વર્તમાન સમયમાં ગુજરાતી વાર્તાક્ષેત્રે સર્જન કરતા સ્ત્રીસર્જકોમાં રેણુકા પટેલ અગ્રગણ્ય સર્જક છે, બે વાર્તાસંગ્રહોના પ્રદાન દ્વારા તેમણે ગુજરાતી વાર્તાક્ષેત્રે પોતાનું આગવું સ્થાન નિશ્ચિત કર્યું છે. રેણુકા પટેલ કૃત ‘ધોધમાર’ વાર્તાસંગ્રહને કલાગુર્જરી મુંબઈનો પુરસ્કાર મળ્યો છે. તેમની ‘હું આલોક જોશી’ વાર્તા ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા આયોજિત એનીબહેન સરૈયા વાર્તાસ્પર્ધામાં પ્રથમ સ્થાને પુરસ્કૃત થઇ છે. તો વળી ‘મીરાંનું ઘર’ વાર્તા ગુજરાતી નવલિકાચયન ૨૦૦૭માં સ્થાન પામેલી માર્મિક રચના છે. રેણુકાબેનની વાર્તા સર્જનની શરૂઆત ‘દિલ્હી પ્રેસ’ દ્વારા પ્રકાશિત થતા હિન્દી સામયિક ‘સરિતા’ દ્વારા યોજાયેલ વાર્તા સ્પર્ધા માટે લખેલી ‘એક કમલીકી મૌત’ વાર્તા દ્વારા થઈ હતી, આ વાર્તાને પુરસ્કાર મળ્યો હતો. ‘ધોધમાર’ રેણુકા પટેલનો પહેલો વાર્તાસંગ્રહ છે, જે ૨૦૦૯માં શ્રી બી.કે. મજમુદાર શ્રેણી અંતર્ગત બાવીસમા મણકારૂપે પ્રગટ થયો છે અને ૨૦૧૨માં બીજો વાર્તાસંગ્રહ ‘વેન્ટિલેટર’ પ્રકાશિત થયો છે.
‘ધોધમાર’ વાર્તાસંગ્રહની કુલ સત્તર વાર્તાઓમાંથી બાર વાર્તાઓના કેન્દ્રમાં સ્ત્રી અને સ્ત્રીસહજ સંવેદનાઓ છે. આ વાર્તાસંગ્રહમાં બે સ્ત્રી વચ્ચેના સંબંધોના તાણાવાણાને આલેખતી, સ્ત્રીના પોતાના જીવન પ્રત્યેના અભિગમ દ્વારા તેના જીવનમાં સર્જાતી મુશ્કેલીઓને વ્યક્ત કરતી, પુરૂષ દ્વારા થતાં સ્ત્રીના શોષણને આલેખતી તેમજ બાળમાનસને વ્યક્ત કરતી વાર્તાઓ છે. આ વાર્તાઓ કોઈ આલંકારિકતા વિના, ગદ્યની વિવિધ તરાહો વિના, બોલીના કોઈ વિશિષ્ટ પ્રયોગ વિનાની સાદગીભરી રજૂઆત દ્વારા ભાવકના ચિત્ત પર ઘેરી અસર છોડી જાય છે.
બે સ્ત્રીઓ વચ્ચેના સંબંધોના તાણાવાણાને આલેખતી વાર્તાઓમાં ‘માનસ પુત્રી’, ‘અનુનો ઓરડો’, ‘હું આવું?’ અને ‘પોટલી’નો સમાવેશ કરી શકાય. ‘માનસ પુત્રી’ વાર્તામાં સ્ત્રી અને સ્ત્રી વચ્ચેના સંબંધની કથા આલેખાઈ છે. પરંપરાગત સાસુ વહુના સંબંધથી ક્યાંય દૂર નીકળી નવીન સંબંધની વાત છે. વૃંદા બહેનના સંસારમાં માનસી પુત્રવધૂ બનીને આગમન કરે છે. આ આગમનથી તેમના વર્ષોથી સાચવેલા ઘરનું સંતુલન બગડી જાય છે કારણ કે માનસી સ્વતંત્ર મિજાજની છોકરી છે. સમાજમાં આજે દીકરી ભલે ચંદ્ર પર પહોંચે કે પછી મંગળ પર, પણ જ્યારે ઘરમાં વહુની પસંદગી કરવાની હોય ત્યારે સમજુ, સંસ્કારી અને સુશીલ પુત્રવધૂ જ જોઈએ. આ સુશીલ, સંસ્કારી અને સમજુની વ્યાખ્યા કઈ? જે ઓછું