ લક્ષ્મીદેવીના હાથમાં રહેલા વિલાસના મસ્તકને જોઈ પોતે બેભાન થઈ જાય છે.
બધુ ગુમાવીને નિરાધાર બનેલી મૃણાલ પોતાના દુઃખોમાં, વિચારોમાં ગુંચવાયેલી હતી. એવામાં તૈલપ તેની પાસે આવીને છ દિવસ બહાર અને સાતમા દિવસે મૃણાલ પાસે ભિખ મંગાવી મુંજને મૃત્યુદંડ આપવાના સમાચાર આપે છે. મુંજ છ દિવસ નગરમાં ભિખ માગીને લોકોનુ દિલ જીતી લે છે. મુંજનો શાંત સ્વભાવ, તેનુ સુંદર રૂપ જોઈ લોકો તેને સારી નજરે જોવે છે અને તેના રક્ષણ માટે ઈશ્વરને પ્રાર્થના કરે છે. સાતમાં દિવસે મુંજ મૃણાલ પાસે ભિખ માંગવાં જાય છે ત્યારે સમગ્ર નગરના લોકોની સામે મૃણાલ મુંજના હાથમાં રહેલ ભિખ માગવાનું પાત્ર ફેંકીને તેના ચરણોને સ્પર્શે છે. આ જોઈ નગરના લોકોની આંખમાં આંસુ અને તૈલપ આ જોઈ બંનેને જુદા કરે છે. મુંજને સજા કરવાનો હુકમ કરતા નશાથી ભરપૂર ગજરાજ પાસે મુંજને લાવવામાં આવે છે. મુંજ શ્લોક બોલી હસતા હસતા ગજરાજ પાસે નજીક જાય છે. મૃત્યુના સમયે પણ મુંજની આંખમાં નીડરતા, તેના હોઠ પર મીઠુ હાસ્ય અને ચારે તરફ પૃથિવીવલ્લભનો વિજયઘોષ ગાજી ઉઠે છે. મુંજ 'જય મહાકાલ' એવા શબ્દોનુ આહવાહન કરે છે. હાથીના પગ નીચે મુંજ આવતા મૃણાલના મુખથી ચીસ સંભળાય છે. આમ આટલા પ્રયાસો કરવા છતાંય મુંજનું મૃત્યુ તો આખરે 'પૃથિવીવલ્લભ'ને શોભે તેવુ જ રચાયું. આમ નવલકથાનો કરુણ અંત થાય છે.
'પૃથિવીવલ્લભ' નવલકથામાં કનૈયાલાલ મુનશી એ નવલકથાનું કથાવસ્તુ ગુજરાતને અડીને આવેલ માળવાના ઈતિહાસને ધ્યાનમાં રાખીને આલેખ્યુ છે. નવલકથાના મુખ્ય પાત્રો મુંજ અને મૃણાલ બંને ભિન્ન ભિન્ન વિચારધારા દ્વારા એકબીજાને મળે છે. મુંજ સુંદર અને સ્વભાવે શાંત, હસમુખો લોકપ્રિય રાજા હોય છે. તેણે પોતાના બાહુબળથી સમગ્ર દેશમાં "પૃથિવીવલ્લભ" એવી નામના પ્રાપ્ત કરી હોય છે. મૃણાલવતી તૈલંગણના રાજા તૈલપની વિધવા બહેન હોય છે. મૃણાલવતીને રાજ્યકારભાર વિશે પણ ખૂબ જ્ઞાન હોય છે, જેથી તે તૈલપને રાજગાદી પર શોભાવવા પોતે વૈરાગ્ય-જીવન સ્વીકારે છે. નવલકથાના બીજા ગૌણ પાત્રો જોઈએ તો વિલાસવતી જે મૃણાલવતીની સાથે રહી વૈરાગ્ય-જીવનનો ભોગ બને છે. તૈલંગણા રાજ્યનું શાસન સંભાળતો રાજા તૈલપ મુંજને રણભૂમિમાં હરાવીને કેદ કરી પોતાના રાજ્યમાં લાવે છે. મુંજ-મૃણાલના મિલન તથા તેમનાં વચ્ચે બનતાં વિઘ્નનુ કારણ તૈલપનુ પાત્ર હોય છે. મુંજને કેદખાનમાંથી છોડાવવાં તેનો પુત્ર 'ભોજ' કવિનો વેશ ધારણ કરી રસનિધિના નામથી મુંજના કવિ ધનંજય સાથે તેલંગણા રાજ્યમાં આવે છે. શૂન્યદેશના રાજા ભિલ્લભદેવને રણભૂમિમાં હરાવી તૈલપ પોતાના રાજ્યમાં મંત્રી તરીકે રાખે છે. ભિલ્લભદેવની પત્ની લક્ષ્મીદેવી મુંજને છોડાવવા કવિનો વેશ ધારણ કરીને આવેલા મુંજના પુત્ર ભોજને યુક્તિ આપે છે. આમ કનૈયાલાલ મુનશી 'પૃથિવીવલ્લભ' નવલકથામાં વિવિધ પાત્રો દ્વારા વિવિધ ઘટનાઓનુ સંક્રમણ કરે છે.
