Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
જૈનેતર રામાયણ અને જૈન પદ્મપૂરાણમાં અંજનાસુંદરીની કથા

મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં કોઈ એક પાત્રને કેન્દ્રમાં રાખીને રામાયણ, મહાભારત કે પુરાણોના આધાર લઈને લખાયેલી અનેક કૃતિઓ મળે છે. આવી કથાઓ જૈનેતર કરતાં જૈન સર્જકો પાસેથી વધારે પ્રમાણમા મળે છે. કથા પદ્યબંધમાં રચાયેલી હોય છે. જેમાં જે-તે પાત્રના જીવનચરિત્રનું આલેખન કરવામાં આવે છે. આપણે ત્યાં આવી બહુ ઓછી કૃતિઓના સંશોધન અને સંપાદન થયા છે. આથી આપણે આવી બહુ ઓછી કથાકૃતિઓ વિષે જાણીએ છીએ. જેમાં એકની એક કથા જુદી-જુદી જગ્યાએ જુદી-જુદી મળતી હોય છે. એવું જ હનુમાનની માતા અંજનાસુંદરીની કથામાં પણ થાય છે. અનેક જૈન સર્જકો પાસેથી મળતી અંજનાની કથા અલગ અલગ જોવા મળે છે. આપણે ત્યાં વાલ્મીકિકૃત રામાયણમાં અંજનાની કથા જુદી છે જ્યારે જૈન રામાયણ અને પદ્મપુરાણમાં પણ થોડાં-ઘણાં ફેરફાર સાથે જોવા મળે છે. તે નોંધનીય બાબત છે. અહીં જૈનેતર સાહિત્યમાં અને જૈન પદ્મપુરાણની કથા વિષયક ચર્ચા કરવાનો ઉપક્રમ છે.

જૈનેતર રામાયણમાં અંજના કથાની વાત કરવામાં આવે તો અહીં અંજના પોતાના પૂર્વજન્મમાં પુંજિકાસ્થલિ નામે સ્વર્ગમાં એક અપ્સરા હતી. તે ઋષિના શાપના કારણે પૃથ્વી ઉપર કપિઓના રાજા કુંજર નામના વાનરની પુત્રી રૂપે જન્મ લેવો પડે છે. તે પોતાની ઈચ્છા અનુસાર રૂપ બદલી શકતી હતી. તેમના લગ્ન કિષ્કિંધાના રાજા કેસરી સાથે થયા હતા. અંજના એકવાર માનવરૂપ ધારણ કરીને પર્વત પર વિચરણ કરતી હતી. તેવામાં પવનથી એનું વસ્ત્ર સહેજ હવામાં ઉડે છે. એના શરીરના અવયવો વાયુદેવ જોવે છે આથી વાયુદેવને કામવાસના થાય છે. જેનાથી વશ થઈને વાયુદેવ અંજનાને આલિંગન કર્યું. પોતાના ઉપર હુમલો કરનારને જોઈ ન શકી તેથી અંજના બૂમો પાડવા લાગી અને કહ્યું ‘મારા પતિવ્રતનો ભંગ કોણે કર્યો’ ત્યારે વાયુદેવ જણાવે છે કે, મેં તારામાં મનથી પ્રવેશ કર્યો છે અને તેથી તારા દેહની પવિત્રતાને ભષ્ટ કરી નથી. મારી કૃપાથી તું એક પરાક્રમી પુત્રને જન્મ આપીશ કે જે ઈચ્છાનુસાર વિચરણ કરવામાં મારી સમકક્ષ હશે. વાયુદેવના આ વચનો સાંભળી અંજના રાજી થાય છે. ત્યાર બાદ સમય જતાં તેણે પર્વતની એક ગુફામાં હનુમાનને જન્મ આપ્યો.