બોલે, દલીલો કે વિરોધ કરે નહીં, પસંદ-નાપસંદ કે ઈચ્છા, સ્વપ્ન જોયા વિના માત્ર ઘર અને તેના પતિ, બાળકોને સમર્પિત થઈ જાય તેવી. શશાંકભાઈની પત્ની વૃંદાએ પણ આજીવન આ જ સંસ્કારીપણું કર્યુ છે. શશાંકભાઈના આજુબાજુ જ તેનું જીવન, સમય ખર્ચાય છે. શશાંકભાઈ પણ બધે જ તેમનું જ વર્ચસ્વ હોય એવું માનવાવાળા છે. પરંતુ માનસી ચોક્કસ બીબામાં ઢળાતી પુત્રવધૂઓ કરતાં ભિન્ન હતી.. તે જીન્સ પહેરે, જોરથી મ્યુઝિક સાંભળે, સવારે જોગિંગ કરવા પણ જાય ને પછી તો પોતાની સાથે વૃંદાબહેનને પણ ધરાર ઢસડી જતી. બપોરે શોપિંગ કરવા પણ લઈ જાય ને પછી તો દસથી પાંચનો સમય વૃંદાબેન અને માનસી જુદી જુદી પ્રવૃત્તિઓમાં વીતાવતા. વૃંદાબેન કચોરી બનાવતા શીખવાડે તો માનસી એસ.એમ.એસ. કરતાં, કોઈ દિવસ ફિલ્મ જોવા ઉપડી જાય તો કોઈ દિવસ પ્રવચનમાં પણ. માનસી કૉમ્પ્યુટર, બ્યુટીપાર્લર, ઈન્ટરનેટ, યોગ... એક નવા જ વિશ્વ તરફ વૃંદાબહેનને દોરી જાય છે. જીવનના આટલા વર્ષે ડરતાં ડરતાં પણ વૃંદાબહેનને આ નવા ડગલાં ભરવાં ગમે છે. માનસીની સંગતને કારણે વૃંદાબહેનમાં આવતો આત્મવિશ્વાસ, તેની ઓળખ અને ફેરફારો શશાંકભાઈથી અજાણ નથી. વર્ષો સુધી જે પત્નીએ માત્ર પતિની પાછળ તેના પડછાયામાં જ રહી પગલા ઉપર પગલું મૂક્યું છે તે હવે પોતાના સ્વતંત્ર અસ્તિત્વથી પરિચિત થતી જાય છે. તેની ઈચ્છાઓ અને હિંમત વધતી જાય છે. કદાચ પોતાના કહ્યામાં ન રહે એવા ડરના કારણે શશાંકભાઈ વૃંદાબહેનનો આધાર એવી માનસીને તેનાથી દૂર કરવાનો ઉપાય શોધે છે. અહીં એક પુરુષનો ‘હું’ પણાનો, તેના અહમનો પ્રશ્ન ઊભો થાય છે. આખા ઘરમાં ‘હું’ નું વર્ચસ્વ સ્થાપનાર પુરુષ માટે પત્ની તેના ‘હું’ નીચે રહે, તો જ સુશીલ અને સંસ્કારી. અહીં વૃંદાએ જીવનમાં પહેલીવાર પતિના અણગમાની ઉપેક્ષા કરી અને પોતાની એક નાનકડી ઈચ્છા પૂરી કરી ત્યાં તો શશાંકભાઈના વર્ચસ્વના મહેલના પાયા ડગમગવા લાગ્યા. જેથી પોતાના મહેલને બચાવવા વૃંદાને માનસીથી દૂર કરે છે. જો કે સર્જકે અહીં પરંપરાથી ચાલી આવતા સાસુ-વહુના સંબંધને પણ એક નવો ચહેરો અર્પ્યો છે. વૃંદાબહેન આજીવન પતિના આધિપત્ય નીચે રહેવા ટેવાયેલા છે. જેનાથી તે માનસી પાસે જેટલી મુક્તિ કે હળવાશ અનુભવે છે એટલી ક્યારેય પતિ પાસે નથી અનુભવી. બે પેઢી વચ્ચેની સમજણને અને એક નવીન વિચારધારાને અહીં સરસ રીતે દર્શાવી છે. સાસુ-વહુ, મા-દીકરી કરતાંય આગળ મિત્રતા ભર્યો, હળવો, પ્રેમાળ અને સન્માનપૂર્વકનો નવીન સંબંધ કદાચ સમાજ માટે નાવીન્યપૂર્ણ રહેશે.
