પ્રસ્તાવના:-
સમાજમાં માનવીએ પોતાની આવડત, જ્ઞાન, કૌશલ્ય, તર્કશક્તિ અને વિચારશક્તિ દ્વારા વિવિધ કળાઓનું સર્જન કર્યું છે. જેમાં ચિત્રકળા, શિલ્પકળા અને સાહિત્યકળા વગેરેનો સમાવેશ થાય છે. માનવીના વર્તન-વ્યવહાર, વિચાર, લાગણી, સંવેદના, રીત-રિવાજ, પરંપરા, જીવનમૂલ્યો વગેરેને સ્પષ્ટ પણે ઉજાગર કરવામાં સાહિત્યકળા સફળ નીવડી છે. સાહિત્યકળા ભાષા દ્વારા જન્મી હોવાથી જનસમુદાય પર તેની સીધે સીધી અસર જોવા મળે છે. તે ઉપરાંત સાહિત્યકળા વિવિધ સ્વરૂપોને કારણે વિકાસ પામી અન્ય કળાની તુલનામાં માનવીય મૂલ્યોને આલેખવામાં ઉત્તમ સ્થાન ધરાવે છે.
નાટક:-
ગુજરાતી સાહિત્યમાં સાહિત્યસ્વરૂપોની વાત કરીએ તો, નવલકથા, નવલિકા, કવિતા, આખ્યાન, ગીત, નિબંધ, નાટક વગેરે છે. આ સ્વરૂપો પોતાના આગવા લક્ષણોને કારણે સાહિત્યકળાનો વ્યાપ દિન પ્રતિદિન વધારી રહ્યાં છે. અહીં, સાહિત્યકળાનાં નાટ્ય સ્વરૂપને ધ્યાને લેતા, તે સ્વરૂપ અતિ પ્રાચીન અને સર્વ કળાઓનું પિયર ગણાય છે. જેમાં અભિનય સાથે નૃત્ય, સંગીત, ચિત્ર, શિલ્પ આદિ અન્ય કળાઓનો વત્તાઓછા પ્રમાણમાં સમન્વય જોવા મળે છે. નાટક દ્રશ્ય-શ્રાવ્ય પ્રકારનું સાહિત્યસ્વરૂપ હોવાથી તથા રંગભૂમિ પર અભિનય સાથે ભજવાતું હોવાથી સાહિત્યરસિકોથી માંડી સામાન્ય જનોમાં તે અતિ પ્રિય બન્યું છે. જેનું બીજુ કારણ નાટકનાં લક્ષણો અને નાટ્યકાર પણ છે. નાટ્યકાર પોતાનાં સર્જન કૌશલ્યો, વિચારશક્તિ, તર્કશક્તિ અને ભાષાપ્રયોગ દ્વારા નાટકને મંચક્ષમ બનાવે છે. આ નાટ્યકારોમાં દલપતરામ, નાટ્યસાહિત્યનાં પિતાનું બિરુદ મેળવેલ રણછોડભાઈ દવે, નવલરામ પંડ્યા, રમણભાઈ નીલકંઠ, કવિ કાન્ત, ન્હાનાલાલ, ચંદ્રવદન ચી. મહેતા, લાભશંકર ઠાકર, ધીરુભાઈ ઠાકર, હરિશ ત્રિવેદી, ભરત યાજ્ઞિક, ધનવંત શાહ અને સતીશ વ્યાસ વગેરેનો સમાવેશ થાય છે.