બીજી એક કથા અનુસાર અંજનાએ બળવાન પુત્ર મેળવવા માટે સાત હજાર વર્ષ ઋષ્યમૂક પર્વત ઉપર શિવની આરાધના કરી હતી. જેનાથી પ્રસન્ન થઈને ભગવાન શિવે દશરથની રાણીના યજ્ઞપ્રસાદનો એક ભાગ અંજનાના હાથમાં આપ્યો. જે આરોગવાથી અંજનાને હનુમાન જેવા પરાક્રમી પુત્રનો જન્મ થયો. જૈનેતર કથાઓમાં અંજનાનો માત્ર આટલા પૂરતો જ ઉલ્લેખ જોવા મળે છે. આ સિવાય કોઈક જગ્યાએ અંજના ગૌતમ ઋષિની પુત્રી હોવાનો પણ ઉલ્લેખ મળે છે.

જ્યારે શ્રી રવિષેણાચાર્ય રચિત ‘પદ્મપુરાણ’ આધારિત અંજનાની કથા જોઈએ તો પૃથ્વી ઉપર વિજ્યાર્ધ પર્વતની દક્ષિણમાં આદિત્યપુર નગરના રાજા પ્રહલાદ અને રાણી કેતુમતીને ત્યાં વાયુકુમાર(પવનંજય)નો જન્મ થયો હતો. જ્યારે દંતીનામા પર્વત નજીક મહેન્દ્રપુર નગરના વિદ્યાધર રાજા મહેન્દ્ર અને રાણી હદયવેગાને ત્યાં અંજનાનો જન્મ થયો હતો. પુત્ર-પુત્રી મોટા થતાં રાજા પ્રહલાદ અને મહેન્દ્રને તેમના લગ્નની ચિંતા થવા લાગે છે. રાજા મહેન્દ્ર અમરસાગર નામના મંત્રીને બોલાવીને પોતાની ચિંતા જણાવે છે. અમરસાગર અંજનાના લગ્ન રાવણ જેવા પરક્રમી રાજા સાથે કરવા જણાવે છે. પણ મહાપંડિત મંત્રી સુમતિનામા રાવણની અનેક સ્ત્રીઓ અને ઉંમર વધારે હોવાનું કારણ આપી ના પાડે છે. જ્યારે ઇન્દ્રજીત કે મેઘનાદ સાથે કરવામાં આવશે તો બંને જગડો કરશે તેવું કારણ આપી ના પાડે છે. જ્યારે તારાધન્ય નામનો મંત્રી અંજનાના લગ્ન કનકપુરના રાજા હિરણ્યપ્રભ અને રાણી સુમનાના સકળ લોકમાં પરાક્રમી પુત્ર સૌદામિનીપ્રભ(વિદ્યુતપ્રભ) સાથે કરવા જણાવે છે. ત્યારે સંદેહપરાગ નામનો મંત્રી જણાવે છે કે, વિદ્યુતપ્રભને અઢારમાં વર્ષે કેવળજ્ઞાન પ્રાપ્ત થશે જેના કારણે તે સંસાર ત્યાગ કરશે. માટે તેનું લગ્ન જીવન ટકશે નહીં માટે અંજનાના લગ્ન રાજા પ્રહલાદના પુત્ર પવનંજય સાથે કરવાનો પ્રસ્તાવ મૂકે છે.

ફાગણ મહિનાના અષ્ટમીથી લઈને પુર્ણિમા સુધીના મંગલ દિવસોમાં બધા વિદ્યાધરો પૂજા સામગ્રી લઈને કૈલાશ પર્વત પાસે આવેલ નંદીશ્વર નામના સ્થળે આવે છે કારણ કે, ઋષભદેવના નિર્માણના કારણે આ સ્થળ કલ્યાણકારી છે માટે રાજા મહેન્દ્ર પુત્રી અંજના સાથે સપરિવાર અહીં આવે છે. ભગવાનની પૂજા અને સ્તુતિ કરીને એક શિલા પર બિરાજે છે. તે સમયે રાજા પ્રહલાદ ચક્રવતી બનીને જિનમંદિરની વંદના અર્થે ત્યાં આવે છે. રાજા મહેન્દ્રને જોઈને તેમના કુશળ સમાચાર પૂછે છે. રાજા મહેન્દ્ર તેમને પુત્રી અંજનાના લગ્નની ચિંતા જણાવીને અંજના અને પવનંજયના લગ્નનો પ્રસ્તાવા મૂકે છે. રાજા પ્રહલાદ આ પ્રસ્તાવનો સ્વીકાર કરીને માનસરોવરના કિનારે અંજના અને પવનંજયના લગ્ન નક્કી કરવામાં આવે છે. જ્યોતિષી ત્રણ દિવસ પછીના લગ્ન સ્થાપી આપે છે.

