તુષારને મેં ‘ કેમ છે ડોક્ટર સાહેબ ?’ એમ પૂછ્યું કે એ ચીડાઇ ગયો. એ મારો ભાઇબંધ છે. ગામમાં વરસે – દહાડે મળીએ. આ વખતે અમે મળ્યા એટલે દિવાળીની રજાઓને લઇ હું હળવો હતો એટલે મેં એને એમ કહ્યું.
‘ અરે યાર...’
‘ કેમ શું છે ?’
‘ જવા દે ને વાત.’
મને કંઇક પટારામાં હોય એવું લાગ્યું. એટલે વળી મેં ભાર દીધો, ‘ પણ શું વાત છે ?’
‘ સારું. લે કરું વાત.’ લ્યો જુઓ, પટારો ખુલ્યો. ‘ તને ખબર છે ને હું મેડીકલમાં ગયો ત્યારે ખુશીનો કોઇપાર નહિ.’
મને ખબર છે કે મારા ગામનો એ પહેલો ડોક્ટર હતો. અગાઉ કોઇએ બાર સાયન્સ પાસ કર્યું નહોતું. બીજા ક્ષેત્રમાં ઘણા આગળ આવેલા પણ મેડીકલ લાઈન બાકી રહેલી.
‘ હા. ખબર જ હોય ને’, મેં કહ્યું.
‘ તો હા. મેડીકલમાં એડમીશન મળ્યું. ભણવાનું ચાલુ કર્યાં પછી શીખવા માટે અમારે હોસ્પિટલ જવાનું હોય. દર્દી ને દર્દીના સગા વ્હાલા અમને ડોક્ટર જ સમજે. તને ખબર છે આપણા ગામમાં કોઇએ સરખો બોલાવ્યો ન હોય ને અહીંયા આપણને બધા સાહેબ સાહેબ કહેતા ફરે. એટલે કેટલી ખુશી થાય. સમજે છે ને તું ?’
‘ હા યાર સમજુ છું. જલ્સો જ પડે ને !’
‘ શું ખાક જલ્સો ? એક દિ’ એક ગલ્લે પાન ખાતો ઊભો’તો. ત્યા ઉભેલા બે જણાને પાનવાળો કહેતો હતો ‘ જો ભાઇ આપણે સારી રીતે જ રહેવાનું. અહીંયા ગમે તે આલીયો – માલિયો આવે તોય આપણે એને સાહેબ જ કહેવાનું.’ પાનનો ચૂસવા ધારેલો રસ અચાનક મારા મોંઢામાંથી નીકળી ગયેલો.
મારી સામે જોઇને કહે, ‘ ભાઇ પરાગ તને સમજાય છે ને....’
મેં મારી આંખોને એની સામે નચાવતા કહ્યું, ‘ સમજાય છે ને તુષાર !’
હરીશ મહુવાકર, “અમે”, 3/A, 1929, નંદાલય હવેલી પાસે, સરદાર નગર, ભાવનગર – 364002 મો. : 9426223522 ઇ મેઇલ : harishmahuvakar@gmail.com