આપણા ગુજરાતી સાહિત્યમાં અનેક સ્વરૂપો જોવા મળે છે. આ સ્વરૂપોમાં કંઇક જુદા-જુદા દૃષ્ટિકોણથી સર્જન થતું આવ્યું છે. સામાજિક પરિસ્થિતિ હોય, અધ્યાત્મ હોય કે બીજી કોઈપણ વાત હોય આ પ્રકારના વિષયને લઈને સર્જકો કાંઇક ને કાંઇક લખતાં આવ્યાં છે. એક વાત કરીએ તો ઇતિહાસનું તત્વ બીજાં કોઈ સ્વરૂપ કરતાં નવલકથા સ્વરૂપને વધારે ઉપકારક નીવડ્યું છે અને એ વાત આપણે સૌ જાણીએ છીએ. છેક ‘કરણઘેલો’થી માંડીને અત્યાર સુધી અને એમાં પણ ખાસ કરીને શ્રી કનૈયાલાલ મુનશી પાસેથી તો આપણને કહેવાયને કે એક મોટી યાદી મળે છે.
સોમનાથની ઘટનાને કેન્દ્રમાં રાખીને આપણે ત્યાં ઘણાં ખરાં લેખકોએ નવલકથા લખી છે. જેમાં કનૈયાલાલ મુનશીની ‘જય સોમનાથ’(૧૯૪૦), ધૂમકેતુની ‘ચૌલાદેવી’(૧૯૪૦) અને ચુનીલાલ મડિયાની ‘કુમકુમ અને આશકા’(૧૯૬૨) કે જેને ઇતિહાસમાં ‘બઉલદેવી’ કે ‘બકુલદેવી’નાં નામે પણ ઓળખવામાં આવે છે. શ્રી કનૈયાલાલ મુનશી અને ધૂમકેતુની આ ઐતિહાસિક નવલકથાનાં ૫૫ વર્ષ બાદ રઘુવીર ચૌધરી આજ કથાનકને કેન્દ્રમાં રાખીને ‘સોમતીર્થ’ નામે નવલકથા લખે છે. આમ જોઈએ તો ‘સોમતીર્થ’ તેમની ત્રીજી ઐતિહાસિક નવલકથા છે. આ પહેલાં તેમણે ‘રુદ્રમહાલય’ અને ‘શ્યામ સુહાગી’ નામે બે ઐતિહાસિક નવલકથાઓ આપી છે. આ બંને નવલકથાઓનું કથાવસ્તુ સીમિત અને ઓછું જાણીતું છે જયારે ‘સોમતીર્થ’માં રઘુવીર ચૌધરીએ જે ઘટના લીધી છે તેનાં પડઘાં દીર્ઘકાળ સુધી પડતાં રહ્યાં છે.
રઘુવીર ચૌધરીએ આ નવલકથાની પ્રસ્તાવનામાં લખ્યું છે કે “માહમૂદ ગઝનવીએ સોમનાથ લૂંટ્યું એ પછી ભારતના હિન્દુઓમાં મુસ્લિમો પ્રત્યે અણગમો જાગ્યો, દ્રઢ થયો. એમ થવું જોઈતું ન હતું. માહમૂદનાં બે મુખ્ય સેનાપતિઓ હિન્દુ હતાં અને માહમૂદ ધર્મના પ્રચાર માટે નહોતો આવ્યો. એની ભૂખ સત્તા અને સંપતિની હતી, હિંદ તેને મન કેવળ ધન દોલત અને બીજી વસ્તુઓ મેળવવા પોતાના મુલકમાં ઉપાડી જવા માટેનું સ્થાન હતું. ધર્મસ્થાનનું ખંડન કરવાથી ધર્મશ્રદ્ધા નષ્ટ થતી નથી. ક્યારેક દ્વિગુણિત બને છે.” આ વિચારને કેન્દ્રમાં રાખીને શ્રી રઘુવીર ચૌધરીનો ઉદ્દેશ કહો કે તેમનું કર્તવ્ય કહો એ તેમણે અહીં સ્પષ્ટ કરેલા છે. તેઓ કહે છે કે “અહીં મારે બે કર્તવ્ય બજાવવાં હતાં : (૧) સત્તા અને સંપત્તિના લોભી રાજપુરુષોએ ધાર્મિક પ્રજાઓ વચ્ચે ઉભી કરેલી ગેરસમજો દૂર કરવી અને (૨) સૃષ્ટિમાં વ્યાપ્ત કલ્યાણકારી સૌંદર્યને શિવતત્વરૂપે નિરૂપવું.”
