સ્વતંત્રતા પૂર્વે ગુજરાતી ટૂંકી વાર્તાના ઉદ્દભવકાળથી જ ગુજરાતી ટૂંકી વાર્તામાં સ્ત્રી વાર્તાકારો સક્રિય રહ્યા છે. લીલાવતી મુનશી, વિદ્યાગૌરી નીલકંઠ, વિનોદિની નીલકંઠ, સૌદમિની મહેતા, સરોજિની મહેતા, લાભુબહેન મહેતા જેવાં સર્જકોએ તત્કાલીન પ્રશ્નો જેવાકે બાળ લગ્ન વિધવા વિવાહ વેદમાં સામાજિક રીત-રિવાજોની આંટીઘૂંટીમાં અટવાયેલી સ્ત્રીઓની સમસ્યાઓના નિરૂપણ દ્વારા નારીજીવનની કરુણતા વ્યક્ત કરી છે. પરંતુ સ્વતંત્ર્યોત્તર ગુજરાતી ટૂંકીવાર્તા ક્ષેત્રે કુન્દનિકા કાપડિયા, ધીરુબહેન પટેલ, સરોજ પાઠક જેવા સર્જકોનું છઠ્ઠા દાયકામાં આગમન થતાં વિષયવસ્તુમાં વૈવિધ્યની સાથે સ્ત્રીની સૂક્ષ્મ સંવેદનાનું, સ્ત્રીઓની વિવિધ યંત્રણાઓ અને મનઃસ્થિતિનું સ્ત્રીસહજ અંતર્દૃષ્ટિ અને તીવ્રતાથી આલેખન થવા લાગ્યું અને આ સર્જકોએ ગુજરાતી ટૂંકી વાર્તાના વિકાસમાં મૂલ્યવાન પ્રદાન કર્યું છે.
૧૯૮૪માં કુન્દનિકા કાપડિયા નારીવાદી દૃષ્ટિકોણને કારણે અતિ જાણીતી થયેલી સાત પગલા આકાશમાં નવલકથા લઈને આવે છે. જેમાં સ્ત્રી-પુરુષના સંબંધોમાંથી ઊભા થતાં નારી મનનાં પ્રશ્નો અને વેદનાને વાચા આપી છે. જોકે આ નવલકથા પૂર્વે કુન્દનિકા કાપડિયા છઠ્ઠા દાયકામાં સંવેદનશીલ નારીના મનોગતનું ચિત્રણ કરતી વાર્તાઓ આપી ચૂક્યાં છે. કહી શકાય કે સાત પગલાં આકાશમાં નવલકથાના બીજ આ વાર્તાઓમાં પડેલા જોવા મળે છે.
કુન્દનિકા કાપડિયાની વાર્તામાંથી પસાર થતા જોઇ શકાય છે કે એમની વાર્તાઓમાં નારીકેન્દ્રી વાર્તાઓ વિશેષ પ્રમાણમાં છે. વીસમી સદીના છઠ્ઠા સાતમા દાયકામાં સાહિત્યમાં પ્રભાવક બનેલા નારીવાદી આંદોલનની અસર કુન્દનિકા કાપડિયાની વાર્તાઓમાં વર્તાય છે. આ નારીવાદી આંદોલનને પરિણામે સ્ત્રીની સામાજિક પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું. શિક્ષણ અને આર્થિક સ્વાતંત્ર્યે તેને પગભર બનાવી. આર્થિક પરાધીનતાથી મુક્ત થયેલી સ્ત્રી વિદ્રોહ કરતી થઈ, પુરુષપ્રધાન સમાજે બનાવેલી બેડીને ફગાવી દઈ, સ્ત્રી હવે ઘર છોડવા કે એકલી રહેવાના નિર્ણયો ઝડપથી લેતી થઈ. ' હું પણ એક વ્યક્તિ છું' એની પ્રતીતિ થતાં સમાજ સામે સંઘર્ષ કરતી, અવાજ ઉઠાવતી થઈ. ઘરસંસાર ના સંચાલનમાં કુશળ ગૃહિણી ની ભૂમિકા ભજવ્યા કરતી પૂર્વીને પ્રશ્નો સતાવે છે-' જિંદગીમાં મારે શું કોઈ ના સેક્રેટરી થવું હતું?' (' અવકાશ'), પતિના અતિ પ્રેમના કારણે બંધનાવસ્થામાં જીવથી મધુરી મૃત્યુ સમયના નિવેદનમાં પતિને પોતાના બળવા માટે જવાબદાર ગણાવી, પ્રતિશોધ લે છે.