પવનંજય અંજનાના રૂપના વખણા સાંભળીને કામને વશ બને છે. આથી ત્રણ દિવસ વિતાવવા પણ એ સક્ષમ નથી અને વ્યાકુળ થઈ જાય છે. આ વાત તે જઈને પોતાના મિત્ર પ્રહસ્તને કહે છે. પ્રહસ્ત ઉપાય કરીને રાત્રિના સમયે વિમાનમાં બેસી આકાશ માર્ગે પવનંજયની સાથે અંજનાના મહેલમાં પહોંચે છે. અંજનાના દર્શન પામીને પવનંજય આનંદ પામે છે. હવે બંને છૂપાઈને અંજનાની સખીઓની વાતો સાંભળવા લાગે છે. મિશ્રકેશી નામની સખી કહે છે કે, ‘તું પરમ અજ્ઞાની છે તેથી તારો સંબંધ પવનંજય સાથે થઈ રહ્યો છે. જો વિદ્યુતપ્રભ સાથે તારો સંબંધ થયો હોત તો શ્રેષ્ઠ હતું’(પૃ, ૧૭૮). વસંતમાલા નામની સખીને સંબોધન કરતાં કહે છે કે, ‘વિદ્યુતપ્રભ અને પવનંજયમાં સમુદ્ર અને પર્વત જેટલો ભેદ છે. વિદ્યુતપ્રભની કથા મોટ-મોટા લોકોના મુખેથી સાંભળી છે. જેમ મેઘના બિંદુઓ અનેક હોય છે તેમ વિદ્યુતપ્રભના ગુણ પણ અપાર છે. વિદ્યુતપ્રભનો સંયોગ ક્ષણ માત્ર હોય તો પણ ભલો છે અને ક્ષુદ્ર પુરુષનો લાંબો સંયોગ પણ શું કામનો?(પૃ, ૧૭૯).

આ સાંભળી પવનંજય ખૂબ ગુસ્સે ભરાય છે. મ્યાનમાંથી તલવાર કાઢી મિત્ર પ્રહસ્તને કહે છે કે, ‘આ બંને દાસીઓ આપણી નિંદા કરે છે માટે હું તેના શિર છેદ કરીશ’(પૃ, ૧૮૦) ત્યારે પ્રહસ્ત જણાવે છે કે, ‘તારી તલવાર સામંતોના ઉપર વાર કરવા માટે છે. સ્ત્રી તો અબળા છે એમના ઉપર કેમ ચાલે? આ દુષ્ટ દાસી અંજનાના અભિપ્રાય વગર જ આમ કહે છે. જો તું આજ્ઞા આપે તો એક જ વારથી દાસીને મારી નાખું પરંતુ સ્ત્રીહત્યા, બાળહત્યા, પશુહત્યા, નિર્બળ મનુષ્યની હત્યા શાસ્ત્રોમાં વર્જિત છે. તારે તેને ક્ષમા કરી દેવું જોઈએ કારણ કે સામાન્ય માણસ પણ સ્ત્રીહત્યા નથી કરતો તો તું કેવી રીતે કરી શકે? આવું પાપ કરીશું તો આપણાં ઉજળા કુળને લાંછન લાગશે. માટે હવે આપણે પાછાં જઈએ’(પૃ, ૧૮૦). પવનંજયના મનમાં ભ્રમ થાય છે કે અંજનાને વિદ્યુતપ્રભ પ્રિય હશે માટે એ એની પ્રસંશા અને મારી નિંદા ચૂપચાપ સાંભળી રહી હતી.