ઈ.સ.૧૦૨૬માં એટલે કે ઇતિહાસની દૃષ્ટિએ જોઈએ તો સોમનાથ પર માહમૂદ ગઝનવીએ સોળ વખત ચડાઈ કરી હતી. બાર જ્યોતિર્લિંગમાના એક સોમનાથના તેણે ટુકડાં કરી નાખ્યાં હતાં. ચારે તરફ લૂંટફાટ ચલાવી, શહેરને બાળી નાખ્યું, અસંખ્ય નિર્દોષ લોકોની હત્યા કરી અને વિજયી બનીને પાછો ફર્યો. આ વાતની જાણ ભીમદેવને થતાં એ માહમૂદ ગઝનવી સાથે યુદ્ધ કરે છે. યુદ્ધના પ્રથમ દિવસને અંતે માહમૂદના સૈનિકો મૃતદેહોનો ઢગલો થઈ પડ્યાં હોય છે. આ ઘટના પછી માહમૂદ વધુ ઉશ્કેરાય છે અને પોતાના સૈન્યને ‘જીતો નહિ તો મરશો’ એમ કહે છે. તેથી બીજે દિવસે માહમૂદનું સૈન્ય ખૂવારી વેઠીને પણ બમણા જોરે આક્રમણ કરે છે. માહમૂદ પોતાના સૈન્યને સંબોધતા કહે છે કે, પોતે હાર્યા તો જીવ ઉપરાંત ગઝનામાં પણ સર્વસ્વ ગુમાવશે અને જો જીતશે તો જીવનભર બીજું યુદ્ધ કરવું ન પડે એટલું ધન અને સર્વસ્વ મળશે. આ વાત સાંભળી તેનું સૈન્ય ઝનૂન પૂર્વક સામે પક્ષે તૂટી પડે છે. માહમૂદ શિવલિંગ ઉપર પ્રહારો પર પ્રહારો કરે છે; જેને કારણે લિંગ તૂટે છે ને તેમાંથી બહુમૂલ્ય રત્નો નીકળે છે. અંતે માહમૂદને પ્રભાસમાં દ્રવ્ય તો મળે છે પણ ગુલામો સાવ ઓછા મળે છે. પ્રભાસમાંથી માહમૂદ ગઝના જવા પરત ફરે છે.
પ્રસ્તુત નવલકથા ‘સોમતીર્થ’માં ભીમદેવ અને માહમૂદ ગઝનવી જેવા પાત્રો ઐતિહાસિક ઢબે નિરૂપાયા છે. મુખ્ય પાત્ર તરીકે સદાશિવ અને ચૌલાનું પાત્ર હોય એવું લાગ્યા કરે છે. જોકે ચૌલાનું પાત્ર પણ ઐતિહાસિક રીતે મુનશી, મડિયા અને રઘુવીર ચૌધરીની નવલકથામાં પ્રયોજાતું રહ્યું છે. જેમકે-
ધૂમકેતુની ચૌલાદેવી ભીમદેવની પ્રેરણામૂર્તિ બની શકે એવી ભવ્ય, ઉદ્દાત, ગૌરવશાળી અને જાજરમાન સ્ત્રી છે. મુનશીની ચૌલા મુગ્ધ છે. મડિયાની ચૌલા(બહુલા) ભીમદેવ પાસે પ્રેમ પ્રાર્થે છે. જયારે રઘુવીર ચૌધરીની ચૌલા અચૂક નિશાન તાકતી, ત્રિશૂળ ચલાવતી, ઘોડેસવારી અને નૌકાચાલનમાં પુરુષોને હંફાવતી, મંત્રબળે કાપાલિકોને હરાવતી અદ્ભુત વારાંગના છે. રઘુવીર ચૌધરીની ચૌલાને ભીમદેવ પ્રત્યે માનુશી પ્રેમ છે. સર્જકે તેને અલૌકિક નથી બનાવી. તેને માનવીય સ્તરે જાળવી રાખી છે.