-('સર્વનાશ'), વર્ષોથી પત્ની જોહુકમી સહન કરતી આવેલી સીતા સંકલ્પ કરે છે- 'કાયદેસર રીતે આ ઘર પર મારો પણ હક છે. હું એક છોડીને બીજે કશે જવાની નથી.' ('ડંખ'), ' આજે સવારે' વાર્તામાં નાયિકાનો આક્રોશ પ્રગટ થાય છે- 'વરસોથી, સદીઓથી, સ્ત્રીઓને પુરુષો આમ જ દંડ દેતાં, અન્યાય કરતા આવ્યા છે. અમારી પ્રસન્નતા તમને જોઈએ છે, પણ અમે શી રીતે પ્રસન્ન બનીએ એ માટે પ્રયાસ કરવાની મહેનત તમે કદી લીધી છે?', પોતાની દલીલને દબાવવા ઈચ્છતાં પતિ સામે છંછેડાતી રાધિકા બોલી શકે છે- 'અને તો બધી જ વાતમાં સમજે છે કેમ? પુરુષ છે એટલે?'-(' ન્યાય'), બધું જ હોવા છતાં એકમાત્ર સ્વતંત્રતા નથી, આ સ્વતંત્રતાની ઝંખના શીલાને ગૃહત્યાગ કરવા પ્રેરે છે.' તમારી પત્ની છું, છતાં હું એક વ્યક્તિ પણ છું!' શીલાને પ્રશ્ન થાય છે કે, ' પત્નીત્વ ને માતૃત્વ સિવાય સ્ત્રીનું બીજું એકે અસ્તિત્વ નથી?'( તમારાં ચરણોમાં') કુન્દનિકા કાપડિયાની વાર્તાઓમાંથી પ્રસાર થતાં ભાવક નોંધી શકે છે કે એમની વાર્તાઓમાં નારીના અનેક સ્તરે થતાં શોષણનું આલેખન છે. મોટાભાગની વાર્તાઓમાં નારી પાત્રોની દિશા પોતાના અસ્તિત્વની શોધ તરફની છે.એનાં માટે ઘર છોડવા પણ તૈયાર થઈ જાય છે, તો ' સર્વનાશ ' વાર્તાની નાયિકા તો પોતે સળગી મરી ને પતિએ બાળી હોવાનું મૃત્યુટાણે નિવેદન આપે છે.
‘સર્વનાશ’ વાર્તામાં મુક્તવિહાર ઈચ્છતી શિક્ષિત નાયિકા મધુરીની પતિ દ્વારા લાગણીઓ, ઈચ્છાઓની એક પછી એક હત્યા થતી રહે છે. પત્ની મધુરીની ભાવના ન સમજી શકેલો પતિ પ્રેમના નામે જાળ જ ઊભી કરતો જાય છે. 'મારે એને સર્વાંગસુંદર નિષ્કલંક પાવનમૂર્તિ બનાવવી હતી. મારો એમાં ઘણો સમય જતો ને મારું કામકાજ બગડતું, એ વાત ખરી, પણ કશી મોટી બાબત સિદ્ધ કરવી હોય તો મહેનત કરવી જ પડે ને ભોગ આપવો જ પડે ને!' ('કાગળની હોડી':૧૧૮) કથાનાયકની આ ભાવના, પત્ની પ્રત્યેના અતિ પ્રેમના કારણે બંધનાવસ્થાનો અનુભવ કરતી મધુરીનું મ્રુત્યુટાણેનું નિવેદન કથાનાયકના જીવનનો સર્વનાશ કરી નાંખે છે.