'પૃથિવીવલ્લભ' નવલકથામાં કનૈયાલાલ મુનશી નવલકથાના મુખ્ય પાત્રો મુંજ અને મૃણાલ તથા બીજા ગૌણ પાત્રોમાં પોતાની વર્ણનશક્તિને સરસ રીતે નિરુપે છે. નવલકથાની શરૂઆતમાં જ વિલાસના પાત્રને પોતાની વર્ણન પ્રતિભાથી મૂકી આપતા ક.મા મુનશીને આપણે તેમના શબ્દોમાં જ જોઈએ...
'આ બાળાનું લાલિત્ય મોહક હતું. પહેરેલા વલ્કલમાંથી નીકળતી શ્વેત, સીધી ડોક જ તપસ્વીઓનાં તપ મૂકાવે એવી હતી. તે મીઠું નાનું મુખ, નાનું ટેરવાવાળું ઘાટીલું નાક, સાધારણ ઘાટની પણ ભભકભરી, કાળી, કોડભરી આંખો. (પૃ. ૫)
નવલકથાનું મુખ્ય પાત્ર મૃણાલ, જે વૈરાગ્યજીવન ભોગવતી હોય છે. રાજ્યની સ્ત્રીઓ પણ મૃણાલથી પ્રેરાઈને વૈરાગ્યજીવન જીવતી હોય છે. મૃણાલના પાત્રને આપણે લેખકના શબ્દોમાં જોઈએ તો...
'તે ઊંચી, કદાવર, સશક્ત લાગતી, તેનાં અંગની રેખાઓ સંપૂર્ણ હતી. માત્ર તેના માથા પર બાલ સફેદ થવા લાગ્યા હતા; અને ભરેલું ઠસ્સાદાર મોં શીતળાથી છૂંદાયેલું, કદરુપું થઈ ગયેલું હતું. છતાં આંખોમાં ધારદાર તેજ હતું. દ્રઢ બીડેલા હોઠમાં પ્રભાવ હતો. ઉંમર થઈ હતી છતાં અંગોમાં જુવાનીનું જોમ દેખાતું હતું. (પૃ. ૬)
નવલકથાનું મુખ્ય પાત્ર માળવાનો રાજા મુંજ. તેણે પોતાના બાહુબળથી સમગ્ર વિશ્વમાં 'પૃથિવીવલ્લભ' એવી નામના પ્રાપ્ત કરી હોય છે. મુંજના પાત્રને આપણે લેખકના શબ્દોમાં જોઈએ...
