Included in the UGC-CARE list (Group B Sr. No 172)
PDF files has not been created for this issue.
પન્નાલાલ પટેલ કૃત ‘માનવીની ભવાઇ’નું ગદ્ય

પન્નાલાલ પટેલની ‘માનવીની ભવાઇ’ નવલકથા ઇ.સ. ૧૯૪૭ માં પ્રગટ થઈ હતી. આ રચનાએ પન્નાલાલને પ્રથમ પંક્તિના કથાકારોમાં સ્થાન અપાવ્યું છે. આ કથા દ્વારા લેખકે પ્રાદેશિક નવલકથાની દિશામાં પ્રસ્થાન કર્યું છે. ‘માનવીની ભવાઇ’માં લેખકનો વાસ્તવલક્ષી દ્રષ્ટિકોણ જોવા મળે છે. કથાનાત્મક ગદ્ય , વર્ણનાત્મક ગદ્ય અને સંવાદોમાં લેખકની સર્જકપ્રતિભાના દર્શન થાય છે. પ્રસંગને નિરૂપતા ગદ્યમાં તાજગીનો અનુભવ થાય છે. કથાનાયક કાળું, અને તેની પ્રિયતમા રજુ તેમના સગા-સ્નેહીઓ અને ગુજરાતનાં ઇશાન ખૂણે આવેલા પ્રદેશના પ્રાકૃતિક તત્વોના વર્ણનમાં લેખકનું ગદ્ય અવનવી છટાઓ ધારણ કરે છે. ‘માનવીની ભવાઇ’નું ગદ્ય અને અને એમાં પ્રગટ થતા લેખકના ભાષાસામર્થ્યની અનિવાર્યપણે નોંધ લેવી પડે. કથાના ગદ્યમાં નિરૂપાયેલા ઈશાનિયા પ્રદેશની લોકબોલીનો સર્જનાત્મક વિનિયોગ, પ્રદેશચિત્રણ અને પરિવેશ-પ્રગટીકરણમાં લેખકની સર્ગશક્તિનો પરિચય થાય છે. પ્રસંગ-ભાવને અનુરૂપ આરોહ-અવરોહયુક્ત ગદ્યશૈલી ,તળપદી બોલી અને ગામડાની બોલીમાં પ્રયોજાતા રૂઢિપ્રયોગો અને કહેવતો દ્વારા ગામડાનો સમાજ પ્રત્યક્ષ થાય છે. નવલકથામાં આવતા દૂહા-હૂડાની રમઝટો કે અવસરોચિત ગીતો પણ ગ્રામજીવનના ધબકારાને ઝીલે છે. ‘માનવીની ભવાઇ’ના ગદ્યમાં બળુકાઈ અને વેધકતા જોવા મળે છે.

‘માનવીની ભવાઇ’ના ગદ્યની વિશેષતા તેમાં આવતા વર્નાનો છે. નવલકથાનું આલેખન મોટાભાગે વર્ણનોથી થયું છે. વર્ણનોમાં પ્રતીકો, કલ્પનો તથા ઉપમા, ઉત્પ્રેક્ષા , સજીવારોપણ અલંકારોનો પણ ઉપયોગ કર્યો છે. કથામાં આવતા વર્ણનોમાં વિવિધ પાત્રોના વર્ણન, ગ્રામ્યપ્રદેશની ધરતીનું વર્ણન, રાત્રીનું વર્ણન ,ઉનાળાની બપોરનું વર્ણન ,ભાદરવાની સાંજનું વર્ણન, ઉત્તરાયણનું વર્ણન, વરસાદના આગમન પછી ધરતીનું વર્ણન ,છપ્પનિયા કાળમાં રિબાતા માનવીઓ અને પશુઓનું વર્ણન અને છપ્પનિયા કાળમાં જીવતા પશુઓને ખાઈ જતાં માણસોના શારીરિક વર્ણન અને જન્મ આપી તરતજ પોતાના બાળકને ખાતી સ્ત્રીનું વર્ણન અત્યંત હ્રદયદ્રાવક રીતે થયું છે. દુષ્કાળની પરિસ્થિતીનું વર્ણન જોતાં તો હ્રદય પણ કંપી ઊઠે છે. વરસાદના આગમન પછી એકાએક ધરતીની જે કાયાપલટ થાય છે. તેને વર્ણવતું ગદ્ય જુઓ: ‘અષાઢી ત્રીજની રાતે આકાશ ચગડોળે ચઢ્યું. પાછલી રાતે ધરતી પર વાવાઝોડાનું ધમસાણ મંડાયું .કૂકડો બોલતાં તો ધરતી અને આભ એકતાર થઈ બેઠા.

ને પરોઢ થતામાં તે પેલા મેહુલો ગડગડાટ કરતો ઓતરાની હરણમાળામાં ચાલતો થયો. વાયરા , વંટોળ અને વીજળીઓ પણ લશ્કર સાથે જતાં સરંજામની જેમ લોપ થઈ ગયા.
લોકોએ જોયું તો આ એક રાતમાં છેલ્લી બેચાર ઘડીમાં ધરતીએ જાણે પાસું ફેરવી નાખ્યું. ગઈ કાલે તો એ ન મુકાઇ-અરે ! શ્વાસ રૂંધાઈ જાય એવી વરાળો કાઢતી હતી. જ્યારે આજે એના પર લાંબા થઈને ઊંઘી જવાનું મન થાય એવી ઠંડી ,પોચી અને રળિયામણી બની બેઠી હતી. ઠેરઠેર ખીણો અને ખાબોચિયાં છલકાઈ રહ્યા હતા. જ્યારે દેડકા તો જાણે જાતજાતના સૂર કાઢતી ઘંટીઓ જ ફરી રહી ! ઝાંખરાં જેવી લાગતી પેલી વનરાજી આ એક જ રાતમાં નવપલ્લવિત થઈ બેઠી હોય તેમ આંખ ઠરે એવો લીલો રંગ ધારણ કરી જાણે મરક મરક હસી રહી હતી. પક્ષીઓ પણ વરસાદ સાથે આભમાં કોઈક ખૂણામાંથી ટોળબંધ ઉતારી આવ્યાં ન હોય ! રમવા ને વરસાદનાં વધામણાં ગાવા !.......અને આમ એક જ રાતમાં ધરતી આખી બદલાઈ બેઠી હતી.” (માનવીની ભવાઇ 53)

વિવિધ અલંકારોની મદદથી સર્જકે ધરતીની કાયાપલટ પ્રત્યક્ષ કરી છે. ઉપમા, ઉત્પ્રેક્ષા જેવા અલંકારોના વિનિયોગથી ગદ્યની શોભા વધારી છે : ‘છેલ્લી બે ચાર ઘડીમાં ધરતીએ જાણે પાસું ફેરવી નાખ્યું’ -જેવા વાક્યમાં સજીવારોપણનો વિનિયોગ સાર્થક બન્યો છે. ‘મરક મરક’ જેવા શબ્દગુચ્છો વર્ણનને વધારે તાદ્દ્રશ બનાવે છે. ‘આમ એક જ રાતમાં ધરતી આખીય બદલાઈ બેઠી હતી’ – જેવા એક જ વાક્યથી વરસાદના આગમનથી બદલાયેલી પ્રકૃતિનું દ્રશ્યચિત્ર રજૂ કર્યું છે. પ્રાકૃતિક વર્ણનો એ ‘માનવીની ભવાઇ’ના ગદ્યની નોંધપાત્ર વિશેષતા છે.

પરંતુ છપ્પનિયા કાળમાં હાડપિંજર જ જેના બચેલા છે એવા માનવીઓ જ્યારે મૂંગા પશુઓ ઉપર તૂટી પડે છે અને જે રીતે માંસ ખાવા તલપાપડ થયા છે. – અધીરા બને છે.એને વર્ણવતું ગદ્ય ઘડીભર હ્રદયને ધબકતું બંધ કરી દે તેવું છે:
“વીસ પચ્ચીસ હાડપિંજર પેલા મરેલા ઢોર પર તુટી પડ્યાં હતાં. દાંત જ છરીઓ હતી ને દેવતા તો પેટમાં ભડકતો જ હતો ને ? કાળુ કંપી ઉઠ્યો . ક્ષણભાર તો એને વહેમ પડ્યો કે પછી ગીધડાં છે ?
ગીધની જેમ જ થઈ રહ્યું હતું : કોઈ પેલા છોકરાને હડસેલા મારતું હતું. તો કોઈ ડોશી વળી ખૂન પીતી હતી. ઢોરના અકકેક પગે બબ્બે જણા બચકા ભરતાં હતાં . જ્યારે તલવારો સાથે ચઢી બેઠેલા બે જણા તો કાપી કાપીને –લંગોટી ઉપરાંત કપડું હોય તો ખોળો વાળેને ? બગલમાં મારતા તો વળી પેટને સાથળ વચ્ચે દબાવતા હતાં.તલવારનો ડર હતો તોય કોઈ કોર એકાદ લોચો તાણી લેતું.” (માનવીની ભવાઇ 310-11)