‘અનુનો ઓરડો’ વાર્તા કલા અને કલાકારનું મૂલ્ય દર્શાવે છે અને માતા અને પુત્રીના સંબંધને આલેખે છે. અનુરાધાને તેની માતા સરિતા જેવો જ નૃત્ય પ્રત્યે લગાવ હતો. જો કે તેના પિતા મનહરભાઈને નૃત્ય પ્રત્યે પહેલેથી જ અણગમો હતો. પણ સરિતાના સાસુના આગ્રહથી તેને દ્વારકાદાસ નૃત્ય શાળામાં મૂકવામાં આવે છે. ધીમે ધીમે અનુનું નૃત્ય છાપાંની કોલમોમાં, ટી.વી.ના ઈન્ટરવ્યુમાં, પપ્પાની ચેકબુકોમાં, બેંકની પાસબુકોમાં થોડું થોડું વહેંચાઈ જાય છે. અનુનું નૃત્ય તેનું પોતાનું નૃત્ય રહેતું નથી. તેના નૃત્યમાં તો તે ક્યાંય દેખાતી જ નથી. જે મનહરભાઈ પ્રારંભે અનુના નૃત્યના નામથી જ નાકનું ટીચકું ચડાવતા, નારાજ થતા. પણ જ્યારે અનુને દસ હજારનો પહેલો પુરસ્કાર મળે છે ત્યારે તેની આવકથી પ્રભાવિત થઈ પછી તો બધા જ કાર્યક્રમોનું આયોજન, તારીખ, આયોજકો સાથે માથાફોડ, સ્પોન્સર, વાટાઘાટો... બધું જ પોતાના હાથમાં લઈ લે છે. તે ઉપરાંત કાર્યક્રમોની વી.સી.ડી., સી.ડી. તૈયાર થાય, તેનો પ્રચાર, વેચાણ, રૉયલ્ટી... બધાની વ્યવસ્થા એ જ કરતા. દીકરી અનુને હાથ પકડીને એક એક સફળતાનું પગથિયું ઘણા ચીવટથી ચડાવતા. તેમના માટે દીકરીની કલા, કલા ખાતર નહી પણ આવકનું સાધન માત્ર હતી. જ્યારે અનુ માટે તો નૃત્ય તેનો આત્મા હતો. નૃત્ય તે પોતાના આનંદ માટે કરતી હતી. તે હંમેશા તેના પિતાનો વિરોધ કરતી પણ મનહરભાઈ માટે અનુની ઈચ્છાનું કોઈ મૂલ્ય જ ક્યાં હતું? તેમના માટે અનુ આવકનું માધ્યમ બની ગઈ હતી.
કેરાલા મહોત્સવમાં જવાની અનુ ના પાડે છે પણ તેના પિતાના આગ્રહને કારણે જવું પડે છે. ત્યાં જઈને તે નૃત્ય હરિફાઈમાં વિજયી તો બને છે પણ મૃત્યુની સામે પરાજિત થાય છે. કેરાલા થી તેનો મૃતદેહ ઘરે આવે છે. એક પિતાની કલાથી કમાઈ લેવાની વૃત્તિ જ છેવટે અનુનો ભોગ લે છે. નૃત્યને પામવા માટે અને અનુના ‘આદર્યા અધૂરા’ પૂરા કરવા માટે વાર્તાન્તે તેની મા સરિતા પોતે જ કલાગુરુ દ્વારકાદાસજી પાસે કથક શીખવા પહોંચી જાય છે અને દીકરીને સાચા અર્થમાં શ્રદ્ધાંજલિ અર્પે છે. જો કે સર્જકે પુત્રીની ઈચ્છા, અપેક્ષા અને તેનો કલાવારસો તેની માતામાં સક્રાંત કરીને કલાનું મૂલ્ય દર્શાવ્યું છે.
‘હું આવું?’ વાર્તામાં સર્જકે માના એક નવા જ સ્વરૂપને પામવાનો પ્રયત્ન કર્યો છે. નવી મા કે અપરમાની સમાજે નક્કી કરેલી વ્યાખ્યામાંથી બહાર જઈને ‘મા એટલે માત્ર મા’ જ, પછી તેની આગળ નવી કે અપરના વિશેષણો દૂર કરવામાં આવે તો એક નવીન સંબંધ જ ર્દષ્ટિપાત થાય છે. કદાચ માની સાથે મિત્રતા ભળી સન્માન અને આદરની સાથે સમાનતા અને સખ્યનો ભાવ પણ પ્રસ્થાપિત થાય છે. વાર્તાનાયિકા અદિતિનો સંદીપ સાથે પ્રણયભંગ થતા તે સૂર્યકાન્ત સાથે લગ્ન કરી લે છે. પરંતુ વાર્તાનો મુખ્ય હાર્દ પછી આવે છે. પ્રશ્ન એ હતો કે અદિતિએ સૂર્યકાન્તની સોળ વર્ષની દીકરી મેઘનાની મા બનવાનું હતું. મેઘના તેની માના મૃત્યુ પછી હૉસ્ટેલમાં રહેતી હતી. જેનાથી બિલકુલ અપરિચિત