ગુજરાતી સાહિત્યમાં નાટક ક્ષેત્રે સતીશ વ્યાસનું પ્રદાન ઉત્તમ પ્રકારનું ગણાય છે. તેમણે સાહિત્ય સર્જનની શરૂઆત કવિતા અને ગઝલથી કરી હતી. ત્યારબાદ તેઓ નાટક ક્ષેત્રે આગળ વધ્યા. સતીશ વ્યાસ બાલ્યકાળમાં પિતા સાથે સુરતનાં ફિલ્મથિયેટરોમાં નાટક જોતા અને અનુભવ કરતા. આ રીતે સતીશ વ્યાસ બાલ્યકાળથી જ નાટક ક્ષેત્રે રસ દાખવતા થયા. અને યુવાવયે તેમની નાટ્યકળા મ્હેંકી ઊઠી. તેમણે ગુજરાતી સાહિત્યમાં કુલ બે એકાંકીસંગ્રહો, ‘નોપાર્કીંગ’(૧૯૮૪), અને ‘તીડ’(૧૯૯૬) તથા સાત દ્વિઅંકી નાટકોનું સર્જન કર્યું છે. તેમનાં આ નાટ્યસર્જનોમાં ‘જળને પડદે’ અને ‘ધૂળનો સૂરજ’ જીવનચરિત્રાત્મક નાટકો અન્ય નાટકોની તુલનાએ પ્રથમ હરોળમાં સ્થાન ધરાવે છે. તે ઉપરાંત તેમણે ૫૦ થી પણ વધુ પુસ્તકો લખ્યા છે.
‘જળને પડદે’ નાટક:-
‘જળને પડદે’ જીવનચરિત્રાત્મક નાટક પંડિતયુગનાં સમર્થ કવિઓમાંના એક કવિ, કવિ કાન્ત કે જેઓ અન્ય કવિઓની જેમ પોતાનાં અતુલ્ય સાહિત્યસર્જનને કારણે ગુજરાતી સાહિત્યમાં જાણીત છે. તેઓ ‘પૂર્વાલાપ’ કાવ્યસંગ્રહન આપી, ગુજરાતી સાહિત્યમાં અમર થઇ ગયા છે. કવિ મણિશંકર રત્નજી ભટ્ટ (કાન્ત)ના જીવન પર લખાયેલ આ મૌલિક નાટક છે. જે ઈ.સ.૨૦૦૫માં રજુ થયુ હતું. સતીશ વ્યાસને ગુજરાતી રંગભૂમિનાં જાણીતા અભિનયકાર કમલ જોષીએ બે-ત્રણ કલાકમાં ભજવી શકાય એવું નાટક રચવા કહ્યું. તે સમયે સતીશ વ્યાસને કાન્તના જીવન અને ધર્માંતર પ્રસંગમાં રસ પડતા, કાન્તના જીવનને નાટ્યસ્વરૂપ પ્રદાન કરવાનું ભગીરથ કાર્ય શરૂ કર્યું. અને તા.૧૬/૦૮/૨૦૦૫માં ‘જળને પડદે’ નાટક બધા જ પડદાઓ માંથી બહાર આવી ગયું. ત્યારબાદ ‘જળને પડદે’ નાટકનું વાંચન, પ્રસ્તુતિ કાર્ય તા. ૩૦/૦૮/૨૦૦૫ ના રોજ ગુજરાતી સાહિત્ય પરિષદના, ગોવર્ધનભવનમાં ડૉ. દીપક રાવલ દ્વારા કરવામાં આવ્યું હતું. બે અંકનું આ નાટક પ્રત અને પ્રયોગ એમ બંને રીતે સફળ રહેલું છે. એકપાત્રિય અભિનયની ધરી પર રજુ થયેલ આ નાટકમાં, અન્ય ગૌણ પાત્રોનો પણ કલ્પનિક રીતે નાટ્યકારે પ્રયોગ કરેલ છે. આજ દિન સુધી, આ નાટકનાં કુલ ૮૦ જેટલા પ્રયોગો થઈ ચુક્યાં છે. નાટ્યભૂમિ પર સતીશ વ્યાસે અભિનયની સાથે સંગીત અને પ્રકાશનો જે રીતે સંગમ સાધ્યો છે. તે નાટકને શ્રેષ્ઠતા બક્ષે છે. બે અંકનાં આ નાટકમાં પ્રથમ અંકની શરૂઆત, મંચ પર પડેલા એક મોટા કાવ્યગ્રંથથી થાય છે. જ્યાં એકાએક વેદના, ઉદઘોષણા જેવા મિશ્ર અવાજો સાથે ગ્રંથના પૃષ્ઠોમાંથી એક વ્યક્તિ કથક તરીકે બહાર આવી, “પીડાઉં છું, રીબાઉં છું સદીથી હું મૂંઝાઉં છું, આ પૃષ્ઠોની મરુભોમે બધાં અંગે ભૂંજાઉં છું !” જેવા ઉદગારો રજુ કરે છે. પણ વિષયવસ્તુની રીતે જોઈએ તો, આ નાટકની શરૂઆત કાન્તના ઘરેથી થાય છે. જ્યાં, કાન્ત ‘બુદ્ઘિપ્રકાશ’ સામયિક વાંચી રહ્યાં છે. જ્યારે પ્રથમ અંકનો અંત કાન્તના પુત્ર પ્રાણલાલના અવસાનથી થાય છે. પ્રથમ અંકમાં કાન્તનો જન્મ, કાન્તના પિતા રત્નજીનું અવસાન, ચૌદ વર્ષની વયે કાન્તના સાવરકુંડલાનાં વૈદ્ય જટાશંકરની દીકરી નર્મદા સાથે પ્રથમ લગ્ન, નર્મદાની કુખે પુત્ર પ્રાણલાલનો જન્મ, ચક્રવાકમિથુન, દેવયાની અને વસંતવિજય કૃતિનું દૃષ્ટાંત, નર્મદાનું અવસાન (પ્રથમ પત્ની), કાન્તના જામનગરનાં માસ્તર શંકરલાલ જેઠાભાઈની બીજી દીકરી નર્મદા(ન્હાની) સાથે બીજા લગ્ન, અને પુત્ર પ્રાણલાલનું માંદગીને કારણે અવસાન વગેરે ઘટનાઓનો સમાવેશ થયેલ છે. જ્યારે બીજા અંકની શરૂઆત કાન્ત અને બ.ક.ઠાકોર વચ્ચેનાં સંવાદથી થતા, કાન્તના મૃત્યુની સાથે નાટકનો અંત આવે છે. આ અંકમાં કાન્ત અને બ.ક. ઠાકોર વચ્ચેનો સંવાદ, કાન્તનો બાળકો સાથે ખ્રિસ્તી ધર્મનો સ્વીકાર, ધર્માંતર, ધર્માંતરને કારણે કાન્તનો કુટુંબીજનો, જ્ઞાતિજનો, સ્નેહીજનો, મિત્રો દ્વારા થયેલ વિરોધ અને બહિષ્કાર, કવિ કલાપીનું અવસાન, ભાવસિંહજી મહારાજ અને મિત્રોનાં કહેવાથી કુટુંબ અને બાળકો માટે કાન્ત દ્વારા ફરી હિન્દુ ધર્મ સ્વીકારવો, બીજી વારનાં પત્ની ન્હાનીનું અવસાન, ભાવસિંહજી મહારાજનું અક્ષરનિવાસી થવું, અને કાન્તનું કાશ્મીરની યાત્રા દરમ્યામ મૃત્યુ થવું વગેરે ઘટનાનો સમાવેશ થાય છે.
આ નાટકનાં કેન્દ્રબિંદુની વાત કરીએ તો, ખ્રિસ્તી ધર્મનો કરુણાજન્ય સ્નેહ, કાન્તનો વ્યક્તિ સ્વાતંત્ર્યનો ખ્યાલ, જન્મે ધર્મ વર્ણ નહી પણ કર્મે ધર્મ વર્ણની વિભાવના, સ્વીડનબોર્ગ અને રત્નજી ભટ્ટ (કાન્તના પિતા)ની છબિઓ વચ્ચેનું સામ્ય અને ખ્રિસ્તી ધર્મની પુનરુત્થાનની વિભાવનાને કારણે પ્રગટ થતું ઈશ્વરી સૌદર્યં. ઉપરોક્ત બધી જ બાબતો એક ઉત્તમ જીવનચરિત્રાત્મક નાટક આપે છે.