પવનંજયના મનમાં અંજના પ્રત્યેનો સ્નેહ અને અનુરાગ નાશ પામે છે. તે પોતાની સેના, હાથીદાળ, અશ્વદળ સાથે પાછો પોતાના નગર આવવા તૈયાર થાય છે. વાત સાંભળીને અંજના ખૂબ દુ:ખ પામે છે અને સ્વામી પાછાં જઈ રહ્યા છે સમાચાર સાંભળીને આઘાતથી મૂર્છા પામે છે. પિતા પ્રહલાદ આ સાંભળી રાજા મહેન્દ્ર સાથે પવનંજય પાસે આવે છે અને પોતે એકબીજાને વચન આપી ચૂક્યા છે. પિતા ગુરુ સમાન હોય છે. તેમની આજ્ઞા માનવી જોઈએ સમજાવે છે. આ સાંભળી પવનંજય લગ્ન માટે તૈયાર થાય છે પરંતુ મનમાં નિશ્ચય કરે છે કે પરણીને હું અંજનાનો ત્યાગ કરીશ.

લગ્ન પછી અંજનાનો ત્યાગ કરે છે. અંજના તરફ દૃષ્ટિપાત પણ કરતો નથી. આથી અંજના દુ:ખી થઈને નિંદ્રા કે ભોજન લીધા વગર વિલાપ કરવા લાગે છે જેના કારણે શરીર સુકાવા લાગે છે. માતા-પિતાને યાદ કરતી પોતાના પૂર્વભવના કર્મોને દોષ આપે છે. વિલાપ કરતાં મૂર્છા પામે છે. સખીઓ, રાજા પ્રહલાદ, રાણી કેતુમતી, નગરવાસીઓ બધા જ નિર્દોષ અંજનાની આ દશા જોઈને દુ:ખ પામે છે. જ્યારે બીજી તરફ રાવણ અને વરુણ વચ્ચે યુદ્ધ થાય છે અને વરુણનાં પુત્રો ખર-દૂષણ બંધક બનાવે છે. આથી રાવણ હારી જાય છે અને લંકા પાછો ફરે છે. હવે તે બધા જ રાજાને સાથે લઈને વરુણ પર ચડાઈ કરવા માંગે છે. રાજા પ્રહલાદને દૂત સાથે વિસ્તારથી પત્ર લખી મોકલી તરત લંકા આવવાની આજ્ઞા કરે છે. રાજા પ્રહલાદ રાવણની સહાયમાં જવા સેના તૈયાર કરી નીકળવા જાય છે ત્યાં પવનંજય આવીને કહે છે, ‘હે તાત તમે કૂચ ના કરું યુદ્ધમાં હું જઈશ’(પૃ, ૧૮૩). પવનંજયના વચનો સાંભળી પિતા તેમણે યુદ્ધમાં જવાની આજ્ઞા આપે છે. માતા-પિતાના આશિષ લઈને મિત્ર પ્રહસ્ત સાથે યુદ્ધમાં જવા નીકળે છે. જ્યારે અંજનાને સામે જોઈને ક્રૂર વચનો સંભળાવે છે. અંજના આઘાત પામે છે અને ધરતી ઉપર ઢળી પડે છે.

એક સરોવરના કિનારે પોતાની વિદ્યાના બળે એક સુંદર મહેલ બનાવ્યો. મહેલની બારી નજીક બેસીને સરોવરના જળ, જળચરો અને પક્ષીઓ જોઈને આનંદ પામે છે. ત્યારે એક ચકવીને ચકવાના વિયોગમાં અશ્રુપાત સાથે વિલાપ કરતી જૂએ છે. ચકવીની દશા જોઈને વિચાર આવે છે કે આ પક્ષી એક રાત્રિ પ્રિતમનો વિયોગ સહન નથી કરી શકતી તો સ્ત્રીએ બાવીસ વર્ષ કેવી રીતે પ્રસાર કર્યા હશે? પોતાના પર ધિક્કારનો ભાવ થાય છે. પવનંજયનું હ્રદય પરિવર્તન થાય છે. વિચાર કરે છે કે મારે શું કરવું? તે હું મિત્ર પ્રહસ્તને પૂછું જે પ્રીતિ વિદ્યામાં પ્રવીણ છે. મિત્રના કહેવાથી છુપાઈને રાત્રિના સમયે વિદ્યાના બળે અંજના મહેલમાં આવે છે. અંજના અને પવનંજયનું મિલન થાય છે. સવાર પડતાં મિત્ર આવીને પવનંજયને પાછા જવા જણાવે છે. ત્યારે અંજના કહે છે કે કુમાર મારો ઋતુસમય છે માટે નક્કી ગર્ભ રહેશે માટે માતા-પિતાને જણાવીને જાવ. પરંતુ લજ્જાના કારણે પવનંજય પોતાની મુદ્રિકા કાઢીને આપતા કહે છે કે, ‘તારો ગર્ભ પ્રકાશ ન પામે તે પહેલા હું પાછો આવીશ’(પૃ, ૧૮૫), આમ કહીને પવનંજય રાવણની સહાય માટે લંકા પહોંશી જાય છે.