એવી અદિતિ માટે આગવા વિચારો ધરાવતી, પ્રતિભાશાળી દીકરી અને તેના વ્યક્તિત્વ વિશે જાતજાતના પ્રશ્નો ઉદભવતા હતા ને એટલે જ જ્યારથી મેઘના આવવાની છે એવા સમાચાર આવે છે ત્યારથી અદિતિ જાણે પોતાની કસોટી થવાની હોય તેમ તૈયારી કરે છે. મેઘના ઘરમાં તો આવે છે પણ અદિતિની હાજરીની નોંધ સુદ્ધાં લેતી નથી. અદિતિ પર જાણે ઉપેક્ષા, અવગણનાની ચાબુક વીંઝાય છે. યુવાનીના ઉંબરે ઊભેલી, આગવા સ્વતંત્ર વિચારો ધરાવતી કિશોરીને કેવી રીતે સમજાવવી એ જ પ્રશ્ન હતો. કારણ કે મેઘનાએ પોતાના હ્રદયના દ્વાર એટલા સજ્જડ રીતે બંધ કર્યા હતા કે અદિતિને ટકોરા મારવાનો પ્રયત્ન કરવા દેવા પણ તૈયાર નથી. ઊંઘ ન આવતા અદિતિ હીંચકા પર બેઠી હોય ત્યાં મેઘના આવે છે. જે પોતાના મનની તમામ દ્વ્રિધાઓ, મૂંઝવણ અને વિચારોને અદિતિ સમક્ષ ઠાલવે છે. સમાજમાં નવી મા કે અપરમા વિશેની જાતજાતની માન્યતાઓ કે પછી વહેમો, વિચારોના કારણે અદિતિ અને મેઘના પોતપોતાના મનમાં ગૂંચવાતા જાય છે. સાવકી મા વિશે સખીઓ દ્વારા સાંભળેલા અત્યાચાર અને પક્ષપાતભર્યા વર્તન વિશે અગાઉથી જ મનમાં ચોક્કસ ગ્રંથિ બંધાયેલી એવી મેઘના તેની નવી મા અદિતિથી એક ચોક્કસ અંતર રાખે છે. પણ મેઘનાના મનમાં રહેલી અપરમા વિશેની ભ્રામક માન્યતાઓ અદિતિને મળ્યા પછી બદલાય છે ને પોતાના મનને અદિતિ સમક્ષ રજૂ કરી દે છે. જેનાથી બંનેના મનની મૂંઝવણો દૂર થતાં મન હળવા થઇ એકબીજાને સહજતાથી, પ્રેમથી સ્વીકારે છે.
‘પોટલી’ વાર્તામાં સ્ત્રીના બે સ્વરૂપો દર્શાવ્યા છે. એક બાજુ છે અત્યંત સમૃદ્ધ ઘરની પુત્રવધૂ મંદા અને બીજી બાજુ છે અભણ, અશિક્ષિત કામવાળી બાઈ ચંપા. મંદા સમૃદ્ધિમાં આળોટતી હતી. હીરા, મોતી અને સોનાના ઘરેણાંથી લૉકર ઊભરાતા હતા. પણ તેનું મન સાવ સાંકડું છે. સાસુ-સસરા હવે તેમની સાથે રહેવા આવવાના છે એ વાતથી જ તે અકળાઈ ઊઠે છે. તો સામે પક્ષે ચંપા લોકોના ઘરના કામ કરી પેટ ભરતી અશિક્ષિત સ્ત્રી છે. તેના પતિની પહેલી પત્નીની માને જીવાડવા માટે પોતાના ઘરેણાં વેચવા તૈયાર થાય છે. ઘર નાનું છે, આવક ઓછી છે પણ મન વિશાળ છે. અહીં વાચકને પ્રશ્ન થાય છે કે કોની ‘પોટલી મોટી?’ જો કે વાર્તાન્તે જીવનનું આ સત્ય મંદાને પણ સમજાય છે.
‘ગૃહ પ્રવેશ’ વાર્તા માતૃત્વના પરમ સુખને દર્શાવે છે. નાયિકા નંદિતા માતૃત્વ ધારણ કરી શકે એ સ્થિતિમાં નહોતી એ હકીકત સ્વીકારીને તેણે તેની જાતને બીજી ઘણી પ્રવૃત્તિઓમાં ઢાળી દીધી હતી. જેથી તેની માનસિક રીતે અપરિપક્વ નણંદ બેલા પાલનપુરથી તેમની સાથે રહેવા આવવાની છે તે ગમતું નથી. તે શક્ય એટલી બેલાથી દૂર રહેતી અને બેલાને પણ બધાથી દૂર રાખતી. પરંતુ એક દિવસ અચાનક બેલા નંદિતામાં પોતાની માને જોઈને તેના ખોળામાં માથું મૂકીને સૂઈ જાય છે. તેને જોતાં જ પહેલીવાર થાય છે કે પોતે બેલાને અન્યાય જ કર્યો છે. બેલાને જોઇને તેની મમતામાં ચેતનાનો સંચાર થાય છે. હૃદયના પેટાળમાં ઘરબેલી મમતા બહાર આવે છે ને બેલા પર વહાલ ઉભરાય છે.