અહીં, કાન્ત સમગ્ર જીવન દરમિયાન કરુણાજન્ય સ્નેહની ખોજમાં રહ્યા. બંને દામ્પત્યજીવન આનંદિત અને મૈત્રી સમૃદ્ઘિ પૂર્ણ હોવા છતાં, કવિ કાન્તના જીવનમાં હદયનો એક ખૂણો હંમેશા એવા સ્નેહનાં ખાલીપાને અનુભવે છે. તે બાબતને સમજવા માટે લેખકે કવિકાન્તનું જીવન, નાટ્ય દેહરૂપે આપણી સામે મૂક્યું છે.
‘ધૂળનો સૂરજ’ નાટક:-
કાન્તના જીવન પર નાટક લખ્યા બાદ, સતીશ વ્યાસે ગુજરાતી સાહિત્યમાં વાર્તા ક્ષેત્રે એક વિલક્ષણ પ્રતિભા ધરાવનાર વાર્તાકાર, જયંત ખત્રીના જીવન પર આધારિત ‘ધૂળનો સૂરજ’ નાટક ઈ.સ.૨૦૦૯માં રચેલ છે. જયંત ખત્રી ગુજરાતી સાહિત્યનાં આધુનિક વાર્તાકારોમાંનાં એક વાર્તાકાર અને ઘટનાપ્રધાન વાર્તાનાં શિખર સમાન છે. તેઓ એક વાર્તાકાર અને ચિત્રકારની સાથી, વ્યવસાયે ડૉક્ટર પણ છે. તેમણે પોતાની વાર્તાઓ દ્વારા ગુજરાતી સાહિત્યમાં ચોક્કસ મુકામ હાંસલ કર્યો છે. તેમના જીવનને વર્ણવતા બે અંકનાં આ નાટકમાં તેઓનાં જીવનની સાથે કચ્છ અને મુંબઈનો પરિવેશ જોવા મળે છે. જેમાં પહેલા અંકમાં ૧૨ તથા બીજા અંકમાં ૨૪ આંતર દ્રશ્યો આવે છે. આ નાટકનાં પાત્રોમાં જયંત ખત્રી, બચુ, ઝવેર, બકુલેશ (રામજી), યુવકો, યુવતીઓ અને બીજા ગૌણ પાત્રોનો પણ સમાવેશ થાય છે. આ નાટકની રજુઆત સતીશ વ્યાસે નવતર પ્રયોગ દ્વારા કરેલ છે. જેમાં રાજસ્થાનમાં અતિ પ્રચલિત ‘રામદેવના હેલા’ ના ગાન દ્વારા જયંત ખત્રીના જીવનનાં વિવિધ પાસાઓને આલેખવામાં આવ્યા છે. યુવક અને યુવતીઓની પત્તાની રમતથી શરૂ થયેલ આ નાટકનો ‘પૂર્વાહ્ન’ નામે પ્રથમ અંક, જયંત ખત્રીના મુંબઈ છોડવાથી પૂર્ણ થાય છે. આ અંકમાં જયંત ખત્રીનો જન્મ, તેમના પિતા હીરજી હંસરાજનું અવસાન, આર્થિક સંકડામણને કારણે મોસાળ અને ત્યાંથી વ્યવસાયઅર્થે મુંબઈ જવું, શાળામાં જયંત ખત્રીની ચિત્રકાર તરીકેની ઓળખ ઊભી થવી, મૅટ્રિક થયા પછી તબીબનાં વ્યવસાયમાં જોડાવું, ૨૦ વર્ષની વયે, કચ્છનાં મોરજર ગામનાં બચુબહેન સાથે લગ્ન થવા, જયંત ખત્રીનું દાંપત્યજીવન ઈ.સ.૧૯૨૯માં શરૂ થતા, થોડા જ દિવસો બાદ ઈશ્વરને જાણે કંઈક ઓરજ મંજૂર હોય તેમ, બચુબહેનનું અવસાન પામવું. બચુબહેન, જયંત ખત્રીને પોતાના મૃત્યુબાદ, પોતાની નાની બહેન-ઝવેર સાથે લગ્ન કરવાનું વચન લેતા, જયંત ખત્રીના ઈ.સ.૧૯૩૫માં ઝવેરબહેન સાથે બીજા લગ્ન થવા, સંગીતનાં સાધનોમાં રસ દાખવવો, મુંબઈનાં વાર્તા મંડળમાં ‘વર્ષાની વાદળી’ વાર્તા રજૂ કરી વાર્તાકાર કરીકે નામનાં મેળવવી, અમૃતા શેરગીલ સાથે મુલાકાત, વાર્તાલેખનને કારણે માંડવી પાછા ફરવું, વગેરે ઘટનાઓનો સમાવેશ થાય છે.