એનું કદ પ્રચંડ હતું, એનો ઘાટ અપૂર્વ હતો, તેનું મુખ મોહક હતું. તેના લાંબા કાળા વાળ સુરસરિતાના જલ સમા, તેના શંકરશા વિશાળ ખભા પર પથરાઈ રહી, મુખના તેજને ભભકભર્યું બનાવતા; ડંખ ભરવા પાછળ ખેંચેલી ફણીધરની ફણાની માફક તેની ભરેલી લાંબી ડોક, અને પાછળ નાખેલું માથું ગર્વ અને બેપરવાઈથી જગતનો તિરસ્કાર કરતાં હોય એમ લાગતું હતું; પાછળ જકડાયેલા હાથને લીધે, આગળ આવેલા વિશાળ છાતીના સંગેમરમરના ચોરસ જેવા સ્પષ્ટ, સ્નાયુવાળા વિભાગો દૈવી વક્ષસ્ત્રામની ગરજ સારી. તેની દુર્ધર્ષતા અને પ્રતાપ દાખવી, દુનિયાને ડારતા હોય તેમ દેખાતું હતું. અને ઘાટીલી પાની પર રચેલા ધરતી ધ્રુજાવતા બે પગો સ્તંભની માફક કમરના મથાળા પર ઉપલા શરીરને ધારી રહ્યા હતા. (પૃ. ૨૫)
'પૃથિવીવલ્લભ'માં ક.મા મુનશીએ શૃંગારરસ અને કરુણરસને સરસ રીતે નિરુપ્યો છે. નવલકથાના મુખ્ય પાત્રો મુંજ અને મૃણાલ બંને અલગ અલગ વિચારધારાથી એકબીજાને મળે છે. મુંજ શાંત સ્વભાવનો, પ્રેમાળ અને, લાગણીશીલ વ્યક્તિત્વ ધરાવતો અને જીવનની દરેક પળને રસમય બનીને પ્રસાર કરતો જોવા મળે છે. જ્યારે મૃણાલનું પાત્ર રાજ્ય વહીવટ સંભાળતું અને, વૈરાગ્યજીવન ભોગવતું જોવા મળે છે. મુંજ અને તૈલપ વચ્ચે યુદ્ધ થતાં મુંજ કેદી બનીને કારાગારવાસ ભોગવે છે. ક.મા મુનશી કારાગારને કેન્દ્રસ્થાન બનાવીને મુંજ-મૃણાલ વચ્ચે શૃંગારરસને સરસ રીતે નિરુપે છે. મુંજ મૃણાલ વચ્ચેના સંબંધની જાણ થતાં તૈલપ મુંજને મૃત્યુની સજા આપવા જાહેરાત કરે છે. નગરમાં ભિખ મંગાવીને મૃણાલને મુંજ સાથે મળવા ન દેતા, અંતે મુંજને ગજરાજના પગ નીચે કચડાવતા મૃણાલ કારમી ચીસ પાડે છે. અને નવલકથાનો કરુણરસથી અંત થાય છે.
ક.મા મુનશી 'પૃથિવીવલ્લભ'માં વિવિધ પાત્રો દ્વારા સંવાદો અને પોતાની સર્જક પ્રતિભાથી વર્ણનોને સરસ રીતે પોતાની ભાષાશૈલી દ્વારા કૃતિમાં પ્રગટ કરે છે. તેમનું ભાષા પરનું પ્રભુત્વ વાચકોને સતત કૃતિના અંત સુધી જકડી રાખે છે. કૃતિમાં આવતા વર્ણનો અને પાત્રો દ્વારા એકબીજાથી થતાં સંવાદો કૃતિને વધારે સમર્થ બનાવે છે. આમ ક.મા મુનશી પોતાની ભાષા સજ્જતાને અહી કૃતિમાં સરસ રીતે નિરુપે છે.
ઉપરોક્ત, નવલકથાનું કથાવસ્તુ, પાત્રનિરુપણ, રસનિરુપણ, વર્ણનકળા, સંઘર્ષ, સંવાદ અને તેમની ભાષા પરની પ્રતિભાને સરળતાથી જોઈ શકાય. ઐતિહાસિક નવલકથાકાર ક.મા મુનશી અહી ઐતિહાસિક કથાવસ્તુ પ્રયોજીને ગુજરાતના ઈતિહાસને પણ સરસ રીતે આપણી સમક્ષ મૂકી આપે છે. રસનિરુપણ, પાત્રનિરુપણ અને વર્ણનકળા જોતા ક.મા મુનશી વાચકોને સતત એકધારા કૃતિ સાથે જકડી રાખે છે. આમ 'પૃથિવીવલ્લભ' કૃતિમાં કેળવાયેલી ક.મા મુનશીની સર્જક પ્રતિભાનો અહીં સંપૂર્ણ પરિચય થાય છે.
પ્રજાપતિ મેહુલકુમાર સોમાભાઈ (અનુસ્નાતક, ગુજરાતી વિભાગ ) & યાદવ આચલ વિજયપ્રતાપ (સ્નાતક, અંગ્રેજી વિભાગ), શ્રી અને શ્રીમતી પી.કે. કોટાવાલા આર્ટ્સ કૉલેજ, પાટણ