સ્ત્રીના પોતાના જીવન પ્રત્યેના અભિગમ દ્વારા તેના જીવનમાં સર્જાતી મુશ્કેલીઓને વ્યક્ત કરતી વાર્તાઓમાં ‘રોંગ નંબર’, ‘દિશા’, નો સમાવેશ થાય છે. ‘રોંગ નંબર’ વાર્તામાં સાત્વિક પ્રેમ, પ્લેટોનિક લવનું સ્વરૂપ, સંબંધોને નવો જ અર્થ આપતી અનોખી પ્રેમકથા રજૂ થઈ છે. વર્ષો પછી ‘વિષ્ણુભાઈ છે?’ એવો પૂછપરછનો ફોન આવે છે ને નાયિકા વંદિતા ભૂતકાળમાં ડૂબી જાય છે. જગતમાં પ્રેમ વિશેની લોક કથાઓ કે પછી કલ્પનાઓથી તો સમાજ પરિચિત છે જ. પરંતુ અહીં વાર્તામાં પ્રેમની અલગ જ પરિભાષા, તેના સ્વરૂપને સર્જકે વ્યક્ત કર્યું છે. પ્રેમ એટલે આપવું, ત્યાગ કરવો.... જેવી વાતો પુસ્તકો અને શિખામણોમાં વિશેષ જોવા મળે છે. પરંતુ હકીકતમાં તો પ્રેમ માટે તલવારો ખેંચાતી પણ સમાજમાં ક્યાં નથી જોવા મળી? વંદિતા અને નંદન જેવા પાત્રો મળવા મુશ્કેલ છે. અહીં વાર્તાનું મુખ્ય પાત્ર તો નંદન છે જે વાર્તામાં ઉપસે છે. પછી ભલે તે વંદિતા દ્વારા વ્યક્ત થયું હોય. માત્ર ફોન ઉપરનો સુંદર અવાજ નંદનની જિંદગીને ક્યાં લઈ જાય છે. જીવનના એક સુંદર અવાજના પ્રેમમાં પડેલો નંદન છેવટે પોતાનું જીવન ન્યોછાવર કરી દે છે. અરે તે જ વંદિતાના તૂટતા જતાં દામ્પત્યને ટેકો આપીને પ્રયત્ન કરીને ફરી ઊભું કરે છે અને વંદિતાના પરિવારમાં ખુશીઓ લાવે છે. પરંતુ તેના જીવનનું શું? જો કે વંદિતામાં પણ ક્યાંય સ્વાર્થ જોવા મળતો નથી. પોતાના પ્રેમમાં ગળાડૂબ નંદનને જોઈને તે તેના સુખી ભવિષ્ય માટે જ તેને જાકારો આપે છે. પણ તે તેના ગણિતમાં ખોટી પડે છે. પરિવાર- પત્નીનું સુખ નંદનને મળે તે માટે તેણે નંદનને જાકારો તો આપ્યો પણ બધું એળે જાય છે. અંતે એવો જ ત્યાગ છેવટે નંદન પણ કરે છે. વીસ વર્ષે ફરી એ જ ઇતિહાસનું પુનરાવર્તન થાય છે. છેલ્લે વંદિતાની આંખોમાં પોતાના પ્રત્યેનો પ્રેમ જોઈને નંદન તેની જિંદગીમાંથી ખસી જાય છે.
‘દિશા’ વાર્તામાં દિશાવિહીન બનેલી નાયિકા નીતાના જીવને વાર્તાંન્તે એક દિશા પ્રાપ્ત થાય છે. સંગ્રહનું શીર્ષક ધરાવતી ‘ધોધમાર’ વાર્તામાં વરસાદ અને ભૂતકાલીન પ્રેમસંબંધનું સંનિધિકરણ વ્યક્ત થાય છે. વાર્તાનાયિકા તન્વી આદિત્ય નામના ભૂતકાળમાં ગૂંચવાયેલી પડી છે. પરંતુ તન્વી પોતાના દામ્પત્ય જીવનના નાના મોટા અનેક પ્રસંગોને યાદ કરે છે. જ્યાં તેને પોતાના પતિ સુધીર સાથેના સહજીવનમાં ફક્ત અગાધ પ્રેમના જ દર્શન થાય છે. વાર્તાન્તે વરસાદમાં પોતાના નાના હાથ બહાર કાઢી વરસાદના ફોરાં ઝીલવા પ્રયત્ન કરતો બંટી વરસાદમાં ન્હાવાનો પ્રયત્ન કરે છે. ‘જો વરસાદમાં એમ નહીં, આમ પલળાય’ એમ કહી તેને નવડાવતાં બે હાથ પહોળા કરી તન્વી ગોળ ફુદરડી ફરે છે. જે વરસાદના વાદળોમાંથી આદિત્ય ડોકાતો હતો, તે વરસાદના પેલા વાદળોની પાછળ આદિત્ય હંમેશા સંતાઈ જાય છે. ‘મેગી’ વાર્તા મૉડલ બનવા માંગતી મેગીની કથા છે. તેની ગ્રાન્ડમધર જૂનવાણી વિચારો ધરાવે છે, જ્યારે મેગીને મોડલ બનવું છે, જેના લીધે મેગી એક દિવસ ઘર છોડી મુંબઈ ભાગી જાય છે. જો કે આ બંને વચ્ચે એક કડી છે તેમનો પાડોશી જોસેફ, જે પૌત્રી અને દાદી વચ્ચેના અનેક સંઘર્ષોને સમાધાનમાં પલટાવતો મુખ્યપાત્ર તરીકે અસરકારક રીતે ઉપસે છે. કથા ભલે મેગી અને તેની ગ્રાન્ડમધરની હોય પણ પાડોશી ધર્મ નિભાવતો જોસેફ માનવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ બની જાય છે. એમાંય મેગીના ગયા પછી તે ગ્રાન્ડમધરને સાચવે છે. અહીં મેગી જેવી કેટલીયે યુવતીઓની કથા વ્યક્ત થઈ છે, મોડલિંગ અને ફિલ્મોની રૂપેરી દુનિયાની ચમકથી અંજાઇને પોતાના જીવનને, ભવિષ્યને સપનામાં શણગારી તે સ્વપ્નનગરીમાં દાખલ તો થાય છે, પણ પછી કયાંય અંધકારની ગર્તામાં ધકેલાઈ જાય છે.અહીં વાર્તાનો અંત ખૂબ સચોટ છે. જેમાં ગ્રાન્ડમધર ઈશ્વરને પ્રાર્થના કરે છે કે તેમનો એકવાર મેગી સાથે મેળાપ થાય. જ્યારે જોસેફ પ્રાર્થના કરે કે મેગીને મળવાની જિજીવિષામાંથી ગ્રાન્ડમધર બહાર આવે. જો કે વાર્તાનો અંત વાર્તાને બળ આપનારો નીવડયો છે.