ગમે તેવા કઠોર હ્રદયને પિગળાવી દે તેવું હ્રદયદ્રાવક વર્ણન છે. સર્જનાત્મક ગદ્ય દ્વારા લેખકે છપ્પનિયા કાળમાં ભૂખથી પીડાતા માણસોનું અત્યંત કરૂણ ચિત્ર ઉપસાવ્યું છે. પરિસ્થિતિને ભાષા દ્વારા દ્રશ્ય-ચિત્રો સાથે પ્રત્યક્ષ કરવાની ક્ષમતા પન્નાલાલ પાસે છે. “જ્યારે તલવારો સાથે ચડી બેઠેલા બે જણ તો કાપી કાપીને – લંગોટી ઉપરાંત કપડું હોય તો ખોળોય વાળેને ?” આ વાક્યમાં છપ્પનિયાકાળની પારાકાષ્ટા આવે છે. ‘ઢોરના અકકેક પગે બબ્બે જણ બચકાં ભરતા હતાં’ – વાક્ય વાસ્તવિકતાને તાદ્દશ કરે છે. દુનિયામાં ભૂંડામાં ભૂંડી ભૂખ છે. એ કઠોર વાસ્તવિકતાને લેખકે રજૂ કરી છે. છપ્પનિયા કાળમાં પશુઓની સાથે માણસો પણ પીડાય છે. તેમને ખાવા માટે અનાજ નથી. મહિનાઓથી આ માણસો ભૂખથી પીડાય છે. તેમને ખાવા માટે અનાજ નથી ,આ માનવીઓને લેખક કેવી રીતે વર્ણવે છે તે જુઓ :
“એ પચાસ માણસના ટોળાએ માંડ દશ જણાની જગા રોકી હશે ,એમાં જુવાન હતા ને યુવતીઓ પણ હતી . પણ માત્ર લંગોટીના સ્થાને ઝાડની છાલ ને પાંદડાં વીંટાળ્યાં હતા. છતાં ઓળખવામાં ભારે પડી ગયા હતા. આજથી આઠેક માસ પર અકકેક ઘડો ધાવણ ભરી રાખતા પેલા સ્તન છાતીમાં પાછા બેસી ગયા હતા. જ્યારે પાછળ આવતા ડોસા તો ઢસરડા જ તાણતા હતા. કાયાનો ને જીવતરનાંય ! આ બધાના પગમાં અટવાતા છોકરા :’ખાવું આઈ ! ખાવું મરી ગઈ રે .....ઓ આઇયા....! આમ બોલવાની શક્તિ ખોઈ બેઠેલાં માત્ર આછા આછા આર્તનાદો કાઢતાં હતાં. કાળું જાણતો હતો કે એમના હાથપગમાં એક તણખલું તોડવા જેટલીય શક્તિ નથી. પણ અત્યારે આગળ ચાલતાં પેલા મોરપગાના જોરે જ આટલુંય જોર આવ્યું છે. (માનવીની ભવાઇ 312)

છપ્પનિયાકાળની પરિસ્થિતી કેટલી કઠોર હશે તેને વર્ણવવામાં લેખકનું ગદ્ય સફળ રહ્યું છે. ‘એ પચાસ માણસોનાં ટોળાએ માંડ દશ જણાની જગ્યા રોકી હશે’.- દુષ્કાળમાં પીડાતા માનવીની શારીરિક સ્થિતિ અહીં જે રીતે વર્ણવાઇ છે, તેમાં ભૂખમરાથી દુભાતા – હિઝરાતા માનવીઓની દશાને નિરૂપતું ગદ્ય અત્યંત કરૂણ પરિસ્થિતિનો અહેસાસ કરાવે છે. એક ટાઈમ ખાવાનું તો ઠીક પરંતુ માનવીઓને શરીર ઢાંકવા માટે એક વસ્ત્રનો ટુકડો પણ નથી ,આ બાબત કરૂણ રસને ઘેરો બનાવે છે. ‘જ્યારે પાછળ આવતા ડોસા ડોસી તો ઢસરડા જ તાણતા હતાં. કાયાનાં ને જીવતરનાંય !’ જેવા એક જ વાક્યમાં માનવજીવનની વરવી વાસ્તવિકતાને પ્રત્યક્ષ કરી છે.