‘મધ્યાહ્ન’ નામે નાટકનો બીજો અંક જયંત ખત્રી અને ઝવેરબાઈ વચ્ચેનાં સંવાદથી શરૂ થઈ, કેંસરને કારણે જયંત ખત્રીના અવસાનથી પૂર્ણ થાય છે. આ અંકમાં જયંત ખત્રી દ્વારા ‘ખીચડી’, ‘ધાડ’ વગેરે વાર્તાનું સર્જન થવું, ખારવાઓ માટે લડત લડવી, ચુંટણીમાં હાર, જયંત ખત્રીના મોટા ભાઈનું મૃત્યુ, જયંત ખત્રીને કેંસરનાં રોગની જાણ થવી, ઘરનાને પોતાનાં રોગની જાણ કરવી, જયંત ખત્રીની સ્મૃતિમાં વાર્તાનાં પાત્રોનું આવી અભિવાદન કરવું, અને જયંત ખત્રીનું કેંસરને કારણે અવસાન થવું, વગેરે ઘટનાનો સમાવેશ થાય છે. આજ દિન સુધી, આ નાટકનાં કુલ ૧૨ જેટલા પ્રયોગો થઈ ચુક્યાં છે.
ભાષાની વાત કરીએ તો, આ નાટકમાં ગુજરાતી ઉપરાંત મરાઠી અને હિન્દી ભાષાનો પણ પ્રયોગ થયેલ છે. આ સિવાય નાટ્યકારે જયંત ખત્રીનું બાળપણ, ડોક્ટર બન્યા પછીની ઘટનાઓ, વાર્તાકાર, ચિત્રકાર તરીકે જયંત ખત્રીને આલેખી, સામાજિક અને રાજકીય ક્ષેત્ર દ્વારા ગરીબ લોકો પર થયેલ અન્યાય અને શોષિત, પીડિત તથા કચડાયેલવર્ગ પ્રત્યેની જયંત ખત્રીની સંવેદના વગેરે બાબતોને કેન્દ્રમાં રાખેલ છે.
આમ, ઉપરોક્ત બંને જીવનચરિત્રાત્મક નાટકો આલેખાયેલ પાત્રનાં સમગ્ર જીવનને આપણી સમક્ષ ઉજાગર કરી, તેમનાં જીવનની ઘટનાઓ, બનાવો, પરિસ્થિતિ અને સંવેદનાને પ્રવર્તમાન સમય સાથે જોડી અનુબંધ સાધે છે. જ્યારે બીજી તરફ નાટ્યકારે નાટકમાં નાયકના જીવનની ઉલ્લેખનીય હકીકતોને ચકાસીને રજુ કરી, પોતાની નાટ્યસર્જન પ્રતિભાનો પરિચય કરાવ્યો છે.
સંદર્ભસૂચિ:
સોલંકી ગૌતમ દેવજીભાઈ (એમ.ફીલ.), ભાષાસાહિત્ય ભવન, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