પુરૂષ દ્વારા થતાં સ્ત્રીના શોષણને આલેખતી વાર્તાઓમાં ‘મીરાનુ ઘર’, ‘લક્કડખોદ’ નો સમાવેશ થાય છે॰ ‘મીરાનુ ઘર’ વાર્તા શાશ્વત અને મીરાંના નિર્દોષ અને ઉષ્માસભર સ્નેહ અને સખ્યભાવને આલેખે છે. મીરાનાના ત્યાગ કે બલિદાનને અવગણીને ખરા સમયે શાશ્વત તેને તરછોડી દે છે. વાર્તાની શરૂઆતમાં બાવીસ દિવસે ઘરે પાછી ફરી રહેલી મીરાંની મનોદશા વર્ણવાઇ છે . મીરાં શાશ્વતના ઘરમાં કામ કરતી હતી, પણ મીરાં માટે શાશ્વત પુત્ર કરતા વિશેષ હતો. ઉષાબહેન શાશ્વતના જન્મ સમયે નમાયી મીરાંને પોતાની સાથે અમદાવાદ, પોતાના ઘરે લઈને આવે છે. મીરાં જ્યારથી ઉષાબહેનની સાથે આવી હતી ત્યારથી મનોહરભાઈ તેનો પગાર બેંકમાં તેના ખાતામાં જમા કરી દેતા ને ઉપરથી પચાસ સો રૂપિયા હાથ ખર્ચીના આપતા, જે મીરાં શાશ્વત પાછળ જ વાપરતી. અઠ્યાવીસ વર્ષની મીરાંની જગ્યાએ હવે તો શાશ્વત અઠ્યાવીસ વર્ષનો જ્યારે મીરાં બેતાલીસ વર્ષની થાય છે. શાશ્વતની મહત્વાકાંક્ષા પાંખો ફફડાવવા માંડે છે. જ્યારે મીરાં તો એક પડાવ પર આવીને અટકી ગઈ છે. ઉષાબેન અને મનોહરભાઈ તો અકસ્માતમાં મૃત્યુ પામે છે. તેમના મૃત્યુ પછી ઘર અને શાશ્વતની જવાબદારી મીરાંએ બખૂબી નિભાવી હતી. આખો દિવસ મીરાં મીરાં કરતો શાશ્વત હંમેશાં મીરાં ઉપર જ નિર્ભર રહે છે. તેના માતા પિતાના અણધાર્યા મૃત્યુ પછી પણ મીરાંની સાથે તે પોતાને સલામત સમજતો. એટલે જ શાશ્વતના આગળ અભ્યાસ માટે મીરાંએ પોતાની વર્ષોની કમાણી શાશ્વત સામે ધરતા ક્ષણનોય વિચાર કર્યો ન હતો. અરે, એ ઘર અને શાશ્વત માટે તો મીરાંએ લગ્નનો પણ વિચાર સુદ્ધાં નહોતો કર્યો.
ચારધામની યાત્રાએ ગયેલી મીરાં બાવીસ દિવસે પરત ફરે છે ત્યારે આઘાત અનુભવે છે. મીરાંએ જે ઘરમાં પોતાનો જીવ રેડ્યો હતો, પોતાના હાથે ઘરને સજાવ્યું હતું તે ઘરમાં કોઈ અજાણી યુવતી મીરાંને શાશ્વતે આપેલું એક કવર આપે છે. પત્રમાં લખ્યા પ્રમાણે શાશ્વતને અમેરિકામાં બહુ સારી નોકરી મળી હોવાથી અમેરિકા ગયો છે ને મીરાંના ખાતામાં ત્રણ લાખ અને બીજા વધારાના બે લાખ એમ પાંચ લાખ રૂપિયા જમા કરાવ્યા છે. જ્યારે ઘર તો સારો ભાવ મળતો હતો તેથી વેચી નાખ્યું હતું. જે મકાનમાં શાશ્વતે મીરાં સાથે જિંદગીનો એક મહત્વનો સુખદ અને ઉત્તમ સમય પસાર કર્યો હતો તે ઘર સારો ભાવ મળતા વેચી દે છે. અહીં માત્ર એક ઘર નથી વેચાતું, પરંતુ એક નિ:સ્વાર્થ ભાવથી, માત્ર ને માત્ર સ્નેહ અને મમતાથી સીંચેલો મધુર અનામ સંબંધ પણ એક ઝાટકે પૂર્ણ થઈ જાય છે. મહત્વકાંક્ષાઓ અને સ્વહિત આ નિર્દોષ સંબંધભાવને ટકવા દેતા નથી.