‘માનવીની ભવાઇ’ નવલકથાના ગદ્યની બીજી વિશેષતા તેમાનું કથાનાત્મક ગદ્ય છે. તેમનું કથાનાત્મક ગદ્ય ક્યાંય નિરસ બનતું નથી. તેમાં સરસતા અને સચોટતા જેવા ગુણો છે. સાથે સાથે લેખક કથનની વિવિધ પ્રયુક્તિઓ પણ યોજે છે. કાલુની સગાઈ લઈને તેના સાસરી પક્ષનાં મહેમાનો આવવાના હતાં . આ પ્રસંગે કાલુના માતાપિતાની ભાવવિભોર સ્થિતિને વર્ણવતું ગદ્ય જુઓ :
“વાલો ડોસો તો ગાંડો ઘેલો થઈ ગયો જાણે ભગવાન પધારવાના નાં હોય ! તલ વાવવાય પડતાં મૂક્યા. આઠ દશ ઘર ફરી વાળ્યો ને શેરને બદલે બસેર ઘી પેદા કર્યું.ઘઉં લઈ આવીને જાતે પત્નીને દરણું કરી આપ્યું .સવાયા દામ લખાવી વાણિયાને ત્યાંથી પાંચ સેર ગોળ લાવી દીધા. આ સિવાય બે ચાર ગોદડીઓય માંગી લાવ્યો . વિવા લઈને આવનાર પેલી સ્ત્રી મે’માનો રાતવાસો રહે માટેસતો !
જ્યારે પત્નીના ઉલ્લાસનું તો પૂંછવું જ શું ? અને કેમ નાં થાય ! લોકોના આંગણા તોડી પાડત –પગના તળિયા ઘસી નાંખત ત્યારે ક્યાંક છોકરાનું સાબૂત થાત .જ્યારે આ તો ગામમાં સારા સુખી ગણાતા ઘરમાંનું એક , ને તેય પાછા સામા સગાઇ લઈને આવતા હતાં.ખુદ પરમા પટેલેને ત્યાં ત્રણ છોકરાંમાંથી એકનો જ સામો વિવા આવ્યો હતો.” (માનવીની ભવાઇ 61)

પ્રસ્તુત કથાત્મક ગદ્યમાં કાળુની સગાઈનો પ્રસંગ વિવિધ ક્રિયા-પ્રક્રિયાઓથી વાણી લીધો છે. દરેક ક્રિયાઓ એક જ પ્રસંગે સાથે જોડાયેલી છે. કથન વચ્ચે વચ્ચે ક્યાક ખોટકાતું નથી. કથન પ્રસંગોપાત બન્યું છે. તેના કારણે કથનનો પ્રભાવ પડે છે. કથાનાત્મક ગદ્યમાં પ્રયોજાયેલા વિશિષ્ટ શબ્દપ્રયોગો પણ ધ્યાન ખેંચે છે. સામાન્ય લેખક ‘બસેર ઘી પેદા કર્યું’-એમ લખે છે. આ બાબત કથનને સચોટ બનાવે છે. તેના કારણે ગદ્ય માત્ર માહિતીપ્રધાન બનતું નથી. લેખકે કથાનમાં વિવિધ ક્રિયારૂપો મૂક્યા છે. જેમ કે ‘તલ વાવવાય પડતાં મૂક્યા’, ‘બસેર ઘી પેદા કર્યું.’ ‘પત્નીએ દળણું કરી આપ્યું’ , ‘શેર ગોળ લાવી દીધો’ , ‘બે ચાર ગોદડીયો માંગી લાવ્યો’ , જેવા ક્રિયારૂપો ધરાવતા વાકયોના કારણે વૈવિધ્ય જન્મે છે. ક્રિયાઓમાં વૈવિધ્ય હોવાના કારણે કથનનો પ્રભાવ પડે છે. જો કે ‘માનવીની ભવાઇ’માં કથન ઓછું અને વર્ણનો વધારે જોવા મળે છે.