પ્રથમ પુરુષ એકવચન કથન પ્રયુક્તિ ઉપયોગ થયો છે. વાર્તામાં કથાનાયક દ્વારા કહેવાયેલા દરેક પ્રસંગ દરમિયાન મધુરીના આંતર મનના સંચલનોને ભાવક પામી શકે છે.એ મૂંગી- મૂંગી સહન કરતી રહે છે. પરંતુ જ્યારે એ બોલે છે- ' મારા પતિએ મારી હત્યા કરી છે. જાણી જોઈને મને બાળી નાખી છે.' ( (કાગળની હોડી:૧૨૧) ત્યારે નાયકના જીવનનો સર્વનાશ કરી નાંખે છે. જોકે કરુણતા એ છે કે નાયક અંતે પણ સમજી નથી શકતો.એને તો પોતે જે કર્યું એ બરાબર હતું. વાર્તાના અંતે નાયક કહે છે- ' તેણે મરવા ટાણે જૂઠું બોલીને, આમ હાથે કરીને પોતાનો સર્વનાશ કેમ કર્યો? મેં તેને સાચા માર્ગે ચડાવવા આટલી જે મહેનત કરી તે તેણે આમ ધૂળમાં કેમ મેળવી દીધી?' ( કાગળની હોડી: ૧૨૨) કથાનાયિકા મધુરી પતિના સૂક્ષ્મસ્તરના શોષણનો જવાબ માત્ર એક વિધાનમાં આપી દે છે.
'તમારા ચરણોમાં' વાર્તાનું વસ્તુ 'સર્વનાશ' વાર્તાને મળતું આવે છે. આ વાર્તામાં પતિના અતિ પ્રેમના કારણે બંધનાવસ્થાનો અનુભવ કરતી નાયિકા પતિ ગૃહત્યાગ કરે છે. ' આમ તમારા પ્રેમના પિંજરમાં હું કેદી બની ગઈ.મારી ઈચ્છાઓ મારી ન રહી, મારી ભાવના તમારા આદર્શોમાં ભળી ગઈ, મારાં કર્તવ્ય તમારા લક્ષ્ય સાથે એક બની રહ્યાં.પણ એ સ્વીકાર નહોતો! એ સંયમ હતો, નિરોધ હતો, અનિવાર્ય પ્રેમનો બોજ હતો.એ બધાની નીચે મારું ચંચળ મન ફડફડાટ કરી રહ્યું હતું'( પ્રેમના આંસુ:૪૭) કુન્દનિકા કાપડિયાની અતિ જાણીતી આ વાર્તામાં નાયિકાની સ્વતંત્રતાની ઝંખના છે. નાયિકા માને છે કે- 'સાચો પ્રેમ પોતાની ઈચ્છાઓને બીજાના મન પર લાદવામાં નથી અને એનું સ્થાન એક માત્ર સ્વતંત્રતામાં છે.' ( પ્રેમનાં આંસુ: ૪૭) બધું જ હોવા છતાં એક માત્ર સ્વતંત્રતા નથી.આ સ્વતંત્રતાની ઝંખના નાયિકા શીલાને ગૃહત્યાગ કરવા પ્રેરે છે.શીલાને પ્રશ્ન થાય છે કે, પત્નીત્વ ને માતૃત્વ સિવાય સ્ત્રીનું બીજું એકે અસ્તિત્વ નથી?' ( પ્રેમનાં આંસુ:૫૩) અને જીવનના સાચા આનંદને શોધવા શીલા પતિ ઘર છોડે છે.