થોડાક સમય પછી અંજનાના શરીરમાં ગર્ભના લક્ષણો જણાવા લાગે છે. આ જાણી સાસુ કેતુમતી અંજનાના મહેલમાં આવે છે. ક્રોધમાં અંજનાને કડવા વચનો સંભળાવે કે, ‘મારો પુત્ર તો તારી સામે દૃષ્ટિ પણ કરતો નથી અને એ તો અમારી આજ્ઞા લઈને યુદ્ધમાં ગયો છે. તો આ ગર્ભ તને કેવી રીતે રહ્યો? તે અમારા ચંદ્ર જેવા શીતળ કૂળને લાંછન લગાડ્યું છે’(પૃ, ૧૮૮) અંજના પવનંજયની મુદ્રિકા દેખાડે છે પરંતુ તે માનતી નથી. જ્યારે વસંતમાલાને પૂછવા કહે છે તો તેને પણ ખરું-ખોટું સંભળાવી દે છે. મહેલમાંથી કાઢી અકક્રૂર નામના સેવકને બોલાવીને અંજના અને વસંતમાલાને રથમાં બેસાડી મહેન્દ્રપુર છોડી આવવાની આજ્ઞા આપે છે. સેવક આવીને મહેન્દ્રપુર નજીક છોડી પાછો ચાલ્યો જાય છે. અંજના મહેન્દ્રપુર આવે છે. દ્વારપાળ શિલાકવાટને વસંતમાલા સમગ્ર વૃતાંત કહે છે. દ્વારપાળ અંજનાને દ્વારે જ રોકીને રાજા અને પ્રસન્નકિર્તિને જઈને જણાવે છે ત્યારે રાજા ઘણીબધી ચર્ચા પછી અંજનાના ચરિત્ર પર શંકા કરીને દ્વારપાળને આજ્ઞા આપે છે કે અંજનાને મહેન્દ્રપુરથી કાઢી મૂકવામાં આવે. હવે બંને સખીઓ રડતાં, કર્મને દોષ દેતી જંગલમાં ફરે છે. વસંતમાલા કહે છે કે ‘સખી હવે તારી પ્રસૂતિનો સમય નજીક આવે છે તો આપણે કોઈક જગ્યાએ વાસ કરવો જોઈએ’(પૃ, ૧૯૨). ડરના કારણે એક પર્વત પર તળેટીની ગુફાના દ્વાર પર જઈને બેઠી. ત્યાં એક શિલા પર બેઠેલા મુનિને જૂએ છે. જેનાંથી બંને સખીઓ ભય રહિત બને છે. મુનિ કહે છે કે, ‘અહીં બધા જ પોતાના કર્મોના ફળ ભોગવે છે’(પૃ, ૧૯૪). મુનિને જ્ઞાની જાણ્યા ત્યારે વસંતમાલા પૂછે છે કે, ‘હે કલ્યાણકારી અંજના પતિ કેમ આટલાં દિવસ વિમુખ રહ્યાં શું કારણ હતું?(પૃ, ૧૯૪).