નવલકથામાં આવતા વિવિધ પાત્રોના વર્ણનો આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. કાળુ , રાજુ , માલી ડોશી ,વાલા પટેલ ઉપરાંત પેથા પટેલનું પાત્ર વર્ણન લેખકની ગદ્યકાર તરીકેની સિધ્ધિ વર્ણવે છે. લેખકે પેથા પટેલનું પાત્રવર્ણન કઈ રીતે કર્યું તે જુઓ :
“એટએટલા ગાળામાં પેથા પટેલ એક નંબરનો મુત્સદ્દી ગણાતો. ઠાકર- ઠાકરાતો એની સલાહ લેતી. વાણિયા એને માનતા હતાં. ઉમર તો પિસ્તાળીસની હતી પણ શરીર જોતાં સાઠ વરસનો લાગતો ને ન્યાય કરતી વખતે સિત્તેરનો દેખાતો .વિરોધ પક્ષને છક્કડ ખવડાવવાની એની પાસે ગજબ આવડત હતી . કોઈ ભારે મામલો હોય તો એ પોતે જ મામલાને ગૂંચવી નાખતો ને પછી વિરોધીઓને ઉકેલવાનું આહવાન આપતો,……. છેવટે ફટાફટ ઉકેલી આપી પેલા લોકોને સદાય માટે ચૂપ કરી દેતો.
પણ સાચું પૂછો તો પેથો પટેલ પોતે જ કોયડો હતો. એ કોનું ભલું કરશે ને કોનું બૂરું એ નક્કી કરવાનું મુશ્કેલ હતું. છડેચોક લાંચ ખાતો ને કોઈ ઠેકાણે હળાહળ અન્યાય કર્યાનું કોઈનેય નથી સાંભરતું . આમ જુઓ તો સૌ કોઈ એને પોતાનો માનતા હતાં.
નાના મામલામાં એ માથું જ નહોતો મારતો . પણ જો કોઈ મોટો મામલો હોય તો એક કાંકરે બે નહી પણ બાવીસ પક્ષી તોડી પાડતો. આખાય વરસનું અફીણ ને લૂઘડાં –અરે ખાધા ખર્ચ પણ કાઢી લેતો .” (માનવીની ભવાઇ 338-339)

પાત્રનું આંતરિક અને બાહ્ય વ્યક્તિત્વ, તેનો દેખાવ, વ્યક્તિત્વના વિવિધ પાસા તેમજ ન્યાય કરવાની તેની આવડત તથા પાત્રની વાસ્તવિકતા ઉપસાવવા માટે લેખકે ભાષા પાસેથી ધાર્યું કામ લીધું છે. ‘એક કાંકરે બે નહી બાવીસ પક્ષી તોડી પાડતો’ –આ પંક્તિમાં પ્રથમ દ્રષ્ટિએ અતિશયોક્તિ લાગે છે. પણ પાત્રને તેના યોગ્ય પરિપ્રેક્ષ્યમાં ઉપસાવવા માટે આવો શબ્દપ્રયોગ યોગ્ય પુરવાર થાય છે. પ્રભાવશાળી વ્યક્તિત્વ રજૂ કરવા માટે આવા વાક્ય- શબ્દ પ્રયોગોનો ઉચિત રીતે વિનિયોગ થયો છે. આ રીતે નવલકથામાં વિવિધ પાત્રોને ઉપસાવતુ ગદ્ય આકર્ષક બન્યું છે.

માત્ર પાત્રોના વ્યક્તિત્વ ઉપસાવવામાં પાત્રના હાવભાવા કે અવસ્થા નિરૂપણ વડે સર્જક સંતુષ્ટ રહેતા નથી પાત્રો જુદા જુદા પ્રસંગે જે અનુભવે છે. તેના કારણે જે વિચારે છે. વિમાસે છે સંવેદે છે તેને ભાષામાં વ્યક્ત કરતાં રહે છે. કાળુની સગાઈ લઈને તેના સાસરી પક્ષના સગા આવવાના હતા તે સમયે માલી ડોશીનું મંથન જુઓ :
“કપ્પાળ સુખી ! ફૂલડી ડાકણે સત્તર સપાડા કર્યા હશે ત્યારે તો દીકરાનો વિવા થયો-
વળી વિરોધ ઉઠ્યો : “ જૂઠું ન બોલ રાતે તેંજ ફૂલી ડોશીને મોંઢે સાંભળ્યું છે. તારા જ વઢાયાં હતા ! તુજ ફૂલી નતી સમાતી ને જ્યાં હોય ત્યાં મે’ણા બોલતી’તી તે લે ! આ હવે ! આવી સાસરી તો તારા ત્રણ છોકરામાં એક્કેયને નથી મળી , ને તે પાછો સામો વિવા લઈને . બાકી તું ક્યાં નથી જણાતી ? તારો ઘરવાળો છાના ત્રણ ધક્કા ખાઈ આવ્યો’તો ત્યારે . ને આ તો ડોસાએ કોઈને સાપદુય નથી કરાવ્યું. ........ત્યારે એ તો પૈસા તો એના છે !.......... (માનવીની ભવાઇ 72)