સદાશિવનું પાત્ર આ નવલકથામાં કાલ્પનિક છે. મુનશીની ‘જય સોમનાથ’ નવલકથાનાં સામંત અને રઘુવીરની ‘સોમતીર્થ’ નવલકથાનાં યુવાચાર્ય સદાશિવના પાત્રમાં સામ્ય જોઈ શકાય છે. યુવાચાર્ય સદાશિવ વિદ્વાન, તત્વજ્ઞાની અને ચિંતક છે. આ કારણે તે માહમૂદની છાવણીમાં જઈ જ્ઞાનના પ્રયોગ દ્વારા તેને સમજાવવાનો પ્રયત્ન કરે છે. ભીમદેવ પણ આચાર્ય સદાશીવનો પડતો બોલ ઝીલે છે. આ નવલકથાના વિકાસમાં સદાશિવનું પાત્ર ખૂબ મદદરૂપ થાય છે. રઘુવીર ચૌધરી આ નવલકથાની પ્રસ્તાવનામાં સ્પષ્ટતા કરતાં કહે છે કે “સદાશિવ એ વિશુદ્ધ કલ્પના છે અને આ કથાનું સવાઈ સત્ય છે.”
આ ઉપરાંત પણ રા’નવઘણ, દેવાયત, દેવાયતની પત્ની જાસલ, ઉદયમતી, વિમલ, શ્રીધર, અલબરૂની, તિલક, સુંદર, ક્ષેમરાજ, કર્ણદેવ, ગૌરા, ફરીદ, ત્ર્યંબક વગેરે જેવા પાત્રો પણ ખૂબ યથાયોગ્ય છે.
આ નવલકથામાં રઘુવીર ચૌધરીએ ખૂબ સરસ વર્ણનો કર્યા છે. ઉદયમતી અને ભીમદેવના સંવાદ દ્વારા મોઢેરાના સૂર્યમંદિરનું વર્ણન આવે છે. ઉદયમતી કહે છે કે “આપના રાજ્યનું સૌથી સુંદર દેવાલય છે. આપ જાણો છો કે અપ્રતિમ એવી સૂર્યમૂર્તિ છે ત્યાં મંદિરના સિંહદ્વાર, નૃત્યમંડપ, અને ગર્ભગૃહમાં થઈને સૂર્યનાં કિરણો સૌપ્રથમ એ મૂર્તિ પર પડે છે.”૧ આ ઉપરાંત પ્રભાસ ક્ષેત્રમાં આવેલા સોમનાથના મંદિરનું, આ દેવાલયની સમૃદ્ધિ તથા સૌંદર્યનું, તેની આસપાસના સ્થળોનું વર્ણન, જૂનાગઢ, વંથળી, દીવ જેવા ગામોના વર્ણન, ઉજ્જયિની નગરીનું વર્ણન, સહસ્ત્રલિંગ તળાવનું વર્ણન, ચૌલા, વૃંદાબા, નર્તકીઓ તેમજ નગરની કુળવધૂઓના સાહસિક પરાક્રમોનું વર્ણન, ખજૂરાહોના સ્થાપત્યો જોતાં ભીમદેવ અને ચૌલાના પ્રણયનું વર્ણન, આચાર્ય ભાવના જ્ઞાન-દર્શનનું વર્ણન તેમજ પાટણમાં રાણી ઉદયમતીના પ્રભાવનું વર્ણન. આવા અનેક વર્ણનો લેખકે આ નવલકથામાં મૂક્યાં છે.
ઇતિહાસ અને નવલકથાનો સુમેળ કરી ઐતિહાસિક નવલકથા લખવાની શરૂઆત વોલ્ટર સ્કોટે કરી હતી. ત્યાર પછી ગુજરાતી સાહિત્યમાં નંદશંકર તુળજાશંકર મહેતાથી લઈને અત્યાર સુધીમાં ઘણાં ખરાં સર્જકોએ ઐતિહાસિક નવલકથા લખી છે. એમાં રઘુવીર ચૌધરીનું સ્થાન ઉત્તમ ગણી શકાય. આ નવલકથામાં કથાવસ્તુ, પાત્રો, વર્ણનો સહિત બધી બાબતમાં ઐતિહાસિકતાના દર્શન થાય છે. આમ ઐતિહાસિકતાની દૃષ્ટિએ રઘુવીર ચૌધરીની ‘સોમતીર્થ’ નવલકથા ઉત્તમ છે.
સંદર્ભ પુસ્તક :
જયના એમ. પરમાર, મો. 9537336409 E-mail: jaynaparmar3796@gmail.com