મુનિએ અંજના ગર્ભમાં રહેલા હનુમાનના ત્રણ પૂર્વજન્મની કથા જણાવે છે, પછી અંજનાના પૂર્વજન્મની કથા કહે છે કે, પૂર્વજન્મમાં કનકોદરીને પટરાણી પદનું અભિમાન આવી જાય છે. બીજી રાણી જિનદેવની ભક્ત હતી. એમણે રાખેલી જિનદેવની પ્રતિમા કનકોદરી ઘરની બહાર કાઢે છે. પ્રતિમાનો અનાદર જોઈને રાણી અન્ન-જળ ગ્રહણ કરતી નથી. કનકોદરીને ઉપદેશ આપે છે. મધુર વચનો સાંભળી કનકોદરી પ્રતિમા મંદિરમાં સ્થાપી અષ્ટ પ્રકારની પૂજા કરે છે. જેથી સ્વર્ગ પ્રાપ્ત કરે છે અને અંજના રૂપે મનુષ્ય અવતાર પામે છે. પુણ્યના કારણે પવનંજય જેવો પતિ મળ્યો પરંતુ તે પ્રતિમા ઘરની બહાર કાઢી હતી, માટે તારે પતિનો વિયોગ સહન કરવો પડ્યો. અંજનાના આ સાંભળી પોતાના કર્મોની નિંદા કરતાં દુ:ખ કરે છે. તો મુનિ તેને જિનદેવના નિયમો પાળવા અને ભક્તિ કરવા કહે છે. જેથી તેનાં દુ:ખોનું નિવારણ થશે. અંજના જિન પ્રતિમા સ્થાપિત કરીને પૂજા કરવા લાગે છે.

અંજનાની પ્રસૂતિનો દિવસ આવી પહોંચે છે. સખી વસંતમાલા વૃક્ષોના પાંદડા જમીન પર પાથરીને શૈયા તૈયાર કરે છે. ગુફામાં હનુમાનનો જન્મ થાય છે. અંધારી ગુફામાં પ્રકાશ ફેલાય જાય છે. અંજના હનુમાનને છાતીએ છાપી હરખ પામે છે. એક દિવસ વસંતમાલ એક મોટું વિમાન આવતું જૂએ છે. અંજનાને કહે છે તો એ વિલાપ કરવા લાગે છે કે જરૂર એ મારા પુત્રને લેવા માટે આવે છે. કલ્પાંત સાંભળી વિદ્યાધર વિમાન નીચે ઉતારે છે. વસંતમાલાને પૂછે છે કે, ‘આ કોણ છે? કોની પુત્રી છે? કોની સાથે આના લગ્ન થયા છે?(પૃ,૧૯૬). વસંતમાલા બધુ જ વૃતાંત કહે છે. સાંભળીને વિદ્યાધર કહે છે કે, ‘હું રાજા ચિત્રભાનુ અને રાણી સુંદરમાલિનીનો પુત્ર રાજા પ્રતિસૂર્ય છું. અંજના મારી ભાણી છે. બહૂ દિવસ પછી જોઈ માટે ઓળખી નહીં’(પૃ, ૧૯૭). અંજનાના બાળપણના વૃતાંતો કહ્યાં. અંજના ગળે વળગીને ખૂબ રડી. હવે પ્રતિસૂર્ય અંજનાને વિમાનમાં પોતાની સાથે લઈને આકાશમાર્ગે પોતાના નગર જવા નીકળે છે. કૌતુકથી બાળક વિમાનમાંથી ઊછળીને પર્વત પર પડે છે. અંજના વિલાપ કરવા લાગે છે. પ્રતિસૂર્ય નીચે જઈને જોવે છે તો બાળકે પર્વતના ચૂરેચૂરા કરી નાખ્યા છે, જરૂર આ કોઈ દેવ છે એમ વિચારી બાળકની પ્રદક્ષિણા કરીને બાળક વિમાનમાં લઈ આવે છે. પ્રતિસૂર્ય ભાણી અંજના અને પોતના પરિવાર સહિત પોતાના નગરમાં આવી પહોંચે છે. હનુરૂહદ્વિપમાં જન્મહોત્સવ મનાવામાં આવ્યો. એથી હનુમાન નામ જગતમાં પ્રસિદ્ધ થયું.