જો કે લોહીના સંબંધોમાં પણ સ્વાર્થ અને ગણતરી ક્યાં નથી હોતી? શાશ્વતની આજુબાજુમાં શ્વસતું મીરાંનું જીવન આમ ઓચિંતુ અને અણધાર્યું ખતમ થાય છે. શાશ્વત જતા પહેલા એક વાર મીરાંને મળવાનું પણ ઠીક સમજતો નથી. અરે! કદાચ મીરાંને જાત્રાએ મોકલવા પાછળનો હેતુ જ એ હતો કે મીરાંની ગેરહાજરીમાં ઘર વેચી અને બધું કામ પૂરું પાડે. જે ઘર માટે મીરાંએ આખું આયખું ઘસી નાખ્યું એ ઘર હવે પારકું છે. અહીં વાચકને એ પણ પ્રશ્ન થાય છે કે શાશ્વતે જતાં પહેલાં શું એક વાર પણ મીરાંનો, તેના જીવન અને ભવિષ્યનો વિચાર નહીં કર્યો હોય? તેનો નિ:સ્વાર્થ સ્નેહ કે મમતા તેને યાદ નહીં આવી હોય? હા, એવો કોઈ વિચાર નહિ જ કર્યો હોય કારણ કે જો એવો વિચાર કર્યો હોત તો કદાચ મીરાને અંધારામાં રાખીને આમ અમેરિકા પલાયન થયો જ હોત? જો કે સર્જકે શાશ્વતની ઠંડી નિર્મમ નિષ્ઠુરતાને કોઈ પણ શબ્દમાં ઢાળ્યા વિના જ અસરકારક રીતે વ્યક્ત કરી છે. આ વાર્તા વિશે શ્રી રઘુવીર ચૌધરી કહે છે કે :- “મીરાના ઓશિંગણ એવા શાશ્વતથી જાણે અજાણે જે અન્યાય થાય છે તે લેખિકાએ બોલકાં બન્યા વિના સૂચવ્યો છે. લેખનની સાદગી અસર કરે છે.” આ વાર્તા વિશે શરીફા વીજળીવાળા જણાવે છે કે “રેણુકા પટેલની ‘મીરાંનું ઘર’ વાર્તામાં સ્વાર્થ અને સ્વકેન્દ્રીતા એક નામ વગરના મીઠા સંબંધને એવી નિર્મમ રીતે ખતમ કરે છે કે મીરા જેટલો જ આઘાત વાચકને પણ લાગે”.
‘લક્કડખોદ’ એક પરંપરાગત, સામાન્ય વાર્તા છે. જેમાં પ્રશાંતનો ધૂર્ત ચહેરો ખુલ્લો પડે છે. કારણ કે પોતે જેને ચાહતો હતો તે સરિતા સાથે જો લગ્ન કરે તો પિતાની મિલકત ગુમાવવી પડે એવો ખોટનો ધંધો પ્રશાંતને મંજૂર નહોતો એટલે પિતાની આજ્ઞાથી વંદનાને પરણે છે અને કારણ વિના તેના પર અસહય અત્યાચારો ગુજારે છે. જે અસહય બનતાં વંદના જીવન ટૂંકાવે છે ને પ્રશાંતનો રસ્તો ખુલ્લો કરી આપે છે.
‘હું આલોક જોશી’ વાર્તામાં બાળમાનસને વ્યક્ત કર્યું છે સાથે સાથે યૌન શોષણનો પ્રશ્ન દર્શાવ્યો છે. આલોક માટે મમ્મી-પપ્પાના રોજ-રોજના ઝઘડા અને તેમના છૂટા થવાની, ડિવોર્સની ચર્ચાના કારણે તેનું બાળમન મૂંઝાય છે. જેથી તેની સીધી અસર તેના અભ્યાસ અને પરિણામ પર દેખાય છે અને એમાંય આલોક સાથે કામવાળા વસંતનું અભદ્ર વર્તન, યૌનશોષણથી તો તેમનું બાળમન વધારે મૂંઝાય છે. અહીં મુગ્ધ ઉંમરના કિશોરના અંતરંગને દર્શાવ્યું છે. ‘લક્ષ્ય’ વાર્તામાં સુનિલભાઈની પોતાના દીકરા મયંકને ડૉક્ટર બનાવવા માટેની ઘેલછામાં ને ઘેલછામાં તેમનો દીકરો છેવટે કેફી દ્રવ્યોને રવાડે ચડી જતા જે અવદશા સર્જાય છે તે વ્યક્ત થઈ છે. આ ઉપરાંત, ‘સુદામા’ વાર્તામાં મૈત્રીની ઊજળી કાળી બાજુ સ્વાર્થયુક્ત મૈત્રીનું સ્વરૂપ વ્યક્ત થયું છે. ‘પાડોશી’ વાર્તામાં દ્વ્રેષયુક્ત ઈર્ષાનું વરવું રૂપ પ્રગટ્યું છે.