‘ન્યાય’ વાર્તામાં દામ્પત્યજીવનમાં અહંકાર અને અધિકારપણાને કારણે ઊભો થતો વિસંવાદ ગૃહત્યાગ કરવા પ્રેરે છે.વાર્તા આરંઈ રાધિકા શ્યામ જેવો પતિ મેળવીને ખુશ છે. લગ્ન પહેલાં શ્યામ પણ સ્ત્રીના સમાન અધિકારમાં માનનારી રાધિકાના વિચારોને સમર્થન આપતો, સ્ત્રી-પુરુષ સમાનતામાં માનતો હતો. રાધિકાના સ્વતંત્ર વ્યકિતત્વને સ્વીકારતો હતો. લગ્ન પછી શ્યામની ઈચ્છાને આધીન થઈને રાધિકા નોકરી તો નથી કરતી, પણ શ્યામની ઈચ્છાના આધિપત્યને વશ થયા કરવાની વાત તેને ખૂંચવા લાગે છે. એ શ્યામને સવાલ કરે ત્યારે શ્યામનો એક જવાબ ‘મારી વાત જુદી છે.’ શ્યામના ‘મારી વાત જુદી છે’ વિધાનમાં અહંકાર અને આધિપત્યના દર્શન થતાં રહે છે. તે ત્યાં સુધી કે તેને સવાલ કરતી રાધિકાને તમાચો પણ મારી દે છે. આ સ્થિતિમાંયે રાધિકા ક્ષમા અને સહન કરવાની ભાવના સાથે શ્યામ પાસે રોકાઈ રહેવાની ક્ષણો શોધતી રહે છે. પણ શ્યામ કયાંય એવી ક્ષણ પૂરી પાડતો નથી.આખરે તે ઘર બહાર નીકળી ટેક્સી બોલાવવા બૂમ પાડે છે. વાર્તાને અંતે આવતો ‘ટેક્સી’ શબ્દ રાધિકાના પતિ ગૃહત્યાગનો નિર્દેશ કરે છે.
‘અવકાશ’ વાર્તામાં પૂર્વી ઘર,ઘરની વસ્તુઓ અને પતિની સેક્રેટરી બની જઈને બંધનાવસ્થામાં જીવે છે. પતિના મિત્રો આગળ પ્રશંસાને પાત્ર બનતી પૂર્વીના જીવનમાં ભૌતિક સુખ હોવા છતાં હૃદયના ખૂણે અંધકાર છે. પતિ એના માટે અત્યાધુનિક સાધનોની સગવડ તો કરી આપે છે, પરંતુ એની સંભાળ રાખવામાં જ પૂર્વીનો સમય વીતી જાય છે. પતિની દરેક બાબત પર ધ્યાન રાખવું પૂર્વીને અસહ્ય લાગે છે. એને પ્રશ્ન થાય છે કે- ‘જિન્દગીમાં મારે શું કોઈના સેક્રેટરી થવું હતું? મારી મારા વિશેની કલ્પના, સરસ મહેમાનગતિ કરી શકનારી એક કુશળ રસોઈણની હતી?’ (જવા દઈશું તમને: ૧૪) તેથી જ પોતાની ભીતરના ખોવાયેલા અવકાશને શોધી લઈ ચિઠ્ઠીમાં ‘દરિયા પર જાઉં છું’ લખી ઘરમાંથી ચાલી નીકળે છે.
'ખુરશી' વાર્તામાં પણ પત્નીની ભાવનાને સમજી ન શકતા પતિ પ્રત્યેનો આક્રોશ છે. વર્ષોથી પોતાની ઈચ્છાઓને દાબીને જીવતી નાયકા સીતા આખરે પતિને કહી દે છે - 'હવે હું વધારે સહન કરવા માંગતી નથી'( જવા દઈશું તમને: ૧૩૦) વાર્તામાં નાયિકાનો અવાજ પ્રગટપણે રજૂ થયો છે. પત્નીની ભાવનાઓ પ્રત્યે નિષ્ઠુર પતિ પત્નીના વિદ્રોહ સામે પોતાને મરેલો જુએ છે. 'એના પોતાનો અવાજ, સીતાના અવાજ કરતાંયે વધુ મરેલો હતો.' ( જવા દઈશું તમને:૧૩૬)