બીજી તરફ પવનંજય પરાક્રમથી વરુણ સાથે યુદ્ધ કરીને વરુણને બંધક બનાવી ખર-દૂષણને છોડાવી લાવે છે. ઉતાવળા આદિત્યનાગર આવવા પ્રસ્થાન કરે છે. પિતા પોતાનો પુત્ર વિજયી થયો. સમાચાર સાંભળીને આખા નગરને શણગારે છે. નગરમાં આવી માતપિતાને પ્રણામ કરીને અંજનાને શોધવા લાગે છે. અંજના નજર ન આવતા મિત્ર પ્રહસ્તને કહે છે. પ્રહસ્ત નગરજન પાસેથી બધી જ વાત સાંભળી પવનંજયને સાથે લઈને મહેન્દ્રપુર આવે છે. સાસુ-સસરાને મળે છે. દાસીને અંજના વિશે પૂછતા જાણવા મળે છે કે તે અહીં પણ નથી. તે પ્રહસ્તને આદિત્યપુર પાછો મોકલીને પોતે અંજનાને શોધવા નીકળી પડે છે. વિરહાગ્નિમાં બળતો પવનંજય વનો, જંગલો, પહાડોમાં અંજનાને શોધે છે પણ અંજના કોઈ જગ્યાએ મળતી નથી. પ્રહસ્ત આદિત્યપુર આવીને રાજાને સઘળી વાતા જણાવે છે કે જો અંજના નહીં મળે તો વિરહમાં પવનંજય પ્રાણ ત્યાગ કરશે. આ સાંભળી રાજા દુ:ખી થઈ ગયા જ્યારે રાણી આક્રંદ કરવા લાગી. પ્રહસ્ત સપરિવાર અંજનાને શોધવા નીકળે છે. બીજી તરફ પ્રતિસૂર્ય પણ વિદ્યાધરોને પવનંજયની ભાળ શોધવા મોકલે છે. પ્રહસ્ત, રાજા અને રાણી પવનંજયને શોધી કાઢે છે. આ તરફ પ્રતિસૂર્ય પણ આવે છે અને પવનંજયને સઘળો વૃતાંત જણાવે છે. પવનંજયનો અંજના અને હનુમાન સાથે સુખદ મિલાપ થાય છે.

વરુણ રાવણની આજ્ઞા લોપીને ફરી યુદ્ધ કરવા તૈયાર થાય છે. રાવણ દૂતને પત્ર લઈને આદિત્યપુર મોકલે છે. હનુમાન લંકા જાય છે. રાવણ હનુમાનના ગુણોના વખાણ કરીને આનંદ પામે છે. હનુમાન વરુણને યુદ્ધમાં હરાવે છે. ઈન્દ્ર્જિત વરુણનું નગર લૂટવા જાય છે પણ રાજનીતિજ્ઞ રાવણ રોકીને ઉપદેશ આપે છે. રાવણ પોતાની બહેન ચંદ્રનખાની પુત્રી અનંગકુસુમાના લગ્ન હનુમાન સાથે કરાવી કર્ણકુઅલપુર નગર આપી રાજ્યાભિષેક કર્યો. કિહકૂંપુરના રાજા નલ પોતાની પુત્રી હારમાલિની હનુમાનને પરણાવે છે. તેના નગરના વિદ્યાધરોએ પણ પોતાની સો પુત્રીઓ હનુમાનને પરણાવી. હનુમાન રાજા સુગ્રીવના નગર કિહકંધપુર આવે છે. સુગ્રીવ પોતાની પુત્રી પદ્મરાગાને પણ હુનુમાન સાથે પરણાવે છે.

તારણો :

જૈનેતર સાહિત્યમાં અંજના પોતાના પૂર્વજન્મમાં અપ્સરા હોય છે અને શાપના કારણે વાનરોના રાજા કુંજરને ત્યાં પૃથ્વી ઉપર જન્મ લેવો પડે છે. જ્યારે પદ્મપુરાણમાં અંજનાનો જન્મ મહેન્દ્રપુરના રાજા મહેન્દ્રને ત્યાં થાય છે.

જૈનેતર સાહિત્યમાં અંજનાના લગ્ન કેસરી નામના વાનર સાથે થાય છે. પદ્મપુરાણમાં રાજા પ્રહલાદના પુત્ર પવનંજય સાથે થાય છે.

પદ્મપુરાણમાં પવનંજય લગ્ન પછી અંજનાનો ત્યાગ કરે છે અને વરુણ સાથે યુદ્ધ કરવા રાવણની મદદે જાય છે. રાવણ લાંબો પત્ર લખીને મદદે આવવા આજ્ઞા આપે છે. જ્યારે જૈનેતર સાહિત્યમાં આવો કોઈ કથાઘટક મળતો નથી.