‘ધોધમાર’ની વાર્તાઓમાં ઘટના, પ્રસંગ કે બનાવ એવી રીતે આલેખાયા છે કે ભાવકનું ચિત ભાવોન્મુખ બની જે તે વાર્તાની આસપાસ વિશેષરૂપે કેન્દ્રિત થાય છે. આ વાર્તાઓની પાત્રસૃષ્ટિ વૈવિધ્યસભર અને સપ્તરંગી છે. ‘માનસપુત્રી’માં આલેખાયેલો સાસુ-વહુનો સંબંધ હોય કે ‘અનુનો ઓરડો’માં માતા-પુત્રી વચ્ચેના સંબંધની વાત હોય, ‘ગૃહપ્રવેશ’માં આલેખાયેલી માતૃત્વની ઝંખના હોય કે ‘પોટલી’માં સમૃદ્ધ સ્ત્રી અને ગરીબ સ્ત્રીના માનસની તુલના હોય રેણુકાબહેને પાત્રોમાં સ્વભાવ, સંસ્કાર આદિનું અપાર વૈવિધ્ય મૂક્યું છે. પાત્રોનું ચિત્રણ સરસ અને સ્પષ્ટ રીતે કર્યું છે. સ્નેહ, વફાદારી, સંવેદનશીલતા જેવા ગુણો અને બૌદ્ધિક વ્યક્તિત્વ ધરાવતા પાત્રો અહીં પ્રત્યેક વાર્તામાં આલેખાયા છે. દરેક વાર્તામાં સંઘર્ષાત્મક ક્ષણો વિલક્ષણતાથી ઝીલાઈ છે. આંતર અને બાહ્ય બંને પ્રકારના સંઘર્ષને કુશળતાથી આલેખવામાં આવ્યું છે. આંતરસંઘર્ષ અને મનોમંથનનું નિરૂપણ કલાત્મકતાથી થયું છે, તેના દ્વારા રેણુકા પટેલની સર્જકપ્રતિભાનો પરિચય થાય છે. બે સ્ત્રીઓ વચ્ચેના સંબંધના અને સંવેદનના બે પ્રવાહ એકમેકમાં સંક્રાંત થઈને ભાવકને અભિભૂત કરે છે. અહીં વાર્તાઓમાં મૂકાયેલા સંવાદો પાત્રવ્યક્તિત્વને વિકસાવે છે અને વાર્તાકલાને સમૃદ્ધ કરે છે.
રેણુકાબેનની વાર્તાઓમાં વિષય વૈવિધ્ય ઊડીને આંખે વળગે એવું છે. સાંપ્રત સમયમાં સ્ત્રી સર્જકો નારીવાદી સર્જનમાંથી બહાર નીકળી અનેક નવીન વિષયોનું નિરૂપણ કરતા થયા છે. છતાં પણ સ્ત્રી હોવાના કારણે તેમના સર્જનમાં નારી મન, તેની વેદના-સંવેદના, સંઘર્ષો, સમસ્યાઓ કે મૂંઝવણોનું આલેખન સહજ હોય. જે સંદર્ભે સર્જક વાર્તાસંગ્રહની પ્રસ્તાવનામાં જ નોંધે છે કે:- “મારી મોટાભાગની વાર્તાઓમાં સ્ત્રી કેન્દ્રસ્થાને રહી છે. એનું એક કારણ એ હશે કે સ્ત્રી છું. એટલે સ્ત્રીની સંવેદનાને સહજતાથી સ્પર્શી શકું છું. અથવા તો બીજું કારણ એ પણ હોય કે સ્ત્રીની સંવેદનાનું જગત વિશાળ છે એના બધાય સંબંધો લાગણીના સેતુ વડે સંધાયેલા- સંબંધાયેલા હોય છે. જો એકાદ જગાએ પણ છીંડુ પડે તો હ્રદય ઘવાય છે”. જો કે રેણુકાબેનની વાર્તાઓમાં સ્ત્રીઓના પ્રશ્નો કે તેમની સમસ્યાઓને નવી દષ્ટિથી જોવાનો પ્રયત્ન કર્યો છે અને તેઓ સ્ત્રી વિષયક વાર્તાઓમાં વિશેષ સજજતા દાખવી શક્યા છે. આમ, ‘ધોધમાર’ વાર્તાસંગ્રહમાં નારીજીવનના વિભિન્ન તબકકા અને વિવિધ પરિમાણીય રંગોનો મેઘધનુષ રચાયો છે.
સંદર્ભ-
ડો. કલ્પના મચ્છર, અધ્યક્ષા, ગુજરાતી વિભાગ, એમ.એન.કોલેજ, વિસનગર Email- sanjayacharya530@ymail.com