એમ અનેક રીતે પ્રશ્નો કરતા માલી ડોશીના પાત્ર નિરૂપણમાં અને અન્ય પાત્ર પર પોતાનું વર્ચસ્વ જમાવવા મથતા પાત્રોના મનોમંથનમાં સર્જકની ભાષા શક્તિ ઊણી ઊતરતી નથી. માલી ડોશીની અવસ્થા , તેનું બેબાકળાપણું , તેની શંકા ,તેનો રોષ ,તેની પીડા વગેરેને નિરૂપવામાં લેખકનું ગદ્ય કામયાબ રહ્યું છે.

પરંતુ લેખકની ગદ્ય શક્તિનો ઉન્મેશ એમણે કરટેલા પાત્રોની લાગણીના નિરૂપણમાં જોવા મળે છે. નાની ઉંમરમાં પોતાના પતિની હાજરીમાં રાજુ- કાળુ વિવાહ નક્કી થયા હતા .પરંતુ રાજુના મામાને આ વિવાહ પસંદ નથી . જ્યારે રાજુની માં પોતાના પતિનો બોલ નિરર્થક ન જાય તે માટે પોતાના ભાઈને છોડવા પણ તૈયાર છે. પોતાની દીકરીના વિવાહ પોતાની તથા પતિની મરજી પ્રમાણે થાય એ માટે રાજુની માં જે લાગણી અનુભવે છે એને લેખક ભાષામાં ઝીલે છે.
“ ને એ કેમ બને ? જ્યારથી આ સગાઈ બદલવાની વાત ભાઈએ શરૂ કરી ત્યારથી –કંઈક અનેકવાર –જાગતી હોય ત્યારે કલ્પનામાં અને ઊંઘતી હોય ત્યારે સપનામાં મૃત પતિએ એને કહ્યા કર્યું આ : જોજે હાં ! મીં ધનધાન જોઈને દીકરી નથી નાખી .એ તો વેળા વેળાની છાયા છે. બાકી ખરું તો મીં કુળ જોયું છે , સગાનો ભાવ જોયો છે, ને ,કાંડ જોયો છે. મૂરતિયો ! એ દીકરીની જાત તો આપકર્મી છે........માટે લોકોમાં વાતો ના કરાવતી ! મારુ મરેલાનું વચન ના ઉથામતી !” (માનવીની ભવાઇ 117)

નવલકથામાં દસ્તાવેજી બાબતોનું નિરૂપણ બહુધા કથનથી થયું છે. પરંતુ પાત્રોના ક્રિયાકલાપ અને રસપ્રદ પ્રસંગો પરિસ્થિતિઓનું આલેખન વર્ણનાત્મક ગદ્યથી થયું છે. જ્યારે કથાની અભિવ્યક્તિ મોટે ભાગે સંવાદ અને વર્ણનથી સધાઈ છે. આ કથાનું સ્થળ ઉત્તર ગુજરાતનું છે. અને એમાં ઊભો થતો સમાજ ત્યાંના ગ્રામવાસીઓનો છે. એટલે લેખકે પાત્રોના સંવાદો ત્યાંની લોકબોલીમાં પ્રયોજયા છે. બુન , દન, પીટયો , રોયો ,પાપડા , હાલ્લાં, કુણ ,ખડિયો, ધનંગ ,ટીલો ,કલદાર ,શેરી ઘોડી, મેલવું,શેલી , ફાડયા, જોંત ,પરગટ, મારગ , ચોપાટ, દળજ્યા, પારોઈ, ડિલ , જંપ , પરોણા , દુંભીકાતીલા , પાટુકા ,એંગ ,પેરવું, અંતરજામી , ભાંડુ, આંશી, મેંઢી, ઢુંકી, સબળાઈ, દળજ્યા, તરેડિયા , તૂપિયા, કાઉઆ , ભાણગો , વરી , ગાભ , વતા વગેરે શબ્દોના અર્થ નક્કી કરવાના હોવાથી શબ્દોની સાથે જ તેના શિષ્ટ ભાષાના અર્થ પણ મૂક્યા છે. તેથી ભાવકને તળપદા શબ્દોના અર્થ શોધવા ન પડે .