પદ્મપુરાણમાં અંજના અને હનુમાન ત્રણ જન્મની કથા અને અંજના પોતાના પૂર્વભવમાં કરેલાં કર્મોના કારણે દુ:ખ પામે છે. જ્યારે જૈનેતર સાહિત્યમાં શાપના કારણે દુ:ખ પામે છે.

પદ્મપુરાણમાં પવનંજય યુદ્ધમાં જતાં એક રાત્રિ માટે પાછો આવે. અંજના સાથે સહવાસ કરવાથી ગર્ભ રહે છે. ગુફામાં હનુમાનનો જન્મ થાય છે. જૈનેતર સાહિત્યમાં હનુમાનનો જન્મ અંજનાના શરીરમાં વાયુદેવ મનથી પ્રવેશ કરે છે અને કેસરીથી અંજનાને ગર્ભ રહેવાથી ગુફામાં હનુમાનનો જન્મ થાય છે.

પદ્મપુરાણમાં અંજના, પવનંજય અને હનુમાનનું સૂખદ મિલન થયા પછી રાવણનું ફરી વરુણ સાથે ફરી યુદ્ધ થતાં રાવણ પત્ર સાથે ફરી દૂતને મોકલે. હવે રાવણ તરફથી વરુણ સાથે યુદ્ધ કરવા હનુમાન જાય છે. જ્યારે જૈનેતર સાહિત્યમાં સીતાને શોધવા માટે હનુમાન લંકા જાય છે.

પદ્મપુરાણમાં હનુમાન વરુણને હરાવે છે પરાક્રમ જોઈને રાવણ પોતાની ભાણી અનંગકુસુમાના લગ્ન હનુમાન સાથે કરાવે છે. ખર-દૂષણ પણ પોતાની પુત્રીઓના વિવાહ હનુમાન સાથે કરાવે છે. રાજા નલ પોતાની પુત્રી હારમાલિનીને હનુમાન સાથે પરણાવે છે. તે નગરના વિદ્યાધરો પોતાની સો પુત્રીઓના પણ હનુમાન સાથે લગ્ન કરાવે છે. સુગ્રીવ પોતાની પુત્રી પદ્મરાગના લગ્ન હનુમાન સાથે કરાવે છે. આમ હનુમાન કુલ ૮૦૦ સ્ત્રીઓ સાથે લગ્ન કરે છે. અહીં હનુમાન રાજા છે. જ્યારે જૈનેતર સાહિત્યમાં હનુમાન બ્રહ્મચારી છે. રાજા નથી પણ રામભક્તના રૂપમાં વર્ણિત છે.

આમ આપના જૈનેતર સાહિત્યમાં જે અંજના અને હનુમાનની કથા મળે છે. જૈન પદ્મપુરાણમાં બિલકુલ જુદી જ કથા મળે છે.

સંદર્ભગ્રંથ :

  1. ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ, ગ્રંથ : ૧, પ્રકાશક- ગુજરાતી સાહિત્ય પરિષદ, અમદાવાદ.
  2. વાલ્મીકિકૃત રામાયણ, પ્રકાશક- ગીતાપ્રેસ ગોરખપુર.
  3. શ્રી રવિષેણાચાર્ય રચિત પદ્મપુરાણ, સંપાદક- હિરાલાલ શાસ્ત્રી, પ્રકાશક- વીર સેવામંદિર સસ્તી-ગ્રંથમાળા દરિયાગંજ દિલ્લી.
  4. ગુજરાતી સાહિત્યકોશ, ખંડ : ૧, ગુજરાતી સાહિત્ય પરિષદ અમદાવાદ.


કલ્પેશ પી. મકવાણા, પીએચ.ડી શોધછાત્ર, અનુસ્નાતક ગુજરાતી વિભાગ, સરદાર પટેલ યુનિવર્સિટી, વલ્લભવિદ્યાનગર. મો : ૯૫૫૮૯૬૨૧૭૨ Email : kalpeshm560@gmail.com