‘રંગ તો છે ને!’ વાર્તામાં નાયિકા પતિના મૃત્યુ પછી, પતિની હયાતી દરમિયાન વિતાવેલાં દિવસોમાં પોતાના અસ્તિત્વને શોધતી રહે છે. તો ‘ઉષ્મા’ વાર્તામાં વૃદ્ધ સ્ત્રીને એકલતા માત્ર વૃદ્ધાવસ્થામાં નથી મળી.પતિની હયાતીમાં પણ એના જીવનમાં કોઈ જ રસ, રંગ, ભાવ રહ્યાં નો’તા.તે કહે છે- ‘પતિ સાથેનું જીવન તો પાનખરના વૃક્ષ જેવું હતું. યાદ નથી આવતી કોઈ પણ લીલી ક્ષણ’ (મનુષ્ય થવું: ૯૧)
'પ્રતિશોધ' વાર્તામાં ઘર અને પતિ વચ્ચે બંધનાવસ્થાનો અનુભવ કરતી અચિરા પતિ સામે જુદી જુદી રીતે પ્રતિશોધ લે છે. અચિરા લગ્ન કરીને આવે ત્યારે પહેલી જ રાતે પતિ આકાશે એની આગળ 'અધર્સ ફર્સ્ટ 'ની ભાવના વ્યક્ત કરે છે. અને અચિરા પણ પતિના પડ્યા બોલને ઝીલી લઈ ઘરના અન્ય સભ્યોનું ધ્યાન રાખવામાં એટલી બધી વ્યસ્ત થઈ જાય છે કે પતિ એના માટે ગૌણ બની જાય છે.ને આકાશ પત્નીના પ્રેમથી વંચિત રહે છે.લેખિકાએ બોલકાં બન્યાં વિના નાયિકાના પાત્રને ખૂબીથી આલેખ્યું છે. પરાકાષ્ઠા તો ત્યારે આવે છે જ્યારે વાર્તાંતે આકાશ દિલ્હી નોકરી માટે જતો હોય છે.આકાશની વિદાયની આ ક્ષણને લેખિકાએ આબેહૂબ રજૂ કરી છે.' ગાડી ચાલી ત્યારે અજાણતાં જ પાછળ જોવાઈ ગયું. બારણાંમાં ઊભેલી અચિરાનો ઊંચો હાથ દેખાયો, પણ તેનું મોં બાની પાછળ છૂપાઈ ગયું હતું.'(જવા દઈશું તમને:૬૬)
'પુનરાગમન' વાર્તામાં કુંવારી મા બનેલી નાયિકા સૂરમા સમાજની બીકે આત્મહત્યા કરવા કે બાળક ને તરછોડી દેવા પ્રેરાતી નથી. પણ બાળકને ગરિમા સાથે ઉછેરે છે.વળી પોતાને તરછોડી ગયેલ પુરુષ મૃત્યુ પામ્યો છે કહી બાળકના મનમાં પિતા પ્રત્યેની ભાવના પણ જીવંત રાખે છે. દસ વર્ષ પછી એ પાછો ફરે છે ત્યારે એની સામે કોઈ ફરિયાદ નથી પણ એના પ્રત્યે સહાનભૂતિ જતાવે છે.- 'તેં તારા પોતાના પ્રેમને જે દગો દીધો... મને થયા કરતું હતું કે એથી તું પીડાઈ રહ્યો હશે. તને સાંત્વના આપવા ઘણા વખત સુધી મારું મન તલસતું રહેલું.' ( વધુ ને વધુ સુંદર' :૧૪૩)
'તો ?' બાંગલાદેશના યુદ્ધને પશ્ચાદભૂ બનાવતી વાર્તા છે.યુદ્ધ હોય કે કોમી રમખાણ હોય સૌથી વધુ યાતના સ્ત્રીઓએ જ ભોગવવી પડતી હોય છે. સુખી સંપન્ન પરિવારની સુજાતાએ આ યુદ્ધમાં ઘર,પતિ અને બે દીકરા ગુમાવ્યાં છે ને પોતે સામૂહિક બળાત્કારનો ભોગ બની શરણાર્થી શિબિરમાં રહે છે.જ્યાં બળાત્કારનો ભોગ બનેલી અન્ય એક સ્ત્રી આવે છે.