બોલચાલના લય-લહેકા અને કાકુઓથી પ્રસંગે પ્રસંગે આકર્ષક અને ચમત્કૃતિપૂર્ણ બનતા સંવાદો નવલકથાના ગદ્યનું આકર્ષણ અંગ બને છે. સર્જકે ઉત્તર ગુજરાતનાં ઇશાનિયા ખૂણાની કથા રજૂ કરતાં તેની સાથે સંકળાયેલા પાત્રોને પોતાની ભાષા આપી છે. પોતાની બોલીમાં વ્યવહાર કરતાં આ પાત્રો લાક્ષણિક ઉક્તિપ્રયોગો અને વૈયક્તિક લહેકાઓથી આબાદ ઉઠાવ પામ્યા છે. “એ મારો, મે’ણા મારો ! કાળિયો નામ જુઓને નામ ! કાળા મૂઢાનો પાક્યો છે તે ! –(પરમાની વહુ ) કુણ જાણે બુન ? પણ એટલું ખરું, બધાય ,ડાકણ ડાકણ કહે છે. તે બધાય ફૂલીમાને સારેહીણે અવસરે તેડે છે.’ ‘મારશે ત્યારે ગોળીને મોંઢે ગણણું દેવાય પણ કૂવા ને મોંઢે ક્યાં દેવા જવું ?..... (ફૂલીમા ) ‘પેર્યાના લૂઘડાં ઊતારી લઇશ , હા ! ...( માલી ) ‘મારો ચઢામણ કરશે કે ભૂખા – લફડાટે ? (નાનુ ) ધન છે રાજુડી તારા માતા-પિતાને આવી તો મીં તને ન’તી જાણી –(કાળુ) ‘એવું તે હોય બામણ દેવતા ! માનવી હોય તે માનવી પાસે જ આવેને ? તો ચાલો મારી ગરીબની ઝૂપડી પાવન કરો’ (વાલો ડોશો) . “કાળના પાડનાર ભગવાન તારું મૂળ જામે તેં માનવીની આ દશા કરી !’ (કાળુ) “ના’વાની વેળા એ ઊભાં પાણીનું ભાંચરિયું કાઢી આલજો ને ધોતિયુંય તમે ધોજો. ખાવા બેસે ત્યારેય કેવું,રૂપાળું સાયણું કરીએ ! ને રોટલોય કલેડામાંથી ઊતરતો-ઊનો જ આલીએ ........એ કઈ કે’તો ભર્યે મોંઢે !’ (રાજુ) ‘ જે માંગો એ વિચાર કરીને , બુન ! માગવા બેસો તો તો ઘણુય માગી શકો પણ – લૂઘડું જોઈને વેતરજો મારા ભાઈ’ (ફૂલી ડોશી ) , ‘તને થયું છે શું એ તો કે મને ? આ અડધી રાતે શાના જાગ માંડ્યા છે આ ? મારું હાળું ભૂત ભરાયું હોય તોય આવું તો ના કરે !’ (પરમો પટેલ) , -આ બધા દ્રષ્ટાંતોમાં માત્ર પોતાની વાણીથી જ એકબીજાથી જૂદું એવું પોતાનું વ્યક્તિત્વ અને ચારિત્ર્ય ધરાવતા પાત્રો જોઈ શકાય છે. એમની વાણીના લય-લહેકા અને કાકુ ,એમના સ્નેહ ,રોષ ,ચીડ, લાડ, તિરસ્કાર ,ઈર્ષ્યા , આછકલાઈ ,હતાશા ,વ્યથા, લુચ્ચાઈ અને ચતુરાઇ પ્રગટ કરી આપે છે.

ગ્રામીણ સમાજના માણસોને વાતચીતમાં પદે પદે કહેવતો અને રૂઢિપ્રયોગો વાપરવાની ટેવ હોય છે. લેખકે આ વાત લક્ષ્યમાં રાખીને એમના સંવાદોમાં કહેવતો અને રૂઢિપ્રયોગોનો છૂટથી વિનિયોગ કર્યો છે. અને તેમાંય એ જાતના વાણી પ્રયોગો એ વાતાવરણમાંથી લેવાય એનો વિશેષ ખ્યાલ રાખ્યો છે. ‘લૂઘડું જોઈને વેતરવું’ , ‘સસલાના આગલા દોડે એવા પાછલા ન દોડે’ , ‘સતી શાપ દેશે નઇ, ને શંખણીના -‘ , ગોળીના મોંઢે ગરણું દેવાય , પણ કૂવાના મોંઢે ક્યાં દેવા જવું ?’ ‘કૂવો ખોદે તે પડે’ , ‘લૂધે માર્યા પાણીના જુદા ના પડે’, ‘બોયણાના દામ સારા રુઝાઇ જાય ,પણ મેણાના ડામ મુએ મટે’ , ‘ દશ ગાઉનું છેટું ભાગે પણ અષાઢિએ , પોર પડેલું એક ખોળાનું છેટું કદી ન ભાગે , ‘ ચાટવે ઘેંસ વાળવી ’ , ‘કોદરા ખાતા હતા એમાથી મકાઇ ખાતા થયા’ , ‘મોરના ઇંડાને ચીતરવા ન પડે’ , ભાગતા ભૂતના જે કેશ હાથમાં આવ્યા તે ખરા’ જેવી કહેવતો ઉપરાંત કેટલાક રૂઢિપ્રયોગો જેવા કે ‘મોં બગાડ્યું’ ‘ભડકો થવો’ ‘ તણખા ઝરવા’ ‘માથા કૂટવા’ ‘વગર દેવતાએ બાળી મૂકવું’ ‘ટાપસી પૂરવી’ ‘ત્રાગડા મેળવવા’ ‘ધ્રાસકો પડવો’ ‘આગ આગ થઈ ઊઠવું’ – આ જાતના પ્રયોગો કથાને અનુરૂપ વાતાવરણ સર્જવામાં ઘણા ઉપકારક બને છે.

‘માનવીની ભવાઇ’નું ગદ્ય એમાં પ્રગટ થતી સર્ગશક્તિ અને ભાષાસામર્થ્યની નોંધ આવશ્ય લેવી પડે . નવલકથાના ગદ્યમાં નિરૂપાયેલા ઈશાનિયા પરદેશની લોકબોલીના સર્જનાત્મક વિનિયોગનો પ્રાદેશિક ચિત્રણ અને પરિવેશ-પ્રગટીકરણમાં બહુ મહત્વનો ફાળો છે. પ્રસંગ ભાવને અનુરૂપ આરોહ-અવરોહ યુક્ત ગદ્યશૈલી , તળપદી બોલ કે ગામડામાં પ્રયુક્ત રૂઢિપ્રયોગો અને કહેવતો દ્વારા ગ્રામીણ જનસમુદાય પ્રગટ થાય છે. તો નવલકથામાં આવતી દુહાની રમઝટ કે અવસરોચિત ગીતો પણ ગ્રામજીવનના ધબકારાને ઝીલે છે. ગામડાના પાત્રો અને તેની બોલાતી ભાષાનો સર્જનાત્મક વિનિયોગ કરીને લેખકે નવલકથાના સ્વરૂપની ક્ષિતિજો વિસ્તારી છે. પન્નાલાલે ‘વળામણાં’ નવલકથાથી જ ગુજરાતી ગદ્યને નવું બળ આપ્યું છે. તાજગીસભર ગદ્યની વિશેષ છટા પ્રગટાવવાની શક્તિ પન્નાલાલમાં છે. તેમણે તળપદી બોલીના વિનિયોગથી વિવિધ ગદ્ય છટાઓ વિકસાવી છે. સ્થાનિક લોકબોલીના લય-લહેકા , રૂઢિપ્રયોગો, કહેવતો તથા ઉપમા , રૂપક , ઉત્પ્રેક્ષા ,સજીવારોપણ જેવા અલંકારો અને પ્રતીકોના વિનિયોગથી અગાઉના નવલકથાકારો કરતાં જુદી રીતે ગદ્ય વિકસાવ્યું છે. અને ગુજરાતી ભાષાનું ધન વધાર્યું છે. આ ઉપરાંત પાત્રોની ઉક્તિ તથા સંવાદોમાં ભળેલો તળપદો રંગ ગદ્યને રસાત્મક બનાવે છે. ગદ્યમાં વપરાયેલા ગામઠી અને તળપદા શબ્દો ગદ્યને નવું બળ આપે છે.

સંદર્ભ

  1. પટેલ, પન્નાલાલ. માનવીની ભવાઇ . અમદાવાદ : સાધના પ્રકાશન , 1947 . Print .

ડૉ. ધર્મેન્દ્ર આર . પટેલ, શ્રી વસનદાસ હાઈસ્કૂલ, વીરસદ તા-બોરસદ જી-આણંદ