પણ એનો પતિ બળાત્કારનો ભોગ બનેલ આ સ્ત્રીનો સ્વીકાર કરવાની ના પાડી દે છે.ત્યારે સુજાતાને વિચાર આવે છે કે શું એનો પતિ સુધીર હયાત હોત તો પોતાને આ સ્થિતિમાં સ્વીકારી શક્યો હોત? જવાબ સ્પષ્ટ છે.આખરે તે સદીઓથી પુરુષના ગુનાને કારણે સ્ત્રીઓએ ભોગવવી પડતી સજા સામે અવાજ ઉઠાવવા નિશ્ચય કરે છે.જોકે વાર્તામાં સુજાતાની સંવેદનાની બીજી બે – ત્રણ સમસ્યાનું આલેખન થયું હોય, વાર્તા વિખેરાઈ ગઈ છે. ' છલના' વાર્તામાં શરીરની ક્ષતિને કારણે અપરિણીત રહેલી નાયિકાની છલનાનું ચિત્રણ છે.નાયિકા સુધા પ્રેમ અને આનંદનું, પતિ અને સમૃદ્ધ ઘરનું કલ્પનામય વિશ્વ ઊભું કરતી રહે છે.પોતાની નબળી આર્થિક સ્થિતિ તથા પગે કોઢને કારણે મનમાં રહેલાં દુઃખને દાબી દઈ, તે સહેલી આગળ અન્યોને ઈર્ષા થાય એવાં ઘર અને પતિનું વર્ણન કરતી રહે છે.પરંતુ સુધાના જીવનની વાસ્તવિકતા કારુણ્ય પ્રગટ કરે છે.
આમ કુન્દનિકા કાપડિયાએ આ વાર્તાઓમાં નારીની વિધવિધ સંવેદના, છબિઓનું નિરૂપણ કર્યું છે.એમની નારી સંવેદનાની વાર્તાઓમાં આક્રોશ પ્રગટપણે રજૂ થયો છે. 'સર્વનાશ', 'ખુરશી','તમારાં ચરણોમાં', 'ન્યાય', ' અવકાશ ', ' રંગ તો છે ને!', 'તો?', ' હરિ આવન કી આવાજ' જેવી વાર્તાઓમાં નારીવાદી આંદોલનની અસર વર્તાય છે.' હરિ આવન કી આવાજ' વાર્તામાં લેખિકાનો પ્રગટપણે વાર્તા પ્રવેશ, રોષ – આક્રોશ, સીધા વિધાનો વાર્તાને ભાષણ બનાવી દે છે.- ' પછી એ બંધન સામે સ્ત્રી વિદ્રોહ કરી શકતી નથી. જેની સામે વિદ્રોહ કરવો જરૂરી હોય, તેને પણ તે નીચી નજર કરી સ્વીકારી લે છે. સહેવાની તેની અમાપ શક્તિ જ તેની શત્રુ બની છે.' ( કાગળની હોડી: ૦૮)
લેખિકાની વાર્તાઓમાં નારી સમસ્યાની સાથે નારીના અસ્તિત્વ, વ્યક્તિત્વની શોધ વિશેષ છે. એટલે જ એમની વાર્તાઓમાં નારીપાત્રો સ્વતંત્ર વ્યક્તિત્વની ઓળખ માટે ઘર છોડવા તથા એકલાં રહેવા તૈયાર થાય છે. પાત્રોના આ ભાવોને વ્યક્ત કરવા માટે લેખિકાએ કથનરીતિ, પીઠ ઝબકાર જેવી પ્રયુક્તિનો ઉપયોગ જરૂર કર્યો છે.જોકે લેખિકાનો આ વાર્તાઓમાં પ્રગટપણે થતો વાર્તા પ્રવેશ, વાર્તામાં અપ્રતીતિકરતાના પ્રશ્નો, નારી પાત્રોનો પુરુષપ્રધાન સમાજ સામેનો આક્રોશ મુખર બનીને પ્રગટ થયો છે.
સંદર્ભ:
ડૉ. જગદીશ કંથારીઆ, અધ્યક્ષ, ગુજરાતી વિભાગ, આર્ટ્સ એન્ડ કૉમર્સ કૉલેજ, કીમ, કીમ, જિ- સુરત. ૯૯૨૪૬૧૦૭૨૧ jagdishkantharia@gmail.com